ચપટી

‘સાહેબ બોલાવે છે.’

મંગાના શબ્દો સાંભળતાં જ જરીક નિરાંતે પગ લંબાવી બેઠેલી સુજાતા એકાએક પૂતળી બની ગઈ. સતત એક કલાક બોલી બોલીને ગળું સુકાઈ ગયું હતું. થાક લાગ્યો હતો. પણ મંગાના આ શબ્દોએ તેને સ્ટાફરૂમમાંથી ભરબજારમાં લઈ જઈ ફંગોળી દીધી. તેને સ્કૂલે આવતી વખતે બજારના રસ્તે જોયેલો મારકણો, કાળો બકરો યાદ આવી ગયો જેણે રસ્તાની એક બાજુએ ઊભી રહીને માની રાહ જોતી એક નાની અમથી છોકરીને હડફેટે લઈને શિંગડું માર્યું હતું. બિચારી કોઈનેય નહોતી નડી તોય. ને કેટલા બધા લોકો હતા આખા બજારમાં! બધા જ ‘એ…એ…એ…’ કરતા બૂમો પાડતા રહેલા પણ દોડ્યું કોઈ નહોતું. બાપડી શિંગડે ભેરવાઈ જ ગઈ… ખાસ્સું વાગ્યું હશે આમ તો!

મંગાએ ફરી ફરીને એ જ શબ્દો કહ્યા: ‘સાહેબ બોલાવે છે.’ સુજાતા ફરીથી બજાર વળોટીને સ્ટાફરૂમમાં આવી ગઈ. છાતીનાં પાટિયાં બેસવા માંડ્યાં. કોઈના બોલાવાના નામથી જ આટલી ગભરામણ તો કદી નહોતી થતી આ પહેલાં. સુજાતાની નજર સામે બે અણીદાર શિંગડાં દેખાઈ રહ્યાં. તેને ફફડાટ થવા લાગ્યો. મંગાએ જે કહ્યું તે કેવળ સુજાતાના કાને જ નહીં પણ સામે બેઠેલા બીજા વાર કાનોનેય અથડાયું હતું. તરત જ સામેની બાર આંખો સુજાતાના પરસેવાથી તરબતર થતા ચહેરા પર મંડાઈ ગઈ.

સાહેબના ફરમાનથી પોતાને કંઈ જ ફરક પડ્યો નથી તેવું લગાડવા તેણે નૉર્મલ રહેવાનો પ્રયાસ કર્યો — જાણે કંઈ બન્યું જ નથી! આમ તો સુજાતા ગોખણપટ્ટીની બિલકુલ વિરુદ્ધમાં છે પણ અત્યારે એને ગભરાઈ ગયેલી જાતને વારેઘડીએ ગોખાવા માંડ્યું: ઑલ ઇઝ વેલ… નૉર્મલ… તદ્દન નૉર્મલ… પણ તેણે અનુભવ્યું કે મંગાના આ શબ્દોએ તેને લાકડાની ખુરશી પરથી ધક્કો મારીને ભયાનક કોઈ અંધારિયા કૂવામાં ફેંકી દીધી હોય અથવા તો થાંભલો બની ગયેલા તેના આખા શરીર પર એકાએક બીક નામની વનસ્પતિની પાંદડાંવાળી વેલ વીંટળાઈ વળી હોય.

સુજાતાની બંને આંખોએ સામેની બારેય આંખો તરફ વારાફરતી જોયું. તેના હોઠે હસવાનો કઢંગો અભિનય કર્યો. તેના હાથે આગળથી સાડી સરખી કરી. ટાંટિયામાં ઝણઝણાટી થતી હતી. ના, ખાલી નહોતી ચઢી. પગ રીતસરના થથરતા હતા. તેણે એના મરિયલ શરીરને કમને સાહેબની કૅબિન તરફ ઢસેડ્યું.

ચકચકતા ટેબલ ઉપર કાળા રંગની નેમપ્લેટ પર સોનેરી અક્ષરોમાં લખાયેલું એક નામ પડ્યું હતું — આચાર્યશ્રી, પ્રભુ સોલંકી. એવા જ કાળા રંગના ચહેરા પર સોનેરી ફ્રેમનાં ચશ્માં પાછળની છપ્પન વરસની બે આંખો અઠ્ઠાવીસ વરસની બે ગભરુ આંખોને તાકી રહી.

સુજાતા ઊભી રહી. સોલંકીએ પોતાનું કાંડું સુજાતા તરફ કર્યું. સાહેબની ઘડિયાળના કાંટા ફરતા હતા. પણ સુજાતાને થયું કે બાવળના તીક્ષ્ણ કાંટા તેની આંખોમાં ભોંકાઈ રહ્યા હતા. તેણે નજર ખસેડી લીધી. કાળા રંગનો એ ચહેરો કંઈક વિચિત્ર કહી શકાય તેવું મલકાયો અને તરત હાસ્ય સંકેલી લઈને મોટેથી બોલ્યો:

— ‘આપણે ત્યાં વર્ગ પૂરો થવાનો સમય શું છે?’

