રેડિયો જોરજોરથી વાગતો હતો. એની આગળપાછળ આઠ-દસ છોકરાંઓનું ટોળું, લગભગ રેડિયોમાં મોં ખોસીને બેઠું હતું. મેં ઘંટડી વગાડી એટલે રેડિયોમાં ખલેલ પહોંચી.
પ્રદીપે બારણું ખોલ્યું ત્યાં તો અજિત વાડેકરે બાઉન્ડરી મારી અને કોમેન્ટ્રેટરે જોરજોરથી જાહેર કર્યું કે, ‘ફટકો સરસ હતો. મુશ્કેલ બોલને, અગમચેતી વાપરી અજિતે બાઉન્ડરી લાઇન પર પહોંચાડ્યો હતો. અજિતનો સ્કોર બરાબર પંચોતેર થયો.’ તાળીઓના ગડગડાટથી રેડિયો લગભગ ધ્રૂજી ગયો અને થોડીક ક્ષણો સુધી કાને પડ્યું કંઈ સંભળાયું નહિ. મારા પ્રવેશ સાથે અજિત વાડેકરે પંચોતેર રન કર્યા અેટલે મારા આગમનને ભાગ્યશાળી ગણી, પ્રદીપે અને પાસે બેઠેલાં છોકરાંઓએ કૂદીને આવકાર્યું.
‘કિશોરકાકા, તમે ભાગ્યશાળી છો; તમે ખરી વખતે આવી પહોંચ્યા. બસ, હવે આ બેમાંથી ગમે તે એક આંગળી પકડો.’
‘પણ છે શું? શાને માટે?’
‘એ બધું પછી, પહેલાં આંગળી પકડો!’
‘પછી પહોંચો કરડવાની વાત કરું તો આંગળી પાછી ના ખેંચી લેતો.’ મેં આંગળી પકડી. શુભ પરિણામ દર્શાવતી આંગળી પકડી હતી. એટલે ફરી પાછું પેલું જુવાનિયાંનું ટોળું ગેલમાં આવી જઈ કિકિયારીઓ કરવા લાગ્યું!
‘વાહ કાકા! વાહ, જીવતા રહો, મારા કાકા!’
મારો હાથ પકડી પ્રદીપે નાચવા માંડ્યું, તો બીજા છોકરાઓએ આગ્રહ કરી મને રિડેયા પાસે બેસાડ્યો. જેથી મારી હાજરીમાત્રથી અજિતને જોર ચઢે ને ધાર્યું પરિણામ આવે.
એક બાજુ વાતાવરણમાં ગરમી હતી, તો અંદરના ઓરડામાં ખાટલામાં બેઠો બેઠો સગુણ એકચિત્તે કંઈક સાધના કરતો હતો. આગલા ઓરડામાંથી સગુણ દેખાતો હતો. છતાં મેં પ્રદીપને પૂછ્યું: ‘કેમ, શું કરે છે તારા પપ્પા?’
‘એમનું તો નામ જ ના દેશો. દેશદાઝ જેવું એમનામાં છે જ નહિ!’
પ્રદીપ ઉશ્કેરાઈને બોલતો હતો. દીકરામાં દેશદાઝ ઊભરાતી હતી અને બાપાજી અંદર શાંત ચિત્તે પાઠ કરતા હતા. આ વિખવાદનું કારણ અન્ય છોકરાંઓની હાજરીમાં પૂછવાનું મને ઠીક ન લાગ્યું. એટલે મેં અંદર જઈ પૂછ્યું: ‘કેમ સગુણરાય, શા પેંતરામાં પડ્યા છો?’
‘તું મારો મિત્ર છે ને? ચોક્કસ…?’ એણે મારી તરફ જોયા વગર જ પૂછ્યું.
સગુણના પ્રશ્નથી હું પાછો ચોંક્યો. મારી મિત્રતામાં શંકા લાવવા જેવું હમણાં કશું બન્યું નહોતું. છતાં એ આમ કેમ પૂછે છે તે મારાથી સમજાયું નહિ. નક્કી સગુણ કંઈક મુશ્કેલીમાં હશે. હું મારા મનમાં અંકોડા મેળવતો હતો. પરંતુ ચોક્કસ કડી હાથ લાગતી નહોતી. તર્કને સ્થાન આપ્યા વગર મિત્રતાની ખાતરી આપી મેં પૂછ્યું: ‘બોલ, શું છે?’
