યોજનો સુધી પથરાયેલુ એક જંગલ હતું. અસંખ્ય વૃક્ષોથી છવાયેલું, માનવો તો ઠીક પ્રાણીઓ માટેય ભયાનક નિવડે એવડું! આખુંય જંગલ વૃક્ષોના પાંદડાઓ અને વિશાળ ડાળીઓને કારણે ગૂંથાઈને ગેબી માયાજાળ રચતું. વૃક્ષોને સહારે ચડેલી વેલીઓ અને નીચે ઊગેલ ઘાસ. ઘાસ પર નભતા તૃણભક્ષીઓ અને ઝાડ પર કલબલતા પક્ષીઓ. એમના પર નભતા માંસભક્ષીઓથી ઉભરાતું હતું આ જંગલ.
એ જંગલની વચ્ચોવચ એક સરોવર. સ્વચ્છ-નિર્મળ જળથી છલોછલ ભરેલા એ સરોવરમાં પશુ-પક્ષીઓ તરસ છીપાવે. સરોવરમાં અવનવા રંગની માછલીઓ સેલારા મારે. વહી આવતી લ્હેરખીના સાથમાં, અવનવા લયમાં હિલ્લોળાતા મોજાના હિંચકે ચડી નૃત્ય કરતી માછલીઓ ઉછાળા મારે. વહી આવતી લ્હેરખીના સાથમાં, અવનવા લયમાં હિલ્લોળાતા મોજાના હિંચકે ચડી નૃત્ય કરતી માછલીઓને જોવા ટોળે મળેલા વૃક્ષો એકલયમાં લીન બનીને હળુ હળુ લ્હેરતા રહે. ક્યારેક ઉછળી ઉછળીને માછલીઓને પોરસ ચડાવે તો ક્યારેક ગંભીર બની તાલ સાથે તાલ મેળવી મસ્ત બની જાય. બીજી બાજુ દેડકાઓ સપ્તમ સૂરમાં રાગ છેડે ને પછીઓ કૉરસ શરૂ કરે. બગલો ધ્યાનસ્થ બની જાય. હંસ બતકોની સાથે પાણી પર ધીરે ધીરે રેલાવા લાગે! એના પડઘા પાળના એક ખૂણા પર ઊભેલા અવાવરુ મહેલના ખંડેરમાં ગોરંભાતા હોય!
એ ખંડેરોની વાત કરું… એ ખંડર મહેલ વિશે કોઈ કંઈ નથી જાણતું. કોઈ પશુ-પંખીને ખબર નથી. દાદા-પરદાદાની વાતમાં એમને કંઈ જાણવા મળ્યું નથી. એ ખંડેરની આસપાસ થોડી જગ્યામાં તો વૃક્ષોએ પણ ઊગવાની હિંમત નથી કરી! આખાય જંગલમાં આ ખંડેર જ એક એવી જગ્યા છે જ્યાં જમીન કોરીભંઠ છે. એ મહેલનું રહસ્ય તો આ જંગલ પણ જાણતું નથી. કહો ને કે ભૂલી ગયું છે. હવે કોઈ જ એ તરફ લક્ષ્ય આપતું નથી. સરોવર પોતે પણ.
એ મહેલની દીવાલો ઊભી છે કોણ જામે ક્યારનીયે. ક્યારેક એ ભવ્ય ઇમારત હશે. સરોવરની પાળ પર, જાડી પહોળી દીવાલોથી બનેલો એ મહેલ સમયની ઠોકર ખાઈ ખાઈને કાળમીંઢ બની ગયો છે. મુખ્ય ઘુંમટ અર્ધ તૂટેલી હાલતમાં ટકી રહ્યો છે. એમાં ગોરમ્ભાતો અંધકાર કોઈને પણ પાસે ઢૂંકવા ન દે. મુખ્ય ખોખાની આગળની બાજુએ વિશાળ પડછાળ અને ચારેય દિશાને અનિમેષ તાકી રહેલા મોટા ઝરુખા, એમાં વસતા ઘૂવડનો આછો ફફડાટ, ચામાચિડિયાએ ઊંધા લટકીને બનાવેલી ડરામણી ભાત ને છેડે પડતા ખખડધજ ખીલાદાર દરવાજાઓ…! સરોવર તરફના દરવાજે પડે છે મોટા મોટા પગથિયાઓ, ધીમે ધીમે ઉતરાય એવાં, લાંબા પહોળા પગથિયાઓ… ધીમે ધીમે સરોવરના પાણીને ડારતા એ પગથિયાં.
