મારી કમળા

ભલે તમે માનો કે ન માનો, પણ કેટલાકના જીવન પર કમનસીબીના ચારે હાથ હોય છે; અથથી ઇતિ સુધી સુખનાં સ્વપ્ન પણ તેમને દુર્લભ હોય છે. તેનો દાખલો જોઈએ તો હું! જન્મથી એકે પાસો સીધો પડ્યો નથી, એકે કામ નિર્વિઘ્ને પાર પડ્યું નથી, એક અવસર વાંધા વગરનો ગયો નથી. કોઈ વખત તો ઈશ્વરની ભલાઈ વિશે પણ સંશય થાય છે! નહીં તો શા સારુ જન્મ આપતાં જ માતા પોતાના પહેલા પુત્રનું સુખકર રુદન સાંભળ્યા વિના સ્વધામ જાય? શા સારુ ગરીબ પિતા એકના એક પુત્રની કંઈ પણ ગોઠવણ કે સુપરત કર્યા સિવાય એક વર્ષમાં પોતાની પત્ની પાછળ સ્વર્ગે સિધાવે?

હશે? ગયાં. બાળપણની ભોળી અને અજ્ઞાન નિર્દોષતામાં વહાલાંને વિસાર્યાં અને મેં એકલાએ જ સૃષ્ટિની નિર્જનતામાં ભટકવાનો આરંભ કર્યો. શી મુશ્કેલીએ ભણ્યો-ક્યાં ક્યાં આથડ્યો — ક્યાં સૂતો — એની કોને દરકાર? બહેરી દુનિયાને સંભળાવ્યે શો ફાયદો? બાવીસ વર્ષે ભણતર પ્રમાણે સારે ધંધે વળગી એકલા જીવનના લેવાય તેટલા લહાવા લેવાની મેં શરૂઆત કરી.

હું કમાતો અને મારી ન્યાતની એક ગરીબ વિધવા ઘર ચલાવતી. તે મારા ઘરમાં તેની દીકરી સાથે રહેતી. કમળા આઠ વર્ષની, રૂપાળી અને ચકોર હતી. તેનું હંમેશ હસતું મોં મારા એકાંત ઘરનું ઘરેણું હતું. તે હસતી અને નિરંતર કંઈ નવાં નવાં ગાંડાં કાઢતી. હું એને રમાડતો અને વખતે ભણાવતો: પણ તેની માનું હેત તેના પર બિલકુલ નહોતું. શાનું હોય? કઠોર હૃદયની તે પાપી માતા પોતાની એકની એક છોકરીને ઊંઘતી છોડી એક રજપૂત જોડે નીકળી ગઈ. તેનો પત્તો ન મળ્યો. ગરીબ બાપડી કમળાને એકલો મારો જ આધાર રહ્યો.

અનાથને અનાથ પ્રતિ આકર્ષણ સ્વાભાવિક હોય. આધાર વિનાનાં ઊંચે આભ અને નીચે ધરતી એમ હતું. અમારો સ્નેહ વધ્યો. માતાપિતા, ભાઈભાંડુ, બધાંની ગેરહાજરીથી દબાઇ રહેલી લાગણીઓને હવે સ્થાન મળ્યું, કમળા મારું સર્વસ્વ બની. તેને હસવે હું હસતો, રડવે હું રડતો. ચોવીસે કલાક તેના સ્મરણમાં વખત ગાળતો અને તેના સુખની સામગ્રીઓ તૈયાર કરવામાં મારા જીવનની કૃતાર્થતા માનતો. મારી કમળા! તેને જરા પણ આંચ આવતાં હું બળી મરતો. તેને પોતાની માતાનો વિયોગ સાલતો, પણ માતાને ભુલાવે એવી સ્નેહાર્દ્રતાથી હું તેને સંતોષતો. તે પણ મને જ દેખી રહેતી અને મારે દુઃખે દુખી બનતી. તેના કોમળ અંત:કરણે મારા સ્નેહને સ્વીકાર્યો.

તે અને હું પ્રેમમાં પડ્યાં.

