ચાર વાગે એ પહેલાં એને એસ. ટી. બસસ્ટૅન્ડ પર પહોંચી જવું હતું અને હજી તો એને ખરીદેલી શાકભાજીના પૈસા ચૂકવવા હતા; ભાણિયા માટે ડાહ્યા કંદોઈને ત્યાંથી ભજિયાં ને જલેબીનાં પડીકાં બંધાવવાનાં હતાં; માને માટે કાંટાછાપ છીંકણીનો દાબડો લેવાનો હતો અને જો દલસુખ મેરાઈને ત્યાંથી સિવડાવવા નાખેલું કાપડું એ ન લઈ જઈ શકે તો રઈલી રાત આખીયનાં અબોલડાં લે, લે અને લે જ એની ખાતરી નાનજીને હતી. નાનજીએ બીડીનો છેલ્લો દમ ખેંચી, બીડીનું ઠૂંઠું ભોંય નાખી, જોડા તળિયે દાબી, ઘસી પછી હાથમાં, બાજુમાં પડેલું ધારિયું લઈ, હડફ હડફ ચાલવા માંડ્યું. થોડી વારમાં તો કાછિયા, કંદોઈ ને મોદીની હાટડીએ એ ફરી આવ્યો અને પછી ચાંલ્લાઓળમાં પેઠો. દલસુખ મેરઈ બાપદીધા જૂના મશીન પર ચણિયો સીવતો હતો ને નાનજીએ હાટડીના ઓટલે ચઢ્યા વગર જ કીધું, ‘ચ્યમ મેરઈ, કાપડું તો તિયાર સે ને?’
મેરઈએ હાથથી મશીનનું નાનું પૈડું પકડી, પગ હલાવવાનું મૂકી કહ્યુંઃ ‘એ આ…વો ઠાકોર, રામ રામ.’
‘ભઈ રામ રામ કહેવાનોય ટેમ નથ. હવે જો ખટારો ઊપડી ગ્યો ને, ધોળકા ગામની ધરમશાળા ગોતવી પડસે. તો ઝઝટ કહે કે કાપડું તિયાર સે ને?’
‘અરે ઠાકોર, જરા ચા-ફા પીઓ તો ખરા. કાપડું કાપડું શું કરો છો? એક બાંય બાકી છે, એ તો તમે ચાનો ઘૂંટડો નંઈ ભર્યો હોય ને થઈ જાશે. અલ્યા એ રામજીડા, એક ફસ્ટ ક્લાસ ચા લાઈ દેજે.’
મેરઈએ પાસેની હોટલવાળને બૂમ પાડી અને નાનજી ના કહેતો જ રહે ત્યાં મેરઈએ કહ્યુંઃ ‘અરે ઠાકોર, નીચે શું ઊભા રહ્યા છો? બેસો ને મારા ભઈ.’
‘પ…ણ મેરઈ, મારો ખટારો ચાર વાગે ઊપડે સે ને…’ ‘પણ ચાને આવતાં કેટલીક વાર લાગશે, કહો? ભૂંડા, હાલીને જજો, ખટારા પર કાંઈ છાપ મારી છે?’
મેરઈએ કપડાંના ઢગલામાંથી રઈલીનું લાલચટક કાપડું ગોતી કાઢ્યું ને વાળેલા કપડાને ઉકેલી એક બાંય સીવવા, મશીનને પગથી ફેરવવા માંડ્યું. લાલચટક કાપડું જોતાંવેત નાનજી ઓટલે બેસી પડ્યો ને ધારિયું બાજુ પર મૂક્યું. મેરઈએ લાકડાની પાટ પર બેસવા કહ્યું, પણ નાનજી કહેઃ
‘મેરઈ, તમે ઝટ કરો ભૂંડા. બઉ ટેમ સે નંઈ.’
નાનો ગંદો છોકરો એક હાથમાં પતરાના નાના ટબલરમાં ચા અને બીજા હાથમાં કપ ને રકાબી ખખડાવતો ખખડાવતો આવી પહોંચ્યો. એણે કપરકાબીને ઓટલા પર લગભગ પછાડી, મેરઈએ પૂછ્યુંઃ ‘ટબલરમાં ચા રાખું ને, દલસુખા?’ મેરઈ સ્હેજ ચિડાયો ને કહ્યુંઃ ‘તું આખો કોપ ભરી આપ ને. માળા હાળા બઉ ચિબાવલા થઈ ગ્યા તમે તો.’
પણ, પછી નાનજીએ જ છોકરાને કહ્યુંઃ ‘ટબલરમાં ચા રાખજે. મીં તો હવડાં જ ચા પીધો સે.’
મેરઈએ ‘ના’ ‘ના’ કહેતાં છેવટે ટબલરમાં ચા પીધો. નાનજી ચાના પૈસા ચૂકવવા ઘણું મથ્યો પણ મેરઈએ ‘તમારા ચિયાડા આવીએ ત્યારે શિરામણ કરાવજો પણ અહીં ધોળકામાં તમારો ચા હોય, ઠાકોર? કહી છોકરાને ફરમાવ્યુંઃ
‘જા, ઠૂંઠાની માફક ઊભો છે શું? રામજીડાને કહેજે કે મેરઈને નામે લખી લે.’
‘પ…ણ…’
‘પણ ને ફણની હગલી. તું જા, હું હાક મારી રામજીડાને કહી દઉં છું. એલ્યા રામજીડા, મારે નામે ચા લખી લેજે.’
છોકરો ચાનાં ત્રણચાર ટીંપાં કપમાં રહી ગયાં હતાં એને ઓટલા પર સિફતથી ઢોળી, ફરી કપરકાબી ખખડાવતો ખખડાવતો ચાલ્યો ગયો અને ત્યારે ગામની સુધરાઈના ટાવરમાં ચારના ટકોરા પડતા હતા.
(બે)
મેરઈએ બહુ કહ્યું એટલે નાનજીને પણ થયુંઃ ‘ખટારો તો વયો ગયો સે તે હાલ્યા વગર તે છૂટકો ચ્યાં સે? તો વ્હેલાય હાલવું ને મોડાય હાલવું. એકાદું પિચ્ચર જોઈ પાંડીએ તંઈ.’
અને એ સાંજે મેરઈને ત્યાં વ્હેલું ‘વાળુ’ કરી મેરઈ ને નાનજી પિક્ચર જોવા ઊપડ્યા. પિક્ચર છૂટ્યા પછી મેરઈએ કહ્યુંઃ
‘હવે આટલા મોડા ગયા વના ઠાકોર, કાલે મળસકે જ જજો – ખટારામાં બેસી.’
ને નાનજી થાક્યો હતો. પણ કહેઃ ‘ઘિરે હંધાય ફિકર કરે અને ચિયાડું ચ્યાં છેટું સે? મેરઈ, પોહની કડકડતી રાત્યમાં બે જવાન મનેખને નોખા હુવાડવામાંય પાપ તો લાગે ને, ભૂંડા?’ વાળુ કરતાં કરતાં જોયેલી સમુને યાદ કરતાં કરતાં નાનજીએ આંખ મીંચકારી કહ્યું, ત્યારે મેરઈએ વાત ઉડાવી દીધી અને કહ્યુંઃ
‘ઠાકોર, તમારા કોળીભઈના શાસ્તરમાં પાપ શું ને પુન શું? હાલો હવે, બઉ માન માગ્યા વગર.’
અને નાનજી મેરઈને ત્યાં રાત્રે સૂવા ગયો. મેરઈએ ઘેર જતાં જ સમુને ચા મૂકવા કહ્યું. નાનજી બોલી ઊઠ્યોઃ
‘અટાણે તે હોય, મેરઈ?’
‘ચા વિના મને રાતે ઊંઘ જ ન આવે ને.’
અને સમુએ ચા મૂકવા છોડિયાં ચૂલામાં નાખ્યાં ને પ…છી ચાનો ભર્યો કપ મૂકતાં કહ્યુંઃ
‘ઠાકોરને ભલા રોક્યા.’
