લોકલ બસના અકસ્માતમાં કોદર કન્ડક્ટરનું અવસાન થયું. પિંજર પડી રહ્યું ને હંસલો એકલો જ ચાલવા માંડ્યો. દોડવા લાગ્યો. ઊંચે ને ઊંચે, સીધી રેખામાં કોદર ગતિ કરી રહ્યો. ક્ષણમાં તો ગતિ તેજ બની ગઈ. અશરીર કોદર, વાયુરૂપ કોદર તીરની જેમ આકાશમાં સરતો હતો. એણે અનુભવ્યું કે પોતે એકલો નહોતો. એની બંને બાજુ ધુમાડાના લીરારૂપ બે વ્યક્તિ જરાયે છેટું પાડ્યા વગર એકદમ સાથે ને સાથે આકાશમાર્ગે સરતી હતી. ગતિ તીર જેવી પણ અવાજ બિલકુલ નહિ. ઊંચા ઊંચા ડુંગરા પસાર થયા. કેટલાંયે વાદળ વીંધ્યાં. ત્યારે જતાં એક મોટા રાજમહેલ જેવી ઇમારતના તોતિંગ દરવાજા પાસે આવીને ગતિ અટકી અને એક અચરજ બન્યું. વાયુરૂપ કોદર જાણે સાચુકલો કોદર બની ગયો. એ જ ખાખી પોશાક, કન્ડક્ટરનો જ લેબાસ. નાક-નકશો તો દર્પણ વગર કઈ રીતે જુએ? પરંતુ હાથ જોયા. પગ જોયા. ખિસ્સાં જોયાં. માથાના વાળમાં આંગળાં ફેરવી જોયા. ગાલે હથેળી અડાડી જોઈ. કોદરને લાગ્યું કે આમ તો તે પોતે જ હતો. જીવતાં પૃથ્વી પર હતો તેવો. છતાં કાંઈક ફરક પણ મહેસૂસ થતો હતો. એવો ફરક, જેનું નામ ન પાડી શકાય પેલા બે લીરાયે સાથોસાથ મનુષ્ય જેવા રૂપમાં દેખાયા. કાળાં કપડાં, આંખોમાં સુરમો ખેતરના રખા હોય છે તેવા. ફક્ત મૂછો નહિ. નજર વેધક. અમાનુષી. આંખમાં આંખ ન પરોવી શકાય. કોદર સમજી ગયો. એ યમદૂત હતા.
ઇમારતનો દરવાજો ખૂલ્યો. જરા સરખો અવાજ ન થયો. ચૂપચાપ ત્રણે અંદર પ્રવેશ્યા. બીજો દરવાજો આવ્યો. તે પણ એની મેળે વગર અવાજે ખૂલ્યો. અને શું શોભા! કોદર તો ચકિત બની જોઈ જ રહ્યો. સોનાની ભીંતો ને સોનાના થંભ. સોનાની હાંડીઓ ને સોનાનાં ઝુમ્મર. સોનાનું સિંહાસન ને સોનાનો બાજઠ. ઓરડામાં સોનેરી પ્રકાશ ઝગારા મારતો હતો. કોઈ અનેરી શાન્તિ હતી.
અને સિંહાસને વિરાજિત ચિત્રગુપ્તને નીરખ્યા. મુખમંડળ ફરતું તેજવર્તુળ. રૂપરૂપનો અંબાર. સામેના બાજઠ પર લાલ રંગનો ચોપડો હતો. બાજુમાં લેખણ.
ચિત્રગુપ્તે કોદર સામે નજર કરી. એ અંજાઈ ગયો. સામું જોઈ ન શક્યો. નજર નીચે ઢળી ગઈ. સોનાની ઓકળીઓ ચળક ચળક ચળકી રહી હતી.
‘કોદર!’ ચિત્રગુપ્તના અવાજમાં આત્મીયતા હતી.
‘હા જી!’ અત્યંત નમ્રતાથી કોદર બોલ્યો.
