કાજુ પાછી કઈ રીતે પિયરને કેડે ચડી, માવતરને ઘેર પૂગી હતી એની એને સુરતા જ નો’તી રહી. એની જીભ જ સિવાઈ ગઈ હતી. કોઈ પૂછેગાછે તો જવાબ વાળવાને બદલે, કાન્તાકાકી કે’તાં એમ, મણ એકનો નિહાકો જ મેલે છે.
‘પાંચ-છ મૈનામાં એવાં તો કયાં આભ તૂટી પડ્યાં છ તે…’ અને મા પોતાના શરૂઆતમાં વેઠેલાં દુઃખોનું લપસિંદર ઉખેળવા માંડતી. ઉમેરતી, ‘લૂગડાંને ધોકા વિન્યા ને બાયુંને ધણીના ધુંબા વિન્યા મેલ નો નીકળે. ઘરમાં વાસણ હોય તી ખખડેય ખરાં. એમ ધોખો કરીને પિ’રના પલ્લા નો પકડી લેવાય. મેં એમ કર્યું હોત ને, તો કળશી કટમ ને સૂંડલો છોકરાં, આ ડેલીમાં નો માત. ઈ બધું કાંઈ આકાશમાંથી નથ ઊતરતું. થોડીક હામ રાખવીં. થોડુંક ખમી ખાવીં… અછો-અછો વાનાં કરે એવો ધણી છે. વાડીમાં તો વગડો વાળ્યો છ, બાય. વીઘા એકનું ફળિયું છે. હામ-દામ-ઠામ, શેની કમી છે?… જેઠાણીનાં રાજ નો તપતાં હોત તો ભેળાય ગ્યું હોત, કેદૂનું. કાજુડીએ શું વેઠ્યું છે, પેલ્લે પગલે જ સિંઘાસન મળ્યાં. જોગી-જોગણીનાં તપ ઓછાં પડે, સતિયાંનાં સત ટાંચાં પડે, ઈ બાય પાંહે. ઉઘાડી આંખ્યે મારાથી અપજહ નંઈ અપાય. આવી બાર બાદશાઈને ઠેબે ચડાવીને આવી છ તે, ચડો તમેય ભાય-ભાભીના ઠેબે. કાણાં ઠોબરાં કાંધીએ નો ચડે. જેવાં જેનાં ભાગ્ય. ખારચી ભોંને તો બારે મે ખાંગા થાય તોય ઓછા પડે.’ મા, કાજુને કહેવાને મશે ક્યાંય લગી અકળામણ ઠાલવતી રહી, કાન્તાકાકી પાસે. કેટલી વરાળ ને કેટલાં વેણ કાજુના કાનમાં ઊતર્યાં હશે, એ તો કાજુ પોતેય ક્યાં જાણતી હતી?
પાછી ફરી તે રાતે અંધારી ભોંએ એને ઠેશે ચડાવી હતી. જમણા પગના અંગૂઠાનો નખ ઊખડી ગ્યો’તો. જેઠાણીના ઓરડામાં નાઇટલૅમ્પના ઝાંખા અજવાળે પિયર જવા પહેરેલાં સુંડીએક ઘરેણાં ઝગમગી ઊઠ્યાં નો હોત તો પોતાના પંડ્ય પર જ રે’વા દીધાં હોત ને રસ્તામાં સમડાં-ગીધડાંએ એને ઠોલી ખાધી હોત. એમે એક-એક દાગીના ઝટપટ ઉતારીને જાળિયામાંથી જ ઓરડામાં ફેંકી દીધા’તા. પછી વીજવેગે ઊભે કેડે દોટ મેલી’તી, તે ઢૂંકડું આવે કુંડલું. એને પછવાડેથી કોઈએ હાંકલો દીધો’તો. કોણ એને સાદ દેતું’તું? — એ એને સંભળાયું’તું ખરું, ઓળખાયું નો’તું. ગભરાયેલી હણકીની ઠેકે પગલાં વાંભ-વાંભનાં થૈ ગ્યાં’તાં. નાવલીના બસસ્ટેશને આવતાં તો એ ફસડાઈને એક ખૂંટા પાસે બેસી ગઈ’તી. હજી અવરજવર ઓસરી નો’તી. બાજુમાં આવેલા પાનના થડે એ માંડ-માંડ પહોંચી. ગળે શોષ પડતો’તો. થડાવાળા પાસે એણે પાણી માગ્યું. ઘડીભર પેલો એના ચહેરા સામે તાકી રહ્યો. એક હાથમાં ભરત ભરેલી થેલી ને એક હાથમાં એમ ને એમ ઠઠી રહેલાં ચપ્પલ જોઈ પેલાએ વધુ પૂછતાછ નો’તી કરી. ઊભા થઈને આઇસબૉક્સમાંથી સાદા પાણીની બેત્રણ બૉટલ બહાર કાઢી હતી ને ડૂક્યા વગર પોતે ખાલી કરી હતી.