‘હવે થોડી ઘડીઓનો ખેલ છે!’
‘કોનો? શાનો ખેલ?’ હું લગભગ એની સામે ધસી ગયો. પરંતુ એથી એની શાંતિમાં કંઈ જ ફરક ના પડ્યો. એની દાઢી ઊંચી કરી મેં પૂછ્યું: ‘શું છે આ બધું?’
મારો હાથ પકડી ઇશારાથી બેસાડતાં એણે કહ્યું: ‘થોડા સમયમાં ખેલ ખલાસ.’
‘કોનો? શી વાત છે?’
‘અજિત વાડેકરની. મારો મિત્ર હોય તો એ આઉટ થાય તે માટે પ્રારથના કર! એ સેન્ચુરી ના નોંધાવે માટે પ્રભુને વિનંતી કર!’
સગુણની વાત મારા મગજમાં ઊતરતી નહોતી. એ શું કહેવા માગે છે તે મને સમજાયું નહોતું. હું મોટેથી હસી પડ્યો.
‘અજિત વાડેકરની સેન્ચુરી અને તારે શું લેવાદેવા?’
એણે હસીને કહ્યું: ‘એ પછી સમજાવીશ. પહેલાં પ્રાર્થના.’
બહાર જોરજોરથી રેડિયો વાગતો હતો. બધાં જીવ પર આવી એક એક બૉલ ગણતા હતા. એક ઉપર એક રન ઉમેરાતા જતા હતા. અને લોકો તાળીઓથી આનંદ પ્રદર્શિત કરતા હતા.
‘લોકોને ક્રિકેટનો કેટલો ગાંડો શોખ છે! હું ઘેરથી આવવા નીકળ્યો ત્યાંથી તે છેક સગુણના ઘર સુધી લગભગ બધા જ રેડિયાઓ આટલા જ મોટેથી વાગતા હતા! દુકાનો પર લોકોનાં ટોળાં એટલાં તો જમા થયાં હતાં કે મારી આગળ ચાલનાર વૃદ્ધ કાકાને લાગ્યું કે હુલ્લડ થયું છે કે શું! ટોળામાંથી એક જણને બાજુ પર બોલાવી પૂછ્યું: ‘શું થયું?’
‘કાંઈ નહિ કાકા, આ તો ક્રિકેટ મૅચ રમાય છે, ને તેનો સ્કોર બધા સાંભળે છે.’
કાકાએ આ દુનિયા પર જે કંઈ અવનવું બની રહ્યું છે તે તરફ તિરસ્કાર દર્શાવતાં કહ્યું : ‘શું શોખ હાલી નીકળ્યા છે! રમતનો ચડસ, અને તે આટલો!’ મારા તરફ નજર કરી એમણે કહ્યું: ‘ઘડીભર તો મને થયું કે હુલ્લડ થયું. તમે માનશો. હું ધ્રૂજી ઊઠ્યો!’
– અને આખો ઓરડો ધ્રૂજી ઊઠે એ રીતે પ્રદીપે બૂમ મારી કહ્યું: ‘કિશોરકાકા, બીજી બાઉન્ડરી, આવી જાવ રાજ્જા, અજિતના નાઇન્ટી ટુ…’
‘નાઇન્ટી ટુ’નો આંકડો આવતાં પ્રદીપ ગેલમાં આવી ગયો. એનું જોઈને નાની ગૌરી પણ કૂદવા લાગી.
‘અજિત વાડેકર સો રન કરશે તો પ્રદીપભાઈ આપણને આઇસક્રીમ ખવડાવશે.’ કહી સોમાં કેટલા ખૂટે છે તે ગૌરીએ પોતાની નાનકડી આંગળીઓ પર ગણવા માંડ્યું. ‘કિશોરકાકા, અજિત હવે બસ આઠ રન કરી નાખે તો આપણને આઇસક્રીમ મળે.’
