એક સુખી માણસનું ચિત્ર

મુકુન્દભાઈ આ ચોથી કે પાંચમી વેળા આવ્યા.

અગાઉની મુલાકાતોની જેમ જ આ વેળાય, આવતાંવેત બોલ્યાઃ

‘પૂરી નિરાંત લઈને આવ્યો છું. આ વેળા તો—’

આમ તો અમે અનેક પ્રસંગોએ અનેક વેળા મળ્યા હોઈશું. એક વાર એમણે પૂછ્યુંઃ

‘તમને પૂરી નિરાંત હોય ત્યારે એક વાર મારે નિ-રાં-તે મળવું છે.’

‘મુકુન્દભાઈ, તમેય શું તે… તમારા માટે તો મારે મન હંમેશાં નિરાંત જ હોય છે. પૂરી નિરાંત. મન થાય, ચાલ્યા આવો—’

આવું મારા કહ્યા પછી, અમસ્તી આજુબાજુ નજર કરીને, જરા ધીમા અવાજે એમણે કહ્યુંઃ

‘બાબુભાઈ, મારે તમને એક ખાસ વાત કહેવી છે.’ કહીને જરા આંખ મીંચકારી પછી ઉમેર્યું!

‘જરા માંડીને કહેવી છે. અને તમે જ સમજી શકો એવી આ… સમજી ગયા ને?’

વર્ષોનો બહુ નિકટનો અમારે પરિચય અને એથી અંગત કહી શકાય એવી વાતોય પરસ્પર કહેવાનું અમે ક્યાં ટાળતા હતા? છતાં મુકુન્દભાઈને હજી આટલી ઔપચારિકતાની કેમ જરૂર જણાઈ. એની મને સહેજ નવાઈ લાગી.

મેં નિખાલસ, ઉદાર સ્મિતમાત્રથી જવાબ આપ્યો. ખૂણેખાંચરે અટવાઈ ગયેલો વિશ્વાસ પણ બાકી ન રહે એવું સ્મિત. મુકુન્દભાઈના મનમાં પૂરો વિશ્વાસ પ્રગટે એવું સ્મિત.

અને એ સ્મિતના જગાવેલા પૂરા વિશ્વાસ સાથે મુકુન્દભાઈ આ ચોથી નહિ, યાદ આવ્યું કે પાંચમી વેળા આવ્યા હતા. અને પાંચમી વખત, એમને માટે જ ઢાળેલી આરામખુરશી ઉપર બેસતાં વેંત બોલ્યાઃ

‘પૂરી નિરાંત લઈને આવ્યો છું. આ વેળા તો… તમારે ક્યાંય જવાનું તો નથી ને?’

‘ના…રે, રાતના આઠ પછી હું ક્યાંય જતો નથી, સિવાય કે, સાવ ઓચિંતી ને આકસ્મિક વાત બને…’

‘એ તો ઠીક, પણ બાબુભાઈ! તમારું મન અત્યારે કોઈ સમસ્યા કે કશા વિચારોના આટાપાટામાં ગૂંચવાઈ તો નથી ગયું ને? તમારી કૅનેડામાં રહેતી દીકરી અમીતામાં કે આ શેરબજારના અચાનક ગગડી ગયેલા ભાવોમાં કે પછી નંદિનીભાભીની યાદમાં…’ હું એમની સામે સરળ ભાવે જોઈ રહ્યો હતો ત્યાં સહેજ અટકી જઈને વળી એમણે કહ્યુંઃ

‘હું જાણું છું, બાબુભાઈ! તમે નંદિનીબહેન માટે કાંઈ કહેતાં કાંઈ કરવામાં ક્યાં મણા રાખી હતી? પણ કિડની ફેલ થાય એટલે… દોઢ વરસ તમે પગ વાળીને ક્યાં બેઠા હતા? હું નથી જાણતો? તમે તમારા વશનું બધું જ કરી છૂટ્યા. પૈસા સામું તો તમે કદી જોયું જ ક્યાં છે? કહું છું, પોણા બે લાખનું તમારું દેવું…’

‘એ તો મુકુન્દભાઈ! છ મહિનામાં જ મેં… પણ હા, તમે પૂછ્યું એનો જવાબ આ જ કે મારા મન ઉપર અત્યારે કશો જ ભાર નથી. કોઈ વિચાર કે સમસ્યામાં મારું મન અટવાયેલું કે ગૂંચવાયેલું કે ગૂંથાયેલું પણ નથી.’

