ગેટ ટુ ગેધર

હમ્મ્મ,

મને યાદ છે –

હું દરિયાકિનારે બેભાન જેવો પડ્યો’તો.

મારી એક તરફ ગાર્ડ હતો ને બીજી તરફ શેલજા.

ગાર્ડ મારું પેટ દબાવી પાણી કાઢવાનો ટ્રાય કરે જતો’તો. ને શેલજા જોયા કરતી’તી મને.

ને મારી આસપાસ, થોડે દૂર, એવું ટોળું જામેલું. આશરે વીસેક જણાનું, ટોળામાંના સહુ કોઈ મને જોઈ રહ્યા’તા. ટગર ટગર. તમાશો જોતા હોય એમ.

ને અચાનક હું ઝાટકા સાથે પાણી ઓકતો ભાનમાં આવેલો. આંખો ખોલી કે સામ્મે જ શેલજા. એના રડી રડીને લાલ થયેલા ગાલ. એની મોટી આંખો. એની ફરફરતી લટ – બધું એકદમ મારી ઉપર ઝળૂબી રહેલું. ઝબક ઝબક કરતું. ત્યાં જ ગાર્ડે જાહેરાત કરેલીઃ ભઈ થોડી વાર જીવશે પણ બચશે નહીં. ફેફસાંમાં બહુ જ પાણી જતું રહ્યું છે. એટલે…

ખરું ખરું હતું બધું. ધૂંધળું. ને સ્પીડી. પણ પછી…?? હા, પછી, હું મારા છેલ્લા શબ્દો બોલતો હોઉં એમ શેલજાની આંખમાં આખ પરોવી બોલેલોઃ આઈ લવ યુ શેલજા. આઇ હેવ લવ્ડ નોવન એલ્સ. જવાબમાં કશું બોલી નહોતી શેલજા. મૂંગી મૂંગી ડૂસકાં ભરવા લાગેલી. ને પછી ડૂસકાં ભરતાં ભરતાં જ મારું માથું હળવેથી છાતીમાં દબાવી દીધેલું.

આવું બધું હતું કૈંક. હમ્મ્મ. આવું જ હતું. પણ યાર. આમ તો મને મારાં સપનાં ક્યારેય યાદ રહેતા નથી. કોઈ દહાડો નહીં. તો પછી આ સપનું – કેવી રીતે? ને પાછું અત્યારે? અચાનક?

હા, બરાબર. પેલા તુષાર ને ઉથ્સવ પર આવેલા ને સપનામાં. ને હમણાં આ તુષારનો મેસેજ આવ્યો ફેસબુક પર. એટલે. હા, એટલે જ ફરીથી ઘૂમરાવા માંડ્યું આ સપનું. હા, બરાબર. પેલું ટોળું નહોતું – થોડે દૂર – મારાથી – એમાં જ આગળ ઊભેલા આ બેઉ. તુષાર ને ઉત્સવ. ને પછી શેલજા મને ભેટીને રડવા માંડી ત્યારે એની પાછળ આવી ગયેલા. ને ત્યાં ઊભાઊભા જોઈ રહેલા મારી સામું. દયાભરી નજરે.

બરાબર બરાબર. મને પરફેક્ટ યાદ છે – છેલ્લા પ્હોરમાં આવેલું આ સપનું. દરિયાકિનારો. ને ગાર્ડ. ને શેલજા ને તુષાપ, ઉત્સવ ને એવું બધું. ને પછી આ તુષારના મેસેજથી રિકોલ… પણ સાલું, એક વાત સમજાતી નથી કે આ શેલજા અમારા કૉલેજ ફ્રેન્ડઝની પાર્ટીમાં જવા તૈયાર કેમની થઈ ગઈ? આટલા વખતથી તો એ ક્યાંય જતી ન્હોતી. કોઈના સગાઈ, લગ્ન, બેસણા – કશામાં નહીં. તો પછી અચાનક શું પ્રેમ ઊભરાઈ આવ્યો, તુષાર પર? આ જુઓ – તુષારનો મેસેજ. લખ્યું છે – શું ધવલિયા. ક્યાં ખોવાઈ ગયો છે સાલા? કેટલા ટાઇમથી મળ્યો નથી. સાંભળ હવે. કાલે મારી વાઇફ ઊર્વશીનો બર્થ ડે છે. મેરેજ પછીનો પહેલો. શેલજાને તો મેં વાત કરી છે. એ તો આવવાની જ છે. ને તારેય આવવું જ પડશે. કોઈ બહાનેબાજી નહીં ચાલે. સમજ્યો? જોયું? ચોખ્ખે-ચોખ્ખું લખ્યું છે કે શેલજાએ હા પાડી છે. આવવાની છે એવું નહીં આવવાની જ છે એવું લખ્યું છે. એટલે જવાની જ હશે. પણ યાર, શેલજા જેવી શેલજા. આ તુષાર – ઉત્સલ ગેંગની જોડે? એય પાર્ટીમાં?

સાલી બીલીવ જ નથી થતી આખી વાત. કેમકે છેલ્લાં કેટલાંય વરસોથી, લગભગ પાંચેક વરસથી, મેં ને શૈલજાએ અમારા કૉલેજની ટોળીમાં જવાનું બંધ કરી દીધું’તું. કૉલેજમાં તો જતાં અમે. પણ એ તો હવે ટાઇમ જ જુદો હતો. એ વખતે તો અમે આખો દિવસ ભેગા ને ભેગા જ રહેતા. હું-શેલજા-ઉત્સવ-તુષારરક્ષિત-નિકીતા-મિલી-સુજલ બધા. ને કોઈની બર્થ ડે હોય કે ઉત્તરાયણ હોય કે હોળી કે પછી વેલેન્ટાઇન ડે કે ફ્રેન્ડશીપ ડે, ઊજવણી કરતા જ કરતા. ઊજવણી એટલે – ખાસ કંઈ નહીં પણ કોઈને ઘેર ભેગા થવાનું. ખાવાનું મંગાવવાનું. હોય તો હુક્કો કરવાનો. ને પછી મશ્કરી, ને ગોસીપ ને ધમાલ મસ્તી, ટૂંકમાં, મોડી રાત સુધી હડીયો હડીયો. શરૂઆતમાં તો મજા આવતી અમને. કૉલેજ દરમિયાન. ને કૉલેજ પછીય થોડો વખત. પણ પછી, ઉબ થવા માંડેલી. કેમકે યાર ક્યાં સુધી તમે આવી રીતે કામ વિનાના, કારણ વિનાના જલસાઓ કરી શકો? એટલે પછી…

શીટ, શીટ, સાડા દસ વાગી ગયા? અરેરેરે. હવે? હવે શું કરું? એમ જ જોવા બેઠો તો ફેસબુકના મૅસેજીસને. ને ક્યાંથી ક્યાં પહોંચી ગયો! હજી તો હાવાનું બાકી છે ને નાસ્તોયે. બહુ લેટ થઈ ગયું આજે તો. બહુ લેટ, પણ હવે? હવે શું? જવા દો આજનો દિવસ. હાસ્તો, બીજું શું થાય? આટલા મોડા જવાનો તો શો અર્થ?

