જૂના ઘરનું અજવાળું

નવા ઘરમાં રહેવા જવાનું હતું. સુકેતુને બે દિવસની રજા હતી. આવતી કાલે રવિવાર હતો અને સવારથી જ સામાન લઈ જવા માટે પેકર્સના માણસો આવી જવાના હતા. અત્યારે આખું ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સુકેતુ અને એની પત્ની મીના નવા ઘરમાં લઈ જવાની જરૂર નહોતી એવી ચીજવસ્તુઓ એકઠી કરી રહ્યાં હતાં. એવી નકામી ચીજોની સંખ્યા વધતી જતી હતી. કેટલીક વસ્તુઓ વરસોથી કશા કામમાં આવી નહોતી અને કેટલીક વસ્તુઓ બદલાયેલા સમય પ્રમાણે નવા ઘરની સજાવટમાં કામ લાગે તેવી રહી નહોતી. મીના તો બધું જ બદલાવી નાખવા માગતી હતી, પણ એકીસાથે નવી વસ્તુઓ અને ફર્નિચર ખરીદવા જતાં અત્યારે બજેટ વધી જતું હતું. એની અને સુકેતુની વચ્ચે થયેલી લાંબી ચર્ચા અને દલીલો પછી મીનાએ કમને સંમત થવું પડ્યું હતું.

જૂની ચીજોનો મોટો ઢગલો થવા લાગ્યો હતો. રમણભાઈ ડ્રૉઇંગરૂમમાં એકઠી થઈ રહેલી જૂની અને નકામી ચીજોના ઢગલા સામે જોતા ઊભા હતા, એક ખૂણામાં – ડ્રૉઇંગરૂમની બારી પાસે. એ નિઃસ્પૃહ અને તટસ્થ દેખાતા હતા. એમનો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો અને એ કશું બોલ્યા પણ નહોતા. ત્યાં એકઠી થયેલી વસ્તુઓના ઢગલામાં તાંબાના ત્રણ-ચાર કળશિયા હતા, જમવા બેસતી વખતે કે ઘરમાં પૂજા હોય ત્યારે વપરાતા પાટલા હતા, પિત્તળના ત્રાંસ હતા, બે-ત્રણ ઢીંચણિયાં પણ માળિયામાંથી નીકળ્યાં હતાં. રમણભાઈ દરેક ચીજને ઓળખતા હતા, દરેકનો જાણે ઇતિહાસ હતો – કશાક અંગત પરિચય જેવું લાગતું હતું. મીના દરેક વસ્તુ વિશે કંઈક ને કંઈક અભિપ્રાય આપતી જતી હતી – ‘બાપ રે! આ બધું આટલાં વરસો આપણે સાચવી રાખ્યું! પછી તો માળિયામાં ઉંદરડા જ ફરે ને!’ બુંદી પાડવાનો ઝારો તો એણે રીતસર જમીન ઉપર ફેંક્યો હતો. રબ્બિશ!’ મીના બબડી હતી, ‘આ તે ઘર છે કે કંદોઈની દુકાન?’ એ વખતે સુકેતુએ એની સામે જરા નારાજગીથી જોઈ લીધું હોય તેવો વહેમ રમણભાઈને ગયો હતો.

એક સગડી પણ નીકળી હતી. એ સગડી જોઈને કદાચ સુકેતને પણ કશુંક યાદ આવ્યું હશે. શિયાળાની રાતે ઠંડી વધી જતી ત્યારે સુશીલા એ સગડીને રસોડામાંથી ઉપાડી આવતી અને ડ્રૉઇંગરૂમમાં વચ્ચોવચ મૂકતી. એમાં તાપણું કરવામાં આવતું. એ તાપણાની હૂંફમાં રમણભાઈનું આખું કુટુંબ – એ પોતે, પત્ની સુશીલા, સુકેતુ અને દીકરી નીતા – ઠંડી દૂર કરતાં. નાનકડો સુકેતુ રમણભાઈ અને સુશીલાની વચ્ચે બેસતો અને જરૂર ન હોય તોપણ નવાં નવાં છોડિયાં સગડીની આગમાં નાખતો જતો.

