‘નટુભાઈને તો જલસા છે.’
કોઈક આવું બોલે ને નટુભાઈને કાળજે વાગે. પણ નટુભાઈ કશું બોલે નહીં. એમનો સ્વભાવ જ એવો કે સાંભળી લે, ખમી ખાય. અને પછી થાય એવું કે લોકો એવું જ માનવા માડે કે નટુભાઈને તો જલસા છે.
આ હમણાંની જ વાત લઈએ.
બનેલું એવું કે નટુભાઈનો એક ભાણિયો ગામમાં જ રહે. નોકરીમાંથી સસ્પેન્ડ થયેલો તે કુટુંબકબીલા સાથે નટુભાઈને ત્યાં ધામા નાખ્યા. અડધો પગાર તો મળે. કાયદેસર મળે. પણ મામાને પાઈ પરખાવે નહીં. હા, ક્યારેક શાક-પાંદડું, તેજાના-મસાલા કે તેલ-ગોળ લાવે ખરો. પણ એ તો પોતાને શું ભાવે છે ને શું નથી ભાવતું એનો ઇશારો કરવા પૂરતું, નટુભાઈની બહેનેય પછી ધાડધાડા. બીજે ગામ રહે, પણ મહિને – પંદર દહાડે ખબર કાઢી જાય ને નટુભાઈને ને ઘરનાંને સલાહ-સૂચન કરતી જાયઃ જોજો પાછા, ભાણાને ઓછું નૉ આવે!
નટુભાઈનું ઘર સાંકડું ને કમાણીય સાંકડી. તોયે બાપડા મૂંગા મૂંગા ખમી ખાય. બે છેડા માંડ ભેગા કરે.
પછી તો ભાણિયો પાછો નોકરીમાં લેવાઈ ગયો. બાકીનો અડધો પગારેય સામટો મળ્યો. રંગેચંગે પોતાને ઘેર પાછો ફર્યો ત્યારે મામીને ભૂંડો ભૂખ જેવો છીંદરીનો સાલ્લો લાવી આપ્યો ને તેય જાણે ઉપકાર કરતો હોય એમ. ને તોય નટુભાઈ તો કશું બોલે જ નહીં. બધુંય ખમી ખાય. ભાણિયો ગયો પછી નટુભાઈ બજારમાં ગયેલા; તે ઓટલે બેસીને ગામ આખાની ચોવટ કરનારા વાડીલાલ દાણી, ચંપક દોશી, બુધાલાલ જોશી ને એવા એક-બે જણાએ મશ્કરી કરી જ નાખીઃ કાં નટુભાઈ, આટલા દા’ડા તો ઘરમાં બહુ ગડદી રહી. સાંકડ્યમાં સાંકડ્ય હતી, પણ હવે સૂવા-બેસવાની છૂટ થઈ ગઈ, ખરું ને?
નટુભાઈ કાંઈ ભોટ નહોતા કે આ બધા અવળચંડાઓની વાતોનો વળ સમજે નહીં. પણ કશું બોલ્યા નહીં, સાંભળી લીધું, પણ એમના મનમાં તો સતત ફડક રહ્યા કરી કે પાછું કોક બોલશે કે…
ને ત્યાં જ બુધાલાલે બોલી નાખ્યુંઃ હવે તો જલસા છે નટુભાઈને… નટુભાઈ પોતે બોલવાનું ક્યારે, કઈ ઉંમરે શીખેલા એ તેમને પોતાને તો ક્યાંથી યાદ હોય? ને એમની માયે બહુ વહેલી ગામતરે ગયેલી. પણ એમને ત્યાં એક ઘરડાં ફોઈ ક્યારેક આવતાં. સગાં ફોઈ નહીં. દૂરનાં સગાં ખરાં. પણ એમને નટુભાઈ ઉપર ભારે હેત. એ ક્યારેક ક્યારેક વાત કરેઃ
મારો આ નટુ તો નાનપણથી આવો જ છે. બોલતાંયે મોડું શીખેલો, ને આજેય મોઢામાં જીભ ન મળે. એટલે કોક જાણે કે મૂજી છે. કોક કહેશે કે મીંઢો છે તો કોક વળી કશુંક જુદું જ સમજે. બચાડાએ નાનપણમાં ખૂબ વેઠ્યું છે. હવે માંડ ઠર્યો છે…
ફોઈ ઓશરીમાં બેસીને વાતો કરતાં હોય, સાંભળનારું કોક સાંભળતું હોય ને નટુભાઈ ઓરડામાં રહ્યા રહ્યા મૂંગા મૂંગા કાન માંડીને સાંભળતા હોય ને મનોમન ફફડાટ અનુભવતા હોય કે પાછું કોક બોલશે કે જલસા છે…
શું ધૂળ જલસા છે! બીજાના ભાણાનો લાડવો તો સૌને મોટો લાગે, કહેનારે કહ્યું છે તે અમથું કહ્યું હશે! ને આંઈ તો લાડવાને બદલે સૂકો રોટલોય નથી ને તોય મારા બેટા… પણ આવો ધૂંધવાટ તો ક્ષણેક માંડ ટકે. ને નટુભાઈ બહારથી તો ટાઢાબોળ દેખાય.