જોકે જવાય જવું હોય તો એવું કશું નહીં. આપણો જ શો-રૂમ છે એટલે એવો તો કોઈ વાંધો નહીં. પણ નથી જવું આજે. રોજેરોજ શું ભૂતની જેમ લેપટોપ બેગ લઈને ઑફિસ ઉપડી જવાનું. આજે તો બસ આરામ જ કરું. ઘેર. ને આ હાર્દિકને ફોન કરીને કહી દઉં કે આજનો દિવસ સંભાળી લે. હાસ્તો. માલિક છું તો આટલો તો લાભ લઉં ને. એકાદો મૂડ – હોલિડે લઉ. એમેય આજે સાલું આ પાર્ટીનું ઇન્વીટેશન આવ્યું ત્યારથી મારું મગજ ડોફરાઈ ગયું છે. ને એના એ જ વિચારો આવ્યા કરે છે ક્યારના એટલે…

શું કરું? જઉં કે નહીં – આ પાર્ટીમાં? ઇચ્છા તો બહુ છે મારી જવાની. કેમકે સાચું કહું તો હું કોઈ ને કોઈ રીતે શેલજાને મળવા માંગતો જતો. ને એ કેમ સામેથી કોલ કરતી નથી કે મળવાનું ગોઠવતી નથી એ વાતે મનોમન ધૂંધવાયા કરતો’તો. એટલે જવાનું મન તો બહુ છે મને. પણ પછી ડાઉટ બી જાય છે. કેમકે

આ શેલજાને બરાબર ઓળખું છું. એટલે મને ખબર છે એને આવી બધી પાર્ટીઓની ને ગેટ-ટુ-ગેધરોની સખત ચીડ છે. એમાંય આ તુષાર-ઉત્સવ-રક્ષિતનિકીતા-મિલી – આ બધાંની તો ખાસ. એટલે જ, મને બીક લાગે છે કે એણે ક્યાંક શરમમાં ને શરમમાં હા પાડી દીધી હોય ને પછી પાર્ટીમાં જાય જ નહીં તો? તો પછી હું તો ભરાઈ જઉં ને આ બધા જલસા ભુખાળવાઓ વચ્ચે…

ને યાર. આ બધા સામાન્ય જલસાવાળા નથી. ખરેખર ભૂખાળવા છે બધા. જૈન નૂડલ્સ ને જૈન પાસ્તા ને જૈન પુડિંગ ને એવું બધું પધરાત્રે જ જતા હોય છે સાલાઓ. ને હુક્કો ને ધુમાડાઓ. ને અવનવા કોલ્ડડ્રીંકસ ને મિલ્કશેક્સ. એ બધું પણ ચાલુ ને ચાલુ જ રાખે. જંગલીની જેમ. જોકે કોઈ નશો-વશો નથી કરતા. એટલું સારું છે. પણ એમની વાતો એટલે – મગજનો સટ્ટો. કઈ નવી ગાડી નીકળી છે હમણાં. ને કયો ફોન આયો છે માર્કેટમાં. આવું બધું જ હોય. ને પાછું ગમે ત્યારે મોબાઇલ પર ફોટા પાડ્યું જવાના ને ફેસબુક પર અપલોડ કરવાના. ને ગર્લફ્રેન્ડ કે ફિયાન્સને ચોંટવાનું. ને કિસી-મુસી કરવાની ને… ટૂંકમાં, એમનું બધું બહુ ઇરીટેટિંગ છે. ને એટલે જ મને ડાઉટ જાય છે કે આ શેલજા એમને મળવા માટે ખરેખર જવાની હશે કે…

જો કે કદાચ એવું પણ બને ને કે એ મને મળવા માટે પાર્ટીમાં આવતી હોય. હા યાર. એવુંય બને તો ખરું જ. સો ટકા બને. આ મને મન થાય છે એને મળવાનું તો એનેય થતું જ હશે ને. ને એનેય એકલું તો લાગતું જ હશે ને. હાસ્તો. પારકા શહેરમાં એકલી રહે છે એટલે લાગે તો ખરું જ. જોકે બે-ત્રણ છોકરીઓ છે એની સાથે. રૂમમેટ્સ એની. પણ હવે, રૂમમેટ્સ એટલે રૂમમેટસ. ને હસબંડ એટલે હસબંડ. ને ગમે તેમ તોય અમે ખાસ્સે અઢી વરસ જેવું સાથે રહેલા. જેમ રહ્યા એમ. લડતા ઝઘડતા. ગૂંગળાતા. પણ ભેગા તો ખરાને. એટલે બની શકે કે કદાચ એ નવા શહેરમાં સાવ એકલી પડી ગઈ હોય ને મને મળવા માટે ઝંખતી હોય. વાહ! કેટલી અદ્ભુત વાત છે! મારી યાદમાં એ દુ:ખી હોય, બેચેન હોય ને મને મળવાના મોકાની રાહ જોતી હોય. આ આખી કલ્પના જ કેટલી અદ્ભુત છે! કેટલી મજાની! આહાહાહાહા…

પણ યાર. ગમે એમ તોય મને વિશ્વાસ તો પડતો જ નથી. કેમકે હું જે શેલજાને ઓળખું છું એ એક જબરદસ્ત એન્ટી ડ્રામા વ્યક્તિ છે. ને યોજનાઓ, યુક્તિઓ, સરપ્રાઇઝ વગેરેથી એને ભારે નફરત છે. એટલે આમ – દસ-બાર લોકો વચ્ચે – મને મળવા માટે એ તૈયાર થાય – ને એ પણ આવી મજા મંડળીમાં – એવી પોસીબીલીટી સાવ ઓછી છે. અલ્મોસ્ટ ઝીરો.

