13 સાહિત્યનો આનન્દ

મિત્રો,

મારે તમારી સાથે કંઈક વિચારવું છે. વિચારવું છે શબ્દ વાપરું છું એ પણ શબ્દ કંઈ સાચો નથી. ખરું જોતાં આપણી પૂરી ચેતના સાથે જોડાયેલી આપણી સમસામયિક પરિસ્થિતિ આપણો માનવસન્દર્ભ, માનવનિયતિ – આ બધાંને સમજવાની જરૂર છે. જો આપણે સમજીશું જ નહીં, ગતાનુગતિક ન્યાયે જીવ્યે જ રાખીશું તો આપણે ઉપનિષદમાં કહ્યું છે તેમ આંધળા અંધકારમાં પ્રવેશીશું અને હું – I am not a prophet of doom –  અહીં એની ઘોષણા કરવા આવ્યો નથી.  અમે માસ્તરો એમ શીખવતા હોઈએ કે કરુણરસનું ઉદ્દીપન ને આલંબન શું?તો મમ્મટ ફરીથી આવે કે આનન્દવર્ધન ફરીથી આવે. આપણા જમાનાની વિશિષ્ટતા એ છે કે આખં નવું રસશાસ્ત્ર રચવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એનું કારણ આજે કરુણનું આલમ્બન ને એના ઉદ્દીપન, ક્રુણને નિષ્પન્ન કરવા માટેનાં સાધનો હાસ્ય વડે ઉપજાવવાં પડે છે. એટલે આજે જે ‘ફાર્સ’ છે તો It’s a tragic farce.. કોમેડી છે તો It’s a tragic comedy. એટલે હાસ્ય અને કરુણ એ બે સામસામા રસ ગણાતા હતા એને બદલે આજે બે નજીક આવી ગયા. ભવભૂતિએ એમ કહેલું કે એકો રસ: કરુણ એવ | પણ ભવભૂતિનો દોષ એટલો જ છે કે એનામાં હાસ્યરસ ન હતો. આજે સૅમ્યુઅલ બૅકેટ જે લખે છે તે હાસ્ય છે કે કરુણ છે, Ghelderode નામનો બેલ્જિયમ નાટ્યકાર પોતાના નાટક Pantakleizeને ઓળખાવતાં એમ કહે છે કે a farce to make you weep. પિરાન્દેલોએ પણ આ જ રીતે જે વાર્તાઓ લખી છે એ તમને બહુ ખડખડ હસાવે છે અને લગભગ હસાવ્યા પછીની જે ક્ષણ છે, તમારું હાસ્ય થંભી જાય એ પછીની ક્ષણે, એમાં તમે જોશો, તમારી આંખનાં અણિયાળાં થોડાં ભીનાં થયેલાં લાગશે, કારણ કે તરત તમને એની પાછળ રહેલી કરુણતા સ્પર્શી જાય છે અને ખાસ કરીને સૅમ્યુઅલ બૅકેટમાં. આયોનેસ્કોને માટે તો કેટલાકોએ કહ્યું કે એ રંગલો છે, તેણે એમાં થોડી ભાષાની રમત કરી છે. પણ સૅમ્યુઅલ બૅકેટે જે લખ્યું છે એ આપણા જમાના માટે તો બહુ જ પ્રસ્તુત છે. શૅઇક્સપિયર માટે પણ સહેલી વાત હતી. છેલ્લે ‘હૅમ્લેટ’ પૂરું કરતાં એ એમ કહી શક્યો કે The rest is silence. આ silenceઆપણા નસીબમાં છે?બીજી વાત કે હૅમ્લેટ માટે વિકલ્પો તો બે જ હતા અને વિકલ્પ હતા એ કેટલી મોટી ઘટના છે! અસ્તિત્વવાદ પણ એ જ કહે છે કે You are free to make your choice. તમને વિકલ્પ આપવામાં આવ્યા છે. તમારી સ્વતંત્રતા શેમાં રહેલી છે?તમે એમાં કયો વિકલ્પ પસંદ કરો છો, પછી Your choice binds you. પછી તમે જે પસંદગી કરી તેનાથી તમે બંધાયેલા છો. તો આ બધી વાત હજુ હમણાં જ કહેવાતી હતી તે જાણે ગયા જમાનાની લાગવા માંડી છે. તો એવું બધું શું બની ગયું?આપણે તો એક દાયકામાં અનેક સદીઓ એટલી તેજ રફતારથી સમેટી લીધી કે પાછળ રહી ગયેલાં પુરાણોની વાત કરનારા આપણા ઘણા લેખકો આપણને બાઘા લાગે છે, કંઈ સમજ્યા જ નથી. હજુ આંખ ખોલીને કશું જોયું જ નથી. સંસ્કૃતમાં કહે છે તેમ, સ્તન્ધય શિશુ,જેવા રહી ગયા છે અને જો આ વાત સમજાય નહીં, એને વાચા આપવાનું આપણે જાણીએ નહીં – If you are not able to articulate this cosmic despair – તો આપણે પેલા અન્ધકારભર્યા લોકમાં, યુગમાં પ્રવેશીશું. લગભગ આપણે એની અણી પર છીએ. સૅમ્યુઅલ બૅકેટે એમ કહ્યું કે હૅમ્લેટ માટે તો ઠીક હતું કે વિકલ્પ હતો – to be or