સુજાતાએ સાહેબની પાછળની સફેદ સફેદ દીવાલ પર ટીંગાયેલી લાલ ઘડિયાળ સામે જોયું. બરાબર બાર વાગ્યા હતા. તેને આંખે અંધારાં આવી ગયાં. દીવાલ પરનો સફેદ રંગ ઊતરતો ગયો. દીવાલ કાળી કાળી દેખાવા લાગી. તેની ધોળી ફગ્ગ નજર કાળી દીવાલ પર એકસામટાં હજારો શૂન્ય ચીતરવા લાગી. થોડાં શૂન્યો ચીતર્યાં ને તેને યાદ આવ્યું, તુમાખી પથરાયેલો એક ચહેરો તેના જવાબની પ્રતીક્ષા કરી રહ્યો છે. તેણે ભારપૂર્વક કહ્યું:

— ‘જી, બાર વાગ્યે.’

— ‘તમે કેટલા વાગ્યે વર્ગ છોડ્યો?’

— ‘બારમાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે…’

— ‘કોને પૂછીને, કોની મંજૂરીથી વર્ગ પાંચ મિનિટ વહેલો છોડ્યો તમે?’

તે ફરી દીવાલને તાકી રહી. તેણે ઊભા ઊભા જ ભયના કૂવામાંથી બહાર આવવા પ્રયાસ કર્યો પણ સાહેબના છેલ્લા શબ્દો એટલા જોરથી બોલાયા હતા કે તે ધક્કાથી ફરીથી પડી ગઈ. તેણે થોડું જોર ભેગું કર્યું:

— ‘હા… પણ સાહેબ, મેં મારી ઘડિયાળ મુજબ એવું વહેલું શરૂ પણ કરેલું. ને ધારો કે મારો સમય ખોટો હોય, ને ધારો કે તમારો સમય જ સાચો હોય તોપણ સાહેબ, એક આખો ટૉપિક પૂરો થઈ જતો હતો ને બાકી બચેલી સાવ પાંચ મિનિટમાં નવા વિષય માટે નવી ભૂમિકા શરૂ પણ ન થઈ રહે… ને… બીજા કેટલાય લોકો તો ક્યારેક ક્યારેક વર્ગ લેતા જ નથી કે અડધો કલાક વહેલો છોડી દે છે. મેં તો પાંચ જ મિનિટ…’

— ‘પાંચ મિનિટ? પાં…ચ… મિનિટ એટલે શું? કંઈ ભાન પણ છે મિસિસ સુજાતા ઉપાધ્યાય? એક સેકન્ડમાં, એક સેકન્ડમાં આ દુનિયા આમ બદલાઈ જાય…’ તાડૂકી સાહેબે આદતવશ એટલા જોરમાં ચપટી વગાડી કે સુજાતાને લાગ્યું કે જાણે સાહેબે તેમના જાડા અંગૂઠા અને પ્રમાણમાં નાની એવી મધ્યમા વચ્ચે તેની આખી જાત મસળી નાખી. ચપટી છેક અંદર ને અંદર ઊતરી ગઈ. જાણે ચીમટાની જેમ ચચરવા લાગી.

સુજાતાની નજરે દીવાલ પર ફરી શૂન્ય ચીતરવાનું શરૂ કર્યું. અસંખ્ય શૂન્ય વચ્ચે તેની નજરે એક નાનકડી સુજાતા ચીતરી. સ્કૂલમાં પહેલી વાર તેનાં બહેને ચપટી વગાડી હતી. પછી એક કવિતા ગવડાવી હતી — ‘બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ…’ અને તે દિવસે આખા રસ્તે તે નાની નાની આંગળીઓથી મીઠી મીઠી ચપટી વગાડવા મથી હતી. પણ ચપટી કેમેય કરીને વાગતી જ નહોતી ને! ઘેર જઈને કેટલું રડેલી મા પાસે! પછી મા તેને પાસે બેસાડીને રોજ સાંજે ચપટી વગાડતી વગાડતી એ કવિતા ગાઈને શીખવતી હતી. કેટલી સરસ વાગતી હતી માની ચપટી! પણ સાહેબની ચપટી?

સુજાતાનું માથું ભમવા લાગ્યું. એક પરિચિત સન્નાટો છવાઈ ગયો. છતાં શોર તો સંભળાતો હતો — કણસતા શ્વાસોનો અને કાગળ પર લસરતી પેનનો. સુજાતાએ નોંધ્યું કે સાહેબને લખતી વખતના અને જોતી વખતનાં એમ બાયફોકલ ચશ્માંની જરૂર પડે છે પણ તે એવાં કોઈ ચશ્માં નથી પહેરતા.

સુજાતાના ખાલી હાથમાં એક કાગળનું ફરફરિયું હતું — ‘મેમો જ હશે’. તેના પગ પાણી પાણી થઈ ગયા. એકાએક જાણે કક્કો ઓળખવાની કે બારાક્ષરી ઉકેલવાની તાકાત પણ તે ગુમાવી બેઠી. કાગળ એટલો વજનદાર લાગ્યો કે તેના કાંડામાં તેના વજનને ઉઠાવવાની તાકાત જ ખલાસ થઈ ગઈ હોય!

એ ચૂપચાપ તેની જગ્યાએ જઈને બેસી ગઈ.

