ત્રાસ, ત્રાસ, ત્રાસ!
આ માણસે તો હદ કરી દીધી! ગરજ હતી એટલો વખત સરખો લાગ્યો. જેવી ગરજ પૂરી થઈ કે તરત એના મૂળ સ્વરૂપ પર આવી ગયો! એ જ તોછડાઈ, એ જ પગે કમાડ ઠેલી મેલવાની જાણીતી કરામતો. પૈલા તો સૌ બનાવે છે, પણ આ ‘નેતા’ માટે તો પૈસો એ જ જીવનનો પર્યાય બની રહ્યો છે…! કોઈ પણ કામ ‘મફત’ તો કરવાનું જ નહિઃ બદલી કરાવવી છે? લાવો દસ હજાર! નોકરી જોઈએ છે? એના તો ભાઈ, ઘણા ઊંચા ભાવ બોલાય છે! પટાવાળાના પચાસ (હજાર) થઈ ગયા, ત્યાં કારકુન, તલાટી, ગ્રામસેવક કે એવી ઉપરની ગ્રેડવાળાઓનું તો પૂછવાનું જ શું હોય? હરાજી જ બોલાવવાની બાકી રાખી છે. બંદાએ! કોણ જાણે આટલા રૂપિયા ભેગા કરીને કરવા શું ધાર્યું છે આ માણસે! પાછળ ખાનારું તો કોઈ છે નહિ — છતાં ખબર નહિ કેમ, પણ આ અકરાંતિયાની ભૂખ ભાંગતી જ નથી…!
— શું માનો છો? એની પાસે કેટલા પૈસા હશે, અંદાજ લગાવી જોયો છે?
જિલ્લામાં બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળેલી શાળાઓ; એ શાળાઓમાં શરૂ થતા નવા નવા ‘પ્રવાહો’; ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ બુનિયાદીઓ; આશ્રમ (!) શાળાઓ…
— ગણતરી માંડો તો અંદાજ બેસે! લાખ-દોઢ લાખથી નાની રકમને તો નેતાજી હાથ જ નથી લગાડતા! કેળવણીનો આવડો મોટો વેપાર — અને વાતો કરવાની ગાંધીજીની, સરદાર પટેલની, આવડી મોટી આવક; છતાં ગાડી અને ટેલિફોન સુધ્ધાંનો ખર્ચ બારોબાર સંસ્થાઓના ચોપડે!
મારા જેવા આખાબોલા સાગરીતે હસવામાં એક જરા અમથી ટકોર કરી, તો કહે છેઃ
‘આપણે તો હજી કંઈ જ કર્યું નથી! કર્ણાટકમાં જઈને જોઈ આવો તો ખબર પડે! ગલીએ ગલીએ મેડિકલ કૉલેજો ઊઘડી ગઈ છે!’
— પછી ઍડમિશન દીઠ ઉઘરાવાતી ‘કૉપેટેશન’ ફીની રકમનો હસાબ માંડીને ઉમેરે છેઃ ‘એમની સરખામણીમાં આપણે તો લઈ લઈને શું લેવાના? લાખ-દોઢ લાખ તે કોઈ રકમ છે? કર્ણાયકમાં તો એને કૂતરાંય સૂંધતાં નથી! તમે ગુજરાત બહાર પગ મૂક્યો હોય તો જાણો ને!’
પૈસા ઉઘરાવવામાં પોતે ‘ઍક્સપર્ટ’ હોવા છતાં, હજી કોઈ બહુ મોટી ભેખડ ખેરવી નહિ શકાઈ હોવાનો અફસોસ ‘નેતા’ને સતત કોરી ખાતો રહ્યો છે. એનું દીવેલ પીધેલું ડાચું જોઈને તો એમ જ લાગે કે બાપડાના માથે જાણે આખું આભ તૂટી પડ્યું હોવું જોઈએ! તેલની મિલમાં રાતોરાત ભાગીદારી ગોઠવાઈ ગઈ; જી.આઈ.ડી.સી.માં ફૅક્ટરી ચાલુ થઈ ગઈ, લાગલગાટ ચાર-પાંચ પેટ્રોલપંપ લઈ લીધા — છતાં એના જીવને હજી ધરવ જ નથી!
