આમ તો શેરીના પથરા પર ઘોડાના ડાબલા વાગે એટલે જ ગાડી આવે છે એની ખબર પડે. પણ બધાં બેધ્યાન હશે કે પછી પોતપોતાની વાતમાં એટલાં મસ્ત હશે કે છેક ઘર આગળ આવીને ગાડી ઊભી, ગાડીવાળાએ ‘બસ બચ્ચા!’ એમ કહ્યું, અને હાંકનાર નીચે ઊતર્યો એની સાહેદી રૂપે ગાડીના પુલનો ચૂચવાટ થયો, સખત ભિડાયેલી કડી બારણું દબાવીને ખોલવી પડી એનો અવાજ આવ્યો, બારણાની કળે પણ ખૂલતાં ખૂલતાં કશો અવાજ કર્યો, અને કોક ગાડીમાંથી ઊતર્યું એટલે આખી ગાડીએ અવાજ કર્યો, ત્યારે જ બધાનું ધ્યાન બારણા તરફ ગયું. અને સહુમાં નાનો અને પાછો લાડકો હોવાના કારણે અમિત, હઠે ચડીને દૂધ ભેગી નંખાવેલી ચાનો પ્યાલો ત્યાં પાટ પર જ મૂકીને બારણે જોવા દોડ્યો. અને એણે જ બધાંને મોટો ઘાંટો પાડીને સમાચાર આપ્યા: ‘મોટાભાઈ આવ્યા!’
અમિતથી મોટી ચિન્મયી કૌતુક રોક્યું ન રોકાતાં બારણે પહોંચી અને અમિત બારણું ખોલીને ઓટલે પહોંચે એ પહેલાં જ બોલી ઊઠી: ‘ભાભી!’
અમિતને દૂધનો પ્યાલો આપી હાથમાંનું વાસણ રસોડા લગી પાછું મૂકવા ગયેલાં શાંતિદાબહેન પણ ઠામ ત્યાં જ મૂકી ઉતાવળે પાટ લગી આવ્યાં અને સ્તબ્ધ થઈ ગયેલા લાગતા પતિ નૃસિંહપ્રસાદ સામું નજર નાખીને બારણે પહોંચ્યાં. અમિતે બારણું ખોલ્યું જ હતું. અને ભાઈ-બહેન બંને ઓટલા પર હતાં, ત્યાં શાંતિદા પણ પહોંચી ગયાં. અમિત તો હવે ગાડીમાંથી સામાન કાઢવામાં પડ્યો હતો.
મોટાભાઈના હાથમાંની બૅગ ચિન્મયીએ પકડી લીધી. અને પછી ગાડીના પગથિયા પાસે ઊભી રહેલી ભાભી વિલાસનો હાથ પકડીને હસી.
પણ કોઈ પણ કશું બોલે એ પહેલાં જ અંદરથી નૃસિંહપ્રસાદનો ઘેરો અવાજ સંભળાયો: ‘છગન, આ સામાન લે તો!’
છગન જાણે શેઠ આટલું કહે એની જ રાહ જોતો ઊભો હતો તે દોટ કાઢીને ઓટલે આવ્યો અને હોંશે હોંશે સામાન અંદર લાવવા લાગ્યો.
‘જુઓ શેઠ, સામાન બધો આવી ગયો ને?’ ગાડીવાળાએ પૂછ્યું.
‘હા, ભાઈ.’ બંડીના ખીસામાંથી પરચૂરણ કાઢતાં મોટાભાઈએ જવાબ દીધો.
એ તો સાહેબ, તમને ખબર નથી, બાકી બાપાજી તો મને જાણે.’ ગાડીવાળાએ વાત લંબાવી. અને સાથે જ ભાડું લેવા લંબાવેલો હાથ પણ ઠરાવેલું ભાડું મળી ગયા છતાં પણ લંબાવેલો જ રાખ્યો.
‘અરે શેઠ! આ પરભાતના પહોરમાં કાંક બક્ષિસ તો આપો!’
લંબાવેલા હાથ પરથી અચંબાભેર હાથ લંબાવનારના ચહેરા પર નાખી નજરે જોઈ રહેનારા મોટાભાઈ પણ સહેજ મલકી પડ્યા. ફિક્કા ચહેરા પર આવેલા આછા મલકાટને શાંતિદા જોઈ રહી.
‘તે શેઠ! અમને કોની આશા હોય? હવે તો આ રિક્ષા ને વળી પાછી ટૅક્સી! આ મૂંગા જાનવર…’
પાટ પર બેઠાં બેઠાં જ નૃસિંહપ્રસાદ બોલ્યા: ‘એ લે’રુ જ હશે? ભાટ કંઈનો!’
જોયું, બાપાજીએ ઓળખી કાઢ્યો ને!’ મલકી ઊઠતાં ગાડીવાળો બોલ્યો. નાનકડો નિસાસો નાખીને મોટાભાઈએ એકબે આની ગાડીવાળાના હાથમાં મૂકી.
‘આ મૂંગા જનાવરની દુવા લીધી, મોટાભાઈ!’
બારણું વાસી, પોતાની બેઠક પર બેસી ડચકારો બોલાવી ગાડીવાળાએ ગાડી ફેરવી. ચાલવું શરૂ કરતાં પથ્થરની ફરસ પર ઘોડાએ પાછલો પગ પછાડ્યો.
અને બધાં ઘરમાં પેઠાં. અમિતે મોટાભાઈનો હાથ પકડ્યો હતો અને ચિન્મયી ભાભીની સોડમાં પેઠેલી લાગતી હતી. શાંતિદા બધાંની પાછળ હતી પણ એની નજર તો પાટ પર બેઠેલા પતિ પર જ હતી. અમિતે મોટાભાઈને પૂછ્યું:
‘શું લાવ્યા મારા માટે, મોટાભાઈ!’
જવાબ આપવા પહેલાં મોટાભાઈએ પિતાને નમસ્કાર કર્યા. વિલાસે પણ પાટ પર બેઠેલા સસરાને પાયલાગણું જેવું કર્યું. નૃસિંહપ્રસાદે મૂંગે મૂંગા જ જાણે નમસ્કાર ને પાયલાગણું પહોંચ્યાના સ્વીકાર જેમ ડોકું ધુણાવ્યું.
ફરીથી અમિતે પૂછ્યું: શું લાવ્યા મારા માટે?
મોટાભાઈનો ચહેરો ફિક્કો હતો અને એમાં આછું હસવાનો યત્ન પણ ગાલ પર આછી અને સાવ ખોટી લાગે એવી સુરખી લાવી મૂકતો. અમિતે પૂછેલા સવાલનો જવાબ દેવા એ મોં ખોલે એ પહેલાં જ નૃસિંહપ્રસાદે જરા ભારે અવાજે કહ્યું:
‘અમિત!’
અને અમિતે પિતા સામું જોયું. પણ માત્ર અમિતે જ પિતા સામું જોયું એમ કહેવું તો ખોટું કહેવાય. સહુ કોઈએ પિતા સામું જોયું. એટલા સંબોધન પાછળ, એ સંબોધન કરવાની રીત પાછળ, એમાં વપરાયેલા સાદ પાછળ, નૃસિંહપ્રસાદની નારાજી છે એ વાત આ ઘરની ગોળીનું પાણી પીને ઊછરેલાંને સમજતાં વાર લાગે એમ ન હતું. મોટાભાઈને પણ સમજાઈ ગયું. વિલાસ પણ સમજી. શાંતિદા પણ. નાનાં ભાઈબહેન તો ચૂપચાપ ત્યાંથી હટી પણ ગયાં.
બેચેનીની અડધી પળમાં તો શાંતિદાએ સહુપ્રથમ સ્વસ્થતા મેળવી લીધી. ‘તે અમિત, મોટાને જરા આરામ તો કરવા દે.’ એણે કહ્યું અમિતને, પણ સંભળાવ્યું પતિને અને મોટાને.
‘લે વિલાસ, ચાલ તું. દાતણપાણી કરી લો. જુઓને રાતની મુસાફરી કરીને આવ્યાં છો તે! દિદાર તો જુઓ! મળી’તી જગા ગાડીમાં?’ વિલાસના ખભે હાથ મૂકીને શાંતિદા એને ઘરમાં લઈ ગઈ.
નૃસિંહપ્રસાદ એમ જ પાટ પર બેઠા હતા. શિલ્પીએ ઝીણા ટાંકણે મૂર્તિ ઘડી હોય એવી એમની મુખમુદ્રા હતી. મૂળ ભાવ તો સૌમ્ય અને શીળો. પણ આમ ચહેરો ચાળણી જેવો. ચાળણીમાં પાણી ટકે ખરું?
બાપ-દીકરો એકલા પડ્યા.
આખી રાત ટ્રેનમાં આ ઘડીના ભયે તો મટકું માર્યું ન હતું. તમારે કાંઈ કહેવું હોય તો હું સાંભળવા તૈયાર છું એવી પિતાની મુખમુદ્રા સામું દીકરો એક ક્ષણ તો જોઈ રહ્યો. વાત કરવી જ જોઈએ.
‘આ ચિન્મયી તો બહુ મોટી થઈ ગઈ, કાકા.’
‘હં.’
‘ફરાક છોડી દીધાં?’
‘હં.’
‘શેમાં આવી?’
વાતો કરતા હોઈએ અને સામો એકાએક જ હુંકારો પુરાવતો થંભી જાય તો? ટ્રેનના અવાજ સાથે મનમાં કશું ગાણું ગણગણતા હોઈએ અને અચાનક કશી ચેતવણી આપ્યા વિના જ ટ્રેન તાલ બદલે તો?
બાપે તાલસરનું ‘હં’ પણ ન કહ્યું કે ન કશો જવાબ વાળ્યો.
આમને મારી સાથે વાત પણ નથી કરવી?
‘પણ એ તો હોશિયાર છે તે હવે મેટ્રિકમાં આવી હશે.’
‘હં.’
વરસને વીતતાં કાંઈ વાર લાગે છે?’ ‘હં.’
આ વખતે ‘હં’ જરા વિશેષ ઊંડાણમાંથી આવ્યું હોય એવું લાગ્યું. પિતાના હુંકાર પર માત્ર કાન જ નહીં, સમગ્ર ચેતનાનો તાર મેળવી બેઠેલા દીકરાને, એ ઘેરા ‘હં’ પરથી સમજાયું: પિતા વ્યંગ્ય કરવા માગતા હતા. પણ પોતે જે ‘વરસને વીતતાં કાંઈ વાર લાગે છે.’ એમ કહ્યું એમાં…
ઓહ! કેવી વાત? પોતે આ ક્ષણે ભૂલી ગયો હતો. પણ પિતાને યાદ છે. વરસને વીતતાં….
એ જ તો છેલ્લો ઝઘડો. એ પછી પોતે પત્નીને લઈને પિતાનું ઘર છોડીને જતો રહ્યો હતો. કેમ યાદ આવતું નથી? હા, નિમિત્ત યાદ આવે છે. પણ આમે એ તો એક લાંબી વાત હતી. વર્ષોનો પથારો. એને કાંઈ બાબાની (ત્યારે તો અમિત નામ પણ પાડ્યું ન હતું.) વાત અને પોતે જે બોલ્યો એના જવાબમાં પિતાએ કહેલું: ‘વરસને વીતતાં કાંઈ વાર લાગવાની છે?’ આજે પોતે એ જ શબ્દ બોલ્યો. વરસને વીતતાં…
પણ પિતાને બધું યાદ લાગે છે. એમના સ્વભાવમાં જ નથી કશુંય ભૂલવાનું.
અને એ હુંકારમાં ઊંડાણ. ઘા મારવાની કોઈ તક પિતા જતી કરે એ ન બને. તો પોતે પાછો આવ્યો અને પિતા એમની પોતાની કશી જીત.. ના ના, એ એને પોતાની જીત ગણે ત્યાં લગી તો વાંધો નહીં. પણ જ્યારે એ આ ઘેર પાછા આવવાને પોતાની — દીકરાની — હાર ગણશે ત્યારે..
વિચારે ચડી ગયેલા દીકરાને ખ્યાલ ન હતો કે પોતે ચાલુ કરેલી અને ચાલુ રાખેલી વાતનો તંતુ અટકી ગયો હતો. અને પિતાની નજર પોતાના ચહેરા પર મંડાઈ હતી. આ જ જગા હતી. આમ જ બેઠા હતા. અને આ જ નજર હતી. જેના પર પડે એને ત્યાં ને ત્યાં જમીન સરસો ખોડી દે એવી નજર. તો પિતાને ઘા કરવો હતો. જખમ ખોલવો હતો. એમની જીત અને પોતાની હાર.
આ તારી ભાભી શું કે’ છે, પરંતપ?’
કોણ ઢંઢોળતું હતું પોતાને? પરંતપને પોતે ક્યાંક ઊંડો ઊતરી ગયો હતો ત્યાંથી કોક બોલાવતું — બહાર કાઢતું હોય એવું લાગ્યું. આપોઆપ એની આંખ પહોળી થઈ. કાન સરવા થયા. શાંતિદા સામે જ ઊભાં હતાં. અને કેમ પોતાના સામું જોતાં હતાં? પણ કેમ નહીં, કેવી રીતે? દયા ખાતાં હતાં એ મારી?
પાછો પોતે ઊંડો ઊતરતો હતો. પણ ત્યાં પાછો પિતાનો વીજળીના કડાકા જેવો અવાજ આવ્યો:
‘તારી ભાભી કે’છે નોકરી છૂટી ગઈ? હં!’