હવે તેના ચહેરા પર બાર આંખો નહોતી, પણ પૂરી અઢાર આંખો ખોડાયેલી હતી. જાણે મહાભારતના યુદ્ધનો અઢારમો દિવસ જોઈને આવી હોય! રિસેસનો સમય હતો. નવ જણાં ઑફિસિયલી નવરાં હતાં. તે બધાં તેને મૂંગાં મૂંગાં વાંચતાં હતાં.

આમ તો આ સમયે જાતભાતની વાતો થતી રહે છે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો બોલતા રહે છે નિરંતર. વર્ગખંડમાં સમીકરણો મેળવ્યા પછી અહીં જાતજાતનાં સમીકરણો મેળવવામાં ગણિતના માસ્તર શ્રી પરમારની મૌલિકતા છાશવારે દેખાતી રહે છે. લેબૉરેટરીમાં પ્રયોગો કરાવ્યા બાદ વિજ્ઞાનના માસ્તર ચાવડા કોઈ ને કોઈ અનુમાનો કે શોધ કરતા રહે છે. ઇતિહાસના માસ્તર સૈયદ પોતાની ખુરશીને હુમાયૂં કે અકબરની રાજગાદી માની એવી જ કોઈક મુદ્રાથી આરામ ફરમાવતા રહે છે. રમતગમતના માસ્તર ઠાકોરને તો લીલાલહેર છે. મેદાન વિનાની શાળામાં ખૂંપી ગયેલા કોઈ ખૂંટની જેમ ખોડાઈ રહે છે ખુરશી પર અને બેઠા બેઠા એક પછી એક પૂર્તિઓને ખો આપતા રહે છે. સંસ્કૃતના માસ્તર શિવશંકર અંગ્રેજીના સ્માર્ટ અને બોલકા માસ્તર શાહથી સતત સંતાતા રહે છે. ઘણુંખરું રિસેસના સમયમાં અંગ્રેજીના માસ્તર સ્ટાફરૂમમાં જ હોય છે એથી શિવશંકર મોટેભાગે આ સમયમાં જોવા મળતા જ નથી. ચારુલતા ચોપડીમાં માથું નાખી દે છે. ખાસ તો બધાં હોય ત્યારે. ચિત્રકામ શીખવતી અનસૂયાને મોટાભાગે ઝોકાં આવી જાય છે પણ યમુના આવે કે તરત તેની ઊંઘ ઊડી જાય છે અને બંને સાસુ, સસરા, નણંદ ને દેરાણી-જેઠાણીની કડવી-ખાટી વાતોમાં લાગી જાય છે. ‘કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી…’ હરિવંશરાય બચ્ચનની એ કવિતા વર્ગખંડમાં બુલંદ કંઠે ગવડાવનાર હિન્દીના માસ્તર શર્મા અહીં એકદમ ચૂપ થઈ જાય છે. તેમની મૂંગી મૂંગી આંખો બારી બહાર દેખાતા એક ઝાડને તાકતી રહે છે. ચાવડાએ એવી શોધ કરી લીધી છે કે હિન્દીના માસ્તર કયા ચોક્કસ ઝાડને જુએ છે અને આ ‘મહાન’ શોધ વિશે તેમણે સહુને માહિતગાર પણ કર્યા છે. એટલે ગણિતના માસ્તર શર્માની પીઠ પર ધબ્બો મારીને બધાં વચ્ચે પૂછે છે: ‘ઝાડનાં બધાં પાંદડાં બરાબર ગણી લીધાં?’ અને સહુ ખડખડાટ હસી પડે છે.

પણ જ્યારે જ્યારે મંગો આવીને સુજાતાને કહે છે: ‘સાહેબ બોલાવે છે’ ત્યારે કોઈ કંઈ બોલતું નથી. છેલ્લા કેટલાક સમયથી, કેટલીક રિસેસમાં આમ જ સ્તબ્ધતા છવાઈ જાય છે અને છેલ્લા કેટલાય સમયથી સુજાતાના અગત્યના કાગળો ખોવાઈ જાય છે, રજાના રિપોર્ટ આડા હાથે મુકાઈ જાય છે અથવા તો ટેબલ પરથી કોઈક લઈ જાય છે.

આજે પણ એવી જ સ્તબ્ધતા હતી. સુજાતા ખુરશીમાં ઢગલો થઈને બેસી પડી. તેણે તેના રડમસ ચહેરાને સ્મિતથી શણગારવાનો થોડો પ્રયાસ કર્યો પણ આંખો ભીની ભીની થવા લાગી. સાહેબની કૅબિનની દીવાલો પર જોયેલું કાળું કાળું અંધારું જેમ જેમ ખરવા લાગ્યું તેમ તેમ અજવાળામાં તેના તરફ મંડાયેલી આંખો તેને ચોખ્ખેચોખ્ખી દેખાવા લાગી. સુજાતાને લાગ્યું કે એ તરલ કીકીઓમાં પણ તેની જ વાતો તરતી હતી. તેને થયું કે ટેબલ નીચે સંતાઈ જઈને રડી લે એક વાર. પણ અહીં તો તે મહેતી હતી. ખુરશી ગમે તેટલી ખૂંચે તેવી હોય તોય તેમાં જ બેસવું પડે. ભલે ને પછી તેની ઉપર કોઈકે ખંજવાળનો પાઉંડર જ કેમ ના ચોપડ્યો હોય કે કોઈકે ગાંડા બાવળિયાના કાંટા જ કેમ ના પાથર્યા હોય!