આખુંય જંગલ આ પગથિયાથી ડરે. એના દર્શન માત્રથી ફફડે.
એવા ખંડેરની દીવાલ પર સદીઓના થપેડા લાગેલા છે. કોઈ એને ખોતરે તો કદાચ એના ભૂતકાળમાં જઈ શકાય, પણ એવું કરે કોણ?
પણ પછી પળ વીતતી જાય છે, કલાકો અને વર્ષો, એમ સદીઓ પર સદીઓ પસાર થઈ ગઈ. એની દીવાલ પર કોઈ કાન માંડે તો એને કદાચ કોઈ આછો ધબકાર સંભળાય. કદાચ એના રચનારાઓનો નિઃશ્વાસ સંભળાય. કદાચ એમાં વસનારાંનો હોઠ પર ફરકેલાં હાસ્યનો કલશોર સંભળાય. કદાચ એ મહેલના વિશાળ દાદરાઓ ઉપરથી ચડતો-ઉતરતી નાજુક પગલીઓની આહટ કે પછી ક્યારેક ત્યાં વલેસાં હૈયાઓના હરખ કેપ છી શોકનાં કંપતા નાદ સંભળાય. બધું પમાય પણ ત્યાં જાય કોણ?
હું આટલું બોલી અટકી પડ્યો. હું જ ગૂંચવાઈ પડ્યો, હવે આઘળ કહેવું શું?
ત્યાં વાસુ લગભગ બરાડી જ ઊઠ્યો ‘કાકા, હવે આગળ કહોને…’ એને એટલે જ અટકાવીને ઋજુલ ટપકી પડી, ‘છાનોમાનો સાંભળને હવે… વચ્ચે વચ્ચે બોલબોલ ન કર…’ એટલું કહી, ગોદડાને વળી એક વધુ ગડી વાળી, એના પર મોં ટેકવી વિસ્ફારિત નજરે મને તાકી રહી. વાસુને એ ટકોર ગમી તો નહીં પણ વાર્તા સાંભળવાની લ્હાયમાં એ પચાવી ગયો. પણ સાચું કહું તો હું જ ભરાઈ પડ્યો હતો! વાર્તાની શરૂઆત જ એવી થઈ હતી કે આટલા અને આ પ્રકારના વર્ણન પછી કરવું શું? એ ખંડેરના ભૂતકાળમાં જવું શી રીતે? માનવપાત્રનો પ્રવેશ કઈ રીતે કરાવવો? જ્યાં જીવ-જંતુઓ પણ ભાગતા ફરે છે — એવું જાહેર કરી ચૂક્યો છું! સાચું કહું તો ચિત્તમાં આ વાર્તાનો ફ્લૉ અટકી પડ્યો છે.
પણ, ઋજુલ-વાસુના ચહેરા પર લીંપાયેલી ઉત્સુકતા મને ડારે છે. મારામાં રહેલ વાર્તાકારને ચેલેન્જ આપે છે. એટલે આગળ કઈ રીતે વધવું એ ખોળી રહ્યો છું. અંતે લાગ્યું કે, મધ્યકાલીન-પ્રાચીન કથાઓ જેમ કંઈક રસ્તો લેવા પડશે. એટલે આગળ ચલાવ્યું.
‘જંગલના વૃક્ષોમાં સંતાકૂકડી રમતો, પાંદડાઓને ગલીપચી કરીને ખડખડાટ હસાવતા પવનની જેમ તો ક્યારેક વિકરાળ ચીંખ કે ચટપટાહટમાં ગૂંગળાતો, તલક-છાંયડામાં અવનવી ભાત રચતો, સરવરના સ્થિર થયેલાં પાણી પર આછી પગલીઓની હારમાળા સરજીને પોયણાંઓને પંપાળતો સમય પસાર થઈ રહેલો! જંગલમાં બધાં જન્મે, જીવે ને કોઈનો કોળિયો થઈને મરી જાય અથવા તો ઘરડાં થઈ ભૂખે મરે! વળી, નવાં જન્મે ને એમ બધું ચાલ્યા કરે. એવામાં એક દિવસ ન બનવાની વાત બની ગઈ. સરોવરમાં રહેતા એક દેડકો અને દેડકી એમનાં બચ્ચા માટે ખાવાનું શોધવા નીકળ્યા ને બહુ દૂર નીકળી ગયા…’
‘હેં કાકા, એ છેક જંગલમાં ખાવાનું લેવા જાય?’ — વાસુથી ન રહેવાયું.