પગ ખસવાનું નામ નો’તા લેતા. એ થડા પાસે જ બેસી પડી. કમરમાં ખોસેલો રૂમાલ ખેંચીને એણે અંગૂઠે બાંધ્યો હતો. લોહી અને મારગની ધૂળથી અંગૂઠાનું ટેરવું કચકચી ગયું’તું. અત્યાર સુધી તો પિંડીમાં જ કળતર થતું’તું, હવે ઠેઠ સાથળના મૂળમાંથી સણકા ઊઠતા’તા. અંગૂઠામાંથી નીકળેલું લોહી તો ત્યાં ને ત્યાં થીજી ગયું’તું, પણ… એની ખરપટડી ઉખેડતી-ઉખેડતી મનને પૂછી રહીઃ હૈયું આખ્ખું લોહીઝાણ થૈ ગ્યું છ, આંખ્યુંમાં એનું ઝાબલું ભરાઈ ગ્યું છ, ઈ આ મા ઓછી જોઈ હકવાની છ?
થોડી વારે થડાવાળાએ મીઠાશથી પૂછ્યું હતું, ‘ક્યાંનાં તમે?’ આછી ઓળખાણ પણ નીકળેલી. પેલાએ ચિંતા ન કરવા કીધેલું. થયેલું એનેઃ પોતાનાં નડે છે એટલાં પારકાં નથી નડતાં. થડાવાળો ધરપત બંધાવતો હતો, ‘તમને બેહાર્યા કેડે જ દુકાન વધાવીશ.’
એક પછી એક આંખ સામે ઊઘડતું ગયું. જેમ-જેમ ઊઘડતું ગયું તેમ-તેમ વધુ ને વધુ અકળાતી રહી. મોડી રાતે માંડ ઘર ભેળી થયેલી. સાંભળ્યાકારવ્યા વિના માએ એને પોંખી હતી, ‘એવી તે કઈ ઉતાવળ બળી’તી કે આમ મધરાતની બસ પકડી? હામેવાળાની સલૂકાઈ તું-થી નંઈ જિરવાય…’
‘પણ બા…’ કિશુભાઈએ ઓશરીની ટ્યૂબ શરૂ કરવા ચાંપ દાબી હતી. એની ખોડંગાતી ચાલ જોઈને જ એ સચિંત બની ગ્યો’તો, ‘તમે જોવો નંઈ, કારવો નંઈ ને સીધો સણેથો વીંઝ્યે રાખો. આ જોતાં નથી?’ બા ક્યાં સાંભળે એમ હતી? એનો બબડાટ ચાલતો રહ્યો. ભાઈએ હેતથી એનું બાવડું પકડી લીધેલું. કેડ્યે પાલવ વીંટતી ભાભી પણ માલીપાના ઓરડામાંથી ઉતાવળી-ઉતાવળી આવી પૂગી.
