ધડાકા

પાડાં-વાછરડાંનો ભાંભરવાનો અવાજ, દોડતી ભેંસો-ઢોરાં ને વારવાનો અવાજ, નાથે ચારના ભારાના વજન નીચેથી પોતાનાં ઘરનાંને સામે આવવા બૂમો પાડતી સ્ત્રીઓનો અવાજ, હળ-લાકડાંને છોડવાનો ને હાંકવાનો અવાજ વગેરે એકસામટું એના પર ઠલવાતાં એની બંધ આંખોમાંથી પસાર થઈ રહેલાં ચિત્રો અટક્યાં… ટૂકડો ટૂકડો થઈ ગયાં. અને એ ખાટલામાં બેઠો થયો. થોડી વાર એમ જ બેસી રહ્યો. આંખો ખોલી. પછી ઊભો થઈને ઘરમાં ગયો. પાણિયારેથી લોટો ભરીને પાણી લીધું. એકાદ-બે ઘૂંટ ભરીને વાડામાં ઢોળી દીધું, પછી દૂર-દૂર દેખાતા મહી નદીના દૃશ્યને થોડી વાર તાકી રહ્યો.

‘પશલા, ઓ પશલા!’ બૂમ સાંભળીને દોડ્યો. આંગણે આવીને માના માથેથી ભારો ઉતાર્યો.

‘ચેટલી બૂમો પાડી?’ માએ સીમમાંથી કાપી લાવેલાં દાતણ તૂટવા આવેલી ઓટલી પર ગોઠવતાં કહ્યું. તેણે કશો જવાબ ના વાળ્યો. ઘરમાં ગઈ. એ ઓટલીએ બેઠો. સામે ઘેર એક ઘૈડમલ હોકો ગગડાવતા ઘરનાંને સૂચનાઓ આપતા હતા.

‘ચ્યાં જ્યાં સોરો, આ ભેંસને કશું નાખો, મોંયડો તોડી નાખશે અને ભારોય એને દેખાય એમ મોં પોંહેડ નાસ્યોસે પેલું કે’તમાં કયું સેને કે — ગાડું જોઇન પગ દુખે ને ભારો જોઈન ભૂખ ઊઘડે. સેંમમેંથી આયોં તોય ઢોરોં ભૂસ્યોંને ભૂંસ્યાં નઈ ગલા?’ કેતા બાજુવાળાને વાતમાં ખેંચતા. તો ઘરમાંથી કોઈ નવોઢા છાતી સુધીના ઘૂમટામાં સંકોચભેર બહાર આવતી હતી. પશલાએ ખિસ્સામાં હાથ નાખ્યો પછી ઊઠીને ફળિયાના નાકેની દુકાને ગયો. ‘લાય’ દુકાનવાળાએ તમાકુ આપી. ને એ બહારના નેળિયે વળી ગયો. ત્યાં ગલ્લાવાળાનો પાછળથી અવાજ આવ્યો.

‘કઈ બાજુ? તાડી-બાડી કે?’

‘શોની તાડી, પૈસા હોય તો ને…’

‘ચમ પગાર?’

‘શેતરમાં ખારત નાસ્યું ને!’ પૈસાની વાત આવતાં સ્પષ્ટતા કરવા પશલાને પાછું ફરવું જ પડ્યું.

‘નવી ક્વોરી બને સે એમેં જા વધાર પગાર સે.’

‘અરે! એમે તો જતાં અસું. આ શેતરોં બગાડવા બેઠો સે ને.’

‘અરજી કરી ને; હેડ્ય એક દાડો ઘડી નાસીએ જાડા કાગર પર અરજી.’

‘પણ કોકના રોટલા બગડે એમસે એનું શું?’ કહેતો ઉતાવળમાં હોય એમ ઉતાવળે પગલે નેળિયે વળી ગયો. થોડેક ચાલ્યો હશે ત્યાં—

‘કોક દાડે આપા ભૂલા પડ્યા હોત તો? કશું ખાટું-મોરું ના થઈ જાય હોં.’

‘મારી હાળી પાસી લાગ ભારીજી.’ પશલો મનમાં બબડ્યો.