not to be, that’s a question, હોવું કે ન હોવું, અસ્તિત્વ સ્વીકારવું કે ન સ્વીકારવું. દોસ્તોએવ્સ્કીના નાયક ઇવાને પણ એવી ખુમારીમાં કહી દીધેલું કે: I did not ask for the entrance, I will return it. જો આવી દુનિયા તારી હોય તો, હું કંઈ પ્રવેશ માંગવા આવ્યો ન હતો અને છતાં પણ જો મારા પર દયા લાવીને કે મને શિક્ષા કરવા પ્રવેશ આપ્યો હોય તો લઈ લે એ પાછો, મારે નથી જોઈતો. આલ્બેર કૅમ્યૂએે કહ્યું કે It is my previlege to end myself. પણ સાચી વાત એ છે કે મરણને પણ આપણે ક્યાં સમજીએ છીએ?મરણ પણ ક્યાં આપણું પોતાનું છે?We are not able to own our own death! એટલે સૅમ્યુઅલ બૅકેટ કહે છે કે એ ‘ચોઇસ’, એ વિકલ્પ આપણા માટે નથી. આપણા માટે તો શું છે કે to be and not to be: બંને સાથે છે. તમે જોશો કે જિંદગીની કેટલી બધી પળોમાં આપણે આપણામાંથી જ ગેરહાજર રહી જઈએ છીએ! આપણને ખબર પણ નથી પડતી કે અરે, આ વાક્ય તો આપણે બોલ્યા હતા?પછીથી કોઈ યાદ દેવડાવે કે તમે આમ કહેલું, તો કહેશો, એમ?મેં કહ્યું હશે, ખબર નથી. તો માણસ અત્યારે એક જ કળા શીખ્યો છે to withdraw oneself from the immediate situation. તત્કાલીન પરિસ્થિતિમાંથી પોતાની જાતને પાછી ખેંચી લેવી ને એ બહુ મોટી કળા છે, કેટલીક વાર શીખવી જરૂરી છે એમ મને પણ લાગે છે. Or to slip into non-existence. ધીમે ધીમે અન્-અસ્તિત્વમાં સરી પડવં. કારણ કે સંવેદનાને ટકાવી રાખવી એ બહુ અઘરી વાત છે. એટલે ક્યિર્કેગાર્દે કહેલું કે આપણે જીવવા જેટલી ચેતનાની જરૂર છે – જીવવાની પ્રક્રિયા માટે – એથી વિશેષ ચેતના, અતિમાત્રાની ચેતના એક આમરણ વ્યાધિ છે. તો It is sickness unto death. એટલે આજે ઘણા લોકો ભાગે છે,ભયભીત છે. તમે માણસને ચાલતો જુઓ છો?શહેરમાં જુઓ. બસ પકડવા દોડતો હોય, ગાડી પકડવા દોડતો હોય, તો લાગે છે એની પાછળ કોઈ પડ્યું છે અને ઘણી વાર તો એની છબિ એવી દેખાય છે કે તરવા માટે મથી રહ્યો છે,ડૂબી જશે. એ જાણે માથું ઊંચું રાખવાને માટે મથી રહ્યો છે, એવું આપણને લાગે છે. તમને લાગશે કે આપણે ઘણા વખતથી માણસને ધારી ધારીને જોયો નથી, માટે જ એની કરુણતા સમજાતી નથી. આપણો પડછાયો આપણી જોડે ચાલે છે અને પડછાયાનું પણ એકલવાયાપણું આપણને કઠે એટલું બધું. ચારે બાજુથી એકદમ એકાન્ત સર્જાઈ જાય છે. આપણા પડછાયાને પણ હાથ આપતાં આપણે અચકાઈએ છીએ કે હાથ તો આપીશ પણ એનું એ કરશે શું?કદાચ મને બીજે કશેક ખેંચી લઈ જાય તો! સૅમ્યુઅલ બૅકેટે કહ્યું એ વાત સાચી છે કે: There is a choiceless awareness. આપણી નિયતિ શું છે?આવતી કાલનું ભાવિ 2000નું વર્ષ,  આપણું ભારતવર્ષ કેવું હશે?  ત્યારે મુંબઈ નગર કેવું હશે?અમારા ઘણા ઉત્સાહી મિત્રો કહેતા હતા કે આપણે સાહિત્યની વાત કરીએ,કળાની વાત કરીએ,  આ નગરને વસવા જેવું બનાવીએ. અહીં માત્ર શ્રમજીવીઓ રહે છે. શોષણ કરનારા રહે છે પણ માણસ નથી વસતા  તો માણસોને વસાવીએ. આ બધું મને બહુ જ, એક જાતની આજે તો નાદાની લાગે છે. કારણ કે જો સાહિત્ય પોતે કે સાહિત્યના સરજનારા આ માનવનિયતિને ઓળખતા નહીં હોય અને જો સમજ્યા ન હોય તો એ શું કરશે?