‘એમ! અચ્છા… અચ્છા! આ તો શું કે… તમે જાણો છો ને?’

‘ના જાણું? સામાનું મન જ સ્વસ્થ અને સ્થિર ના હોય તો આપણે વાત કહેતા રહીએ અને…’

‘હા! બસ એમ જ… એમ જ.’ કહેતાં કહેતાં અમીતાએ હમણાં જ કૅનેડામાં કોઈ વિખ્યાત પૉર્ટ્રેટ-ચિત્રકાર પાસે તૈયાર કરાવેલી એની મમ્મીની વિશાળ કદની, ભીંતે હમણાં જ ટિંગાડેલી છબી સમક્ષ એ પહોંચી ગયા. એની સામે થોડી ક્ષણો એકીટશે જોયા પછી એમણે મને પૂછ્યુંઃ

‘બાબુભાઈ!’ હું અનુત્તર રહ્યો એટલે ફરી જરા મોટેથી બોલ્યાઃ

‘બાબુભાઈ!’

‘હં.’

‘કશા વિચારમાં ડૂબી ગયા કે શું, બાબુભાઈ?’

‘ના, રે! નિરાંતે બેઠો છું. જુઓ આ હીંચકાને હમણાં બીજી ઠેસ લગાવી!’

‘અં…હ! મને એમ કે… પણ હું એમ પૂછું છું… તમે મને આના વિશે તો કશી વાત જ નહોતી કરી.’

‘આ નંદિનીના પૉર્ટ્રેટ વિશે પૂછો છો?’

‘હા, વળી! આ ક્યારે આવ્યું અને ક્યારે તમે ભીંતે ટીંગાડ્યું? બાકી બહુ સરસ છે હં. અદ્ભુત છે. એકદમ… એ-ક-દ-મ જીવંત છે.’

‘મને ખબર નહોતી.’

‘શી ખબર નહોતી?’

‘…કે અમીતા આટલી ઝડપથી, એની મમ્મીનું આટલું સુંદર પૉર્ટેટ મોકલશે. હજી ત્રણેક મહિના પહેલાં જ, એના સતત આગ્રહથી મેં આલ્બમ મોકલી આપેલું… એ આલ્બમ માટે આટલો બધો આગ્રહ કેમ કરતી હશે, એ મને પહેલાં સમજાયેલું નહિ. પછી ગયા શનિવારે ટોરન્ટોથી એક ભાઈ આવ્યા, એ આ…’

મુકુન્દભાઈ પાછા આરામખુરશીમાં બેસી ગયા પછી સ્પષ્ટ સંભળાય એવો નિસાસો અને ચહેરા ઉપર ઊપસી આવેલા ઉદાસીના ભાવ સાથે, એમણે કહ્યુંઃ

‘કેવું કહેવાય નહિ?’

‘હા! અમીતાએ મને કશી વાત એના કાગળમાં લખી નથી. પણ આ પૉર્ટ્રેટ લાવનાર ભાઈ કૉફી પીતાં પીતાં સહેજ અણસાર આપી ગયા કે અમીતાએ આની ખૂબ મોટી કિંમત ચૂકવી છે. પાંચ-છ હજાર ડૉલરથી ઓછા તો…’

‘ના! ના! બાબુભાઈ, હું તો બીજી વાત કહેવામાં હતો કે આ… કેવું કહેવાય નહિ?’

હીંચકો જરા વધુ ઝુલાવતાં મેં કહ્યું, ‘તમે શું કહેવા… કશું સમજ્યો નહિ…’

‘…કે બે વરસ પહેલાં તમે અને નંદિનીબહેન આ હીંચકા ઉપર સાથે બેસીને ઝૂલતાં હતાં અને જોતજોતામાં… બાબુભાઈ! તમારી જગ્યાએ બીજું કોઈ હોય તો…’

ના. ચોથી નહિ, મુકુન્દભાઈ આ પાંચમી મુલાકાત હતી, અને એ કશીક ખાસ વાત, માંડીને કહેવા માગતા હતા.