તે બારી પાસે ઊભી રહી ગઈ. ઠંડા પવનની નાનકડી લહેરખી આવી. ભીની ભીની આંખોમાં થોડી ઠંડક વળી. હિન્દીના માસ્તર અનુકંપાથી તેના તરફ જોઈ રહ્યા. તેની આંખો વધુ ભીની બની ગઈ. તે તેની જગ્યાએ બેસી ગઈ. ટેબલ પર કોણીના ટેકે ટચલી આંગળી છેક આંખ પાસે લઈ જઈ મોટાભાગનો ચહેરો ઢાંકી દીધો.

સાહેબની કૅબિનમાં જઈને મળ્યે હજી કલાક પણ નહીં થયો હોય ને ત્યાં મંગાના એ જ શબ્દો આવ્યા: ‘સાહેબ બોલાવે છે.’ એકાએક કોણીનો ટેકો ખસી પડ્યો. સહેજ ભોંઠા પડવા જેવું થયું, તેણે ટેબલ બરાબર પકડી રાખ્યું. પણ સાહેબ બોલાવતા હતા. એકલાને જ જવાનું હતું. તાકાત હોય તોય ટેબલ ઊંચકીને નહોતું લઈ જઈ શકાતું.

એ જ ચહેરો.

એ જ અવાજ.

પણ આ વખતે સાહેબની સામેની બંને ખુરશીઓ બોલકા માસ્તરોથી ભરેલી હતી અને સાહેબના શબ્દો પણ જુદા હતા:

— ‘મૅડમ સુજાતા, તેર તારીખે તમે ક્યાં હતાં?’

— ‘તેર તારીખ?’

— ‘હા, હા… તેર તારીખ… તેરમી તારીખે બપોરે એક વાગ્યા બાદ તમે તમારી ખુરશી પર નહોતાં. ઘણા લાંબા સમય સુધી.’

સાહેબની આંખો ખાસ્સી પહોળી થઈ ગઈ. એવું લાગતું હતું કે ડોળા જ કાઢી રહ્યા છે. દીવાલ પર ચીતરાયેલા શૂન્ય વચ્ચે નાની સુજાતા મોં પર આંગળી મૂકી ચૂપ થઈ ગઈ હતી. નાનપણમાં કોઈકના ઘેર મહેમાન બનીને જવાનું થાય ત્યારે જિદ્દ કરી કરીને બાપુજી સાથે થઈ જતી ને પછી કોઈકના ઘેર જઈને હખણી નહોતી બેસતી ત્યારે કોઈ જોઈ ન જાય તેમ ધીમેથી બાપુજી આવા જ ડોળા કાઢી તોફાન ન કરવાનો સંકેત કરતા. પણ અત્યારે તો પોતે એવું કોઈ તોફાન પણ નથી કર્યું! બિલકુલ શિષ્ટાચારમાં જ હતી ને તોય… સુજાતાએ વ્યાકુળતાથી સાહેબ સામે જોયું. સાહેબને કાળી, ધોળી કે કાબરચીતરી એવી મૂછ નહોતી પણ એવું લાગ્યું કે જાણે તે મૂછે તાવ દેતા હોય! સામેની બંને ખુરશીઓએ માંડ માંડ હસવું દબાવી રાખ્યું અને પછી સાહેબના ટેબલ પર પડેલા આવક-જાવકના ચોપડામાં માથું ફોડતા હોય તેમ અંદર જોવા લાગ્યા. સુજાતાનો અવાજ પાતળો થઈ ગયો. તેને ખચકાતાં ખચકાતાં કહ્યું:

— ‘તેર તારીખે… હું કાં તો વર્ગમાં હોઉં છું ને ત્યાં ન હોઉં તો… તો તો મારી ખુરશી પર જ હોઉં છું સાહેબ. સિવાય કે…’

— ‘સમજી શકાય છે કે માણસ છીએ એટલે બંધ બારણાંવાળી જગ્યાએ જવું પડે સમયે સમયે. કુદરતી છે. તમે એ જ કહેવા માગો છો ને કે ત્યાં જ કદાચ… પણ મિસિસ સુજાતા ઉપાધ્યાય, તમને તો બંધ બારણે ગૂંગળામણ થાય છે, નહીં?’

