થળી

રેવી ડાંગર ખાંડી રહી હતી, પણ સાંબેલાનો એકેય ઘા સીધો પડતો નહોતો. ખાંડણિયાની કિનાર પર સાંબેલું ધબધબ પછડાતું હતું. ગઈકાલે માનસિંહ આવીને જે કહી ગયો હતો, તેનો એ વિચાર કરવા લાગી. હવે માનસિંહનાં લક્ષણ એને સારાં લાગતાં નહોતાં. વાસમાં આવીને પોતાની સાથે માનસિંહ જે રીતભાત કરી, તે રેવીને હજીયે કઠતું હતું. છાણથી લીંપેલી ઓસરીની ઊપસી આવેલી ઓકળીઓ વચ્ચે એની નજર અવળવળ થવા લાગી. મૂઢપણે જિંદગીના પતનને જાણે એ જોઈ રહી. એણે સાંબેલું ફરીથી ઊંચક્યું. થોડી વાર તો સાંબેલાવાળો હાથ હવામાં જ અટવાઈ ગયો. એના પતિ ચમન તૂરીનો હસમુખો ચહેરો જાણે એને ઠપકો આપતો હતો. એ શરમાઈ ગઈ. ચમન ટોળામાં ગયો ત્યારે ઇશારો કરતો હોય તેમ બોલ્યો હતોઃ ‘હું તો મહિનો માહ પછએ આયે. પણ તું જાળવજે. કોઈ આંગળી ના કરી જાય…’ તે યાદ આવ્યું. હવામાં સ્થિર થયેલું સાંબેલું નીચું આવ્યું, ને ખાંડણિયાની કિનાર પર ભટકાણું. આજુબાજુનું લીંપણ ઊછળીને ખાંડણિયામાં ભરાયું. એણે સાંબેલું નીચે મૂકી દીધું.

એ પછીની પળો એના માટે વસમી હતી. માનસિંહની વધતી જતી જોહુકમી અને પોતાનું પતન આ બે પરિસ્થિતિઓ વચ્ચેથી કાંઈ માર્ગ શોધતી હોય એમ એ ગડમથલમાં પડી. એનો આઠ-દસ વર્ષનો છોકરો ધૂળો આવીને એના ગાલ પર હાથ અડાડી ગમ્મત કરવા લાગ્યો. રેવી હસી નહિ. ચમનનો ઇશારો સમયસરનો હતો કે શું? એના મનમાં અનેક પ્રશ્નો થયા. ચમનને એણે અનેક સ્વરૂપે જોયો હતો. જે ગામમાં તૂરીઓનું ટોળું જતું તે ગામમાં ચમનનો વટ પડતો હતો. વણકર-ચમારની વહુવારુઓ ચમન પર ઓળઘોળ થઈ જતી હતી, તેવું પણ એણે સાંભળ્યું હતું. તોયે પોતે..?’ એના દેહમાં અગનઝાળ લાગી. ધૂળો એની સામે તૂટેલાં રમકડાં કાઢીને બેઠો હતો. રેવીને ધૂળાની દયા આવી. બધું એમ ને એમ મૂકીને એ ધૂળા સાથે રમત ચઢી. ગેલમાં આવી ગયો. રેવીને ધૂળાની મુખાકૃતિમાં કશાક અંશ ભળતા જણાયા ‘આ તો ચમનની અદ્દલ કોપી જ છએ!’ એમ બબડીને એ ઊભી થઈ. ઓસરીની ઓકળીઓ પર ચાલતાં ચાલતાં એને પગમાં કશુંક ખૂંચ્યું. પણ આકાશ સામે નજર પડતાં જ એ બધું ભૂલી બેઠી. આકાશમાં વાદળની ઓકળીઓ અસલ પોતાની ઓસરીની ઓકળીઓ જેમ જ લીંપાયેલી હતી. ઘડીભર એને સારું લાગ્યું. પણ માનસિંહ યાદ આવતાં પાછું મન ખારું થઈ ગયું. ગઈકાલે બનેલા પ્રસંગનું પુનરાવર્તન થવાના ભયથી એ ધ્રૂજી ઊઠી. ખેતરમાં માનસિંહ રાહ જોઈને થાકશે ત્યારે પાછો… ચમનને ટોળામાં વિદાય થયે આજે ચોથો દિવસ હતો. ચમનના ગયા પછી ત્રણ દિવસ એ ઘરમાં ભરાઈ ગઈ હતી. માનસિંહ ગઈકાલે તૂરીવાસમાં આવ્યો હતો. તૂરીવાસનાં બધાની નજર એના પર મંડાઈ હતી. બહાર ઊભા રહીને એણે ‘રેવલી…! કહીને હાકોટો કર્યો હતો, પણ રેવી ઘરની બહાર નીકળી નહોતી. ધૂળાને તતડાવતાં માનસિંહ બરાડ્યો હતો.