— પેટ્રોલપંપની કમાણી તો પાછી આંધળી કમાણી, કલેક્ટરને હાથ ઉપર રાખી લીધો. એટલે પોબારા! આંતરે દહાડે બબ્બે કેરોસીનની ટૅન્કરો બારોબાર પેટ્રોલ-ડીઝલની ટાંકીમાં ઠલવાય છે. જોનારા નજરે જુએ છે. પણ કોઈ ચૂં-કારું ય કરતું નથી. ઊહાપોહ કર્યે કોઈ અર્થ થોડો સરવાનો હતો? છેક મામલતદારથી માંડીને મુખ્ય પ્રધાન લગીની ‘લિંક’ જડબેસલાક ગોઠવાઈ ગઈ હોય, ત્યાં એવો ઊહાપોહ સાંભળવાય કોણ નવરું છે?
— નહિતર કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે નેતાનાં કોઈ પણ પેટ્રોલપંપે જઈને ‘સૅમ્પલ’ લેવડાવો, અને ભેળસેળ ન નીકળેતો તમારું ખાસડું ને મારું મોઢું!
…પણ બધાંય જાણે છે કે આવું કશું બની જ ન શકે. આવડા મોટા આગેવાનના પંપ પર તે વળી દરોડો પડાવાય? નથી ને ભૂલમાં કોઈ માથાનો ફરેલો અધિકારી એવી ગુસ્તાખી કરી પણ બેસે, તો એ પછીથી એની શી વલે થાય — એની કલ્પના કરી છે ખરી? બાકી રહી જતું હતું તે એક સિનેમાગૃહ પણ ખરીદી લીધું. ભત્રીજાઓને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધામાં ગોઠવી દીધા. ચૂંટાઈ આવ્યા ને હજી પાંચ વરસ તો પૂરા થયાં પણ નથી — ને બાજી એવી સિફતથી ચીપી છે કે આવતી ચૂંટણીમાં કદાચ હારી જવાય, તો ખરા કશો ફરત ન પડે…! જિંદગી આખી ખાધે ખૂટે નહિ, એટલું તો ભેગું કરી દીધું છે!
— પાછળ ખાનાર હોય,તો એનેય સાત પેઢીની ચિંતા મટી જાય, એટલું!
— આ બધું ‘ઉપરવાળા’ નહિ જાણતા હોય એવું ઓછું છે? એમને ય ખબર તો હોય. અને કોઈ વાર વછેરાને ‘થોડો, માપમાં રહેજે, ભાઈ!’ એમ કહી ટપારવાની ય ઇચ્છા થઈ આવે. પણ પોતે કેટલા ચોખ્ખા હતા કે એને ટકોરી શકે? ‘કરી નાખવામાં’ તો પોતેય ક્યાં કશું બાકી રાખ્યું હતું? આ માણસ એટલો ભોળો કે લોકોની નજરે ચડી ગયો. મૂળ ગમે તેમ તોય ગામડિયો એટલે ગામડિયો! હજી ‘છે’ ની જગાએ ‘સ્અઅ…’ બોલે છે, એટલા ઉપરથી જ સમજી જાઓ ને!
જોકે ઉપરવાળાઓ સાથે એણે સંબંધ પણ સાચવી જાણ્યો છે. જામફળની સીઝનમાં જામફળ; ને કેરીની સીઝનમાં કેરી — એમાં એને કોઈએ ઉઘરાણી પણ નથી કરવી પડતી!… એટલું જ કેમ? તેલના ડબ્બા પણ વખતસર પહોંચી જાય છે. ‘હાઈ કમાન્ડ’નોય હાઈકમાડ એટલે એનું રસોડું. આ માણસને ઓછો ન સમજશો! એણે બરાબર દુખતી રગ દાબવાની કળા જ હસ્તગત કરેલી છે! સાહેબ કદાચ કોઈના કીધામાં આવી જાય; ‘બહેન’ થોડાં આવવાનાં હતાં? એમને તો કાચી ઊંઘમાંથી ઉઠાડો, તોય આપણે જ સાંભરવાના ને!
— એટલે ટિકિટ તો કોઈના બાપથીય કપાય એમ નથી…! એ તો એના ‘ખિસ્સામાં’ જ પડેલી છે.