‘છી! આખી સડી ગઈ છે! હીટરના જમાનામાં આવી સગડી!’ મીના બોલી હતી.

‘મીના, તું કશી જ કૉમેન્ટ કર્યા વિના તારું કામ કર ને!’ સુકેતુએ એને ધીરેથી કહ્યું, પણ મીના ભડકી ઊઠી, ‘એક તો આટલાં વરસો સુધી આવી ચીજોને આપણે ઘરમાં ભરી રાખી… કોઈને ફેંકવાનો વિચાર ન આવ્યો!’

એક ચાલણગાડી પણ નીકળી, એ જોઈને પૌત્ર આયુષને રસ પડ્યો. એ સુકેતુને ચાલણગાડી વિશે પૂછવા લાગ્યો. વ્યસ્ત સુકેતુએ આયુષને કહ્યું, ‘દાદાજીને પૂછ. એ તને સમજાવશે.’

મીનાએ આયુષના હાથમાંથી ચાલણગાડી ઝૂંટવી લીધી અને ઢગલામાં ફેંકી. આયુષ રડવા લાગ્યો. રમણભાઈ આગળ આવ્યા… ચાલણગાડી ઉપાડી.

‘તમે પણ શું, પપ્પા?’ મીના ચિડાઈ ગઈ.

રમણભાઈએ ધ્યાન આપ્યું નહીં. આયુષને એક તરફ લઈ ગયા. ચાલણગાડી ઊભી કરી.

‘આને ચાલણગાડી કહેવાય, બેટા!’

‘ચાલણગાડી?’

‘હા, બેટા. બાળક નાનું હોયને ત્યારે અહીંથી પકડીને ઊભું થાય. ચાલણગાડી ચાલે અને બાળક ચાલે.’

આયુષને નવાઈ લાગી.

‘કેવી રીતે, દાદાજી?’

રમણભાઈએ તે કરી બતાવ્યું. આયુષ તાળી પાડવા લાગ્યો.

બેટા, તારા પપ્પા અને નીતાફોઈ આનાથી ચાલતાં શીખ્યાં હતાં!’

આયુષે સુકેતુ તરફ જોયું, ‘આ પપ્પા?’

‘હા – એ જ પપ્પા!’

‘મારે પણ ચલાવવી છે, દાદાજી!’

‘રિપૅર કરાવી લેશું, પછી તું ચલાવજે.’

‘રિપૅરબિપૅર કરાવવાની કંઈ જરૂર નથી.’ મીનાનો અવાજ સંભળાયો, ‘આ બધી ભંગારની ચીજો છે. કબાડીને આપી દેવાની છે. નવા ઘરમાં આમાંનું કશું જ લઈ જવાનું નથી.’ એણે ઉતાવળને લીધે રમણભાઈના હાથમાંથી પણ ચાલણગાડી ઝૂંટવી લીધી અને ઢગલામાં ફેંકી.

આયુષ ફરી રડવા લાગ્યો, રમણભાઈ રડવા જેવા થઈને ઊભા થઈ ગયા. સુકેતુ વચ્ચે પડ્યો, ‘અત્યારે તો એને રમવા દે!’

‘આ રીતે તો કામનો આરો જ નહીં આવે!’ મીના છણકો કરીને બીજા રૂમમાં ચાલી ગઈ.

‘રડ નહીં, આયુષ. હું તને નવી અપાવીશ.’ સુકેતુએ આયુષને છાનો રાખવાનો પ્રયત્ન કર્યો.

રમણભાઈએ ઢગલા તરફ અછડતી નજર ફેંકી. ત્યાં કેટલીક ફ્રેમ પડી હતી. મોટા ભાગની ફ્રેમ ખાલી હતી અને તૂટી ગઈ હતી. એક ફ્રેમમાં શિવજીનું ઝાંખું થઈ ગયેલું ચિત્ર હતું. સુશીલાએ એક કૅલેન્ડરમાંથી એ ચિત્ર કાઢીને મઢાવ્યું હતું અને પૂજામાં રાખ્યું હતું.