‘તારી બા ચ્યાં છએ?’

‘ઘરમાં.’

‘બોલાઈ લાય!’

ધૂળો રેવીને બોલાવવા ઘરમાં ગયેલો. રેવી બહાર ન નીકળી ને માનસિંહ ઓસરીમાં પ્રવેશી ચૂક્યો હતો. રેવીનું અંતર ફફડી ઊડ્યું હતું. એણે નાનકડી બારીમાંથી બહાર જોયું. વાસનાં બધાં ટીંપળે ચડ્યાં હતાં. બહાર નીકળવું નહોતું તોય એ ઘરમાંથી બહાર નીકળી હતી. ઓસરીમાં આવતાં આવતાં તો પગ પાણી પાણી થઈ ગયા હતા.

એણે એક નજર વાસમાં ફેંકી હતી. બધાંનાં મજાકિયા માં જોઈને એને થયેલુંઃ ‘પોતાનો પગ નરકમાં પડ્યો છએ તોય પોતે ચ્યમ પગ ઉઠાઈ લેતી નથી…’

સારું હતું કે રેવીનો જેઠ ભગો અને જેઠાણી તખી ઘેર નહોતાં. એ હોત તો એમની આંખોનો તાપ રેવી સહન કરી શકી ન હોત. એને જીવવું ભારે થઈ પડત. રેવીને થયું ‘ભગો જેઠ આ જાંણશી તાણઅ…’

કોઈ સાંભળે નહિ તેમ હળવેથી એણે માનસિંહને કહ્યું હતું: ‘તમનઅ તો કાં લાજશરમ જેવું છે ક નંઈ!’

‘તું સેતરમાં ચ્યમ ના આયી?’

‘જખ મારવા…!’ એવું કહેવાનું રેવીને મન થયું હતું, પણ એ માનસિંહના ખરાબ સ્વભાવથી પરિચિત હતી. તેમાંય આજે માનસિંહ પાછો પીને આવ્યો હતો. માનસિંહના મોઢામાંથી આવતી દારૂની દુર્ગધ દેવીના ઘરને અભડાવતી હતી. માનસિંહની લાલઘૂમ આંખોમાં વાસના અને ક્રોધ બંને એકીસાથે રેવીને ભળાયાં. પોતે જો વિનંતીરૂપે નહિ બોલે તો માનસિંહ ફજેતો કરી મૂકશે, તેવી રેવીને બીક હતી. ‘ભલું પૂછવું ઈનું! મારો પીટ્યો હાથ પકડીનઅ હેંડવા માંડશે તો..’ રેવીને શંકા પડી. તેની શંકા સાચી પડી. એ ઊભી હતી તે તરફ માનસિંહે બેચાર ડગલાં માંડ્યાં હતાં ને રેવી ગભરાઈ ગયેલી. એ પાછી ખસવા ગઈ ત્યારે એની પીઠ સાથે ભીંત ઘસાઈ હતી. એનાથી માનસિંહને હાથ જોડાઈ ગયા હતા. ‘તમના પગે લાગું છું. આંયથી જાવ ભૈસાબ!’

‘તું આગળ થા!’

રેવી કાળઝાળ થઈ ઊઠી હતી. પણ શું કરે? દયાજનક સ્થિતિમાં એ ઓઝપાઈ ગઈ. બોલે તોય દુઃખ ને ના બોલે તોય દુઃખ. ધૂળો એના બે પગ વચ્ચે આવીને ભરાઈ ગયો. એના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં રેવીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં.

એ ધીરેથી બોલીઃ

‘કાલ હું સેતરમાં આયે.’

‘વચન આલ!’

‘આલ્યું.’

‘અનઅ નઈ આય તો…’

‘આ મારા ધૂળાના સોગંદ.’ કહીને એણે ધૂળાને બાથમાં ઘાલ્યો હતો. અંતર રડી રહ્યું હતું. માનસિંહ લથડિયાં ખાતો ખાતો ચાલ્યો ગયો હતો. રેવી દોડીને ઘરમાં ગઈ હતી, ટૂંટણૂંટ ખાટલીમાં પડીને એ ચોધાર આંસુએ રડી પડી હતી. ધૂળો ખંચકાતો ખંચકાતો આવીને એની સામે ભોંય પર બેસી પડ્યો હતો. રડી રડીને રેવીની આંખો સૂઝવા લાગી હતી. એણે સૂઝેલી આંખે ધૂળા સામે જોયું હતું. ધૂળો રહું રડું થઈ રહ્યો હતો. એ વીલું મોં કરીને બોલ્યો હતોઃ

‘બા, તું ચ્યમ રોવઅ છઅ?’