સાહેબે છેલ્લા શબ્દો ખૂબ તોલી તોલીને જરીક મમળાવી કહ્યા હતા. કાળો ચહેરો હસી રહ્યો હતો. તેમના સફેદ દાંત વચ્ચે જમણી બાજુના ખૂણે એક સોનાનો પીળો દાંત ડોકિયું કરી રહ્યો હતો. ‘બંધ બારણું’ શબ્દ સાંભળતાં જ સુજાતાના શરીરમાંથી એક ભયનું લખલખું પસાર થઈ ગયું. તેનો જીવ ચૂંથાવા માંડ્યો. તેને થયું કે આ જ ક્ષણે આ બારી-બારણાં-દીવાલોને તોડી નાખીને ખુલ્લા આકાશ નીચે ઊભી રહી જઈને આ માણસને ઉઘાડો પાડી દે. પણ લાલ ખુરશીનો અવાજ તો મોટો ને મોટો થતો ગયો. દીવાલો મજબૂત હતી. સાહેબ કંઈક કહેતા હતા પણ સુજાતા દીવાલને તાકતી હતી: આ દીવાલની જાડાઈ કેટલી હશે? — બારની કે અઢારની? ખાસ્સી મજબૂત ચણી છે ચણનારાએ! કર્કશ અવાજ જાડી દીવાલો પરથી ફંગોળાતો ફંગોળાતો સુજાતાના કાને ભટકાઈ પડ્યો.

— ‘હું તમને જ પૂછી રહ્યો છું. મેં શબ્દો વાપર્યા ‘લાંબા સમય માટે’. એક લાંબા સમયનો અર્થ તો સમજો છો ને? એ દિવસે તમે ક્લાસ નહોતો લીધો. છોકરાંઓ તમારી રાહ જોતાં બેસી રહ્યાં ક્યાંય સુધી. રાહ જોવાનો અર્થ સમજો છો ને? આ પહેલાં પણ મેં સમજાવવાનો પ્રયાસ કરેલો તમને. યાદ છે ને? પણ તમે તો… ખેર, છોકરાંઓના બૂમબરાડા જોયા હોત તો! બાજુમાં વર્ગો લેતા બંને શિક્ષકોની ફરિયાદ આવી હતી. એમને કંઈ તમારી જેમ ગુજરાતીનાં ગીતો નહોતાં ગવડાવાનાં કે વાર્તાઓ કહીને છોકરાં પટાવી મારવાનાં નહોતાં. મહત્ત્વનું હતું ભણાવવાનું. આ સ્કૂલની રેપ્યુટેશનનો કોઈ ખ્યાલ છે તમને? ડૉક્ટરો અને એન્જિનિયરો પેદા કરવાના છે…’

‘અને તમારા જેવા પણ…’ એવું છેક હોઠ સુધી આવી ગયું પણ જેવું સુજાતાએ સાહેબ સામે જોયું કે ભીતરનું વાક્ય પણ જાણે બીકનું માર્યું ક્યાંય ધરબાઈ ગયું.

— ‘સમજ્યા?’ ત્રણ સોનાની વીંટીવાળો એક ખરબચડો હાથ ટેબલ પર પછડાયો. તે અવાજે સુજાતા એકદમ બી જઈને છળી ગઈ. ફરીથી એ જ હિસાબ મંગાયો:

— ‘બોલો, શું જવાબ છે તમારી પાસે? ક્યાં હતાં તેર તારીખે? બે દિવસ આપું છું. લેખિતમાં જવાબ જોઈશે. બાકી તો ખ્યાલ જ છે તમને. પ્રોબેશનમાં છો. એક જ વાક્ય લખવાનું છે. કામગીરી સંતોષકારક નથી…’ અને સાહેબે મોટેથી ચપટી વગાડી: ‘બરાબર બે દિવસ. એક, બે ને ત્રીજા દિવસે, બરાબર અગિયાર વાગ્યે, આ જ કૅબિનમાં, તમારા જવાબ સાથે મળીએ છીએ. તમે જઈ શકો છો.’

ઘેર પહોંચતાં સુધીમાં છેલ્લું વાક્ય પચાસ હજાર વાર તેના કાનમાં સંભળાતું રહ્યું. તેને લાગ્યું કે જાણે આંખોના બે પલકારામાં જ બે દિવસ વીતી જઈને અગિયાર વાગ્યે તે આ શબ્દો ફરીથી સાંભળી રહી છે: ‘તમે જઈ શકો છો… તમારી સેવાની કોઈ જરૂર નથી… તમારી કામગીરી સંતોષજનક નથી…’ અને છેલ્લે બહાર નીકળતી વખતે બંને માસ્તરોના ખિખિયાટા પણ તેના કાનમાં ઊકળતા તેલની જેમ રેડાયા.