એકાએક રમણભાઈના કાનમાં પૂજાના ખૂણામાંથી ઊઠતા અવાજ અથડાવા લાગ્યા. સુશીલાનો અવાજ. ઘંટડીનો રણકાર. આરતી ઉતારવા ટાણે આસપાસ ચકરાતું જ્યોતનું અજવાળું. રમણભાઈ સુખડ ઘસે છે. પાલખની રેશમી ગાદી પર અનેક ભગવાનોની નાની નાની મૂર્તિઓ બેઠી છે. એની સાથે બીજા પણ કેટલાય ભુલાઈ ગયેલા અવાજો અને સુગંધોથી આખું ઘર ઊભરાઈ ગયું. વરસો પહેલાંની ગૃહસ્થીના અવાજો અને તેની ગંધ. બધું જ જાણે એકીસાથે રમણભાઈ ઉપર ખાબક્યું.

એ યાદ કરવા લાગ્યા. આ ઘર એમણે બંધાવ્યું ત્યારે ગામ પ્રમાણમાં નાનકડું હતું, એક ઊભરી રહેલા શહેર જેવું. ગઢની બહાર પહેલી સોસાયટી બની. રમણભાઈએ પૈસાની વ્યવસ્થા કરી હતી. સુશીલાએ પણ કહ્યું હતું, ‘થોડાં વરસો હાથ ટૂંકો રાખશું તો ઘરનું ઘર થઈ જશે. જરૂર પડશે તો મારા દાગીના…’ દાગીના વેચવાની જરૂર પડી નહોતી. ઘર બંધાઈ ગયું હતું. રમણભાઈ અને સુશીલા ઘરના વાસ્તા વખતે હવન કરવા બેઠાં હતાં. એ જ જગ્યાએ હવન કર્યો હતો, જ્યાં અત્યારે જૂની ચીજોનો ઢગલો કરવામાં આવી રહ્યો છે. સુકેતુ અને નીતા આ જ ઘરમાં જન્મ્યાં હતાં. અત્યારે સુકેતુ અને મીનાનો બેડરૂમ છે એ રૂમમાં જ સુશીલાનો ખાટલો હતો. સોસાયટીના મકાનમાં રહેવા આવી ગયાં હતાં, છતાં પણ રમણભાઈની માએ સુવાવડી સુશીલાના ખાટલા નીચે શેક કરવા છાણાં મૂક્યાં હતાં. એની પણ ગંધ ઊઠી રહી છે.

‘પપ્પા!’ સુકેતુનો અવાજ સંભળાયો, છાણાંની ગંધમાંથી પસાર થઈને રમણભાઈ સુધી પહોંચેલો એ અવાજ લગભગ ઘાંટા જેવો લાગ્યો. રમણભાઈ ઝબકી ગયા. લાંબી ઊંઘમાંથી જાગ્યા હોય તેમ સુકેતુ સામે જોવા લાગ્યા.

‘તમે તમારી ચીજો એકઠી કરી લીધી?’ સુકેતુ પૂછતો હતો.

‘ના, કરી લઉં છું.’

‘જલદી કરોને, પપ્પા, પ્લીઝ. ભંગારવાળાને બોલાવ્યો છે. થોડી વારમાં એ આવશે.

મીના આવી.

‘મેં તમને અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે તમારું બધું એકઠું કરી લેજો. આ વખતે મીનાના અવાજમાં માત્ર ઉતાવળ નહોતી, ચીડ પણ સંભળાઈ, ‘કાલે પેકર્સ આવશે. એ લોકો કંઈ રાહ નથી જોવાના. ધબાધબ શરૂ કરશે. જલદી કરો, પપ્પા!