કશુંય બોલ્યા વિના રેવીએ આંખો મીંચી દીધી હતી. એ ધૂળાની આંખો સામે નજર મિલાવી શકતી નહોતી. ચમન તૂરીએ ટોળામાં જતી વખતે કરેલો ઈશારો રેવીના અંગે અંગને બાળવા લાગ્યો હતો. એ લથડિયાં ખાતી ઊભી થઈ ગઈ હતી. બારણા પાસે આવી, બારણાની આડશે છૂપાઈ હતી. બહાર બૈરામાં ગુસપુસ ચાલતી હતી. રેવીને થયું કે આના કરતાં તો મરી જવું સારું. એણે રાશ લીધી હતી. દીવાલ પર ભેંસનાં શીંગડાં વચ્ચે રાશ બાંધી. પણ ધૂળો એની પાસે આવીને એનો સાડલો પકડીને ઊભો રહ્યો કે તરત જ એણે રાશ છોડી દીધી હતી. ધૂળાને ઊંચકીને એના ગાલ પર હોઠ માંડીને એને નવડાવી દીધો હતો. ધૂળો ખિલખિલાટ હસી પડ્યો હતો.

આકાશ સામેથી નજર ખસેડીને એણે ઘરમાં જોયું. ઘર સૂમસામ ભાસતું હતું. રમકડાં રમતો ધૂળો દોડીને એની પાસે આવ્યો. ધૂળાને રેવીએ ઊંચકી લીધો. ધૂળો ગેલમાં આવીને બોલ્યોઃ

‘બા, હું મોટો થઈનઅ રાજાપાઠ કરે. મારા બાપા રાજા બનીનઅ કોઈનઅ મારતા તો નથી…’

‘કુનઅ મારવાના બેટા!’

‘વાંક કરઅ ઈનઅ વળી.’

રેવીને ધૂળો સમજણો લાગ્યો. ‘આજે તો બચાડો બાળક બુદ્ધિમાં છઅ તી કાંય હમજતો નથી. કાલે ઊઠીનઅ બધું હમજશીં તાણ આ બધું ઈનાથી ચ્યમ જીરવાશીં?

એણે હોઠ પીસ્યા. કશાક દૃઢ સંકલ્પ સાથે એ ઘરમાં ગઈ. અંધારિયા ઘરમાં એને ઓગળી જવાનું મન થયું. એણે ખૂણેથી બીજે ખૂણે અથડાતી એ ચમનના શ્વાસને શોધવા લાગી. ‘ચમન જ નઠારો છઅ…!’ એમ મનમાં બબડીને દીવાલ પર હાથ ટેકવીને ચમનના ભોળપણને એ ભાંડવા લાગી: ‘ખબર હતી તોય ચમને માનસિંહની ભાઈબંધી છોડી નહિ. બચાડા ભગા જેઠની તો બોલી બોલીનઅ જીભ ગઈ જઈ. તોય આ ચમન ન માન્યો.’ રેવી પોતાના નસીબને વલૂરવા લાગી. ચમને જો માનસિંહને ઘેર પંધાડ્યો ન હોત તો આવા દુઃખના દિવસ જોવાના ન આવત. રેવીને લાગ્યું કે હું જ મૂઈ ડફોર છું. પીટ્યાની નજર જ બૂરી હતી તોય પોતે શા માટઅ ચમનના વાળ્યો નંઈ! ના હવઅ ચેવા દખના દા’ડા આયા છઅ. વાહ આખો ઘૂ ઘૂ કરતાં થાકતો નથી. વાહમાંથી કૂવે પોણી ભરવા જવાનુંયે આકરું થઈ પડ્યું છઅ હવઅ…’

રવમાં ને રવમાં એ ઘરમાંથી બહાર નીકળી. વીરાની વહુ સંતોકડી એના ઘેર બૈરાંનો ‘દરબાર ભરીને બેઠી હતી. રેવીને જોઈને એ ઠઠ્ઠામશ્કરીએ ચઢી. એ જોઈને રેવીને તપતપતી રેતમાં મોં સંતાડી દેવાનું મન થયું. ધૂળો એકલો આંગણામાં લખોટીઓ રમવા માંડ્યો હતો. રેવના પગમાં સળવળાટ થયો. હવે વધારે બેસી રહેવાનું પાલવે તેમ નહોતું. માનસિંહ ખેતરમાં રાહ જોઈને થાક્યા હશે. પોતે નહિ જાય તો પાછો આજેય સાંજે ફજેતો..

બેટા, તું નેહાળમાં જા!’

‘મનઅ તિયાર તો કરઅ.’

‘હેંડ. પણ વચમાં પાછો ઘેર આવતો નઈ. હું સેતરમાં વાઢવા જઉં છું.’