‘પણ તારા પપ્પા તો કહે છે અજિત આઉટ થાય તે માટે પ્રાર્થના કર. તે આ બધું છે શું?’
મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે પ્રદીપે ઉશ્કેરાઈને એનું ચલાવ્યું: ‘પપ્પાને દેશદાઝ નથી. આપણે જીતીએ તે એમનાથી ખમાતું નથી. દેશનો એકએક માણસ જ્યારે અજિત વાડેકરની સેન્ચુરી પર મીટ માંડી રહ્યો છે ત્યારે. પપ્પા એ ક્યારે ખતમ થાય તેની રાહ જોઈ રહ્યા છે! એ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે! પરંતુ આવા કાર્યમાં ઈશ્વર સાથ શાનો આપે? આપણો દેશ આવા લોકોને લીધે જ ઊંચો આવતો નથી. આજે તો દેશની શાન અજિત વાડેકર જ છે. સાંભળો, એક એક બૉલને કેવો ફાંકડી રીતે ઉઠાવીને જવાબ આપે છે! રમત તો બસ, અજિતનો, બસ, હવે એક કચકચાવીને ‘સિક્સર’ ખેંચી કાઢે તો… તો બસ, લેતા પરવારો!’
‘અજિત વાડેકર આઉટ થશે ને, તો પપ્પા ચૉકલેટ આપવાના છે.’ પ્રદીપના ઉશ્કેરાટને અંતે ગૌરીએ મને કહ્યું,
‘બોલ, તારે આઇસક્રીમ જોઈએ છે કે ચૉકલેટ?’ લગભગ ગૌરીનો તોટો પીસી નાખતો હોય એ રીતે પ્રદીપે પૂછ્યું.
‘જોઈએ છે તો આઇસક્રીમ, પણ આવું કરશો તો કહીશ કે અજિત આઉટ થઈ જાય!’
ગૌરીને કહ્યે જ ત્યાં અજિત આઉટ થઈ જવાનો હોય તેમ પ્રદીપે શાંત થઈ કહ્યું: ‘સાંજના બરાબર છ વાગે તને ચૉકલેટનો આઇસક્રીમ ખવડાવીશ. ભગવાનને કહે કે હે ભગવાન! અજિત વાડેકરના સો રન કરજે.’
કોમેન્ટ્રેટરો ખુશ થઈ સ્કોર આગળ કહેતા હતા: ‘અજિત નાઇન્ટી ફોર બેટિંગ.’ અને કેટલા મુશ્કેલ બૉલને કેટલી આસાનીથી અને ખૂબીથી રમ્યો તે ફરીફરીને સમજાવ્યું. હજી ખૂબીઓ સમજાવાતી હતી ત્યાં એક રનનો ઉમેરો થયો. ‘નાઉ નાઇન્ટી ફાઇવ.’ રેડિયો પાસેથી જ બૂમ મારી પ્રદીપે કહ્યું : ‘પપ્પા, તમે હારી ગયા. હવે પ્રાર્થના છોડીને અહીં આવો; પપ્પા અજિત નાઇન્ટી સિક્સ!’
‘બસ, હવે એક બાઉન્ડરી અને હુર…રા!’ એક મિત્રે ખુશ થઈ પ્રદીપને બદલે મારા ખભા પર જોસથી ધબ્બો માર્યો.
અજિતનો વિજયવિક્રમ નોંધાતો હતો. સેન્ચુરીની ઘડીઓ ગણાતી હતી. પોતાની જીત પર પ્રદીપ આંટા મારવા લાગ્યો: ‘નાઇન્ટી એઇટ. નાઇન્ટી નાઇન…’
‘કાકા, તમે શુકન લઈને આવ્યા!’ મને બાઝી પડતાં પ્રદીપે કહ્યું: ‘બસ, આ છેલ્લો બૉલ… ફટકારી માર…’ અને છેલ્લો બૉલ… કોમેન્ટ્રેટરે જાહેર કર્યું કે, ‘અજિત વાડેકરની વિકેટ ઊડી ગઈ.’ સેન્ચુરી માટેના છેલ્લા ફટકાની મારી, રન કરવા જતાં રન આઉટ! માત્ર એક રન ખાતર સેન્ચુરી ના નોંધાઈ, માત્ર એક જ રન… કુશળ ફિલ્ડરે એનો વિક્રમ ના નોંધવા દીધો! અને ‘પેવેલિયન’ પર પાછો મોકલી આપ્યો! પ્રદીપ અને પાસે બેઠેલાં સૌનાં મોં ફિક્કાં પડી ગયાં. ઝગમગાટ કરતા દીવાઓ એકાએક ઓલવાઈ જાય. જોરજોરથી વાગતાં વાજાં એકદમ બંધ થઈ જાય તેમ ઓરડામાં સોંપો પડી ગયો!