ઘર આવતાં સુધીમાં તો સુજાતા પરસેવે રેબઝેબ થઈ ગઈ. આખો બ્લાઉઝ પરસેવાથી નીતરી રહ્યો હતો. બારણું ખોલતાંવેંત તે તેના ઓરડામાં જઈને આડી પડી પણ ભીતરથી હજીય ઉભડક જ હતી. મોડી સાંજે લસલસ બે કોળિયા મોંમાં નાખ્યા ન નાખ્યા ને તે ઊભી થઈ ગઈ. સુધીરે તે જોયું. તેને પૂછ્યું પણ ખરું. પણ સુજાતાએ ‘ચાલ્યા કરે… નોકરું છે…’ કહી વાત માંડી વાળી. સુધીર ચિન્ટુને લઈને લેસન કરાવવા બેઠો. સુજાતા ફટાફટ ઘરકામ પતાવી ચિન્તુના માથે હાથ ફેરવી તેના સૂવાના ઓરડામાં ચાલી ગઈ. તે થોડી વાર સૂનમૂન બેસી રહી. પણ તરત પાછળ પાછળ ચિન્ટુ આવ્યો. એકદમ જ બારણું ‘ફટાક’ અવાજ સાથે ખૂલ્યું અને ‘ધડિમ્મ’ કરતું બંધ થયું. સુજાતા ચમકી ગઈ. ધબકારા વધી ગયા. તે મોટેથી બરાડી: ‘બારણું ખોલી નાખ…’ મમ્મીનો આમ મોટો અવાજ સાંભળીને હેબતાઈ ગયેલા ચિન્ટુએ દોડીને બારણું ખોલી નાખ્યું. તે મમ્મીના ખોળામાં સૂઈને વહાલી વહાલી કરવા જતો હતોપણ મમ્મીનો અવાજ સાંભળી તેની હિંમત ન ચાલી અને તે ચૂપચાપ ઊંઘી ગયો. સુજાતાએ ધીમેથી તેને માથે હાથ ફેરવ્યો. ‘તોફાની બારકસ ઊંઘી ગયો કે?’ પૂછતો સુધીર પણ ઓરડામાં આવી ગયો.

સુજાતાએ હાથમાં એક પુસ્તક લીધું; સુધીરે કાતર અને રંગબેરંગી કાગળ. એ કાગળને હાથમાં લઈ જાતભાવથી કાપકૂપ કરીને સુધીર અવનવું જગત સર્જવામાં મશગૂલ હતો. સુજાતાની આંખ પુસ્તકના અક્ષરો પર ફરતી હતી. પણ તે શબ્દો તેનો અર્થ નહોતો કહેતા. તે એ જ કહેતા હતા જે સુજાતાએ તેમને કહ્યું હતું. બારણું બંધ થયાનો અવાજ હજીય ગુંજ્યા કરતો હતો. નોકરીના થોડા દિવસો પછી આવી જ રીતે એક દિવસ સાહેબની કૅબિનનું બારણું આમ જ ‘ધડિમ્મ’ દઈને બંધ થઈ ગયું હતું. ગભરું પારેવાની જેમ ફફડી ઊઠેલી સુજાતાને જોઈને સાહેબે હસતાં હસતાં કહેલું: ‘ડરી ગયા? હું બેઠો હોઉં ત્યારે તમારે શેનું ડરવાનું? મને બધી ખબર છે તમારી મુશ્કેલીઓની… અંદાજ તો છે જ, ઘર ચલાવવામાં કેવી મુશ્કેલી પડતી હશે… આજના વખતમાં પતિની પચ્ચીસો રૂપૈડીની કમાઈમાં ખાવું શું ને જીવવું શું? પાછી નોકરી પણ તદ્દન કામચલાઉ! ને એમાંય પ્રાથમિક સ્કૂલમાં ક્રાફ્ટ ટીચર… હા હા હા… કોઈ કોઈ પ્રાઇવેટ સ્કૂલોને આવાં નખરાં પરવડે. બાકી ડિમાન્ડ જ ક્યાં છે? ઠીક છે, સર્જનાત્મકતાના નામે છોકરાં ભેગાં છોકરડાં થઈને બે ઘડી હઈશો હઈશો કરી લીધું… રમકડાં બનાવાતાં શિખવાડે એવા ફાલતુ વિષયો કેટલી સ્કૂલોમાં છે? ને તેનેય બંધ કરવાની નોબત છે. આજકાલ તો ફરજિયાત વિષયોની ભરતીમાંય ઓટ છે ત્યાં આવા દોઢફૂટ્યા વિષયોનું સુરસુરિયું ન થાય તો શું થાય? ને પાછાં તમે પણ હજી પ્રોબેશનમાં, નંઈ? જુઓને એક ફરફરિયું ગયું તમારા નામનું કે ખલાસ…!’ અને ટેબલ પર મૂકેલા પેપરવેઇટને રમાડતો સાહેબનો હાથ સાડીના પાલવ સાથે રમવા લાગેલો. એમનો હાથ એકદમ હાથ પર મુકાયો ત્યારે એવું લાગ્યું કે જુગુપ્સાના એકસામટા હજારો કાનખજૂરા આખા શરીરે ફરી વળ્યા હોય. તે ચીસ પાડી ઊઠી હતી. લૉબીમાંથી પસાર થતા શર્મા તરત જ દોડેલા. એમને અંદર આવી ગયેલા જોઈને સાહેબે ઝેરીલા અવાજે કહેલું: ‘મારી વાત વિચારજો. રાહ જોઈશ.’

એ દિવસે બહાર નીકળીને કેટલું રડી હતી? સ્ટાફરૂમમાં ગણગણાટ હતો — ‘એ છે જ એવો! આવા દાવા તો બે-ત્રણની જોડે કર્યા છે મૂઆએ! બધાંને ખબર છે પણ સહુએ તેમની જીભને તાળાં મારી દીધાં છે. જેની સાથે આવું થયેલું તેમાંની એક તો પોતાના અધિકારના નામે ઘેર ઝઘડીને નોકરી કરે છે. આવું કહે તો તો બહાર ટાંટિયો જ ન મૂકવા દે તેના ઘરનાં, ને બીજીને આ નોકરી લાચારીથી કરવી પડે છે. ધણી નથી ને પાછા હમણાં હમણાં શરીરે ડાઘ ફૂટી નીકળ્યા છે તે સાસરેથી તગેડી મૂકી છે. હવે સામા વહેણે પડે તોય તણખલાની જેમ ખેંચાઈ જાય. નોકરીનો આ પથરો ખરબચડો તો છે જ, હાથ છોલી નાખે… પણ એક તેનો જ તો આશરો છે તેના ઓશિયાળા જીવને!’