મને કોઈ વખત સંશય થતો કે આ હસતી અને કૂદતી મૃગલીનો અસ્થિર સ્વભાવ અગાધ પ્રેમ સમજશે? તેનો સ્વભાવ ઘણો જ ચંચળ હતો, એક વિષય પર ચોંટી રહેવું એ તેને દુઃખકર લાગતું. મારી શંકા કોઈ વખત ઘણી વધતી અને કોઈ વખત નાશ પામતી; પણ હું જાતે જ ચળ્યો. અભ્યાસ કરી, બૅંક જેવી સંસ્થામાં નોકરી કરી. કંઈપણ નિયમિતતા મેળવી હતી તે મેં વિસારી. કમળાનું હાસ્યવિદ્યુત મારા સખતમાં સખત નિયમોને ભેદતું. એની આંખને ઇશારે હું મારા મોટામાં મોટા નિર્ણય તોડવામાં મોજ માનતો. તે રૂપમાં વધતી ચાલી, જુવાનીને પહેલે પગથિયે ચડવા લાગી. તેના લાવણ્યે મારા હૃદયમાં વિવિધ વિકારો પ્રેર્યા. તેનું કોઈ પાસેનું સગું હતું નહીં. મેં તેને પૂછ્યું ને તેણે મને સ્વીકાર્યો.

અમે પરણ્યાં. પછી સુખમાં શું પૂછવું? જ્યાં અન્યોન્ય પ્રેમ-લાગણીઓ ઊભરાતાં હોય ત્યાં સુખની શી સીમા? વખત, પૈસો, ધર્મ, પ્રભુતા, બધાંને ઠેસ મારી મારી કમળાને રીઝવવામાં હું મશગૂલ રહ્યો. હૃદયેહૃદય સુખસંગીતમાં એકતાર થતાં. દુનિયાની જંજાળ છોડી — ભવિષ્યનું ભાન ભૂલી, મેં પ્રચંડ પ્રેમયજ્ઞ આરંભ્યો. ગાંડપણ કહો મૂર્ખાઈ કહો, જે કહો તે એ! પણ મારે મન તો ડહાપણની પરિસીમા હતી. એ સુખ પછી સ્વર્ગ પણ વાંછના કરવા લાયક લાગતું નહીં

વર્ષો વીત્યાં. મારા મિત્રો મારી ઘેલછા પર હસતા. મારી સંસારી પ્રવૃત્તિની બેદરકારીથી મારા ધંધામાં હાનિ પહોંચતી અને મારા હિતચ્છુઓ મને વારતા; પણ હું બેપરવા રહ્યો. પ્રેમ મળ્યે પરવા શાની? તે ક્યાં જાણતા હતા કે હું પ્રેમદર્દી હતો?

અંતે ગ્રહદશા માઠી આવી ને એક રાતે એક બાઈ બારણાં ઠોકતી આવી. મારી કમળાની મા અનીતિથી અકળાઈ, રખડતી, રઝળતી, ઘડપણમાં હડધૂત થતી હવે દીકરીને શોધવા આવી. મેં તેને જતી રહેવા કહ્યું; પણ તે મારા માથાની હતી. તે કેમ માને? તેની નેમ તેની દીકરી ઉપર અને જમાઈની કમાણી ઉપર હતી; અને વૃદ્ધાવસ્થામાં દીકરીનું મુખ નિહાળવા મારે ત્યાં જ તેણે રહેવાનો નિશ્ચય જણાવ્યો. આવી કઠોર અને કુચાલની સ્ત્રી મારા ઘરમાં રહે અને મારી પવિત્ર પત્નીના નિષ્કલંક અંતઃકરણને કલુષિત કરે એ મારાથી ખમાયું નહિ. મેં તેને જુદી રાખી, પણ તે કંઈ ગાંજી જાય એવી નહોતી. તે આખો દિવસ મારે ત્યાં રહેતી અને મારી કમળાના કોમળ મન પર પૂરી સત્તા જમાવતી. મારી અને કમળાની વચ્ચે તેણે ભેદના પડદા નાંખવા માંડ્યા. હું લડ્યો, કકળ્યો, પણ મારે શાંત થઈ સૌ સાંખવું પડ્યું. કમળા તો ખરી માને બદલે પોતાના મનમાં ઘડેલી એક પવિત્ર માતાની પ્રતિમા જ તેને દેખાતી. તેનું નિંદાપાત્ર આચરણ તે વિસારતી, અને આ મનસ્વી માતાની મૂર્તિને પોતાના હૃદયનો અર્ધ્ય અર્પતી. હું કહેતો તો તે નારાજ થતી. મેં પણ ગઈ રહી કરી. મને કમળા ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. મેં આંખ આડા કાન કર્યા અને આનું પરિણામ શું થશે તે વિચારવાનું મુલતવી રાખ્યું. મારી કમળાના એક રોષભર્યા કટાક્ષથી મારો આખો દિવસ બેચેનીમાં જતો. તેને રાજી રાખવા ધીમે ધીમે તેની માતા તરફ પણ ખામોશીની નજરથી મેં જોવા માંડ્યું.