‘એ તો ક્યાં રોકાય એમ હતા? મેં કહ્યુંઃ ‘અટાણે ક્યાં જાશો? સૂઈ રહો. મળસકે જજો. પ…ણ, હવે તું પથારી કર.’
‘મું તો બા’ર ઓસરીમાં જ પડ્યો રઈશ હોં, ભાભી.’
મેરઈએ નાનજીને કહ્યુંઃ
‘એટલે બે દી’નો ખાટલો કરવો છે કાં? પોહની ટાઢ હગલી નહીં થાય, ઠાકોર.’
‘ના, પણ મુંને માંહ્ય તો નંઈ ગોઠે. મું તો બા’ર જ…’
‘હારું, બસ એમ કરજો.’
ને ઘણીબધી વાતો કર્યા પછી નાનજીએ ઓસરીમાં લંબાવ્યું અને મેરઈ-સમુની હવે ગુસપુસ એના કાન સાંભળતા જ રહ્યા. થોડી વારે એ ગુસપુસ પણ બંધ પડી ને મેરઈનાં નસકોરાંનો અવાજ બારણાં વીંધી ઓસરીમાં આવવા માંડ્યો.
‘અટાણે રઈલી કંઈ ગાળ ભાંડતી હશે, કંઈ ગાળ.’ એમ એ બબડ્યો. અને એણે મેરઈના ઓશીકાને માથેથી કાઢી લીધું ને… પણ નાનજીને પારકું ઘર હોય કે રઈલીના વિચાર આવતા હોય કે કાંઈ બીજું કારણ હોય પણ એને ઊંઘ નહોતી આવતી. એ ઊભો થઈ એક વાર તો શેરીના નાકે જઈ પેશાબ કરી આવ્યો. એકાદ બીડી પી નાખી, પણ ઊંઘ જેનું નામ, આવે જ નહીં.
પોષની રાતમાં કૂતરાંય રડવાનું મૂકી દઈ સૂઈ ગયાં હતાં. હજી હમણાં જ સાડાબારનો છેલ્લો ખેલ છૂટ્યો હોવાથી એકાદ-બે જણના પગ સંભળાયા. કૂતરાં થોડુંક ભસ્યાં ને ચૂપ થઈ ગયાં. મેરઈનાં નસકોરાંના અવાજ હજી સ્હેજેય ધીમા પડ્યા ન્હોતા.
બારણા પાસે જ ઓસરીમાં સૂતેલો નાનજી અડધી રાતે કમાડની સાંકળ ધીમે રહીને ખૂલતાં ચમકી ગયો. મેરઈનાં તો હજીય નસકોરાંના અવાજ આવતા હતા.
સાંકળી આસ્તે રહી મુકાઈ, હડો ઊંચકાયો ને કમાડ ઊઘડ્યું ને ધીમે રહી બંધ થયું. નાનજીએ છેક માથા લગી ઓઢી લીધું. મેરઈનું બૈરું જ હોવું જોઈએ, એમ નાનજીને લાગતું હતું.
મેરઈનું બૈરું કહેતાં જ એની આંખો સામે ગોળ, રૂપાળું મોં, પાંચ હાથ પહોંચતી કાયા; કાળો કમખો ને લાલચટક લ્હેરાતી ચૂંદડી; મારકણી આંખો અને…
એનો ગોદડા બ્હાર રહી ગયેલો હાથ કોકના પગ તળિયે દબાયો, ભીંસાયો અને એણે એકદમ હાથ જોરથી ખેંચી લીધો ને એથી પગ મૂકનાર એક ધુબાકા સાથે નાનજી પર પડ્યું.
ને તોપણ હજીય મેરઈનાં નસકોરાંના અવાજ આવતા જ હતા.
(ત્રણ)
ભરભાંખળું થતાં થતાં સુધીમાં તો નાનજી ખોરડાની ઝાંપલી ઠેલતો હતો. એનો શ્વાસ હજીય રઘવાયો લાગતો હતો. રઈલીએ તો માત્ર આંખથી જ ઊધડો લીધો પણ, માએ તો દાતણનો ડોયો અર્ધબોખા મોંના દાંત પર ઘસતાં ઘસતાં કહ્યુંઃ
‘તી હેં નાનજી, તું તો ગગા કાલ હાંજ હોરો આવવાનો તો ને?’ નાનજી કાંઈ બોલ્યો નહીં અને ધારિયાને ખોરડાના એક ખૂણે રાખી, શાકભાજીનું પોટકુંય ત્યાં જ મૂકી, ઝોળીમાંથી નાનો કાંટાછાપ છીંકણીનો દાબડો કાઢી બોલ્યોઃ
‘હેં મા, છેંકણીના દાબડાનું પે…લી ફેરે હું બેઠું’તું?’
‘કી ફેરી?’
અને નાનજીએ મુખી ધોળકે ગયા હતા ત્યારે રૂપિયામાં પાયલું ઓછે લાવ્યા હતા જ્યારે પોતે દસ આનામાં જ લઈ આવ્યો છે એમ બોલતાં બોલતાં કહ્યુંઃ ‘પંડે જવામાં ફેર પડે જ.’ અને માને ફરી યાદ આવ્યું તે પૂછ્યુંઃ
‘તી હેં નાનજી, તું તો કાલ હાંજ હોરો આવવાનો’તો ને’…
‘મા બુન વયી ગઈ? હું તો ભાણિયા હારુ ડાહ્યા કંદોઈને ન્યાંથી…’
‘વાટ્ય જોતી તો બૈરી બેહી રહે. છેડિયું તો પંખીનો મેળો સં. એના વદાડ ન હોય. પણ ત…મે તો કાલ હાંજ હોરા આવવાના’તા ને…’
રઈલીએ વાસીદું કાઢતાં કહ્યું. હવે નાનજીનો ગુસ્સો ના રહ્યોઃ
‘ન્યાં મારે માટે હરગથી અપછરાઓ ઊતરી’તી ને તી રાત્ય રોકાઈ ગ્યો. હું વાત કરો સો? મા પૂછે ઈ તો હમજ્યા, પણ તું મને પૂછનારી કુ…ણ?’
માએ નાનજીને ટાઢો પાડતાં કહ્યુંઃ
‘ઈમાં આટલો બધો આકરો ચ્યમ થાય સે? આ તો ભાણિયો ગ્યો ન્યોં લગ ‘મામા આવસે, ભજિયાં-કોંડાળા લાવસે’ ઇમ રટણ કરતો જ રિયો પણ તું તો આયો જ નઈ ને…’
‘તું મા જાણસ ને કે મેરઈના વદાડ ચેવા હોય સે? ને ઈમાંય દલસુખના વદાડ તો ભગવાન તોબા.’
રઈલી તરફ આંગળી ચીંધતાં નાનજીએ આગળ કહ્યુંઃ
‘ઈની પાંહે હાજુ-હારું હમ ખાવાય એકેય કાપડું નો’તું ને મેરઈએ કાપડું તિયાર કીધું નો’તું તે રોકાઈ ગ્યો. ખટારો વયો ગ્યો પછે કપડાની એક બાંય થઈ પછી મનેય થ્યું હવે વ્હેલા જવું ને મોડાય જવું ને મેરઈએ બઉ કીધું તે પિચ્ચર જોવા રોકાઈ ગ્યો.’ હવે રઈલીએ ઝાડું વાળવાનું મૂકી દીધું હતું અને એ ગમાણમાંનું ભેળું થયેલું વાસીદું તબડકામાં ભરી ઉકરડે નાખવા જતી હતી ને માએ રીઢો કર્યોઃ
‘ભા, દેતવા પાડી સા-ફા તો મેકો?’
‘ઈ આટલું તબડકું ઠાલવી આવું પછે મૅકું સું.’
મા ઊભાં થયાં ને પાણીના બેચાર કોગળા કરી ઓઠ બ્હાર રહી ગયેલી ભીની છીંકણીને લૂછી નાનજીને કહ્યુંઃ ‘સા વ્હેલો મેકી આલું?’
નાનજીએ હાથમાં કળસ્યો લીધો ને ખોરડા બ્હાર નીકળતાં કહ્યુંઃ ‘થાય સે. મું કળશ્યે જાસ.’