જે માણસ મુખ્ય પ્રધાન જેવા મુખ્યપ્રધાનનેય ખિસ્સામાં રાખીને ફરતો હોય, એને આવડી અમથી — ટચૂકડી — ટિકિટ ન મળે એવું તે શું અંધારું છે? એવા તે શા ભાર પડ્યા છે!
— ને ટિકિટ મળી એટલે વૉટ તો દોડતા આવવાના! ‘બાપા’ કહીને, વૉટ આપનારને ય વૉટ ક્યાં નાખવા — એ સવાલ તો ખરો જ ને? માણસ અણગમતો હોય, છતાં મનગમતી પાર્ટીનો મૂરતિયો થઈને આવે તો મને કમનેય એના નામ પર ચોકડી કર્યે જ છૂટકો! નહિતર પાંચ વરસની કારકિર્દીનું સરવૈયું કાઢવા બેસો તો આ ‘નેતા’ને ફરી ચૂંટવા બાબતે ખુદ એના ફળિયાના મતદારોય સહમત ન થાય! એક તો એનું કોઈ ‘સ્ટાન્ડર્ડ’ નહિ. નહિ કશું બોલતાં આવડે; કે ન આવડે નાનામોટાનો વિવેક. એક વખત ટિકિટ મળી ગઈ અને ગ્રહબળે ફાવી ગયો. એટલે પોતાની જાતને મોટો રાજીવ ગાંધી સમજી બેઠો છે! જાણે જીવશે ને જાગશે ત્યાં સુધી આ વિસ્તારનાં લોક પોતાના વગર કોઈને ભાળવાનાં જ ન હોય, એમ! રૂપિયા વેર્યાં નથી કે મતના જાણે ઢગલેઢગલા! બે-પાંચ ડાચાજોર કાર્યકર અવળા ચાલતા લાગશે તો એમનીય દવા થઈ જશે. નાણાં કોથળી ઢીલી કરી નથી કે ગોરિયો ગમાણે! સમઝદાર કો ઇશારા કાફી. એ તો જાણે ઠીક; પણ આ કડદાબાજ ‘નેતા’ના ફળદ્રુપ રાજકારણી ભેજામાં બીજી એક ગુપ્ત યોજના તો ઘણા વખત અગાઉથી ઘર કરી ગઈ હતી.
— એમ ને એમ એની જાહેરાત થોડી કરી દેવાય? એક વખત ચૂંટણી આવવા દો, પછી જુઓ કમાલ! મતદારો તો ઠીક, પેલા ટિકિટ ફાળવનારાય દાંતે આંગળી ન ચાલી જાય તો કહેજો!
*
અને એમ ને એમ ચૂંટણી આવી પણ ગઈ. ‘નેતા’એ બરાબરના ઘૂઘરા બાંધ્યા હતા. એકે દિવસે અહીં, ને બીજે દિવસે તહીં, સામસામા બાકરી બાંધીને બેઠેલા નેતાઓને ‘દૂ’ બનાવવામાં એણે કશી મણા નહોતી રાખી. બન્નેનાં રસોડાં કબજે કરી લીધાં હતાં! એટલું જ નહિ, બલકે બન્નેનાં કેટલાંક પેન્ડિંગ બિલો પણ શોધી શોધીને ભરી દીધાં હતાં. ભળોભોળો છતાં પૈસેટકે સુખી લાગતો આ ગામડિયો પોતાની પથારી ફેરવી રહ્યો છે. એવી તો બેમાંથી એકેય જૂથના નેતાને કલ્પના સુધ્ધાં ક્યાંથી આવે?
— ઉમેદવારોની યાદી તૈયાર થઈ ત્યારે આખા પક્ષમાં એક એનું જ નામ ‘કૉમન’ નીકળ્યું!