‘પાછી ચાણમાં આયે?’

ધૂળાના સવાલથી રેવી ઘડીભર તો મૂંઝાઈ ગઈ. ‘શી ખબર એવા શબ્દો હોઠ પર આવી ગયા. પણ એ શબ્દો પાછા ગળીને એ બોલીઃ ‘હાંજની…’ ધૂળો નિશાળમાં ગયો. ને રેવી ઘરનું કામ પરવારીને ખેતરમાં જવા માટે દાતરડું શોધવા લાગી. ત્રણ દિવસથી અવળા હાથે દાતરડું ક્યાંક મુકાઈ ગયું હતું. રેવીને તે ન મળ્યું. રેવી ફાંફે ચઢી. દિવસ ચઢતો જતો હતો ને અહીં દાતરડું મળતું નહોતું. ઘરના બધા ખૂણા ફેંદી વળી, પણ દાતરડું ન મળ્યું. ‘જોના આ દાતેડુંય ચમન જેવું નઠારું થયું છઅ. ખરા સમયે જ મળતું નથી.’ એ ચૂલાગરમાં પેઠી. હાથમાં બાક્સ લીધી. બત્તી સળગાવી. અંધારિયું ઘર ઝળહળી ઊઠ્યું. હાથમાં બત્તી લઈને એ ઘરમાં ફરી વળી. પતરાની પેટી પર દાતરડું પડ્યું હતું. એણે ઝડપથી ઉઠાવ્યું ને ફૂંક મારી બત્તી બુઝાવી દીધી.

એ ઘરમાંથી નીકળીને ઓસરીમાં આવી ઊભી રહી. બહાર જવા માટે વાસમાંથી કઈ રીતે નીકળવું તેનો એ વિચાર કરવા લાગી. એનો જેઠ ભગો હાથમાં લાકડીના ટેકે ચાલતો ચાલતો એના ઘર આગળ થઈને નીકળ્યો. રેવી ફફડી ઊઠી. લાજ કાઢીને ઊભી ઊભી હાથ મસળવા લાગી. રેવીને ઓસરીમાં ઊભેલી જોઈને ભગો ઊભો રહી ગયો. એક હાથ વડે લાકડીને જમીન સરસી દબાવી, બીજા હાથથી તિરસ્કાર વેરતો હોય તેમ લાંબાટૂંકા હાથ કરતાં એ બોલ્યોઃ ‘ભા, હવએ હદ થઈ જઈ. કાંક મલાજામાં રો! વણકર વાહમાં હું જયો’તો. બધા મારા પર તૂટી પડ્યા કઅ તારા વાહમાં હવડઅથી ચ્યમ ધ્યાન આવતો નથી. ભગલા! માનસંગ આમ ધોળા દાડા આવા એ હારું નઈ. બોલો, વણકરોનએ હું જવાપ આલું? મારી તો બોલતી જ બંધ થઈ જઈ. મૂંગો થઈ જ્યો છું. સાવ મૂંગો મંતર… મારું દખ કુની આગળ જઈનઅ કી…’

રેવીનું અંતર ચરરચટ કરતું ચીરાઈ ગયું જાણે! ભગાનાં વેણ એનાથી જિરવાતાં નહોતાં. એ પગ વડે ઓસરીની ઓકળીઓ ખોતરવા લાગી. પોતે તદ્દન આવી કો હલકટ નહોતી. આ જ ભગો જેઠ મારાં વખાણ કરતાં થાકતા નહોતા. આણું કરીના મનમાં તેડી લાયા તાણમાં પતંગિયાની જ્યમ મનમાં ફરતી જોઈનઅ ભગો જેઠ બોલેલા; ‘ચમનીયા, તું ફાઈ જયો. મનમાં તો ડોબું વળક્યું છઅ ડોબું!’ તે હાંજે છે ભગા જેઠ અનઅ તખી જેઠાણી વચ્ચે ચેવો કજિયો થ્યો’તો! જેઠાણી હામું બોલાય નઈ તોય માં મલાજો તોડીના તખી જેઠાણી હામું મોઢું ખોલીનઅ વાત કરેલી. તાણા બોલેલાં. ‘તું રૂપાળી અમારા ઘરમાં આવી નઅ તારા જેઠના અળખામણી થઈ પડી.’ પછઅ મી તખી જેઠાણીના માંડ માંડ મનાઈ લીધેલાં. પણ પછએ તો મારું માન રાતોરાત વધી જયું’તું. મનઅ ભગો જેઠ એટલું બધું માંન આલતા? તખી જેઠોણીય બજાડાં મનમાં એવું રાખતાં! વાહમાં હંતોકડી જેવીના ફંદા થતા તાણ એકવાર તખી વાહ વચ્ચે બોલેલાં; ‘બધી બાયડીઓના કાંયના કાંય ફંદા થ્યા છએ. પણ અમારી રેવી છના સાબુત. ઇના નામનું ચ્યાંય હાંભળ્યું? ઇન ચમન દિયોર વાલા લાજ્યા છઅ. ના ચમનના રેવી એટલે જસમા ઓડણ.’ તાણએ પોતે એવી ફુલઈ જઈ’તી. આ લૂંડિયાના હાળા માનસિંહનું આંય આવવા-જવાનું થ્ય ના મારો ભવ બગડ્યો.