‘યમદૂતોએ તમને સતાવ્યા તો નથી ને?’
‘ના જી!’
યમદૂતો ચિત્રગુપ્તનો ઓરડો આવતાં જ અંતર્ધ્યાન થઈ ગયેલા.
ચિત્રગુપ્ત બોલ્યા: ‘જોઈ લો આ ચોપડામાં તમારું ખાતું. તમારાં પુણ્ય ને પાપનો હિસાબ.’
કંઈક સંકોચ સાથે કોદરે ચોપડામાં જોયું. પોતાની જ ભાષામાં તેજના અક્ષરે લખેલું હતું. જમા-ઉધાર બેઉ પાસાં સ્પષ્ટ વંચાતાં હતાં. ઉધારનું પાનું અડધું ને જમાનું પાનું પૂરું ભરેલું હતું. ખુશી તો થઈ પણ ઘડીએકમાં માન્યામાં ન આવ્યું. કેવી રીતે આવે? આપણે ને વળી પુણ્યશાળી! જીવતાં તો સારા માણસમાંયે ગણતરી કોણે કરી હતી? કાળા માથાનો માનવી કરે તેવી ભૂલો તો કંઈ કેટલીયે થઈ હશે. માર પણ ખાધેલો ને મારામારીમાં ભાગ પણ લીધેલો. ગાળો સાંભળેલી ને બોલેલીય. કોકનું ખોટુંય તાક્યું હશે. એટલું કે ભૂંડામાં ભાગ ઓછો લીધેલો. ભલામાં કંઈક વધારે. કોઈનેયે વગર ટિકિટે બસમાં બેસવા દીધો નહોતો. પોલીસવાળાનેય નહિ. મોટો હોય કે નાનો. પૈસા આપે ને ટિકિટ લે. ટિકિટ જેટલા જ પૈસા. વધારાનો એક પૈસો હરામ બરાબર. કન્ડક્ટરીથી કદીયે કંટાળ્યો નહોતો. મઝાથી જિન્દગી જીવેલો. સંસાર સારો જ લાગેલો. ખારો નહિ. પરંતુ આટલાથી પુણ્યનું પાનું પૂરું ભરાઈ જશે એવી તો કલ્પનાયે ક્યાંથી થાય? મરવું જ કોને હતું? પાંત્રીસમું તો હજી પૂરું નહોતું થયું. ચિત્રગુપ્તને ગમ્યું તે લખ્યું. કોદરને આ દેવ ભલો લાગ્યો.
ચિત્રગુપ્તે ચુકાદો સંભળાવ્યો: ‘સાંભળો કોદર! તમારા પુણ્ય પ્રતાપે તમને સ્વર્ગ મળે છે.’
કોદરને આનંદ થયો. પણ પોતાને સ્વર્ગ મળ્યું તે વાત હજી પચાવી શક્યો નહિ. જાણે સીધી જ અધિકારી તરીકે નિમણૂક મળી ગઈ હતી. નર્ક પછી સ્વર્ગ મળ્યું હોત તો બઢતી જેવું લાગત. નર્કનો અનુભવ થાત. જોકે અહીં દલીલ કે અપીલને સ્થાન નહોતું. અહીં તો અફર નિર્ણય. સ્વર્ગ એટલે સ્વર્ગ ને નર્ક એટલે નર્ક.
૨
સ્વર્ગમાં સઘળાં આવાસો સોનાનાં હતાં. પૃથ્વીના જેવું સોનું નહિ. જુદી જ ભાતનું સોનું. જુદો જ ચળકાટ. ઊંચા ને પહોળા ઓરડા. તળિયુંય સોને મઢેલું.