નિરાંતની મેં ખાતરી આપી હોય એવી એમની હરેક મુલાકાત વેળા એમની ખાસ વાત સાંભળતાં, હું જાણીજોઈને મૌન રહેતો. ખાસ ઉત્સુક પણ રહેતો. પૂરી તત્પરતા બતાવતો. અને હરેક વખતે એમને ભારપૂર્વક જણાવતો કે પૂરી નિરાંત છે. શાંતિ છે. બહાર કે મનમાં કશી ગડભાંજ નથી. ક્યાંય જવાની ઉતાવળ નથી. કોઈ આવી પડે એવી શક્યતા નથી. ખાસ વાત સાંભળવા જમવાનું પણ ખાસ્સું ઠેલી શકાય. એકાદ-બે મુલાકાતો વખતે તો ફોનનું રિસીવર પણ મેં ઊંચકીને, એમના દેખતાં નીચે મૂકી દીધેલું અને આજની જેમ જ હીંચકાને નિરાંતે અઢેલીને બેસી ગયેલો. એટલા માટે કે મુકુન્દભાઈને એવી પૂરેપૂરી ખાતરી થાય કે જુઓ! કેવી નિરાંત છે…

…એટલે જ અમીતા વિશે કે નંદિનીના આ પૉર્ટ્રેટ વિશે, એમણે વાત કાઢી છતાં એક હરફ સરખો મેં ઉચ્ચારવાનું યોગ્ય માન્યું નહિ. કદાચ, મારી વાતોમાં, એમની ખાસ વાત હડસેલાઈ જાય…

નંદિનીની મોટા કદની છબી સામેથી હજીય મુકુન્દભાઈની આંખો ખસતી નહોતી. પૉર્ટ્રેટ ખરેખર હતુંય એવું જ… નર્યું જીવંત, બોલકું… નજર છબીની સામે જ રાખીને, એમણે કહ્યુંઃ

‘માણસ ઉપર દુઃખ આવે છે ત્યારે ઘણી વાર એકસામટાં આવે અથવા તમારી જેમ… મોટો પહાડ તૂટવા જેવું… નહિ બાબુભાઈ?’

મને લાગ્યું, હવે ના બોલું એ અવિવેક ગણાય.

‘કિડનીને લગતા બહુ ઓછા કેસો સંપૂર્ણ સાજા થાય છે.’

મુકુન્દભાઈએ તરત મારી સામે જોયું અને બોલી ઊઠ્યા.

‘હું એ જ કહું છું. આ કોઈને નહિ અને તમારે… સાચું કહું છું, હોં બાબુભાઈ! તમારી જગ્યાએ બીજું કોઈ હોય તો…’

એમનું વાક્ય પૂરું કરે, એ પહેલાં મેં પૂછી લીધુંઃ

‘શું લેશો આજે? કૉફી મૂકી દઉં કે લીંબુનું તાજું શરબત?… હું તો કહું છું આવ્યા છો તો જમીને જ જાઓ ને…’

મુકુન્દભાઈની પાંચમી મુલાકાત, એમની દૃષ્ટિએ સાવ અમસ્તી ન જાય, એમ વિચારીને મેં એમને જમવાનો ભાવપૂર્વક આગ્રહ કર્યો.

કશું સાંભળ્યું જ ના હોય એ રીતે એમણે ફરીવાર નંદિનીના પૉર્ટ્રેટને જોવા માંડ્યું.

‘કહું છું, બાબુભાઈ! માનો ના માનો પણ આ… આની કિંમત પાંચ-છ હજાર ડૉલરથી પણ વધુ હોવી જોઈએ. જુઓ તો ખરા! કેવું બેનમૂન છે, નર્યું જીવન્ત, એમ લાગે જાણે હમણાં નંદિનીબહેન ત્યાંથી સરકીને સીધાં તમારી બાજુમાં…’

‘હા, કદાચ વધારે પણ હોય! પૉર્ટ્રેટ લઈ આવનાર ભાઈ એમ પણ કહેતા હતા કે આ બનાવનાર કૅનેડાનો એક મશહૂર પૉર્ટ્રેટ-ચિત્રકાર છે.’

વળી મુકુન્દભાઈએ એક મોટો ને ઊંડો નિસાસો મૂક્યો.

ના! એમની ખાસ વાત. એ જાતે જ ઉપાડે એમાં શોભા. એમણે જાતે જ તો કહ્યું હતું કે જરા માંડીને… નિરાંતે…

ના! સામે ચાલીને એમને શી વાત કહેવા જરા ટોકવા, પ્રેરવા કે ઉશ્કેરવા નથી જ. શા માટે? શક્ય છે કોઈ એવી અંગત વાત હોય કે એમના જીવનની કોઈ સતત દુખતી રગની વાત હોય… જે હોય એ. ના! સામે ચાલીને કશું નહિ.

પછી મુકુન્દભાઈએ જરા ના માન્યામાં આવે, આવે, વાત ઓચિંતી કહીઃ

‘તમને મેં કહ્યું જ નહિ, કેમ? પણ એવો પ્રસંગ જ ક્યાં મળ્યો કે કહું!’