…હું નહોતી કહેતો? ટિકિટ તો બંદાને પહેલાંથી — મળી ગયેલી હતી. સી.એમ. જેવાં સી.એમ. ને ખિસ્સામાં રાખું છું, ત્યાં ગધેડી ટિકિટના તે શા ભાર પડ્યાં છે?’ ‘તમે ય યાર! પાકા ઘંટ નીકળ્યા, હો કે! છેક છેલ્લી ઘડી લગી સી.એમ. ને અને પ્રદેશપ્રમુખને — બેઉને ઉલ્લુ બનાવી શક્યા! બન્ને જણ એવા જ ખ્યાલમાં રહ્યા કે આ તો આપણો જ માણસ!’
— આખી યાદીમાં જ્યારે આ એક જ નામ ‘કોમન’ નીકળ્યું ત્યારેસ્વાભાવિક રીતે પત્રકારોને પણ એના પ્રત્યે આકર્ષણ જાગ્યું. ‘હાળા એ અક્કલ વગરના છે કે બાઝ્યા કરે છે!’ નેતાએ ડંફાસ હાંકતાં કહ્યું હતુંઃ ‘આમ ને આમ એક દહાડો પાર્ટીની પથારી ફરી જવાની છે!’
પત્રકારે કાગળ અને કલમનો હવાલો સંભાળ્યો કે નેતાજી સલેવલે થઈ ગયાઃ ‘એવું કશું બાફતા નહિ પાછા! તમે તમારે મહિનાથી છેલ્લી તારીખે જે ભાડું ઉઘરાવતા આવ્યા છો, એ ઉઘરાવતા રહો! આપણું સારું દેખાય એવું છાપ્યા કરવું. ઉપરવાળાઓનેય લાગે કે નેતા ખાઈખપૂચીને લોકસેવામાં પરોવાઈ ગયા છે!’
‘ફોટા સાથે છાપશું! બોલો, બીજું કંઈ?’
‘બીજું કંઈ’ના જવાબમાં ‘નેતા’એ ટેલિફોન જોડીને તાબડતોબ દસ-દસ ડબા તેલ હાજર રહેલ ચારેય મુખ્ય પત્રકારોના ઘરે પહોંચતું કરી દેવાની વખારના મુનીમને સૂચના આવી દીધી.
બીજે દિવસે છાપામાં ‘નેતા’નાં વખાણ જ વખાણ! દલિતોનું એમને કદી સપનું ય નહિ આવેલું; છતાં છાપાંવાળાઓએ એમને ‘દલિતોના તારણહાર’નું બિરુદ બગાડી દીધું હતું! અંદરખાને લઘુમતીઓનું નિકંદન કાઢી નાખવાની બલકે વહોરવાડને પેટ્રોલ છાંટીને કૂટી બાળવાની વાતો કરનાર આ રોકડિયા હનમાનને બિનસાંપ્રદાયિકતાના મહાન પુરસ્કર્તા તરીકે પણ બિરદાવવામાં આવ્યા હતા.
‘નેતા’ બોખા મોઢે હસતી મુદ્રામાં છાપાના ઑફસેટ પ્રિન્ટિંગ પાછળ જડબેસલાક જડાઈ ગયા હતા…!!
*
વિરોધપક્ષોની છાવણીઓમાં ‘નેતા’ને ટિકિટ મળ્યાના સમાચાર મળતાંની સાથે ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.
‘આવા ભ્રષ્ટાચારીને તે વળી મત મળવાના છે? લોકો કંઈ એટલી હદે તો મૂરીખ નથી કે એને મત આપીને બીજાં પાંચ વરસનું જોખમ વહોરે…!’
‘એની સામે આ વખતે તો નામનું પૂતળું ઊભું કરીશું, તો ય જીતી જશે —’
‘જુઓ તો ખરા બહુ ચગ્યો છે પણ એની ડિપોઝિટ જપ્ત ન થાય તો કહેજો!’
મોઢાં એટલી વાતો. ઉમેદવારોની કતાર લાગી ગઈ. બધાને જાણે આકડે મધ દેખાતું હતું. રાજકારણના રસિયાઓમાં અત્યારથી શરતો પડવા લાગી હતી. કોઈ કહેતુંઃ ‘આ વખતે તો એના નામનાં ભજિયાં યે ના આવે!’ તો વળી સત્તાવીસીના પ્રમુખ-મુખી જેવા કોઈ જમાનાના ખાધેલ ને ઊંડે ઊંડે દહેશત પણ લાગતી. ‘અલ્યા ભૈ, અમે તો એ હારે એ મારે અત્યારથી બાધા રાખી છે! છતાં, આ તો રાજરમત છે! અને આ માણસ દેખાવમાં ભલેભોટ લાગતો હશે, બાકી છે પૂરો અષ્ટઘંટ! જોયું નહિ, દૂધમાં ને દહીંમાં — બન્ને બાજુ પગ રાખીને કેવી આબાદ રીતે ટિકિટ લઈ આવ્યો.’