રાત નહિ. દિન નહિ. પહોર નહિ. સમય જ નહિ. અમરો ને અપ્સરાઓની વસ્તી. સર્વની એક જ અવસ્થા. અનન્ત યૌવન! કોઈ કુરૂપ નહિ. કશું અસુન્દર નહિ. મહેનત નહિ. પરસેવો નહિ. મિષ્ટ ફળોથી લચેલાં વૃક્ષો. હરિયાળી કુંજોમાં કલાપીઓના કેકારવ. સરોવરોના સ્વચ્છ જળમાં તરતા હંસ. ઉત્સવો. ગાયન-વાદન-નર્તન. મેવા, મીઠાઈ, સુરા ને અપ્સરા. અનન્ત સ્વર્ગીય સુખ.
પૃથ્વી પર અમૃત નહોતું. ફળની અદ્ભુત મીઠાશને અમૃતની ઉપમા અપાતી. કોદરને પોતાના ખેતરનો વાંકો આંબો યાદ આવ્યો. એની કેરી કાચી હોય ત્યારે તો એવી ખાટી કે દાંત અંબાઈ જાય. પણ પાકીને રસાળ બને ત્યારે ખાનારને કહેવું જ પડે કે અમૃત જેવી મીઠી કેરી છે. અમૃત તો સ્વર્ગનું પીણું. એનો સ્વાદ લીધા પછી કોદરને પ્રતીતિ થઈ કે અમૃત અમૃત હતું તો કેરી કેરી હતી. અમૃત શ્રેષ્ઠ હતું. કેરી અદ્ભુત હતી. એનો સ્વાદ અહીં સ્વર્ગમાં પણ યાદ છે.
સ્વર્ગમાં ક્રોધ કરવાનો અધિકાર કેવળ દેવાધિદેવ ઇન્દ્રને. જોકે એ કોપે ક્યારેક જ. એટલે યુગોમાં એકાદ વાર. કોપે ત્યારે તો સ્વર્ગમાં હાહાકાર વર્તાઈ જાય. એના પડઘા સર્વ લોકમાં પડે. પર્વતો ડોલી ઊઠે. ધરતી ધ્રૂજે. સાગરો માઝા મૂકે. દેવાધિદેવ મહારાજ ઇન્દ્ર જેના પર કોપે તેને શાપે જ. શાપિતનું સ્વર્ગમાંથી પતન થાય. એને મનુષ્યયોનિમાં જન્મ લેવો પડે. પરંતુ તે સર્વ લોકે પ્રસિદ્ધિ પામે. સ્વર્ગના એકધારા સુખી જીવનમાં વૈવિધ્ય માટે આ એક જ અવકાશ હતો.
પ્રથમથી જ કોદરને નર્ક જોવાની ઇચ્છા તો હતી. સ્વર્ગીય સુખના અનુભવ બાદ તે બલવત્તર બની. પૃથ્વી પરનું નર્ક તો જોયું હતું. હવે પૃથ્વી પારનું જોવું હતું. ખરેખરા પાપીઓ જ નર્કમાં હશે? પૃથ્વી પરના સ્વર્ગમાં તો પાપીઓનું જ વર્ચસ્વ હોય છે. પૃથ્વી પારના સ્વર્ગમાં એમ નહિ હોય. જો સ્વર્ગના પદાધિદારી દેવો ચિત્રગુપ્તના જેવા જ ભલા હોય તો? પૃથ્વી પરે નર્ક તો હોય છે પણ મર્યા પછી મળે તે નર્ક વિશે પૃથ્વીવાસીઓ કલ્પનાઓ કરે છે. જે મુજબ નર્ક એટલે અનન્ત ક્રૂર યાતનાઓનું ધામ. પૃથ્વી પરના નર્ક જેવું જ એ હશે? પૃથ્વી પરના જીવનમાં ગરીબ લોકો ને પોલીસસ્ટેશનના ગુનેગારો જે જુલમ-ત્રાસ સહે છે એવા જ નર્કમાં હશે? કે જુદા? પુણ્યશાળીને જેમ શાશ્વત સ્વર્ગ તેમ પાપીઓને માટે શાશ્વત નર્ક હશે? જાણવાની ઇચ્છા તો અદમ્ય હતી. પણ જણાવે કોણ? અહીં સ્વર્ગમાં નર્કને નજરે જોનાર કોઈ દેવ મળી જાય તો જ કામ બને.