ભાઈએ વાળુ કરવા રસોડા તરફ બેનને લઈ જવા ભાભીને ‘સનહ’ કરતી’તી, એ એણે જોયું’તું. પરાણે-પરાણે એના હોઠમાંથી વેણ સર્યાં’તાં, ‘મને ભૂખ નથી, ભાભી.’ બેય જણ એની પડખે, ઓશરીની કોરે એમ ને એમ બેઠાં રહ્યાં’તાં.
કાજુને હળવી કરવા ભાઈ બોલ્યો, ‘ગાંડી, બાના બોલ્યા હામું નો જોવાય. તું નથી જાણતી એને? તારી ભાભી બરાબરની કળી ગઈ છે એને, તે ઓહોનું રડે છે, સાસુ-વઉંને. ઓછું હાંભળે છ એનો લાભ ને ગેરલાભ, બેય હવે અમારે ભાગે. આયું ભાગ પડ્યા તીકોડ્યે તારી ભાભીને લીધે જ અમારી હાર્યે આવવા રાજી થ્યાં. નકર આમ જોવા જાવ તો આપણામાં કાં મોટીનું ઊપજે, કાં નાનીનું, વચેટ વઉં તો હિંડોળા ખાટ્યની ઘોડ્યે ફંગોળાયા કરે, ઘડી આ પા, ઘડી તે પા…’
કિશુએ જોયું કે આટઆટલું બોલવા છતાં કાજુના હોઠ પર તો સ્મિતની આછોતરી ભાર પણ નથી ઊપસતી. થોડી વાર એને કશું સૂઝ્યું નહીં. એણે લાચારીપૂર્વક પત્ની સામે જોયું. ભાભીએ એનું કાંડું પકડી હસીને પૂછ્યુંય ખરું, ‘ધણી-ધણિયાણી વચ્ચે ધબાધબી તો નથી બોલી ગઈ ને?’
‘તુંય તે…’ ભાઈએ પત્નીને અટકાવી.
‘આપણે તો રોજનું થ્યું તે કોઈ નવી નવાઈ નો લાગે, પણ આ બાએ તો હજી વરને આંગણે પૂરો પગ પણ નથી મેલ્યો, ત્યાં…’ઃ કશી સૂઝ ન પડતાં ભાભીએ પાછું ચલાવ્યું, ‘અમારે તો કાજુબેન, આંય રામનાં રાજ્ય. બા પૂરું સમજે નંઈ — સાંભળે નંઈ. ઓલી વારતાવાળી થૈ છ વઉ, મોં-વાળો… તમે તમારે ઘેર. નંઈ કોઈ રોકનાર, નંઈ કોઈ ટોકનાર. તમારા ભાઈને ટડકાવવાનો એવો તો મોકો મળ્યો છ. કોણ ભેરે આવે? રેઢું પડ માંડ ભાળ્યું.’
કાજુના ચહેરા પરની એકાદી રેખાય આઘીપાછી થઈ હોત તો બોલ્યું લેખે લાગત.
તપેલીમાં નવશેકું પાણી લઈ આવી ભાભી. ઓશરીનાં ભીંતિયા કબાટમાંથી લૂગડાંની બચકી કાઢીને એમાંથી ધોયેલાં, સાચવી રાખેલાં, ઊતરેલાં સફેદ કપડાંના લીરા કર્યા ને તપેલીમાં ઝબોળી-ઝબોળીને નણંદના અંગૂઠાને ધીરે ધીરે સાફ કર્યો. એક પણ કાંકરી ઊખડેલા નખ સાથે ચોંટી ન રહે એ માટે એણે ચીવટ રાખી. એણે ધણીને કહ્યું, હસીને, ‘તમે તો છેટા જ રે’જો. લાડકી બેનની પીડા નંઈ જિરવાય પાછી, તમારાથી.’ એટલી જ ત્વરાથી એણે અંગૂઠા ફરતો ભીનો પાટો બાંધી દીધો.
