ઘરનું ઘર

આખી રાત ત્રમઝટ મેઘો વરસ્યો હતો. કલવો અને ભલચી રાત આખી આલહ-વેલહ થયાં હતાં. બીમાર દીકરાની માંચી ધણી-ધણિયાણીએ આખા ખોરડામાં અહીંથી ત્યાં બેસવ્યા કરી હતી, પણ આખું હડણ ચૂતું હતું. ઘર આખું ટપકતા ચૂવાથી હાબોળ હોય ત્યાં કોરી જગ્યા ક્યાંથી મળે? હવાયેલી ને ઊબળેલી ગોદડીના ગાભામાં કલવાના એકના એક દીકરાની દાંતકટ્ટી ટાઢની મારી કટકટતી રહી હતી પણ લાચાર બની દીકરાના તાવે ધખતા દેહને તાક્યા કર્યા વિના કલવાનો છૂટકારો નહોતો.

મળસકે ગગનમાં ઘનઘોર કાટકો ગાજી ઊઠ્યો હતો અને વીજળીના ઝબકારાએ નળિયાં પાર કલવાનું ખોરડું ચમકાવી મૂક્યું હતું. માંદો કનવો પેલા ગર્જનથી છળી પડ્યો હતો. એણે પાડેલી ભયની ચીસ સાથે જ હવાનું એક ઝોકું ખોરડામાં પ્રવેશી ગયું હતું ને થઈ રહેવા આવેલ ઘાસલેટની છેલ્લી દિવેટ એણે બઝવી નાખી હતી. હવાઈ ગયેલ કાંડીમાંની બેય સળીઓ નકામી થઈ ગયા પછી અંધારામાં જ દીકરાના માથે હાથ દાબી બે ય જણાંએ સૂરજના છડીદારની રાહ જોયા કરી હતી.

છેક સવારે કણસતા કનવાનો તાવ સહેજ ઓછો થયો ત્યારે કલવો બોલ્યોઃ

‘ક્યેંકથી દેવતા લાઈન ચા કર્ય, પછી હૈડ્ય ઊં જરાક છેતરમાં જતો આવું. આખી રાત હેલી રહી છ, ભુવારિયું ના પડ્યું હોય તો હા. તુવેરોના છોડવાય નમી જ્યા હશે!’

ભલચીએ ખાસ્સીવાર ફેફસાંની ધમણ ચલવી ત્યારે ચૂલો પેટ્યો. તપેલી ચડાવી એણે એમાં એક કળશિયો પાણી રેડ્યું. પછી એમાં કાળો ગોળ નાંખ્યો. એ ઊકળી રહ્યો એટલે ચાની ભૂકી નાખી, તુલસીનાં પાંદાં ઉમેર્યાં. દૂધ તો દેવનાં દરશન જેમ દુર્લભ હતું એટલે એ ‘કુમરી ચા’ બૂંઠિયા કૉપમાં રેડીને એણે કલવાને, આપી ને બોલી:

‘બેટા કના! જરાક બેઠો થા બાપા! લે બે ઘોંટ ચા પી. તાવ ઓછો થશે દીચરા!’

કલવાના ટેકાએ કનવો બેઠો થયો. એક છાછર પરાણે પીઈને એ પાછો લાંબો થઈ ગયો. પણ રાત કરતાં આ સવારની દીકરાની મોંકળા સારી વતતી હતી એટલે મા-બાપના શ્વાસ હેઠા બેઠા હતા.

દાતરડું ને પાવડો લેઈને કલવો ખેતરમાં ગયો. એના ગયા પછી થોડી વારે કનવો આપમેળે બેઠો થયો એટલે ભલચી પણ એક ઠેકાણે રાખેલાં વાસણ-કૂસણ અને ઘર-લૂગડાં કરવા ગઈ. એ ઘર નૌતમલાલનું હતું. ઘરાકોમાં એ ‘હારુ ગણાતુ ઘર હતું. મહિને દા’ડે વાસણ પાણીના રૂપિયા રોકડા પચ્ચી ભલચીને મલતા ને અડાભીયે ઉછી-ઉધારના સો-બસોનીય ચિંતા ના રહેતી! નૌતમલાલ શેઠ ભલા માણસ હતા. એમનાં ઘરવાળાં પારવતીય ભગવાનનું માણસ હતાં.

આગલ્યા દાડે જ રોડ ઉપર સ્કૂટર દોડાવતા નૌતમલાલ શેઠને જોઈને ખેતરમાં અ’લ્લો કરતા કલવાએ બે હાથ ઊંચા કરી ‘જેસી કશ્ન’ કર્યા હતા. એક પળ માટે નૌતમલાલનું એક્સીલરેટર હલકું થઈ ગયું હતું, પગ બ્રેક પર દબાઈ ગયો હતો અને એ રોડની અડોઅડ આવેલું, મોખાની જમીનવાળું કલવાનું ખેતર નજરી રહ્યા હતા. ને પછી કલવા પ્રત્યેનો ભાવ માતો ના હોય એમ હસતા-મલપતા ગત્યાધીન થઈ ગયા હતા. કલવો વારી ગયો હતો એ ભાવ ઉપર. ‘ભલો માણહ છ, ભલચી અમથી એનાં મોંફાટ વખાણ નથી કરતી. હાહરું હચી જંદગાની જ એ લોકોની! અમારી તે કંઈ મનખો છે! ચેટલા કઢાપા નં ચેટલા વે’લાચોંટા!’