‘ના બેટા, એ તો સરોવરમાં જ ખાવાનું શોધતા હતા, પણ સરોવર મોટું હતું ને? એટલે દૂર નીકળી ગયા. આ બાજુ એમના ચાર બચ્ચાં હતા, એ એના ઘરની આસપાસ કૂદકા મારવાની રમતમાં પડેલા. એમાનું નાનકડું દેડકું ભારે તોફાની.’
‘આ વાસુડા જેવું, કેમ?’ ઋજુ બોલી ઊઠી ને બંને વચ્ચે ટપાટપી શરૂ થઈ ગઈ. એ અટકાવીને માંડ શાંત કર્યા ત્યાં વાસુ કહેઃ ‘કાકા, ચીટીંગ નહીં કરવાનું, અમારે દેડકાની નહીં, પેલા ખંડેરની વાર્તા સાંભળવાની છે.’
‘હા ભાઈ હા, એની વજ વાર્તા કહીશ. બસ? હા તો હું ક્યાં હતો?’
‘પેલું નાનકડું દેડકું ભારે તોફાની… એમ તમે કહેતા હતા.’ કહીને ઋજુલ ગંભીર થઈ ગઈ.
‘હા, તો એ નાનકડાં દેડકાે તો મોટાં કૂદકા મારવા માંડ્યા. એટલે એમાંનું મોટું બચ્ચું ખીજાયું ને એક લાફો લગાવી દેવા નાનાની પાછળ પડ્યું પણ નાનું દેડકું એમ કંઈ હાથ આવે? એ તો છલાંગ લગાવીને છટકી જાય… આગળ ને આગળ…’
‘એ પેલા ખંડેરના પગથીયા પર ચડી ગયુંને કાકા?’ — હવે ઋજુલ બોલી પડી.
‘અરે વાહ, તને કઈ રીતે ખબર પડી ગઈ?’ મેં એને પૂછ્યું એટલે ઠાવકું મોઢું કરીને એ કહે, ‘તો જ દેડકાની વાતમાં પેલું ખંડેર આવેને?’
વાસુ, ઋજુલની હોંશિયારીથી તમતમી ગયો. એ જોઈને મેં ફરી આગળ ચલાવ્યું.
‘હા, એ નાનું દેડકું તો એક છલાંગ લગાવીને મહેલના પગથિયા પર ચડી ગયું. હાંફતા-હાંફરતા બીજાય બે-એક પગથિયા ઉપર ચડી ગયું. બીચારા બીજા ભાઈઓ તો ડરના માર્યા છૂ થઈ ગયો. પગથિયે ચડવાની તો શું એ બાજુ જોવાની યે એમની હિંમત ન ચાલી. એમની માએ ત્યાં જવાની ના પાડેલી એટલે આ તો પાછા નાઠા. આ બાજુ પગથિયા પર આવી ગયેલું નાનું દેડકું ગભરાયું. આવતા તો આવી ગયું. હવે કરવું શું? એને માએ કહેલું યાદ આવ્યુંઃ ‘એ પગથિયાને જે અડે એનું પેટ ફાટી જાય ને ડોળા બહાર આવી જાય’ એ ગભરાઈને પોતાનું પેટ જોવા લાગ્યું ત્યાં તો ભયાનક કડાકો સંભળાયો, એ સંકોડાઈને પગથિયાની દીવાલે લપાયું. જોરજોરથી પવન વા’વા લાગ્યો. ધૂળની ડમરી ઊડી ને, સુક્કા ખડતા પાંદડાઓએ એના પર મારો કર્યો, દૂર વૃક્ષની ડાળ તૂટી પડવાનો અવાજ આવ્યો, એ ધ્રુજવા લાગ્યું. પક્ષીઓ એક સાથે કકળાટ કરતાં માળા ભણી ભાગવા લાગ્યા…’
મેં ચાલુ વર્ણને મારા ઑડિયન્સ ભણી નજર કરી તો વર્ણનની ધારી અસર એમના ફાટેલા આંખ મોં અને લબડી પડેલા હોઠ ઉપર વરતાતી હતી! મેં વિચાર્યું ઑડિયન્સ મંત્રમુગ્ધ છે તો વર્ણન આગળ ચલાવું. પણ વાસુ — અત્કંઠાથી લગભગ બેઠો થઈ ગયેલો તે બોલ્યોઃ ‘જટ આગળ કહોને પ્લીઝ…’