નાનજી ખોરડું વટાવી, ચોરા પાસે થઈ ખેતરો તરફ જવા લાગ્યો.
સૂરજ હજી હમણાં જ ઊગ્યો હતો. ગામની હાટડીઓ બંધ હતી. નાનાં નાનાં ગલૂડિયાંને આસપાસ સુવાડી ‘કાળી’ હજીય સૂતી હતી. છનો ગાડું લઈ ધોળકે જતો હતો. એણે નાનજીને બૂમ પાડી. ‘હાલ્ય લ્યા, આવવું સે ધોળકે?’
‘મું તો ન્યાંથી હાલ્યો આવું સું.’
અને બળદને પૂંછડે આમળતો, ડચકારો બોલાવતો ગાડું દોડાવતો છનો પસાર થઈ ગયો અને પાછળ ધૂળની સેંતકની ડમરી ઉડાડતો ગયો.
નાનજીએ પહેરણના મોટા ગજવામાંથી બીડી ને બાકસ કાઢ્યું ને વાયરાને લીધે ત્રણ સળીઓ બગડી ત્યારે માંડ બીડી સળગી. સળગેલી બીડીનો દમ લેતો લેતો એ પાધરના હવાડિયા કૂવા પાસેથી પસાર થઈ ગયો ને ચાર ડગલાં ચાલી એને યાદ આવ્યુંઃ ‘અલ્યા, કળશ્યો તો ભર્યો જ નંઈ.’
કળશ્યો ભરવા એ કૂંડીનાં મેલાં પાણીમાં પોતાના જ મોંને દેખાતું જોઈ સમુ યાદ આવી.
‘સમુડીએ મોં જેવામાં તે હું રૂપ ભાળ્યું, તે દલસુખાને મેલીને…’ અને એણે વિચારમાં ને વિચારમાં બુઝાઈ ગયેલી, પણ ઓઠ વચ્ચે રહેલી બીડીના ઠૂંઠાને ફેંકી દીધું.
(ચાર)
છનાએ ઝાંપલી ખોલ્યા વગર જ બરકો પાડ્યો;
‘અલ્યા એ નાનજી, નાનજીડા.’
ને નાનજીને બદલે રઈલી જ હડફ દેતી બહાર આવી ને બોલીઃ
‘ઈમના નામનો ગોકીરો કાં કરો સો?’
‘તી ભાભી, તુંય નાનજીડાનું નામ લેઈને ગોકીરો કર ને કુણ ના કહે સે તને.’
‘ગોકીરો કરે સે મારી બલારાત.’
‘નાનજીડાને મોઢામોઢ તો કહે એક દિ’ તો જાણું કે લગદાણાના વાલજી ભાથાડીની તું દીકરી હાચી. પાછળ તો મગતરાં બોલે મગતરાં, હોં કે ભાભી.’
રઈલી કશો જવાબ આપવા જતી જ હતી કે રઈલીનાં સાસુ આવ્યાં એટલે એ બોલતી ચૂપ થઈ ગઈ. છનાએ કંકુડોસીને જોઈને પૂછ્યુંઃ
‘કાં માડી, ગગાને હાચવીને હોનાના દાબડામાં તો ન…થ મેકી દીધો ને?’
‘બઉ રતન ખરું ને. પણ હા, તી તારે નાનજીડાનું…’
‘ઈ તો મી ધોળકે ગ્યો’તો તી મેરઈએ નાનજીને કેવડાયું સે કે કાલ્ય હોરો આઈ જાય, લ્યો બેહો તંઈ, મીં જાસ.’
‘નાનજીડો ખેતરેથી આયો જ હમજ ને, બેહ તો ખરો.’
કંકુડોશીએ છનાને રોકતાં કહ્યું.
‘ના માડી, વે’લી હવારનો ધોળકે ગ્યો’તો તી હવડાં જ આયો. આ તો હવાડે રમતુડા બળદિયા વળગાડી ઊભાઊભ આવી ગ્યો. લ્યો, તંઈ બેહો.’
અને છનો હાથમાંના પરોણાને ઉછાળતો ઉછાળતો જતો જ હતો કે નાનજીડો બળદ લઈ આવી પહોંચ્યો. બળદને ગમાણે બાંધતાં બાંધતાં જ નાનજીએ પૂછ્યુંઃ
‘અલ્યા, ધોળકેથી આવતોય રિયો?’
‘હંધાય તમ જેવા ના હોય ને! અને માળી ઝમકુડી જેટલી બહાર સે એટલી ભોંયમાં સે. જો છનોભાઈ રાત હોરાય ઘીરે ના આયા તો જોયા જેવી કરે ને.’
રઈલીએ નાનજી અને છના બેયને એક વેણે જ આંટ્યાં.
છનો કહેઃ
‘ઘરમાં હખે રોટલો ખાવો હોય તો બૈરા મનેખને કીધે હાલવું જ પડે ને. બાકી બૈરી બગડી ઈનો ભવ બગડ્યો હમજો.’
‘આપડે તો ઈમાં ન…થ માનતાં. બૈરાને હખે રોટલો ખાવો હોય તો આપડે કીધે હાલે, ભઈ છેવટ તો ઘર તો ઈનું કે આપડું?’
નાનજીએ રઈલી તરફ જોઈને કહ્યું. છનો ખડખડાટ હસી પડ્યો અને બોલ્યોઃ ‘અલ્યા રાતોરાત બઉ ભડ થઈ ગ્યો ભાળું ને’ અને પછી કહ્યુંઃ
‘ધોળકે દલસુખો મળ્યો’તો તી કહેઃ નાનજી ઠાકોરને કહેજો કે ઊભાઊભ આંટો દઈ જાય કાલ હોરા!’
‘તી ત…ને ચ્યાં મળ્યો’તો દલસુખો?’
‘ઈની દુકાને. બીજે ચ્યાં?’
‘બીજુ કંઈ કહેતો’તો?’
‘ના… રે …ઈ કહે કાલ હોરા નાનજીનો મોકલજો.’
‘તી દલસુખાને તારું હું કામ સે, ગગા?’ માએ તુલસીના કૂંડે દીવો કરતાં કહ્યું.
‘ઈનો તો મુંય વચાર કરું સું, મા.’
અને પછી છના ભણી જોઈ નાનજીએ કહ્યુંઃ
‘હાલ્ય, હરજીની હોટલનો સા પીયે.’
માએ ઘણું કધું કે ચા તો ઘેરેય થશે. પણ મા બોલતી જ રહી ને નાનજી છનાનો હાથ પકડી લગભગ ખેંચવા માંડ્યો.
‘લ્યા, પણ મીં તો બળદિયા હવાડે મેલ્યા સે.’
‘તી તારા બળદિયા કુણ ખઈ જવાનું સે? હેંડ્ય, જરા આઈએ સીએ સા પીને.’
અને છનાએ રમતુડાને બળદિયા સોંપ્યા હતા એથી આમ તો નચિંત હતો ને એટલે નાનજીડા જોડે ચા પીવા હરજીની હોટલે ગયો પણ હજીય એના મનમાં ગેડ બેસતી નહોતી કે ‘કોઈ દિ’ નંઈ ને નાનજી સા પીવા લઈ જાય સે? સૂરજ આજ પછ્છમ તો નહોંતો ઊગ્યો ને? માળું બેટું, કાંક હોવું જોઈએ.’
પણ, એ કાંક શું હતું એ છનાથી બહુ વખત છાનું રહ્યું નહિ.
(પાંચ)
વાત સાંભળીને છનો ખડખડાટ હસ્યો.
‘ઈમાં સમુડીનો કંઈ વાંક ન…થી.’
‘તંઈ?’
‘દલસુખાને બઉચર માનું વરદાન સે.’
‘મું હમજ્યો નંઈ.’
‘ઈ પાવૈયો સે પાવૈયો. માનો ભગત.’
છનાએ જોરથી તાબોટો પાડતાં કહ્યું.
‘ભઈના?’
‘ભઈના. ગામ હંધુંય જાણે સે એક તારા વગર.’