આ અવાજ મકાઈના ખેતરમાં છુપાયેલા છાપરેથી આવ્યો હતો… એ હતી કાશી. એ અવારનવાર પશલાને ખેંચવા કોશિશ કરતી રહેતી. એક વાર તો પશલો બળદ ચારવા ખેતરમાં ગયેલો. બળદ ટાંગીને લીમડા નીચે શેઢા પર આડો પડ્યો’તો ત્યાં પાસે આવીને કાશી રીતસર પથરાઈ જ ગઈ જાણે. પશલો ચમકીને બેઠો થઈ ગયો. ચીડભરી નજરે એને જોઈ રહ્યો’તો.

‘જવોંનિયા જોયાનાને ખાધાના ફેરસે હોં.’

‘ભૂખ એટલે શું એ જ મને તો ખબર નહીં પડતી’ તેણે અલ્લડ જવાબ આપેલો.

‘ભોંણાને જોયું હોય તો ભૂખનીય હમજણ પડે ને, અને હાચું કઉં… આમ ભરચોમાસે ઓર્યા વગરનાં શેતરાં ચેવાં લાગે?’ કે’તી એ છાતી પરની સાડીને છેડો ઉતારી એનાથી મોં પરનો પરસેવો લૂંછતી બોલી. ત્યારે એનું તાંબાવરણું મોં જરા ચમકતું હતું. અને ઉપરનું બટન ખુલ્લું હોય એવો ભરેલો ભરેલો કબ્જો હાલકડૂલક થયેલો અને પશલાને ચીતરી ચડતી હોય એવું થયેલું.

‘તમે જાવ ભાભી આપણને અંઈ કોણ જોશે તો ખોટું વેમાશે!’ એ ઊભો થઈ ગયેલો.

‘તે ઉં એવી સું. આતો કોક મનમેં વસી જાય એટલે… નઈતર… ને ભૂખ ના ભાગે એવો જનમારોય ચેટલો વેઠવાનો પશા.’ એ નિશ્વાસ નાખતી ઊભી થઈ ને પશલાને દયા જેવું થયું. શું કરે બચારી? ભર્યોભાદર્યો દેહ ને, મરવા પડેલો ધણી…

ટીનટીનટીનનનન…

સાઇકલની ઘંટડીના અવાજે એની તંદ્રા દોડી.

‘કઈ બાજું આટલી બધી ઉપાડી સે? હેંડ બેસ્ય.’

સાઇકલ ધીમી પડી.

‘ઓહો ધૂરિયા! તારી રાહ જોઈને અમણે જ નેહર્યો. હંદેહો મલ્યો નંઈ.’ સાઇકલ પર બેસતાં પશલાએ કહ્યું.

‘ના, ચમ શું અતું?’

‘હેંડ મવડાવારા પા જવા દે.’

‘ચંમ ઓચિંતો.’

‘હેંડને તુ તારે બધું કઉંસું અંઈ વાડ હાંભરે વાડનો કાંટોય હોંભરે.’

‘જવા દે આગળ વાત કઉંસું.’

‘તારી મા કેતેલી તારા ધ્યોનમેં કોઈ હોય તો આથ પીરા કરવાના જ સે તારું મન ખાટું નંઈ કરે.’ ધૂરિયાએ સાઇકલની ગતિ વધારતાં કહ્યું ત્યાં તો વાડ આવી.

‘આ વાડ્ય પાસર્ય સાઇકલ આડી પાડી દે ને આય હટોલા બાજુ.’ પશલો ઊતરીને ઝૂંપડી બાજુ ચાલ્યો.

મગફળીના બીજમાંથી મઝાના અંકુરો આકારો લઈ રહ્યા હતા. ક્યાંક ક્યાંક તો નાની નાની પાંદડીઓ પણ ફૂટી ચૂકી હતી. ખાતર નાખી દીધેલું. પહેલું પાણી માદક ફોરમ પ્રસરાવી કહ્યું હતું. અને પશલો ઝૂંપડી પાસે ઊભો રહીને પેલા શેઢે મહોરી ઊઠેલા કેસુડાના ઝુંડ પર નજર ફેરવીને બોલ્યો.

‘જવા દે ને યાર એક ફસઈજી કે ફસાવી જી સે એ જ હમજાતું નહીં.’

‘પણ સે કુંણ એતો કે”… ખાખેડાના ઝાડની ડાળીઓ ને પાંદડાંની છતને દીવાલો કરીને બનાવેલા ઝૂંપડામાં ઘાસની પથારી પર બેસતાં ધૂળો બોલ્યો.

‘પણ, ધૂરિયા! એક શરત… કોઈને—’

ને ધુળાએ એના મોં પર હાથ દઈ દીધો.