યાઆઆર. કશું સમજાતું નથી. ને સખત કન્ફયુઝન થાય છે. ને પછી કંટાળો આવે છે. કે એક પાર્ટીમાં જવા માટે, એક નાનું સરખું ડીસીઝન લેવા માટે કેટકેટલા વિચારો કરવા પડે છે સાલા…

પણ એ. એક કામ કરું તો. એને સીધું જ પૂછી જોઉં તો કે એ જવાની છે કે કેમ. હા. એમ કરાય. એ સારો આઇડિયા છે. ડાયરેક્ટ પૂછી જ જોઉં, જવાની હોય તો ઠીક. જઈશું આપણેય તે. ને ના જવાની હોય તો કેન્સલ. હા યાર. પરફેક્ટ છે. કરી જ દઉં વ્હૉટ્સ એપ કે – હે આર યુ કમિંગ ટુ ઉર્વશી’સ બર્થડે પાર્ટી? ટુમોરો? આ લો ટાઇપ કરી દીધું. આ સેન્ડ ને, આ બે ખરાય આવી ગયા. મીન્સ કે પહોંચીયે ગયો. બોલો પતી ને વાત. ક્યારના મૂંઝાતા’તા, અકળાતા તે… ન હાશ. સારું થયું મોકલી દીધો. હવે કંઈક નિરાંત થાય છે. હવે જ્યારે રીપ્લાય કરે ત્યારે. અત્યારે તો જોકે એનું વ્હૉટ્સ એપનું લાસ્ટ સીન કલાક પહેલાનું બતાવે છે. એટલે બીઝી હશે. ઑફિસમાં. પણ મને ખાતરી છે કે રીપ્લાય કરશે તો ખરી જ. અત્યાર સુધી તો કર્યા જ છે. વહેલા મોડા લાંબા-ટૂંકા જેવા હોય એવા. પણ કર્યા છે ખરા. પણ એ. આ તો થઈ ઓનલાઇન. ને આ ટાઇપિંગ બતાવે છે. ને આ, આવી ગયો એનો રીપ્લાય. – યેસ. હુ ટોલ્ડ યુ? – તુષાર. હું રીપ્લાય કરું છું. ઓહ, ને પછી સ્માઇલી. આર યુ કમિંગ? યેસ. હું હા પાડી દઉં છું ને સ્માઇલી મોકલું છું. એ ઑફલાઇન થઈ ગઈ છે. કંઈ કામમાં હશે. કેમકે બે મિનિટ પહેલાંનું લાસ્ટ સીન એટ આવે છે. પણ એ. આ મે શું કર્યું? ફોર્મમાં ને ફોર્મમાં લખી નાખ્યું એને – વેઇટિંગ ટુ સી યુ. પણ હવે? એનો તો કોઈ રીપ્લાય જ નથી. ઑફલાઇન જ થઈ ગઈ છે એ તો. લાસ્ટ સીન પણ ત્યાંનું ત્યાં જ ચોંટી ગયું છે એટલે… અરે યાર. હવે એનું મીંઢુ મૌન આવશે ને મને ગુસ્સો આવશે. ને પછી મારા ગુસ્સામાંથી જન્મેલાં વાક્યો હું એને મોકલીશ જેના એ સાવ જ ઠંડા રીપ્લાય કરશે… અથવા નહીં કરે. એટલે મને વધારે ગુસ્સો આવશે. ને પછી એનું એ જ ચક્કર ચાલ્યા કરશે. યાર. આ શું કરી નાખ્યું મેં. શીટ. શીટ. ગંદી ગાળો બોલવાનું મન થાય છે મને. ને… ને… મારું માથું ફોડી નાખવાનું મન થાય છે. પણ એ. આ તો આવ્યો એનો રીપ્લાય. – મી ટુ. ને પાછું સ્માઇલી. હું? શું વાત છે? તો પછી એણે મને મળવા માટે જ પાર્ટીમાં જવાની હા પાડી’તી? વાહ બાકી વાહ. વટ પડી ગયો આપણો તો યાર. જોરદાર. જોકે મારે બહુ ફોર્મમાં ના આવવું જોઈએ. કેમકે મને સારું લગાડવા પણ કહી નાખ્યું હોય એણે. હા, એવું બી પોસીબલ છે. કેમકે મેં એકદમ સ્વીટ સ્વીટ મૅસેજ કર્યો તો એય એવું જ લખે ને. એટલે એ તો ઠીક છે. પણ ગમે તે હોય. એક વાત પાક્કી છે કે મને મળવાની એનેય ઇચ્છા તો છે જ. હા એમ તો કહી જ શકાય. ને એ એક સારી નિશાની છે. સારી એટલે જબરદસ્ત આમ તો. હાસ્તો યાર. કેટલા ચાર મહિનાથી અમે નથી મળ્યા. જ્યારથી બ્રેક પર છીએ ત્યારથી. ને દસ-પંદર દિવસથી કશી વાત નથી થઈ. વ્હૉટ્સ એપે નહીં. પણ હવે? હવે શું કરું? વાત આગળ કેવી રીતે વધારે? માંડ માંડ શરૂ થઈ છે આટલા દિવસે તે…

તે આ સપનાનું કહ્યું? આજે આવ્યું’તું એ? હા, એમ કરાય. આમેય હું ઘણી વાર મારાં સપનાં કહી સંભળાવતો એને. ક્યારેક એય કહેતી મને. એટલે બરાબર છે. કહી દઉં. એમેય અત્યારે એ સારા મૂડમાં છે. ને મારું સપનુંય બચારું નિર્દોષ છે એટલે…

હં. આ જો લખી દીધું. આખું સપનું લખી નાખ્યું. હવે જે જવાબ આપવા હોય એ આપે ને જ્યારે આપવો હોય ત્યારે આપે. આપણું કામ પૂરું.

હાશ. કેટલું સારું લાગે છે. આજે રજા રાખી છે એટલે. કેટલો રીલેન્ડ છું. ઊડી રહ્યો છું જાણે હવામાં કેટલા વખતે રજા લીધી સાલી. ને આજે આ શેલજા જોડે વાત થઈ. હવે એકાદ સિગારેટ મળી જાય તો મજા પડી જાય. પણ નથી એકેય. ખાલી જ છે બૉક્સ. વાંધો નહીં. એમ જ બેસું. પણ એક કામ કરું. કૉફી બનાવી લાઉં. ઇલેક્ટ્રિક કેટલમાંથી. ને પછી બેસું. નિરાંતે.