પણ કમળામાં આ ફેરફાર? હું માની શક્યો નહીં. શું તેનો પ્રેમ કૈં ઓછો થયો? જે પહેલાં મારામાં જ મસ્ત રહેતી, તે હવે માતાના ગુણાનુવાદમાં જ ગ્રસ્ત રહેવા લાગી. પહેલાં જે સારી દિશા તરફ એના વિચારોનું વલણ હતું તે બદલાયું. જે પ્રેમરીતિએ અમે પહેલાં સંચરતાં તે એ ભૂલી અને જ્યાં સરળ શ્રદ્ધા હતી ત્યાં ડાઘ પડવા માંડ્યા. મેં જાણ્યું કે મને માત્ર અદેખાઈએ અકળાવવા માંડ્યો છે. એવા વિચારો કાઢી નાખવા માટે મેં પ્રયત્ન કર્યો. પણ ક્યાંથી જાય? જે આખો દિવસ મારા તાનમાં ગુલતાન રહેતી તે મેં ખાધું છે કે નહીં તેની પણ દરકાર રાખતી નહીં. આ શું વૈચિત્ર્ય!

થોડા વખત પછી મારી કમળાની મા માંદી પડી અને એને લાયક બીજી દુનિયામાં જ્યાં જગ્યા હોય ત્યાં વિદાય થઈ. પ્રેમ સ્વાર્થી છે. મેં ધાર્યું હતું કે મારી કમળા હવે પાછી મારી થશે. તરત તો તે મહાન શોકસાગરમાં ડૂબી. એનું મોં નિસ્તેજ થયું. હસવું સમૂળગું ગયું અને આખો દિવસ માતા પાછળ વિલાપ કરવા લાગી. મારા આશ્વાસનથી તે રુદ્રરૂપ ધારણ કરતી. મેં જાણ્યું કે વખત વખતનું કામ કરશે. હું મૂંગો રહ્યો, પરંતુ અફસોસ! દિવસો ગયા, પણ કાંઈ ફેર પડ્યો નહીં. તેણે તેની માતા પાછળ રંડાપો લીધો ને સુખને છેલ્લી સલામ કરી. તે હીણભાગી માતા મરતાં મરતાંય અમારા પર વેર વાળતી ગઈ અને મારા સંસારસુખ પર પાણી ફેરવતી ગઈ!

આમ ક્યાં સુધી ચાલે? હું અકળાયો અને આ વર્તન સાંખી શક્યો નહીં. હું હજી તેને મારી લાડીલી કમળા જ સમજતો અને જે રીતે તેને કહેવાની ટેવ હતી, જે રીતે કહેવાનો મારી લાંબી સેવાએ મને હક આપ્યો હતો, તે રીતે મેં તેને કહ્યું — વીનવ્યું. તરત તે એક સિંહણ સમાન ગાજી. એ સંબંધી બોલવાનો મને તેણે પ્રતિષેધ કર્યોઃ ‘મને હવે સંસારમાં સાર દેખાતો નથી. માના નિ;સ્વાર્થ પ્રેમ વિના જિંદગી બધી રાખ સમાન છે.’ હું ચમક્યો. શાબાશ બૈરીની જાત! શાબાશ મારી સહચરી! શાબાશ મારી સંસારતારિણી! સંસારત્યાગનો નવો પ્રકાર મેં ત્યાં જ જાણ્યો. થોડા દિવસમાં બીજો નવો ફેરફાર દેખાયો. હું તેને અકારો થઈ પડ્યો. એકદમ મારા આચરણમાં એને અસંખ્ય ખામીઓ માલમ પડી અને તેનું રસ લઈને વિવરણ કરવા માંડ્યું. જેને એ એક વખત ઈશ્વર તરીકે પૂજતી તેમાં એને નખશિખ દુર્ગુણો ખદબદતા દેખાયા. આખો દિવસ થતા મારી અધમતાના વર્ણનથી, મારી જાતને હું ખરેખર એક રાક્ષસ માનવા લાગ્યો.