સુજાતાએ બંનેના ચહેરા યાદ કરી જોયા. જેમની સાથે થયેલા આવા દાવની વાત થતી હતી તે બંને ખાસ એવી કંઈ રૂપાળી નહોતી. એના કરતાં તો બીજી બે મહેતીઓ વધારે દેખાવડી હતી તો પછી… પણ અત્યારે તેને તરત યાદ આવ્યું કે બધો ઘોંઘાટ શમી ગયા પછી જ્યારે સ્ટાફરૂમમાં કોઈ નહોતું ત્યારે હંમેશાં ચૂપચાપ રહેતા શર્માએ તેને ધીમેથી કહ્યું હતું: ‘…કેમ કે એ બંને અને તમે સુજાતા છો એટલે. તમે નહીં માનો, જ્યારે હું પહેલા દિવસે હાજર થવા આવેલો ત્યારે મારી અટક જોઈ સાહેબનું નાકનું ટેરવું ચઢી ગયેલું. બાજુમાં ઊભેલા કોઈકે એમના કાનમાં મને સંભળાય એટલું ધીમેથી કહેલું પણ ખરું: ‘સાહેબ, આ આપણાવાળા નથી…’ સાંભળતાં જ હું સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારે મેં સાહેબને કહેલું: ‘એવું નથી. આપણે બધાં ભણાવવાવાળાં છીએ.’ અને ત્યારે એમની આંખોમાં એકાએક ખુન્નસ ઊતરી આવેલું. કહે: ‘તમારા પૂર્વજોએ બહુ પીડ્યા છે અમારા વડવાઓને. અતાર લગી બહુ વેઠ્યું છે અમે…’ સાહેબની આંખોમાં અંગારા વરસતા હતા. મેં બહુ અદબથી કહેલું: ‘…પણ એ પીડા મેં કે અમે તો નથી આપી ને? માન્યું કે જ્યાં જાતના નામે માણસને માણસના હાથે વેઠવું પડ્યું હોય તેના જેવું શરમજનક કશું જ ન હોઈ શકે માણસજાત માટે… પણ તમે પોતે પાછો એ જ ઇતિહાસ નથી ઘડી રહ્યા? ક્યાં સુધી ફર્યા કરશે આ ચક્ર?’ પણ મને અધવચ્ચે જ અટકાવી સાહેબે જોરથી બરાડી કહેલું: ‘આચાર્ય હું છું. તમે નહીં. ચૂપ રહો…’

એ પછીના દિવસે સુજાતાએ વિદ્રોહ કર્યો હતો — વિનંતીથી, વિવેકથી, સ્પષ્ટતાથી. એ વિદ્રોહને મસળી નાખતી ચપટી વગાડતા સાહેબે રુઆબભેર કહ્યું હતું: ‘આમ… આમ ચપટીમાં જ બે સાક્ષી ઊભી કરી દઉં. કેવું લાગશે જો એટ્રોસિટીના મામલે સુજાતા ઉપાધ્યાય પર કેસ ચાલે…?’

તે વખતે સાહેબે થોડું આતંકિત નજરે જોયું હતું કે સુજાતાનો ચહેરો ભાવહીન બની ગયો હતો.

સુજાતાએ પુસ્તક બંધ કરી બાજુમાં મૂકી દીધું. રડવું આવતું હતું. તેને થયું કે આજે તે સુધીરના ખભે માથું મૂકીને રડી લે ભરપૂર. તેણે સુધીર સામે જોયું. સુધીર નિર્દોષ બાળકની જેમ કાગળની સઢવાળી નાવ બનાવવામાં રત હતો. સુજાતાને તેના પર વારી જવાનું મન થઈ આવ્યું. તે વખતે જ સાહેબને કહી નાખવું જોઈતું હતું: ‘સાહેબ, મારા સુધીરની કાગળની હોડીમાં બેસી હું ઉમંગના સાત સમુદ્ર ખેડી આવું છું. એના બનાવેલા કાગળના ઢીંગલા-ઢીંગલીમાં જે મીઠો કલશોર સંભળાય છે તે તમારા બધિર કાન કદી નહીં સાંભળી શકે…’