‘હમણાં જ કરી લઉં છું. વાર નહીં લાગે.’ રમણભાઈ એમના રૂમમાં ગયા. એ ત્યાં ઊભા રહ્યા. કરવાનું શું હતું એ જાણે સૂઝતું જ નહોતું. શું લઈ જવું અને શું મૂકી જવું? આટલાં બધાં વરસોનો અસબાબ. અઠવાડિયું તો શું, વરસો વીતી જાય તોપણ એકઠું કરી શકાય તેમ નથી. નવા ઘરમાં એમના માટે એક નાનકડો રૂમ ફાળવવામાં આવ્યો હતો. એ સિવાય બીજો બધો જ વિસ્તાર એમના માટે નહીં હોય. નવું ઘર લગભગ બંગલા જેવું હતું. લગભગ શા માટે? બંગલો જ હતો. સુકેતુને બૅન્કમાંથી મોટી રકમની લોન મળી હતી, હાથ ટૂંકો રાખવાની જરૂર નહીં પડે. નવા ઘરમાં ઉપર-નીચે નાનામોટા સાતેક રૂમ હતા. આયુષ માટે પણ અલગ રૂમ હતો. એ ત્યાં પોતાનાં બધાં ટૅડી ગોઠવવાનો હતો. મહેમાનો માટે પણ અલાયદો રૂમ… મોટા ભાગે ખાલી પડ્યો રહેશે. વરસના વચલા દહાડે કોઈક આવે તો જ.

‘તમને લખવા-વાંચવા માટે અલગ રૂમ જોઈશે…’ સુશીલાનો અવાજ સંભળાયો અને એ વખતે બંધાઈ રહેલા આ ઘરના ખાલી વિસ્તારમાં ગુંજવા લાગ્યો. પ્લાસ્ટર થવાનું બાકી હતું. રમણભાઈ ચોંકી ઊઠ્યા. એ અત્યારે જ્યાં ઊભા છે એ જ કમરામાં સુશીલા પણ ઊભી હતી. ભીના સિમેન્ટની ગંધ ઊઠતી હતી.

‘તમારા માટે આ રૂમ. અત્યારથી જ બધી વ્યવસ્થા વિચારી લેજો.’

રમણભાઈએ સુશીલાના અવાજને હા પાડી. એમને કશું જ કરવું પડ્યું નહોતું. સુશીલાએ જ બધું ગોઠવ્યું હતું. ‘આ બારીમાંથી પૂરતું અજવાળું આવશે. તમારું ટેબલ ત્યાં એ બારી પાસે મૂકવાનું છે. આ બાજુની આખી ભીંત પર તમારાં થોથાં મૂકવાની સગવડ કરાવવી પડશે. તમારે આ રૂમમાંથી બહાર નીકળવાનું જ નહીં, નકામા મને આડા આવશો!’

રમણભાઈ હસવા માગતા હતા, પણ એમના મોઢાની ચામડી તરડાઈ ગઈ. એમણે આસપાસ નજર કરી. કોઈ નહોતું. સુશીલાનો ફોટો દેખાયો. સુખડનો હાર લટકતો હતો. એ ફોટામાંથી રમણભાઈ સામે જોઈને સ્મિત કરતી હતી. ફોટાના કાચમાં રમણભાઈનું પણ પ્રતિબિંબ પડતું હતું.

એ આખી ભીંત રોકીને ગોઠવેલાં પુસ્તકો તરફ વળ્યા. ત્યાં જઈને ઊભા રહ્યા. પુસ્તકોની હાર ઉપર સરસરતી આંગળી ફેરવી. આ બધું કેવી રીતે આટોપી શકાશે? મીનાની વાત સાચી હતી. એમણે છેલ્લા દિવસ સુધી પોતાનો સામાન એકઠો કરવાનું કામ બાકી રાખવું જોઈતું નહોતું. હવે છેક છેલ્લી ઘડીએ –

‘કેટલે પહોંચ્યું, પપ્પા?’ બહારથી સુકેતુનો અવાજ સંભળાયો. અવાજની પાછળ એ પણ અંદર આવ્યો.

