ખતવણી

છત્રીનો શોધક પોતાની શોધની નિષ્ફળતા સ્વીકારવા લલચાઈ જાય એવો વરસાદ વરસતો હતો. અને એ ગલીમાં તો વરસાદની સાથોસાથ અંધકારનો પ્રભાવ પણ એટલો જ પ્રબળ હતો. એ ક્ષણે એ ગલીમાં પ્રકૃતિની આણ વરતાતી હતી. માનવીના પરાભવની ચાડી ખાતાં છૂટાંછવાયાં મકાનો, રણભૂમિ પર નિશ્ચેત થઈને પડેલા યોદ્ધા જેવાં લાગતાં હતાં.

વાડીલાલ હિસાબ પતાવી શેઠના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે એ ગલીની આવી સ્થિતિ વિશે તદ્દન અજાણ હતા. શેઠના અંગત માણસ તરીકે શેઠના અંગત ચોપડાઓ લખવા વાડીલાલને અંગત રીતે રાતે વાળુ કર્યા પછી વારંવાર શેઠના ઘરે આવવું પડતું અને આવી કલાક-દોઢ કલાકની અંગત બેઠકનો એમને અંગત પગાર પણ મળતો હતો. ધોળી કે કાળી કોઈ પણ કમાણીનો પાઈએ પાઈનો હિસાબ કરવો એ શેઠનો અને હિસાબ રાખવો એ વાડીલાલનો ધર્મ બની ગયો હતો. આટલાં વર્ષો પછી હિસાબ રાખવો, એ જ જીવનનું લક્ષ્ય બની જતાં કોનો હિસાબ છે એ મુદ્દો વાડીલાલ માટે ગૌણ બની જતો હતો. વેપાર ધંધાનો લાખોનો હોય કે ઘરખર્ચનો દસકાઓનો હોય, રોજેરોજનો હિસાબ લખ્યા પછી જ વાડીલાલને ઊંઘ આવતી.

આજે વાડીલાલને એમનો અંગત કામનો અંગત પગાર મળી ગયો હતો. બંડીના અંદરના ગજવામાં પડેલી કડકડતી નોટોનો પરોક્ષ સ્પર્શ વાડીલાલની છાતીને થતો હતો. વસ્ત્રોનું આવરણ હોવા છતાં નોટોની ઉષ્મા આવા વરસાદી વાતાવરણમાં ઉંમર ઘટાડી નાખે એવી હૂંફ આપતી હતી. એટલે પ્રકૃતિ તો શું, આજની કમાણીનો હિસાબ લખવા સિવાય અન્ય કોઈના પણ વિશે સભાન થયા વિના વાડીલાલ તો ઊંધું ઘાલીને ડગ ભર્યે જતા હતા.

એ ગલીમાં વાડીલાલ વળ્યા અને થોડુંક ચાલતાં, વરસાદની એક થપાટથી, એમની માયકાંગલી છત્રીએ, ઊર્ધ્વગતિમાં જવાનો પ્રયાસ કર્યો, ત્યારે વાડીલાલ આ વાતાવરણ વિશે જાગૃત બન્યા. છત્રીને પકડી રાખવામાં તો એ સફળ થયા, પરંતુ એ પછી છત્રી અને લાકડીમાં કોઈ ખાસ તફાવત ન લાગે એવા સંજોગો ઊભા થયા. વિવિધ રીતે છત્રીને પકડવાના દરેક પ્રયાસમાં, વાડીલાલ એકસરખા ભીંજાવા માંડતાં, પેલી નોટોની ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય એમ લાગ્યું. ગભરાઈને છાતી, એટલે કે નોટો પર એક હાથ રાખી અને બીજા હાથમાં લાકડી, એટલે કે છત્રી પકડી, વાડીલાલ, આશ્રયની શોધમાં આમતેમ જોતા દોડવા માંડ્યા. સુધરાઈએ બાંધેલી અને પછી, આપમેળે વિકાસ પામેલી ગટરો, એ ગલીમાં ઇમારતો કરતાં વિશેષ છે, એવી વાડીલાલને ત્યારે જ ખબર પડી. એ વિશે વધુ વિચાર કર્યા વિના, પહેલું જે કંઈ બાંધેલું દેખાયું એ તરફ વાડીલાલ ધસી ગયા.

હાંફ શમી ગઈ ત્યાં સુધીમાં, બેઠાઘાટની, કોઈ સરકારી કચેરીના વરંડામાં પોતે આવી ગયા છે એનો વાડીલાલને ખ્યાલ આવી ગયો. એ પછીનું એમનું પગલું, વધુ ભીંજાયા વગર ઊભા રહી શકાય એવી કોરી રહેલ જગ્યા શોધવાનું હતું. આ બહુ મુશ્કેલ હતું. કારણ કે અંધકાર ઉપરાંત, વાડીલાલ પોતે એટલા ભીંજાઈ ગયેલા કે, તેઓ જ્યાં પણ ઊભા રહે એ જગ્યા ભીની થઈ જવાની શક્યતા હતી. છતાં, વાડીલાલે ખર્ચ પર કરકસર કરવાના હેતુથી વધુ ને વધુ અધિકારી નિમાય, એવો સરકારી પ્રયાસ ચાલુ રાખ્યો. વરંડો મકાનની ચારે બાજુ હતો. ફાંફાં મારતા વાડીલાલ એક તરફ વળ્યા અને ચોંકીને પાછા હટી ગયા.