વરસાદની હેલીએ પાડી નાંખેલી તુવેરો અને તલના છોડવા ઊભા કરવા મથતો, ક્યાંક જામેલું ખડતલું નીંદી કાઢતો, પાણીના વહેણે પાડેલ ભુવારિયાં પૂરવાનાં ઝાવાં નાંખતો કલવો વિચારી રહ્યો હતો. રાતે તાવમાં બળતા એના દીકરા કનવાએ એને પૂછ્યું હતુંઃ

બાપા! આપણું હારું ઘર ચ્યારે થશે! ચૂવા ના પડે એવું? સુલિયાના બાપાએ બંધાયું એવું તમે ચ્યારે બંધાવશો, બાપા! આ તો બઉ પલરી જવાય છ!’

કલવાના સામે ફળિયે છનિયો રહે, પણ એ હવે બસકન્ડક્ટરની નોકરી કરે એટલે શનાલાલ કહેવાતો. એણે નવુંનકોર ઇંટેરી ઘર બાંધ્યું હતું. ઉપર કોરૂગેટેડનાં પતરાં નંખાવ્યાં હતાં. પાટડીઓ નાંખીને મેડો ય કરાવ્યો હતો, કાળી સિગારેટ પીતો શનાલાલ મૂછે તાવ દેતો કહેતો ‘અવે, વરહાદની એસી-તેસી. આકાશ ચીરીને વરહે તોય ફોરું પોંણી મારા ઘરમાં નથી પડવાનું!’ પછી એ તુચ્છકારભરી નજરે જાતભાઈઓનાં છાપરાં તાકી રહેતો ને ટેસથી ઊંડા કસ લીધા કરતો. ઘર બંધાવ્યા પછી છોકરાંમાં સુલિયાના માન-પાન વધી ગયેલાં. સુલિયો એમને પાટિયે બેસાડતો, હીંચકા ખવડાવતો. કલવાનો વાંઝિયા બાપનો દીકરો કનવો પોતાની પરસાળની ખંભી પકડીને ટગરટગર એ પા તાકી રહેતો. શનિયાના બાપને અને કલવાના બાપને પેઢીઓ પુરાણો આ અંટશ હતો. બાપની ચડવણીએ સુલિયો ય છાતી ફુલાવતો ને કનવાને પરસાળે પેસવા ના દેતો. કલવાનો સાત ખોટનો દીકરો એ જ વેરવીના જેવું ઘર ઝંખતો હતો, જેમાં ચૂવા ના પડે, પાટિયાનો હીંચકો બંધાય. શિયાળે ટાઢ ના વાય, ઉનાળે ફરરર-ફરરર વીજળીનો પંખો રમકારા બોલાવે!

કલવાનું મન ઊંડાણે ઊતરી ગયું ઃ શનિયો નોકરીએ ચડ્યો. ચપટીક ભણેલો એ લેખે લાક્યું. બે વીધાં વેચી ખાધાં ન આ પાકું ઍટેરી ઘર ઊભું કરી દીધું! છ અવ કશી ચંત્યા-ફકર! ઊ આ માટી ભેળો માટી થતો રયો પણ મારી ધવા ના વળી. ચ્યાર બંધાશે મારું ઘર!’

એ જ વેળા ‘પી…ઈ…ઈ…પ્પ’ કરતો અવાજ આવ્યો. કલવાનો વિચારતંતુ તૂટી ગયો. એણે ઊંચું જોયું તો નૌતમલાલ સ્કૂટર સોતા ઊભા રહી ગયેલા ને ‘વીસલ’ વગાડીને એને જ બોલાવી રહેલા.

માટિયાળા હાથ ખંખેરતો ખંખેરતો કલવો શેઢે પહોંચ્યો એટલે નૌતમલાલ બોલ્યાઃ

‘કલજી! હાંજે જરાક ઘેર આવી જશો કે?’ માનવાચક નામના ઉચ્ચારે જ રાજીના રેડ થઈ જતો કલજી બોલી ઊઠ્યો:

આમે ય ઊં હાંજે આવવાનો વિચાર કરતો’તો જ શેઠ! તમે હરખા બોલાવો ના ના ચ્યમ આવું!’

નૌતમલાલની નજર ચાર વીઘાંના ચારે ય ખૂણે ફરી વળી. મનમાં રમતા વિચારે ધ્રુવપદ ધાર્યું ને જમણા પગની પાની દબાવી એમણે કિક મારી. ધરરરળ કરતું સ્કૂટર ચાલુ થઈ ગયું ને એ હસતા-હસતા ઓફિસે રવાના થઈ ગયા.

હજી તો એ પોતાની ચૅમ્બરમાં પહોંચીને પટાવાળાને બોલાવવા બટન દબાવતા હતા ને પટેલ સાહેબ ધસી આવ્યા?

શું થયું પછી પેલી વાતનું?’

‘બસ્સ! આ દિવાળી પછી કે મોડામાં મોડું માગશરમાં મૂરત કરી નાંખીએ!

‘શું કહો છો! એટલું પાક્કું?’

‘હા, બિલકુલ પાક્કું!’

‘મારો ભાગ ખરો!’

‘ના પટેલ, ભાગ-ભાગની વાત રહેવા દ્યો! સારામાં સારો પ્લૉટ તમારો જાવ!’

પટેલનું મોં લેવાઈ ગયું. એ નારાજ થઈને જતા રહ્યા. કેટલાય વખતથી કંપનીનો ઑફિસર સ્ટાફ નૌતમલાલને ‘ઓફિસર્સ કૉલોની’ માટે જમીનની જોગવાઈ કરવા વિનંતીઓ કરી રહ્યો હતો. નૌતમલાલ પહોંચતા માણસ હતા; પાવરધા ય ખરા જ. સૌથી મોટી વાત આ શહેર એમનું ગામેચી વતન હતું. એ ધારે એ કરી શકે! નૌતમલાલ ધારી રહ્યા હતા ને એમની ધારણા જાણે આકાર ધારી રહી હતી.