એ થોડીક રોમેન્ટિક પ્રેમની વાતો કરશે, થોડીક તમારી લાગણીને ગલગલિયાં થાય એવી વાતો કહેશે અને દેખાડો કરવા ખાતર થોડોક એવો કરુણરસ કે જે વાંચીને આપણને હસવું આવે, પેલા લેખકના પર કરુણા ઊપજે – એવું કંઈક થોડુંક કંઈક એવું તાલમેલિયું મૂકશે અને આ બધું વંચાય! આટલાં બધાં ફરફરિયાં જેને અંગ્રેજીમાં rags કહે છે એ છાશવારે પ્રગટ થાય! બાળકો તો ચિત્રવાર્તા વાંચે, પણ આજનું છાપું ઉઘાડો ને તમને ચિત્રના લપેડા જ દેખાય, રંગના લપેડા જ દેખાય. બહુ દયા આવે વાચકોની કે બિચારાને આ બહુ ભારે પડશે!  એની લાગણી તો બુઠ્ઠી થઈ ગઈ છે,થોડુંક સનસનાટીભરેલું બનાવો નહીં તો વાંચશે નહીં. ત્યારે એની નજર ખેંચે એવું શું કરવું?મને પત્રકારોની એ રીતે ખૂબ દયા આવે છે, કારણ કે એ લોકોએ બિચારાઓએ સતત તમારી કાળજી રાખવી પડે છે. તમારા પર નભવાનું છે અને જો લાગણી બુઠ્ઠી થઈ ગઈ હોય, અને તમે જાગો નહીં, તમારી સંવેદના કોઈ રીતે ભડકીને જાગે નહીં તો ભડકાવવા કશું કરવું જોઈએ. તો સાદામાં સાદી વાત હોય તેને પણ સેન્સેશનલ બનાવી દો. એમનો પ્રિય શબ્દ છે,સનસનાટી. એટલે હું કહું છું કે સાહિત્ય વિશે મારા મનમાં કોઈ ભ્રાન્તિ નથી. સાહિત્ય વિશે હું બહુ જ આકરી ભાષામાં વાત કરું છું. કારણ કે મને એ બાબતમાં ભયંકર નિરાશા છે અને ડબ્લ્યુ.એચ.ઓડેને કહેલું તે મને સાચું લાગે છે કે શૅઇક્સપિયર થયો, મિલ્ટન થયો, રિલ્કે થયો: આ બધા કવિઓ મોટા મોટા થયા, પણ જગત બદલી શક્યા?જગતમાં એનાથી રજમાત્ર ફેરફાર થયો?તો કહે ના. જગતનો તો કદાચ ફેરફાર થયો હોય તો બીજી દિશામાં. સારી દિશામાં નહીં. તો એનું કારણ શું?આપણે વાંચીએ છીએ કે હિટલરના જે બધા લશ્કરી અધિકારીઓ પાંચ મિનિટમાં તો પોટાશિયમ સાઇનાઇડના ગૅસથી ગૅસચેમ્બરમાં એક સાથે વીસ-વીસ ત્રીસ-ત્રીસ હજાર માણસોનાં મરણની વ્યવસ્થા કરતા હતા અને એની કાર્યક્ષમતાનું સર્ટિફિકેટ મેળવતા હતા (They have to prove their efficiency in killing men) અને તે કેટલા ટૂંકા સમયમાં, એના પર એ સર્ટિફિકેટ નક્કી થતું! તો – આ બધા માણસો, પાછા આવીને રાતે આરામથી, પોતાના બહુ જ કમ્ફર્ટેબલ એવા મુકામે બેસીને, આરામથી સૂઈને રિલ્કેની કવિતા વાંચતા હતા. આપણે પણ આટલું બધું સાહિત્ય વાંચ્યું: નરસિંહ મહેતા વાંચ્યા મીરાંબાઈ વાંચ્યાં, મુનશી વાંચ્યા, રમણલાલ દેસાઈ વાંચ્યા,  આપણા કવિઓ સુન્દરમ્, ઉમાશંકર જોશી વાંચ્યા (પણ તેથી શું?)  ઉમાશંકર જોશી કહેતા હતા કે  રચો રચો અંબરચુંબી મન્દિરો! એમણે અંબરચુંબી મન્દિરો કહ્યાં. બિચારા ધામિર્ક લોકો હતા. શ્રદ્ધાની વાત કરતા હતા. એટલે મહેલો નહીં કહ્યા, મન્દિરો કહ્યાં. સાત્વિકતા આપણા હાડમાં છે. વળી બ્રાહ્મણ એટલે એ તો મન્દિર જ બોલે! બીજું ન બોલે! ત્રીસીના ગાળામાં આપણા બધા લેખકો ડાબેરી થઈ ગયેલા. એક ફૅશન હતી. શોષિતો માટે, પીડિતો માટે આપણે બધું કરવું જોઈએ. કરીને શું કરે?તો ચાર લીટી! ના મળી તો બીજી ભાષામાંથી ઉતારીને લાવ્યા, ના, અમે તો તમારી સાથે છીએ, પંક્તિ બહારના નથી, એમ કહેવા માટે! એ માટે પણ મરણિયા થઈ ગયેલા. તો એમણે તો કહ્યું કે, રચો રચો અંબરચુંબી મન્દિરો: બરોબર છે. પછી શું થશે?  