કોણે કહ્યું? શું કહ્યું? અને પેલું ‘હં.’ કેટલા અણુનો સ્ફોટ ભર્યો હતો એમાં? ‘એટલે તમે પાછા અહીં આવ્યાં છો?’ એમ પિતા પૂછે છે?
‘એમાં શું થઈ ગયું? અમિત, જા તો દીકરા, મોટાભાઈના ઓરડામાં તારું પડ્યું હોય એ લઈ લે તો.’ શાંતિદા બોલી. બળ્યાજળ્યાને પરમ શાંતિ મળે એવી વાણી હતી. કે પછી એ બધો…
અમિત ઠેકડો મારતો આવ્યો.
‘બા, બધું લઈ લઉં? તો તો ટેબલ મારા એકલાથી કેમ લેવાશે?’
બે’નને કે’ને બા…’
ત્યાં તો નૃસિંહપ્રસાદની અને એની નજર એક થઈ અને અમિતથી એક અક્ષર પણ આગળ બોલાયો નહીં. શું કે’વા માગતા હતા એ?
આટલું ઓછું હોય એમ શાંતિદાના અવાજમાં કદાચ પહેલી જ વાર ધાર આવી હોય એવું એને લાગ્યું.
‘કોણે તને ટેબલ લેવાનું કહ્યું? તારી ચીજો ઉઠાવી લે એના પરથી.’
અવાજમાંની ધારથી બધાં એકાએક સતેજ થઈ ગયાં. પરંતપે અહીં આવ્યા પછી પહેલી વાર જ શાંતિદાને ચહેરે જોયું. નૃસિંહપ્રસાદે પણ અમિત પર ઠેરવેલી નજર પત્નીના ચહેરે ઠેરવી. ચોકમાં જવાના બારણા પાસે આવીને ઊભેલી ચિન્મયી પણ બાના ચહેરે જોઈ રહી. ડઘાઈ ગયેલો અમિત એક જ, બધાના ચહેરા જોતો હતો.
એકસામટી પોતાના પર પડેલી સહુની નજરનો ભાર જ જાણે જિરવાતો ન હોય એમ શાંતિદા પોતાના પહેલાંના સ્વસ્થ અને મીઠા લાગતા અવાજે બોલી:
‘ગાંડિયા! તે ટેબલ તો મોટાભાઈને જોઈએ ને?’
‘અમિતને બાના અવાજથી પાછી હિંમત આવી.
‘એ શું કરવાના ટેબલને? દાખલા ગણશે?’
પરંતપને થયું, તંગ થતા જતા વાતાવરણમાં થોડી હળવાશ લાવવી જોઈએ. અમિત પડખે ઊભો હતો એનો હાથ ખેચીને એણે બાથમાં લીધો અને કહ્યું:
‘જો તેં હજુ કશું બદલ્યું નહીં હોય તો ટેબલ પર મારા ગણેલા દાખલાય હશે!’ અને એણે મલકવાનો યત્ન કર્યો.
શાંતિદાએ જોયું. પરંતપના ફિક્કા ચહેરા પર ચાંદીની બે આની જેટલી જગાએ વિશેષ સુરખી આવી હતી. જાણે સુરખીય પોતાનો આદર થતો ન હોય એવી જગાએ આવી ચડ્યા જેવું લાગતું હતું.
‘હં. ઘણું બદલાઈ ગયું. ખરું ને અમિત?’ નૃસિંહપ્રસાદ મલકતા બોલ્યા.
પરંતપે પાછું પિતાના ચહેરે જોયું. સાધારણ રીતે એ ચહેરે રહેતા કોઈ પણ ભાવ કરતાં આ મલકાટ વધુ ટક્યો. મને બતાવવા જ એમણે એ મલકાટને એ ચહેરે જાણે વિશેષ વાર જકડી રાખ્યો છે? પરંતપને મનમાં શંકા આવી.
નૃસિંહપ્રસાદે એ જ મલકાટ સાથે પાછું ફરીવાર કહ્યું: ‘કેમ બોલતો નથી અમિત, બદલાઈ ગયું છે ને ઘણું?’
છેક અત્યારે પિતા તરફથી આટલું પણ ઉત્તેજન મળ્યું. પછી અમિત ઝાલ્યો રહે ખરો?
‘ના, બાપાજી. મેં કશું બદલ્યું નથી. પણ મોટાભાઈ કે’છે એવા દાખલા નથી. કશા ચોકડાં લાગે છે ચોકડાં. આ આમથી લીટી આમ જાય અને ત્યાંથી આમ જાય. ત્રણ આંગળી પર અંગૂઠાનો ચાપડો મારી એક આંગળીથી ટેબલ પર પોતે દોરાયેલી જોયેલી આકૃતિ હવામાં દોરતાં અમિત બોલ્યો.
‘ચોકડાંને! હું!’ નૃસિંહપ્રસાદ બોલ્યા.
ધાર્યો ઘા હતો? કે પોતાનું મન શંકાશીલ હતું? પરંતપે જાતને પૂછ્યું.
‘તે એને તે વળી દાખલા કે’વાતા હશે?’ અમિત પોતાના તાનમાં હતો.
‘હં.’ નૃસિંહપ્રસાદ બોલ્યા.
પરંતપ તો ઘા ઉપર ઘા પડતો હોય એમ મૂઢ બનતો જતો હતો એ નૃસિંહપ્રસાદે જોયું અને શાંતિદાએ પણ જોયું. કશો આનંદ અને સંતોષ થતો હોય એમ નૃસિંહપ્રસાદનાં નસકોરાં ફૂંગરાયાં. શાંતિદાના ધ્યાન પર પણ એ વાત આવી ગઈ. પતિ અમિતને ઓઠું બનાવતા હતા એટલી વાત એના કળ્યામાં આવી ગઈ.
‘અમિત, તું તો પાછો વાતમાં પડ્યો. જા જો દીકરા! અને ચિન્મયી, તુંય પેલા કબાટમાંથી તારાં કપડાં લઈ લે.’ વળાવ્યા વિના આ બંને ઉપર નહીં જ જાય એવો ભય લાગતાં એણે જાતે અમિતને દાદર તરફ વાળ્યો. ધબ ધબ કરતો અમિત ઉપર ચડ્યો. પાછળ ચિન્મયી પણ ગઈ.
‘કપડાં કાઢીને હવે મોં તો ધોઈ લો. વાત તો પછીય થશે.’
‘હાઆઆ. એ ખરું,’ નૃસિંહપ્રસાદે ટાપસી પુરાવી.
અને કશી અનેરી લાગણીભર્યા અવાજે શાંતિદાએ ઉમેર્યું: ‘પછી વિલાસ પણ કાંઈ મોંમાં નાખે ને?’
આ પણ ટાઢો ડામ હતો? મનમાં હોય એ આંખે આવે ખરું? પોતાને કેમ આમ થતું હતું?
શાંતિદાના ચહેરા સામું જોતો પરંતપ પાર્ટીને છેડે બેઠો હતો ત્યાંથી ઊભો થઈને ઘરમાં ગયો. નૃસિંહપ્રસાદની નજર એને છેક ચોક લગી વળાવીને પાછી ફરી.
પરંતપે બંડી કાઢીને હાથમાં રાખીને ખીંટી ક્યાં હતી તે જોયું. બધું બદલાયેલું લાગતું હતું. મૂળ જગાએ ખીંટી ન હતી. એની મૂંઝવણ જોઈ ગયો હોય એમ છગન આગળ આવ્યો અને એના હાથમાંથી બંડી લઈ ઓરડામાંની ખીંટીએ ભરાવી.
શાંતિદા અંદરના ઓરડામાં કશું લેવા-મૂકવા ગઈ હતી. વિલાસ ચોકમાં રસોડા આગળ બેઠી હતી. પરંતપ બંડી લઈને ગયેલા છગનને જોતો હતો ત્યાં જ પોતાને નાખી નજરે જોઈ રહેલી વિલાસની નજર સાથે એની નજર એક થઈ.
શું કહેવા માગતી હતી પત્ની?
કેમ કાંઈ સમજ પડતી નથી?
એ ઠપકો આપે છે એક વાર લડીઝઘડીને નીકળી ગયા બાદ પિતાને ઘેર, પાછા આવવા બદલ? જોયું, અહીં તમારો કશો આદર કે આવકાર નથી એમ કહેવા માગે છે? પિતા હજુ તમારી સાથે એક અક્ષરે બોલ્યા નથી એ તો તમે ધ્યાન પર લીધું જ હશે, એ ઠસાવવા માગે છે?
પરંતપ એ નજરનો તાગ પામવા ત્યાં જ, એ નજરને જોતો ઊભો રહ્યો. પણ હાથમાં થાળીમાં કશું લઈને શાંતિદા અંદરના ઓરડામાંથી આવ્યાં. (અને આ વાતની ખબર પણ એને અચાનક જ વિલાસે નજરનો તાર તોડ્યો ત્યારે જ પડી.) થોડું લજાતોપણ વધુ ગૂંચવાતો પરંતપ કામમાં પડ્યો..
રસોડા પાસે બેઠેલાં શાંતિદા અને વિલાસે દાદર પરથી ધડબડ ધડબડ ઊતરતા અમિતનાં પગલાં પાછળ ઓછો અવાજ કરતાં ચિન્મયીનાં ઠાવકાં પગલાં પણ સાંભળ્યાં. અને પછી પિતા-પુત્રનો સંવાદ પણ સાંભળ્યો.
આ મોટાભાઈ હવે તો નહીં જતા રે’ને?’ પુત્રે પૂછ્યું.
વિલાસના કાન સરવા થયા.
‘હં?’ મનમાં ઊતરી ગયા હોય ત્યાંથી બહાર આવતાં જાણે પૂછતા હોય એમ નૃસિંહપ્રસાદે ઘેરા ભારે સાદે પૂછ્યું. એકાદ પળ કોઈ ન બોલ્યું. વિલાસ કાનથી જાણે જોતી હતી. બાપાજીના સામું જોઈ રહ્યો હશે અમિત, અને એ ચહેરા પરનો ભાવ જોઈને ફરી વાર સવાલ પૂછવાની હિંમત નહીં ચાલી હોય.
ત્યાં પાછો નૃસિંહપ્રસાદનો અવાજ આવ્યો:
‘લાગતું તો નથી. પછી તો કોણ જાણે? હં.’
વિલાસને ધરતી માગ આપે તો સમાઈ જવાની ઇચ્છા થઈ. પહેલા અને નિસ્તેજ લાગતા ચહેરા પર બીજું કાંઈ નહીં તો નિરાશાનો ભાવ તો જાણે પિયરમાં સમાઈ જતી નવવધૂ જેવો લાગે છે.
શાંતિદાએ પણ આ સાંભળ્યું. અને અહીં વિલાસનો ચહેરો પણ જોયો. અને એણે તરત ઇલાજ પણ કર્યો.
અમિત!’ શાંતિદાએ તીણો ઘાંટો પાડ્યો.
અને પિતા-પુત્રે બંનેએ સાંભળ્યો અને એમાં પોતપોતાને માટે જે નિરનિરાળો સંદેશ હતો તે પણ એ સમજ્યા.
‘હા, જા, અમિત, તારી ભાભી બોલાવે.’ નૃસિંહપ્રસાદ બોલ્યા.
શાંતિદાએ બંને છોકરાંને કામે લગાડ્યાં. પરંતપ આવ્યો ત્યારે એને માટે ચા ને નાસ્તો તૈયાર હતાં. પળભર તો બહાર પાટ પર જ ચા-નાસ્તો આપવાનું શાંતિદાને મન થયું. પણ પછી એને પતિના સાદના આરોહઅવરોહ યાદ આવી ગયા અને એણે મનને વાર્યું. એને બદલે એણે રસોડા પાસે જ પાટલો મુકાવીને પરંતપને ચા-નાસ્તો આપ્યાં. અને વિલાસ એકલી કાંઈ નહીં લે એ ખાતરી હોવાથી પોતે પણ પ્યાલામાં થોડી ચા લીધી.
ઘરમાં વાતાવરણ ખુશનુમા હોય છે ત્યારે ઝીણી ઝીણી વાત એક તો ખૂબ સૂઝે છે અને એમાં અનાયાસે પણ ઝાઝો આનંદ મળે છે. પણ જ્યારે ઘરમાં એકાદ માણસ પણ જરા તંગ હોય છે ત્યાં ઝીણી ઝીણી વાત, આનંદવિનોદનું કે પછી મનની વાત વ્યક્ત કરવાનું સાધન મટી જઈને ન જાણે કેમ કશું ઘા કરવાનું હથિયાર બની જાય છે. અને કદાચ બોલનારના મનમાં ન હોય તોય સાંભળનારના મનમાં તો એ વૈશિલું રૂપ ધારે છે.
છોકરાં તો વહેલાં જમીને શાળાએ ગયાં. પછી ઘરનાં બીજાં એટલે નૃસિંહપ્રસાદ અને પરંતપ જમવા બેઠાં. વિલાસે ઘણુંય કામ કરવા માગ્યું પણ શાંતિદાએ એને કામ કરવા જ દીધું ન હતું. પીરસવા પણ ન દીધું.
‘આજ નહીં.’ માત્ર એટલું જ ટૂંકું વાક્ય શાંતિદા બોલી હતી.
આજે કેટલે વર્ષે બાપ-દીકરો આમ એક પંગતે જમવા બેઠા? ઘર છોડીને ગયા પહેલાંય કેટલાં વર્ષ થયાં – લગભગ ચિન્મયીના જન્મ પહેલાંથી – બાપ-દીકરા વચ્ચે કશુંક એવું બન્યું હતું કે એ એક પંગતે બેસતા ન હતા. પણ બહાનું તો પરંતપને મળેલી નવી નોકરીનું હતું.
થાળી પિરસાવા માંડી અને થાળીમાં જોતાં જ નૃસિંહપ્રસાદ બોલી ઊઠ્યા: ‘આજે તો કંસાર કર્યો ને કાંઈ?’
સહુથી પહેલી ચોંકી વિલાસ. અને વિલાસે તરત જ પરંતપ સામું જોયું. એ તો નજર નીચી ઢાળીને થાળીમાં પડેલા કંસાર પર જાણે ત્રાટક કરતો હતો.
શાંતિદાની નજર અર્ધી ક્ષણ એ બંને પર મંડાઈ અને ઝાઝો સમય વીતે એ પહેલાં એણે જ મલકાઈને જવાબ દીધો: ‘તે કરવો જ પડે ને!’
નૃસિંહપ્રસાદે આંખના ડોળા છેક છેડા લગી લાવીને પડખે બેઠેલા પરંતપ સામું પડખેથી જોયું. હજુય નજર નીચી ઢાળીને જ એ બેઠો હતો.
‘અમિત-ચિન્મયીને કંસારનો લાભ મળ્યો’તોને?’ નૃસિંહપ્રસાદે પોતાની પાસે વ્યંગ અને કટાક્ષની હતી એ બધી શક્તિ વાપરીને પ્રશ્ન કર્યો.
અને હાજર હતાં એ બધાં જ દેખીતા સાદા સવાલ પાછળનો કારી ઘા સમજી ગયાં. છૂટો થઈ ગયેલો દીકરો પાછો ડાળે બેસવા આવ્યો અને એના નિમિત્તે તમે કંસાર કર્યો! ઠીક છે, તે એનો સ્વાદ, એનું ગળપણ, એની ભાવના અને એનો સંભાર એ બધાંનો લાભ તમારાં દીકરા-દીકરીને મળવાનો છે. એટલું આ આવનારાં તો જાણે છે, પણ તમે જાણો છો? પતિ જાણે પત્નીને પૂછતો હતો.
શાંતિદા પણ પતિને બરાબર ઓળખતી હતી.
‘એમને તો મળવો જ જોઈએ ને! મોટાભાઈ આવ્યાનો હરખ જોયું ને અમિતને કેટલો હતો! નહીંતર એ એના ઓરડામાંથી એની ચીજો કાઢે ખરો?’
નૃસિંહપ્રસાદને લાગ્યું કે પત્નીએ ‘એના’ અને ‘એની’ પર મૂકવો ન જોઈએ એટલો ભાર મૂક્યો.
પરંતપ તો થાળીમાં પિરસાયેલા કંસાર પર જ નજર ઠેરવીને બેઠો હતો. જરાકે આઘુંપાછું, ઊંચુંનીચું જોયા વિના જ એ બેઠો હતો. મનમાં એક જાતની શૂન્યતાનો અનુભવ કરતો કરતો, વગર જોયે જ પિતાએ કોળિયો લીધો કે નહીં એની પ્રતીક્ષા કરતો હતો.
વિલાસ માથાનો છેડો કપાળ આગળ લાવીને બેઠી હતી. વારે વારે આંખના અણિયાળેથી એ લૂગડાની કોર આડે પતિને જોતી હતી. પતિ તો ઊંચું પણ જોતો ન હતો.
નૃસિંહપ્રસાદે કંસારનો કોળિયો મોંમાં મૂક્યો. પરંતપને ન જાણે કેમ વગરજોયે જ આની ખબર પડી. મનને મારીને તો એ પોતે અહીં આવ્યો હતો. આવું જ કશું બનશે એ તો એના મનમાં ક્યારનુંય નહીં, કેટલીય વાર આવી ગયું હતું. પણ એ છતાંય અત્યારે મન જાણે ના પાડતું હતું, સાથે હાથ પણ ના પાડતો હતો. ગળ્યો કોળિયો જાણે કડવો લાગતો હતો.
અને ત્યાં જ નૃસિંહપ્રસાદ પાછા બોલ્યા:
‘હરખમાં ને હરખમાં તમે કંસાર ખૂબ ગળ્યો કરી દીધો!’
નજર ઊંચી ન કરનાર પરંતપની નજર પણ ઊંચી થઈ અને પિતાને ચહેરે ગઈ. પણ એને નવાઈ લાગી. આજ સવાર પછી પહેલી જ વાર એને પિતા એક કહીને બીજું સંભળાવતા હોય એવું ન લાગ્યું. એ પિતાની એક ખાસિયત જાણતો હતો. શિકારી પશુ શિકાર કર્યા પછી ‘કોઈ જુઓ’, ‘કોઈ જુઓ’ એમ ઘાયલ કે મરેલા શિકાર આસપાસ વિજયમદમાં આંટા મારે છે. પિતાને ચહેરે પણ, પોતે જ્યારે ઘા કર્યો હોય કે કરવા ધાર્યો હોય ત્યારે, આવો વિજયમદ આવતો અને આંખનાં અણિયાળાં પર પોપચાં જાણે વિશેષ ઢળતાં. આ ઘડીએ પિતાના ચહેરા પર આવું કશું જ ન હતું.
તો આ કંસાર ગળ્યો કરી નાખ્યાનું કહ્યું એ? એમાં વ્યંગ ન હતો? એમાં કડવાશ ન હતી? એમાં બે ક્ષણમાં કે બે દા’ડા બાદ આ ઘરમાંથી તમે જતા રો’ એવું કહેવાની ધમકી ન હતી?
પણ પિતા તો નિરાંતે જમતા હતા. પોતે આંગળીઓ પર જાણે કોળિયો તોળતો હોય એમ જ બેસી રહ્યો હતો! જ્યાં કશુંય ન હોય ત્યાં દાંતિયા, કડવાશ, કટાક્ષ જોતો…
પરંતપ પોતાના મનથી પોતે ઊતરી ગયો. આવું કશું નથી, પણ માનો કે’છે, તો આવું થશે એ તું નો’તો જાણતો? જાણતો’તો, ધરાર જાણતો’તો. બિચારી વિલાસે આ વાત કરી ત્યારે તો મેં એને કેટલી વાત સંભળાવી હતી! તે ક્યાં ગઈ તારી એ બધી સુફિયાણી સલાહ? કયાં ગયાં બધાં વિવેકનાં વચન? નોકરી ગઈ એમાં… જવા દે. સલામતી શોધનારને સાહસ અને સ્વમાન બેમાંથી એક પણ…
‘સાચે જ ગળપણ વધુ પડ્યું છે?’
શાંતિદાએ પોતાને જ પ્રશ્ન કર્યો છે એવું જે ક્ષણે પરંતપને ભાન થયું, એ જ ક્ષણે પિતા પણ પોતાના સામું જોઈ રહ્યા છે એવી એને લાગણી થઈ. ક્યારનોય હાથમાં રહેલો કોળિયો મોંમાં મૂકતાં જ સાથે સાથે ‘ના ના’ કહેવાનો એણે યત્ન કર્યો…
જમીને પિતા-પુત્ર બહાર આવ્યા તે પહેલાં તો વિલાસે જાણે જૂના ક્રમમાં કશો જ ફરક ન પડ્યો હોય, કે ન કશું અંતર પડ્યું હોય એમ, હાટિયામાંની બરણીમાંથી આખી સોપારી રકાબીમાં મૂકી, સૂડીને સાલ્લાના છેડાથી લૂછી, રકાબીમાં મૂકીને, રકાબી બહાર પાટ પર મૂકી આવી. પિતા-પુત્ર સાથે જ બહાર આવ્યા. પિતા પાટ પર બેઠા. પરંતપ પણ પાટને છેડે બેઠો. કશું જ બોલ્યા વિના પિતાએ રકાબીમાંની સોપારી હાથમાં લીધી. આદતના જોરે જ સૂંઘી અને પછી સૂડીથી કાતરવા માંડી. ઘરમાં બીજો કશો અવાજ ન હતો એટલે સૂડી સોપારીને કાતરતી હતી એનો અવાજ વિશેષ ગજું કાઢીને આવતો. ખપ પૂરતી સોપારી લઈને પિતાએ સૂડી તથા સોપારી બંને રકાબીમાં મૂક્યાં. અને પછી ન ધારેલું બન્યું.
પિતાએ રકાબી હાથથી ડેલીને પરંતપ પાસે મૂકી.
આવું તો ક્યારેય બન્યું ન હતું.
પિતાએ જ એક વાર કહેલી વાત પરંતપને યાદ આવી:
શિયાળામાં ટાઢા પાણીએ નહાવાની વાતમાં અઘરામાં અઘરું કામ તો પહેલો લોટો પાણી માથા પર નાખવાનું જ હોય છે.
પરંતપને લાગ્યું કે પોતે કલ્પી લીધેલા દુઃખે દુઃખી થતો હતો. એના ફિક્કા ચહેરા પર સુરખી આવી. મનમાં હિંમત આવી અને એણે પિતાના ચહેરા પર નજર ઠેરવી. પિતાની નજર સાથે એની નજર જાણે ટકરાઈ, પણ પિતાએ જ નજર નીચી ઢાળી. પરંતપ જોઈ રહ્યો. પિતાના ચહેરા પર આછી કરડાકી હતી. અને આ શું? પિતાનાં જડબાં જાણે કશો નિર્ણય કરી ચૂક્યાં હોય તેમ સખત દબાયાં. શું થયું હશે?
‘આજે હું પેઢી પર નહીં જાઉં,’ બધાંયને અને એમ ગણીએ તો માત્ર પોતાને જ, સંભળાવતા હોય એમ નૃસિંહપ્રસાદ બોલ્યા. અને એકાએક પાટ ઉપરથી ઊભા થઈને ઉપર પોતાના ઓરડા તરફ વળ્યા. શાંતિદા અને વિલાસ હજુ જમવા બેઠાં ન હતાં. નૃસિંહપ્રસાદનું પેઢી પર ન જવાનું વાક્ય સાંભળીને શાંતિદા એકદમ જ અહીં ધસી આવી. એણે પતિના ચહેરા સામું જોયું. પણ પતિએ પત્નીની નજર ટાળી.
‘છગન જોડે કહેવરાવી દેજો.’ કહીને નૃસિંહપ્રસાદ પગથિયાં ચડી ગયા.
પરંતપ એ ત્રણ પગથિયાંના ટપ્પા પછી દેખાતા બંધ થયેલા પિતા પાછળ જ નજર દોડાવતો બેઠો રહ્યો. નજરને પાછી ખેંચતો હતો ત્યાં એની અને શાંતિદાની નજર મળી.
‘હમણાં હમણાં એમને થાક લાગે છે.’ શાંતિદાએ પતિના જમીને એકાએક ચાલ્યા જવાનો ખુલાસો કરતી હોય એમ કહ્યું. પરંતપના મનમાં આ ખુલાસો બરાબર ઊતર્યો નથી, નૃસિંહપ્રસાદના આમ એકાએક જતા રહેવાનાં પગલાંને, પરંતપ એના જ તાનમાં તણાઈને, પોતે ઘેર આવ્યો એની સાથે સાંકળે છે, અને મનમાં જ પરેશાન થાય છે, એ વાત શાંતિદાના કળ્યામાં આવી ગઈ, અને તરત જ એણે પરંતપને કહ્યુંઃ
‘તમે પણ થોડો આરામ કરો. રાતનો ઉજાગરો છે અને આમે તમારી તબિયત પણ કાંઈ સારી તો નથી જ લાગતી.’
મારી તબિયતની વાત! તમે કયાંથી જાણી? વિલાસે કહી? એ જાણે છે?
બધી દિશામાંથી એકસામટા સવાલ તીણી શારડીથી જાણે વીંધતા હોય એમ પરંતપના મનને કોરી ખાવા લાગ્યા. પોતાને કશું સૂઝતું ન હોય એમ મન તો બહેર મારી ગયું હતું. શું કરવું એ સમજાતું ન હતું. જે થતું હતું એના પર પોતાનો કશોય કાબૂ ન હતો.
‘એમ કશા વિચારે ચડીએ નહીં.’ શાંતિદા બોલી.
અને કશો વીજળીનો આંચકો લાગ્યો હોય એમ પરંતપને લાગ્યું. પોતે રોતો હતો? ના… ના… રોતો ન હતો. ના. ના. આંસુ આંખમાંથી નીતર્યાં ન હતાં, પણ એકાદ-બે ક્ષણ પણ વિશેષ ગાળી તો…
ચપ દઈને ઊભો થઈ ગયો અને પરંતપ ઉપર, વર્ષો પહેલાંનો જે પોતાનો ઓરડો મનાયો હતો તે ઓરડા તરફ ચાલ્યો. પણ શાંતિદા આંખનાં આંસુ જોઈ ગઈ હતી? ના… ના. પોતે રોયો’તો જ ક્યારે? હા. જરાક વિશેષ થયું હોત તો આંસુ આવત…
પણ ક્ષણમાં જ પિતાનું મન પલટાઈ ગયું. નદીના બે કાંઠામાંથી એકબીજાને મળવા આગળ ધપતો આવે – જાણે સેતુ બંધાવા જેવું લાગે ત્યાં તો –
પિતાએ પેઢીમાં જવાનું કેમ માંડી વાળ્યું?
‘વિલાસ, તુંય આડી પડ ને? રાતનો ઉજાગરો છે. થાકી ગઈ હઈશ.’ શાંતિદાનો અવાજ આવ્યો.
જમી લીધું એમણે. વિલાસ ઉપર આવશે? ન આવે તો સારું. એને કેવું કહીને અહીં લાવ્યો! અને અહીં? એ તો કે’તી જ હતી. આવ નહીં, આદર નહીં – દાદર ખખડ્યો? વિલાસ? ના… ના. આ એનાં પગલાં નો’ય. હં. શાંતિદા પિતાના ખંડમાં જતી હશે. હં, પગલાંય ત્યાં જ વળ્યાં લાગે છે.