‘હા… તો એ ગભરાયેલું દેડકું થરથર ધ્રુજતું હતું. ત્યાં સાવ ઝીર્ણ-શીર્ણ ઘરડો અવાજ સંભળાયો… ‘અ…આ…આ…વ… દીકરા, આવ…’ બીચારું દેડકું વધારે ગભરાયું. એણે આંખો ઉઘાડીને આજુબાજુ જોયું તો કોઈ દેખાયું નહીં તેથી તો ઉલટાની ગભરામણ વધી ગઈ. ત્યાં ફરી અવાજ આવ્યો… ‘અ…આ…આ…વ… દીકરા… આવ. કોણ જામે કેટલાં વર્ષો, સદીઓ વીતી ગઈ. તારાં પોચાં પોચાં પગલાં… અહા… હું કેટલાં બધા સમયથી રાહ જોતો હતો?’
સમય વિતતો ગયો, સૂરજ થાકીને ઢળી પડ્યો. અંધારા આખાય જંગલ પર પોતાનો કામળો ઓઢાડવા લાગેલા. દેડકું ફફડતું તો હતું પણ હવે પહેલા કરતા એનો ડર ઓછો થવા લાગેલો. એ આંખો ફાડી ફાડીને કોઈ હોય તો જોવા મથ્યું. અંતે એને લાગ્યું કે ‘પોતે જ્યાં બેઠું છે ત્યાં નીચેથી જ અવાજ આવે છે–’ એ વિચાર આવવાની ક્ષણે જ અનાયાસે એની હતી એટલી તાકાતથી કૂદકો લાગી ગયો. કમનસીબે એ હતો એથીએ એક પગથિયું ઊંચે ચડી ગયું. એ જ્યાં બેસે ત્યાંથી અવાજ સંભળાય… ‘અ…આ… આ…વ…દીકરા… આવ તારું સ્વાગત છેએ… એ… એ…’ એ ગભરાહટમાં એક પછી એખ વિશાળ પગથિયા ચડતું ગયું ને અંતે મહેલની વિશાળ પછડાટ પર આવીને પટકાયું. એની તો આંખો જ ફાટી ગઈ, નજર પડી ત્યાં સુધી પથ્થરો જડેલી લિસ્સી ફરસ પર ધૂળ ચડી ગયેલી. રાતના અંધારામાં એણે ઊંચે નજર કરી તો આખુંય આકાશ ટમટમતા તારાઓતી છવાઈ ગયેલું. એક બાજુ સ્હેજ નમેલો મોટો ચમકતો ચન્દ્ર એના પર ઢોળાઈ રહેલો. હવાની આછી લ્હેરખી આવી. એનો શ્વાસ હેઠે બેઠો. થોડી વારે એણે સરોવર તરફ નજર નાંખી તો પાણી પણ હલબલ થતાં તારાઓથી ખીચોખીચ ભરાયેલું! કિનારે ઊભેલા વૃક્ષો કાળા પડીને પાણીમાંથી તારા વિણતા હોય એમ ઝૂકી પડેલા! દેડકું હરખાઈ ગયું. એણે આ પહેલા ક્યારેય આટલી વિશાળતા નહીં અનુભવેલી તે ઊંડો શ્વાસ લીધો, એટલે પેટ ફૂલાયું ને જેવી એની નજર પોતાના પેટ ઉપર પડી એવું જ મા એ કહેલું યાદ આવ્યું — ‘એ પગથિયે જે અડે એનું પેટ ફાટી જાય અને ડોળા બહાર આવી જાય…’
ઋજુલ-વાસુ બંને ખડખડાટ હસી પડ્યા. વાસુ તો શર્ટ ઊંચો કરી પેટ ફૂલાવા લાગ્યો. ઋજુલે ટપલી મારી એના પેટ પર… ત્યાં ફક્ક દઈને વાસુની હવા બહાર નીકળી ગઈ ને બોલ્યો – ‘આવું થયું ને કાકા?’