‘પણ અલ્યા, ઈના બોલવા-ચાલવે તો અણસારે દેખાતો ન…થ…’
‘સમુડીનાં માબાપ પણ ઈમ જ ભરમાયાં ને.’
અને પછી છનાએ લાકડાની પાટલી પરથી ઊભા થતાં જ કહ્યુંઃ
‘બઉ મોડું થ્યું, રમતુડો તે મુંને ગાળો દેતો હશે, પણ લ્યા, હવે આપડો ચાનસ રાખજે હોં.’
અને વળી પાછો ખડખડાટ હસતો છનો ગયો ત્યારે નાનજીના મનમાં એક જ વાત ઘૂંટાયા કરતી હતીઃ
‘મુંને તો ઈમ કે સમુડી મું પર મોહી ગઈ સે, આ…’
નાનજીડાને હજીય સમુના શબ્દો યાદ આવતા હતાઃ
‘ઠાકોર, ત…મે કેટલા રૂપાળા છો.’ એને હવે આ યાદથી ગુસ્સો આવતો હતો.
‘માળી હાળીએ મુંને છેતર્યો’ — એ જરા જોરથી બબડ્યો. હરજીએ કહ્યુંઃ
‘અલ્યા, હવે ઊભો થાસ કે બહારથી તાળું દઈ ધોળકા ભેળો થઈ જાઉં? જાણે આખા મલકનું રાજ હોય ઈમ ચંત્યામાં સે તે થ્યું સે હુ તને? અને એ વગરબોલ્યે હજીય તરફ પાવલી નાખી, હોટલમાંથી બહાર નીકળ્યો.
‘માળો મેરઈ પણ જબરો, ગમે ઈમ કરીને મુંને રાત રોક્યે જ છૂટકો કર્યો.’ નાનજી પહેરણના ચાંદીના બટનની સેરને સરખી કરતો બબડ્યોઃ
‘માળો હાવ નફ્ફટ, વર થઈ હામેથી મુંને ધોળકે આંટો દઈ જવા કેવડાવે સે’ અને એમ વિચારતાં વિચારતાં એ પોતાને ખોરડે આવ્યો. રઈલી ચૂલા પાસે બેસી બાજરીના રોટલા ઘડતી હતી અને મા રોટલા શેકતી હતી. સાંઠીઓના કારણે ભડભડ સળગતો અગ્નિ જાણે બબડતો હોય એમ લાગતું હતું.
રઈલી બે પગ લાંબા કરી, પગ વચ્ચે લોટની થાળી રાખી લોટને બે હથેળીથી મસળતી, ધીમે ધીમે ટીપતી ટીપતી, રોટલો ઘડતી એ જોઈ જ રહ્યો. રઈલીના ઊજળા મોં પર ચૂલામાં ભડભડ બળતા અગ્નિનું તેજ પડતું હતું અને એથી એનું મોં લાલઘૂમ લાગતું હતું.
‘માએ પૂછ્યુંઃ ‘શિરામણ કરસ ને, ગગા?’
‘માળો મેરઈ મુંને છેતરી ગ્યો’ એ જ વિચારમાં નાનજીને માની પહેલી બૂમ તો સંભળાઈ જ નહીં.
‘ગગા, તું…’ મા ફરી બોલી ને તરત નાનજીને ખ્યાલ આવ્યો કે મા કશું એને કહી રહી છે. એણે તરત જ પૂછ્યું, ‘મા તે શિરામણની વાર સે?’
‘તારી વારે વાર. મીં તો તને એક ફેરા કીધુંય ખરું પણ તું તો મોટા બાલિસ્ટરની જેમ એવો તો વચારમાં પડ્યો’તો કે…!’
‘મા, લીલું મરચું સે ને? ના હોય તો છનિયાને ત્યાંથી લઈ આય.’
‘મરચાં વના તો એક કોળિયોય ભરતો ન…થ’ એમ બબડતાં મા લીલું મરચું લેવા છનાને ઘેર ગઈ કે તરત નાનજી ઊભો થયો અને ચૂલા પાસે બેઠેલી રઈલીને અટકચાળું કરતાં બોલ્યોઃ
‘આ દેવતાના તેજે તારું મોં એવું તો લાલ ટામેટા જેવું થઈ ગ્યું સે કે એક બટકું…’
‘હવે આઘા જાવ, મોટા બટકા ભરનાર ના દીઠા હોય તો! કાલે પિચ્ચરમાં અમને યાદે નંઈ કર્યા હોય.’
‘તારા હમ, રઈલી! પિચ્ચરમાં એક બાઈડી તો બસ તારા જેવી જ.’ રઈલી ચૂપ રહી રોટલા ઘડતી રહી.
‘અસ્સલ તારા જેવી. ઈને વર બોલાવે તો તારી જેમ તોબરો ચઢાવીને બેસી રહે ને જો વર ના બોલાવે તો કહે, કે તમને હું ગમું તંઈ બોલાવો ને મુંને.’
પણ રઈલી હજીય કંઈ બોલી નહીં એટલે નાનજીએ એના બે હા પકડી લેતાં કહ્યુંઃ
‘કાં બઉ રીહકો ચઢ્યો સે?’
‘આઘા ખહો હારા નોથી લાગતા. મા હવડાં આવસે.’
‘મા કંઈ રાખસ સે તે આટલી ડરસ?’ અને એમ કહેતાં ધરાર નાનજીએ રઈલીને એક બટકુ ભરી જ લીધું ને રીલીની ‘વો…ય’ એમ આછી ચીસની સાથે જ ઝાંપલી ઊઘડવાનો અવાજ થતાં નાનજી ફરી ડાહ્યોડમરો થઈ બેસી ગયો અને રઈલી બટકું ભરેલા ગાલ સુધી ઓઢણાના છેડાને લઈ ગઈ. માએ આવીને કહ્યુંઃ ‘ઓણને વરસે આપડેય મરચી વાવો.’
(છ)
કોસનું દોરડું ગરગડી પર રાખી નાનજીએ બે વાર ખેંચ્યું ને કોસની મસકમાં પાણી ભરાયેલું લાગ્યું એટલે જોતરેલા બળદિયામાંથી એકનું પૂંછડું સહેજ આમળી, એ કૂદકો મારી દોરડે બેસી ગયો. થાળામાં પાણી પડી રહ્યું પછી એણે રાશ ખેંચી, બળદિયાને પાછા પગલે કૂવાના થાળા તરફ ચલાવવા માંડ્યા. ફરી વાર એણે કોસનું દોરડું ગરગડી પર રાખી બે વાર ખેંચ્યું ને…
‘ઢાળિયો તૂટ્યો લાગે સે…’
એક હાથમાં પાવડો લઈ, બળદિયાને રાડાં નીરતાંક એ ઢાળિયે ઢાળિયે હડફ હડફ ચાલવા માંડ્યો. લીંબડી ને શેતૂર બેય કોર ઊગી ગયાં હતાં. કાળા શેતૂરને મોંમાં મૂકતોક એ આગળ વધ્યો અને એણે જોયું કે ઢાળિયો તૂટી જવાની જામફળીનાં સૂકાં પાંદડાં ગોરાડુ ભોંયમાં ભીનાં ભીનાં થઈ ચોંટી ગયાં હતાં.
નાનજીએ પાવડાથી ઝટ ભીની ભોંય ખોદી, પાવડામાં થોડી માટી ભરી તૂટેલા ઢાળિયાને ફરી બાંધ્યો અને પાણી વાળી પાછો ક્યારા તરફ જવા લાગ્યો.
સૂરજ હવે બરોબર માથે આવ્યો હતો અને શિરામણ કર્યું હતું કે કેમ એવો પ્રશ્ન થાય એવી કકડીને નાનજીને ભૂખ લાગી હતી.