આવી ગયો. હોય. થોડી વાર થઈ કૉફી બનતા. પણ ઠીક છે. જોઉં કેવી બની છે. ચાલે. ડીકેબલ. આહાહાહાહા. વરસાદી વાતાવારણ, બેસવાની જગાવાળી બારી ને કૉફીની ચૂસકી. મજા પડી ગઈ બાકી. ઓહ. ચાર મેસેજ આવ્યા છે હૉટ્સ એપ પર. એક ગ્રુપનો ને બાકીના શેલજાના છે..

હા હા હા સો ફની. ટૂ ડ્રામેટીક ઍન્ડ ટૂ ફિલ્મી ઓલ્સો.

હા હા હા. ટુ ધેટ, હું પણ લખી મોકલું છું. પણ હું, મારાં સપનાં નાટકીય હોય છે? આ નાટકીય હતું? ફિલ્મી હતું?

આમ તો… નાટકીય તો કહેવાય જ ને. આ બીચ પર મરવું. ને શેલજાનું ભેટીને રડવું. ને મિત્રોનું દયાભર્યું જોયા કરવું. એમેય કંઈ વાસ્તવિક તો ના જ હોય સપનાં. ને વાસ્તવિક ના હોય એટલે થોડા ડ્રામેટિક કે સિનેમેટિક હોય જ. પણ તો આ સપનું સાવ ઇરયાલીસ્ટીક હતું? એક રીતે ખરું આમ તો કઈ આમ બીચ પર મરું નહીં. પણ પછી. હું મરતો હોઉં ને શેલજા રડતી હોય છે? ઇરયાલીસ્ટીક? હું જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો હોઉં ત્યારે એ બેચેન થાય એ – એ ડ્રામેટિક.? ને મારા ભાઈબંધો ચિંતા ને દયાથી મારી તરફ જોતા હોય એ બધું સિનેમેટિક?

હૉટ ડુ યુ મીન બાય ઇટ ઇઝ ટૂ ફિલ્મી હહ? આ મૅસેજ ટાઇપ કરી દીધો મેં. ને મોકલી દીધો. હા યાર એવું કઈ રીતે કહી શકે છે. માન્યું કે મારું સપનું ડ્રામેટિક છે. કે પછી સિનેમેટિક છે. પણ એના પર આમ હસવાની શી જરૂર? દરેક વાતમાં એ મારી ઠેકડી ઉડાડ્યા કરે એવું થોડું ચાલે? હા યાર. એ પહેલેથી આવું જ કરતી આવી છે. મારી કોઈ પણ સીરીયસ એક્ટિવિટીને કંઈ ગણે જ નહીં. હું કંઈક મહત્ત્વની વાત કરતો હોઉં તો એને રૂટીન તરીકે ચલાવે રાખે. મને લાગે છે આ જ કારણ હતું અમારા પ્રૉબ્લેમ્સનું. હા યાર. એનો અલગાવ… એનો ભીંસી નાખે એવો અલગાવ. બીજાંય કારણો હશે જ. મને ગુસ્સો જલદી આવી જતો’ તો કે મારી મમ્મી જોડે એ એડજસ્ટ નહોતી થઈ શકતી કે પછી બહુ અપેક્ષાઓ રહેતી’તી મારા ફેમિલીની એની પાસે – એવું બધું બી ખરું. પણ મૂળ તો પેલું જ. નહીંતર અમે દોઢ-બે વરસ તો અલગ જ રહેતા’તા ને. એકલા. આ ફૂલૅટમાં. ત્યારે શું ફેમિલી કે અપેક્ષાઓ નડતા’તા અમને. તોય બ્રેક તો લેવો જ પડ્યો ને. લેવો જ પડ્યો ને? ભલે નક્કી કરેલા ટાઇમ માટે. છ મહિના માટે. પણ ફાવ્યું તો નહીં જ ને અમને એકબીજા સાથે…

પણ હવે મારી બેટી આખી વાર્તા બદલાઈ ગઈ છે. મને મળવાની ઇચ્છા એનામાં જાગી છે એટલે સ્તો. તો શું એને ફરીથી મારી સાથે રહેવામાં ઇન્ટરેસ્ટ પડ્યો હશે? મીન્સ કે બ્રેક પૂરો? આમ તો ચાર મહિના જ થાય છે. પેલા અમારા નક્કી કરેલા ટાઇમમાં હજી બે બાકી છે. પણ એ તો ઠીક, મેઈન વાત એ છે કે એ મારી સાથે ફરીવાર રહેવા તૈયાર છે કે નહીં. કેમકે હું તો છું જ. હા. સો ટકા. લખીને આપું હું તો. કંટાળ્યો છું હું એકલો રહીને. ને યાદ પણ બહુ આવે છે એની.

પણ એનું? એનું શું? એના મનમાં શું ચાલે છે અમારી રીલેશનશીપને લઈને. ભગવાન જાણે. ને એ જાણે. ને મારે જાણવું હોય તો તુષારની પાર્ટીમાં જવું પડે. હા યાર. જવું તો પડે જ. તો પછી રીપ્લાય કરી દઉં? હાસ્તો. હવે રાહ શેની? આ લેપટોપ ખુલ્લું જ પડ્યું છે પછી…

પણ યાર, ગમે એ કહો પણ પેલો અલગાવ દૂર ના થાય શેલજાના મનમાંથી ત્યાં સુધી કશો ફાયદો નથી. કેમકે એ સાલું બહુ મોટું વિઘ્ન છે અમારી વચ્ચેનું. એ ગમે ત્યારે અમારા સંબંધનો રહ્યો સહ્યો ચાર્મ ખતમ કરી શકે એમ છે. ને સાવ ધૂળ ધૂળ પણ કરી શકે એમ છે. આ જુઓ. આ અલગાવ જ છે ને. જેને કારણે આજે માંડ-માંડ અમારી વચ્ચે થયેલી વાત એણે હસી નાખી. ને આટલું બધું ટાઇપ કરીને મેં મૅસેજ કર્યો એના પર પાણી ફરી ગયું.

હશે હવે. ઠીક છે. કદાચ હું ઓવર રીએક્ટ કરી રહ્યો છું. ઓવરરીડીંગ કરી રહ્યો છું એના મૅસેજનું. એમ જ લખી નાખ્યું હશે એણે.

આ લો રીપ્લાય બી આવી ગયો એનો. નથીંગ. આઇ સેઇડ ઇટ જસ્ટ લાઇક ધેટ, એમ જ.