એ આખોય દિવસ નૌતમલાલનો ઑફિસમાં જીવ ના ચોંટ્યો. રહી-રહીને એમની આંખો આગળ ‘ઓફિસર કૉલોની’ આકાર લેવા લાગી. એમાં મોખાનો બંગલો એમનો પોતાનો હતો! એમને યાદ આવ્યું, હજી તો અઠવાડિયા પહેલાં જ ફૅક્ટરીમાં કંઈક કામે આવેલા મૂળજીભાઈ પટેલનો સંગાથ થઈ ગયો હતો. નૌતમલાલે એમને શહેરમાં જતાં સ્કૂટર પાછળ લિફ્ટ આપી હતી અને મૂળજીભાઈએ વાત-વાતમાં જ પથરો મેલ્યો હતોઃ

‘નૌતમલાલ! તમારા ઘેર કામવાળી આવે છે, એનો ધણી મારો ખેડૂત છે. ચાર વીઘાંના મારા ખેતર ઉપર એનો ગણોતહક્ક લાગે છે. લાખ વાનેય મારો વેરવી ગણોતહક્ક છોડવા રાજી નથી થતો. હમણાં તો કૉર્ટમાં મુદતો પડાવું છું. તમે કંઈ વચ્ચે પડો ને સમજાવટથી પતવી આલો તો..’

એક વારકું તો નૌતમલાલના મોંઢેથી નીકળી ગયું હતું: ‘તમે ય તે મૂળજી પટેલ જબરા છો! સરકારે કાયદો કર્યો તો એ ગરીબને એનો હક્ક મેળવી આપવા જ ને?’

પટેલ હસી પડ્યા હતા આ ન્યાયની વાત ઉપરઃ ‘વાહ શેઠ વાહ! કાયદા તો મજૂરો માટે ય કર્યા છે. તમે ને તમારી કંપનીના માલિક મજૂરોના હક્કમાં ચેટલુંક જતું કરશો, બોલો જોઈએ?

નૌતમલાલ ચડીચુપ્પ થઈ ગયા હતા ને ત્યાં સુધીમાં ઊતરવાનું ઠેકાણું આવતાં મૂળજી પટેલે છેલ્લું કહી નાંખ્યું હતુંઃ

‘મોખાની જમીન છે, મારી. રોડની અડોઅડ. સો ફૂટ પહોળો રોડ છે. આજુબાજુ સોસાયટીઓ થઈ જવાની ત્યારે આ ભોંય સો ટચના સોનાની લગડી બની જવાની! કંપનીમાં તમારો ભાગ થતાં થશે, પણ તે પહેલાં આ જમીનનું કરી લ્યો. તમારે નસીબે જો કલવો માની જાય તો તમે ય લાભ્યા વિના નહીં રહો!’

મૂળજી પટેલ તાકીને કૂકરી મારતા ગયા હતા. પંદર વરસથી-ફૅક્ટરી શરૂ કરી ત્યારથી નૌતમલાલે એના વિકાસમાં ‘લોહી’ રેડ્યું હતું. કંપનીનો માલિક કોણીએ ગોળ વળગાડી રહ્યો હતો, ‘નૌતમલાલ તમારી બહુ મહેનત છે. કંપની તમારો બે આની હિસ્સો કરવા વિચારી રહી છે.’ પણ હજી એ હિસ્સો થયો નહોતો. પોતે હડતાલો નિવારતા હતા, મજૂરોને સમજાવતા હતા. માલિક હિતમાં મજૂરોનું અહિત પણ કરી નાંખતા હતા. પણ હજી તેમનો પોતાનો બંગલો બંધાયો નહોતો. પોતે જરાક મક્કમ થઈ જાય તો મૂળજીભાઈના કહેવામાં જરાય મણા ના રહે, એ ચોક્કસ હતું.

સાંજે એ ઘેર પહોંચ્યા ત્યારે એમની આગળ ચાનો કપ મૂકતાં ધર્મપત્ની પારવતી બોલ્યાંઃ

‘ભલકી અજાર રૂપિયા ઉછીના માંગે છે. કહે છે, છોકરો માંદો છે તે દવા કરાવવી છે ને ખેતરમાં ખાતર નાંખવું છે. આડમાં દોઢ તોલાનો દોરો આલવાનો કહે છે!’

‘નૌતમલાલ બોલ્યા નહીં. ચ્હાનો કપ મોઢે માંડતાં ફરી એમની નજરે ફરી એકવાર કલવાનું ખેતર તરી રહ્યું. એ જ ખેતરનાં તાજાં શાકભાજી ભલકી અનેકવાર લાવી હતી. તુવેરો ને તુરિયાં, ગલકાં ને પાપડી! આ બધું આપતાં ભલકી જે બોલતી તે ય પોતે સંભાળતા હતા.

‘પે’લા ફાલનું શાક છે, બા! તમે મોટાં લોક, તમારે ખાવા જોયે, અમાર તો ટંકે રોટલો મલ્યો એટલે એઈ…ય ન જગ જીત્યા!’

નૌતમલાલ માણસ હતા. એમનું મન પોકારી ઊઠ્યું: ‘ગરીબ બાપડો ખેડુ!’ પણ ત્યાં તો એ જ મનના અગોચર ખૂણે લપાઈને બેઠેલો સ્વાર્થ પેલી માણસાઈ પર ચડી બેઠોઃ ‘ભલાઈ-બૂરાઈ વિચારવા રેશ નૌતમલાલ, તો હાથે ચડ્યો મોકો ખોઈશ!’

કડક-મીઠી ચ્હાથી ચીકટાઈ ગયેલું મોં સાફ કરવા એ મુખવાસ મંગાવવા જતા હતા ને પાર્વતી હાથમાં શીશી લઈને હાજર થયાં. ‘બહાર કલવો આવ્યો છે!’

મુખવાસ વિસરીને એ બોલી ઊઠ્યા: ‘એને અહીં અંદર મોકલો ને એને માટે સરસ ચ્હા કરી લાવો.’