‘શું કરો છો? હજી શરૂ પણ કર્યું નથી?‘

‘વિચારું છું. આ પુસ્તકો –’

‘એ બધાં અહીં જ રહેવા દો. નવા ઘરમાં તો જગ્યા જ નથી. તમે તમારાં કપડાંલત્તાં એકઠાં કરીને સૂટકેસમાં ભરી દો.’

‘પણ આ પુસ્તકો?’

‘કહ્યું તો ખરું, અહીં જ રહેવા દો.’

‘પણ આપણે તો આ ઘર વેચવા કાર્યું છે, તો’

પપ્પા, વ્હાય ડોન્ચ્યૂ અંડરસ્ટૅન્ડ? આ પુસ્તકો સાર્વજનિક લાઇબ્રેરીમાં ભેટ આપી દેશું. આપણે એવું જ નક્કી કર્યું છે ને?’

‘ક્યારે?’

‘શું ક્યારે?’

‘આપણે એવું ક્યારે નક્કી કર્યું છે?’

‘તમારી સાથે વાત નથી થઈ લાગતી! ઓકે… એ સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. લાઇબ્રેરીમાં આપશું તો ગામના લોકો વાંચશે તો ખરા!’

‘ઘરના લોકો? ઘરના લોકો નહીં વાંચે?’

‘સુકેતુને જવાબ સૂઝયો નહીં. એ ફક્ત એટલું જ બોલ્યો, ‘બીજો કોઈ રસ્તો જ નથી, પપ્પા!’

મીના અંદર આવી.

‘જલદી કરો, પપ્પા. હું તમને મદદ કરું છું. આ ગોખલા ખાલી કરવાનું તમારું કામ નહીં.’ એ રમણભાઈના જવાબની રાહ જોયા વિના એક ગોખલો ઉઘાડી તેમાંથી કપડાં બહાર કાઢવા લાગી. આખો ગોખલો ઠસોઠસ ભર્યો હતો. તેમાં સુશીલાની સાડીઓની થપ્પી ગોઠવેલી હતી.

‘આ બધી સાડીઓનું શું કરવું છે?’ મીનાએ સુકેતુ સામે જોઈને પૂછ્યું. સુકેતુ રમણભાઈની સામે જોવા લાગ્યો. મીનાએ બધી જ સાડીઓનો નીચે ઢગલો કર્યો.

‘મીના, તું રહેવા દે, હું કરી લઈશ.’ રમણભાઈ બોલ્યા.

‘તમે કર્યું હોત તો આટલા દિવસોમાં થઈ ગયું હોત…’ મીનાએ એક સાડી ઉપાડી. એ તાર-તાર થઈ ગયેલી રેશમી સાડી હતી. તેના પરની કરી ખરવા લાગી.

‘મને લાગે છે કે આ સાડીઓ–’ મીના બોલતી બોલતી અટકી ગઈ. એની નજર રમણભાઈ પર પડી હતી. એમનું ધ્યાન નહોતું. એ યાદ કરતા હતા – મીનાએ બતાવી એ સાડી સુશીલા માટે ક્યારે ખરીદી હતી? કદાચ લગ્ન વખતે જ. આણામાં.

‘પપ્પા –’

એમણે મીના સામે જોયું. એના હાથમાં બીજી સાડી લટકતી હતી, કોઈ મૃત પ્રાણીના લબડતા શરીરની જેમ લટકતી સાડીને એ જોઈ રહ્યા.

આ સાડી… કદાચ સુકેતુ જન્મ્યો ત્યારે –

‘ચીંથરાં થઈ ગયાં છે, છતાં – મીના બોલતી હતી. એ સાડીઓના ડૂચા વાળીને ખૂણામાં ફેંકતી જતી હતી.

બહારથી કોઈનો અવાજ સંભળાયો, ‘બે’ન!’