થોડેક દૂર, બુઝાઈ જવાના મરણિયા પ્રયાસ કરતું એક ફાનસ બળતું હતું અને એની નજીક એક-બે આકારો હતા. વાડીલાલ ગૂપચૂપ પાછા ફર્યા અને ઝડપથી વરંડાની બીજી તરફ પહોંચી ગયા.

થોડીક વાર સુધી કોઈ પગરવ ન સંભળાતાં એમને નિરાંત થઈ. હવે કશું ન કરવાનું હોવાથી ચિંતા કરવાની એમણે શરૂઆત કરી. પહેલાં ઘરે કેવી રીતે જવાશે એની ચિંતા કરી, અને પછી બંડીમાં રહેલી નોટો વિશે ચિંતા કરી. આ બીજી ચિંતા અંગે વાડીલાલ સક્રિય બન્યા. સંભાળપૂર્વક લોચા જેવી થઈ ગયેલી નોટોની નાનકડી થોકડી એમણે બહાર કાઢી.

પાણીથી લથબથ થયેલી નોટોનો એમને માત્ર સ્પર્શ થતો હતો. એ કેવી લાગતી હશે એ વિશે હજી એમને કંઈક અંદાજ આવે એ પહેલાં તો વાડીલાલને ખૂબ જ ધૂંધળા, થરથરતા ઉજાસમાં એ નોટો દેખાઈ.

વાડીલાલ છળી ઊઠ્યા. પહેલી નજર નોટો પર પડી. બીજી નજર ઉજાસ તરફ પડી. ક્ષણનાય વિલંબ વગર નોટો, જે પહેલું ગજવું મળ્યું એમાં સરકી ગઈ. બીજા હાથની છત્રીની પકડ આપોઆપ દૃઢ બની.

ઉજાસ નજીક આવ્યો, આકાર ઓળખી શકાય એટલો નજીક આવ્યો.

એ એક ભિખારણ હતી. એનો કાળો રંગ તો અંધકારમાં જ ભળી ગયો હતો; પણ પહેરેલા વસ્ત્રને કારણે આકાર મળતો હતો. એના પેટની ઉપરનો ભાગ બહુ ઊપસેલો લાગ્યો. તાકીને જોતાં વાડીલાલને ખ્યાલ આવ્યો કે ત્યાં એક બાળક જેવું બાંધેલું હતું. ભિખારણનો એક હાથ નીચેથી બાળકને પકડતો હતો, અને બીજા હાથમાં છેલ્લા શ્વાસ લેતો ઉજાસ હતો.

વાડીલાલને એમ લાગ્યું કે એમના શરીર પરની ભીનાશમાં પાણીની સાથે પરસેવાનું પણ જે કંઈ પ્રદાન હતું એ ઘટી ગયું છે. અન્ય કોઈના બદલે બાળક સાથેની સ્ત્રીથી એમને શાતા વળી.

વાડીલાલનો પણ ચહેરો દેખાય, એટલી નજીક ભિખારણ આવી ગઈ. ધૂત્કારવા માટે શબ્દોની પસંદગી વાડીલાલ કરે એ પહેલાં તો ભિખારણે શરૂઆત કરી દીધી.

‘સા’બ, બચ્ચા ભૂખા હૈ.’

વાડીલાલે ભિખારણ સામે જોયું એના ગંદા કાળા હોઠ પર એક સ્મિત અટક્યું હતું. એમાં લાચારી ઉપરાંત બીજું શું હતું, એ વાડીલાલ સમજી ન શક્યા. વાડીલાલની દૃષ્ટિ હોઠ પરથી બાળક તરફ જોવા નીચે ગઈ. બાળકની હડપચી સિવાય કંઈ દેખાતું નહોતું.

વાડીલાલે ફરી ઊંચે જોયું.

‘સા’બ, બચ્ચે કો કુછ દો.’

વાડીલાલે ફરી બાળક સામે જોયું, ભિખારણ તરફ જોયું અને બહાર નજર કરી. વરસાદ ઘટતો હોય એમ લાગ્યું. કંઈ બોલે એ પહેલાં વાડીલાલને વરંડાની પેલી તરફના અન્ય કોઈકની ઉપસ્થિતિ વિશે વિચાર આવ્યો. પરિણામે જ્યારે એમના હોઠ ઊઘડ્યા ત્યારે અવાજ ધાર્યા કરતાં ધીમે નીકળ્યો.

‘ચલો, જાવ યહાંસે.’

‘સા’બ દે દો, દેખો બચ્ચા ભૂખા હૈ.’