એમણે ચેતવણી આપેલી,  આમ તર્જનીસંકેત કરીને, આંગળી ચીંધીને કે  ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ના લાધશે. પણ શું કીમિયો બન્યો, અથવા શું કરુણતા બની કે ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગ્યો એની આપણને ખબર જ ના પડી! આ મુંબઈ શહેરમાં ફૂટપાથ પર સૂનારા, રોજગારી મેળવ્યા સિવાય ભૂખે પેટે સૂઈ જનારા કે આપણી આખી દુનિયાની વાત કરો તો ઇથોપિયા અને બાયફ્રામાં કે બીજે તમે જુઓ તો અન્ન ન મળતાં મરી જનારાં માણસોની સંખ્યા કેટલી મોટી છે! આપણા દેશમાં પોવર્ટી લાઇનની નીચે જીવનારા લોકોની સંખ્યા કેટલી મોટી છે! અને એની સાથે જ ઘરમાં વીસ-પચ્ચીસ સાડી પહેરાયા વગરની પડી રહી હોય! છતાં પણ બીજી સાડી આવી હોય તોય તે ને તે જ દિવસે બીજી વીસ ખરીદી લાવનારાઓની સંખ્યા પણ છે. જે કળામાં સમજતા નથી એ અમે પણ  ત્યાં હતા, એમ બતાવવા જનારા લોકો પણ છે અને છોકરી સારે ઘરે પરણે, જીવનમાં જરૂર છે એટલા માટે નહીં, પણ આ એને માટેની એક લાયકાત ઠરી છે સમાજમાં  કારણ કે આપણે માનીએ છીએ કે આપણે વધુ સંસ્કારી થયા,  આપણે નૃત્ય જાણવું જોઈએ, સંગીત જાણવું જોઈએ. આપણા ઘરમાં સારામાં સારી સંગીતની કૅસેટ હોવી જોઈએ. પણ શું થાય છે?નૃત્ય – આરંગેત્રમ – કેટલાં બધાંની આપણે જાહેરાતો વાંચીએ છીએ! એ થયા પછીથી ક્યાં જાય છે?એ નૃત્ય આપણા જીવન પર કંઈ અસર કરે છે?ત્યારે હું કહેતો હતો કે સારામાં સારું સંગીત આપણે મૂક્યું હોય,ઓમકારનાથ માલકૌંસ રાગ ગાતા હોય કે કિશોરી આમોનકર, પણ એ વખતે આપણને કોઈક મળવા આવ્યા હોય ત્યારે તેની જોડે કોઈકની કૂથલી કરવા રોકાયા હોઈએ. આપણું સંગીત તો વાગ્યા કરે છે, કારણ કે એ તો યન્ત્ર છે. સંગીતકાર જાતે જ સંભળાવવા બેઠો હોય તો એ ઊઠી જાય. પણ યન્ત્ર ક્યાં જાય?એવી જ રીતે આપણે બધાંએ બધી જ વસ્તુઓનું વલ્ગરાઇઝેશન કર્યું છે,હીનીકરણ કર્યું છે. વસ્તુ બધી જ છે આપણી પાસે. સાધનો એટલાં બધાં છે આપણી પાસે કે ઉચ્ચમાં ઉચ્ચ કળાની વસ્તુ આપણે પામી શકીએ. પણ આપણે શું કરીએ છીએ કે કાશ્મીર ગયા, તો કાશ્મીરનું સૌન્દર્ય! આપણા મનને સુન્દર બનાવે એવી તો કોઈ ઘટના બની નહીં. પણ આપણે ત્યાંથી જે ફોટા પાડી લાવ્યા તે ઉત્સાહથી બતાવીએ. મૂવી કૅમેરા હતો તો એ બતાવીએ, સ્લાઇડ શો રાખીએ. પછી ત્યાંથી લાકડાંનાં પંખી લાવ્યાં તે દીવાલ પર મૂક્યાં: જુઓ, અમે આ કાશ્મીરથી લાવેલાં! તો This is all selfpublicity, and we vulgarise things for this, તો ઊંચામાં ઊંચી વસ્તુનું આપણે આમ કરીએ છીએ. તો સાહિત્ય પણ એમાં ક્યાંથી બચે?સાહિત્યમાં પણ આજે સર્જકની જે દશા કરી છે! અમે તને સન્માન આપીશું,અમે તારો સ્વીકાર કરીશું પણ એક શરતે કે તારે કોઈ ગમ્ભીર વાત ન કરવી. તારે જગતના મર્મસ્થાને પહોંચીને કોઈ શબ્દ ન બોલવો, તું અમારી લાગણીને સહેજ પણ તકલીફ આપ્યા વગર, બુદ્ધિને પણ કષ્ટ આપ્યા વગર કંઈક અમને રુચે એવું.  એટલે કે પશ્ચિમમાં તો વાત ચાલે છે, ચોપડીઓના પ્રકાર પાડ્યા,  તો કયા કયા?Throw away books. એટલે દસ પાનાં વાંચવા જેવાં લાગ્યા તો વાંચ્યાં, પછી ફેંકી દો. જેમ ત્યાં બધાં કન્ટેનર ફેંકી દે છે એ પ્રમાણે: throw away technology જ છે. એ રીતે Quick look books – એક નજર ઝડપથી ફેરવી દો પછી બાજુએ મૂકી દો. પછી જેમ ટેલિવિઝનને કહેતાં હતાં કે idiot box, તેમ પુસ્તકને માટે હવે નામ આવ્યું nothing box. એમાંનું બધું શૂન્ય જ છે. એમાંનું કશું વળગે નહીં તે જોજો. એક લીટી પણ મનમાં રહી જાય તો તમારે માટે બહુ મોટું કષ્ટ ઊભું કરશે. એટલે તમે એ સાહિત્ય વાંચો તો જોખમકારક વસ્તુ છે, એમ લાગતું હતું એક જમાનામાં; હવે તો એવું નથી. તમને લાગે તો પાનાં ફેરવી દો. (કોઈએ) એવું સૂચન કર્યું કે ચોપડીનાં પાનાં શા માટે ગોઠવો છો?