‘ભલું હશે તો રઈલીએ કોઠીમાંથી બાજરો કાઢ્યોય નંઈ હોય,’ એમ બબડી એણે શેતૂરની ઊંચી ડાળેથી થોડાં કાળાં અને પછી તો અધપાકેલાં લાલ અને છેવટે હજી હમણાં જ બેઠેલાં લીલાં શેતૂર બુકાટવા માંડ્યાં. એનું મોં કેરીનો મરવો ખાધો હોય એવું ખાટું થઈ ગયું. હજીય પેટમાંની ભૂખ ઓછી થઈ નહોતી અને એથી ખેતરને છેટે ઊભેલી વાડને અઢેલી બોરડીનેય એણે ઝાટકી ખાધી.
‘માળી હાળી કંઈ ભૂખ લાગી સે, કંઈ ભૂખ’ એમ એ બબડ્યો અને એને તરત જ સમુ યાદ આવી.
‘મીં જ્યમ ભૂખને જોરે લીલાં શેતૂરે ન મેક્યાં ને બોયડીને વીણી ખાધી તો પ…છ સમુડીય ભૂખને જોરે મું જેવાનીય હેવાઈ થયા ઈમાં…’
પણ, એ વધારે વિચાર કરે એ પહેલાં તો એણે જોયું કે રાડાં થઈ રહ્યાં હોવાથી બળદિયા હવે ધીમે ધીમે તોફાને ચઢતા જતા હતા.
એણે બંને બળદિયાની રાશ પકડી અને તોફાને ચઢેલા એકને પરોણાની આર સહેજ ઘોંચતાં મનને જ એણે કહ્યુંઃ
‘નીરણ હતું તંઈ લગ તો ઊંચું હરખું જોતા નહોતા ને નીરણ ખૂટ્યું કે વકરે સે કંઈ વકરે સે, માળા હાહરા! અને બળદિયા પાછા પગલે ધીમે ધીમે કૂવા તરફ ઢસડાતા હતા.
‘સમુડીય નીરણ ખૂટ્યે જ… છનિયો હાચું કેતો’તો ઈમાં ઈ બચારીનો સો ગનો?’
એણે કોશને ફરી એક વાર પાણીમાં ડૂબકી ખવડાવી પણ કોશ જાણે કોશનું રોંઢવું તૂટી ગયું કે શું થયું, ભરેલો કોશ એક ધબાકા સાથે કૂવામાં પછડાયો અને ગરગડી પરથી રાંઢવું ઊતરી ગયું. બળદિયા સહેજ ચમક્યા અને કૂવા લગી ખેંચાઈ ગયા. નાનજી થાળું પકડી માંડ બચ્યો અને પછી બળદિયા છોડી નાખી એ કૂવામાં ઊતર્યો.
એણે કૂવાના ટાઢાબોળ પાણીમાં પગ મૂક્યો ત્યારે એ પહેલી વાર તો ધ્રૂજી ગયો. પણ, પછી મરેલી ભેંસ જેમ પડેલા, તરતા કોશને રાંઢવું બાંધી એ નીંગળ્યા દેહે કૂવા બહાર નીકળ્યો અને ઘાસ ભરવા લાવેલી પછેડીથી શરીર લૂછતો હતો ત્યારે એણે ખેતરને અડીને જતી નાળિયા સડક પર ભાત લઈને આવતી રઈલીને જોઈ અને ઝટ ઝટ ડિલ લૂછવા માંડ્યું. ડિલ લૂછી, બોળેલાં કપડાંને નિચોવી એણે બોરડી પર સૂકવી દીધાં. બોરડીના ઝીણા ઝીણા કાંટાથી ભીનું કપડું ધવન આવ્યે ફાટશે કે નહીં એનો વિચાર સુધ્ધાં ન આવ્યો.
અને રઈલી ખેતરની વાડના છીંડામાંથી આવે તે પહેલાં તો એણે ફરી કોશ જોડી દીધો અને બળદિયાના પૂંછડાને આમળતાં ગાવા માંડ્યું હતુંઃ
‘ઈ રે જોબનિયાને
પાઘડીના છેડામાં બાંધો
જોબનિયું આજ આયું ને કાલ્ય જાસે.’
(સાત)
રઈલીએ માથેથી ભાત ઉતારી, ચાર વાઢવાનું દાતરડું હાથથી હેઠું મૂકી ગાતા નાનજીને કહ્યુંઃ
‘માએ તમને પાણી પાવા મોકલ્યા સે કે ગાવા?’
‘તી તનેય માએ ભાત આલવા મોકલી સે કે મારી હારે વઢવા?’
અને રઈલી કંઈ જવાબ આપે એ પહેલાં તો નાનજીએ છેલ્લી ફેરા કોશની મશકને પાણીમાં બે વાર ઝબોળતાંક સડસડાટ બળદિયા હંકારી મૂક્યા અને થાળામાં ભરાયેલા તાજા પાણીનો કળશ્યો ભરતાં ભરતાં રઈલીએ કહ્યુંઃ ‘હૂરજ તો માથે થવા આયો. હજી લગણ તમને ભુખારવાને ભૂખ નથ લાગી ઈ તો ભારે અચરજ.’
‘નવરાં મનેખને ભૂખેય લાગે ને તરસે લાગે…’
‘તી તમે નવરા નથી?’ રઈલીએ હસીને કહ્યું.
‘નવરા તો છઈએ જ ને; પણ…’
‘પણ ને ફણ. બપોરાં કરી લો સો કે નંઈ? બચારા બળદિયાય ફેણ ફેણ થ્યાસ. જરાક તો દિયા રાખો રુદિયે.’
અને રઈલીએ બળદ છોડી લીંબડીના થડ સાથે રાશ બાંધી, પૂળાના ઓઘામાંથી એક પૂળાને ખેંચી પૂળાને છૂટો કરી બે પગથી ભાંગી રાડાં બેય બળદિયાને નીર્યાં અને ત્યાં સુધીમાં ઢાળિયામાં હાથ ધોઈ, મોંમાં પાણી ભરી બેચાર કોગળા કરી, જાડા ધોતિયાના છેડાથી મોં લૂછતો લૂછતો નાનજી બીજા લીંબડાની છાયામાં બેસી, ભાતનું પોટકું છોડતાં બોલ્યોઃ
‘હાલ્ય ને!’
‘બઉ ઉતાવળા ભાળું. પરથમ બળદિયાને તો નીરવા દ્યો. પ…પછી તમારો વારો.’
‘બઉ બોલવા માંડ્યું સે ને હવડાં હવડાં?’
નાનજીએ પોટલું છોડી બાજરીના રોટલા કાઢ્યા. બેચાર લીલાં મરચાંય બહાર ધસી આવ્યાં.
‘મીં તને ભાખરી ને સાક કરવા નો’તું કીધું?’ નાનજીએ જરા તપતાં કહ્યું.
‘માએ કીધું કે ભાખરા કાલ કરજે. આજ ભૂરી વટકી તે દોવા જ ન દે. માંડ દોઈ માએ. ઈમાં ને ઈમાં બઉ ટેમ ગિયો તે રોટલા જ કીધા.’
રઈલીએ રોટલાની ફડસ કરી, એક ફડસ ઉપર બે મરચાં મૂકી આપી, એક કોર મીઠું ભભરાવી દીધું અને કળશ્યામાં લાવેલી છાશનું ઉપરનું પાણી નિતારી કળશ્યો હાથમાં મૂકતાં કહ્યું,
‘લ્યો, હવે મારા મોં હામું સું તાક્યા કરો સો? ખાઈ લ્યો.’
‘પણ ભાખરા…’
અને નાનજીને સમુએ કરેલી મ્હોણ નાખેલી ભાખરી અને આંબલીનું પાણી છાંટી કરેલું બટાકાનું રસાદાર શાક યાદ આવતું હતું.
સમુએ પૂછ્યું હતુંઃ ‘મારી દેરાણીએ બાજરીના રોટલા વિના બીજું કંઈ ખવડાવ્યું છે કે નહિ, હેં ઠાકોર?’
નાનજીએ ત્યારે કહ્યું હતુંઃ
‘અમારે તમારી ઊજળી વરણ જેવી રાંધણિયે બેઠાં રહેવાનું સે? પેટ પૂરવા બાજરીના મોટા મોટા બે રોટલા મળ્યા એટલે હાંઉ. આ તમારી ભાખરીઓ તો દરઝન ખાઉં તોય મારી ભૂખ ના ભાંગે.’