મને થયું, હાશ! કદાચ એમણે આરંભ કર્યો છે.

હું મૌન જ રહ્યો — ક્યાંય એમને રોકવા-ટોકવા નથી.

‘એ તો કહું છું. પણ બાબુભાઈ! આમ ઘરભંગ તમારે થવું પડ્યું અને સાવ એકાકી બની ગયા. એ તમને…’

ફરી હું એમની સામે જોઈને, નિખાલસ ને સરળ એવું મંદ મંદ હસ્યો.

‘હીંચકે ઝૂલતાંય આમ કાંટા ભોંકાતા હોય એવું…’

થોડી ક્ષણો એ મૌન બની ગયા. પછી કહે,

‘હુંય પૉર્ટ્રેટ બનાવું છું. તમને કદી આ કહેવાનો મોકો જ ના મળ્યો. નંદિનીબહેનના ગયા પછી એક વાર મને થયું કે તમને કહું. એક સરસ પૉર્ટ્રેટ બનાવો નંિદનીબહેનનું. મને એમ કે એથી તમને ઊલટું વધારે… તાજો ઘા એટલે… તમને… સમજી ગયા ને?’

‘સાચે જ, મુકુન્દભાઈ? આ તો સરસ વાત કહેવાય.’

‘હા… કદાચ આટલું જ અ્ભુત બનાવી શક્યો હોત. ખેર!…’

વળી એક નિશ્વાસ આખા રૂમને ઘેરાઈ વળે એવો લેતાં એમણે કહ્યુંઃ

‘ક્યારનો તમને કહું-કહું કરતો હતો. થયું, જરા નિરાંત મળે તો માંડીને કહું, પણ હવે આજે આમ મોકો મળ્યો જ છે તો કહું?…’

થોડી ક્ષણો વળી મુકુન્દભાઈ થંભી ગયા. મોટા વિશાળ ખંડમાં ચારે તરફ નજર ફેરવી લીધી પછી કહેઃ

‘આ બધી સજાવટ કોની? આ પડદા, આ ફૂલદાનીઓ, દીવાલ ઉપરનો આ શાંત છતાં ઉલ્લાસમય વાતાવરણ ખડું કરે એવો રંગ, આ આનંદઉલ્લાસથી હિલોળા લેતાં નૃત્યમુદ્રાનાં ચિત્રો, આ ગુલાબ છંટાયો હોય એવી જાજમ, આ હવાના હિલોળે ઝૂમતી ચમેલી ને મધુમાલતીની વેલો, એક ખૂણામાં સાચવીને ગોઠવેલી આ વાયોલિન, બાળકોને રમવાનું મન થઈ આવે એવાં આ… આ બધી… આવી સજાવટ કોની?’

‘મારી, અમારી નંદિનીને હંમેશાં આવું ઉલ્લાસમય વાતાવરણ જ ગમતું. એવી જ સજાવટનો મારોય આગ્રહ. તમને ખબર હશે, મુકુન્દભાઈ, ડૉક્ટરોએ આશા છોડી દીધી ત્યારે નંદિનીએ અહીં આ ખંડમાં એક ક્ષણનાય વિલંબ વિના, હૉસ્પિટલમાંથી આવી જવાનો આગ્રહ રાખ્યો હતો. એનો છેલ્લો શ્વાસ… સમગ્ર ખંડને એની નજરમાં સમાવતાં સમાવતાં એના ચહેરા પર તેજ અને મંદ સ્મિત ફરકી ગયું હતું, તમે તો કદાચ હાજર હતા ને? પણ… તમે… તમે… શું કહેતા હતા?’

મુકુન્દભાઈએ મારી સામે જોયું, કહેઃ

‘ઘણા વખતથી એક તીવ્ર ઇચ્છા મનમાં ઘોળાયા કરે છે — એક સુખી માણસનું ચિત્ર દોરવાની. એ ઇચ્છા પૂરી કરવી કે નહિ. એ તમારા હાથમાં છે, બાબુભાઈ!’ કશું સમજાતું નહોતું — મુકુન્દભાઈ કેમ અકળ રહેવા માગે છે?

‘મારા હાથમાં?… મારા હાથમાં શું છે?’

તમે એક વાર હા કહો તો આવું જ… નંદિનીબહેન જેવું જ પૉર્ટ્રેટ તૈયાર કરવું છે… તમારું.’

License

ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.