‘આપણી ભઈબંધી ચેટલી જૂની સે યાદ કર્ય. ને તારો બાપ મર્યો પસીતો આપણે સેતીવાડીય ભેગા થઈને હંભારીએ સીએ પસી તને આવો વિચાર…’

‘આ તો જરા વાત એવી સે ને ગાંમમેં કોઈનું ઠેકાણે પડતું નહીં ને આપણું પડે તો પાસા લોકો બરે એટલે જરા. પણ હોંભર્ય. આપણે અતારે મલવા જવાનું સે મઈસાગરની પાર્ય નાવડા વગર.’

‘પણ સે કુણ.’

‘પેલી મેરામ મલેલી એ. દુકાનવારાનો હાથ ઝાલીને ખેંચી કાઢેલો બાર્ય ખબર્ય સે? ધોરી ઓઢણીવારી.’

‘હાળી એ તો વાઘણ જેવી હતી, પણ તારે કઈ રીતે?’

‘એક દાડો એની ભેંસ હોધવા આયલી. ઉં ક્વોરીમ જતેલો. એ કે કે આ ભેંસ વારી આલો તો ખરા? ને મેં શેંગડે ઝાલીને ઊભી જ રાશી દીધી તાણની ભઈબંધી.

‘જતાં જતાં એ બોલેલી…’

‘પોણી હોય તો આવજો આ દાડે’તે આજે જવાનું સે; અતારનો વાયદો સે.’

‘પણ પોંણીના બોને આવે એટલી વારમેં…’

‘અરે તું તો હાવ એવો રયો. આપણે પઈણી લાવવાની સે પસી મલસું શાંતિથી. અમણે ખાલી વાત કરવા…’

ને બેય હસતા હસતા ઊભા થયા. થોરની વાડોની પછવાડે થઈને નદીકિનારે પહોંચ્યા ત્યારે સૂરજ મેર બેસવાની તૈયારીમાં હતો. મહીના મોટા મોટા પથ્થરોમાં અફળાતા પાણીમાંથી ગીતો રેલાતાં હોય એવું પશલાને લાગ્યું. શાંત પાણીમાંથી હૂંફાળવો પવન વહેતો હતો. બંનેએ કપડાં પથરા નીચે મૂકીને ચડ્ડીભેર પાણીમાં ઝુકાવ્યું. ઓછામાં ઓછો અવાજ થાય એવી ઢબે બેય થોડા થોડા અંતરે તરીને પાર પહોંચ્યા. આજનું તરવાનું જરા જુદું લાગ્યું બેયને. બે મોટા પથ્થરોની ફાડ આગળ બેય બેઠા.

‘અંઈજ આવશે.’ પશલાએ કહ્યું.

‘જો આવે.’ ધૂરિયે દૂરથી આવતા ઓળાને ઓળખ્યો.

‘હાળી ફટકો સે ફટકો’ — પશલો અડધો ઊભો થઈ ગયો. ધૂળાએ દબાવ્યો, ‘અંઈ તો પોંણીને પથરા બધુંય હોભરે સે.’

‘પણ માસલી હોંભરે સે?’

બેય ધીમું હસ્યા.

પેલી બહુ સહજતાથી કિનારે બેડું મૂકીને એ તરફ આવી. એના ધબકારા ક્યારેક નજર વાટે બહાર ફેંકાતા હતા. અને એ હવામાં ઊડતા ઘાઘરાને સરખો કરતાં સ્વસ્થ થવા, સહજ થવા પ્રયાસ કરતી, પત્થરોની ફાડ પાસે આવીને અટકી એટલે ધૂળો ત્યાંથી હટી ગયો. બાકીના બેયના ધબકારા વધી પડ્યા. કોઈ કશું ના બોલ્યું.

‘નેચે બેસ્ય, કોઈ જોશે,’ ધીમા અવાજે પશલો બોલ્યો. એ બેઠી.

‘તારા દેદાર તો જો.’ પેલીએય હિંમત કરી.

‘હારો કાચો પડ્યો,’ ધૂરિયાએ વિચાર્યું ત્યાં જ…

ધડ્‌ડૂમમમ…

વૃક્ષો પર માળામાં આવેલાં પંખીઓ એકસાથે કૂજી ઊઠ્યાં. મહીસાગરના પથ્થરો જાણે થરથરી ઊઠ્યા… ભેખડો જાણે ધસી પડી. પાણી જાણે હાલ્યું ને તરંગી બની ગયું. ધૂરિયાએ જોયું તો આ અવાજથી પેલાં બેય એકબીજાને ચોંટી ગયેલાં. એણે વિચાર્યું — ક્વોરી વાળાએય મૂરતમાં જ બ્લાસ્ટિંગ કર્યું.