‘ભંગારવાળો આવી ગયો! સુકેતુ, તમે જાઓ તો… એને પહેલાં અહીં જ લઈ આવો. અહીંથી જ શરૂઆત કરીએ. પૂછી તો જોઈએ, એ આ જૂની સાડીઓ પણ લઈ જશે કે નહીં.’

સુકેતુ બહાર જવા લાગ્યો. રમણભાઈ પૂરેપૂરા જાગ્રત થઈ ગયા હતા.

‘એક મિનિટ, સુકેતુ’ એ બોલી ઊઠ્યા, પછી પોતાના જ અવાજથી નવાઈ પામ્યા હોય તેમ ચૂપ થઈ ગયા.

રમણભાઈ આગળ શું બોલે છે એની રાહ જોતો સુકેતુ રૂમના બારણાની વચ્ચે ઊભો રહી ગયો હતો. મીના સાડીઓના ઢગલાને ફેંદતી હતી.

‘કામવાળીને પણ આપી શકાય તેમ નથી. આટલી બધી જૂની સાડીઓ! સાચવવાની જરૂર જ શી હતી?’ મીના બોલતી હતી.

ભંગારવાળાનો અવાજ ફરી સંભળાયો.

‘તમે હજી ગયા નથી? લઈ આવો એને અહીં.’

‘સુકેતુએ જવા માટે પગ ઉપાડ્યો.

‘સુકેતુ’ રમણભાઈ ધીમેથી, પણ સ્થિર અવાજે બોલ્યા. એમના અવાજમાં જૂનો રણકો ઊઠી આવ્યો હતો. આ રણકો સુકેતુએ એના બાળપણમાં ઘણી વાર સાંભળ્યો હતો.

‘ભંગારવાળાને બોલાવવાની જરૂર નથી.’

‘પણ, પપ્પા – ’ સુકેતુ બોલવા ગયો.

‘જાઓને તમે! જલદી બોલાવો એને. મારી પાસે ટાઇમ નથી.’ મીનાએ કહ્યું.

રમણભાઈએ મીના સામે જોયું.

‘મીના, એ બધી જ સાડીઓ ફરી વ્યવસ્થિત સંકેલીને ગોખલામાં જ્યાં હતી ત્યાં ગોઠવી દે.’

‘કેમ?’

‘મેં કહ્યું ને, મીના! કોઈ પણ જૂની ચીજને તમારે હાથ લગાવવાની જરૂર નથી. આ ઘરમાંથી કોઈ પણ ચીજ ભંગારમાં વેચવાની નથી.’

મીના હાથમાં પકડેલી સાડી નીચે પછાડતી ઊભી થઈ. એ સુકેતુ તરફ વળી.

‘તમે કેમ કંઈ બોલતા નથી? આપણા નવા ઘરમાં આ બધી જૂની ચીજો – ત્યાં જગ્યા જ નથી. પપ્પા, તમે સમજતા કેમ નથી?’

‘લીવ ઇટ. કોઈ પણ ચીજને હાથ અડકાડતી નહીં. નવા ઘરમાં જગ્યા નથી તો મારા આ ઘરમાં બધી જ ચીજો માટે પૂરતી જગ્યા છે. જસ્ટ ડૉન્ટ વરી!’

‘પણ, પપ્પા –’ સુકેતુ બોલવા ગયો.

‘આમાનું – આ ઘરમાંથી તમને જે કંઈ જોઈતું હોય એ તમે લોકો લઈ જઈ શકો છો. મને વાંધો નથી. બાકીનું બધું અહીં જ રહેશે – આ ઘરમાં જ.’

‘પણ, પપ્પા તમે?’

‘હું પણ આ ઘરમાં જ રહેવાનો છું, સુશીલાના ઘરમાં…’

કોઈની સામે જોયા વિના રમણભાઈ બારી પાસે પોતાના ટેબલ નજીક આવ્યા. ખુરસી ખેંચીને એના પર બેઠા. બારી સામે જોયું. સુશીલાની વાત સાચી હતી, બારીમાંથી અઢળક અજવાળું આવતું હતું.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.