હં. મેં કહેલું એવું જ નીકળ્યું. એમ જ લખી નાખેલું એણે. વિચાર્યા વગર. પણ હવે હું શું કહું? ઓકે લખી દઉં છું. હા યાર મૂકું વાત. હવે જે કહેવું હશે એ રૂબરૂમાં જ કહીશ. ફોન પર ટાઇપ કરો ને સેન્ડ કરો ને રીપ્લાયની રાહ જુઓ – એ બધાંમાં બહુ કંટાળો આવે છે. એટલે કાલે વાત. અત્યારે મૂકો આ બધું.

ને એમેય એક સિગારેટ મળે તો આ બધી વાત પૂરી થઈ જાય એવું છે. બધું ભૂસું નીકળી જશે મગજમાંથી. સપનું ને મરવું ને રડવું ને બધું. ઠીક છે. ઘેર જતાં લેતો જઈશ. અથવા જમીને આવતાં પી લઈશ એકાદી. એ હા. સારું થયું યાદ આવ્યું. મમ્મીને કહેવું પડશે. જમવાનું.

હાશ . એક કામ પત્યું. કહી દીધું મમ્મીને. પણ હવે કંઈ ટાઇમપાસ કરાય એવો નથી. ન્હાવાનું બાકી છે. કપડાં મશીનમાં નાખવાના છે. ને બે ત્રણ મેઈલ પણ કરવાના છે.

પણ સાચું કહું તો હું બહુ જ એક્સાઇટેડ છું. આ શેલજા શું પહેરીને આવશે ને અમારી વચ્ચે શું વાતો થશે ને કેવી રીતે સમાધાન થશે એના વિચારો, ને એ વિચારોનાં દૃશ્યો – મારી આંખ સામે ધસ્ય જાય છે. હા, હા. સમાધાન તો થવાનું જ છે. એકસો ને દસ ટકા. એની લાઇફમાં બીજું કોઈ નહીં હોય તો તો થશે જ. ને આટલા ચાર મહિનામાં કોણ મળવાનું હતું એનેય તે…

આ લો આવી ગયો શેલજાનો રીપ્લાય. શ્યોર. નો પ્રોબ્લેમ્સ. સી યુ.. હા ભાઈ બાય. સી યુ ટુમોરો. અરરર પોણા બાર થઈ ગયા. ટાઇમ તો ક્યાંય જતો રહે છે. આ બધા વિચારોમાં. ચલો હવે કામે વળગો. હજી તો ન્હાવાનુંય બાકી છે…

ખાસ્સા ટાઇમથી રાહ જોઉં છું. પણ હજી એ આવી નથી. મોટા ભાગના આવી ગયા છે. ખાલી રક્ષિત ને એ જ બાકી છે. આ બેલ વાગ્યો. પણ આ તો રક્ષિત છે.

: હાઓ ને પાર્ટી, શું ચાલે.

: બસ જલસા છે.

: જાડો પાડો થઈ ગયો છે તું તો. હું કહું છું. તુંય વધ્યો તો છે જ સાલા. એ જવાબ આપે છે.

: હા એ તો શું કરીએ. સુખ હોય જીવનમાં એટલે. ને હસતાં હસતાં એ બેસે છે. ને વાતો ચાલુ થાય છે. શું કરે છે હમણાં. ને શું ચાલે છે લાઇફમાં. એવું બધું. કેઝયુઅલ.

ત્યાં, તુષારની વાઇફ ઉર્વશી બધાને મોહિતો સર્વ કરવા લાગે છે. મિલી સમજાવી રહી છે.

: સ્પેલિંગમાં જે આવે પણ બોલાય હ. મોહિતો. સ્પેનિશ મોન્ટેઈલ છે. ઉર્વશીએ બનાવ્યું છે બી સરસ, પણ કોરીએન્ડરનું ગાર્નીશિંગ કર્યું હોત તો વધારે સારું થાત.

:હા હા ભાઈ. તું જ્ઞાની છે એનો અમે સ્વીકાર કરીએ છીએ. તુષાર કમેન્ટ કરે છે.

: તું તો લેડી સંજીવ કપૂર છે. હુંય બોલું છુંઃ માસ્ટર શેફ ઑફ પાલડી. ઉત્સવ એના મોબાઇલમાં ટાઇપ કરતા ડાયલોગ ફેંકે છે. છોકરીઓમાં હસાહસ થઈ જાય છે. મિલી ગુસ્સે થવાનો ડોળ કરે છે. ને ખોટું ખોટું મારે છે ઉત્સવને. થોડે દૂર બેઠેલી ઉર્વશી પણ હસે છે. મીઠું. પણ સાલું શેલજા કેમ આવી નહીં? મારેય લેટ જ આવવા જેવું હતું. ખોટો ટાઇમસર..

યાર આ દીપિકાના ક્લીવેજનું તો ખરું ચાલ્યું છે નહીં. મિલી બોલે છે.

: હા યાર ડીસસ્ટીંગ છે. સખત. નિકિતા પણ એની ફિલ્મી ચર્ચામાં જોડાય છે જોડાતા બોલે છે.

: પણ ગાસ્ક આ દીપિકાનું ચાલે છે કોની જોડે. રણવીર જોડે કે અર્જુન જોડે? રક્ષિત એના અજ્ઞાનનું પ્રદર્શન કરતો સવાલ કરે છે.

: રણવીર જોડે

સ્તો. ક્યારનું. મિલી પટ દઈને જાવાબ આપે છે. ને હવે બધા બે છાવણીમાં વહેંચાઈ જાય છે. રણવીર સારો કે દીપિકા સારી એ મુદ્દે, જોકે દીપિકાવાળી છાવણી વધારે મોટી છે. ને વધારે મજબૂત પણ છે. હું થોડી વાર ભાગ લઉં છું. શું કરું?

હુંય સીટી – છાપાં વાંચું છું એટલે મને થોડી ઘણી ખબર છે. જો કે સારું છે. ગાડીઓ કે ફોનની વાત નથી થઈ હજી સુધી એટલે…

આ બેલ ફરી વાગ્યો. એ જ હશે? હમ્મ. હા એ જ છે. લાંબું ચૌટું સ્માઇલ કરતી કરતી આવી અંદર. લીલા રંગનું ટોપ ને બ્લ જીન્સ પહેરેલા છે થોડો મેક અપે કર્યો છે કદાચ. આઇલાઇનર જેવું. ને હાથમાં પ્લાસ્ટિક બેગ છે. પ્રેઝન્ટ જ હશે લગભગ તો.