અને ચિત્તમાં ચમકારો થયો. અજવાળું થઈ હયું. દેવર્ષિ નારદ સર્વત્ર વિહારી છે. સ્વર્ગ ઉપરાંત નર્ક, પૃથ્વી વગેરે સર્વ લોકમાં એ બેરોકટોક ફરી શકે છે. તો નર્કની જાણકારી એમની પાસેથી જ કેમ ન મેળવવી? વાત એમને પ્રસન્ન કરવાની રહી. તે તો થઈ જ શકે. કેમ કે હવે કોદર મૃત્યુલોકનો માનવી ન હતો. હવે તે પણ અમર હતો. નારદજીનું સ્મરણ કર્યું. તરત જ ‘નારાયણ! નારાયણ!’નો જાપ કરતા દેવર્ષિ પ્રગટ થયા. અજબ સ્ફૂર્તિ ને પ્રસન્ન મુખ. ‘બોલો વત્સ! હું પ્રસન્ન છું.’ ‘પ્રભુ! નર્ક વિશે કહો. નર્કના સ્વરૂપ વિશે જાણવું છે.’ નારદજીએ પ્રસન્નતાપૂર્વક નર્ક બાબતે જે કહ્યું તેનો સાર આ પ્રમાણે છે—
નર્ક પાપીઓને ભયંકર સજા-યાતનાઓ આપવા માટેનું સ્થાન છે. પાપી નર્કમાં પ્રવેશે પછી શાશ્વત નર્ક જ એની નિયતિ. પુણ્યશાળીઓ નર્કને કદી જોઈ ન શકે. સૌથી ઉપર સ્વર્ગ છે. સૌથી નીચે નર્ક. વચ્ચે સહસ્ર જોજનોનું અંતર છે. બેની વચ્ચે અવરજવરનો માર્ગ જ નથી. ઉપાય નથી. માત્ર નારદ મંત્રબળે નર્કમાં જઈ આવી શકે. નર્કવાસીઓ એમને જોઈ ન શકે. પરંતુ દેવર્ષિ સમગ્ર નર્કને નિહાળી શકે. આવશ્યકતા હોય તો ત્યાં કોઈની સામે પ્રગટ પણ થાય. સર્વ લોકમાં સર્વ વિશે જાણવાનો દેવર્ષિ નારદને અધિકાર છે.
નર્કના રહેવાસો પૃથ્વી પરની ઝૂંપડપટ્ટીથીયે બદતર. અતિ સંકડાશમાં રહેવાનું ને ભયંકર સહેવાનું. અવિરત, અનારામ, કઠોર પરિશ્રમ. સર્વ પરસેવે રેબઝેબ. પરસેવો નર્કમાં હોય છે તેથી સ્વર્ગમાં હોતો નથી. સ્વર્ગમાં ભોગ. નર્કમાં રોગ. નિવૃત્તિ સ્વર્ગમાં છે તેતી નર્કમાં નથી. નર્કવાસીઓને અધિક યાતના, અતિ ત્રાસ, સતત ને અનન્ત. સ્વર્ગમાં અવનતિ નહિ. નર્કમાં ઉન્નતિ નહિ. પૃથ્વીમાં તો પાપી માણસ પસ્તાવારૂપી પવિત્ર ઝરણામાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે. નર્કવાસી પાપીને એ તક નથી. આ સ્થિતિમાં પરિવર્તન થવું જોઈએ તેમ તો સ્વયં દેવર્ષિ પણ માને છે. પણ અમરો માટે તે અશક્ય છે. સ્વર્ગ શાશ્વત છે. ઇન્દ્રાસન શાશ્વત છે. દેવાધિદેવ ઇન્દ્ર શાશ્વત છે. ઉપાય તો છે પણ તે માનવી જ કરી શકે. પૃથ્વીવાસી માનવી મહાતપ દ્વારા ઇન્દ્રાસનનો અધિકારી બની જ શકે. જોકે આજ પર્યંત તો ઇન્દ્રાસન પર ઇન્દ્ર જ છે. તેમ છતાં માનવીનું તપ ઇન્દ્રને હરાવે તો કઠિન ખરું પણ અશક્ય નથી.