ભાઈ ફળિયામાં ઢાળેલા ખાટલામાં બેઠોબેઠો દૂરથી નીરખી રહ્યો’તો, બેનના ચહેરા પર સુખ કે દુઃખનો કોઈ અણસાર જ એ પામી શકતો નહોતો. ઠેઠ લગી ન તો એણે સિસકારો કર્યો, ન તો પાટો બંધાઈ ગયા પછી – હાશ. એ બેઠી રહી’તી, પગને ચોર્યા વગર. પીડાને ગણકાર્યા વગર. પગ પારકો હતો, જાણે.
બીજે દિવસેય કાજુ ટૂંટિયું વાળીને લબાચાની જેમ પડી રહી. ગઢ્ઢાં મા આમાં સમાઈ જતાં, આવડીક ખાટલીમાં. હવે આ ખાટલીનો વારસો બાને નંઈ. પોતાને મળવાનો હતો. ગઢ્ઢાં મા બની જવાનું. ઉંમરને વળોટી જવાની. લાડકોડના દિવસો પૂરા થ્યા. પે’લું આણું, બીજું આણું, સંધુંય મનના ઊંડા ભંડકિયામાં ધરબી દેવાનું. ભાભીના હાથનાં છાણ-વાસીદાં સંભાળી લેવાનાં. સાસરિયામાંયે ક્યાં રાત-દિ’ ઢોલિયા ઢાળી રાખ્યા’તા, તે..: એનું મન આશ્વાસન આપે છેઃ ભાઈ-ભાભી વહાલસોયાં છે. એક બેનને હારુ બે ટંક રોટલો ને ચાંગળુંક ચા એને ભારે નથી પડવાનાં. ભત્રીજો હજી ઘોડિયામાં છે, ઘોડીએ ચડવાના ઊજળા દિ’ આવશે તીકોડ્યે એણે પોતાની વાટ ગોતી લીધી હશે…
વિચારો અંદર ને અંદર ઘૂમરાયા કરતા’તા. ઇચ્છવા છતાં એ એને રોકી શકતી નહોતી. ભાઈ-ભાભી કને મનના ભોગળ ઉઘાડીને હળવા થઈ જવા એણે ખૂબ-ખૂબ વિચાર્યું છતાં હોઠ ભીડેલા જ રહેતા. બીજી એક કાજુ હાથ આડો કરીને એને વારતી’તી જાણે. આ બીજી કાજુ બાની ગોઠણ્ય થૈ ગઈ’તી. એ જ બાને ભોળવી રઈ છે. ચૂપ મરવા નાકે આંગળી ટેકવીને ઊભી છે છાતી સામે. પાછી બાને ઉશ્કેરતી રહે છે એકધારી—
બા, કાન્તાકાકી અને કંકુમા સાથે વાતવે વળી છે. વારે-વારે એની આંખ અને આંગળી પોતાના તરફ નોંધાતાં રહે છે. થાય છેઃ બંદૂકની નળી છે આ કે બાની આંગળી? થતું હશે એનેઃ મારું હાલે તો સાસરાનો ઉંબરો ઓળંગનાર છોડીને સાતમા પાતાળે ધરબી દઉં. જેઠાણીનાં તાપ જીરવવાં એ નાનીમાના ખેલ નથી, દીકરી. પારકાંને પોતીકાં બનાવ્વા એનું નામ જ જીવતર, બાકી ચૂલાની રખ્યા.
બા ચૂલાના ઓબાળની જેમ કાજુને અગનિમાં ધક્કેલી રહી છે. એની વાતમાં સાચ નથી. એટલી સમજાવવા પૂરતી મતિ કે ઊલટ કે ક્યાંથી લાવે?