‘હા બેટા, પછી દેડકું વિચારમાં પડ્યું. ‘મમ્મી-પપ્પા શું કરતા હશે? મારું શું થશે? એને એનું ઘર યાદ આવ્યું. એના ભાઈઓ યાદ આવ્યા. પોતે કરેલી ભૂલ પર પસ્તાવો થવા લાગ્યો પણ હવે થાય શું? ત્યાં ફરી પેલો અવાજ સંભળાયો ‘તું ગભરાઈશ નહીં… હું તને કંઈ નહીં કરું… જા સૂઈ જા…’
પણ ગભરાય નહીં તો દેડકું શાનું? એ તો ગોટમોટ થઈને એક દીવાલ પાસે લપાઈ ગયું ને ધીમે ધીમે રડવા લાગ્યું. ધીમે ધીમે એની આંખ ઘેરાવા લાગી… ઊંઘ ચડવા લાગી.’
‘ચાલો, તમે બેય હવે સુઈ જાવ… મને હવે ઊંઘ આવે છે.’ કહીને મેં વાતને આટલેથી જ પૂરી કરવાની હિંમત કરી. ત્યાં તો બેય ઉછળી પડ્યા. ‘ના… ના… કાકા, આવું નહીં કરવાનું. આગળ કહો. અમને ઊંઘ નથી આવતી. કહોને પ્લીઝ.’
ત્યાં ઋજુલઃ ‘જવા દે ને વાસુ, એમને વાર્તા જ આવડતી નથી.’ કહીને રીંસાઈ ગઈ. અવળું ફરી ગઈ પણ મને એનું નાટક સમજાતું હતું. વાસુ છોડે એમ નહોતો. ઉપરાંત મને ય હવે એ દેડકામાં રસ પડવા લાગેલો. જોઈએ એનું શું થાય છે? એ વિચારીને મેં આગળ ચલાવ્યું.
‘સારું ત્યારે સાંભળો, દેડકું ધીમે ધીમે ઊંઘમાં ગરકાવ થઈ ગયું, પછી તો ધીમે ધીમે એના ભાઈ-ભાંડુ વચ્ચે સૂતું હોય એમ ઊંધું થઈને પડ્યું. પગ ઉપર આકાશ તરફ ડોકું સાઈડમાં ઢળી પડેલું! એને બરાબરની ઊંઘ આવી ગયેલી. આખુંય જંગલ જંપી ગયેલું. મોડી રાત થઈ ગયેલી. તમરાંઓના ત્રમત્રમ અવાજમાં રાત ડૂબેલી ત્યારે દેડકાને કાને કોઈ સ્ત્રીઓનો અવાજ સંભળાયો. એ જોઈ જ રહ્યું, આંખો ફાડી ફાડીને. મહેલના મોટા ખખડધજ દરવાજા ખૂલી રહ્યાં. એમાંથી ચારપાંચ સુંદરીઓ હસતી ઉછળતી નીકળી. એમના પગમાં પહેરેલા ઝાંઝરનો અવાજ સાંભળીને એ ચમકી ગયું. એ દીવાલસરસું લપાઈ ગયું. પેલી કન્યાઓ વિશાળ પડછાળની વચ્ચે આવી. મજાક-મસ્તી કરતી કરતી ચન્દ્રના પ્રકાશમાં તલક્-છાંયડો રમવા લાગી. વચ્ચે વચ્ચે બબ્બે બબ્બેના ઝૂમખામાં ફેરફૂદરડી ફરે, પકડદાવ રમે, ક્યારેક એકા’દ કન્યા બીલકુલ એની પાસેથી દોડતી પસાર થઈ જાય ને દેડકાના શરીરમાં લખલખું વ્યાપી જાય! પણ પછી ધીરે ધીરે એને એમાં મજા આવવા લાગી. અચાનક એનું ધ્યાન પડછાળ પર ગયું, એક અતિ સુંદર પરી જેવી લાગતી રાજકુમારી પાણી તરફ જોઈને બેઠેલી. ઢીંચણ વળેલો અને બીજો પગ પગથિયા પર સીધો કરેલો. ઢીંચણ પર હાથ ટેકવીને, ને હાથ પર એનું મોં ટેકવીને એ સરોવરના કાળા ડિબાંગ પાણી પર ટાંકેલા તારોડિયા જોતી બેઠેલી. એની એક-બે સખીઓએ એને રમવા બોલાવી પણ એ એમ જ બેસી રહી. અનિમેષ નજરે જોતી જોતી.