કોદરને સમજાયું કે સ્વર્ગ કે નર્કનો આધાર જ પૃથ્વી છે. પૃથ્વીનું મહત્ત્વ એટલા માટે છે કે એમાં મહેનત દ્વારા જાદુ સર્જનારો માનવી વસે છે. સર્વ લોકમાં પૃથ્વીલોક ન્યારો છે.
કોદરને પૃથ્વી પર અનુભવેલું બધું જ યાદ હતું. સ્વર્ગમાં આવ્યા પછી એક ફેર પડ્યો હતો. વ્યક્તિગત રાગદ્વેષ, મોહ-મમતા બિલકુલ રહ્યાં નહોતાં. પત્ની, સંતાનો, ભાઈઓ સહિત સકલ પરિવાર યાદ હતો. પણ તેની યાદ સતાવતી નહોતી. લગાવ હતો પૃથ્વીલોકનાં સમસ્ત માનવીઓ માટે. પૃથ્વીલોકનો લગાવ હતો. તેથી તો સ્વર્ગનું સુખ સુખ લાગ્યું નહિ. આવ્યો ત્યારે તો સ્વર્ગ ભવ્ય લાગ્યું હતું. સામાન્ય માણસ વિધાનસભાની ચૂંટણીમાં જીતીને પ્રધાન બન્યા પછી પ્રધાનના બંગલામાં રહેવા જાય ત્યારે જુદા જ લોકમાં આવી ચડ્યો હોય તેવું અનુભવે છે. સ્વર્ગમાં આવીને કોદરને કંઈક આવો જ અનુભવ થયો હતો. પરંતુ પ્રધાન બન્યા બાદ સામાન્ય માણસ સરકારી સુખ-સાહ્યબીથી ટેવાઈ જાય છે. બલકે એને એનો ચસકો લાગે છે. કોદરની બાબતમાં એવું ન બન્યું. સ્વર્ગનો અનુભવ થતો ગયો તેમ તેમ પૃથ્વીની યાદ વધુ ને વધુ સતાવવા લાગી. સ્વર્ગ જોયા પછી નર્ક જોવાની ઇચ્છા જાગી તે પણ પૃથ્વીલોકની માયાને લીધે. નર્કને તો હવે નીરખી લીધું હતું નારદજીની નજરે. હવે એ જોવાની જરૂર નહોતી. જરૂરિયાત હતી એમાં ફેર પાડવાની. એ શક્ય છે કે માનવીના પુરુષાર્થ દ્વારા, તપ દ્વારા. માણસ માટે તપ શક્ય છે ને તપ દ્વારા સર્વ શક્ય છે. તે માટે પાછા પૃથ્વીમાં જવું પડે. માનવ રૂપે અવતરવું પડે. અહીં સ્વર્ગમાં એ શક્ય છે? કરવું જ રહ્યું.
૩
કોદર જે અવસરની પ્રતીક્ષામાં હતો તે આવી લાગ્યો. સ્વર્ગાપુરીમાં નૃત્યગાન તો થયા જ કરતાં હતાં. મિષ્ટ વામીઓના આ રોગ. ફળોના ભોગ. અપ્સરાઓના સંજોગ. કુંજોમાં વિહાર. સુરાપાન, અમૃતપાન ઉપરાંત નૃત્યગાનનો ઉત્સવ. ગાયન-વાદન અને અપ્સરાનું નૃત્ય આરંભાય તો ચાલ્યા જ કરે અવિરત. સર્વ એકધારું શ્રેષ્ઠ ને સુન્દર. ક્યાંય કશી મણા નહિ. ઊણપ નહિ. કોદરને ઊણપ જ એ લાગી કે ક્યાંય ઊણપ જ નહોતી. એટલે તો કોદરને બધું એકધારું-એકસુરીલું લાગતું હતું.
