ફૂલ-ફટાક થઈને ફરે છે બધાં, આ આવડો મોટો દૈત જેવો અહીં બેઠો છું તે ધ્યાન તો બધાંનું જાય છે. પણ કોઈ બાડું જુએ છે, કોઈ જોયું ન જોયું કરે છે, કો’ક આડી નજરે વારે વારે જોઈ લે છે, તો કોઈ વળી તાકી રહે છે ઘુવડની જેમ! અરે ભઈ, સીધી નજર માંડો ને; ને વાત કરોને સીધી-પાધરી! આ તો સગ્ગા કાકાના દીકરાનું લગન છે ને આવ્યો છું, એમાં એવું તે શું છે કે આમ જોવું પડે? ને મારે કાંઈ થોડો ખૂણો પાળવાનો હતો? આજકાલ કરતાં હવે તો દોઢ વરસ થયું… પણ આ અહીં આવતી વખતે કાંઈક શુકનફેર જેવું થયું છે. આ જાનની બસમાંથી હેઠો ઊતર્યો કે તરત પહેલાં મળી પેલી મંગળી! કોરા ભૂખરા વાળ ને મોટો બાવણ જેવો ચાંલ્લો કરીને આવેલી તે સામે આવીને ઊભી ત્યારે તો માંડ ઓળખી.
પાછી કહેઃ ભઈ, સારું કર્યું તું આવ્યો તે. સાવ કેવો થઈ ગયો છે! જાણે તું જ નહિ! હું તો પૂછવા જ જતી’તી કે તું ચંપકભાઈનો જેન્તી તો નહિ?
લે, કર વાત. હું હું જ ન’તો લાગ્યો તો વાત કરવા આવી હશે શીદ ને? ફરી પાછી કહેઃ અસ્સલ તારા બાપા જેવો લાગે છે. જાણે ચંપકભાઈ જ સામે આવીને ઊભા!
ડોશીની આંખ જોતાં લાગ્યું કે એને કહેવું છે કંઈક; ને વાત બીજી કરે છે. કહેવું છે કે તારા બાપા જેવો ઘરડો લાગે છે. આ માથે આવેલા ધોળા, મોં પર પડતી જતી કરચલીઓ… વાત પામી ગયાનો ખ્યાલ આપવા મેં કહ્યુંઃ બાપા તો પચાસમે વરસે ઘરભંગ થયેલા ને મને તો હજી ચાળીસમું હવે બેસવાનું. બાકી દીકરો તો બાપ જેવો જ લાગે ને!
તો ડોસીએ વાતનો દોર સાંધી લીધો ને વળતી કહેઃ હા, ચંપકભઈને તો બે દીકરાની જ ચિંતા હતી. ને તારે તો પાછી ઘાઘરીઓ ઘેર છે.
અરે ભગવાન! આ ક્યાં ભટકાણી? મારે જે છે તે છે. એમાં આને શું? વાત ટૂંકાવીને જરા અમથો છાંયે બેઠો તો બે-ત્રણ જણા એવું જોતાં જોતાં ગયા જાણે અહીં આવવામાં મેં કંઈ ગુનો ન કર્યો હોય! કંઈક અજુગતું ન કર્યું હોય! અરે ભઈ, મનમાં હોય એ બોલી નાખો ને; ભસી મરો ને! કોઈ ફાડી ખાવાનું તો નથી ને? ને આ જેન્તી તો એનો એ જ છે. આ દોઢ વરસ પહેલાં હતો એ જ.
હજી આ દોઢ-બે વરસ પહેલાં જ આ બધાંમાંથી કોઈ કોઈ તો પ્રભાસપાટણની જાત્રાએ જતાં વેરાવળમાં ઘેર પણ આવી ગયું છે. પણ આજે મારા બેટાઓને ઓળખાણ આઘી પડી ગઈ છે. એકબે જણને તો આંખને ખૂણેથી મારી વાત કરતાંયે જાણે સાંભળી લઉં છું. પડખે થઈને ફરડક… ફરડક… ફરડક કરતી પેલી રમા પસાર થાય છે ને બસ એમ જ લતા સાંભરી આવે છે. ઘણીયે વાર કહેતી કે રમા તો મારી ખાસ બેનપણી છે. આ એની બેનપણી! — પૂછતીયે નથી કે શું થયું’તું લતાને? છોકરીઓને ભણાવવાનું કેમનું ગોઠવ્યું? લૉજનું ખાવું ફાવે છે? કશું પૂછતી નથી; ને જુએ છે ત્યારે એવું જુએ છે, જાણે કો’ક દુખિયારું કૌતુક આવી ચડ્યું ના હોય!