હા, એમની ફડક હેઠી બેસે જ નહીં.
આ ફડકમાં ને ફડકમાં એમના મનમાં એક વે’મ ભરાઈ ગયેલોઃ કોક કાગવાસિયું બોલ્યું નથી કે ‘જલસા છે’, ને નવી ઉપાધિ આવી નથી.
ભાણિયો ગયો ત્યાં નટુભાઈની ખુદની બદલીનો હુકમ આવ્યો. નટુભાઈના તો મોતિયા મરી ગયા. ગામમાં થોડુંઘણું દેવું તો રહેતું જ. હમણાં થોડું વધારે થયેલું. જૂનું ગામ તે વેપારીઓ શરમ ભરે. તકાદા ન કરે, પણ જો બદલી થઈ ને જવાનું થયું તો દેવું તો પહેલું ચૂકવવું પડે. દેવું વધી જાય ત્યારે નટુભાઈ ઢોર જેવું વૈતરું કરે, નોકરી ઉપરાંત ક્યાંક નામું લખે. કોકનાં છોકરાં ભણાવે, ઘડિયાળો રીપૅર કરે. ઘરનાં બૈરી-છોકરાંનેય કાલાં ફોલવામાં કે ટોપીઓ ભરવામાં જોતરી દે. બધાં કાળી મજૂરી કરે ને દેવું ભરે… આવામાં બદલી થઈ ને નટુભાઈના તો મોતિયા મરી ગયા.
જોકે નટુભાઈ મનમાં તો સમજતા કે નોકરીમાં બદલી તો થાય. આ એક જ ગામમાં પંદર વરસ તો થયાં. ને બદલી ક્યાં એમની એકલાની થઈ હતી? કચેરીના મનુ વ્યાસનીયે થઈ હતી. પણ મનિયો તો ભારાડી માણસ. ઉપર ઉપરથી કહેતો ફરે કે આપણે તો જવાના. નોકરી હોય તો બદલી તો થાય. પણ બધા સમજે કે આ કંઈક દોરીસંચાર કરવાનો, ને જરૂર પડશે તો ‘પત્રમ્ પુષ્પમ્’ કરીને બદલી બધેય રખાવવાનો. નટુભાઈને આવું કશું સૂઝેય નહીં ને આવડેય નહીં. પણ ઉપાધિનો પાર ન હતો. તેમણે તો અરજી કરી દીધી — સીધીસાદી, વિગતવાર ને ધોરણસરના રાહે, થ્રૂ પ્રોપર ચૅનલ…
કોકે વાતવાતમાં કહ્યુંઃ નટુભાઈ, પેલા બળવંતકાકા નહીં. તમારા બાપાના જૂના ભાઈબંધ, ખાદીધારી? — એ તો હેડ ઑફિસમાં જ છે. ને બધું તેમના હાથમાં જ છે. ભલા’દમી, તેમને જ મળી લ્યોને, પાછા છેય તમારી ન્યાતના… બોલનારું કશુંયે વધુ કહે તે પહેલાં નટુભાઈ ખસી ગયા ને ચાલતા થયા. તેમને પાછી ફડક ઊપડી કે ક્યાંક કોક બોલી નાખશે… તો વાત પાછી સાવ વણસી જશે.
કેટલીયે અવઢવ પછી નટુભાઈ હેડ ઑફિસે ગયા. લાગવગ કરાવવા નહીં, પણ અરજીની તપાસમાં. પૂછપરછ કરી કે આ એસ્ટ્રાનું કોણ સંભાળે છે! જાણ્યું કે બળવંતભાઈ. ગયા. મળ્યા, વાત કરી…
બળવંતભાઈએ અણિશુદ્ધ ઉચ્ચારોમાં સમજાવ્યુંઃ જુઓ નટુભાઈ, તમારી અરજી મેં વાંચેલી. તમારી પરિસ્થિતિ હું જાણું છું ને સમજુંય છું. તમારી મુશ્કેલીઓ વાજબી છે. પણ તમે પંદર વર્ષથી તમારા ગામમાં છો જ, ને જો હું તમારી સિફારસ કરું તો કોકને એવું લાગે કે હું તરફેણ કરું છું… આપણને એ શોભે? ન શોભે. એટલે મેં તો ઘટતો શેરો કરીને કાગળો પટેલસાહેબ સમક્ષ રજૂ કરી દીધા છે. મળવું હોય તો તેમને મળી શકો છો. તમારો એ અધિકાર છે. પણ મારી પાસેથી તમે વધુ અપેક્ષા રાખી ન શકો… દિલગીર છું. હા, આવ્યા જ છો તો ઘેર થતા જજો. સમય હોય તો જમીને જજો.
નટુભાઈએ મૂંગા મૂંગા બધું સાંભળી લીધું ને પટેલસાહેબની ચેમ્બર તરફ વળ્યા.