અને નાનજીને થયું કે ભૂખ ના ભાંગે છતાં એ ભાખરી કરાવવા કેમ તૈયાર થયો હતો? ‘દાઢનો સવાદ. બીજું શું?’
અને જાણે આ ઉત્તર સાચો ન હોય એમ પ્રગટપણે રઈલીને એણે કહ્યુંઃ ‘પ…ણ ભાખરા…’
‘ભાખરા, ભાખરા, ભાખરા. ભાખરામાં હુંય ભાળી ગ્યા સે કુણ જાણે! એક દિ’ મેરઈને ન્યાં ખાધા ઈમાં આટલા મોહી ગ્યા?’
‘તી કે દા’ડે ભાખરી ખાધી સે તે તને ઈનો સવાદ આવે? બિસ્કુટ જેવી ભાખરી ને લહલહતું બટેટાનું સાક…’
‘દાઢના ચહાકા તો…’
અને નાનજીએ રોટલાની ફડસને મોંમાં મૂકી અને લીલાં મરચાંના અંગે મીઠું અડાડ્યા વગર જ કોરું બાટકી ગયો અને ઉપર છાસનો ઘૂંટડો પીધો.
‘માળો હાળો બાજરાનો તો સવાદ જ જુદો.’ એમ બબડી નાનજી ઊભો થયો અને ઢાળિયામાંથી ખોબે પાણી પી, હાથ ધોયા ત્યારે રઈલીએ લીંબડા નીચેની એની માયા આટોપી લીધી હતી.
‘ચાર વાઢી આવું સું.’ રઈલીએ દાતરડું ને ચાર ભરવા માટેની પછેડી લીધી.
‘આ પછેડી ભેની ચ્યમ સે?’
‘કૂઈમાં ઊતર્યો’તો ને.’
‘કોહનું રાંઢવું આજેય તૂટી ગયું’તું? કહું સું. આ લાવો સો ને તે લાવો સો તે એક રાંઢવું લેતા આવતા હો તો? કોક દિ’ જીવ લે એમાંનું સે આ રાંઢવું તો.’
‘આણી ફેરે ધોળકે જસું તંઈ લાવસું.’ એમ કહી નાનજીએ બીડી પેટાવી ને સળગતી દીવાસળી ઓઘા બાજુ ફેંકી.
‘કોક દિ’ ઓઘા આખાયમાં આગ મેકી દેવાના સો આમ.’ એમ બબડતી બબડતી, સળગતી સળીને પગથી ધૂળે દાબી, રઈલી ચાર વાઢવા ગઈ ત્યારે હજીય નાનજી વિચારતો હતો કે રાંઢવું લેવા ધોળકે જવું કે ના જવું.
(આઠ)
‘કુણ જાણે નજરાણી કે સે હું થ્યું સે. આજ ભૂયડી હરખી ઊભી રે’તી જ ન…થ ને! બે સેર પાડીએ ન પાડીએ કે પગ ઉલાળતી ઊભી થઈ જાય સે.’ માએ કહ્યું.
નાનજીએ કહ્યુંઃ ‘મા, તું આઘી ખસ તો. લાય, આજ મું દોહું.’
‘પણ ગગા, હંભાળજે, લાતફાત ના મારે.’ એમ કહેતાં કહેતાં કંકુ ડોશીએ બોઘરણું આપ્યું અને સહેજ આઘાં ઊભાં રહ્યાં.
નાનજી ભૂરી પાસે ગયો અને એની કેડે હાથ ફેરવી, મોંથી ડચકારો બોલાવતાં કહ્યુંઃ
‘મા, આંચળ તો જો. અધમણિયા થઈ ગિયા સે.’
‘ટિલડી નેય ચ્યાં અડવા દે સે.’ માએ પાડીને બતાવતાં કહ્યું.
નાનજી હળવે રહી ઊભા પગે બેઠો ને આંચળોને હથેળીઓથી સહેજ હલાવી બોઘરણામાં પાણીથી આંચળ ધોઈ, એક આંચળમાંથી સેર પાડવા આંચળ દાબ્યો કે પાછલો પગ ઉલાળતી એ ભૂરી આઘી જઈ ઊભી. બોઘરણાને અને પોતાને માંડ સાચવી શકેલા નાનજીને માએ કહ્યુંઃ ‘ગગા, જાળવજે ભઈલા.’
નાનજીએ કહ્યું, ‘મા, પાસલા બે પગ બાંધવા દોયડું લાય.’
‘પણ વટકેલું ડોબું પગ બાંધવા દેવાનું સે? ઈમાં તારી આ ભૂયડી?’
‘મા, તું તારે દોયડું લાય ને.’
નાનજી ફરી ભૂરીને પંપાળવા લાગ્યો. નાનજી પંપાળે ત્યારે નાનજીના હાથને વહાલથી ચાટતી ભૂરી આજ ગુસ્સે થતી હતી.
‘મા, ટીલડીનેય આણી કોર લાય.’ નાનજીએ કહ્યું.
‘અ…લી વઉ, કઉ સું હાંભળશ, દોયડું લાયને, ભૂયડીના પગ બાંધવા’ અને એમ કહેતાં કહેતાં કંકુ ડોશીએ બીજે ખીલે બાંધેલી ટીલડીને છોડી અને ટીલડી દોડતી દોડતી આંચળે વળગી ને આંચળ ચસચસ ચૂસવા લાગી, પણ ભૂરીએ ફરી કૂદકો માર્યો અને આઘી ખસી ગઈ. નાનજીએ બોઘરણું હેઠું મૂકી, કૂદતી ટીલડીને રાશ પકડી ભૂરીના મોં પાસે લઈ ગયો. ભૂરી ટીલડીના આખા શરીરને ચાટવા લાગી. રઈલી દોરડું લઈ આવી અને નાનજીને કહ્યુંઃ
‘તમારા બેમાંથી એક આ કોરે આવો તો મું પાછલા બે પગ બાંધું.’
અને માએ ટીલડીની રાશ પકડી એટલે નાનજી ભૂરીના પાછલા પગ બાંધવા આસ્તે આસ્તે ભૂરીના પૂંછડા ભણી ગયો અને દોરડાને હળવે રહી પગે વીંટાળી એણે ગાંઠ મારી અને ફરી એક વાર ભૂરી કૂદી.
પણ હવે એના પગ બંધાયેલા હતા.
‘મા, હવે તમતમારે ટીલડીને મોકળી કરો અને તું પેલું બોઘરણું લાય.’
અને એણે દૂધથી છલકાઈ ગયેલો, કૈંક પાકી ગયેલો આંચળ હાથમાં લીધો અને બીજી તરફ તો ભૂખી ડાંશ ટીલડી ચસચસ ધાવવા માંડી હતી.
માથું ઉલાળતી, શીંગડીઓ ભોંયમાં ઘોંચવા મથતી, આગલા બે પગ વડે આજુબાજુના ગોબરને માટી સાથે ઉડાડતી ભૂરીનાં તોફાન ઓછાં થતાં નહોતાં, પણ નાનજીએ અરધા ઊભા પણ ભૂરીને દોહી અને માને દૂધનું બોઘરણું આપ્યું ત્યારે માએ કહ્યુંઃ
‘આજ અત્તારે દોવાઈ ના હોત તો ભુયડીના આંચળ ફૂલીને થાંભલા થાત. અને એનું કાળોતરું કળતર તો અસ્ત્રીની જાત જ ખમી ખાય.’
‘દૂધાળુ ડોબું દોવાય નંઈ તોય પંચાત જ સે ને’ એમ નાનજી મોટેથી બોલ્યો ત્યારે એને અચરજ એક વાતનું થયું કે આ તો પોતેપંડ બોલે છે કે કોક બીજો? કોક બીજો તે કોણ? દલસુખો?’
(નવ)
વાળુ કરીને નાનજી ચૉરે બેસવા ગયો. ચૉરે બેપાંચ જુવાનિયાઓને ઘેરીને છનો ઊભો હતો. છનાએ નાનજીને જોયો એટલે પ્રથમ પ્રશ્ન કર્યોઃ
‘કાલે ધોળકે જાસ ને?’