‘લે હું તો ભૂલી ગઈ કે’વાનું, છગન! દુકાને જઈને કહી આવજે, આજે ઠીક નથી તે નહીં આવે. ટપાલ હોય તો લેતો આવજે.’ શાંતિદાનો અવાજ.
અને એ અવાજને જાણે હડપ કરી જતો હોય એવો નૃસિંહપ્રસાદનો અવાજ સંભળાયો:
‘ટપાલ લાવવાની જરૂર નથી. હું મોડેથી આવીશ એટલું કહી દેજે.’
ચોક્કસ થઈ ગયું દુકાને કેમ ન ગયા તે. આ અમે આવ્યાં એટલે જ.
‘એક આ કડિયાને બોલાવવાનું રહી જ જાય છે… શાંતિદાનો અવાજ હતો. બાકીનું ન સંભળાવાનું કારણ, તો બાકીના શબ્દો પિતાના ઓરડાની ભીંત પાછળથી બોલાયા હશે તે જ. બોલ્યા હશે? નહીં બોલ્યા હોય? શું બોલાયું હશે?
શું વાત કરતાં હશે એ બે? અમે ઘેર પાછાં આવ્યાં એની જ ને? નહીં તો વળી બીજી કઈ? ક્યાં હમણાં છોકરા-છોકરીનાં લગન કરવાનાં હતાં તે…
એમનો જ અવાજ, આટલો મોટો ઘાંટો તે વળી શાંતિદાનો નીકળતો હશે કાંઈ? કાંક ગોળે વીંટીને દેતા હશે? નથી જ ગમ્યું એમને અમે અહીં આવ્યાં એ. માણસની એક નજરમાંથી ખબર પડે. પણ શાંતિદા? ચતુર, બીજું શું? કળવા ન દે. પેલા રહ્યા ભડભડિયા એટલે બોલી દે. આ રહી મીઠી અને પાછી મીઠાબોલી…
‘છગન..’ અમિતનો અવાજ? એ ક્યાંથી અત્યારે? પાછાં પગથિયાં રણકયાં. હં. શાંતિદા નીચે ઊતરી.
‘આ જોડા કેમ અહીં પડ્યા છે? પેઢી પર નથી ગયા?’ અમિતનો અવાજ સંભળાયો.
અને જાણે એનો જ જવાબ વાળતા હોય એમ નૃસિંહપ્રસાદ પણ દાદરો ઊતરીને નીચે આવ્યા.
‘ના દીકરા.’
‘તમે ઊંઘ્યા પણ નહીં? ઠીક ન હતું તો પછી….’ શાંતિદા પુત્ર સામેથી પતિ તરફ ફરી.
‘ઊંઘ્યા હવે. લે પણ આને નાસ્તોબાસ્તો આપ. ભૂખ્યો હશે.’ પાટ પર બેસતાં નૃસિંહપ્રસાદે ભલામણ કરી.
એમની ઊંઘ પણ ગઈ? પરંતપ વિચારે ચડ્યો.
વિલાસે અમિતને નાસ્તો આપ્યો. ઘરમાં કાંઈ ફળફળાદિ પડ્યું હશે તે સમારી આપ્યું.
‘ના, એ તો બહેનને માટે છે.’ અમિતે કહ્યું.
‘તે એમને શી ખબર? એ તો હજુ આજે આવ્યાં!’ શાંતિદા દીકરાને સમજાવતી હતી.
સાચી વાત. આજે જ આવ્યાં! જે કાંઈ હતું એ તો તોડી દીધું હતું. હવે તો આજે જ આવ્યાં ગણાઈએ! પરંતપના વિચારને એક નવો વળ મળ્યો.
‘અમિત, અલ્યા દફતર લઈને આવ્યો છે?’ નૃસિંહપ્રસાદે પૂછ્યું.
એક ક્ષણ તો અમિત વિચારમાં પડી ગયો. પોતે નાસ્તો કરવા ઘેર આવે એની પિતા વિરુદ્ધ હતા, એટલે આજે પોતે પકડાઈ ગયા જેવું થયું હતું. ઠપકો મળશે?
‘કોઈ લડવાનું નથી તને. બોલ, દફતર લઈને આવ્યો છે?’ નૃસિંહપ્રસાદે આશ્વાસન દેતાં ફરી પૂછ્યું.
એ તો દફતર લઈને જ આવવું પડે. રીસેસ પહેલાંની ચોપડીઓ મૂકી જાય ને પછીની લઈ જાય. ક્યાં શાળા દૂર હતી તે?’ શાંતિદાએ દીકરાની ઢાલ બનતાં કહ્યું.
‘અને રિસેસ પછી શેના સમય છે?’
અમિત પાછો ગૂંચાયો. આ આજે આપણી ઊલટતપાસ કેમ થાય છે? એ જવાબ ખાઈ ગયો.
પણ નૃસિંહપ્રસાદે પોતે જ કાંક વિચાર બદલ્યો હોય એવું લાગ્યું.
‘એમ કરજો. અમિત અને ચિન્મયીને દુકાને મોકલજો. ફરવા જાશું.’ નૃસિંહપ્રસાદ બોલ્યા.
અંદર બેઠેલી વિલાસ પર નજર પડતાં શાંતિદા હોઠે આવેલું આશ્ચર્ય પાછું ઉતારી ગઈ. પણ મોં પર આવેલો વિસ્મયનો ભાવ તો એમનાથીય હટાવી ન શકાયો. શું થયું હતું આમને? આટલો હેતભાવ? લાડ?
શાંતિદાને ત્યાં જોવું ન હતું તોય જાણે કોક અનિચ્છાએ પણ નજરને દોરતું હોય એમ એની નજર વિલાસ તરફ વળી હતી. આછું ઓઢીને એ અંદરના ઓરડાના ઊમરા પાસે બેઠી હતી. ન જાણે કેમ પણ અમિતે મૂકેલી નાસ્તાની રકાબી તરફ જ તાકીને જોઈ રહી હતી.
શાંતિદા સમજી ગઈ. આ બધુંય એણે સાંભળ્યું હશે. અહીંનો અવાજ તો ત્યાં ઉપર પણ પહોંચતો હતો એટલે પરંતરે પણ સાંભળ્યું જ હશે આ…
શું ધાર્યું હશે એમણે?
‘ચા કરી આપું?’ શાંતિદાએ વાત વાળવાને પૂછ્યું.
અમિત, માથે આવેલું ચક્કર બહુ સીધું ઊતરી ગયું, એના આનંદ સાથે આજ લગી કદી પણ ન બનેલી વાતથી આશ્ચર્ય પામતો હતો. આજ સવારથી દા’ડો કેવો ઊગ્યો છે? બધું અજબગજબ બને છે. આજે આ મોટાભાઈ આવ્યા ત્યારથી… પણ આપણે શું? આપણે તો જઈશું આજે દુકાને ને ફરવા ને… આજે દોસ્ત, ઘરમાં આપણું માન વધી ગયું છે…
ન જાણે ક્યાંથીય અમિતને એક સૂઝ હતી: તંતુને તૂટે ત્યાં લગી ન તાણવો. ઝટપટ ચોપડીઓ લઈને, ખીસામાં મૂકેલા ભમરડાને કારણે ખીસું ફૂલેલું ન લાગે એ રીતે ચાલીને ‘જાઉં છું’ કહેતોકને એ દોડ્યો.
‘પહેલાં ગરવાં ને પછી વરવાં કેમ થતાં હશે?’ નૃસિંહપ્રસાદે આ સવાલ કોને પૂછ્યો એ શાંતિદાને સમજાયું નહીં.
પણ ચોકમાં પડતી બારી પાસે, દેખાઈ ન જાય એમ ઊભા ઊભા બધું સાંભળતા પરંતપને એ સવાલ પણ સમજાયો અને એનો ટોણો એને વાગ્યોય ખરો. વિલાસ બિચારી ખરું કહેતી હતી. આ નાલેશી, આ બદનામી, આ મેણાંટોણાં! શા માટે સહેવાં? છે કશું કારણ?
પરંતપને જાણે પોતાની ધમનીમાં ગરમ લોહી ધસમસતું વહેતું હોય એવું લાગ્યું. કરી લઉં ખુલાસો. ન ગમ્યું હોય તો કહી દે. એમાં શું અત્યારે ને અત્યારે જ, આ ઘડીએ જ બીજે જતાં રહીએ. જો આ વિલાસ સાથે ન હોત તો તો પોતે અહીં આવત જ નહીં. એક એની સલામતી અને… અને યોગ્ય પોષણનો ખ્યાલ પોતાને નીચી મૂંડી કરાવીને અહીં લઈ આવ્યો.
દાદરા પર દડબડતાં પગલાંના જોસભેર અવાજે પતિ-પત્નીને જાણે સાબદાં કરી દીધાં. નૃસિંહપ્રસાદ અને શાંતિદાએ એકમેકના સામું જોયું. શાંતિદાના સમજવામાં સાહજિક રીતે જ આટલી વાત આવી ગઈ. પતિ હમણાં ગરવાં ને વરવાંવાળું જે બોલ્યા અને જેનો મર્મ પહેલાં પોતાના સમજવામાં આવ્યો ન હતો એટલું પરંતપે ગમે તે રીતે પણ સાંભળ્યું હતું. અને આ પગલાંનો જે જોસદાર અવાજ હતો એ પણ એ ગરવાં-વરવાંને કારણે હતો એટલી વાત પણ એ કળી ગઈ. નૃસિંહપ્રસાદના ખ્યાલમાં આ વાત આમ ને આમ તો ન આવત, પણ પત્નીનાં નેણનાં વેણે એમને પણ આ વાત સમજાવી દીધી. એકાદેક ક્ષણને માટે તો પોતાના બોલ્યાની ધારી, અને ધાર્યાથીય વિશેષ અણધારી, અસર થઈ છે એનો સંતોષ અને વિજયનો મદ પેલી ચાળણી પર દેખાઈ ગયો. પણ પત્નીના ચહેરા પરની ચિંતાએ એ ભાવને તો પવનનો સુસવાટો સાગરતટ પરની રેતીની રેખાઓને જે ઝડપે બદલે એ જ ઝડપે હટાવી દીધો.
પરંતપ દાદરના છેલ્લા પગથિયે આવીને ઊભો. ફિક્કા ગાલ પર આછા ટપકા જેવી દેખાતી સુરખી એના મન અને તનના આરોગ્યની જાણે ચાડી ખાતી હતી.
‘ઉપર મોકલતી’તી ચા.’ શાંતિદા બોલી.
ન જાણે કેમ પણ આટલા નાનકડા વાક્યમાં પરંતપને સાચી લાગણીનો રણકો લાગ્યો. બનાવટ ન હતી આ. પોતે અહીં આવ્યો, પત્નીને લઈને હવે અહીં જ ધામા નાખવાનો છું એમ આવ્યો, એ આમને ગમ્યું હશે કે નહીં, એ જુદી જ વાત છે. પણ અત્યારે પોતાની ખાતરબરદાસમાં તો ઢોંગ નથી દેખાતો.
‘કેવા ફિક્કા લાગો છો તમે? તબિયત તો સાચવીએ ને? તબિયત છે તો જ બધું છે ને?’ શાંતિદાએ ઉમેર્યું.
પરંતપ પગથિયેથી ઊતરીને સવારે બેઠો હતો એ જ જગાએ પાટ પર બેઠો. પોતાનો જોસ અડધો માર્યો ગયો હતો એ વાત એ પોતે તો કળી ગયો. પણ શાંતિદાય કળી ગઈ હતી? અને આ વારે વારે તબિયતની વાત કરે છે તે એને ખબર છે?
અને આખા દિવસમાં પહેલી વાર નૃસિંહપ્રસાદના અવાજમાં થોડી કુણાશ આવી હોય એમ લાગ્યું.
‘બધી વાતમાં પ્રમાદ કરીએ. તબિયતમાં પ્રમાદ ન સેવીએ. બતાવ્યું છે કોઈને?’
પિતા આવો પ્રશ્ન પોતાને પૂછશે એવી તો પરંતપે કાળા સ્વપ્નમાંય આશા રાખેલી નહીં. અને ભાવ વિના તો આવો પ્રશ્ન કોઈ પૂછતું હશે? કોરો પૂછવા ખાતરનો જ હોય તો એમાં અવાજ જ જુદો હોય. એમાં લાગણીનો રણકો ન હોય. ખટકો ન હોય. આ અવાજમાં તો એ બધું હતું.
પણ પોતાને જવાબ આપવાનો હતો. અને હા, ના સિવાય બીજો કશો જવાબ પોતે આપી શક્યો. ખુલાસો કરવા કરી લેવો, આવ્યો હતો. ધમનીઓમાં વહેતા ગરમ લોહીએ તો જાણે મારું છું કે મરું છું કરવા ઉશ્કેર્યો હતો. પણ લોઢ ઊછળતા સાગર પર જેમ તેલ પડે અને તોફાની મોજાં જેમ ટાઢાં ટમ થઈ જાય એમ પોતાનો ઉશ્કેરાટ શાંત થઈ ગયો. એને પોતાને પણ આ કેમ થયું એ ન સમજાયું.
‘એમાં બતાવવાનું શું? રાતનો ઉજાગરો અને થાક તે એવું લાગે. એવા ખોટા વહેમ ન રાખવા. લો, આ ચા આવી.’ શાંતિદા બોલી.