અને પછી એને પાકી બાંધણીમાં બાંધો છો?એના કરતાં તમે પાનાં છૂટાં રાખો. તો જેને જે વાંચવું હોય તે વાંચે અને નહીં ગમતાં હોય તે પાનાંનાં બીજા ઉપયોગ કરે, ચાનો કપ મૂકવા માટે કે બીજા ઉપયોગ માટે. તમને સારા પૂંઠાનો શોખ હોય, પરફોરેટેડ એડિશન રાખો – કાણાં પાડેલાં હોય. ગુસ્સો ચડ્યો, નહીં ગમ્યું તો પાનું ફાડીને ફેંકી દો. જો, વાચકોને ખુશ રાખવા કેટલું બધું થાય છે! અને હજુ એ લોકોને આશા છે કે આપણી ચોપડી હાથમાં લેશે! અને અત્યારે આપણા ઘણા લેખકો બિચારા એવા મુગ્ધ છે,એ લોકોને એમની ભ્રાન્તિમાંથી છોડાવવા એ બહુ મોટી નિષ્ઠુરતા છે,કારણ કે એમણે પોતે જ એને એક સ્વર્ગ માન્યું છે: અમારા વાચકો અમને પત્રો લખે છે, એટલું જ નહીં પણ અમારું આ લેખન છે એ સહકારી પ્રવૃત્તિ છે: It is a co-operative effort. કેટલીક વાર વાચકો અમને અન્ત બદલવાનું કહે છે કે: ના ના, આવું તમે એકદમ કરુણ ના કરશો. તો પછી પેલો લેખક પ્રસ્તાવનામાં લખે પણ છે કે મને એમ લાગ્યું કે મારાં જ પાત્રો વિશે મારે આવું ન કરવું જોઈએ. એટલે જ મને એક વાતનો આનન્દ થાય છે કે લેખક આપણા ઈશ્વર કરતાં વધારે કરુણાવાળો છે. ઈશ્વર તો બદલતો જ નથી પણ આ લોકો એને બદલી નાખે છે! તો સાહિત્યે ક્યાં અસર કરી?એટલે મેં કહ્યું ને કે Man has learned the art to remain absent. To annihilate himself is to create a void in his place. તો આ અન્અસ્તિત્વ ઊભી કરવાની કળા આપણે જાણીએ છીએ. તમે જોશો કે આપણે જે બધી ભાષા બોલીએ છીએ તે – આખા દિવસમાં કોઈએ ગણ્યું છે કે અઢીસો શબ્દમાં આપણો આખો સંસાર ચાલે છે. હું કહું છું કે ભાષા તો સાત માળનો મહેલ છે. બહુ સરસ ભાષા આપણને આપી છે. નરસિંહ મહેતાએ એને સમૃદ્ધ કરી, બધા જ સર્જકો સમૃદ્ધ કરતા જાય છે પણ એની સાથે સાથે બીજા પણ ભળ્યા જે ભાષાને લપટી બનાવી દે છે, જે ભાષાનો આખો સંકેત મારી નાખે છે. જે ભાષા માત્ર એક જાતના સમીકરણરૂપ રહી જાય, એવા લેખકો પણ આવ્યા. એમને ભાષાની શક્તિ પારખવાની ધીરજ ન હતી, એ પ્રયત્ન કરવાની તપસ્યા ન હતી. આપણે કોઈને પૂછીએ કે, હમણાં શું ચાલે છે?આપણી સામે બેઠાં હોય ત્યારે એ પ્રશ્નની આશા એમની આંખમાં દેખાય છે કે હમણાં પૂછશે: હમણાં શું ચાલે છે?એટલે તરત જ શરૂ થઈ જાય, હમણાં જ એક નવલકથા પૂરી કરી અને હમણાં જે ગુજરાતની આજની પરિસ્થિતિ છે: કોંગ્રેસનું ભંગાણ, જનતા પક્ષની ખરાબ હાલત આ બધા પ્રશ્નો હમણાંના લઈ લીધા છે, હું તો બિલકુલ વાસ્તવવાદી લેખક છું અને જે બને તે તરત જ મૂકી દેવું જોઈએ. પછી પાંચ વર્ષ પછી એ જ વાત લખો તો બજારમાં એ ચાલે નહીં. એટલે એક રીતે એ લોકો બહુ નજીકથી જુએ છે. બહુ નજીકથી જોતાં એમને કશું દેખાતું નથી. પેલી જેમ્સ થર્બરની વાત છે. એ હાસ્યરસનો લેખક હતો. ત્યારે એણે કહ્યું કે એ ભણતો હતો બોટની,વનસ્પતિશાસ્ત્ર, ત્યારે એને એક પાંદડું માઇક્રોસ્કોપમાંથી જોવા આપ્યું, structure જોવાનું હતું. પણ એ જુએ તો એને કંઈ દેખાય જ નહીં. પછી એના પ્રોફેસર ચિડાયા, ફરીથી જો. માઇક્રોસ્કોપ બરાબર ગોઠવ. ફરીથી જોયું તો દેખાયું નહીં. ત્રીજી વાર પ્રયત્ન કર્યો, ત્યારે એણે વર્ણન કર્યું કે મને આવું દેખાય છે. ત્યારે પ્રોફેસરે કહ્યં કે ભલા માણસ, તને પાંદડું નથી દેખાતું, તને તારી આંખ દેખાય છે. એની આંખ બહુ નબળી હતી અને એને પાંદડું દેખાતું ન હતું. એટલે આપણા ઘણા લોકોની આ દશા થઈ ગઈ છે. બીજું કશું દેખાતું જ નથી. પણ સાચી વાત તો એ છે કે આજે બોલવાની જરૂર છે. આજે જો માણસ મૂંગો રહેશે, જો સર્જક આ બધા કહેવાતા શબ્દોના ઉકરડા પાછળ સાચી વાત ઢાંકી દેશે,ભયનો માર્યો કાયર બનીને આપણી વચ્ચે જીવશે અને સન્માન સમારંભોમાં જઈને માથું ઝુકાવીને બેસી રહેશે. સર્જક શા માટે માથું ઝુકાવે?