: આ લો આયા આપણા ગેસ્ટ ઑફ ઑનર. મિલી બોલે છે. ને શેલજા થોડું વધારે ખુલ્લું હસે છે. એ ઉર્વશીની નજીક જાય છે, ભેટે છે ને બેગમાંથી એક ગીફ્ટરેષ્ઠ બૉક્સ આપતા કહે છે.

: મેની હેપ્પી રીટર્ન્સ ઑફ ધ ડે.

: તમારા બંનેની ગિફ્ટ અલગ અલગ કેમ? ઉર્વશી નિર્દોષ આશ્ચર્ય સાથે પૂછે છે. ને એકાદ બે સેકંડ તો શેલજા એમ જ જોયા કરે છે. પળભર નીચું જુએ છે. ને પછી માઇલ કરતાં બોલે છે. અમે અલગ રહીએ છીએ ને હમણાં એટલે. બોલતી એ મારી સામું જુએ છે. એની આંખમાં ચમકારો છે. હું એની સામું જો ઈ સ્માઇલ કરું છું. જેવું થાય એવું. પણ મારું સ્માઇલ અણઘડ તો નથી ને. હવે શું? થઈ ગયું પછી.

: હેલ્લો એવરીવન. એ અમારી છોકરાઓની વચ્ચે સૉફામાં બેસતા બોલે છે. ને પછી મારી સામે હાથ લંબાવી બોલે છે.

: હાય.

: હાય. હુંય બાઘાની જેમ બોલું છું. ને હાથ મિલાવું છું એની સાથે. એની લાંબી મુલાયમ પાતળી આંગળીઓ. ને સ્ટેજ એમાંના હાડકાનો સ્પર્શ.

બીજા શહેરમાં રહેવાનો એક્સપીરીયન્સ કેવો રહ્યો?

: હા કેવી ચાલે છે મૅરેજ પછીની બેચલર લાઇફ? બધા શેલજાને પૂછવા લાગે છે. આમ ચાલે પણ બોરિંગ. નાનું શહેર છે. એટલે ફરવા કરવાનું નથી કહ્યું. પણ કામ સારું છે એટલે ચાલે. ગૉડ. આટલું બધું બોલે છે શેલજા એની લાઇફ વિશે? આ લોકો જોડે? લાગે છે બહુ દુ:ખ પડ્યું હશે બીજા શહેરમાં. નહીંતર તો…

: આ લો ચીઝ બોલ્સ. ઉર્વશી રસોડામાંથી એક મોટી પ્લેટમાં ઢગલો ચીઝ બોલ્સ લઈને આવે છે. લીલાકથ્થઈ રંગના. નાની દડી જેવડા. ને બધા ખાધે જાય છે. ક્રિકેટની – શેરબજારની વાતો કરે જાય છે. મિલી, નિકિતા કિચનમાં હેલ્પ કરવા જતા રહ્યા છે. શેલજા અહીં જ બેઠી છે, ખાય છે. વાતો કરે છે.

: બાકી બધું છોડો. હુક્કાનું શું છે ભાઈ. ઉત્સવ તુષારને પૂછે છે.

:જમ્યા પછી કરીએ ને યાર. તુષાર વિનંતી કરે છે.

: ઓકે-ઓકે. ઉત્સવ આળસ ખાતા મંજૂરી આપે છે. આ નાચોસ આવ્યા. તે સાથે જૈન સાલસા. હું બીજું મોહિતો માગું છું. સરસ છે નહીં મોક્રેઈલ. શેલજા મને પૂછે છેઃ હા. છેલ્લે ક્યારે પીધું હશે મેં મોક્રેઈલ. યાદ નથી આવતું. અરરર આ શું બોલી રહ્યો છું હું. ઢંગધડા વગરનું.

ઉફફ..

હવે બધા પોતાની ઑફિસની વાતોએ ચઢ્યા છે. ઑફિસમાં ચાલતા પોલિટિક્સની. પેકેજની. ને અચાનક, તુષારને યાદ આવે છેઃ યાર એક મસ્ત વસ્તુ છે. કાઠું? કાઢું? બીજી વાર એ ઉર્વશી ને જોઈને પૂછે છે.

: કાઢ કાઢ. ઉર્વશી હસતાં હસતાં કહે છે. ને તુષાર રૂમમાં જાય છે. ને હાથમાં કશુક લઈને આવે છે. વાયરવાળું. ઓહ. આ તો માઈક છે. તુષાર માઈકને ટી.વી.સાથે જોડે છે. ને સ્ક્રીન પર લખેલું આવે છે. સિંગ અલોગ.

: વાઓ. કેરીઓકે?. નિકિતા બોલે છે. મને ને મિલીને ને આ આઇડિયા બહુ પસંદ નથી. ગાવું નથી યાર વાતો કરીએ. મિલી બોલે છે. હું પણ એની જોડે સંમત થઉં છું. પણ પછી બધાનો આગ્રહ છે એટલે બહુ લાંબુ ખેંચતા નથી અમે. એમેય, ગાવું ને વાતો કરવું. બધું સરખું જ છે પછી…

ને કેરીઓકે ચાલુ થાય છે. ટી.વી. સ્ક્રીન પર પહાડોનાં, નદીઓનાં દશ્યો દેખાય છે. તુષાર ગીત સીલેક્ટ કરે છે. કલ હો ના હો. ને મ્યુઝીક ચાલુ થાય છે. સ્ક્રીન પર શબ્દો આવે છે. વન, ટુ, થ્રી, ફોર. હર ઘડી બદલ રહી હૈ રૂપ ઝીંદગી/ છાંવ હૈ કભી કભી હૈ ધૂપ ઝીંદગી. અત્યંત બેસૂરું ગાય છે સાલો. પણ તોય મુખડા પછી એનો સ્કોર આવે છે. સાઈઠ. ઓ બાપ રે. બધાં શોક્ક છે.

: આટલા તો એકઝામમાંય નથી આયા ક્યારેય તને સાલા. રક્ષિત બોલે છે. ને બધાં હસે છે. એક અંતરા પછી એનો સ્કોર સિત્તેર થઈ જાય છે. પણ પછી અમે એને બંધ કરવા વિનંતી કરીએ છીએ. સદ્ભાગ્યે એ માની જાય છે ને ઉત્સવ માઇક લઈ ગાવાનું ચાલુ કરે છે. અ ઓ જાને નાના ટૂંઢે તુજે દીવાના. બધા ડાન્સ કરવા માંડે છે. સારું ગાય છે એ… એનો પંચાણું સ્કોર આવે છે. છેલ્લે. બધા તાળીઓ પાડે છે. વ્હોઓઓઓઓઓ.