‘એક માટે એવું કર્યું! ખોટી ઉતાવળ કરી!’ હતાશ થઈ પ્રદીપ બબડ્યો.
એની નિરાશા સમજી ગૌરીએ પૂછ્યું: ‘પપ્પા જીત્યા, પ્રદીપભાઈ?’
અંદરના ઓરડામાંથી ઉત્સાહથી છલંગ મારી સગુણે કહ્યું: ‘હા… હા… પપ્પા જીત્યા. છેલ્લા બૉલે અજિત વાડેકરની દાંડી ખખડી ગઈ અને પેવેલિયન તરફ વળ્યો!’
પ્રદીપનો ઉશ્કેરાટ એટલો જલદ હતો કે મને થયું કે બાપ-દીકરો ઝઘડી પડશે! સગુણને બાજુના ઓરડામાં લઈ જઈ મેં કહ્યું: ‘એ આઉટ થયો, તેમાં તું કેમ આટલો રાજી થાય છે?’
‘પૈસા બચ્યા.’
‘શેના?’
ખડખડાટ હસીને એણે કહ્યું: ‘હવે તને વિગતવાર સમજાવું. પણ પહેલાં ઈશ્વરનો પાડ માનવા દે. મારી પ્રાર્થના એણે સાંભળી. ચાલ, હવે નિરાંતે ચા પીએ.’
ચા પીતાં પીતાં એણે કહ્યું: ‘આ અજિતના એક એક ફટકે મારા હૈયામાં ફાળ પડતી હતી. ભૂલેચૂકે પણ એણે એક રન વધારે કરી સો રન કર્યા હોત તો શું થાત, તને ખબર છે?’
‘શું?’ સગુણની વાતનો મર્મ હું પામી શકતો ન હતો. જે બીનાથી દુઃખ થવું જોઈએ તેને બદલે એ રાજી થતો હતો!
‘ફાળો, પૈસા આપો. ગઈ વખતે મારી જે ટાલ પડી છે તે પછીથી કોઈ પણ આપણો ખેલાડી સિત્તેર ઉપર રન કરે કે મને ધ્રાસકો પડે છે. ઉત્સાહી ખેલાડીઓ મારી આગળપાછળ ફરતા દેખાય છે. ફાળા માટે આગ્રહ કરી રમતને ઉત્તેજન આપવાની દલીલો કરતા સંભળાય છે, મારી આંખે અંધારાં આવી જાય છે. તમ્મર આવી જાય છે.
પેલા ચંદુ બોરડેએ ફટકા મારી સો રન કર્યા… ત્યારે મારી ગ્રહદશા અવળી હતી. જીમખાનામાં ગયો ત્યાં સૌએ ઠરાવ કર્યો કે દેશનું નામ રોશન કરવા બદલ સેન્ચુરી નોંધાવનાર ચંદુ બોરડેનું સન્માન કરવું અને થેલી અર્પણ કરવી.’ ક્રિકેટમાં મને મુદ્દલ રસ ન હોવા છતાં અગિયાર રૂપિયા ઝીંકવા પડ્યા. છેલ્લી તારીખોમાં પૈસાનો વિયોગ કેટલો વસમો હોય છે. એ આપણા જેવાને સમજાવવાનું હોય?