પટેલસાહેબનો કડપ એવો કે આખો જિલ્લો ફફડે. એક વાર ઓચિંતા ઇન્સ્પેક્શનમાં આવેલા ને આખી કચેરીને ઉપરતળે કરી નાખેલી. પટેલસાહેબ શું કહેશે ને શું કરશે — કશું કહેવાય નહીં. પણ નટુભાઈએ તો ચિઠ્ઠી મોકલાવી ને પટાવાળાએ ઇશારો કર્યો એટલે અંદર ગયા. પટેલ સાહેબે તેમની રીતે જ કડકાઈથી સવાલો કર્યા. ને નટુભાઈએ આવડ્યા એવા સીધાસાદા જવાબ દીધા. મુલાકાત પૂરી થઈ ને નટુભાઈ પાછા ફર્યા… તેમને મનુ વ્યાસ યાદ આવી ગયો ને તેનું એક ટીખળ સાંભરી આવ્યું.
પટેલસાહેબ ઇન્સ્પેક્શન કરીને ગયા પછી હેડ ઑફિસમાંથી પટાવાળાઓના ડ્રેસને લગતો એક સરક્યુલર આવેલો… કચેરીના બંને પટાવાળાનાં માપ લખી મોકલવાનાં હતાં. ડ્રેસ જિલ્લામાંથી સિવાઈને તૈયાર આવતો. ત્યારે મનુ વ્યાસે કહેલુંઃ આપણે આ કેશુનું એકલાનું માપ મોકલીએ અને મોહનલાલ પૂરતું લખી જણાવીએ કે પટેલસાહેબના માપથી સીવી મોકલશો…! બધા ખૂબ હસેલા, ખડખડાટ.
નટુભાઈને થયું કે કોકે જો પટેલસાહેબને આ વાત કરી હોય તો મનિયાને તો ખાઈ જાય, કાચો ને કાચો. જોકે એ તો ભારે પાજી છે. એય રૂબરૂ મળવાનો. પૂંછડી પટપટાવશે. સાલાને બધાય ખેલ આવડે છે. સોળેય સોપારા ભણીને બેઠો છે.
આઠ-દસ દિવસ થયા ને હેડ ઑફિસમાંથી નવો હુકમ આવ્યો; મનુ વ્યાસની બદલી વધારે દૂરના ગામે થઈ હતી ને નટુભાઈની બદલી બંધ રહી હતી. કચેરીમાં સોપો પડી ગયો.
નટુભાઈ મનમાં ફફડતા રહ્યાઃ આ મનિયાને કરવો હોય એટલો ઉધમાત ભલે કરે, ને ભલે એની બદલીયે બંધ રહે. એ ક્યાં આપણા ભાણામાંથી કશું ખાઈ જવાનો છે! પણ જો કોક કાગવાસિયું બોલ્યું કે… તો ભારે થવાની. પણ કોઈએ કશું કહ્યું નહીં. મનુ વ્યાસ બદલીના ગામે હાજર થઈ ગયો. ને પંદર દહાડે ભાડાનું ઘર ગોતીને બૈરી-છોકરાં ને ઘરવખરી લેવા પાછોયે આવી ગયો.
પાનવાળાની દુકાને સાંજે બધા ઊભેલા. એમાં મનુયે હતો ને નટુભાઈ કશીક ખરીદીએ નીકળ્યા. કોઈએ સાદ પાડ્યો. ગયા. વાતો ચાલતી હતી ને મનુ કહેતો હતોઃ આપડે ધાર્યું હોત તો ઠેઠ રાજની કચેરીમાંથી લાગવગ લઈ આવત. બદલી બંધ રખાવવી એ તો છોકરાંના ખેલ ગણાય. પણ આગળ જતાં બધું અવળું પડે, આડું આવે. ને જે કામ હેઠથી થાય એ ઠેઠથી નૉ થાય. એ કરતાં એક વાર હુકમ માની લેવો વધુ સારો. જોકે ભાડાનું ઘર મેળવવામાં મુસીબત પડી. માંડ મળ્યું, ને ભાડુંયે પાછું ગજવાં ફાડી નાખે એવું, પણ શું થાય? નોકરી કરવી હોય તો બદલીમાંયે જવું પડે. બાકી ગામ સારું વસ્તી સારી.
— ને ત્યાં જ કોક બોલ્યુંઃ આ તમારે બદલી થઈ એટલે આવી બધી ઉપાધિ વો’રવી પડી ને! બાકી જુઓ આ નટુભાઈ, એઈને પોતાના ઘરના ઘરમાં જ રહેવાનું, નંઈ ભાડું કે નંઈ બીજી કશી જળોજથા. નંઈ કશી ઉપાધિ, જલસા છે નટુભાઈને તો…
ને ત્યારથી નટુભાઈ ફફડે છે. નોકરી સિવાયનો બધો વખત ઘરમાં બેસી રહે ને ચકળવકળ નજર ફેરવતા રહે ને પછી ઘરના મોભને તાકી રહે ને મનોમન મૂંઝાયઃ આ ઘરનું ઘર ને આ જલસા… જલસામાં જે કાંઈ ગણો એ આ ઘર; કોણ જાણે હવે આ બધું કેટલા દિ’ ટકશે!!