બેઠકમાં પેસતા કલવા પર નજર માંડતાં એમણે એને આવકાર્યો: ‘આવો કલજીરામ! આવો. ના, ના, ત્યાં હેઠે નહીં, આ બાંકડા ઉપર બેસો!’

‘ના ભેશાબ શેઠ, મન એય નંઈ ફાવે!’ – કરતા કલવાએ નીચે જ પલાંઠી વાળીઃ ‘બોલો શેઠ, ચ્યમ બોલાયો’તો, હકમ કરો!’

‘એ બધી વાત પછી કલજી, પહેલાં ક્યો, તમારા દીકરાને કેમ છે?

‘હાહરનું કશુંય હમજાતું નથી, શેઠ! તાવ નથી જતો દેહમાંથી. દવા કરાઈ કરાઈને થાચ્યો! લોક કે’છ ક શે’રમાં લઈ જા. તે કાલે શે’રમાં લઈ જવા વચાર છે!’

‘વિચારેશ નહીં. લઈ જ જાવ. સારામાં સારી દવા કરાવો. દીકરો હશે તો તમારા દી વળશે. જાવ, ભગવાન તમારું સારું કરશે.’

‘પણ મારું કે’વું એમ હતું શેઠ ક, હવારે…એ…’

‘ઓ હો! વાત તો હું ભૂલી જ ગયો. અરે હજી તો હમણાં જ શેઠાણીએ યાદ અપાવી હતી. આ રહ્યા, લો આ હજાર રૂપિયા. છાપરું ય ચળાવી નાંખો પલળતા ઘરમાં છોકરું માંદું ના થાય તો બીજું થાય શું?’ .

‘મારે તો છેતરમાં થોડાંક ખાતરપાણી ય કરાવવાં છ શેઠ! તલ, તુવેરો ને ડાંગેર કર્યા છ, પણ કશામાં કહ જ નથી ચડતો!

‘પેલી કે’વતમાં કહ્યું છે ને કલજી! ટૂંકી ખેતી, ઉધામા અધિકા ને નકરી ફજેતી! એ ખેતીએ તમારો દહાડો નહીં વળે, ભાઈ!’

‘એ તો ઊંય હમજોછ શેઠ. વાત તમારી હોળ વાલ અને એક રતી હાચી પણ એવડા એક છેતર ઉપર જ મારો જીવારો છે. માનો ને એ જ જીવાદોરી છ. મૂળજી પટલ તો કોરટે ચડ્યા છ, આંગોઠો ચાંપી આલું તો પૂરા પાંચ અજાર રોકડા આલવાના કે’છ. પણ પછે શું? એક આધાર જતો રે’ પછે શું?’

‘આ તમારો મોહ બોલે છે કલજી! જમીન ખેડીએ એટલે એની હંગાથ માયાં બંધાઈ જાય. એ છોડી ના છોડાય ને એક દા’ડો આપણે જ છુટ્ટા થઈ જઈએ. રામ બોલો ભાઈ રામ! ને ત્યારે હંધુય અંઈનું અંઈ જ રહી જવાનું. એક વાત હાંભરી લેજો! દીકરો વધારે કે ખેતર? મેં તમારું ખોરડું જોયું છે. બાપ જન્મારે ય તમે એ પિંડેરિયા ઘરમાંથી પાકા મકાનમાં જવાના નથી. મારું માનવાના હો તો હું વચ્ચે પડું. મૂળજી પટેલને સસ્તામાં ના છોડું. પૂરા દશ હજાર રોકડા અપાવું – ને એક મુદ્દાની વાતઃ એ જ ભોંયમાં એક ઘર બંધાવવાની સોસાયટી ઊભી કરીએ. એમાં એક ઘર તમારું ય થઈ જાય. મારું વચન છે. તમારે રાતો જેંઈ ભરવાનો નહીં રહે. મારા પ્લૉટની અડોઅડ તમારું મકાન બનાવી દઈએ. ઘરની ઘરવટ જળવાય ને તમામ હરખો હારો પાડોશ મળી રહે. ઉતાવળ નથી આજ ને આજની, પણ જરા વિચારજો!’

કલવો નૌતમલાલની સામે તાકી રહ્યો. એ કશું જ ના બોલી શક્યો. નૌતમલાલના શબ્દે-શબ્દ એનાં મનપડળ આગળ ભાતેક ભાતેકનાં ચિત્ર ખડાં થતાં હતાં. ઘડીમાં પાકું ઈંટેરી, શનિયા કરતાંય સવાયું મકાન દેખાતું તો બીજી ઘડીએ પટેલે કાળાં-ધોળાં કરીને પડાવી લીધેલી જમીન દેખાતી ને પોતે છાપરામાં સાવ નોંધારો થઈને છેલ્લા દમ તાણતો દેખાતો!