‘એટલે કે એ જીતી પણ જાય, — શું માનવું છે તમારું’
‘એનાં કુકર્મો જોતાં તો એની ડિપોઝિટે ય ન બચવી જોઈએ. પણ આ તો કળિયુગ છે! આવા ખોટા માણસો જ મોખરાની જગાઓ પચાવી પાડતા હોય છે… નહિતર ગઈ વખતે ય એની સામે વાંધા તો ક્યાં ઓછા હતા? એણે પોતાના ગામની ગ્રામપંચાયતમાંથી ય ઉચાપત કરેલી: ખોટાં વાઉછર બનાવીનેસહકારી મંડળીનું ય કરી નાંખેલું. બધું છાપાં લગી પણ પહોંચી ગયેલું. છતાં પાર્ટીને ટિકિટ પમ આપી; ને મતદારોએ મત પણ આપ્યા — ખરું કે નહિ?’
‘એટલે કે, આ વખતે ય એ જ ઇતિહાસનું પુનરાવર્તન થઈ શકે; શું કહો છો?’
દુઃખી થઈ ગયેલા મોવડીએ ન છૂટકે પેટછૂટી વાત ઓકી કાઢી હતીઃ ‘તમે હરીફ જ — નહિ હોય! એ બિનહરીફ જીતેલો જાહેર થશે!’
‘તો તો ગજબ થઈ જાય!’
— ડાહ્યા માણસો વિમાસણમાં મુકાઈ ગયા હતા.
…માણસને પહોંચાય; આ તો હરાઈ ખાઈ ખાઈને વકરી ગયેલો પાડો! પાડાને થોડું પહોંચાય? દેખાવમાં ભલો-ભોળો ગામડિયો લાગે છે. પણ અસલ ખાઈ બદેલો કાંધિયો છે કાંધિયો! ઘાટ આવ્યે પ્રમુખનીય ચોટી મંતરી આવે. મુખ્ય પ્રધાન તો પહેલાંથી જ એના ખિસ્સામાં છે. નાતભાઈ ખરા ને!
‘ભાઈ, મૂળ વાત એટલી કે આ માણસ છે જ બે-નંબરી! એના ધંધા પણ બધા બે નંબરના. આંધળી આવક. એને શું અડે છે? કોઈ મોટા માણસની વહુ-દીકરી માટે લાખ-બે લાખનો સેટ લઈને પહોંચી જાયઃ પછી ટિકિટ બાપડીનું તે શું ગજું કે એને છોડીને બીજા કોઈની થઈ શકે?’
‘આપની વાત સાચી છે.’
‘હજી તો જોયા કરો! પાસા સવળા પડ્યા તો એખ દિવસ એ તમારી પ્રધાન થઈને લાલ લાઇટવાળી કૉન્ટેસા ફેરવતો હશે!’
‘શું કહો છો!’
અનુભવી વડીલની ‘કાળવાણી’ સૌના કાળજે કોતરાઈ ગઈ હતી. બધા મનોમન ફફડી ગયા હતા. આ રાક્ષસને તો અહીં જ ખતમ કરી નાખવો પડે. એને જરાક અમથી ‘લિફ્ટ’ મળી ગઈ. તો એ સાતમા આસમાને પહોંચ્યો જ સમજો! ઉપરવાળાઓનું તો ભલું પૂછ્યું! કહેનારાએ કહ્યું નથી? રાજા, વાજા ને વાંદરા! હમણાં જઈને પાર્ટીના ફંડમાં પાંચ-પચીસ લાખ આપી આવે એટલે બારોબાર કૅબિનેટ મિનિસ્ટર!’