: હવે તું ગા ધવલ. તુષાર મને આગ્રહ કરે છે.

: ના ના હું નહીં હું નહીં.

: અરે ગાને યાર.

પણ તુષાર ગીત ચાલુ કરી મારા હાથમાં માઇક પકડાવી દે છે. ને ગીત સિલેક્ટ કરે છે. દિલ હૈ કિ માનતા નહીં. ચાર લાઇનમાં જ મારો સ્કોર ત્રાણું પર પહોંચી જાય છે. પણ બીજી વાર મુશ્કિલ બડી હૈ રમે મોહબ્બત લાઇન ગાતાં મારી ને શેલજાની નજર મળે છે ને અમને બંનેને હસવું આવી જાય છે. એટલે હું ગીતને સ્ટોપ કરી દઉં છું.

: આ નહીં બીજું. હું હસતાં હસતાં જ બોલું છું.

: હા હા બીજું બીજું આ બહુ સ્લો છે. કહી તુષાર પણ ગીત બદલી નાખે છે.

: બિલ્લો રાની કહો તો અભી જાન દે દૂ. હું ગાવા માંડુ છું. મિલી-તુષાર ઉત્સવ જોડાય છે ગાવામાં ને ડાન્સ પણ કરવા લાગે છે. હુંય થોડો થોડો ડાન્સ કરું છું. ને આ શું? શેલજા પણ ઊભી થઈને પોતાના ખભા હલાવે છે. ભાંગડા જેવું કરે છે. શીટ, ધીસ ઇસ ઇન્સેન. શેલજા ને ડાન્સ. બાપ રે. હું મોહિતોનો ઘૂંટ ભરી ફરી ગાવા માંડું છું.

પતી ગયું ગીત. સ્કોર આવ્યો ૯૯નો. ને સ્ક્રીન પર લખેલું આવ્યું. યુ આર એન એક્સેલન્ટ સિંગર.

: વાહ વાહ ધવલ વાહ. બધા બોલે છે.

: થેંક યુ થેંક યુ હું બોલું છું. સારું લાગે છે મને. પણ યાર હવે બહુ જ કંટાળો આવે છે. ક્યાંક જવું પડશે મારે. બીજે.

: મિનિટ હું આવું.

: ક્યાં જાય છે?

: અરે આવ્યો એક મિનિટ, કહી હું છટકી જઉં છું. ને અંદરના રૂમમાં જતો રહું છું. અરે. અહીં તો બાલ્કની છે. વાહ.

હાશ થોડું સારું લાગ્યું. થોડો પવન પણ આવે છે. ને થોડી શાંતિ પણ છે. આ ઘોંધાટે તો માથું પકવી નાખ્યું’તું. આ લોકોનો જલસામાં સાલું…

હફ. સિગારેટ સળગાવું યાર. હાશ. ખાસ્સા ટાઇમે ખુલ્લી હવા મળી. ને કેટલા વખત પછી શ્વાસ લઈ રહ્યો છું જાણે. જોકે અહીં કંઈ ખુલ્લી જગા નથી. બધા બિલ્ડિગ્સ જ છે. ઝાડ પણ નથી. તોય સારું લાગે છે. ક્વાઇટ નાઇસ.

પણ અરે? આ શેલજા? અહીં? હવે શું કરું? બુઝાવી દઉં સિગારેટ? કેમકે એને તો મારું સિગારેટ પીવું સહેજે પસંદ નથી. ના, ના. એક કામ કરું. ચાલુ રાખ. જોઉં તો ખરો એ મને કહે છે કે નહીં – બંધ કરવાનું. હા, બરાબર. એમ

પણ… એ તો કશું બોલતી નથી. ને ચુપચાપ જોયા કરે છે. સામે. એકીટશે. ખબર નહીં આ બિલ્ડિંગમાં શુંય દાઢ્યું છે કે આમ…

: મમ્મી પપ્પા કેમ છે? થેંક ગોડ. કૈક બોલી તો ખરી.

: મજામાં. તને યાદ કરે છે. હું કહું છું એને.

: હા મારેય મળવું છે એમને. જોઉં અવાય તો.

: ક્યાં રોકાઈ છે અત્યારે?

: ખુશાલીને ત્યાં.

: ઓહ. અત્યારે કેવી રીતે આવી?

: ઑટોમાંઃ ઓકે.. હું વિચારે ચઢી જાઉં છું. અહીંયાથી એ આવે ખરી સીધી મારી જોડે? મારા ફલૅટ પર. ને ખુશાલીને ફોન કરીને કહી દે કે..

: કેટલું ફૂંકીશ હવે?

: હેં?

: કેટલું ફૂંકીશ હવે?

: ઓહ આ છેલ્લો પફ છે.

કહીને, લાંબો કાશ ખેંચીને હું સિગારેટ બુઝાવી દઉં છું. ને બચેલું ટૂંઠું નીચે ફેંકી દઉં છું.

આ ક્યાં આવી ગયા છીએ અમે? આ અંધારું ને બાલ્કની. દરિયાની વચ્ચોવચ્ચ એક ટાપુ જેવા છે. ને હું ને શેલજા – લાંબા સમયથી ભૂલા પડેલા બે પ્રવાસીઓ જેવા. જેમની વાતો ખૂટી ચૂકી હોય, જેમને મૌન ઘેરવા લાગ્યું હોય એવા બે પ્રવાસીઓ..

અચાનક મને ઉધરસ આવે છે. ટૂંક્યા કર તું. એ મને કટાક્ષમાં કહે છે. આહ! એનો કટાક્ષ મને કેટલો વ્હાલો લાગે છે. મને થાય છે કે આ ઉધરસ આવ્યા જ કરે તો કેવું સારું. કમ સે કમ એનો મોહક કટાક્ષ તો સાંભળવા મળે મને. પણ મારાથી હસી પડાય છે ને હું બોલું છું.

: ઉધરસ તો ક્યારેક જ આવે છે. ને હું કંઈ બહુ ફૂંકતો નથી. આ તો હમણાં જ. દરમિયાન એ ડોકું ધુણાવી ફરી બહાર જાવા લાગી છે.