‘આટલું જ કાળજું?’ પશલાએ કંપીને ચોંટી પડેલી પેલીને કહ્યું.

‘ને તારું?’

‘હું તો તરીને આયો; ધરામાં થઈને, તારા હારુ.’

‘ભલું આવડ્યું.’ કહેતાં પેલા હોઠ જરા વંકાયા. પશલો એ હોઠોમાં જાણે ઓગળી ગયો.

‘નદીમ પૂર હોય ને તામે બોલાવજે. પછી જોજે.’ થોડો સ્વસ્થ થતાં હિંમતથી પશલે આહ્વાન કર્યું.

‘તો હુંધી તો આ…’ કહેતાં એણે પોતાનો હાથ બતાવ્યો ને પશલો થોડો મૂંઝાયો ના મૂંઝાયો ને ફટ કાંડું પકડતાં બોલ્યો, ‘આ ઝાલ્યો છે એ કઈ માનો લાલ છોડાવે એમ સે.’

પેલી ઘડીભર ભરી નજરે એને જોઈ જ રહી. જાણે આખોય પી જવો હોય એમ. પછી એના નખ વીફર્યા… ને…

પાછા ફરતાં ધૂળો ને પશલો હોંશમાં હતા. બેય ચૂપ હતા. પશલાની છાતીમાં પૂર ચડ્યું હતું. પેલીની છાતીમાં ઝરણાં. બેય વારે વારે એકબીજાને વળી વળીને જોઈ લેતાં હતા. બેયને કેટકેટલું એકબીજાને કહી દેવું હતું. પણ શું શું કહેવું એ સ્પષ્ટ થતું નહોતું.

પાણી પડીને બનેલાં કોતરોની વાટે તેઓ ગામ બાજુ નીકળ્યા. ત્યારે સૂરજ સંપૂર્ણ આથમી ગયેલો. ધુમાડો ગામને ઘેરી વળેલો. માળા તરફ જતાં રહ્યાંસહ્યાં પંખીઓ આજે ભરપૂર કલશોર કરતાં હોય એવું પશલાને લાગ્યું. સાઇકલ લઈને એ ફળિયે ગયા ત્યારે મૂરિયાના ગલ્લે વાગતી કૅસેટ એને આજે ગમી. આજે એણે ત્રણ પડીકી લીધી. ‘ત્રીજી કોની?’ મૂરિયે પૂછ્યું ત્યારે એ હસ્યો. ધૂળો ગયો.

‘બઉ ખુશ મેં લાગું સું આજે.’ ઘરાક જતાં એક રૂપિયાની ખાંડનું પડીકું બાંધતાં મૂરિયે કહ્યું એ એણે ના સાંભળ્યું.

ગલ્લા પર

— મારી મઈસાગરને આરે ઢોલ વાગે સે… કૅસેટ વાગતી રહી.

થોડા જ દિવસોમાં ધૂળાએ બેય બાજુનું પાકું કરી નાખ્યું. એની સાસરીમાંથી વાત પહોંચાડીને સામેવાળાને હા પડાવી. નાના ગામમાં બે બે વરસે એક નવી વહુ લાવવાની બધાયના હૃદયમાં હોંશ હતી. લોકો જૂનાં લગ્નગીતો યાદ કરવા માંડ્યાં. વૈશાખની રાહ જોવા માંડ્યા. આવતાં જતાં ફળિયાની સ્ત્રીઓ એને મજાકમાં ગીતો સંભળાવતી… એ ફુલાતો, આનંદ માતો નહોતો.