‘એને માટે તો પાર્ટીને આપેલું ફંડ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ન બની રહેવાનું ને! પ્રધાન થઈ ગયો, પછી એને પૂછનાર જ કોણ? આડેધડ લૂંટ ચલાવવાનો! એ ય તે પાછો ગરીબો, પદદલિતો અને લઘુમતીઓના નામે!’ જેણે ભૂદાનમાં અપાયેલી જમીનોય વેચી ખાધી હોય, એ — બીજું શું ન કરી શકે?
આખા પથકમાં એના નામની ધાક જામી ગઈ હતી.
— ભલભલા મહારથીઓ વાયરો ખાતા રહી ગયા. ટિકિટ તો આખરે ‘નેતા’ જ લઈ આવ્યો ને! હવેતો ફક્ત સમયનો સવાલ છે. ‘નેતા’નું નામ આગામી પ્રધાનમંડળની આગલી હરોળમાં હશે!
— હોય પણ ખરું! તમારામાં તમારાપણી ન હોય, તો એ પ્રધાન તો શું, કાલે મોટો વડો પ્રધાન બનીને ય આવે! આ તો પોપાભાઈનું રાજ છે…! હિંદુસ્તાનની લોકશાહીમાં ક્યારે કેવોચમત્કાર થશે, એ કોઈ કહી શક્યું છે ખરું?’
— એને આગળ વધતો અટકાવવો હોય, તો ઘરઆંગણે જ પછાડી દેવો રહ્યો. એક વાર અહીંથી છટક્યો. તો તો પછી એ માથે ચડીને જ મૂતરવાનો!’
બધાય આ એક મુદ્દા પર તોસહમત હતા જ. પણ ઉત્સાહમાં નેઉત્સાહમાં આકડે મધ જોઈ જનારા અડૂકદડૂકિયા એટલી મોટી સંખ્યામાં ફૂટી નીકળ્યા હતા કે ઉમેદવારોની યાદી જોઈને જ પગ નીચેથી ધરતી સરકી જતી લાગે! નાનામોટા રાજકીય પ્રશ્નોના ઉમેદવારોનું તોજાણે સમજ્યા; પણ અહીં તો અપક્ષોનો ય મોટો રાફડો ફાટ્યો હતો. ઓછામાં પૂરું એક બદનામ ગણાઈ ગયેલી બાઈએ પણ ઉમેદવારી નોંધાવી દીધી હતી…!
‘આનો અર્થ સમજાય છે?’ ચર્ચાનો ચાકડો ફરવા માંડ્યો.
‘આ યાદીમાં આપણા ‘નેતા’ સામે ટકી શકે એવા કેટલા?’
‘હું કહી જ દઉં? સાંભળીને હાર્ટએક્ટ તો નહિ આવે ને?’
‘હાર્ટએટેક આવે આપણા ‘નેતા’ને! મૂઓ જીવશે ત્યાં લગી તો છાલ છોડે એમ નથી લાગતું…!’
‘સાંભળી ત્યારે! એની સામે ચૂંટણી લડવા થનગની રહ્યા છે, એ પેકીનો એકેય મૂરતિયો —’
હજી વેણ એમના મોઢામાં હતું ને ગોપાલ ઘાંયજો દોડતો દોડતો ઓટલાની ધારને અથડાઈને ઊભો રહ્યો.
‘મુખી સાહેબ, ગજબ થઈ ગયો!’ એના મોઢે શ્વાસ માતો નહોતો. હાંફતાં હાંફતાં એ બોલી ગયોઃ ‘નેતાજીએ રાતોરાત ખેલ પાડી દીધો છે! તમામેતમામ ઉમેદવાર ફૉરમ પાછાં ખેંચવાની છેલ્લી તારીખે અઢીથી ત્રણ વચ્ચે કલેક્ટર કચેરીએ પહોંચી એમનાં ફૉરમ પાછાં ખેંચી લેવાના છે—! એકલી રકન મેદાનમાં રહે છે! બાકીના બધા ખરીદાઈ ગયા, એક સામટા! એક રતની સિવાય!’
‘કેમ? એને પૈસા નથી ગમતા કે શું?’
પેલાએ મુખીના કાનમાં મોઢું ઘાલીને ધીમે રહીને કહ્યુંઃ
‘એને તો નેતાજીનું ઘેર વાળવું છે; બદલો લેવો છો!’