‘થોડા દિવસ ગયા ન ગયા ત્યાં ઑફિસમાં કેટલીક ચબરાક સ્ત્રીઓ આવી. આડીઅવળી વાત કરીને સાહેબ, એ તો વળગી: ‘ફાળો આપો.’ અલ્યા ભાઈ, તમારે અને ક્રિકેટને શું? મેં કહ્યું કે, ‘બહેનો મૂળાના પતિકા જેવા રૂપિયા અગિયાર ભર્યા છે!’
મારી વાત સાંભળી એક સ્ત્રી તો વળી મજાકભર્યું હસવા લાગી: ‘ઓહો! અગિયાર જ રૂપિયા આપ્યા છે ને? આવા સારા કામમાં તમારા જેવા આટલાથી પતાવે એ કંઈ ચાલે?’
‘મેં ઘણી ઘણી દલીલો કરી. પરંતુ મારી દલીલો હસી કાઢીને તેઓએ ઉઘરાણી ચાલુ રાખી. મારો ક્રોધ ફેણ પછાડી બહાર આવવા પ્રયત્ન કરતો હતો; પરંતુ સામાજિક મોભાના ખ્યાલે એને બળજબરીથી અંદર ભંડારી દીધો. હસીને કહ્યું: ‘સૌ સૌના ગજા પ્રમાણે હોય ને? અને આ ક્યાં એક જ ફાળો છે? રોજ ને રોજ કંઈક આવી પડે છે.’
‘અને સાચું કહું કિશોર, નવી સંસ્થા ખૂલે છે ત્યારે, નવો વિક્રમ નોંધાય છે ત્યારે કે કોઈ મહાન વ્યક્તિના અવસાનના સમાચાર સાથે જ મને પહેલો ડર લાગે છે ફાળાનો! આપણે આપનાર એક અને લેનાર હજાર! દરેકને પોતાની વસ્તુ મહત્ત્વની લાગે અને આપણો ફાળો મામૂલી લાગે. પેલી સ્ત્રીને અગિયાર રૂપિયા નજીવા લાગ્યા તો બીજી સ્ત્રી કહે: ‘તમે ભર્યા તો ભલે ભર્યા, પણ અમે આવ્યાં છીએ તેનું શું? અમે ખાલી હાથે પાછાં ફરવાનાં નથી.’
‘મેં ઘણા કામમાં હોવાનો ડોળ કર્યો. પણ પેલાં બે જણાં તો બીજું કંઈ કામ જ ન હોય એમ અડ્ડો જમાવીને મારી સામે બેઠાં.’
‘મને થયું કે મારામાં એવી તો કેવી નબળાઈ છે કે બધાં મને જ ધૂતી જાય છે! પૈસા નહિ આપવાના અનેક તરીકા કરી જોયા, પણ વ્યર્થ. પેલી બે બહેનો તો મક્કમ નિર્ણય કરીને આવી હોય તેમ આરામથી મારી ઑફિસમાં બેઠી હતી! મારાથી કામ થઈ શકતું નહોતું અને હજાર વિચારો આવતા હતા! કૅબિનમાં હું એકલો હતો! છેવટે આ બલાઓ જાય એટલા ખાતર પણ મેં પાંચ રૂપિયા ઢીલા કર્યા. પાંચ રૂપિયાની નોટ જોતાં ફકીર જે રીતે ગુસ્સો કરે તે રીતે ત્રાગું કરતાં એકે કહ્યું: ‘આના કરતાં તો ન આપો તો સારું. અમારો વખત બગાડ્યો!’ બીજી સ્ત્રી જરા કુશળ હતી. પરિસ્થિતિ પામી ગઈ એથી કે પાંચ રૂપિયા તો પાંચ સ્વીકારી એ મારી મદદે આવી: ‘તમારી શોભા પ્રમાણે જે આપવું હોય તે. અમારાથી જુલમ થોડો થાય છે?’
‘સારું છે કે તમારી સત્તા નથી. નહિ તો જુલમ જ કરો. તો તો ફાળો નહિ. કર જ થાય.’ હું મનમાં બબડતો મારા કામે વળગ્યો.