સુજાતાએ બારીમાં જોયું. ચાંદ પૂર્ણ કળાએ ખીલ્યો હતો. પણ તેને આખું આકાશ ધૂંધળું લાગ્યું. તેણે નજર ખસેડી લીધી. દીવાલ પર ટીંગાડેલા ચિત્રમાં ઊછળતા દરિયાના ઘુઘવાટને તે સાંભળી રહી. એવું લાગ્યું કે જાણે એ દરિયો તેને તાણી તાણીને ક્યાંય દૂર ખેંચી જઈ રહ્યો છે. દરિયામાં ચારેય તરફ શાર્ક માછલીઓ છે. એક શાર્ક માછલી તેને ગળી ગઈ છે. પણ તે તો દમયંતીના વરદાનની માછલીની જેમ પળમાં સજીવન થઈ જાય છે. પછી બીજી, ત્રીજી, ચોથી… એક પછી એક માછલીઓમાં ગળાતી-મરતી-જીવતી-ગળાતી-મરતી રહે છે અવિરત. એ રોજ રોજ મરી મરીને ખૂબ થાકી ગઈ છે પણ દરિયાના એ ઘુઘવાટ વચ્ચે ગઈ કાલે રાત્રે કહેલા સુધીરના શબ્દો ફરી ફરીને સંભળાયા: ‘તું કહે તેમ સુજાતા, લડીએ. હું છું તારી સાથે. તું લડીશ તોય અને તું નોકરી છોડીશ તોય…’ આજે, આ ક્ષણે પણ ‘પચ્ચીસો રૂપૈડી’ કમાતા ધણીના આ શબ્દોએ તેને પચ્ચીસ મણની ધરપત આપી.

રાત વહી રહી હતી. તે પણ ચંદ્રની સાથે ક્યાંય સુધી જાગતી રહી. પણ માંડ ઊંઘનું એકાદું ઢોલું ચઢ્યું હશે કે અડધી રાત્રે એક મોટી ચપટી તેના કાનમાં વાગી — તેર તારીખે તમે ક્યાં હતાં?

તે સફાળી બેઠી થઈ ગઈ: તેર તારીખે હું ક્યાં હોઈશ? ક્લાસમાં, સ્ટાફરૂમમાં… ક્યાં હતી? પણ હતી તો ખરી જ ક્યાંક ને ક્યાંક!

તેની આસપાસ શબ્દવલય ચકરાવો લેવા માંડ્યું — તેર તારીખ… જાણે બેઠાં બેઠાં જ એક લથડિયું આવી ગયું. તેણે સુધીરને ઉઠાડ્યો. તેની સામે વિસ્ફારિત આંખે જોતાં સુજાતાએ સપાટ અવાજે પૂછ્યું: ‘તેર તારીખે હું ક્યાં હતી? બપોરે એક વાગ્યા પછી? ઘણા લાંબા સમય સુધી… હું મારી ખુરશી પર ન હતી. ક્યાં હતી હું?’ તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે સુધીરના સશક્ત ખભા પર માથું મૂકી દીધું. કોઈક ખરાબ સ્વપ્ન જોયું હશે એમ ધારીને સુધીરે તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. સુજાતાના કપાળે બાઝી ગયેલો પરસેવો લૂછ્યો. સુધીરે લાઇટ કરી. સુજાતાની શૂન્ય આંખો સામી દીવાલ તરફ ગઈ. સામે, કૅલેન્ડર ફડફડતું હતું — તેર તારીખ, રવિવાર.

સુજાતાની ભીતર પીડાનું એક આખું જંગલ ઊગી આવ્યું. ચોતરફથી ખિખિયાટા સંભળાયા હતા.

બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે ‘સાહેબ બોલાવે છે’ એમ મંગો કહે તે પહેલાં જ તે સાહેબની કૅબિન તરફ ગઈ. આજે પહેલી જ વાર તેના કાનમાં ચપટી વાગતી નહોતી. તેના પગ કાંપતા નહોતા. સુજાતાએ સાહેબના ટેબલ પર એક કવર મૂકી દીધું. તે સાહેબની આંખમાં આંખ પરોવતી બોલી: ‘તેર તારીખે તમે પણ આ ખુરશી પર નહોતા. લાંબા સમય સુધી… ક્યાં હતા સાહેબ? એ દિવસે તમે ઘેર હતા. કેમ કે તેર તારીખે રવિવાર હતો.’

સાહેબનો ચહેરો લાલચોળ થઈ રહ્યો હતો. સુજાતાએ સહજતાથી કહ્યું: ‘સાહેબ, મારો અપરાધ એ જ છે કે હું સુજાતા છું? કે પછી એ કે હું સુજાતા છું? આ મારું રાજીનામું છે. તમારી નોકરીની મારે કોઈ જરૂર નથી. તમારી જ કેમ, આ ખુરશી પર બેઠેલા એવા કોઈ પણ માણસની નોકરીની મારે જરૂર નથી જે માણસ થઈને બીજાને કેવળ એના જેવા માણસ ન હોવાનાં કારણોસર દંડિત કરે! તમે મારે લાયક નથી અને તમારી વર્તણૂક સંતોષજનક નથી.’

અને સુજાતાએ બરાબર સાહેબના કાન પાસે એક ચપટી વગાડી. આખા ઓરડામાં ચપટીનો અવાજ પડઘાઈ રહ્યો. બહાર નીકળતી વખતે સુજાતાની ભીતર માએ શિખવાડેલી કવિતાનો મધુર મધુર ગુંજારવ સંભળાઈ રહ્યો: ‘બા, મને ચપડી વગાડતાં આવડી ગઈ.’

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.