આ જમવા બેઠો ને પેલો જુગો પંડ્યો નીકળ્યો પીરસવા. મારી બેટી આ પંડ્યાની ઓલાદ; પારકે ઘરે તો તાણ કરી કરીને પીરસે. મારી પાસે આવ્યો કે મોં પહોળું કરીને કહેઃ અરે, મોં તો તને ઓળખ્યો નહિ! ગઈ કાલે વડોદરાના મહેમાનો સાથે ગુરુકુળમાંથી તારી દીકરીઓ આવી ત્યારે જ તને સંભાર્યો’તો, કહે છે કે તું તો નહોતો આવવાનો…
કોણ કહે છે? મેં પૂછ્યું, તો કહેઃ કોઈ નહિ. આ તો અમથી વાત થતી’તી. બાકી આવ્યો એ સારું કર્યું. જરા જઈએ — આવીએ, તો મન જરી હળવું થાય.
અરે ભઈ, તને કોણે કહ્યું કે મારું મન ભારે છે? હોય એ તો. જ્યારે માણસને આવી પડે ત્યારે લાગે. દુઃખ થાય. બધું થાય. પણ પછી બધું કોઠે પડી જાય. ને માણસ કાંઈ એમ મરી થોડું જવાનું હતું. કે બદલાઈ થોડું જવાનું હતું? ને બધાંને કહેવા થોડું જ બેસાય છે કે આ જેન્તી તો એનો એ જ છે! દોઢ-બે વરસ પહેલાં હતો એવો જ. હજી એને હસતાં આવડે છે; ખડખડાટ, કાન ફાડી નાખે એવું, ઘર આખું ગજાવી મૂકે એવું…
પણ મારું બેટું જે કોઈ આવે છે તે ખરખરો કરતું જ આવે છે? અરે ભઈ, હું કાંઈ અહીં કોણ-મોકાણે નથી આવ્યો. હું તો લગનમાં આવ્યો છું લગનમાં. ને લગનેય પાછું સગ્ગા કાકાના દીકરાનું. પણ મારા વાલા જે મળે છે એ બધા…
આ પેલી રમા બેઉ છોકરીઓ સાથે વાતે વળી છે. પલપલિયાં પાડતી જાય છે, પોતે તો રડે છે પણ પેલી બાપડી બેઉ કૂણી કળીઓનેય ઢીલી-વીલી કરે છે. માંડ ભૂલી છે બધું. એમને પાછી દુઃખી દુઃખી કરે છે. પણ હવે તો હું હસવાનો. ગાંડો થઈને હસવાનો. ખડખડાટ હસવાનો. ગમે તેવું — નામનુંયે કારણ મળશે તોય હસવાનો…
આ પૈઠામાં કૂતરું પેસી જશો તોય હસવાનો.
કોઈનું નવાંનકોર કપડાં પહેરેલું છોકરું પાણીના ખાબોચિયામાં લપસી પડશે તોય હસવાનો.
જાન-ચલામણી વખતે કન્યાની મા રામણદીવડો શોધવા ઘાંઘી થશે તોય હસવાનો.
વરનો બાપ — આ કલ્યાણકાકો, એના સ્વભાવ પ્રમાણે ઢોલીને દાપું આપવામાં કચકચ કરશે તોય હસવાનો; ખડખડાટ હસવાનો. હસવાનો હવે તો આખો માંડવો ગજાવીને, કાન ફાડી નાખે એવું. હસવાનો, ખડખડાટ હસવાનો… બધાંને થાય કે આ તો પેલો હતો એ જ જેન્તી છે. એ જ છે આ તો — એમ બધાંને થાય ત્યાં સુધી હસવાનો… હસવાનો હવે તો, ખડખડાટ…
— ને એવું હસતો હોઈશ ત્યારે બન્ને દીકરીઓ દોડતી આવશે. ડાબે-જમણે ઊભી રહી જશે. આંખને ઇશારે મોટી નાનીને કહેશેઃ લે, તું કહે.
નાની કહેશેઃ ના, તું કહે.
— ના, તું.
— તું કહે.
— ના, તું… થોડી રકઝક ચાલશે પછી થોડું લુચ્ચું હસી લઈને, ઠાવકું મોં કરીને નાની કહેશેઃ પપ્પા, એ પપ્પા.
શું છે? — હું બનાવટી કડકાઈ કરીને પૂછીશ. તો કહેશેઃ પપ્પા, મારી બા પુછાવે છે કે જા તારા પપ્પાને પૂછી જો, ગાંડા તો નથી થયા ને?
(‘મોરબંગલો’માંથી)