રાતે મગફળીનાં ખેતરોમાં ઉંદરોનો ત્રાસ રે’તો’તો એટલે એ રાતવાસો કરવા ખેતરે જતો રેતો. ખુલ્લા આકાશ તળે મોડી રાત લગી તારાઓમાં પોતાનાં સપનાંઓને પરોવવા મથતો. ઘડીકમાં આંખ ઘેરાતી પછી પણ લગનનો માંડવો દેખાતો… ધમકતા ઢોલ દેખાતા. પોતે ખેતરમાં હળ હાંકતો હોય છે ને ભાત લઈને એ હજુ આવી નથી. પહેલાં તો નજર ખોડીબારે જ છે પણ એ આવે છે ત્યારે એ બાજુ જોયા વગર બસ હળ હાંક્યા જ કરે છે. પેલી આવીને હાથમાંથી રાશ ઝૂંટવી લે છે ને એનાથી ફાડ રોટલો વધારે ખવાઈ જાય છે… અને પેલી ભરીભરી રાતો… તો…

એક વાર આમ જ એ ઉંઘવા માટેના પ્રયાસો કરતો હતો. એના મનમાં ભાવિ રાતોનાં રંગીન ચિત્રો સવાર હતાં. એણે ધીરેથી એના વાળમાં હાથ ફેરવ્યો પછી હાથ નીચે જવા દીધો ત્યાંથી સાવ નીચે ને ત્યાં જ—

‘આખરે આયો ને લાઇનમેં.’

તેના કાને શબ્દો અથડાયા જાડા જાડા. એ ચમક્યો. જુએ છે તો કાશી! અસ્તવ્યસ્ત વસ્ત્રોમાં પડેલી કાશી એના પર સાથળો દબાવીને…

એ ઊભો થઈ ગયો.

ધીમેથી પણ ગુસ્સામાં બોલ્યો.

‘તારી માની કાશલી મારું. જાય છે કે કાઢું પરોણો. આખી આર ઘાલી દેશ.’

‘પણ અમણે તો તું…’

‘તું જા… નહીં તો મારું સું કોવાડો.’

‘લે માર્ય આજે તો…’

‘બેહી રે તા અંઈ હાચવ્ય સેતર’ કે’તાં એણે ખભે ગોદડી મેલીને લાકડી ઉપાડી ચાલવા માંડ્યું ને કાશી સમજી હમણાં નથી મારો દાવ પણ એક દાડો બૈરીથી કંટારીનેય તું આવવાનો જોજે, કે’તી ચાલી ગઈ.

‘એ રાતે એને ઊંઘ બરાબર ન આવી.’

સવારે વળી નવી વાત મળી.

રાતે સરપંચ અને પેલો ક્વોરીવાળો ઘેર આવ્યા’તા. એનું ખેતર બગડે એમ હતું એટલે એના પૈસા આપવા, પણ માએ લીધા નહીં. એમને તો ખેતર જ બચાવવું હતું. ખેતર હશે તો જીવન જીવવા જેટલું એમાંની મળી રહેશે. એટલે માએ ખોળા-પાઘડી કરીને ખેતર બચાવવાની વાત કરી હતી. ક્વોરી ક્યાંક ખસે એવો પ્રયત્ન કરાવવા, પણ સરપંચે તો ચોખ્ખું સંભળાવ્યું. ‘તોંથીજ પથરાને કપસી બધું નજીક પડે એમ સે એટલે નંઈ હટે એટલે તું પૈસા લઈ લે.’

‘પણ પૈસા તો કાલે વપરાઈ જશે. સેતર અશે તો—’

‘બધુંય હાચું પણ આપણું ચ્યોં ચાલ્યું સે રાજકારણ હોંમેં કે પશલા.’

અને બનવાનું બની ગયું. કપચીની ધૂળ ધીરે ધીરે મગફળીના ખેતર પર છવાવા માંડી. ફૂટતી પાંદડીઓ અટકી ગઈ. ફૂટતાં પાંદડાં બળવા માંડ્યાં ફૂલો ખરી પડ્યાં. અને ધમધમાટ ચાલતી ક્વોરીએ ધીરે ધીરે અડધુંક ખેતર તો વીલું પાડી દીધું.

‘સુમી, આપણું એકનું એક શેતર અવે આપણું નહીં.’ ઢીલા પડી ગયેલા પશલે સુમી આગળ ચિંતા ઠાલવી.

‘ચમ વેસવું સે પૈણવા હારુ.’

‘ના રે; એટલો ગરીબ નહીં. પણ ધડાકા હંભરાય સેને? એ પથરાની રજોટી આપણા શેતરમેં પથરાય સે.’