ખાસ્સી ગડમથલમાં સપડાયેલો એ ઘેર આવ્યો. રાત્રે દીકરાની જવર ખૂબ વધી ગયો. એની હાયવૉયમાં એ ભલચીને કશી વાત-વિગત ના કહી શક્યો. સવારે એણે શહેર જવા પહેલી મોટર પકડી. એક ડૉક્ટરે એના દીકરાને તપાસ્યો. બે દા’ડાની દવા લખી આપી. પચાસ ડૉક્ટરે લીધા અને સોન્સવાસો લખી આપેલી દવાના થયા. તાવ જરાક હલકો પડ્યો. બે દા’ડા એણે ખેતરમાં વિલાયતી ખાતર વેર્યું. ત્રીજે દા’ડે એ ફરી પાછો દીકરાને લઈને દવાખાને દોડ્યો. આ ફેરા પહેલા ડૉક્ટરે એના છોકરાને તપાસ્યો. ફી લીધી અને ચિઠ્ઠી લખીને બીજા ડૉક્ટર કને મોકલ્યો. બીજાએ ખાસ્સે બધું તપાસ્યું. મસમોટી ફી લીધી અને ફોટું પાડવા મોકલ્યો. ફોટું તપાસ્યા પછી બીજાએ વળી એને ત્રીજો ડૉક્ટર પાસે મોકલાવ્યો. કલવો તે દિવસે સારી પેઠ્યે ખંચેરાઈ ગયો. દવા સાથે એના ત્રણસોએક રૂપિયાનો દાટ વળી ગયો હતો. હાર્યો ને થાક્યો-પાક્યો એ સાંજ પડે દીકરાને લઈને ઘેર આવ્યો. દવામાં ને ખેતરમાં એના હજાર રૂપિયા રોળવાઈ ગયા હતા. વરસાદ ખેંચાયો હતો. તે ખાતરના તપાશ સમાણાં પાણીને અભાવે ડાંગર અને તલના કોંટા બળી રહ્યા હતા.

હવે નૌતમલાલની વાતના અંકોડા એના મનમાં ગડ બેસાડતા જતા હતા, એમની સલાહમાં એને સાર દેખાવા માંડ્યો હતો. એક પા દીકરાનું દરદ વકરતું જતું હતું, બીજી પા ખેતરમાં ઊભો પાક બળી રહ્યો હતો. એક રાતે દિલની બળતરા એના એકલાથી ના જ વેઠાઈ ત્યારે એણે ભલચી આગળ દિલ ખોલીને વાત કરવા મથામણ કરવા માંડી.

કનવો કણસતો હતો ને ભલકી એનું માથું પસવારતી પેટના જણ્યાના કળતરે કરપાઈ રહી હતી.

‘અલ્યા હોંભરછ!’

‘હં..અં, ક્યો’નં, શું છ…અ…’

‘તારા ઘરાક નૌતમલાલ શેઠ બઉ હારા માંણહ! મુદ્દામ પરહુના માંણહ! પેલો પટલ છેતર ઓળવી લેવા ફર છ ને આમણે હૂતર મારગ દેખાડ્યો. બોલ્ય, પાકે ધાબાવાળું મકાન બનાઈ દેવાનું કે છ! એમની જોડાજોડ્ય!’

‘એમની તો વાત જ શી કરવી! હમ ખાવાના એટલા એ એક હાચા માંણહ છે. આ જુઓને રોકડા કેશ અઝાર રૂપિયા આલી દીધા. લીધું કશું લખાણ! ચેટચેટલા તોરા કર્યા તાર શેઠાણીએ હોનાનો દોરો લીધો. મનં કે’ક તાર જ્યારે જોયેં તાર દોરો લઈ જજે. રૂપિયાની ફકર ના કરતી! આવાં દેવતા લોકની પાડોસમાં વહવાનું મલ તો ભવ તરી જાય!

‘તો હાટવી દેવ નૌતમલાલ શેઠનં વચ્ચે રીછનં!’

‘હોવ્ય, હાટવી દ્યો. આમેય શું લાભવાનાં છૈયે? ઘરનું ઘર તો થશે!’

રાત વીતી ને સવાર થયે ખેતરમાં જવાને બદલે કલવો સીધો નૌતમલાલન ઘરે ગયો.

‘શેઠ સાયેબ…’

‘બોલો કલજીભાઈ…!’

‘પેલું પમધાડે તમે કેતા’તા એ…!’

‘એ વાત પછી, પહેલાં કહો, તમારા બાબાને કેમ છે? દવાખાને જ આવ્યા?’

પોતાના હૈયાને નૌતમલાલે ‘બાબો’ કીધો એ વાતે કલવાને શેર લોહી ચડ્યું એને નૌતમલાલના ભટુરિયા હંગાધ્ય પોતાનો કનવો રમતો દેખાયો. આંડ્યો લૂછી એ બોલ્યોઃ

‘કાંય હમજણ નથી પડતી, શેઠ. દા’ડે દા’ડે હુકાતો જાય છે. કાલે તો આખા શે’રના ડાગતરો પાંહણ મને ફેરવ્યો. અંઈથો તાં ન તો થો અંઈ! ફોટું હવ પડા પણ કશો ય શકવાર ના વય. કે’છ, સિવિલમાં લઈ જા, મ’મઈ લઈ જા ઈગરેજીમાં કશુંક ઈષ્ટમ્-પિષ્ટમ્ કે’છે. મન શાનું હમજાય!’

‘ઓહો! એમ વાત છે. ઊભા રહો!’ નૌતમલાલે ફોન લીધો. કોઈને કંઈ કહ્યું ને પછી કલવાને ફરમાવ્યુંઃ

‘જાવ, અબીતાલ તમારા દીકરાને લઈને અહીં આવી જાવ.’

કલવો હાંસે પડતો દોડ્યો. કંતાઈ ગયેલી કાયાવાળા દસ વરસના દીકરાને લઈને એ ને ભલકી આવી પહોંચ્યાં. ત્યાં સુધીમાં નૌતમલાલના બારણે કોઈક ટેક્સી આવી ગઈ હતી. ભલી જળજળાં તેણે પોતાના શેઠની ઉદારતા જોઈ રહી નૌતમલાલ કલવાને અને કનવાને ગાડમાં બેસાડીને શહેર તરફ ચાલી નીકળી કલવો એની જિંદગીમાં પરથમ વાર કારમાં બેઠો હતો. અને માંદલા કનવાનું મને હસુ-હસુ થઈ રહ્યું હતું.