પરંતુ આજનું ગાન અનોખું લાગ્યું. કોદરે મૃદંગવાદકની સમીપનું સ્થાન લીધું હતું.
ભાવકો ચીતર્યા સરખા સ્થિર હતા. આલાપનો આરંભ જ અનોખી ઢબનો હતો. રાગાવરણ બંધાઈ ગયું હતું. નૃત્ય શરૂ થયું. મૃદંગનો તાલ ને નૃત્યનો કમાલ. નૃત્યારંભની વિલંબિત ગતિ દ્રુત બનીને પરાકાષ્ઠા પ્રતિ ધપી રહી હતી. અપ્સરાની નૃત્યકલાએ અવધિ કરી હતી. કામણ પાથર્યા હતાં. સિંહાસને વિરાજેલ દેવાધિદેવ ઇન્દ્ર રસલીન હતા. આશ્ચર્ય તો એ હતું કે કોદર પર કામણની અસર થઈ રહી હતી. આજે કેમ બધું એકસુરીલું લાગતું નહોતું? કેમ વૈવિધ્ય લાગતું હતું? (સ્વર્ગમાં જોકે આજ-કાલ હોતી નથી પણ એ સિવાય ઘટનાનું આલેખન કેવી રીતે કરવું?) એક જબરો પ્રશ્ન કોદરની છાતીમાં ઊઠ્યો. સણકાની જેમ દેવાધિદેવને તેના નિર્ધારની જાણ તો નહોતી થઈ ગઈ? કોદર ભયભીત બન્યો પણ પછી ભય ખંખેરી નાખ્યો. સ્વસ્થ બન્યો. સાવધ બન્યો. પાછો પ્રશ્ન ભોંકાયો: પોતે જે કરવા જઈ રહ્યો છે એનું વાંછિત પરિણામ ન આવે તો? તો તો ગજબ થઈ જાય! એણે સભા પર નજર કરી. દેવાધિદેવને પણ જાણે માપી લીધા. સર્વના ધ્યાનનું કેન્દ્ર નૃત્ય હતું. સકલ ભાવક સમુદાય મુગ્ધ હતો. કોદરને ભાન થયું કે અહીં સ્વર્ગમાં તે જ પૃથ્વીલોકનો પ્રતિનિધિ હતો એણે જ કર્તવ્ય બજાવવાનું હતું.
અને ત્વરાથી તેણે મૃદંગ પર પદપ્રહાર કર્યો. ધડૂમ્મ! તાલભંગ થયો. રંગમાં ભંગ પડ્યો. નૃત્ય અટકી ગયું. નૃત્યાંગના લાચાર બની ક્ષમાપ્રાર્થી ભાવે દેવાધિદેવ પ્રતિ જોઈ રહી. દેવાધિદેવની ભૃકુટિ ચડી ગઈ. ક્રોધે લોચન લાલ લાલ બની ગયાં. ક્રોધની સીમા ન રહી. અપરાધીએ અપરાધની અવધિ કરી હતી અને આ ધૃષ્ટતા અસુરે નહિ, સુરે કરી હતી.
‘કોણ હતું એ?’ દેવાધિદેવે ત્રાડ પાડી. ‘સ્વર્ગધામમાં આ પ્રકારની ઘટના ક્યારેય ઘટી નથી.’
કોદર નતમસ્તકે દેવાધિદેવ સમક્ષ જઈને ઊભો રહ્યો.
‘તમે?’
‘હા, દેવાધિદેવ!’