મૂંગે મૂંગા જ આ ચા પિવાઈ ગઈ. નૃસિંહપ્રસાદ તૈયાર થયા. પરંતપ બધું જોતો પાછો મનમાં ઊંડો ઊતર્યો હતો. છગને હમણાં જ સાફ કરેલાં પગરખાં પગમાં ઘાલતાં નૃસિંહપ્રસાદે યાદ અપાવ્યું:
‘અમિત અને ચિન્મયીને દુકાને મોકલજો.’
‘રઝળુ થઈ ગયો છે અમિત તો. એને ખોટાં લાડ ન લડાવશો.’ શાંતિદા બોલી. આ પણ આના સ્વભાવની એક નવી જ બાજુ છે કે શું? એવું પરંતપના મનમાં થઈ આવ્યું.
ખરાં ને ખોટાં. દીકરાને લાડ નહીં કરું તો કોને કરવા જઈશ?’ નૃસિંહપ્રસાદથી આપોઆપ જ કેડે મૂઠી વાળેલા હાથનો ટેકો દેવાઈ ગયો.
ફરસને જોઈ રહેલા પરંતપને જાણે કોઈ તગતગતો ડામ દેતું હોય એવું લાગ્યું. પિતા પોતાના સામું જોતા જ હશે એવું ન જાણે કેમ વગરજોયે જ એને લાગ્યું. અને ગરદન પર જાણે આખો હિમાલય મૂક્યો હોય એમ એનાથી ગરદન ઊંચી થઈ જ ન શકી.
શું ખરું? પોતાની તબિયતની સાચી લાગણીથી ખબર પૂછી એ ખરું કે દીકરા દીકરા વચ્ચે ભેદ જોતા હતા તે ખરું? પોતે અહીં આવ્યો. હા, એક વાર અલગ થઈ ગયા પછી, લડીઝઘડીને ઘર છોડી દીધા પછી, હારીને, થાકીને અને બોજારૂપ બનીને આવ્યો, એ ગમ્યું નથી, ગમતું નથી અને સીધેસીધું કહેવાતું નથી એ ખરું કે પછી દીકરાને લાડની વાત કરે છે – અને પોતે પણ એમનો જ દીકરો હતો ને? — એ ખરું?
બારણું ઊઘડ્યું અને વસાયું. પગથિયાં પર ચમચમ પગરખાંનો અવાજ થયો. શેરીના પથરા પર પણ ખરે બપોરે વ્યાપેલી નીરવતાનો ભંગ કરતાં પગલાં બોલતાં હતાં. પરંતપ નીચું ફરસ પર જ જોઈ રહ્યો હતો. નૃસિંહપ્રસાદ જતાં વિલાસ આવીને ચાના પ્યાલા-રકાબી લઈ ગઈ એની પણ એને ખબર ન હતી. આ પથરો, ઊછળીને-કૂદીને પોતાના મનમાં ઊઠતા પ્રશ્નોના જવાબ આપશે એવી કશી શ્રદ્ધાથી પરંતપ નીચું ઘાલીને જ જોતો બેઠો રહ્યો.
શાંતિદા એના સામું જોઈ રહી હતી.
સહજ સૂઝ એને ઘણી વાત કહેતી લાગી: આ જુવાન હારી ગયો છે. એનું મન થાકી ગયું છે. અને વિશેષ તો એવો જાણે દરિયાને તળિયે બેઠો છે કે હવે ઉપર આવવાની એને કશી જ આશા રહી નથી.
એ કશું કહેવા જતી હતી. પણ ત્યાં તો અચાનક જ ઊભો થઈને પરંતપ સડસડાટ ઉપર ચડી ગયો. અને પહેલી જ વાર કશા અદીઠ ભયે શાંતિદા કંપી ઊઠી. મન આવું થઈ ગયું હોય ત્યારે માણસ શું કરી બેસે એની શી ખબર? અને પરંતપ કશું કરી બેસે તો? દુનિયા તો પોતાને જ દોગામી દેશે ને?
અને શાંતિદા ભયની મારી પાટ પર બેસી પડી. એને પોતાની વાત યાદ આવી. કેવું વિચિત્ર બન્યું હતું પોતાનું? પહેલું માગું તો આ પરંતપને માટે જ મોકલેલું. પોતે ઉંમરે મોટી હતી તોય બા-બાપુની ઇચ્છા – અને એ વખતે તો પોતાનીય ખરી ને? – પરંતપ સાથે જ. પણ ત્યાં…. આવી પોતે, જે ઘરને પોતાનું ગણવાનું એને મન થયું હતું ત્યાં. પણ એમના… એના પિતાની બીજી વારની પત્ની લેખે.
બેબાકળી બનીને, પોતાના મનમાં ભંડારાઈ રહેલી વાત કોઈ જોઈજાણી તો નથી ગયું ને એ બીકે, એણે આસપાસ જોયું. કોઈ ન હતું. છગન પ્યાલા-રકાબી ધોવામાં પડ્યો હતો. માત્ર વિલાસ ત્યાં પાટલા પાસે બેઠી બેઠી કશું કરતી હતી. પણ એની નજર પોતાના સામે ન હતી.
ના. પોતાને કશુંય બીવા જેવું ન હતું. અને બીવા જેવું હોય તો જ નીચું જોવા જેવું હોય. કશુંય નીચું જોવા જેવું ન હતું. અને પોતે કદી પણ ઓરમાયા જેવું કશું કર્યું ન હતું. શાંતિદાને જાણે સંતોષ થયો હોય એવું વરતાયું.
પણ સવાલ ગઈ કાલનો ન હતો. સવાલ આજનો અને વિશેષ તો આવતી કાલનો હતો.
અને પાછી શાંતિદા વિચારે ચડી.
હરખભેર, દિલના સાચા ઉમળકાથી, પોતે કંસાર રાંધ્યો હતો. પણ પતિએ એ માટે કટાક્ષ કર્યો. પરંતપે બે કોળિયા ગળે ઉતારવાનો ઢોંગ કર્યો. વિલાસ તો પહેલેથી એટલી મીંઢી છે કે એના મનમાં શું ચાલે છે એની ભલભલાને ખબર ન પડે. પતિને પોતાના દિલની લાગણી ન ગમી. પરંતપને એ ઢોંગ લાગ્યો. ઓરમાયા, સાવકાની છાપ!
અને પતિએ અમિતને કરેલાં લાડ! માનું દિલ હરખાય એવી વાત. પણ એ બધું કેમ કરતા હતા પતિ? દેખાડવા. પણ કોને? પરંતપને? ના… ના. તો પછી મને?
અને પતિના બોલવા પાછળ કેટલો ભારે, ઝેરીલો, દ્વેષીલો કટાક્ષ હતો: ‘અમિત-ચિન્મયીને કંસારનો લાભ મળ્યો હતો કે?’ કંસારનો લાભ! આ ભાગ લઈ ગયેલો, ફરી પાછો ગળે પડતો અહીં આવ્યો છે એનો લાભ!
નૃસિંહપ્રસાદ કેમ આમ કરતા હતા? શું સમજી લીધી હતી એમણે પોતાને? લાલચુ? સ્વાર્થી? લાગણી વગરની?
ન જાણે કેમ પણ મોસાળમાં નાનપણમાં જોયેલું વિશાળ ઝાડ શાંતિદાની નજર સામે આવી ગયું. વિશાળ ઝાડ. અનેક ડાળાંડાળી. ઋતુ પ્રમાણે રંગ બદલતાં પાંદડાં. અને છેક ટોચ આગળ પંખીનો માળો. પંખીનો માળો કેવો હશે એ જોવાનું એ નાનકડી છોકરીને બહુ જ મન થાય. પણ ઉપર કેમ કરીને જવાય? મામાનો દીકરો તો સડસડાટ ઉપર ચડી જાય અને ત્યાં પહોંચીને પાછો શાંતિદાને બકાવે. નીચે આવીને પાછી માળાની વાતો કરે. ‘રસોડું છે, ચોક છે, બેઠકનો ખંડ છે, હા… હા. પાટ છે અને ખુરશી-ટેબલ પણ છે. હં. નાવણિયું છે. બચ્ચાને માટે ઘોડિયું છે.’ કેવી કેવી વાત કરતો’તો એ!
એક નાનકડો નિસાસો નીસરી પડ્યો. પોતે આ બધું સાચું માનેલું. ખુરશી ને ટેબલ કેવાં બચુકડાં હશે એની કલ્પના કરેલી. નખ જેવડા ચૂલા પર એટલી જ મોટી તપેલી મૂકી હશે અને ખીચડી રાંધી હશે એવું તો જાણે પોતાની કલ્પનાની આંખે ચોખ્ખું દેખાતું હતું, એ પણ એને યાદ આવી ગયું.
અને એક વાર જબરો પવન ફૂંકાતો હતો. વંડામાં સૂકવેલી એની નાની ઓઢણી ઊડીને ઝાડમાં ભરાઈ હતી. પેલી નાનકડી છોકરી ઓઢણી માટે રોતી હતી. ત્યારે બીજાં આશ્વાસન દેતાં હતાં: ‘ગાંડી, એ તો તારી ઓઢણી બચી, ઝાડમાં ભરાઈ તે. હવે કાંઈ ઝાડ ઊડી જવાનું નથી. હમણાં પવન રે’શે એટલે ઉતારી લાવીશું.’
પણ ઝાડ નહીં ઊડે એની શી ખાતરી? ઝાડ સામે ટગર ટગર એ છોકરી જોઈ રહી. ઝાડ તો એમ ને એમ જ સ્થિર-અડગ ઊભું હતું.
પણ આ ડાળી હાલતી હતી. ઝાડ ઊડશે? ઊડ્યું? જીવ તો આવીને જાણે હોઠે બેઠો હતો. હમણાં ઊડશે. આ ઊડ્યું. ડાળી હાલતી હતી. ઉપર જોયું. માળોય ઝૂલતો હતો. તો પવનમાં માળો પીંખાઈ જશે? પંખીનું શું થશે? અને પેલાં ટેબલ અને ખુરશી, ચૂલો અને તપેલી? જીવ પડીકે બંધાયો હતો.
પણ કાંઈ ન થયું. ઝાડ ન હાલ્યું. ડાળી હાલતી બંધ થઈ ગઈ. માળો ઝૂલતો અટકી ગયો. અને ઓઢણીય પાછી આવી. જરાકે ફાટી ન હતી.
માળો ઝૂલે ત્યારે ડાળ સ્થિર રહે છે. ડાળ હાલે ત્યારે ઝાડ સ્થિર રહે છે. સહુ એકમેકને જાણે સાચવે છે. હુલાવે ફુલાવે. ક્યારેક વઢ-ઝઘડે પણ ખરા. છતાં સહુને એકમેકની હૂંફ.
કલ્પનાનાં ટચૂકડાં ખુરશી અને ટેબલ, ચૂલો અને તપેલી, અરે પેલું ઘોડિયું-કલ્પનાનાં ગયાં; સાચનાં આવ્યાં.
ના, માળો નહીં પીંખાય. મોટી વાત તો હૂંફ અને હૂંફના વિશ્વાસની છે.
જાણે કશો નિર્ણય આપોઆપ મનમાં દૃઢ થઈ ગયો હોય એમ, શાંતિદાના મનને કશો કરાર થયો હોય એમ લાગ્યું. માથેથી ભાર ઊતરી ગયો.
વિલાસ! આવને અહીં.’ અને વિલાસ એની પાસે આવી. કેવી બેબાકળી બની ગઈ હોય એવી લાગતી હતી એ? માળો હાલી ઊઠ્યો હતો! એક પણ અક્ષર બોલ્યા વિના શાંતિદાએ વિલાસને બાથમાં લીધી અને એ પણ એક અક્ષર બોલ્યા વિના જ એ બાથમાં સમાઈ ગઈ. કશોય અવાજ કર્યા વિના એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. શાંતિદાનો ખભો ભીનો થયો. એનો હાથ વિલાસની પીઠ પર ફરતો હતો.
બંને એકાએક ચોંક્યાં.
‘ઓત્તારીની!’ કેડે બંને હાથ મૂકી, ખભે દફતર ભરાવેલો અમિત સામે જ ઊભો ઊભો આશ્ચર્ય વ્યક્ત કરતો હતો.
‘ઓત્તારીની! આ તો રુવે છે! બોલ ભાભી, હું કોઈ દા’ડો રોઉં છું?’
વિલાસ શાંતિદાની બાથમાંથી છૂટી પડીને હરણી જેમ અંદર દોડી ગઈ. અમિતે ખભેથી દફતર ઉતાર્યું. અને પાટ પર ધબ દેતુંકને મૂક્યું.
‘હજુ બેન નથી આવી? પછી હું તો એકલો દુકાને જતો રહીશ. મને મોડું થાય.’ અમિત કટાણું મોં કરીને બોલ્યો.
‘તું વે’લો ભાગી આવ્યો છું, એની વાત તો કરતો નથી!’
‘કોઈ કે’ તો ખરું? જોને હજુય બેન નથી આવી! કેટલું મોડું થવાનું? પછી મોડું થવાનું અને અમને ફરવા નહીં લઈ જાય!’ અમિતે મનમાં જેની બીક હતી એ વાત કહી.
‘પણ તું નાસ્તો કર. હાથ-મોં ધો. કપડાં બદલ. એટલી વારમાં બહેન આવી જશે.’ શાંતિદાએ એને ટાઢો પાડવા કહ્યું.
‘બેન એમ જ કરે. આજે વળી મોટાભાઈ આવ્યા એમાં અમને દુકાને આવવાનું કહ્યું…’ અમિત બોલતો હતો, પણ શાંતિદાએ દોડીને એના મોં પર પોતાનાં આંગળાં દાબ્યાં. આંખ રાતી કરી અમિતને કહ્યું:
‘ચૂપ રહે.’