માણસ અન્યાય કયાં સુધી ખમી શકે? ઈસુખ્રિસ્તની સહનશીલતા સૌને સુલભ નથી, અને તે ધરાવવાનો ડોળ પણ હું ઘાલતો નથી. સુરદાસ આપોઆપ સીધો ન ચાલે, પણ ચિંતામણિના ચેતતા ડામથી જ ચમકે — જાગે ત્યારે જ! હું પણ અંતે જાગ્યો. અને આટલાં વર્ષ થયાં મારી કરેલી સેવા – જે જે દુઃખ, અગવડ, નુકસાન, ધર્મસ્ખલન મેં આ સ્ત્રી માટે સેવ્યાં… સર્વ મારી નજર આગળ ખડાં થઈ મને દોષ દેવ બેઠાં! મને બેહદ સંતાપ થયો. હું પણ વીફર્યો. હિંદુ ધણીની જુલમી વર્તણૂક મને યાદ આવી, પણ એ નીચતા અને ક્રૂરતા કોની સામે? મારી કમળા – મારી રમાડેલી, લડાવેલી, મૂર્ખ, પણ નિર્દોષ પ્રિયતમા સામે? નહીં,નહીં, એ પાપાચાર કરતાં ગમે તે દુઃખ વધારે સારું. મેં બને તેટલું કહ્યું. ઉત્તર મળ્યોઃ તમે શું કર્યું! જે કંઈ કર્યું તેથી જ હું વધારે દુઃખી થઈ. તમે ન રાખી હોત તો મારી મા મને સાથે રાખત – હું સુખી થાત અને તેની સેવા કરવાની મને વધારે તક મળત.’ શાબાશ! મારી કમળા! આ સરપાવ હું સહન કરી શક્યો નહીં. ક્રોધાવેશમાં જીભ પરથી કાબૂ ગયો. બહુએ કહ્યું – બહુયે સાંભળ્યું!

એ દુઃખના મહિના પણ ચાલ્યા. પહેલાં એકલો હતો, હવે છતાં સ્વજને રખડતો રહ્યો. સંસારમાં નિર્જનતા તો હતી, તેમાં હવે ભડકો ઊઠ્યો! હોંશ, આશા સર્વેના ચૂરા થયા. મને દબાવી, સ્ફુરતાં હૃદયઝરણાંને સૂકવી, દિવસ ને રાત અંતરને અશ્રુપાત વડે નિચોવતો દિવસો ગુજારવા લાગ્યો. મારી મટી ગયેલી મારી કમળા! તે તો ગમગીનીમાં ગિરફતાર રહી. તે શોકમાં નિરંકુશ સ્વચ્છંદમાં મસ્તાન રહી, હું અપમાનિત પ્રેમની મગરૂરીમાં દૂર રહ્યો. દુઃખ વેઠવું દુ:સહ થયું. અમે છૂટાં પડ્યાં!

અમે હવે ભાગ્યે જ બોલતાં. ગાઢ સંબંધી છતાં, નિર્બંધ થઈ વિજન થયાં, પણ જ્યારે હું વિચારમાં નિમગ્ન થતો અને તેનું હાસ્ય કે શબ્દ કાનને અથડાતાં ત્યારે મારા મનમાં અનેક તરંગો ઉછાળો મારતા, નષ્ટ થયેલી મધુરતાનું સ્મરણ મીઠાશ પ્રસારતું, ભૂતકાળ વર્તમાન થતો અને જે સુખ અનુભવ્યાં હતાં, જે અંતરની ઊર્મિઓ ભેદી અમે પ્રેમસાગરે ઊછરેલાં, જે હું અને તુંનો ક્ષુદ્ર ભેદી અમે ઐક્ય અનુભવેલાં, જે હૃદયના ઊભરાતા ઉમળકા ઝીલી અમે પ્રેમમયતાને પામેલાં, તે સમય જ્યારે યાદ આવતો ત્યારે મારું હૃદય ચિરાઈ જતું.

મેં બદલી કરાવવાનું નક્કી કર્યું. ગેરહાજરીથી અંતરના વ્રણ રુઝાશે એમ ધારી મેં દેશનિકાલ કબૂલ કર્યો. વખત વહ્યો, પણ ધારણ સફળ ન થઈ. પાંચસો ગાઉ દૂરથીય મારી કમળાની યાદ મને સાલતી, અને તેની પ્રતિમા મારા આગળ નિશદિન ખડી થતી. મહિનેદહાડે પૈસાના મનીઑર્ડર મોકલવા સિવાય બીજો સંબંધ અમારે કંઇ પણ રહ્યો નહોતો. હું કઠિન થવા માગતો અને હૃદયપ્રેરણાઓનો નાશ કરવા કંઈ કંઈ ઉપાયો યોજતો, અનેક અભ્યાસો આરંભતો; પણ દુઃખાયેલું દિલ નાના બાળકની પેઠે છાનું રહેવા ના પાડતું, પણ દિવસો કોની દયા ખાય છે? અશ્રુ અને હાસ્ય બંનેની અવગણના કરી સમયનો પ્રવાહ આગળ ને આગળ વધે છે. મારે પણ એમ જ થયું.