‘ઘેર જતાં સરલાએ મંગાવેલી વસ્તુઓ યાદ આવી; પરંતુ ખિસ્સામાં હાથ નાખતાં ખબર પડી કે પાંચની નોટ તો મજાક કરીને છટકી ગઈ હતી! બાકી રહેલા પરચૂરણમાંથી સરલાની યાદી પતે તેમ નહોતું.
જોઈતી વસ્તુઓ માટે આપણે ખેંચતાણ કરીએ અને આમ ત્યારે ખેંચાઈ જાય. મારા મગજની નસો ઊપસી આવી. લોહી જરા જોશથી વહેવા લાગ્યું. ઘેર આવ્યો ત્યારે સરલા હતાશ થઈને બેઠી હતી. ચા પીતાં એણે કહ્યું: ‘આજે વગર કારણે સાત રૂપિયા જતા રહ્યા!’
‘કોણ જાણે શાથી મેં તરત જ કહ્યું: ‘ફાળામાં?’
‘તમને શી રીતે ખબર પડી?’
‘આજકાલ બીજા શેમાં પૈસા જતા રહે? દમયંતીના હાથમાંથી જેમ માછલાં જતાં રહેતાં હતાં તેમ, આપણે લાચારીથી આપણી આ દયા ખાઈ જોઈ રહેવાનું.’
‘મારે બરાબર એવું જ થયું. વીણાબેન અને તરલા એવાં તો મંડ્યાં કે ન પૂછો વાત. મને એવી તો શરમમાં નાખી કે ધરતી માર્ગ આપે તો સારું. માંડ સાતથી પતાવ્યું. આપણે અને ચંદુ બોરડેને શું? એણે ત્યાં ફટકા માર્યા તે આપણે ન્યાલ થઈ ગયા? મેં તો કેટલું કહ્યું કે, ‘બાઈ, મને ક્રિકેટમાં રસ નથી, પણ…’
‘પણ, રસને અને ફાળાને ક્યાં સંબંધ છે – નગદ નાણાં સાથે.’
‘ચૂલામાં ગયો તમારો રસ. પૈસા આપો એટલે પત્યું. નીતિન બિચારો કેટલા દિવસથી પંજાબી બૂટ માટે કકળાટ કરે છે તે અપાવતા નથી અને આમ ત્યારે જતા રહે છે.’
‘પંજાબી બૂટ કરતાં પંજાબી ફટકાનું મહત્ત્વ કેટલું છે, પૂછને આપણા પ્રદીપને! એક એક ફટકે કેટલું કૂદતો હતો…!’
આમ અમે આખા મહિનાની કાપકૂપ, અંદાજ અને બચત માટેની યોજનાઓ વિચારતાં હતાં. ત્યારે અમારો પ્રદીપ આવ્યો. મારી તરફ એને હેત અને ઉમળકો ઊભરાઈ આવ્યો. એકદમ લાડથી એણે મને કહ્યું: ‘પપ્પા, પ્લીઝ… મને પાંચ રૂપિયા આપશો?’
‘કેમ?’ પૈસાનું નામ આવતાં મારી ભ્રૂકુટીઓ ખેંચાઈ.
‘પપ્પા, એક બહુ જ સારા કામ માટે મારે પૈસા જોઈએ છે. દેશના સદ્કાર્યમાં મારે ફાળો નોંધાવવો છે.’
‘શું છે?’
મારા આ ટૂંકા પ્રશ્નથી ખુશ થઈ પ્રદીપે કહ્યું: ‘અમે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે કે, ભારતની ખરી વખતે શાન રાખી સેન્ચુરી નોંધાવવા બદલ ચંદુ બોરડેને થેલી અર્પણ થવાની છે, તેમાં ફાળો આપવો.’