બા ઓછું સાંભળે એટલે એનો સ્વર જોરુકો હતો—
‘મારું પિ’ર ને આની જેઠાણીનું પિ’ર, વચાળ એક વોંકળું, એટલું જ છેટું. મારી આંખ્ય સામે જ એને મોટી થતી જોઈ છ, નો ઓળખું એને? સાસરો તો એણે જોયે જ નો’તો. સાસુએ દીકરીનાં આણાં કર્યાં પછે મોટાને પવણાવ્યો. બેય સાસુ-વઉ અને ધણી, દાડિયાં-દપાડિયાંની હારોહાર ઊભી ઓળ્યે ચડતાં. આપણી કાજુનો વર ઈ ટાણે માંડ નવેકનો. કમરની કઠણાઈ માડી, હાંભળજ્યો. જે દિ’ આની જેઠાણીને ખોળો ભરીને તેડી ગ્યાં ઈ જ રાતે એના ધણીએ મોટું ગામતરું કરેલું. ઈ સુવાવડીએ સવા મૈનોય પૂરો નો’તો થાવા દીધો ને મા-બાપના લાખ મનાવવા છતાં ચકલાના ટેટા જેવી છોડીને લૈ હાહરાનું ખોવડું ઝાલી લીધેલું. આજની ઘડી ને કાલનો દિ’. નથી જોયા એણે વાર-તેવાર કે નથી જોઈ પિ’રની દૃશ્ય. દીકરો ગણી દેરને લાડ લડાવ્યા. ધાવણી છોડીને ઉઝેરી. માંદી હાહુનો ખાટલો હાચવ્યો. ઈ બાઈ નો’તને, તો ખાટસુવાદિયાને બખ્ખા હોત બખ્ખા. હવે તમે જ ક્યો, આવી જેઠાણીનાં કર્યાં-કારવ્યાં ઉપર છાણ કરવાનું? રૂપ તો એનાં અટાણેય અભરે ભર્યાં છ, કેણ પણ ઓછાં નો’તાં. ધાર્યું હોત તો બીજાનું ઓઢણું ઓઢતાં એને કોણ રોકતું’તું?’ બા શ્વાસ ખાવા પૂરતી અટકી. કાજુની સામે ઉતાવળી નજર ફેરવી, ઝીણી આંખ કરતી બોલી, ‘હું કાંય ધાવણી કીકલી નથી, બાય. મરને ઈ નો કે’. બાયું-બાયું વચાળ બીજા વાંધા-વચકા ક્યાં બળ્યા છ? ઓલી બાય, આના ધણીનાં અછોઅછો વાનાં કરે ઈ આનાથી નો જિરવાયું. અસ્ત્રીની ઈરખા-વરતી મા’ભારત ટેમથી હાલી આવી છ.’ માનો સ્વર ભીનો થયો, ‘ગણ નો ભુલાય ઈ જેઠાણીનો. બીજાને કઉં તો કો’ક મને ગાંડી ગણે. દીકરીને કોરાણે મૂકીને આ બાય પારકીની ભેર્યે ચડે છ. મારા વા’લાને સાખે રાખીને કૌં છૌં. મારી જીભે હાથલ્યા થોર ફૂટી નીકળે, આડીઅવળી વાતું કરું તો…’
માએ દિવસો લગી એકની એક પારાયણ ચલાવ્યે રાખી. એટલું તો પોતેય સમજે છે. બાની સંધી વાતું સાચી હતી. પોતાને આવો વેઠવા વારો આવ્યો હોત તો કે’દૂની સાંઠી-ડાંખળું થઈ ગઈ હોત. એણે ભાઈને લખેલુંય ખરું, ‘ચાર-ચાર આદમીને ભાંગી ભગવાને મારાં જેઠાણીને ઘડ્યાં છે. જ્યાં-જ્યાં એનો પગ પડે, ત્યાં-ત્યાં વાંકીચૂંકી ભોં પણ સમથળ થઈ જાય. તમે કેવા ટેસથી ગલોફામાં પાનને ચડાવી રાખો છો, એમ જ એ દુઃખ અને ચિંતાને. થોડામાં ઝાઝું લખ્યું જાણજો ને મારી ભાભીને આ બધું સમજાવજો.’