રેવીએ કપાળ પર હાથ પછાડ્યો. ભગો તૂરી એકાદબે ડગલાં આગળ ગયો. એ ઘણુંબધું બોલી નાખવા માગતો હતો, પણ કશું કહી શકતો નહોતો. જાણે એનાથી કશું વેઠાતું ન હોય તેમ જમીન પર એ લાકડી થપથપાવવા માંડ્યો. રેવી એની નારાજગી સમજી ગઈ. વાસમાં પણ કોઈનું આડુતેડું કૃત્ય ભગા તૂરીથી સહન થતું! નહિ. આ તો ઘરમાં જ આવું થયું હતું. માનસિંહનો જયારથી વાસમાં પગ પડ્યો, ત્યારથી ભગાએ રેવીને કહ્યું હતું: ‘ભા, મનસંગના લખણ હાર નથી. ચમનિયાના ઈની ભેંબંધી રાખવી હોય તો ભલે રાખએ. તમે ચેતજો!’

‘હું તો ચેતી જ હતીનઅ… પણ…’ રેવીએ ઢીલા પગે ચાલ્યા જતા ભગા સામે જોયું. ને પાછો અંતરમાં ચિરાડો પડ્યો. ‘પોતાની આબરૂ ધૂળધાણી થઈ રહી છઅ. હંતોકડી જેવી શનાળોનઅ તો કાંય હાથમાં આવવું જોઈએ… ભોજઈઓ ચેટલાંના ઘરમાં ઘાલમાં છએ તોય કોઈ ચબહ બોલતું નથી. કુણ બોલઅ ઈનઅ? કુલટાનું નોમ લેય તો આવી જ બનઅ ના! આ તો રેવલી જ બધાંનઅ સસ્તી લાગઅ છઅ…

ભગો આઘો પહોંચ્યો, એટલે રેવીએ માથા પરથી લાજ કાઢી નાખી. હાથમાં પકડેલું દાતરડું ઓસરીમાં નાખી દીધું. એ પગ ઘસતી ઘસતી થળી વચ્ચે આવીને ઊભી. બારણા પર હાથ ટેકવીને ઊભી રહી. થળીની આગળ ફેલાઈને પડેલી ઓસરી એને આહ્વાન આપતી હતી. ને પાછળ ઘરમાં અવાવરું સાંત્વન ઉછાળા મારતું હતું. ‘નથી જવું.’ એમ મન સાથે નિરધાર્ય કર્યો. ‘પણ પેલી પીટ્યો…’ એ મૂંઝવણમાં મુકાઈ ગઈ. જાણે આંસુ લૂછતી હોય તેમ એણે આંખો પર હાથ ફેરવ્યો. ‘મીં કાંઈ ઈનઅ કરારપતર કરી આવ્યા છીએ મારા જવું જ… નથી જવું.’ એ મક્કમ નિરધાર સાથે ઘરમાં ગઈ ને બધું કડડભૂસ કરતું ભાંગી પડ્યું. ભીંતની તિરાડોમાં પોતે જાણે ફસાઈ છે ને કાઢનાર કોઈ નથી. પોતે તરફડિયાં મારી રહી છે ને બચાવનાર કોઈ નથી.

એ ભયભીત થઈ ઊઠી. એક વાર બહાર નીકળી. બીજી વાર ઘરમાં ગઈ. પાછી બહાર નીકળી. ઘરમાં જવાનું કરતી હતી, પણ થળી પર એનાં પગલાં સ્થિર થઈ ગયાં. તખી જેઠાણીની કાળઝાળ આંખો નજર સામે આવી ને એ છળી મરી. નઈ જિવાય તારાથી રેવલી!’ એણે થળી પર પગની પાનીઓ ઘસી. માનસિંહ અહીં આવતો-જતો થયો ત્યારથી તખી રેવી પર નારાજ રહેતી. જે તખી દેવીની સાખ પૂરતી તે જ તખી હવે રેવીને કડવાં વેણ કહેવાની એક પળ પણ જતી કરતી નહોતી. માનસિંહ ગઈકાલે આવ્યો ત્યારે ભગો અને તખી તો નહોતાં. સાંજના મોડાં આવેલાં. ભગો વણકરવાસમાં બેસવા ગયો ત્યારે તખીએ રેવીને બરાબરની ઊધડી લીધી હતી: ‘હવા એ પીટ્યો આ ઘરના આંગણે પગ મૂકઅ તાણણ ઈની વાત છએ. તુંય જા હવઅ! વાહ વચ્ચે તારાં ઝટિયાં પકડીનઅ ને તોયું તો મારું નાં તખી નઈ!”