એણે એક વાર માથું ઝુકાવ્યું. નીચા નમીને ગળામાં હાર પહેર્યો તો એ હારની કિંમત પણ ઘટી ગઈ! તો આ શા માટે સર્જક કરે?તો આજે જ બોલવાની જરૂર છે. Treblinka નામના કોન્સન્ટ્રેશન કૅમ્પની વાત છે, ત્યાં માણસોને બેયોનેટથી મારી નાખતા હતા અને જેમણે બેયોનેટથી મારી નાખ્યા એને મારવાને બીજી ટુકડી તૈયાર હતી. જેથી પેલા લોકો એમ નહીં કહે કે અમે મારી નાંખ્યા. તો મારી નાખનાર પણ ચાડી ન ખાય એટલા માટે એને મારી નાખનારા પણ હતા! એ ક્યાં અટકે?એમાં પણ એવા હતા જેનું બિલકુલ કાલે મરણ છે કે બીજી જ ઘડીએ મરણ છે એવા માણસને વહેલામાં વહેલો મારી નાખી શકાય એ માટેના પ્રયોગો થયા. સીધું હાર્ટમાં ઇન્જેક્શન આપવાથી માણસ મરી જાય છે. એ લોકોને પૈસા બચાવવા જ હતા. સમય બચાવવો હતો. અને કહે છે કે કેટલીક સારી સર્જરી આ યુદ્ધને નિમિત્તે થઈ છે – જેવી કેRadioknife surgery વગેરે. તો ત્યાં એવા પણ લોકો હતા કે આ બધું છતાં એમને કોઈ જિજીવિષા નહોતી. એ લોકો તો કહેતા હતા જે જીવે છે એ કરતાં જે લોકો મરી ગયા એ વધારે સુખી હતા અને મરી જઈને એ લોકો સુખી હતા એટલં જ પુરવાર કરી ગયા. પણ ત્યાં એ લોકો એક ઝાડની બખોલમાં ખાડો કરીને જે જે બધું બન્યું તેની નોંધ રાખતા હતા: અમે તો મરી જઈશું, પણ કોઈ દિવસે લોકો અહીંયાં આવશે. હવે ત્યાં પીટર વેઇસ નામનો નાટ્યકાર કહે છે કે, હું એક વાર ગયો હતો – જેમ વડોદરામાં કે અહીંયાં મુંબઈમાં શાળાના વિદ્યાર્થીઓ આવે, બે-બેની હારમાં ચલાવતાં ચલાવતાં, એમને બતાવે કે પ્રિન્સ ઓવ્ વેલ્સ મ્યુઝિયમ છે કે આ દરિયો કહેવાય. બે-બેની હારમાં શિસ્તબદ્ધ રીતે ચલાવે તેમ ત્યાં બાળકોને લઈ જાય છે અને બતાવતા હોય છે કે અહીંયાં આ પ્રમાણે ગૅસ દાખલ કરવામાં આવતો, અહીંયાં આ પ્રમાણે માણસોને મૂકવામાં આવતા! બાળકો એ શં સમજતાં હશે?કેવી મોટી ક્રૂરતા છે! આ કોઈ બતાવવા જેવી, રાખવા જેવી વસ્તુ છે?ત્યારે  આ લોકો – આ અમે સહન કર્યું, અમે આ રીતે મરી ગયા, એ તમે જાણજો. તમારા ભવિષ્યમાં આ વાતને સાથે રાખીને જીવજો. નહીં તો ભવિષ્યની માનવજાત માટે કોઈ આશા નથી. ને બન્યું પણ એવું કે આપણે તો એને ચમત્કાર જ કહેવો જોઈએ. Treblinka પછી રશિયનો આવ્યા. બધું ખાલી થઈ ગયું. અને કુતૂહલથી જે કોઈ આવા સહેલાણીઓ પર્યટને આવેલાં, એમાંના કોઈ બાળકે રમતમાં ને રમતમાં પેલી બખોલમાં હાથ નાખ્યો અને એને આ આખાં કાગળિયાં પેલાં નોંધેલાં એ બધાં જડી ગયાં! અને એને કારણે એક અગત્યનો દસ્તાવેજ બહાર આવ્યો! એ લોકો તો એમ જ કહેતાં હતાં કે આવું બન્યું જ નથી. આવું કશું થયું જ નથી અને છેલ્લે છેલ્લે હમણાં પેરિસના એક પ્રોફેસરે કહ્યું આ બધી વસ્તુ તો ઇતિહાસમાં જાણે કે એક મોટી ઘટના બની છે, એ સમય મહત્ત્વનો હતો એવું પુરવાર કરવા બનાવી કાઢેલી વાત છે. આ પેરિસના પ્રોફેસરે બહુ મોટો સંશોધનલેખ પ્રગટ કર્યો છે અને નોમ ચોમ્સ્કીએ એનું સમર્થન કર્યું કે ના, આ વાત કાઢી નાખવા જેવી નથી. ચોમ્સ્કી પોતે જ્યુ છે. છતાં જુઓ કે અત્યારે ગમ્ભીર ઘટનાને પાછળથી માણસો એનો સામનો નહિ કરી શકે એટલા માટે એને કપોળકલ્પિત બનાવી કે ના આ તો બધી કલ્પના છે. પણ સાચી વાત એ નથી. આપણે જે મરણો જોયાં છે એ મરણને કારણે મરણનો આખો ખ્યાલ બદલાઈ ગયો છે. આ જ કોન્સન્ટ્રેશન કૅમ્પની વાત છે. દરરોજ બારીમાંથી બેસીને પેલી છોકરી જોતી  આ મરી ગયા છે! તો માને પૂછે કે,આ શું છે?તો એ કહે કે આ મરી ગયા છે! તો પેલાં સાઈઠ-સિત્તેર સો હોય તો એક ખાડો ખોદીને એમાં ધરબી દે. હવે એમના માટે આ રોજની ઘટના હતી. નસીબજોગે એ મા ને દીકરી બચી ગયાં! પછી ઇઝરાયલમાં રહેવા ગયાં. એક દિવસ કોઈ કહેવા આવ્યું કે ફલાણું ફલાણું મરી ગયું છે ને આપણે એના ફ્યુનરલમાં જવાનું છે, અન્ત્યેષ્ટિ ક્રિયામાં જવાનું છે. તો ત્યાં એ ગયા. ત્યારે પેલી દીકરીએ જોયું તો એક માણસને શબપેટીમાં મૂકીને લાવ્યા. ને નીચે ઉતારતા હતા, તરત જ છોકરીએ પ્રશ્ન પૂછ્યો: Where are the others? This is not death. આ મરણ નથી. બીજાં બધાં ક્યાં છે?તો જુઓ, મરણનો આખો ખ્યાલ બાળકના મનમાં કેટલો બધો બદલાઈ ગયો! એટલે આજે deathએની ક્વોન્ટીટીને કારણે It has changed the quality of death itself. હવે એની વાત કોણ કરશે?એવી વાત કરનારા સર્જકોની આપણે રાહ જોઈએ છીએ. કારણ કે કહેવું પડશે પ્રજાને. તેવી જ રીતે ઘણાંને તો કેવી રીતે મારી નાખતા હતા, ખડકી દે. અડધાં જીવતાં, આ મરી જવાનાં છે, આ આવતી કાલે મજૂરી કરવા માટે કામમાં નથી આવવાનાં, તો એને નકામું ખાવાપીવાનું આપવું  શા માટે? અને ખાવાપીવાનું એટલે શું?બટાકાની છાલ બાફીને પાણી સાથે ખાવામાં. આ રીતે માણસો કેટલું જીવે?પણ માણસમાં ગજબ સહનશક્તિ છે! હજુ આપણા દેશમાં જોઈએ છીએ ને કે ઉમાશંકરે જે આશા રાખેલી: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે. પણ એ નહીં જાગે. આપણે બહુ સહનશીલ છીએ. આપણને એમ કહેવામાં આવ્યું છે કે ગયા જન્મનાં પાપ ભોગવીએ છીએ, સહન કરનાર ઈશ્વર વધારે વહાલો છે. આવી બધી વાતો કરીને સહન કરવાની શક્તિ વધી, પણ તેણે આપણને જડ બનાવી દીધા છે. જે લોકો જડ બનાવે છે તેનો વિરોધ કરવા જેટલી આપણે ચેતના ટકાવી રાખવી જોઈએ. ત્યાં પેલા ખાડામાં માણસોને ખડકી દેતા ત્યાં અડધા જીવતા હોય – આવી જ રીતે એક બીજો કેદી, જેનો વારો તે દિવસે નહોતો આવ્યો, જોતો હતો કે આખો ખાડો ભરેલો હતો. માણસોના ઢગલા પડેલા હતા. એમાં એકાએક દસબાર વર્ષની છોકરીનો હાથ એમાંથી, ઢગલામાંથી – જીવતી હશે બિચારી થોડીઘણી – એનો હાથ આમ લંબાયો, બહાર આવ્યો! એની આંગળીઓ સંકોડાયેલી હતી તે આમ ખીલી ને પછી ઢળી પડ્યો: આટલું એ જીવી! પણ એનું વર્ણન એક છોકરીએ બહુ સરસ કર્યું છે: એણે કહ્યું કે, I have never seen such a blossoming flower in my life! હથેળીમાંથી આંગળીઓ પ્રસરી અને એ જે પાંખડી ખીલી – એવું ફૂલ મેં આ જગતમાં ખીલતું જોયું નથી! હવે આ એણે કહ્યું. એણે કરુણનો ચિતાર આપીને તમારી આંખમાં આંસુ લાવાનો પ્રયત્ન નથી કર્યો. પણ આ પણ જોવા જેવું છે, તે તમે જુઓ. નહિ જોશો તો નહિ ચાલે, એમ એની એણે વાત કરી. ત્યારે એવા સર્જકોની આપણે રાહ જોઈએ છીએ. એ ક્યાં છે?મેં કહ્યું તેમ આપણને ભાષાની જ ક્યાં જરૂર છે?