વાત કંઈક આમ હતીઃ
રતનનો બાપ ‘નેતા’નાં ખેતર ખેડી ખાનારો વેઠિયો મજૂર હતો. એની માનો તો કદાચ ચહેરો પણ રતનને યાદ નહોતો. કહેનારા કહે છે કે રતનની માએ સુવાવડનો ખાટલો ઢાળ્યો તે ઢાળ્યો. દીકરીની અળખામણી માટી! મા મરી ગઈ, પણ એનો વાળ સરખોય વાંકો ન થયો! બાપની હૂંફાળી છત્રછાયામાં રતન પહાડી વાંસની જેમ ઊછરી ગઈ. નેતાએ એની અણસમજુ મુગ્ધતાનો ગેરલાભ ઉઠાવ્યો. યુવાવસ્થાના ઊંબરે માંડ પગ મૂકે. એ પહેલાં તો એ —
— ‘મુખી સાહેબ!’ ગોપાળ ઘાંયજો કહી રહ્યો હતોઃ ‘રતન તો હવે જીત પર આવી ગઈ છે. હવે બદનામી તો મળી જ ચૂકી છે. તો પછી જેણે પોતાના ભોળપણનો ફાયદો ઉઠાવીને પાછળથી ચુસાયેલા ગોટલાની જેમ રઝળતી કરી મેલી છે. એની આબરૂનો ધજાગરો કેમ ન કરવો? કમ સે કમબીજી કોઈ રતન ફસાતીતો અટકે!’
‘મુખી સાહેબ!’ ગોપાળ ઘાંયજો કહી રહ્યો હતોઃ ‘રતન તો હવે જીવ પર આવી ગઈ છે. હવે બદનામી તો મળી જ ચૂકી છે. તો પછી જેણે પોતાના ભોળપણનો ફાયદો ઉઠાવીને પાછળથી ચુસાયેલા ગોટલાની જેમ રઝળતી કરી મેલી છે. એની આબરૂનો ધજાગરો કેમ ન કરવો? કમ સે કમ બીજી કોઈ રતન ફસાતી તો અટકે!’
— મુખીએ એમનો ચુકાદો જાહેર કરી દીધોઃ
‘આપણા કોયડાનો ઉકેલ મળી ગયો! એક વાર બધું ચિત્ર ચોખ્ખું થઈ જવા દો! બધાં રૂપિયા લઈ લઈને ખસી જશે, પણ આજોગમાયાને એનું કોઈ પ્રલોભન ચળાવી શકવાનું નથી…! આપણી ઉમેદવાર રતન!’
— ‘રતન?’ બધા અધ્ધર શ્વાસે મુખીની જવાબની રાહ જોવા લાગ્યા. ‘રતન — આપણી ઉમેદવાર? એ સાવ વગોવાઈ ગયેલી, બદનામ બાઈને તે કોણ મત આપશે, મુખીબાપા?’
‘કોણ તે તમે અને હું!’ એમના શબ્દે શબ્દે મક્કમ નિર્ધાર છલકી રહ્યો હતો. મુખીએ ઘેઘૂર અવાજમાં ચોખવટ કરતાં ઉમેર્યુંઃ ‘અન્યાયનો પ્રતિકાર કરવાની પ્રેરણા જાગી ત્યારથી એ રતન મટીને મા અંબા બની ગઈ ગણાય.અને મહિષાસુરના ત્રાસમાંથી તો આપણને અંબા ભવાની જ છોડાવી શકે, ભઈલા! જાઓ, જઈને અંતે હિંમત આપો; — જીત તમારી જ છે. એ વિશે લેશ-માત્ર શંકા ન રાખશો…!’
— ‘બોલો અંબે…’ ગોપાળ ઘાંયજાએ બુલંદ અવાજે ‘જય’ બોલાવી અને આભ ચીરી નાખે એવો સામૂહિક જયઘો, ગુંજી રહ્યોઃ ‘માતકી — જ…ય!’
ને પછી તો વળતે જ દિવસે સૌ એકી અવાજે મુખીના આદેશને માથે ચડાવી રતનના પ્રચારકાર્યમાં જોડાઈ ગયા…