‘તો હું શું કરું?’ રેવી મનોમન બોલી. ‘નઈ જાઉં તો પેલો આંય દોડ્યો આવશી. ના આજ તો ભગો જેઠ પણ હાજર છઅ. વાહમાં ભવાડો થવાનો… તું જા રેવી!’ એણે હળવેથી થળી પરથી પગ લીધો ને ઓસરીમાં મૂક્યો. હાથમાં દાતરડું લીધું. બારણું બંધ કરીને તાળું માર્યું, જાણે પોતાના હૈયાને…!

ઘર બંધ કરીને વાસ સોંસરવી એ નાસવા જેવું ચાલી. પરિચિત આંખો સામે નજર મેળવવી અઘરી હતી. સંતોકડી એની નજીક જઈને કશુંક ગંદું બબડી. રેવીનું માથું ભમી ગયું. દાતરડું એના હાથમાં ભીંસાયું. ખેતરમાં પહોંચતાં પહોંચતાં તો રેવીને જાણે ગગનના તારા દેખાયા. માનસિંહ માંચડા પર એની રાહ જોઈને બેઠો હતો. રેવીને જોઈને માંચડા પરથી નીચે ઊતર્યો. રેવી એને જોઈને મનમાં બળી ઊઠી.

‘ચ્યમ મોડું થ્યું?’

‘અમારઅ ચ્યાં તમારા જેવું છઅ! તમારી જ્યમ અમે લાજશરમ નેવે મૂચી નથી.’ કહીને રેવી કૂવાના થાળા પર બેઠી. માનસિંહ એની પાસે બેસી પડતાં બોલ્યોઃ તું તો પરસેવે રેબઝેબ થઈ ગઈ છઅ. પોણીબોણી પીવું છે?’

‘ના.’

રેવી માનસિંહ સામે જોઈ રહી. અંતર અમળાતું હતું. મનમાં એક વિચાર આવ્યો. એક પળે તો એ તત્પર થઈ ઊઠી. હાથમાં દાતરડું ભીંસાયું. લોહીની ટશર ફૂટી. માનસિંહને લગોલગ બેઠેલા જોઈને ખેતરમાં રગદોળી નાખવાનું રેવીને મન થયું, પણ બધા આવેગોને દબાવીને એ મુંગીમંતર બેસી રહી. માનસિંહે રેવીના ગળામાં હાથ પરોવ્યો. પછી રેવીનો હાથ હાથમાં લઈને એ ગેલ કરવા લાગ્યો. રેવીએ એનો હાથ તરછોડી દીધો.

‘આઘા બેહો. શરમાતાય નથી.’

‘હેડનઅ માંચડા નેચઅ.’

‘જાઓ એકલા.’

‘રેવી…!’ કહીને માનસિંહે રેવીને ઊંચકી લીધી. રવીને માનસિંહની પકડમાંથી છૂટવું હતું. પણ કોણ જાણે એણે કશોય ઈન્કાર કર્યો નહિ. માંચડા નીચે લાવીને માનસિંહે રેવીને ગોદડા પર નાખી. રેવીએ દાંત ભીસ્યા. એ જે ઝંખતી હતી તે પળ સામે આવીને ઊભી હતી. ‘મારા ભાના હાળા! તુંય જો હવએ… તના તાબોટા પાડતો ના કરી મેલું તો જોજે…’ આટલું વિચાર્યા પછી એ ઝૂમી ઊઠી. હવે એ ઘડીઓ ગણવા લાગી. હલ્યાચાલ્યા વિના એ ગોદડામાં પડી રહી. એક બાજુ સાચવીને દાતરડું મળ્યું. એમ કરવા જતાં તલવારની પટ્ટાબાજી ખેલતો ચમન એને યાદ આવ્યો રાજાપાઠ કરી ભલભલા તૂરીઓને હંફાવતો ચમન મહેણાટોણાંથી બચવા કૃશકાય થઈને ઘરના ખૂણે રડવા બેઠો છે. ચમનનું પડી ગયેલું મોં જોઈ, રેવીએ આંખો મીંચી દીધી. ચમન નજર સામેથી ખસી ગયો ને એને ઓસરીમાં ઊભેલો ધૂળો દેખાયો ધુળાનો દયામણો ચહેરો એનો સાડલો પકડીને એને કહેતો હતો, ‘બા, તું પાછી ચાણ આયે!’ ને એને ધૂળાનું જીવન રફેદફે થતું ભળાયું. મલક આખામાં એણે આબરૂના લીરેલીરા ઊડતા દીઠા. એ થોડી વાર આંખો મીંચીને પડી રહી. છાતીમાં અમૂંઝવણ જેવું થયું. એને એક વિચાર આવ્યો ને એ હરખાઈ ઊઠી. મનની ગરબાઈ ત્યજીને એ કૂદકો મારી ઊભી થઈ ગઈ. હાથમાં દાતરડું લીધું. ઘેરથી કરેલો નિર્ણય વ્યર્થ જઈ રહ્યો હતો. છતાં મનમાં જે ગણતરીઓ ચાલી, તે સમયસરની લાગી. ચહેરાની રેખાઓ જરાય તંગ કર્યા વિના એ કુવાના થાળા બાજુ જવા લાગી.’