પણ, નાનજીએ છનાનો આખોય પ્રશ્ન ઓહિયાં કરી જઈને કહ્યુંઃ
‘કંઈ કેટલા દિ’થી ચોપાટે બેઠા જ ન…થ્ય. આજ બેહવું સે?’
મંગાએ છના સામે આંખ મીંચકારતાં કહ્યુંઃ ‘સા-પાણી તારાં.’ છનો કંઈ બોલે તે પહેલાં જ નાનજીએ કહ્યુંઃ ‘સા નંઈ ને સાનો કાકો. જા હેંડ મખીને ન્યાંથી ચોપાટ લાય, મંગા.’ અને જોતજોતામાં ચાર ભેરુ ને બેચાર ટોળે વળનારાએ ગામ આખાયમાં દેકારો બોલાવી દીધો, ગામ આખુંય જાણતું થઈ ગયું કે આજ નાનજીડો ને છનિયો ચોપાટે બેઠા છે.
છનાએ મંગાને કહ્યુંઃ ‘કોડિયું ખખડાઈ લો મંગાજી, પ…ણ કોડિયું કીધું કરવાની સે તો મારું જ.’
નાનજીએ ગજવામાંથી ચારછ બીડીઓ કાઢી અને બધા તરફ એક એક ફેંકી અને એક બીડી પોતે સળગાવી. આજુબાજુ ધુમાડેધુમાડા થઈ ગયા પહેલી ફૂંકથી.
‘ભઈજીડા, મને કાળી હોગટીઓ દઈ દે. લ્યે, આ રાખ પોપટડા.’
‘કાળીથી તો હું હારી જાસ, તી તું જ રાખ્ય. ઈ કાળમુખીને.’
‘મુંને તો કાળી કામણગારી લાગે સે.’ એમ કહેતાં કહેતાં છનાએ કાળી સોગઠીમાંથી એકને છાતીસરસી ચાંપવાનો ચાળો કર્યો અને બધાય જોરથી હસી પડ્યા.
‘આપડે તે ચોપાટ રમવા ભેળા થ્યા સે કે ભવાયું કરવા?’ નાનજીએ બીડીનો છેલ્લો દમ ખેંચી ફેંકી દઈ કહ્યું.
‘પહેલો દાવ મું લેવાનો.’ મંગાએ કહ્યું.
‘ચ્યમ દૂધ પીતો છોકરો સે એટલે?’ છનાએ છાસિયું કર્યું.
નાનજીડાએ બધાને શાંત પાડી કહ્યુંઃ
‘ભઈજીડાને કોડીઓ દઈ દો. ઈ પ્હેલો દાવ લે.’
‘બ…સ.’
અને મંગાએ હાથમાંની કોડીઓ ભઈજીડાને આપી. ભઈજીડાએ થોડી વારમાં કોડીઓ ખખડાવી અને કોડીઓને રમતી મૂકતાં મૂકતાં કહ્યુંઃ ‘પરમેશ્વરના.’ અને ત્રીસ દાણા પડ્યા.
રાતના દોઢ વાગ્યાના સુમારે છનો અને નાનજીડો બે જણ વારંવાર ગાંડું કાઢવાને લીધે પાક્યા વગરના રહી ગયા હતા, ભઈજીડાની બે પીળી સોગઠીઓ ફરતી હતી, છનાએ બે વાર ગાંડાં કાઢ્યાં હતાં અને એટલે જ એક સોગઠી હજી બેઠા વગરની હતી. નાનજીડાએ કોડીઓ હાથમાં લીધી. આ ફેરા જો એ બે પચ્ચીસ દાણા પાડે તો પાકવાની અણી પર આવી જાય એમ હતો. એણે કોડીઓ રમતી મૂકી તો પચ્ચીસ દાણા.
સાતે કોડીઓ ભેળી કરી, ફરી એણે કોડીઓ ખખડાવવા માંડી.
‘લ્યા ગોઠવેસ?’ છનાએ પૂછ્યું.
‘અં…હં’ અને એમ કહેતાં જ દાણા પાડ્યા તો ત્રીસ. આજુબાજુ ભેરુઓ બોલી ઊઠ્યાઃ
‘હવે તો ખડું થ્યું જાણ નાનજીડા.’
‘ખડું! જો તો ખરો ભઈજીડા.’ અને એણે ફરી દાણા પાડ્યા તો પચ્ચીસ અને એકદમ હર્ષમાં આવી જઈ નાનજીડાએ કહ્યુંઃ ‘ચ્યમ બાળી નાખ્યા હંધાય દાણા?’
નાનજીડો ગામ, ચોરો, ભેરુઓ છોડી છેક ધોળકા પળએકમાં પહોંચી ગયો. એને થયુંઃ ચોપાટ જેમ જીવતરમાં માગ્યા દાણા ના પડે તો હંધાય દાણા બાળી નંખાતા હોય તો? અને પછી એને ચોપાટ રમવામાં રસ ન રહ્યો. એ ઊભો થયો અને સહેજ આગળ ચાલ્યો એટલે છનાએ એની સાથે થતાં કહ્યુંઃ ‘કાલે ધોળકે જાસ ને.’
‘માતાના, મન તો એવું થાય સે ને કે વાયરા ગોડે ધોળકે જતો રઉં, પણ તું કેસ ને કે દલસુખો મનેખમાં જ નથી તો…’
‘તો તો વધુ છૂટ રહે ‘લ્યા.’’
‘પ…ણ…’
‘પણ સું?’
‘પણ ઈનો અરથ તો ઈ થ્યો ને કે વાટે જનાર, ગમે ઈની હારે સમુડી…’
‘લ્યા, એ ઢેડને જાય તોય તારે કિયા ભઈને હેં? પંડના બૈરામાં ચેંપેં ના હાલે, પણ આ તો…’
‘પંડમાં કે પારકે, જેણે મુંને ન દીઠો હોય ઈને માટે રદિયામાં વહાલ થાય જ ચ્યમ?’
‘ન્યાં તો તું બઉ વહાલ કરવા જતો ખરો ને?’
‘વહાલ નંઈ તો બીજું સું?’
છનો જવાબ ગળી ગયો, પણ નાનજીડો એનો અર્થ ન સમજે એવો ભોટ નહોતો જ, એથી એણે તરત જ કહ્યુંઃ
‘છના, તું માન કે ન માન. પણ મીં તો સમુડીનું દલડું જ ભાળ્યું’તું, મીં ઈનો દેહ જ ન…થ દીઠો.’
‘એક રાતમાં દલડું દેખી ગ્યો તું?’
અને નાનજી છનાનો પ્રશ્ન ઓગાળી ગયો. છનો છૂટો પડ્યો ત્યારે નાનજીનું મન વધારે ડહોળાયું.
(દસ)
રઈલીએ કહ્યું.
‘બઉ વે’લા આયા?’
‘ચોપાટે બેસી પડ્યો. માંડ છૂટ્યો.’
નાનજીએ કળશ્યો ભરી પાણી ઊંચેથી પીતાં કહ્યું. પાણી પી રહી એણે બીડી સળગાવી.
‘ચ્યમ ઊંઘવું ન…થ?’
‘ચ્યમ બઉ ઉતાવળ સે?’ નાનજીએ હસતાં પૂછ્યું.
‘રોટલો ઘડતાં બચકું ભરે ઈની ઉતાવળ પાંહે મારી ઉતાવળ તો…’
‘રોટલો ઘડતાં બચકું ભરે ઈની ઉતાવળ પાંહે મારી ઉતાવળ તો…’
રઈલીને વાક્ય પૂરું કરવા દે તો નાનજીડો શેનો?