અને ચંદુ બોરડેના નામ સાથે હું બરાડી ઊઠ્યો: ‘આ સદ્કાર્ય પાછળ અમે બંનેએ રૂપિયા ત્રેવીસનું આંધણ કર્યું છે.’ પણ પેલી બે બહેનોની માફક પ્રદીપ પણ શાનો માને? ક્રિકેટરસિક તરીકે કૉલેજમાં એની આબરૂ હતી અને એ જે ફાળો ન આપે તો પછી એની આબરૂ શી? બીજા વિદ્યાર્થીઓ કહે કે, ‘તું બીજાને જતી કરે છે અને બા-બાપુજીએ ફાળો ભર્યો છે’ કહીને છૂટી જવા માગે છે!’ ફાળા માટે એ ગમે તે કરવા તૈયાર હતો. કદાચ આમરણાંત ઉપવાસ કરે, ઘર છોડી નાસી જાય અને અંતે નમીને નાણાં આપવાં પડે એવા કંઈક ડરથી સરલાએ એને ફાળો ભરવા રૂપિયા પાંચ આપ્યા, ત્યારે રનની માફક અમારો આંકડો અઠ્ઠાવીસ સુધી પહોંચ્યો! ક્રિકેટ બૉલને પ્રદીપે કુશળતાથી રમી બાઉન્ડરી લાઇન પર પહોંચાડી દીધો!
પૈસાની ખેંચને લીધે પર્વ કે ઉત્સવ ન ઊજવીએ કે ન સિનેમા-નાટકમાં જઈએ અને આમ ત્યારે અઠ્ઠાવીસ રૂપિયાનું આંધણ થઈ ગયું! દર ત્રીજે દિવસે કોઈ ને કોઈ હાલી જ નીકળ્યું છે ને! સાચું કહું તો તે કિશોર. સ્ત્રીઓને જોઈને મને ભય પેસી ગયો છે! વાટવો હલાવતી એ આ સફેદ સાડલાવાળી સ્ત્રીઓ હસતી હસતી મારા તરફ સંબંધના દાવે આવે છે. ત્યારે મને અંધારાં આવી જાય છે, તમ્મર આવી જાય છે! મને ‘ઍલર્જી’ થાય છે. ભલભલા પોતાની એલર્જી શોધી શકતા નથી. પણ મેં તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારી એલર્જી શોધી કાઢી. મોંઘવારી-ભથ્થું મળે. પણ ફંડફાળા માટે ઓછું જ એલાઉન્સ મળે છે! પૈસાની ખેંચને કારણે અમારા બેની વચ્ચે વગર કારણે કજિયો થાય છે. વાત-વાતમાં વિખવાદ જાગે છે. આ ફાળા માટે અમે એકબીજાં પર દોષારોપણ કરતાં હતાં ત્યાં નયના અને ગૌરી આવ્યાં. એમણે પણ એક એક રૂપિયાની માગણી કરી.
‘પણ છે શું? શાના માટે જોઈએ છે?’
‘અમારી પાસે બહેને મંગાવ્યા છે. આપણા દેશનો એક જણ બહુ જ સરસ બૉલબૅટ રમ્યો ને એટલે…’
‘કોણ, ચંદુ બોરડે?’ મારાથી એકદમ રાડ નંખાઈ ગઈ. મને આમ રાડો પાડવાની ટેવ નથી એટલે બંને દીકરીઓ ગભરાઈ ગઈ. નયના તો રડું રડુ થઈ ગઈ અને કશું જ નહિ સમજવાને કારણે ગૌરી ફાટે ડોળે જોવા લાગી. થોડી વારે રોતલ અવાજે નયનાએ કહ્યું:
‘પણ અમને બહેને લઈ આવવાનું કહ્યું છે.’
‘કહેનારા નવરા.’ મેં ગુસ્સામાં આંટા મારવા માંડ્યા.
મંગાવેલા રૂપિયા નહિ મળે એ કારણે કે મેં ગુસ્સો કર્ય તેથી કોણ જાણે શાથી, પરંતુ નયના હીબકે ભરાઈ. એને રડતી જોઈ મને દયા આવી અને સરલાને શૂર ચઢ્યું. ભડાભડ કબાટનાં બારણાં ખોલી અંદરથી એક એક રૂપિયાની નોટ કાઢી બન્ને તરફ ફેંકતાં બોલી:
‘લો, તમેય શું કરવા રહી જાવ!’
‘સાહેબ, આંકડો ત્રીસ ઉપર પર પહોંચ્યો. હવે તું જ કહે: ઈશ્વરની મદદ ના માગું તો શું કરું?’