અમિત ડઘાઈ ગયો. આજે આ બધાંને થયું છે શું?
જરા જોર કરીને એણે શાંતિદાનાં આંગળાં પોતાના મોં પરથી હટાવ્યાં. રાતી આંખ સામે એણેય આંખ રાતી કરી.
‘તું કેમ ડરાવે છે મને? કહી દેવાનો, બધું કહી દેવાનો. જા.’ કહી એ બહાર દોડ્યો. પણ શાંતિદાએ પણ પાછળ દોટ મૂકી. સામે જ ચિન્મયી મળી એટલે બંને મળીને અમિતને ઘરમાં લાવ્યાં. થોડી સમજાવટ પછી અમિતે હાથ-મોં ધોઈ કપડાં બદલ્યાં. એનું બબડવાનું તો ચાલુ જ હતું.
‘હવે જો તું બબડ્યો છે ને તો દુકાને નહીં મોકલું.’ શાંતિદાએ જરા ગુસ્સામાં એને કહ્યું.
‘તે તું કોણ છે અમને મોકલનાર? અમને કહ્યું છે ત્યારે જઈએ છીએ! સમજીને! કોઈએ અમને દમ નહીં મારવો.’ અરીસા પાસે ઊભાં ઊભાં માથામાં કાંસકી ફેરવતાં અમિત બોલ્યો.
એક ક્ષણ તો શાંતિદા સ્તબ્ધ થઈ ગઈ. અમિત કોઈ વાર સામું બોલ્યો ન હતો. આજે આ ઘરનું આખું વાતાવરણ જાણે બદલાઈ ગયું.
ચૂપ કર કહું છું!’ શાંતિદાએ ઘાંટો પાડ્યો.
પણ આજે અમિતને કશો વિચિત્ર પવન લાગ્યો હતો. દુકાને આવવાનું કહ્યું હતું. ઘરમાં અમારું આજે સાવ જુદું જ માન હતું. અને આ અમને કેમ દબડાવે છે?
શાંતિદાથી આ સહ્યું ન ગયું. અમિતનો કાન પકડીને એણે આમળ્યો. વિલાસે વચ્ચે આવીને અમિતને બાથમાં લીધો ન હોત તો શાંતિદાએ એને ગાલ પર તમાચોય ચોડી દીધો હોત.
‘તું શું કામ વચ્ચે આવી?’ શાંતિદાથી પોતાનો રોષ મનમાં સમાવાયો નહીં તે વિલાસ પર ઠલવાયો.
‘હોય, એ તો છોકરું છે. એને કશી ખબર છે?’
વિલાસે શાંતિદાને ટાઢી પાડવા સહેજ મલકીને કહ્યું.
‘પણ જો ને બોલે છે તે? કોક સાંભળે તો શું કહે?’
શું ‘કે’વાનું હતું કોઈ?’ વિલાસે જવાબ વાળ્યો. અને અમિતના હાથમાંથી કાંસકી લઈ, અમિતની આંખને અણિયાળે આવેલું એકાદ આંસુ સાલ્લાના છેડાથી લૂછી નાખી એણે અમિતનું માથું ઓળવા માંડ્યું.
‘આવું બોલતા હોઈશું, અમિતભાઈ?’
‘તે અમને મારે? અમને મારનાર કોણ છે એ?’
‘એ તો મા.’
‘જોઈ મોટી મા! કહી દઉં છું. અમને કોઈએ આંગળી પણ અડકાડવી નહીં હા!’ અમિત બોલે ગયો.
જો પાછો..’ શાંતિદાને પાછો રોષ ચડ્યો હોય એમ લાગ્યું.
‘લે હવે. કે’ દિલીપકટ કરું કે આવારાકટ?’ વિલાસે અમિતને જરા રાજી કરવા કહ્યું. પણ એના કે’વાની અમિત પર ઊલટી જ અસર થઈ. અને અમિતે વિલાસના હાથમાંથી કાંસકી ઝૂંટવી લીધી.
‘લાવો મારી પાસે. બોલતા નથી એટલે…’
એ વાક્ય પૂરું બોલે એ પહેલાં તો શાંતિદાએ આવીને અમિતને ગાલે એક તમાચો માર્યો.
‘કેમ કાંઈ બહુ ચગ્યો છે? જો. તારે જે કે’વું હોય એ મને કે’જે, સમજ્યો! વિલાસને એક અક્ષર પણ કહ્યો છે તો ચામડું ઉતારી નાખીશ. સમજ્યો!’ શાંતિદા ગુસ્સામાં કાંપતી હતી.
‘તમેય શું છોકરા સાથે છોકરા જેવા થાવ છો? એ બોલે એનું મને કશું નથી. હમણાં હસીને રમશે. ખરું ને અમિતભાઈ?’ વિલાસે તંગ વાતાવરણને બને એટલું હળવું કરવા કોશિશ કરી.
‘હા. રમીશું, રમીશું, રમીશું. કોણ છે તું કે’નારી?’ જેમ વિલાસ સમજાવતી ગઈ તેમ અમિત તો વધુ આડો ફંટાયો.
‘અમિ…ત.’ શાંતિદાનો સાદ ફાટી ગયો.
‘માર તારે મારવો હોય તો. બીજાંનાં ઉપરાણાં લઈને…’ અમિત પણ ઊંચે સાદે બોલતો હતો.
પણ બધાં જ ત્યાં સ્તબ્ધ થઈ ગયાં. પરંતપ સામો ઊભો હતો.
પતિના ઝાંઝી સ્વભાવને જાણનારી વિલાસને પેટમાં ભારે ફાળ પડી. સાચી વાત ન જાણતા હોય અને આ છોકરાને માબાપે ચડાવ્યો છે એમ માની લે તો શું થાય?
શાંતિદા તો પરંતપને ત્યાં ઊભેલો જોઈને છળી જ પડી. એણે આ બાળક બોલતો હતો તે સાંભળ્યું હશે? સાંભળ્યું જ હશે, નહીંતર આમ એકાએક એ આવીને ઊભો ન રહે. તો આ બાળક મારફતે માબાપ બોલાવી રહ્યાં છે એમ તો એ નહીં માને ને? ઓરમાયી હોવાની છાપ પોતાને કપાળે લાગેલી હતી, તે તો આના મનમાં કશી ઝાળ બનીને કશું બોલાવશે નહીં ને?
પણ અમિતે અણધાર્યો વળાંક લીધો. વિલાસ પાસેથી દોડીને એ પરંતપ પાસે ભરાયો અને કશુંય બોલ્યા વિના જાણે પોતાને જે પણ કહેવાનું હતું તે માત્ર કાકલૂદીભરી નજર દ્વારા કહેતો હોય એમ એ પરંતપ સામું તાકીને ઊભો રહ્યો. અડધા વાળ ઓળેલા હતા અને અડધાનો ગુચ્છો કશી અજબ ભાત પાડતો કપાળ પર ઝૂમતો હતો – ડાળ પર પવનમાં હુલાવ્યાં-ફુલાવ્યાં-ફોરેલાં પાંદડાં ઝૂમતાં હોય એમ.
પરંતપ પણ અમિતના સામું જોઈ રહ્યો. ઉસ્તાદ છોકરો છે ને? બધાંને વહાલા થવું અને કામ તો પોતાનું ધાર્યું જ કરાવવું! એક નાનકડો નિસાસો નાખીને પરંતપ એક વાક્ય બોલ્યો: ‘અમિતભાઈ, હું બીજો નથી હોં!’ અને એ પાછો દાદર ચડી ઉપર જતો રહ્યો.
માથે તોળાતા ડુંગરમાંથી એક કાંકરી પણ ખરી નહીં, એટલે પ્રભુનો પાડ માનતી વિલાસે ઉપકારવશ નજરે શાંતિદા સામું જોયું. પરંતપને આટલું પણ બોલવું પડ્યું એ પોતાની નાલેશી સમજતી શાંતિદાએ ક્રોધ અને મમતાના એક અપૂર્વ મિશ્રણભરી નજરે અમિત સામું જોયું. એકલો પડેલો અમિત કેટલું મોડું કરવાનાં તમે બધાં!’ એવી ફરિયાદ કરતો અરીસા પાસે ગયો અને માથું ઓળીને, ચિન્મયીનો હાથ પકડીને ખેંચતો ‘આવજો, જઉં છું’ કહેતોકને પગથિયાં ઊતરી ગયો.
ઘરમાં કશી મારકણી શાંતિ પથરાઈ.
મૌનનું કવચ પહેરીને એક એક વ્યક્તિ આપરખાપણાની, જાતજાળવણીની, ફિકરમાં પડી હતી. સાથે સાથે પોતાના મનની અદાલતમાં પોતાની નિર્દોષતાની ગવાહી દેતું હોય એમ ફરી ફરીને એક એક, બોલ્યાચાલ્યા અને વિચાર્યા સુધ્ધાંનું પુનરાવર્તન કરતું હતું.
શાંતિદાએ એક એક બોલનો તોલ કરી જોયો. અમિત આવું કેમ બોલ્યો? કોણે એને આવું બોલવા પ્રેર્યો? સવારે તો ‘મોટાભાઈ’ ‘મોટાભાઈ’ કરી રાજી રાજી થઈ ગયેલા અમિતને આ ‘ઓરમાયા’ એવું ભાન ક્યાંથી થયું? અને કોઈ પણ વાર સામું ન બોલનાર અમિત આજે આ હદે સામું બોલતો ક્યાંથી થયો? પળભર તો શાંતિદા જાણે પથ્થરમાંથી કોરેલી મૂર્તિ હોય એમ સાવ સ્તબ્ધ થઈ ગઈ. મન પણ આજે કેવાં ગતકડાં કાઢતું હતું? પિતાએ તો પુત્રને આમ નહીં કહ્યું હોય? અને કશી હાજરી લેતું પૂરતું હોય એમ મન, પિતાપુત્ર કયારે મળ્યા એની તપસીલ ખોજતું રહ્યું. ના. એ બે આમ એકલા મળ્યા જ ન હતા. સવારે અમિત ઘરમાં હતો ત્યારે તો નૃસિંહપ્રસાદ બહાર પાટ પર જ બેઠા રહ્યા હતા. એમણે જે કટાક્ષ વચન કહ્યાં હતાં તે પણ અમિતની હાજરીમાં કહ્યાં ન હતાં. પરંતપ ઘર છોડીને જતો રહ્યો હતો એ સમયનો ઝઘડો યાદ કર્યો, પણ એ વખતે જે બોલાયું હોય તે અમિતને યાદ પણ ક્યાંથી હોય? ત્યારે તો એ બહુ નાનો. અને પરંતપના અહીંથી ગયા બાદ તો એ વિષે આ ઘરમાં કે બહાર પણ એક અક્ષર બોલાયો ન હતો. તો અમિતના મનમાં આવો ખ્યાલ ક્યાંથી આવ્યો? કોણે એના મનમાં ઝેર વાવ્યું?
મન ઉદાસી ઉદાસી બની ગયું. પોતાની જ કૂખે જન્મેલા બાળકને પોતે આટલો પણ સંસ્કાર આપી ન શકી. કેટલી પામર પોતે!
અને આવો ડંખ ઓછો હોય એમ આ લોક, આ વાત નહીં જ માને. માએ પાસે રહીને દીકરા પાસે કહેવરાવ્યું એમ જ માનશે, એનો ડંખ પણ એના દિલને કોરી ખાવા લાગ્યો.
માળો નહીં, ડાળ જ નહીં, પણ ખુદ ઝાડ જ હાલી ઊઠ્યું લાગતું હતું.
શાંતિદાએ ઊંચું જોયું. વિલાસ પાણીનો પ્યાલો લઈને પાસે ઊભી હતી. શું વહાલ નીતરતું હતું એ આંખમાંથી!
એક માનવી તો પોતાની સાચી વાત જાણે છે, અને માને છે, એવી શ્રદ્ધા શાંતિદાને થઈ. અને એની આંખમાં પણ ઉપકારવશતાની શીળી ચમક આવી. વગર બોલે એણે વિલાસના હાથમાંથી પ્યાલો લીધો. પણ એની નજર તો પેલી નજરનો ઉપકાર માનતી અને સાથે સાથે, જે વાત તું જાણે છે, અને હું માનું છું, એ વાત બીજાને, પેલા પોતે બીજા નથી એમ કહીને ગયેલાને કે’જે, સમજાવજે, અને વિનવતી, એ નજર સાથે જ એકતાર થઈને રહી હતી.
અમિત બોલ્યો એ વિલાસને પણ લાગ્યું તો હતું જ. સવારથી એ અહીંનું વાતાવરણ જોતી હતી. બોલાયેલા બોલ એણે સાંભળ્યા હતા. ન બોલાયેલા છતાં ખંજરની ધાર જેમ ભોંકાઈ જતા બોલનો પણ એને અનુભવ થયો હતો. સસરાજીએ સ્પષ્ટ ‘જતા રહો’ એમ કહ્યા સિવાય બધું જ કહ્યું હતું – કહી દીધું હતું. અને સગી મા પણ ન લે એ રીતે પોતાને શાંતિદાએ બાથમાં લીધી હતી એ વાત પણ એનાથી ભુલાય એમ ન હતી. પેલા દડબડ દડબડ દાદરો ઊતરતા આવ્યા અને નિષ્ઠાપૂર્વક, માત્ર કોરી કરવાની વાત ખાતર નહીં, પણ મનની ખરી લાગણીથી શાંતિદાએ કહેલા એક વેણથી એનો રોષ શમી ગયો હતો, એ વાત પણ એને યાદ આવી ગઈ. અરે એ ભુલાય એમ જ ક્યાં હતું? અત્યારે શાંતિદા બિચારી કેવી રિબાઈ રહી હતી? એના દુઃખ આગળ પોતાનું દુઃખ તો કશી જ વિસાતમાં ન હતું. અને આ નજર!