પણ મારે કૈંક કરવું જોઈએ. એટલીસ્ટ કૈક વાત તો કરવી જોઈએ. આ હળવું ને અર્થ વગરનું મૌન તો અમને કચડી નાખશે. એટલે હું વાત શરૂ કરું છું કે…

કે કેવા નવા એમ્પ્લોયીસ આવ્યા છે ને કેવો પ્રોગ્રેસ થઈ રહ્યો છે શોરૂમનો ને એકલા મૂવીઝ જોવાનો કેવો કંટાળો આવે આવે છે ને… અરે.. પણ … અચાનક મને ઉધરસ આવે છે… મોટી. અટકતી જ નથી… ખબર નહીં કેમ… આ મોહીતો બહુ ઠંડુ હતું એટલે? જે હોય એ…પણ આ ઉધરસ… ઉફફ… અટકતી કેમ નથી? ને આ શેલજા ક્યાં જાય છે?

ઓહ પાણી લઈને આવી શેલજા. ને મારો ખભો ઉપરથી પંપાળવા લાગી. હાય, હવે શાંત પડી ઉધરસ, કેટલા વખત પછી અમે આટલા નજીક છીએ. શું કરું? કૈક કરવું જોઈએ મારે. ખરેખર, આ ક્ષણ આવી છે માંડ. અમારા નજીક હોવાની. ને અત્યારે કંઈ નહીં થાય તો ક્યારેય કંઈ નહીં થાય. એટલે કૈક કરવું જ પડશે મારે. ને એટલે જ હું ચૂમી લઉં છું એને. એના હોઠ પર મારા હોઠ મૂકી દઉં છું. ને એના હોઠને બરાબર મારા હોઠમાં પકડવા મથું છું.

એક બે ચાર પણ છ સાત નવ દસ. દસ સેકંડ ગઈ. ને શેલજાનો દબાયેલો – અવાજ સંભળાય છે. મમમ… મમ્મ… ને એ ઉપરનો હોઠ છોડાવીને કહે છેઃ

છોડ મને. છોડ ધવલઃ ઓહ… મેં એનો હાથ પણ પકડી રાખેલો. હવે. છોડી દઉં છું હું એને. ને દૂર જતી રહે છે એ. જ્યાં હતી ત્યાં. ફરીથી. એના હોઠે જોકે કંઈ બહુ રિસ્પોન્સ આપ્યો નહીં. એમના એમ જ રહ્યા. આંખો ખુલ્લી હતી કે બંધ એ મેં જોયું નથી. કેમકે મેં બંધ કરી દીધી’તી. વાંધો નહીં. મેં મારી ફરજ પૂરી કરી દીધી. એની સાથે રહેવાની, એને ઘરે લઈ જવાની મારી ઇચ્છા જાહેર કરી દીધી. હવે એને જે કરવું હોય એ કરે.

પણ એ તો જોયા કરે છે બાલ્કનીની બહાર. ને હવે હું નફફટની જેમ એને જોયા કરું છું. હા. હવે મારી બીક દૂર થઈ ગઈ છે.

: અંદર જઈશું? અચાનક એ પૂછે છે.

: ઓકે. ચલ. હું પણ બોલું છું. એકદમ આત્મવિશ્વાસથી, પણ ખોટો તો નથી ને મારો આત્મવિશ્વાસ? વાત બગડી તો નહીં ગઈ હોય ને? જે હશે એ. હવે તો આ પાર કે પેલે પાર. એટલે, ચલો અંદર. પબ્લિક જોડે.

હવે અમે સોફા પર બેસી ગયા છે. ઘોંઘાટ શમી ગયો છે. માઇક પણ બિચારું અનાથની જેમ ટી.વી ની બાજુમાં પડ્યું છે. ને સૌ બિગબોસ ને કેબીસીની ચર્ચા કરી રહ્યા છે. ત્યાં જ અરે, આ શું? મારા ખભા પર વજન શેનું? ઓહ. શેલજાએ આવીને માથું ઢાળી દીધું – મારે ખભે? હોલી ક્રેપ. પણ હવે? હવે હું શું કરું? એનો હાથ પકડી લઉં? કે એના ખભાની આસપાસ વીંટાળી દઉં? ના ના મારે કશું કરવાની જરૂર નથી. આમ જ બેસી રહું. ને આ ક્ષણમાં બને એટલું રહું. ને બને એટલું એન્જોય કરું. એનો સ્પર્શ. હા, એમ જ કરું. હાશ! કેટલું સારું લાગે છે! નર્વસ પણ છું ને શાંત પણ. જોયા કરું છું બધે પણ કશું દેખાતું નથી. મારું બેટુ ખરું ખરું ચાલે છે બધું. ને હવે તો એણે એની આંગળીઓ પણ સેરવી દીધી છે મારી આંગળીઓમાં, શું કહું. કશું બોલવા જેવું રહ્યું નથી. કશું નહીં. ખરેખર…

: શું કહેવું છે તારું ધવલ?.

: બિગબોસ રીયલ છે કે એક્ટિગ. મિલી મને પૂછે છે.

: ને કે.બી.સી.? તુષારનો સવાલ…

: અં… મને બહુ ખબર નથી પણ મને તો બંને સ્ક્રીપ્ટેડ લાગે છે. હું બોલુ

: જોયું? કહી તુષાર ને મિલી ફરી ઝઘડવા લાગે છે. હું એમને થોડી વાર જોઈ રહું છું.

ને પછી, ધીમે ધીમે મને એમની વાતો સંભળાતી બંધ થઈ જાય છે. એમના શબ્દો અસ્પષ્ટ બની જાય છે. ફક્ત આછી હાજરી અનુભવાય છેએમના અવાજોની. હવામાં તરતા ઉડતા ઘૂમરાતા અવાજો. ને હું એ બધાથી સાવ દૂર જતો રહ્યો છું. અડી ના શકાય એવો બની ગયો છું. ને શેલજા ભલે મારા ખભે માથું ટેકવીને બેઠી હોય પણ તોય સામે જ એને જોઈ શકું છું. એની મોટી આંખો. એના પ્રકાશમાં ચકચકતા ગાલ. એનું આખા ચહેરા પર પ્રસરી ગયેલું સેડ સ્માઇલ – બધું દેખાય છે. મારી સામે. ને એના સહેજ ઉબડખાબડ આંગળા સહેલાવતાં હું વિચારું છું કે અત્યારે એ શું વિચારી રહી હશે, હેં?

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.