નૌતમલાલે શહેરમાં એક જાણીતા અને પોતાના ઓળખીતા ડૉક્ટર પાસે કનવાને તપાસાવડાવ્યો, ખાસ્સી બધી તપાસ પછી ડૉક્ટરે એને ખાટલો આ ઊભા-ઊભા નૌતમલાલે પેલી ટેક્સીમાં કલવાને ગામમાં નસાડ્યો. ‘જાવ ભૂલીને આવો. તમારે ચાર-પાંચ દિવસ અહીં રહેવું પડશે.’ નૌતમલાલના ગયા પછી સાંજે કલવો પોતાની ધણિયાણીને દીકરાનું દરદ સમજાવતો હતોઃ

‘ડાગતરે બઉ તપાસ્યું. બઉ એટલે બઉ જ. ઝાડા, મૂતર, લોય, ફરી ફટાફટ, ફટાફટ! ન નૌતમલાલે ઘેડ દેનં હો હોની બે નોટો ડાગતરના હાથમાં મેલી દીધી. આ ડાગતરેય એટલા ભલા! એક નોટ પાછી કરતાકને કે’વા લાજ્યાઃ મને શરમાવશો નંઈ નૌતમલાલ. આપણે એક પાટલીએ હંગાથ્ય બેહીને ભણે લંગોટિયા ભઈબંધ, તમારી પાંહણ મારાથી પૈસા લેવાય! પણ શું થાય! આ જરાક વહમું છે! એમ કરો, છોકરાને થોડાક દિન અંઈ રાખો. હારું થઈ જશે.’ ચાર દાડા મોર્ય આયો’તો તાર પેલામણે હાહરામણે લોંટી જ લીધો. આ બધા શેઠના પ્રતાપ!’

પાંચ દિવસે કનવાને સારું લાગવા માંડ્યું. એ જરાક ફોરો થયો. હરતો-ફરતો થયો.

ડૉક્ટરે નૌતમલાલને બોલાવ્યા ને રોગ કહ્યો. નૌતમલાલ વિચારમાં પડી ગયા. પછી કહે – ‘સારું, તમે દવા કરતા રહો. હું કહું ત્યાં સુધી દવા કરતા જ રહો.’

પાંચ દિવસનું બિલ રૂપિયો છસો થયું હતું. કલવો જોતો રહ્યો ને નૌતમલાલે ‘કટૂ કટૂ કટૂ’ છ નોટો ગણી આપી. ગોળીઓ અને દવાનો ક્રમ કલવાને સમજાવ્યો. ‘નિયમિત આપતા રહેજો. સારું થઈ જશે.’

કલવો ઉપકારના બોજ તળે લદાઈ ગયો. વરસાદ ખેંચાયો હતો દવાખાને છ-સાત દા’ડા રહ્યો એ દરમ્યાન રેઢું પડેલું ખેતર ખાસ્સું ભેલાયું હતું. ઢોર તુવેરો ને તલ ચરી ગયાં હતાં. ને ડાંગર બળીને લખારો વળી ગઈ હતી. લમણે હાથ દઈને બેઠેલા હતાશ કલવાને નૌતમલાલના શબ્દો લોભાવી રહ્યા હતાઃ

‘દહ અજાર રોકડા મલશે. બાંધી મૂડી બૅન્કમાં કાયમની મેલી દેશું તો હાત વરાહાંએ બમણી થઈ જશે. મારી ફૅક્ટરીમાં હું તને તારા જેવી નોકરી અપાવીશ. શરૂમાં રોજ ભરવા પડશે, પછી કાયમનો થૈ જૈશ. ભલી તો મારે ત્યાં કામ કરે જ છે. ટાઢ-તડકો મટી જશે નં મઠના છાંયે મઝા કરે. ઘરનું ઘર થઈ જશે ને તાં હોરો તો છોકરોય ભણી-ગણીને હુંશિયાર હૈ જશે.

એ સાંજે એણે એને નૌતમલાલે ઘણી બધી ‘સમઝોટી’ કરી. ને ત્યાર પછીની મુદતે કલવો કોરટે ગયો. રાજી-ખુશીથી એણે મૂળજી પટેલની જમીન ઉપરનો પોતાનો ગણોતહક્ક છોડી દીધો. નૌતમલાલ એને બૅન્કમાં લઈ ગયા. એના નામે દસ હજાર ફિક્સમાં મૂકી દીધા. વારસમાં પોતાનું નામ લખ્યું: ‘વખત છે ને કશી આબધ્યા પડે ત્યારે પૈસા લેતાં તમને તકલીફ ના પડે હું સાથે હોઉં તો!’ કલજી ન્યાલ થઈ ગયા.

મૂળજીભાઈ સાથે નૌતમલાલે આગવો કરાર કરી લીધો હતો. કલવો ગણોતહક્ક છોડે તો ગુંઠાના ભાવે નૌતમલાલને ખેતર આપી દેવું. નૌતમલાલે સભ્યો ઊભા કર્યા. નામાભિધાન કરાયું, ‘આદર્શ ભ્રાતૃભાવ ગૃહનિમણિ સોસાયટી.’ નૌતમલાલ એના પ્રયોજક. ફટોફટ મોખાની જગ્યા બોટી લેવા વીસ સારા માણસો પચ્ચીસ-પચ્ચીસ હજાર રૂપિયા આપી સભ્ય પદે નોંધાઈ ગયા. મૂળજી પટેલને મફતમાં જવા બેઠેલી જમીનના રૂપિયા સાડા ત્રણ લાખ ઊપજી ગયા અને કલવાના દીકરાની દવા કરાવી એના બદલામાં નૌતમલાલ શેઠની તિજોરીમાં રૂપિયા દોઢ લાખ સમાઈ ગયા. પરિચિતોમાં નૌતમલાલ શેઠની પહોંચ અને પાવરધાપણાનો સિક્કો જામી ગયો. એ જ લાંબા હાથની પહોંચને વેગથી નૌતમલાલે બિનખેતીની કાર્યવાહી આટોપી અને જોતજોતામાં કલવાના ખેતરમાં ભ્રાતૃભાવ સોસાયટીના બંગલા આકાર લેવા લાગ્યા.