‘એ ય સુનન્દા, આવને હવે, ક્યાં સુધી ત્યાં બેસી રહીશ?’ કહીને બીજી સખીએ એને બૂમ મારી પણ એ બેસી જ રહી. એની આંખમાંથી બોર બોર જેવા આંસુઓ ટપકી રહ્યાં. ટપાક્ ટપાક્ અવાજ સાથે એ સરોવરના જળમાં ઉમેરાતા રહ્યાં.
‘કેમ કાકા એને પેટમાં દુઃખતું હતું?’ વાસુથી હવે ચૂપ ન રહેવાયું.
‘જો પાછો વચ્ચે બોલ્યો. સાંભળને વાર્તા. તને ખબર ન પડે. એ તો મોટા હોયને એમને આવું બધું થાય…’ ઋજુલ બહુ મોટી વાત સહજ જ બોલી ગઈ. મેં માથું હલાવી એના સૂરમાં હા મિલાવી.
‘એનું નામ સુનન્દા હતું. એ કોણ જાણે કેમ પણ દુઃખી હતી. એને આ બધાં હોવા છતાં એકલું એકલું લાગતું હતું. દેડકું મૂંઝાયું, એને થયું કે એ કેમ આમ સુનમુન બેઠી હશે? એણે પહેલી જ વાર માણસોને જોયા હતા એટલે પાસે જતા ડર લાગતો હતો. પેલી સખીઓ પણ હવે થાકી હશે એટલે પગથિયે ટોળે વળીને બેઠી. વચ્ચે વચ્ચે એમની વાતો લ્હેરખી પર સવાર થઈને એને કાને પડતી હતી. એ બધી કોઈ ચિંતામાં હોય એવું એને લાગ્યું.’
‘આ સુનન્દા ક્યારે પાછી હસતી-રમતી થશે હેં મન્દા?’
‘મને શી ખબર… હવે તો આપણી સામે ય ક્યારેક જ જુએ છે. બસ સતત રાહ જોયા કરે છે, ઝરુખે બેસીને… ક્યારેક પારણાં સામે તો ક્યારેક બધાં રમકડાંઓને…’
‘આપણે એ આનંદમાં આવે એટલે તો આટલી રમતો રમ્યાં, ધમાચકડી પણ કરી, પણ…’
દેડકું એ સખીઓની ગપસપ સાંભળતું બેસી રહ્યું. એક બે તો વાતો કરતાં કરતાં રડવા પણ લાગેલી. ત્યાં પેલો ઘેરો વૃદ્ધ સમાજ સંભળાયો. ‘થશે દીકરાઓ, પાછી એ હસતી રમતી થશે. બહુ જલ્દી એ દિવસો પાછાં આવશે. ફરીથી આ મહેલ હર્યો-ભર્યો થઈ જશે. પૂર્ણિમાની રાત્રીએ અહીં ફરીથી રાસ રમાશે. ઢોલના તાલે સૌ ઝૂમી ઊઠશે. મારા એકે એક ગોંખમાં દીપમાળ ઝગમગી ઊઠશે. આ ચામાચિડીયા બનીને ઊંધા લટકેલા સેવકોના પદરવથી મહેલ જીવન્ત થઈ ઊઠશે… દીકરીઓ તમે હસી રમીને આનંદ કરો… બધું સારું થશે.’