— તેં જ લખ્યું’તું ભૂલી ગૈ? આવું લખનારી કાજુ કે રિસામણે આવેલી કાજુ — બેમાંથી કઈ સાચી, બોલ?: ભાઈનો મૂંઝવણ-સોતો અબોલ પ્રશ્ન ભાઈની છાતી સાથે જ વારંવાર પછડાતો રહ્યો.
પોતે કંઈ પથ્થર નો’તી કે ભાઈની મૂંઝણ ન પામી શકે. કેવાં-કેવાં લાડ ને છણકા કર્યા છ આ ભાઈ પાસે. બધ્ધાં જ એણે હસતાં-હસતાં નિભાવ્યાં છ. આ કાંઈ પેલા ધિંગામસ્તીના દિ’ નથી કે ભાઈ એને દાંતમાં કાઢી નાખે. પોતે રિસાતી ત્યારે ભાઈ છેલ્લું હથિયાર છોડતા, ‘મોં ફુંગરાવીને બેઠી છ તે, દાંત કાઢ્ય નકર… નકર તારી ભાભીને તારું હાચું નામ કૈ દશ્ય.’ અને કે છુટ્ટે મોંએ હસી પડતી. પછી તો ભાભીનેય રઢ લાગેલી, એનું સાચું નામ જાણવાની. સાસુને ભોળવી લીધેલાં. ઘા કરવાનો વખત આવે તો એણે પણ, ‘ક’ને કાનો ‘કા’, ‘ળ’ને દીરઘાઈ…’ પૂરું કરે તી પેલ્લા જ બળજબરીથી ભાભીનું મોં દાબી દેતી. આ રમત તો એનાં લગન લખાયાં ત્યાં લગણ ચાલેલી. ભાઈ કાજુ કે’તા એટલે ગામ આખામાં એ જ નામ સૌના હોઠે ને હૈયે સચવાયેલું. કંકોતરીમાં છપાવેલું, ‘અમારી ચિ. બેન કાજલ…’ એ કેટલી પોરસાઈ’તી કંકોતરી જોઈને! આજે એ જ ભાઈ સામે કશું બોલી નથી શકાતું.
જાત ઉપર તિરસ્કાર છૂટતો’તો એને. શું નો ભાળ્યું ધણીએ પોતામાં? એક જ પળમાં એ હતી નહતી થઈ ગઈ હતી.
ભાઈએ ભાભીને સૂચવેલું, ‘એને ફર્ય આવે એમ રે’વા દ્યો. મૂંઝવશો મા. ઊલટાનું એકના હાટાનું બીજું થઈને ઊભું રે’શે. ઊંચકાશે નંઈ ભાર જે દિ’, આપોઆપ ગાંઠ છૂટી જશે.’
‘તમે પોતે જ હરુભરુ રમેશ પટેલને આંટો દૈ આવો તો?’ ભાભીના એવા સૂચન ઉપર પણ ભાઈનેએ ટાઢું પાણી રેડી દીધું હતુંઃ ‘એવી હડિયું કાઢવાની જરૂર નથી. પડી રે’શે ઘીના ઠામમાં ઘી.’
ધીમા-ધીમા ચાલતા આ સંવાદો એના કાન સાથે અથડાતાં છતાં કશુંક ખોઈ નાખ્યાની લાગણી એને છંછેડ્યા કરતી ને ગળા સુધી આવેલો ઊભરો જીભને ટેરવે આવીને થીજી જતો.
એમ તો ભાઈના અંતરમાં ઉફાળા મારતી ચિંતા એના ચહેરા પર એ વાંચી શકતી. એની વાણીમાં લીલોતરી લહેરાતી તેને ઠેકાણે પાણ દીધા વગરની મૂરઝાતી મોલાત હવામાં હવાતિયાં મારતી હોય એમ એને લાગ્યું. એણે નિર્ણય કરી લીધોઃ બધો ભાર ભાઈને સોંપીને હળવા થઈ જવું. એનેય સૂઝશે મારગ. એ કે’શે તો પાછી વળીશ. એને દૂભવીને હું કયે ભવ છૂટું?