‘તને વિદિત છે કે પૂર્વે આ પ્રકારની ધૃષ્ટતા કોઈએ આચરી નથી?’
‘વિદિત છે, દેવ!’
‘તને જાણ છે કે આ અપરાધ અક્ષમ્ય છે?’
‘જાણ છે પ્રભુ!’
દેવાધિદેવ પાસે હવે વિકલ્પ નહોતો. પ્રત્યેક શબ્દ પર ભાર મૂકીને તેઓ બોલ્યા: ‘જા, તને સ્વર્ગમાંથી પતિત કરું છું. જા પાછો મૃત્યુલોકમાં. તારા પૃથ્વીલોકમાં. નર્કાગાર સમી ઝૂંપડપટ્ટીમાં ભયંકર દરિદ્રતામાં તારો ઉછેર થશે. આજીવન કઠિન પરિશ્રમ તારી નિયતિ હશે.’
કોદરનો અપરાધ અક્ષમ્ય હોવા છતાં દેવાધિદેવનાં વચનો સાંભળી ઉપસ્થિત સર્વને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ. કોદરને તો વાંછિતની પ્રાપ્તિ થઈ હતી. છતાં તેનો આનંદ તેણે જણાવા દીધો નહિ. દેવાધિદેવથી તો આ વાત કંઈ છૂપી રહે? તેઓ તો અંતર્યામી હતા. પરંતુ કોપવચન નીકળ્યાં તે નીકળ્યાં. એમ કરતાંયે કોદરે શાપનું નિવારણ માગ્યું હોત તો — પણ તેણે તેમ કર્યું નહિ. દેવાધિદેવનો શાપ અફર હતો. તેનું પરિણામ અફર હતું.
૪
ગુજરાતની પૂર્વ પટ્ટીમાં ડુંગરની તળેટીમાં આવેલા અમરપરા ગામમાં રામા મોતીની વહુ ખેમીની કૂખે દેવ જેવો દીકરો અવતર્યો.
ક ઉપર નામ આવતું હતું.
‘તેજવાળો છે એટલે કાન્તિ નામ રાખો.’
‘કર્ણ બરાબર છે. કવચ-કુંડળ સાથે જન્મ્યો હોય તેવું તેજ છે.’ રામા મોતીએ કહ્યું: ‘ના ભાઈ, આપણે તો કોદર જ ઠીક છે.’
‘બહુ ભણાવજો હોં! મોટો સાહેબ થશે.’
ખેમી બોલી: ‘અમારે તો છોકરો સાજો રે’ એટલે બસ. અમારે મે’નતિયા લોકને તો શરીર સારું હોય એમાં બધું જ આવી ગયું.’
કાલની જ વાત લાગે છે. પણ વર્ષોનાં વહાણાં વાઈ ગયાં. આજે કોદર ચોવીસ વર્ષનો છે. ભણ્યોય છે. છતાં સાહેબ બન્યો નથી. બનવુંય નથી. શાપિત હોવાથી તેને પૂર્વભવ ને સ્વર્ગાનુભવ યાદ છે. શાશ્વત સ્વર્ગને શાશ્વત નર્ક એ તો અન્યાય જ છે. સ્વર્ગ ને નર્ક વચ્ચે સીડી હોવી જ જોઈએ. રસ્તો હોવો જ જોઈએ. પરસેવો સ્વર્ગમાંય વળવો જ જોઈએ.
એને માટે જ તો કઠિન તપ કરવું છે. ઇન્દ્રાસન ડોલાવવું છે. આંચકી લેવું છે. આજના યુગમાં તપ એટલે સખત શ્રમ દ્વારા સામુદાયિક જાગૃતિ. સતત સંઘર્ષ ને મજબૂત સંગઠનનો વિકાસ.
નીડરતા ને સાહસિકતા પણ જોઈએ. એ તો કોદરમાં પૂર્વભવથી હતાં જ. એટલે તો એને પૂર્વ વિશ્વાસ છે કે એક દિવસ જરૂર…