‘સાચ્ચે જ? તમે સાચું કહો છો?’ કહીને એક કન્યા ઊભી થઈ ને ચોમેર બૂમો પાડવા લાગી. એના પ્રતિધ્વનિથી આખુંય જંગલ ધમધમી ઊઠ્યું. એ અવાજ જંગલના ખૂણે ખૂણે ફરી વળ્યો. દીવાલે ઊંધાં લટકેલા ચામાચિડિયાઓ પોતાના સ્થાન છોડીને લાંબી લાંબી પાંખો ફફડાવતાં. ઊડાઊડ કરવાં લાગ્યાં. ચીબરી ચીસો પાડતી ત્યાંથી ઊડી ગઈ. બધી કન્યાઓ ઉલ્લાસમાં આવી કોઈ અનુપમ ગીત ગાવા લાગી. એકબીજીના હાથ પકડીને ગોળ ગોળ ફરવા લાગી. એક તો ઉલ્લાસમાં આવીને દોડી ગઈ સુનન્દા પાસે ને મોટેથી કહેવા લાગી ‘લી… સુનન્દી સાંભળ, એ આવશે… એ આવવાના છે.’
‘હેં એ આવે છે?’ કહેતી સુનન્દા ઝબકીને ઊભી થઈ ને એની સખીને વળગી પડી. બધાને એ ફરી ફરીને પૂછતી પૂછતી હસવા-રડવાએ ચડી ગઈ. પછી પાગલની જેમ પડછાળ પર એ દોડવા લાગી, આમથી તેમ.
ત્યાં જ પેલો ઘેરો વૃદ્ધ અવાજ ફરી સંભળાયો. ‘સબૂર થોડી ધીરજ રાખો. આમ ધમાચકડી મચાવશો તો એ ગભરાઈ જશે. એ આવી ગયા છે. તમે બધાં આમ ધમાલ કરીને ક્યાંક એમને ચગદી ન નાંખતા…’
બધી જ કન્યાઓ આંચકા સાથે હતી ત્યાં જ થંભી ગઈ, મૂર્તીવત્. પછી થોડીવારે સંભાળી સંભાળીને શોધવા લાગી. પેલુ દેડકું ગભરાયું. એને થયું કે આમાં તો હું પકડાઈ જઈશ. એટલે એ ફફડવા લાગ્યું. ધીમે ધીમે એ દીવાલે દીવાલે ખસવા લાગ્યું. બધી સખીઓ ધારી ધારીને શોધવા લાગી. ચન્દ્રના પ્રકાશમાં દિવસ જેવું અજવાળું છવાયું હતું. દેડકું ખસતું ખસતું પડછાળની ધારે પહોંચી ગયું. સુનન્દા એની પાસે આવતી દેખાઈ. પછી અચાનક એને સુનન્દાની બૂમ સંભળાઈ. ‘એ રહ્યો… એ રહ્યો… ક્યાં જતો રહ્યો હતો… કેટલી રાહ જોઈ…’ કહેતા એ એની બાજુ ધસી પડી. ગભરાયેલા દેડકાે હતું એટલું જોર કરીને છલાંગ લગાવી. સરોવરના શીતળ જળમાં ‘છપાક્’ અવાજ આવ્યો ને દેડકાના કાને શબ્દ સંભળાયા ‘ના… ના… આમ મને મૂકીને તું આમ…’
‘જાવને હવે કાકા… ગપ્પા ન મારો. એ કંઈ દેડકાની રાહ થોડી જોતી હશે? તમે અમને ઉલ્લુ બનાવો છો. જાવ નથી સાંભળવી તમારી વાર્તા’ કહીને ઋજુલ રિસાઈ ગઈ, પડખું ફરી ગઈ. વાસુ અસમંજસમાં પડેલો. ઘડીક શાંતિ છવાઈ ગઈ. ત્યાં પાછળથી શ્રીમતિજીનો અવાજ સંભળાયો, ‘પછી શું થયું? મને કહોને… મારે વાર્તા સાંભળવી છે.’
હું ઊંઘતો ઝડપાયો. એ જોઈને એ ત્રણેય મારી ગીલ્લી ઊડાવી રહ્યાં. ‘તું ક્યારની સાંભળે છે? મને તો ખબરેય ન પડી!’ કહીને એને જોઈ રહ્યો. સાડીનો છેડો કમરે ભરાવતા માદક નજરે જોતા બોલી ‘હું ય નાનકડાં દેડકાની જ રાહ જોઉં છું ને?’
મારી અવાચક્ હાલત જોઈ, એ ત્રણેય મારા પર હસી રહ્યાં!