બધું હેમખેમ ચાલતું હોત. ભાઈ-ભાભીને મળવા આવવાની ઉતાવળ, બીજું શું? ભ્રમણામાં જીવતી’તી, એ ભાંગી ન હોત તો કોઈને દેખવા-દાઝવાનો વારો ન આવત. સાસરે ગ્યા કેડ્યે, ભીમ-અગ્યારસ ને સાતમ-આઠમને અઘણિયાત ગોઠણ્યુંને મળવાની હોંશ ને એવાં બધાં કમઠાણને ઢબૂરી દેવાં જોવે. જેઠાણીએ મેલી દીધેલાં, એમ બા જ નો’તી કે’તી?
ફરી-ફરીને ઈ જ ફિલમ ચાલે છે, આંખ સામે.
જેઠાણીએ મીઠાશથી રજા આપી હતી. જાતે જ ઘરેણાં પહેરાવીને શણગારી હતી. બોલી’તી: આવી સોળે કળા અટાણ લગી ક્યાં સંતાડી રાખી’તી? તારો ધણી આવે તી મોર્ય હાલ્ય તને બસમાં વળાવી દઉં. નીકર આવું રૂપ જોઈને..: એણે જ થેલી ઊંચકી લીધેલી ને બસમાં બેસારી ત્યાં લગણ ખોટી પણ થઈ.
બસ મોડી પડી’તી. કાચે રસ્તે, અણધાર્યો જ બસે આંચકો ખાધો. પેસેન્જરુંમાં રીડિયારમણ મચી ગયેલી. ડ્રાઇવરે અગમચેતી નો રાખી હોત તો કોણ જાણે કેટલાંયે મરત! બસનું મોયલું પૈડું જ સંચોડું નીકળી ગયેલું. રસ્તાની ભેખડ સાથે અથડાવીને ઊભી રાખવાનો એક જ ઉપાય એની પાસે હતો. થોડુંઝાઝું વાગ્યું’તું કેટલાંકને. ભાગ્યજોગે એને સામેની સીટ સાથે અથડાતાં મૂઢમાર વાગ્યો હતો. ખંભો કળતો’તો. હજીય કળે છે. કન્ડક્ટરે બધાંને ધરપત આપી’તી. પોતાની પાસેના બૉક્સમાંથી પાટા-પિંડી કર્યાં હતાં. કોઈ પણ આવતી-જતી બસમાં બેસી જવાની એણે ગોઠવણ કરી આપી’તી. રુંઝ્યું વળી ગઈ’તી. સાસરાને ગામ પાછું વળવું એ જ એને યોગ્ય લાગ્યું’તું. સામેથી આવતી બસની લાઇટનો શેરડો પડતાં કન્ડક્ટરે બસ થોભાવી હતી. એમાં જવા માગતાં મુસાફરોની ટિકિટ પર એણે સહી કરી આપી હતી. એક્સપ્રેસ બસ હોવા છતાં ગામ આવતાં બસ ઊભી રહી હતી. સાઠ-સાડા આઠે તો ગામમાં સોપો પડી ગ્યો’તો. દૂર ખાંચાની દુકાનો સિવાય ને રસ્તાના થાંભલાના ઝાંખા ગોળા સિવાય સાવ અંધારું પથરાઈ ગયેલું. એણે ડેલીએ જવાને બદલે પછવાડેના વાડાની ઝાંપલી ખોલી હતી. જેઠાણી જે ઓરડામાં સૂતાં તેના પાછલા બારણાની સાંકળ એણે ખખડાવી. અંદરથી ટૌકો સંભળાયોઃ આજેય કોની દુકાનનાં પાટિયાં ભાંગતો’તો?