પ્યાલો બાજુએ મૂકીને વિલાસ શાંતિદા પાસે બેસી ગઈ. અને બીજા બધા ખ્યાલને બાજુએ મૂકીને એણે શાંતિદાને, કોક મોટું માણસ નાનાં બાળકને હૂંફ દેવા જ પોતાની બાથમાં સમાવી દે એમ સમાવી દીધી. અને શાંતિદા પણ બીજો બધો ખ્યાલ બાજુએ મૂકીને જીવનમાં જાણે પહેલી વાર જ સાચી, દિલભરી, નિષ્ઠાભરી હૂંફ મળી હોય એમ એ બાથમાં સમાઈ ગઈ.
કેટલો સમય વીત્યો એની કોઈને ખબર ન રહી.
છગને આ જાગતાં છતાં ખોવાઈ ગયેલાં સાસુવહુને જગાડ્યાં. સગડી તો સળગીય ગઈ.’
શાંતિદા સફાળી બાથમાંથી બહાર નીકળવા જતી હતી. વિલાસે પણ બાથ ઢીલી કરી. પણ શાંતિદાનો હાથ પકડીને એણે પાટ પરથી ઊઠવા જ ન દીધી.
‘બેસો તમે. હું બનાવી દઉં. શું બનાવું?’ વિલાસે પૂછ્યું.
જિંદગીમાં પહેલી વાર સાસુપદનો આસ્વાદ લેવા જેવું શાંતિદા મલકી. પણ પાછું જાણે પૂર્ણ ચંદ્ર આડે વાદળી આવ્યા જેવું થયું. બધાને ભાવે, ન ભાવેની વાત એના મનમાં આવી.
ના, ના. તું બેસ. હમણાં કરી નાખું છું હું.’ એ ઊભી થવા ગઈ, પણ એને ખભે હાથનો ભાર મૂકીને વિલાસે એને ઊભી જ ન થવા દીધી. ‘ના. આજે તો હું જ રાંધીશ!’
‘પણ બધું ક્યાં પડ્યું છે એની તને ખબર નહીં હોય,’ શાંતિદાએ વાંધો ઉઠાવ્યો પણ વાંધો મોળો હોય એવું પોતાને જ લાગ્યું.
‘તે કોક વાર તો બધું ક્યાં છે એ મારે પણ જાણવું પડશે ને?’ બોલતાં તો અત્યુત્સાહમાં વિલાસથી બોલી જવાયું પણ જો પોતે કદી ન કલ્પેલો અર્થ આ શબ્દોમાંથી તારવવામાં આવે તો? બોલ્યા બદલ પોતે ક્ષમા માગતી હોય એમ વિલાસ શાંતિદા સામું જોઈ રહી.
શાંતિદાના કાન પણ પહેલી વાર સરવા થયા. પણ વિલાસનો ચહેરો તો એના પારદર્શક મનની જ જાણે પૂરી તસવીર જેવો હતો. એના દિલમાં કશી ઘાપાવડી હોવાનો સંભવ જ નથી. આંખથી જ હા પાડીને – વિલાસને લાગ્યું તેમ ‘ના બેન, એનું કશું મારા મનમાં આવ્યું નથી’ એવો ભાવ દર્શાવતી નજરે – શાંતિદાએ વિલાસ સામું જોયું અને વિલાસ રાંધવામાં પડી. શાંતિદા પાટ પર વિચાર કરતી બેસી રહી.
ફરી પાછું એને મોસાળમાંનું પેલું ઝાડ યાદ આવ્યું. દિવસમાં પહેલી વાર યાદ આવ્યું હતું ત્યારે એને ઝાડની દૃઢતા, અવિચળતા યાદ આવી હતી અને એ ક્ષણે તો માળાને અળવળ નહીં આવે એવો કશો વિશ્વાસ, શ્રદ્ધા, સલામતીની ખાતરી એને થયેલી. પણ ત્યાર પછી કશુંક બન્યું હતું. મન એક વાતે ખૂબ ખૂબ પ્રસન્ન હતું. નિષ્ઠાની પ્રતીતિ કરાવી બેઠેલા મનને પ્રસન્ન હોવા અને થવાનો પૂરો હક્ક પણ હતો. પણ બીજી રીતે એ મન ખિન્નતાના ઊંડા ધરામાં જાણે ગડબડતું ગૂંચવાઈ ગયું હતું. જેને પોતે સ્થિર, દૃઢ, અવિચળ માનેલું એ તો આખરે માનવીનું મન જ હતું ને? અને એના જેટલું ચંચળ, અસ્થિર, સ્વાર્થ અને રોષ, દ્વેષ અને ભંભેરણીને વશ તો આ દુનિયામાં બીજું છે શું?
ઝાડ: ઝાડને સહારે ડાળ: ડાળને આશરે માળો! અને માળામાં સલામતી માનનાર પંખી! કેવી છેતરામણી છે આખી વાત! બધું ઊગે છે મનની ધરતી પર. અને આ મનની ધરતી તો કઈ ક્ષણે ધરતીકંપ નથી અનુભવતી?
‘અમે ફરી આવ્યાં!’ અમિત બારણું ખોલતાં બોલ્યો અને હાથમાં હતું એ પિપૂડું એણે જોસભેર વગાડ્યું.
શાંતિદા જરા રંજભર્યું મલકી. આ છોકરાએ એના બાપને શું શું કહ્યું હશે એ જાણવા જ જાણે એણે પતિના ચહેરા સામું જોયું. ત્યાં તો આછા થાક સિવાય બીજો કશો ભાવ ન હતો. નાનકડો નિસાસો નાખીને એ પાટ પરથી ઊભી થઈ. અને અંદર રસોડા પાસે ગઈ. નૃસિંહપ્રસાદ એને જતી જોઈ રહ્યા. દીકરાની તૂટકછૂટક વાત અને ચિન્મયીના મૌન પરથી એમણે જે અનુમાન તારવ્યાં હતાં એ ઘણે ભોગે સાચાં લાગ્યાં. અને નૃસિંહપ્રસાદ પોતાની જાતને જ ‘હું નો’તો કે’તો!’ કહેવા લાગ્યા.
‘જમવાનું થઈ ગયું છે.’ શાંતિદા બોલી.
‘મારી તો જમવાની ઇચ્છા નથી, નૃસિંહપ્રસાદ બોલ્યા.
‘તમે તો કશુંય ખાધું ન હતું,’ અમિત બોલી ઊઠ્યો.
‘લુચ્ચા, તેં મારે માટે રહેવા જ ક્યાં દીધું’તું?’ લાડમાં ઠપકો દેતાં નૃસિંહપ્રસાદ બોલ્યા.
ત્યાં તો શાંતિદા સામે આવી.
‘કેમ નથી જમવું? તબિયત તો સારી છે ને?’ આ જ એક મોટું દુઃખ છે તમારું. ચાલો જમીશ.’
અને બીજું કોઈ બોલે એ પહેલાં જ અમિતે ઘાંટો પાડ્યો: ‘મોટાભાઈ, ચાલો જમવા!’
શાંતિદા અને રસોડામાં બેઠેલી વિલાસ, બંનેને ભારે વિસ્મય થયું. આ બહાર ગયો ત્યારે નક્કી કશી વાત કરી હશે અને કશું સાંભળ્યુંય હશે!
પરંતપ નીચે આવ્યો. નૃસિંહપ્રસાદ અત્યારે એના સામું જ જોઈ રહ્યા હતા એટલા ભાને તો પરંતપ મનમાં ભારે મૂંઝવણ અનુભવવા લાગ્યો. માર્યું માર્યું એ મલક્યો અને પાટ પર બેસતાં એણે અમિતને પૂછ્યું: ‘કેમ ક્યાં ફરી આવ્યા? શું ખાધું? શું લાવ્યા?’ એને પોતાને પણ પોતે પૂછવા ખાતર પૂછે છે એવું જ લાગ્યું. લાગણીના રણકાનો તો સદંતર અભાવ એને પોતાને ખટક્યો.
અને અમિત પાછો બોલવે ચડ્યો:
‘આ ગામમાં ફરવા જેવું છે શું? આ બાગ અને જનાવર. ખાવામાં પકોડી અને ધૂળ. અને લાવવામાં આ પિપૂડું! હવે એ જ વગાડવાનું છે ને?’ પોતે જાણે બધાને છક્ક કરી દે એવું બોલ્યો છે એવા ગૌરવના ભાને એણે પિતા સામું જોયું.
પિતા આછું મલકતા હતા.
પણ પરંતપનું મોં પડી ગયું. પોતે આવ્યો એટલે હવે તારે પિપૂડું વગાડવાનું જ રહેશે એવું પિતાએ જ અમિતને કહ્યું હશે ને? નહીંતર એ ક્યાંથી એવું બોલે? અને તો તો એ સાંજના જે બોલ્યો હતો તે… તે પણ શિખવાડેલું જ ને?
ઉદાસ ચહેરે હાથ ધોઈને એ પાટલે બેઠો. ત્રણ જ પાટલા માંડ્યા હતા.
‘કેમ ત્રણ જ પાટલા? બેન ને તમે સાથે નહીં બેસવાનાં? આપણે તો રોજ બધાં ભેગાં બેસતાં હતાં?’ અમિતે સવાલ પૂછ્યો.
નૃસિંહપ્રસાદ પણ બંધાઈ ગયેલી ઘરેડમાં થયેલા ફારફેરથી તાજુબ થતા હતા.
‘ચિન્મયી અમારી સાથે બેસશે.’ શાંતિદાએ જ જવાબ વાળ્યો.
હં. નૃસિંહપ્રસાદે જાણે હુંકારો પુરાવ્યો. થાળીઓ પિરસાઈને આવી. મૂંગેમૂંગા બધાએ જમવા માંડ્યું.
‘ઓત્તારીની! આ વળી શું છે?’ અમિતે હાથમાં શાકનું ફોડવું લઈને જોતાં પૂછ્યું.
‘છેતરાઈ ગયો ને?’ મલકાતાં નૃસિંહપ્રસાદે કહ્યું.
અને આને ઉત્તેજન માનીને અમિતે બીજો પ્રશ્ન પૂછ્યો:
‘કોણે રાંધ્યું છે? સ્વાદ જ જુદો લાગે છે!’ અને શાંતિદાની આંખ રાતી થઈ.
‘ચાંપલો ન થા. જમી લે.’ શાંતિદા બોલી.
કેમ? જુદો સ્વાદ લાગે તો કે’ પણ નહીં?’ નૃસિંહપ્રસાદે શાંતિદાને જાણે ધમકાવતા હોય એમ પૂછ્યું.
શાંતિદાને ઝાડ તળેની ધરતી કંપતી લાગી. પણ હવે એમ મન મારીને મૂંગા બેઠા રહેવાનો કશો જ અર્થ ન હતો. જિંદગીમાં પહેલી જ વાર એ ઊંચા સાદે, જરા આવેશમાં આવીને બોલી:
‘તમેય શું એનું ઉપરાણું લીધા કરો છો? સાવ નઠોર થઈ ગયો છે, નઠોર. બોલવા ચાલવાનું કાંઈ ભાન જ નથી એને!’
શાંતિદાને પોતાને પોતે આવું કેમ કરીને બોલી ગઈ એ વાતે વિસ્મય થયું. અને સાથે જ દુઃખ પણ થયું.
નૃસિંહપ્રસાદે જવાબ દીધો. પણ જવાબમાં ઉગ્રતા ન હતી. સાદે ઊંચો ન હતો. છતાં વ્યગ્રતા હતી એની તો ખુદ એમનાથી પણ ના પડાય એમ ન હતું.
‘હં. નઠોર. હું અને તમે જેવાં હોઈશું એવો જ થશે ને એ?’
શાંતિદાને ખાઈ ગઈ. મારે કારણે દીકરો નઠોર થયો છે? એનાથી જવાબમાં કશું ન બોલાયું.
થોડોક પોરો ખાઈને નૃસિંહપ્રસાદે ફરી એ જ ધીરા ધીમા અવાજે આગળ કહ્યું:
‘એ ક્યાં બીજે સંસ્કાર લેવા જવાનો છે? જે હશે એ બધું આ જ ગોળીના પાણીના પ્રતાપ!’
કોને કે’તા હતા આ? શું કે’વા માગતા હતા આ? અને આટલો આંચકો આપ્યો હતો એ થોડો લાગતો હોય એમ પાછું નૃસિંહપ્રસાદે કહ્યું:
‘તુલસીદાસે પણ કહ્યું છે ને કે સબસે હિલમિલ ચાલીએ!’
સબ!
શાંતિદાએ, બોલી રહ્યા પછી આરામથી કોળિયો ચાવતા પતિ સામું જોયું. શું જોઈને આ શિખામણ આપતા હશે? અને કોને આપે છે શિખામણ? આ બધા આગળ એમને હું અદેખી ‘ઓરમાયી’ છું એટલું જ બતાવવું છે? શાંતિદા બળીજળી થઈ અને ત્યાં જ એના મનમાં એક ખ્યાલ આવી ગયો. છોકરો બોલ્યો એ તો બાપ જ બોલ્યો. ગોળીના પાણીના પ્રતાપ!
મહાયત્ને એણે જાતને વારી. અને જાણે મનને મનાવવાના યત્નમાં એક નવો ટેકો મળી ગયો. બીજાં ભલે ગમે તે કહે કે માને, પણ આ વિલાસ તો જે ખરું છે એ જ માનશે. અને જે તું જાણે છે તે જ માનજે એમ આર્જવતાભરી વિનંતી ન કરતી હોય એમ એણે વિલાસ સામું જોયું.