‘ચ્યાં જોય છઅ?’

‘તમારઅ શું કાં છઅ?’

‘રેવી, આજ તું બદલાયેલી લાગઅ છઅ!’

રેવીએ હોઠ પીસ્યા. કશોક મન સાથે નિરધાર કરીને એ દૂર દૂર જવા લાગી. ખેતરોમાં માણસો હરીફરી રહ્યા હતા. માનસિંહ બરાબરનો રઘવાયો થયો હતો. રેવીનું આજનું વર્તન એને સમજાતું નહોતું. એ હડફભેર રેવી તરફ ધસતાં બોલ્યોઃ

હવએ ગમ્મત કર્યા વના હેડનછોનીમોની! ઠકરાણાં આયી જાહએ તો બધો ખેલ બગડી જાહએ…

હું ઠકરાણાની જ રાહ જોઉં છું.’ ‘શ્ચમ?’ ‘

‘માઅ તમારે ઘર માંડવું છું. એટલે! આ ‘મારું?’ માનસિંહ ક્રૂડી ઊઠ્યો.

‘હા તમારું! આમ બીતાં બીતાં ઈયે ઈન કરતાં કાયમ હંગાથે રે’વું હારું.. પછઅ તમે અનઅ હું… કોઈની કશી બીક નૈ!”

‘એ તો ના બનઅ.’

‘ચ્યમ?’

‘તું રયી હરિજન અનઅ અમે રયા બાપુ! છી છી છી મારા ઘરમાં તું ના શોભે. માનસિંહે નાકનું ટેરવું ચડાવીને મોં કટાણું કર્યું. રેવી કાળઝાળ થઈ ઊભો. ‘આ જોનઅ મારો ભાનો દિયોર! પાંચ વરહથી મારો દેહ ચૂસી ચૂસીનઅ ચાણી જેવો કરી મેલ્યો. નઅ ઈના ઘરમાં મીં બેહવાની વાત કરી તાણમાં હું હલકી વરણની લાજી. આંય આય હવઅ હું તનઅ મારા પડખે ચડવા દઉં છું!’ એ મક્કમ બની. મોં રણચંડી જેવું કરીને એ ઊભી, પણ માનસિંહના દેહમાં હવસ ઉછાળા મારતો હતો. એને તો રેવીને ભીંસી નાખવી હતી. એ આગળ વધ્યો.

‘રેવી, હવઅ આ બધું ગાંડપણ છોડીનઅ યમ ચાલઅસ ઈમ ચાલવા દે.’

‘ના, હોં! આ રોજના હડમાલા મારાથી નહિ વેઠાય. હેંડો તમારા દરબારવાહમાં જ આવું છું. મનઅ તમારા ઘરનું પોણી ભરવાના અભરખા જાગ્યા છઅ.’