કલવાનો પ્લૉટ નૌતમલાલના પ્લોટને અડીને હતો. કલવો આવે ત્યારે એ એને બતાવતાઃ ‘જો મારી જોડ્યા-જોડ્ય તારો ય ‘બંગલો’ બંધાઈ જવાનો. પણ કોઈને કહેતો નહીં, વાત બગડી જાય!’

કલવો હાથ જોડેઃ ‘બારસલાખ ના કવ શેઠ. પણ અમન ગરીબન ‘બંગલો’ ન, પોહાય શેઠ. અમારે તો માથું ઢંકાય એવું ઘર થાય એટલે ભયો-ભયો!’

કલવો હેળવાયો છે એટલે નૌતમલાલ હવે એને પ્રેમથી તુંકારે બોલાવે છેઃ ‘તારી વાત સાચી, આ પેલી કોરના ચોખંડા પાયા કાઢ્યા છે ત્યાં પરસાળ, ઓરડા અને રસોડાવાળું તારું પણ પાક્કું ઘર બની જવાનું. આ તો મારી પડખો-પડખ એટલ જ ‘બંગલા’માં ગણાય.

કલવો આમ ‘ઘરનું ઘર’ બંધાઈ રહેલું એટલે ગુલતાન બની ગયેલો. દા’ડે કારખાને જાય, સાંજે સોસાયટીમાં આવે. નૌતમલાલના અને પોતાના બની રહેલા બંગલા અને ઘરમાં આંખે ચડ્યું એવું એવું કેટલુંય કામ કરે. નવરી પડી હોય તો ભલી ય પાયા પુરાયેલા ચોકઠામાં જઈને વિચારે ‘આની ઉપર્ય ધાબું ભરઈ જશે. પ્લાસ્ટર થૈ જશે પછી એયનં અમારું ઘરનું ઘર બની જશે.’ એ શેઠને સંભારેઃ શેઠ! અમારી પરહાર્યમાં કડાં મેલાવવાનું ના ભૂલતા હોકે! મારા કનુડાને એંચકાનો બઉ મોહ!’

નૌતમલાલના દિમાગમાં કશુંક દુણાઈ ઊઠતું અને એ જોરથી ઠેસ લગાવી હીંચકો હલબલાવી નાંખતા. કલવો મલકાતોઃ ‘શનિયાના હાહરાના ડોળા ફાટી જતા મારું ઘરનું ઘર જોઈને!’

કલવાનો હરખ આમ હવાયો થતો જતો હતો ને એક દા’ડો એને ચૈડી પડ્યોઃ પોતાનું બની રહેલું ઘર જોવા આવેલા દીકરા કનવાને ખૂબ ચક્કર ચડ્યા હતા ને એ બેભાન થઈને ભોંયે પડી ગયો હતો. નૌતમલાલે ડૉકટરે બોલાવ્યા પછી જ કલવાનો શ્વાસ જરાક હેઠો બેઠો હતો. ડૉક્ટર ગયા, દીકરાને જરાક ફેણ્યા વા. એ સાંજે કલવાએ પૂછ્યું હતુંઃ

‘શેઠ ડાગતર શું કૈ’છ! મારા કનવાનં હવે આંજીયે લાલ-પીળાં ચકામાં દેખાય છે. અચિંતા ફેર પડી જાય છે, દેહ કાળો પડતો જાય છે!’

એનું લોહી સુકાઈ જાય છે કલજી!’

‘તે હુકાતું ના મટે! એની દવા?’

‘આ કરીએ છીએ એ જ. બીજી બહુ ભારે. તારાથી ના પોંચાય, છતાં તે સિવિલમાં મોકલવાની વ્યવસ્થા કરી દઉં છું.’

વ્યવસ્થા થઈ ગઈ. કલવો ને ભલી બેય સિવિલમાં રહ્યાં. જંગલમાં ભૂલા પડ્યાં હોય એવાં જ સ્તો! નૌતમલાલની વગ પ્રમાણે ખાસ્સો મહિનો-માસ કનવાને ત્યાં રાખ્યો ને પછી રજા આપી દીધીઃ લ્યૂકેમિયા છે, જામી ગયેલું દરદ છે, હો ના મટે, ઘેર લઈ જાવ.

માથા કૂટતાં બેય જણાં દીકરાને લઈને પાછા આવ્યાં.

વળતે દિવસે કલવો કારખાને નોકરી ઉપર ગયો. મુકાદમે એને સંભળાવી દીધુંઃ ‘જો ભાઈ, રોજમદારીમાં તારું નામ લખ્યું’તું, પણ તું હળંગ મહીનો ના આયો તે કપાઈ જયું. હવે અમણાં હાલ તો તારો જોગ નહીં બેસે.’

કલવાએ બે-ચાર વાર આંખો પટપટાવી પછી એ આગળ વધ્યો.

‘કંઈ જાછ’!

‘નૌતમલાલ સાયેબ પાંહણ. એમણે મને નોકરી આવી’તી.’

‘એ હાલ ખૂબ કામમાં છે. ને કામ પર ન હો ત્યારે ફૅક્ટરીમાં ના જવાય. કાયદો છે!’

કલવો ટાંગા ઘસતો પાછો આવ્યો. એ સાંજે એ નૌતમલાલના ઘેર જવા નીકળ્યો. રસ્તે એનું ખેતર આવ્યું. આખી શીકલ જ બદલાઈ ગયેલી. એમાં અગાશીએ પહોંચેલા બંગલા ઊગી નીકળ્યા હતા. એમને ચોમાસાના વરસાદની કે વરાપની જરૂર નહોતી. એ ખેડય-ખાતરે ય નહોતા માગતા ને તો ય એમને નેધલ ચડતાં જતાં હતાં. એ પહોંચ્યો ત્યારે નૌતમલાલ હીંચકે હીંચતા હતા.