પણ એની આંખમાંથી અંગારા વરસતા હોય એમ એને લાગ્યું. એ નજર જે દિશામાં મંડાઈ હતી ત્યાં શાંતિદાએ જોયું. હં. પરંતપ નીચું ઘાલીને જમતો હતો. કોઈની સાથે નજર મેળવવાનીય એની આય રહી લાગતી ન હતી.
બે સ્ત્રી: બે પુરુષ.
જાણે આ બધાં સાથે પોતાને કશો જ સંબંધ ન હોય એમ સાવ અળગી થઈને શાંતિદા વિચારતી થઈ.
એક માંગો. બીજો બીજાને ભૂંડા કરવાની વૃત્તિવાળો.
અને બંને સ્ત્રી: અદેખાઈની ખાણ ગણાઈ હતી તેવી સ્ત્રી. પણ મનમાં ભાવ, લાગણી અને ઉદારતાથી સભર.
સરખામણી આગળ વધત. પણ નૃસિંહપ્રસાદના ધીમા સાદ અને શિખામણથી મળેલી ઉત્તેજના અમિતને મૂંગો બેસવા દે એમ ન હતું.
‘આપણને તો આવું નહીં ભાવે.’
કોઈ ન બોલ્યું. એટલે છેવટે વિલાસ બોલી: ‘તમે કે’શો એવું બનાવી દઈશ, અમિતભાઈ.’
નૃસિંહપ્રસાદના કાન સરવા થયા. પુત્રવધૂનો અવાજ જ લગભગ પહેલી વાર સાંભળતા હતા. અવાજના પોતે પારખુ હોવાનો દાવો કરતા. મીઠો હતો. લાગણીવાળો લાગતો હતો.
પણ તમને આવડે જ નહીં!’ અમિત બોલ્યો.
અને ન જાણે કયાંથી જવાબ આવ્યો. અવાજ તો પરંતપનો લાગતો હતો.
‘શિખવાડજે.’
નૃસિંહપ્રસાદ હજુ તો અવાજ પરથી સ્વભાવ અને લક્ષણ પારખવાની વાત મન સાથે કરતા હતા તેમને એક નવો નાદર નમૂનો મળી ગયો: તીખો, ડંખીલો; વઢવાડિયો, મીઠો નહીં. મળતાવડો નહીં. અને એ ઢાળે ઊતરતું નૃસિંહપ્રસાદનું મન એક નવા જ વિચારની અડફેટે ચડ્યું: સ્વમાન નહીં, ઝાંઝી ભલે હોય. તીખાશ, ડંખ, વઢવાડિયાપણું: એ બધું તો સ્વમાનના અભાવને ઢાંકવાના પેંતરાં.
કુટુંબના વડા લેખે એક પાસું, એમને આ સંવાદ, વિવાદનું રૂપ લે એ પહેલાં જ થંભી જવો જોઈએ, એમ કહેતું હતું. બીજું માનવી તરીકેનું પાસું તો નવા વિચારને રવાડે ચડીને દીકરામાં સ્વમાનનો કેવો અભાવ હતો એનાં ઉદાહરણ શોધતું હતું.
‘હં.’ નૃસિંહપ્રસાદ બોલ્યા અને સહુએ — અમિતે પણ – આ કે બીજી વાત હવે પછી કરવાની નથી એવો આદેશ એમાં હતો એ વાત સ્વીકારી લીધી.
જમીને બાપ-દીકરા બહાર જઈને પાટે બેઠા. શાંતિદા, વિલાસ અને ચિન્મયી જમવા બેઠાં.
સવારની વાતની જ જાણે પુનરાવૃત્તિ થતી હોય એમ લાગ્યું. અત્યારેય પાટ પર સૂડી અને સોપારીવાળી રકાબી પડી હતી. નૃસિંહપ્રસાદે સોપારી કાતરીને ચૂરો કરી મોંમાં મૂકી. પરંતપ મનમાં કશી ભારે વ્યથા અનુભવતો હોય એમ અધૂકડો પાટ પર બેઠો હતો. અમિત પિતાને સોપારી કાતરતા જરા લાલચભરી નજરે જોઈ રહ્યો હતો. પિતાએ સવારની જેમ જ રકાબી પરંતપ તરફ ધકેલવા માંડી ત્યારે અમિતે ઝપટ મારી. સૂડી અને સોપારી ઉઠાવી. અને આખા દિવસમાં પહેલી જ વાર નૃસિંહપ્રસાદની આંખમાં ક્રોધ દેખાયો. છતાંય ધીમા અવાજે એ બોલ્યા: ‘કેમ? મૂકી દે. સોપારી ન ખવાય તારાથી.’
થાય ન થાય, ખવાય ન ખવાયની એક ઘણી મોટી યાદી અમિતને યાદ આવી ગઈ. આજના આખા દિવસ દરમિયાન પિતાનાં જે લાડનો પોતાને અનુભવ થયો હતો એ પરથી હિંમત આવેલી અને એટલે જ તો સૂડી-સોપારી લીધેલાં. પિતાએ ધમકાવ્યો ત્યારે અર્ધી ક્ષણ તો દલીલ કરવાનું એને મન થઈ આવ્યું. પણ તૂટે ત્યાં લગી તંતુ ન ખેંચવાના મૂળ સ્વભાવે જોર કર્યું. અને અમિતે સૂડી-સોપારી મૂકી દીધાં. મનમાં એને પાકી શ્રદ્ધા હતી. કોક વાર પિતા જ અત્યારે પરંતપભાઈને સૂડી-સોપારી આપે છે એમ જ મને પણ આપશે. ત્યાં લગી સોપારી ખાવી હોય તો અંદર જઈને ક્યાં નથી ખવાતી?
અમિતે સૂડી-સોપારી મૂક્યાં તે પરંતપે જોયું. પિતાએ વહેવારની કશી મર્યાદા આંકી લાગતી હતી. મોંએ બોલતા ન હતા. પણ એક એક ઝીણીમોટી વાત એ એમના મનમાં હતી એ વાત સ્પષ્ટ તો કરી જ દેતા હતા. હારીને, થાકીને, દાંતે તરણું લઈને પોતે અહીં – બાપને ઘેર આવ્યો એ એમને ગમ્યું ન હતું એ વાત વગર કહે પણ એમણે છતી કરી હતી. પણ વહેવારની વાડ પાછળ ઊભા હોવાથી એમણે જતા રહો એમ કહ્યું ન હતું. અને એ કદી એમ કહેશે પણ નહીં. કદાચ એમની જ પાસેથી ઉત્તેજન મેળવીને અમિત બોલી દેશે. શાંતિદાનું તો ઝાઝું ઊપજતું ન હતું. પિતાની સરખામણીમાં ઓરમાન માએ હૈયાની હૂંફનો અનુભવ કરાવ્યો હતો. પણ એનેય છેવટે પોતીકાનું તો જોવું જ પડશે ને!
ફરી એક વાર – કેટલામીય વાર – પરંતપ વિલાસ સાથે કરેલી દલીલનું મનમાં પુનરાવર્તન કર્યું. અને સાથે જ મનમાં ને મનમાં એને ન કહેલી વાત પણ યાદ કરી – ના, ના. એમાં યાદ કરવા જેવું રહ્યું શું હતું? એ વાત તો એના મનમાંથી ગઈ જ ક્યારે હતી?
પિતાએ પણ જ્યારે વાત કરી ત્યારે તબિયતની વાત કરી. શાંતિદા જોઈ રહી ત્યારે ગાલની ફીકાશ જોઈ રહી હતી. વિલાસને ખબર છે? જાણે છે એ મારી બા ક્ષયમાં મરી ગઈ હતી એ? એની આટલી દલીલ છતાં હું એને અહીં લાવ્યો તે.. તે એની સલામતી ખાતર…
પણ અહીં વાત જ જુદી રીતે વંકાઈ..
પિતા પોતે આ બાબતમાં કશું કહે અને પછી પોતે જે કરવું હોય એ કરે, એવો આખો દિવસ ટકાવેલો કોઠો હવે એને સાવ અર્થહીન લાગવા માંડ્યો. પોતાની જાત સાથે જ પોતે છલ ના કરતો હોય એમ એને લાગ્યું. અને કોઈનેય મોંએ શું કામ બોલાવવું?
એકાએક જ જાણે કશી આડ હટી જાય અને પાણી ધસમસતું વહેવા માંડે એમ પરંતપ બોલ્યો:
‘કાલે હું – અમે – અહીંથી જતાં રહીશું.’
નૃસિંહપ્રસાદની પોતાના તરફ ફરેલી નજરમાં પોતાની નજર પરોવવા પરંપે આંખ તો ઊંચી કરી પણ પછી હિંમત ન ચાલી તે પાછી ફરસ પર ઢાળી દીધી.
‘કેમ?’ સ્વસ્થ છું એમ દાખવવાની હરેક કોશિશ કરતા અવાજે નૃસિંહપ્રસાદે પૂછ્યું.
‘પહેલાં તો મારે આવવું જ જોઈતું ન હતું. પણ મનની નબળાઈ તે આવી ગયો. આવ્યો તે તમને નથી ગમ્યું એ તો દીવા જેવી વાત છે.’ પરંતપ બોલ્યો.
‘હં. તો તમને એમ લાગ્યું? હં. પહેલેથી ખબર આવી હોત અને સ્ટેશને હારતોરા લઈને આવત, તો તમને ગમ્યું એમ લાગત!’ નૃસિંહપ્રસાદે પરંતપ પર માંડેલી મીટને હટાવીને સૂડીથી સોપારી કાતરતાં કહ્યું.
પરંતપ પાટ પરથી ઊભો થઈ ગયો. મનમાં તુમુલ વેગે ચાલતા વિચારોને કારણે એની મૂઠી આપોઆપ બિડાઈ ગઈ.
‘સવારે જઈએ કે અત્યારે?’ પરંતપે પૂછ્યું.
અને અડધે કોળિયે જ શાંતિદા અને પાછળ વિલાસ પાટ પાસે ધસી આવ્યાં.
‘જો, તું જાણે છે, મારી પાસે ત્રાગું કોઈનું ચાલતું નથી એ. મેં તને બોલાવ્યો ન હતો. તું આવ્યો. અહીંથી જતાં બોલેલા શબ્દો પાછા ચાટીને આવ્યો. અત્યારે તને કોઈએ જવાનું કહ્યું નથી. અને છતાં જવું હોય તો કોઈ રોકતું નથી.’ નૃસિંહપ્રસાદ બોલી ગયા. અવાજમાં ઉન્માદ જેવું ન હતું. છતાં પૂરી સ્વસ્થતા હતી એમ તો ન જ કહી શકાય. હાથ તો સૂડીથી સોપારી કાતરતા જ રહ્યા.
શાંતિદાથી ન રહેવાયું. ‘આ શું બોલો છો તમે?’
નૃસિંહપ્રસાદની આંખનો ખૂણો રાતો થયો.
તમને મેં કેટલી વાર કહ્યું છે આ વાતમાં વચ્ચે ન બોલવાનું?’
‘ઘણી વાર કહ્યું છે. અને મેં એ પાળ્યું છે. અત્યારે તમે બીજાને ભૂંડા કરવા નીકળ્યા છો એટલે બોલું છું.’
નૃસિંહપ્રસાદના હાથમાંથી સૂડી પડી ગઈ. સોપારીનો ચૂરો પાટ પર વેરાયો. હોઠ પહોળા જ રહી ગયા. અર્ધીએક ક્ષણ તો જાણે મૂઢ માર પડ્યો હોય એમ બેશુદ્ધ જેવા લાગ્યા. પણ પછી થોડી કહેવાતી સ્વસ્થતા આવી એટલે એ વિશેષ ઉગ્ર થઈને બોલ્યા: ‘શું કહ્યું? બીજાને ભૂંડા કરું છું? એટલે કે તમને અને તમારાં દીકરા-દીકરીને હું આગળ ધરું છું?’
કેટલાંય વર્ષોથી દિલમાં ભંડારેલી હૈયાવરાળને આજે જાણે વાચા મળી ગઈ.
‘હા. વગોવવી છે તમારે મને. સાવકી છે. ઓરમાયો છે એટલે ઓળિયોઘોળિયો મારે માથે મૂકવો છે. બાપ જેવા બાપ છો અને આ છોકરાના મનમાં ઝેર રેડતાં તમને વિચાર ન આવ્યો!’
બધાં જાણે વીજળી પડી હોય એમ સ્તબ્ધ થઈ ગયાં. નૃસિંહપ્રસાદની આંખમાંથી તો જાણે અંગારા વરસવા લાગ્યા. પરંતપને, પોતે કેટલો અધમ થઈ શકે છે કે આવા સુખી ઘરમાં પોતે આગ ચાંપી — એ વિચારે ભારે સંતાપ થવા લાગ્યો. અમિત અને ચિન્મયી તો સાવ ડઘાઈ જ ગયાં હતાં. એક વિલાસ કંઈકે સ્વસ્થ લાગતી હતી. અને એણે જ આવા ભારે ઘટાટોપ મૌનને તોડ્યું. પરંતપ પાસે જઈને એ બોલી: ‘ચાલો.’ પરંતપ વિલાસના સામું જોઈ રહ્યો. અને ત્યાં જ નૃસિંહપ્રસાદે ત્રાડ પાડી:
‘ક્યાં જવું છે? નથી જવાનું.’
સૂડીની ધાર સોપારીની ફડશમાં પરોવાયેલી પડી હતી તેમજ રહી.