એ જેઠાણીને અચંબામાં નાખવા માગતી હતી. પોતે કશું બોલી નહીં. બારણું ઊઘડવાની રાહ જોતી ચૂપચાપ ઊભી રહી.
જેઠાણીના પગ બારણા તરફ વળ્યા એમ ધબકારા પરથી પરખાયું. બંગડી ને ઝાંઝર ખખડવાના અવાજે એ જરાક ચોંકી. એની દીકરીએ વેન કર્યું હશે એટલે ત્યાં અંદરથી ભાભીજીનો હોંશીલો અવાજ સંભળાયો, ‘તુશી તો પડખેના ઓવડામાં ક્યુંની ઘોંટી ગઈ છે… ખમજે, ઉઘાડું છઉં. છેલ્લે-છેલ્લે વાડીએ ભાત લઈને આવી તયેં જાંગું ભાંગી ઈ ભાંગી… પછી નકરા નકોરડા… બીકણ તીમાં…’
બારણું ઊઘડ્યું. કમાડની આડશમાં લપાયેલું જેઠાણીનું ઉઘાડું પંડ્ય એની આંખોમાં ક્ષણભર છબી ગયું. ઓરડાના આછા અજવાળે એને આંધળી ભીંત કરી મૂકી.
‘તું કાજુડી… અટાણે?’ પાછી? જેઠાણીએ છણકો કર્યો. હીંચકતી છાતીને ઢોલિયે રાખેલી ચાદરથી ઝટપટ વીંટવા માંડી. થોડી વાર બેમાંથી કોઈને કશું સૂઝ્યું નહીં. વળતી પળે, પોતે ધડામ દેતાં કમાડ ભટકાડી, પગથિયું ઊતરી ગયેલી ને ઝાંપલી ભણી દોટ મૂકેલી. વળી સાંભરી આવતાં, એ ત્યાંથી પાછી ફરી’તી. દેહ પરનાં એકેએક ઘરેણાંને ઉતારતી ગઈ ને જાળિયામાં ફેંકતી ગઈ. એક પણ વેણ કાઢ્યા વિના, પાછું વાળીને જોયા વિના.
પછી ઊભો કેડો જ એણે પકડી લીધેલો. કુંડલે પૂગી ત્યારે કેટલો ટેમ થીયો હશે, એનીયે એને સરત નો’તી રહી.
ઓશરીનો નાઇટલૅમ્પ પીળો અજવાસ પાથરતો જાગતો હતો. બાનાં નસકોરાં સિવાય આખ્ખું ફળિયું શાંત હતું. એ ફળિયામાં ઢાળેલા ખાટલા પરથી ઊભી થઈ. ભાઈના ઓરડા તરફ જવા પગ ઊંચક્યા. અંગૂઠો હજી કળતો’તો. છતાં ચાલી. થાંભલી ઝાલીને કોર ચડી. અધબીડેલા બારણામાંથી એનો પડછાયો ઓરડામાં લંબાયો હશે. ક્ષણેક બારણા પાસે ઊભી રહીઃ ભાય..: કહેવા હોઠ ફફડ્યા પણ રૂંધાયેલા ગળામાં જ શબ્દ અટવાઈ ગયો. આવી હતી તેવી જ તે પોતાના ખાટલે પાછી ફરી.
ત્યાં જ બારણું ઊઘડ્યું ભાઈ પાણિયારેથી લોટો ભરી લાવ્યો ને એની પડખે જઈને બેસી ગયો. ઓશીકામાં મોં છુપાવી ડૂસકાં ભરતી બેનની પીઠે એનો હેતાળ હાથ ફરતો રહ્યો, પછી હળવેકથી પૂછ્યું, ‘બારણા સુધી આવીને કેમ પાછી વળી ગઈ? તારે કાંઈ કેવું’તું કાજુ? બોલ, શું કે’તી’તી?
(ગજવામાં ગામ)