થોડાંક વર્ષ પછી હું એક દિવસ બહારથી ફરી ઘેર આવ્યો. ચોમાસાનું ઘેરાયેલું આકાશ મનને બેચેન બનાવી, વિરહની લાગણીઓ પ્રેરી, મારું દુઃખ તાજું કરતું હતું. મારા અરણ્ય જેવા ઘરમાં પેસવું મને હમેશ માથું વાઢવા જેવું લાગતું હતું. પ્રેમ વિના હૃદય નહીં. ગૃહદેવી વિના ઘર નહીંઃ સ્મશાન પણ વધારે વહાલું લાગતું. નોકરે કહ્યુંઃ ‘ઉપર કોઈ મળવા આવ્યું છે.’ હું ઉપર ગયો. આ કોણ? શું મારી કમળા? કોઈ ભયંકર રોગથી પીડાતા શરીરના સુકાયેલા અવયવોમાં મારી કમળાનાં સુકોમળ ગાત્રો ઓળખતાં મને વાર લાગી, પણ શો ફેરફાર? વાટ જોતાં થાકેલું શરીર ઊંઘને વશ થયું હતું. તેને જોતાં મારું હૃદય કંપ્યું. પ્રેમ ને મગરૂરી વચ્ચે હું અનિશ્ચિત ઊભો. પ્રેમ ઊછળ્યો. પાછલી વાત વિસારે પાડી તેને હૈયાસરસી ચાંપવા મન થયું. અનુભવેલાં દુઃખ અને અન્યાયે અતડા થવા કહ્યું. તેની શારીરિક દુર્બળતા જોઈ મારા મનમાં ધ્રાસકો પડ્યો. મેં ધાર્યું હતું કે કોઈ દિવસ પણ એવો પ્રસંગ આવશે, અને પશ્ચાત્તાપથી પવિત્ર થયેલી પ્રિયાને હું એક વાર મારી કરીશ. પણ આ શરીર?

તે જાગી. પીળાં પડી ગયેલાં નિસ્તેજ નેત્રો મને જોઈ ચમક્યાં. વાત શી રીતે કરવી એની મૂંઝવણ પડી. ભૂતકાળને આઘે ઠેલી મીં જ વાત ઉપાડી. મને એમ થયું કે આ શિક્ષાપાત્ર સ્ત્રીને ભલમનસાઈ દેખાડવી એ ખોટું: પણ પ્રેમાળ હૃદયે — વાટ જોતાં થાકેલા, હારેલા, દુઃખિત હૃદયે કોઈનું કદી માન્યું છે કે મારું માને? મેં તેની ખબર પૂછી.

ઉત્તરમાં તે રડી. ડૂસકે ડૂસકે પાપનો પશ્ચાત્તાપ કરી એણે મને શરમિંદો કર્યો. સ્નેહસાગર ઊછળ્યો. એનું રુદન હું સ્થિર ચિત્તે સાંભળી શક્યો નહીં. ગમે તેવી હોય, ભલે અનીતિના નરકમાં રગદોળાયેલી હોય તોપણ શું? દૃઢતા, નિયમ, ન્યાય, એ બધા વિચારો ફેંકી દીધા. પ્રેમના પૂર આગળ ફાંફાં શા કામનાં? બધું ભૂલ્યો. ફ્ક્ત બાળપણની રમાડેલી, લડાવેલી પ્રિયતમા નજર આગળ રહી. મારી કમળાને મેં ફરી મારી કરી! મારી હૃદયેશ્વરીને ફરી મેં શિરતાજ પહેરાવી મારા જીવનનું સામ્રાજ્ય સોંપ્યું. પણ હાય! દુર્દૈવને તો આ ભાંગ્યુંતૂટ્યું સુખ પણ આપવાનું ન રુચ્યું! મારી કમળા એ વિયોગમાં ઝૂરી, પણ તે યમદૂત ગયો નહીં. દિવસે દિવસે તેનું શરીર ક્ષીણ થતું ગયું. અમારું સંયોગસુખ પંદર દિવસ પણ પહોંચ્યું નહીં, અને મને ટળવળતો મૂકી ભ્રમમાં ફસાયેલી પવિત્ર હૃદયની મારી પ્રેમમૂર્તિ આ દેહ છોડી ચાલી ગઈ.

શું મારું સુખ? નાળિયેરીનો છાંયડો પણ નસીબે ન આપ્યો! નીચે જોતાં જ નાળિયેર તાલ તોડ્યું. કોને દુશ્મન ગણું? દુનિયાને કે દુર્દૈવને?

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.