નાનજીડાએ અડધી બીડી ફેંકી દેતાં જ રઈલીનો હાથ પકડી જોરથી પાસે ખેંચી અને ખોળામાં સુવાડી એક બચકું ભરવા મોં નીચું નમાવ્યું તો રઈલી બોલીઃ
‘મોંમાંથી બીડીનો ધુમાડો પેલાં કાઢી નાખો. તમારું મોં એવું તો ગંધાય સે ને…’
અને નાનજીને ગઈ કાલની રાત યાદ આવી. સમુડીએ પણ નાનજીને કહ્યું હતુંઃ ‘ઠાકોર, બીડીઓ શું પીવો છો? પીવી હોય તો ધોળી બીડી પીવો, જેથી મોંમાંથી ગંધ આવે તોય ગમે.’ અને એણે રઈલીને દૂર હડસેલી દીધી.
‘ઓ…હો, મોટો બાલિસ્ટર જેટલો ગુસ્સો સે ને?’
— રઈલીએ દૂરથી પાસે આવી, નાનજીની ડોક આસપાસ બે હાથ ભેરવતાં કહ્યું.
‘નંઈ? તુંય જાણે ગોરી મડમ હોય ઈમ હુગાય સે ને!’ નાનજીએ કહ્યું.
‘ચ્યમ દૂધે ધોઈ હોય એવી તો ગોરી સું.’
‘પણ મડમ સે?’
‘ચ્યમ વળી, તમે કેસો તો મડમ જેવા અમેય ગોટપીટ ગોટપીટ કરસું.’
રઈલીએ નાનજીને ગાલે બટકું ભરતાં કહ્યુંઃ
‘મડમ ચ્યાં બટકું ભરે ઈ ખબર સે?’
‘ના.’
‘હોઠે. અને બચકું ભરે ને તોય દાંત ના બેહે હોઠે.’
‘તી ઈમાં મઝોય સો આવે?’
રઈલીએ તો ફરી ગાલ પર જ બટકું ભરતાં કહ્યું.
ગઈ રાતે સમુડીને એણે વહાલના આવેગમાં બટકું ભર્યું ત્યારે એ રાડ જ પાડત. એણે નાનજીને કહ્યુંઃ ‘બટકું ભરીને તે વહાલ દેખાડાય? ગાલ પર નંઈ, ઓઠ પર, તમારા ઓઠ…’ અને પછી સમુડીએ લાંબા સમય સુધી એના હોઠ પર જોરથી એના હોઠ ભીંસી રાખ્યા હતા. થોડી વાર તો નાનજીને કંઈ મઝા નહોતી આવી પણ સમુડીના પરવાળા જેવા હોઠ પર એણે છેલ્લી વાર જોરથી ચાંપ્યા ત્યારે…
‘ચ્યમ મીંદડી મીંદ થઈ ગ્યા?’
રઈલીએ નાનજીને પૂછ્યું.
‘લ્યો તમને ઈમ ગમતું હોય તો ઈમ.’
અને રઈલીએ પોતાના હોઠ નાનજીના હોઠ પર મૂક્યા.
‘બળ્યું… મું ને તો કંઈ…’ થોડી વારે રઈલી બોલી.
‘ગામડાનો અને શહેરનો ફેર એટલે ફેર…’
નાનજીએ રઈલીને દીવો ઠારવાનું કહ્યું. ને પડખું ફેરવી સૂઈ ગયો.
રઈલીએ ઘણી ગલીપચી કરી, કંઈ વાનાં કર્યાં પણ એણે પડખું ન જ ફેરવ્યું.
રઈલીએ બહુ કીધું તો કહેઃ
‘ઊંઘ આવે સે. કાલેય ઊંઘ નહોતી આઈ.’
અને ગઈ કાલની રાત એની આંખમાં આવી બેસી ગઈ. ને એ પડખું ફેરવી, રઈલીને બાથમાં લેતાં બોલ્યોઃ
‘તું કેટલી રૂપાળી સે?’
પણ, નાનજીનેય એ વાતની ખબર પડી નહોતી કે એણે આ રઈલીને કહ્યું હતું કે…
(અગિયાર)
પરોઢે ઊઠતાંવેંત નાનજીએ રઈલીને કહ્યુંઃ
‘મી ધોળકે જાસ.’
‘રાંઢવું લેતા આવજો.’
રઈલીએ ચા મૂકતાં કહ્યું.
‘ઈ લેવા જાસ ને પાસું દલસુખાએ કે’વરાવ્યું સેય, તી પૂસું તો ખરો સું કામ સે?’
નાનજીએ પાણીથી કોગળો કરતાં કહ્યું. ને થોડી વારમાં એ ખભે ધારિયું મૂકી ચિયોડથી ખટારાની રાહ જોયા વગર જ ધોળકે જવા ઊપડી ગયો.
એણે પાધરનો કૂવો વટાવી સીમમાં પગ મૂક્યો ત્યારે ભરભાંખળું થવામાં હતું. પણ હજી સૂરજનાં એંધાણે નહોતાં. શિયાળવાના રડવાના અવાજોથી હજીય સીમ જાગતી હતી. એણે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવા માંડ્યું. ગઈ રાતે ભરેલાં ગયેલાં ગાડામાંથી ઊડીને પડેલા પૂળાનાં કસ્તરથી વાટ ઊભરાતી હતી. ક્યારેક એ વાટને અઢેલીને ઊભેલી બોરડીના લાંબા થયેલા કાંટાળા ડાળખાને ધારિયાથી અલગ કરતો ચાલતો જતો હોતો.
‘મેરઈને અચરજ તો થવાનું જ.’ નાનજી બબડ્યો.
‘ઈ અટાણે સું કરતી હસે?’
નાનજીડાએ તરંગ દોડાવ્યો.
અને નાનજીને થયું કે સમુડી — દલસુખાએ કહેવડાવ્યું હોવા છતાં રાત સુધીમાં હું ન ગયો એટલે આખીય રાત રડી રડીને આંખમાં આંસુ સમાતાંય નહિ હોય. બોર બોર જેવડાં આંસુ મોટી મોટી આંખોમાંથી દદડતાં હશે. દલસુખો ચા મૂકવાનું કહેતો હશે તોય સમુડીનો જીવ નહીં ચોંટતો હોય.
‘ઈની મોટી મોટી આંખ્યુંમાં બોર બોર જેવાં આંહુડાં મુંથી તો નંઈ જ દેખ્યાં જાય… દલસુખો ઘરે હોય તોય મું તો સમુડીની આંખ્યું લૂસી આલ્યે ને કહ્યે,
‘તારી આંખ્યુંમાં આંહુડાં મુંથી ન…થ દેખ્યાં જતાં’ ઈનું મોઢું મરક મરક થસે ને મુને ઈ વળગી જ…’
મુખીની વાડીને અડકીને ઊભેલા વડ પર બેઠેલા ઘૂવડને સાંભળ્યું ને બબડ્યોઃ ‘ભરભાંખળાની ભૂંડા હવે ચ્યાં વાર સે? તું બોલસ પણ હવડાં જ મીંદડી મીંદ થઈ હમજો ને હૂરજ ઊગે એટલી વાર…’
અને એણે હવે રાત આખીય જાગતી રહેતી હવડ વાવ જોઈ. એનાં પગલાં કંઈક ધીરાં ને શ્વાસ ઉતાવળો થયો. વાવ જાગતું સ્થાનક કહેવાતું હતું. જોકે આમ તો નાનજી કશાયથી ડરે એમ નહોતો. એ હવે વાવની સાવ નજીક પહોંચતાં જોતો હતો. એણે મનમાં ને મનમાં પવનસૂતને યાદ કરવા માંડ્યા ને પછી એને ખ્યાલ આવ્યો ને અગ્નિ દેખી ભૂત દૂર જાય એટલે એણે બીડી સળગાવી. ધારિયાના લોખંડના પાના પર એક હાથ રાખ્યો.
એ વાવથી થોડાં પગલાં જ દૂર હતો અને એણે જોયું તો તોતિંગ મોટો નાગ ગાડાના ચીલામાં પડ્યો હતો. અને સડસડાટ કરતો ને અવાવરું વાવના પોતાના રાફડામાં પેસી ગયો.
નાગ ચાલ્યો ગયો છતાં નાગના લિસોટા ઓળંગીને જવાનું નાનજીનું ગજું ન ચાલ્યું…
(‘લીલા નાગ’માંથી)