‘રેવી…!’ માનસિંહ ઓશિયાળો બની ગયો. એણે રેવીને સમજાવવાની કોશિશ કરી. રેવી મક્કમ હતી. સાવ પોચટપણું એણે ત્યજી દીધું હતું. માનસિંહ એની આંખોનો તાપ સહન કરી શક્યો નહિ. બાપુપણું મનમાં અમળાતું હતું. પણ શું કરે? એ ગડમથલમાં પડ્યો. ‘આ બે બદામનું બૈરું મારા ઘરમાં શું બેહતું’તું! ચોટલો પકડીનઅ ઉકેડે નાંખી આવું. ડેલીએ આવા તો ટાંટિયા જ ભાજી નાંખું હા…’ આટલું વિચાર્યા પછી એનામાં અહમે ઊથલો માર્યો. પણ એક વિચારથી પાછો એ ઢીલો પડી ગયો. ‘મીં ઈની ફજેતી કરવામાં કાંય બાચી રાશ્યું નથી. હવએ એય રઢે ભરોણી છઅ. આજ મારો ધજાગરો કર્યા વિના એ નઈ જંપઅ. ધારોકઅ હેંડીચાલી આયીનઅ મારા ઘરમાં જ બેહી જોય તો… પછઅ બધુંય થોય. પણ એક વાર આબરૂ જાય એટલે આખા મલકમાં મારી થૂં થૂં થઈ જવાની. પછઅ નાતમાં માથા જેવડી છોડીઓનાં હગાં કુણ બાંધશી.’ આવું વિચાર્યા પછી માનસિંહ સાવ નરમ થઈ ગયો ને વધારામાં પૂરું રેવીની આજની ઢબછબ જ જુદા પ્રકારની હતી. એને મનાવવી અઘરી હતી. આડા દિવસે માનસિંહ એને ફોસલાવી પટાવીને હવસ પોષી લેતો. આજે એમાં કાંઈ બને તેમ નહોતું. માનસિંહ બી ગયો પણ આશા એણે ત્યજી નહિ. રેવીને મનાવવાના ઇરાદાસહ એ ઉમળકાથી બોલ્યોઃ

‘રેવી…!

માનસિંહથી જરા મોટેથી બોલાઈ ગયું. રેવી એની ચાલ સમજી ગઈ હતી. એને સહેજ હસવું આવ્યું એટલે ઉમંગમાં ને ઉમંગમાં માનસિંહ રેવીનો હાથ પકડવા માટે આગળ વધ્યો. ‘આઘા રેજો. આગળ આયા છો તો મારા જેવી કોઈ ભૂંડી નથી.’

રેવીએ દાતરડું ઉગામ્યું. માનસિંહ પાછો પડ્યો. રેવીએ હોઠ પીસ્યા. મોં પર કડપ લાવીને એ બોલીઃ

‘આજ મીં શરમબરમ નેવે મેલી છઅ. ના હવા મારી ફજેતી થવામાં બાચીય શું રયું છઅ! બસ મારઅ તો તમારું ઘર માંડવું છઅ. પછઅ તમે કે’શો તે બધું કરવા દઈશ.’

ધીમે બોલ રેવલી! આજુબાજુ કો’ક હાંભળી જાહઅ.’ માનસિંહનું વાક્ય સાંભળીને રેવીનો પિત્તો ગયો.

‘તું મારા વાહમાં આયીનઅ ફજેતો કરતો’તો તાણસ કોઈ ન’તું હાંભળતું નૈ! હવઅ તો આ સેતરાંવાળાંનઅ આંય બોલાવું છું જોવા!’ કહીને રેવી મોટેથી બૂમ પાડવા ગઈ. પણ માનસિંહે એના મોં પર હાથ મૂકી, એને બોલતી બંધ કરી દીધી. માનસિંહ કાકલૂદી કરતાં બોલ્યોઃ

‘હવઅ હું તનઅ નૈ પજવું. તું કઈશ ઈમ કરવાં તિયાર છું. પણ તું મારો કેડો મેલ બાપલા!’

રેવીએ માનસિંહનો હાથ આઘો ટેલીને કહ્યુંઃ

‘તું મારા વાહમાં કદી આયે?’

“નૈ આવું…’

‘રસ્તે જતાં કદી હેરાન કરે?’

‘નઈ કરું.’

‘મન વચન આલ કા આજ પછઅ મારઉં નોમ નઈ લેય.’

‘મારું વચન છઅ.’

‘હા, જો કોઈ દા’ડો મારી હોંમેં મટકુંય માર્યું છઅ તો સીધી તારા ઘરમાં જ…’

માનસિંહ હવે કશી જ પળોજણમાં પડવા માગતો નહોતો. હવે ખેતરમાં ઠકરાણાંને આવવાનો સમય પણ થયો હતો. કંઈ વધારે ધજાગરો થાય તે પહેલાં એ રેવીની નજરમાંથી ઓઝલ થઈ જવા ઈચ્છતો હતો. એ લમણો વાળીને માંચડા તરફ નાઠો. રેવી ખડખડાટ હસી પડી. મુક્ત પંખીની જેમ એ કિલ્લોલ કરી ઊઠી. પહેલાં અળખામણાં લાગતા જગતને એણે બાથમાં લઈ લીધું. એને લાગ્યું કે એ થળી વચ્ચે ઊભી છે. ને આગળ ફેલાઈને પડેલી ઓસરીમાં ઊભેલો ધૂળો અને પાછળ ઘરમાં કૃશકાય બનીને બેઠેલો ચમન એને ઊંચકી લેવા માટે દોટમદોટ કરી રહ્યા છે…

(‘કુંભી’)

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.