‘તે તું ફિકર ના કર્ય. આ જનમ મેં તો ઉં તારી જ સું. આપણે મજૂરી કરીને એક રોટલો પેદા કરશું ને અડધો અડધો ખાશું.’ સુમીએ પશલાને હળવો ફૂલ કરી દીધો. પણ કાશીને માટે પશલાને પોતાનો કરવાનો આ સરસ મોકો હતો. આ ખેતર વગર આ છોરી ભૂખે મરશે એવી લાત એણીએ સુમીના ઘરવાળાંને પહોંચાડી. અને એનો ધાર્યો પ્રભાવ પડ્યો. એકની એક દીકરીને માટે કંઈ પણ કરવા તૈયાર એના બાપે એને માટે તાત્કાલિક બીજું શોધીને ઘડિયાં લગન લેવડાવ્યાં.

પશલાને માથે આભ ફાટ્યું.

એની મા ભાંગી પડી. ફળિયાની સ્ત્રીઓએ આશ્વાસન આપ્યું. તમને તમારે લાયક મળી રે’શે. પણ આશ્વાસન આપનારનેય ખબર હતી. પોતાને ઘેરેય છોરીઓ ઊપડી જતી પણ છોરી આલવા કોઈ તૈયાર ક્યાં હતું? ને એક ફેરા તૂટેલી વાતમાં તો કોણ પડે? ને ટૂકડો ટુકડો જમીન એ જ જિંદગી હતી. એ જતી રહે પછી તો નિરાધાર જ. ક્વોરીની આખી પચા રૂપિયાની મજૂરી એ જ જિંદગી. ને એટલે જ ઘરનાં બધાંય ત્યાં જાય. ભણવાનુંય કોણે કહ્યું? ને ફરવાનુંય ક્યાં? ઊઠ્યા કે ક્વોરી ને ઘર. આવા ગામની હાલત બધાંયને ખબર હતી. કોણ કોને દિલાસો દે.

પણ હૈયું દઈ બેઠેલા પશલાને તો કઈ કોઠીમાં પેસીને રડવું એય નહોતું સમજાતું. એ આખો દા’ડો ને મોડી રાત લગી ઓટલી પર બેઠો બેઠો ઓટલીની પોપડીઓ ઉખાડતો, ના ખાતો-પીતો, મહીના કાંઠાને તાકી રહેતો, કોરી નજરથી. સામે ગામ વાગતા ઢોલ ને ક્વોરીના ધડાકા એના માટે માથાવાઢ બની ગયા. એ દિવસોમાં ક્વોરી છોડે ને ક્યાંક જતો રે’તોય ઘેર ખાય પણ શું? એક દિવસ એ ક્વોરી તરફ જઈ રહ્યો હતો. ત્યાં તુવેરના ખેતરમાંથી બૂમ પડી…

‘આ ભારો સડાવશો?’ બીજી ત્રીજી બૂમ એણે સાંભળી.

જુએ છે તો કાશી… ભારો બાંધીને કોઈ ચડાવનારની રાહ જોતી ઊભી હતી. સૌપ્રથમ તો એણે ચાલવા માંડ્યું પણ શું થયું તે પાછો વળ્યો. ને ભારા પાસે જઈને એક બાજુથી પકડતો નમ્યો. ‘લો ઝાલો હેંડો’ ને કાશી તરસી નજરે એને જોઈ જ રહી. એક નિશ્વાસ નાખતી એ નમી. પશલાએ જરા નજર ઊંચી કરી, એને ભારો ઝાલવાનું કહેવા, તો સીધી નજર કબજાના અડધા ભાગ પર પડી. એની આંખોમાં ચકળવકળ થતું હોય એવું એને લાગ્યું. એ કેડે હાથ દઈને થોડી વાર ઊભો રહી ગયો. કાશી વિચારમાં પડી. શું પેલી વાત એને ખબર તો નહીં પડી ને? મારી તો ની નાખે ને? હાળો સે જમ જેવો. પણ એણે જોયું તો એની નજર કબજાના બટનો પર જ હતી. કાશી થથરી ઊઠી. એ ઝડપથી ભારા પર ઝૂકી—

‘લો હેંડો તમારેય પાસું ક્વોરી મ જવાનું સે… મોડું થશે.’

ત્યાં તો પશલાની આંગળીઓ કાશીના કબજાનાં બટન તોડતી પાર નીકળી ગઈ ને ભારાનો બંધ પણ તૂટી ગયો ને ભારોય પથરાઈ ગયો.

મૂરિયાના ગલ્લે હજુય ગીત વાગતું હતું.

— મારી મઈસાગરને આરે ઢોલ વાગે સે…

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.