‘શેઠ સાયેબ…!’

‘આવો કલજી… હું તમને જ યાદ કરતો હતો.’

‘શેઠ મારો કનવો!’ એનું ગળું ભરાઈ આવ્યું.

‘એ વાત પછી, પહેલાં મુદ્દાની વાત કરી લઈએ. સાચું કે’જો, ધરમમાં તમને સૌથી વહાલું કોણ?

‘મઈસાગર મા, શેઠ!’

‘તો એ મઈસાગરના સોગંદ ખાઈને તું આ સરકારી કાગળ ઉપર લખી આપ કે તમે જિંદગીમાં કદી માંસ ખાધું નથી, ખાતાં નથી, ખાશો નહીં.’

‘ચ્યમ સાયેબ!’

‘સરકારી કાયદો છે કે આ સોસાયટીમાં શુદ્ધ શાકાહારીઓ જ રહી શકે. તમ તમારે અંગૂઠો ચાપો ને ભલા માણસ! કોણ જોવા આવવાનું છે!

‘ના સાયેબ, દશેરાએ બકરો વધેરે તાર પરસાદ લેખે કદી કદી ખાધું છ, નં મઈસાગર માના હમ ચ્યમના ખવાય?

‘તો પછી મને દોષ ના દેતો. તને ઘર નહીં મળે!’

‘પણ શેઠ…!’ કલવાને અંધારાં આવતાં હતાં.

‘જો કલજી! સરકાર અને કાયદા આગળ તું અને હું બેય હરખા. કાયદો કોઈનીય શેહ-શરમ ના ભરે. મારાથી કાયદા વિરુદ્ધ કશું ખોટું ના થાય. છતાં તારો વંત મારા મનમાં છે. તું ચિંતા ના કરતો.’

‘પણ મારા કનવાનં નવા ઘરનો બહુ જોવાહ હતો શેઠ! બહુ માયા હતી. એની આંખ મેંચાય એ પેલા!’

સોસાયટી પૂરી થઈ જાય ને દિવાળી ઊતરી રહે તે તરત તારું પિંઢેરીયું ઘર તોડી પડાવીને હું ત્યાં જ તારા વગામાં જ તને નવું ઘર ચણાવી આપીશ જા.’

‘એટલા બધા લાંબા દન મારે કનવો આવ ના ખેંચે શેઠ!’

‘તો મારાથી જમરાને ઓછા આડા હાથ દેવાવાના છે ભઈ! એમાં હું શું કરું?’

‘શેઠ.. આ… તમે આ બોલવા બોલો છો શેઠ..!’

‘તું જા હવે. મારે પૂજાનો સમય થયો છે!’ – કહેતા નૌતમલાલ અંદરના ઓરડામાં ચાલ્યા ગયા!

ભાંગેલ ટાંટિયે ઘેર પહોંચેલો કડવો ભલીને આજની વાત ના કહી શક્યો. દિવસો વીતતા રહ્યા, કનવાનું લોહી સુકાતું રહ્યું ને પેલી બાજુ ગૃહનિર્માણ સોસાયટીનું કામેય યુદ્ધના ધોરણે ચાલતું રહ્યું.

એક રાતે મોસમ વીત્યા પછીનું ભયંકર માવઠું થયું. વેલાતોડ વરસાદ વરસ્યો. કલવાનું છાપરું આખી રાત ચૂતું રહ્યું. એનો નહવાન થઈ ગયેલો એકનો એક દીકરો કનવો કણસતો રહ્યોઃ ‘બાપા.. આપણું નવું ઘર.. બાપા મને નવા ઘેર લઈ જાવ…’

કલવો હોઠ ભીંડીને દાંત કચડી રહ્યો. મળસકે કાન ફાડી નાંખતો કાટકો ગાજ્યો. ભયથી ને ટાઢથી થીજી ગયેલી કનવાની કાયાએ એક આંચકો ખાંધો ને પછી એ ટાઢીબોળ થઈ ગઈ.

ભલીએ પોક મેલી. કલવો એને સાહવા ધસ્યો ત્યાં જ ગગનમાં બીજી ઘોર ગર્જના થઈ અને કલવાના પિંઢેરિયાના ચાર-ચાર ભેડાં ધસી પડ્યાં.

દિવસના ચડતા પહોરે મા-બાપ અને દીકરાની ઠાઠડીઓ લઈને ડાઘુઓ. મસાણે જતા હતાં ત્યારે ‘આદર્શ ભ્રાતૃભાવ સોસાયટી’નું વાસ્તુ થઈ રહ્યું હતું. ઉદ્ઘાટક સહકાર ખાતાના મંત્રી હતા. દેશના એકે-એક નાગરીકને અન્ન, વસ્ત્ર અને આવાસ પૂરા પાડવાની પ્રતિબદ્ધતા એમના ભાષણમાં પડઘાતી હતી. એ મંત્રી કલવાની ન્યાતના જ હતા. ને એમની પડખોપડખ ફૂલહારથી લદાયેલા નૌતમલાલ બેઠા હતા. એ હવે કોઈક નવું સાહસ કરવા વિચારી રહ્યા હતા કારણકે મંત્રી-મહોદયે કહ્યું હતુંઃ ‘દેશને આવા સાહસિક નૌતમલાલોની ખૂબ જરૂર છે!’

ઓડિયન્સ પોકારતું હતું: ‘નૌતમલાલ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.’

ને એમાં દૂર-દૂર જતી ‘રામ બોલો ભાઈ રામ! રામ બોલો ભાઈ રામ!’ની સ્મશાન-ધૂન દબાઈ જતી હતી.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.