ભિખારણ હવે અડી શકાય એટલી નજીક આવી ગઈ હતી. વાડીલાલે ફરી બાળક તરફ જોયું. ભિખારણે બાળકને સહેજ આગળ ધકેલી દીધું હતું. એ એટલી સિફતથી થયું હતું કે, ઊંઘતા બાળકના ચહેરાની સાથોસાથ, ભિખારણની છાતી પણ ખુલ્લી થઈ ગઈ હતી.

‘દેખો, બચ્ચા કિતના બીમાર હૈ.’

ફરી એક વાર વાડીલાલે બાળક તરફ નજર કરી. આ વખતે ખુલ્લી થયેલી પુષ્ટ છાતી આપોઆપ દેખાતી હતી. માત્ર ચહેરો જ જોવાનો એક નકામો પ્રયાસ પણ વાડીલાલે કરી જોયો. ધીમે ધીમે સ્વાભાવિક રીતે જ દૃષ્ટિ એવી રીતે સ્થિર થઈ જેમાં બાળકનો ચહેરો નછૂટકે જ દેખાતો હતો.

સહસા વાડીલાલે નજર ઉઠાવી. ભિખારણની આંખમાં આગળ વધવાનો સંકેત હતો. વાડીલાલે આજુબાજુ જોયું. કાન સરવા કર્યા. બધું યથાવત્ હતું. હાથ ઝડપથી ખિસ્સામાં ગયો. આંગળીઓને પહેલાં ભીની નોટોનો સ્પર્શ થયો. આંગળીઓ ત્યાં ઘડીક થોભી. પછી વધુ ઊંડે ગઈ. ઠંડું પરચૂરણ, પકડાયું. હાથ બહાર આવ્યો.

ભિખારણ ધીમેથી બોલી,

‘બચ્ચે કો દે દો.’

ફાનસની જ્યોતની જેમ જ, વાડીલાલનો હાથ થરથરતો હતો. સિક્કા ક્યાં મૂકવા, એની અવઢવ હતી. પંજો, બાળકની હડપચીથી આગળ વધ્યો. બાળકના માથા સુધી પહોંચતા પંજાના પાછલા ભાગને ભિખારણના સ્તનનો પૂરેપૂરો સ્પર્શ થયો. પંજો, સિક્કા ત્યાં જ રાખી સ્થિર થયો.

વાડીલાલને એ તો યાદ જ ન આવ્યું કે, આ પ્રકારનો એમણે છેલ્લે ક્યારે સ્પર્શ કરેલો. પત્નીના આકસ્મિક સ્પર્શને પણ એક વખત થઈ ગયેલો.

‘સા’બ, ઔર કુછ દેના હૈ ?’

વાડીલાલે ઝટકાથી હાથ ખેંચી લીધો. ભિખારણ સામે જોયું. નિમંત્રણ અકબંધ હતું. ફરી આજુબાજુ જોઈ લીધું. હાથ ખિસ્સામાં ગયો અને આ વખતે નોટ સાથે બહાર આવ્યો. ફરી આખો પ્રસંગ બન્યો. જરાક લાંબી વાર ચાલ્યો. વધુ પણ ચાલત, પરંતુ એ દરમિયાન બાળક જાગી ગયું અને ધીમે રડતાં એણે જીભ બહાર કાઢી, જે વાડીલાલના પંજાને ચાટવા માંડી.

અલબત્ત કારણો જુદાં હતાં, પરંતુ જે ઝડપથી વાડીલાલ આ વરંડામાં આવેલા એટલી જ ઝડપથી અને એ જ સ્થિતિમાં, હજી વરસાદ અટક્યો ન હોવા છતાં ચાલી ગયા.

ઘરે, બધી જ રીતે સ્વસ્થ થતાં વાડીલાલને વખત લાગ્યો. રાત ઘણી થઈ ગઈ હતી, છતાં પણ હિસાબ લખીને જ સૂવાના નિયમમાં ફરક ન પડ્યો. સિલક મેળવતાં પેલા સિક્કા અને નોટનો તફાવત બાકી રહ્યો. વાડીલાલે એમને ધર્માદા ખાતે ઉધારી દીધા. ચોપડો બંધ કરી બત્તી બુઝાવીને એ આડા પડ્યા.

પ્રયત્ન કરવા છતાં, ઊંઘ ન આવી. ફરી ઊઠ્યા. બત્તી કરી અને ચોપડો ખોલ્યો. ધર્માદાને બદલે છેકીને એમણે ચા-પાણી ખાતે એ રકમ ઉધારી. ગ્રાહકોના મનોરંજન માટે, નાનકડા ખર્ચને, આ ખાતે ઉધારવાની એમની પેઢીમાં પ્રથા હતી.

ફરી પાછા આડા પડ્યા ત્યારે પણ વાડીલાલને સંતોષ થયો નહોતો. ઘણા વખત પછી ખર્ચો ઉધારવામાં એમને સાચું ખાતું મળ્યું નથી, એનો રંજ એમને ઊંઘવા દેતો નહોતો.

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.