બસ્સો પચાસ શબ્દમાં આપણો આખો સંસાર ચાલે છે. આપણે કોઈને મળીએ તો શિષ્ટાચારને નામે, એટીકેટને નામે,રીતભાતને નામે અમુક જ બોલવું, અમુક જ કહેવું. નાનું છોકરું નિર્દોષ આનન્દમાં પોતાને તાપ લાગતો હોય ને ચડ્ડી ઉતારી નાખે તો, શેઇમ શેઇમ કહેવું – જેનો અર્થ બાળક બિચારું સમજતું નથી. તો આ બધો વ્યવહાર – એટલે માણસ ભાષા વડે જગતને પામે છે. આપણો એક શાપ ગણો તો શાપ, પણ જગતને પામવું હોય તો ભાષા વડે પામો. એટલા માટે જે ખરેખર વિજેતાઓ છે – જે પ્રજાને પરાધીન રાખવા માગે છે એ લોકો પાસેથી ભાષા છીનવી લે છે. અંગ્રેજો ગયા પછી આપણી ભાષા ઝૂંટવાઈ ગઈ. બધાં છોકરાંઓને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનું આપણને બહુ જ ગૌરવ હોય છે. ડોનેશન ભરીને પણ આપણે એમને ત્યાં જ મૂકીએ ને ત્યાં જ ભણાવીએ. મિલાન કુંડેરા નામના લેખકે દેશ છોડતી વખતે એમ કહેલું કે, હું એક ચેતવણી આપતો જાઉં છું: આ રશિયન ટેન્ક તો ફરી અને માણસો પર ફરી ત્યાં સુધી તો ઠીક હતું, પણ હવે રશિયન ભાષાની જે આ ટેન્ક છે આપણી ઝેક ભાષા પર ફરે છે, અને જો તમારી એ ભાષા ગઈ તો પછી તમે બિલકુલ નાબૂદ થઈ ગયા! આ આપણે ત્યાં Hindi imperialism છે તો રાજસ્થાનની ભાષા ગઈ, મૈથિલી ભાષા ગઈ. જેટલા હિંદી ભાષાના પ્રાંતો નજીક હતા એ બધાની ભાષા ઝૂંટવી લીધી. બીજા કેટલાક છે તે અંગ્રેજીમાં લખવાનું બહુ જ ગૌરવ સમજે છે. તો મને બુકર પ્રાઇઝ મળે, મને નોબેલ પ્રાઇઝ સુધી જવાની તક મળે. ગુજરાતીમાં લખું તો મને કોણ ઓળખે?ને મારી ચોપડીના રીવ્યુ પણ ન આવે. તો આજે જાણે કે લોકો ભાષા છોડી દેવા તૈયાર થયા છે. મારાં કેટલાંક પરિચિતો કહે છે, યુ ગુજ્જુસ! તિરસ્કારમાં કહે છે, યુ ગુજ્જુસ! હવે કેમ આપણી આ દશા થઈ?આપણે જાતે કરીને કેમ આપણી અવમાનના થઈ ને અપમાન કરવામાં ને અપમાન વેઠવામાં ગૌરવ છે એમ માનતા થઈ ગયા?આનો આપણે વિચાર કર્યો છે?ત્યારે ભાષા સાથેનો આપણો સમ્બન્ધ તૂટી ગયો. There is a general retreat from the language. માણસો ભાષાથી દૂર ખસતા જાય છે. સોશ્યલ સાયન્સમાં algebric symbolsથી વાત થાય છે. કારણ કે એ precise છે, સફાઈ છે, ચોકસાઈ છે. તમે ભાષા બોલો, એક વાક્ય બોલો ને હું એમ કહું દા.ત. We are living in an age of uncertain certainties. તો કહેશે, તમે આવું શું બોલ્યા?તો ફરીથી બદલીને કહું કે We are living in an age of certain uncertainties. તો લોકો કહેશે,તમે ભાષાની રમત કરો છો. પણ મારે બહુ ગમ્ભીર વાત કહેવી છે. આ દુનિયામાં નિશ્ચિત વસ્તુ એક જ છે અને તે અનિશ્ચિતતા. તો ભાષા જ સત્યના બંને છેડા પામવા મથે છે. જે paradoxical છે તે લોજિક માટે paradoxical છે. અને ભાષા કહે છે કે paradoxના નામે એટલો ભાગ હું કાઢી નાખું – મારી અનુભૂતિનો – એ  મને ન પરવડે. એ બધું તો હું આવરી લઈશ. મારું જ કામ છે. મને તો સત્યનો બીજો છેડો કપોલકલ્પિતમાં લાગે છે. ત્યાં જતાં લોકો બીએ છે. ત્યાં કોઈ ગયું તો કહે છે કે આ તરંગી છે. પણ મારે જવું પડે છે ત્યાં સુધી. ત્યારે જોયું કે આપણે આ રીતે ભાષાથી દૂર ભાગતા જઈએ છીએ. ઘણા માણસોને ડોક્ટરો, ઇજનેરો, વકીલો: એ બધાને – તમે કોઈ સમારંભમાં લાવો અને બોલવાનું કહો તો They are very apologetic. બહુ જ ક્ષમાપ્રાર્થી હોય છે: ભાઈ, મારું કામ બોલવાનું નહીં,અને હું તો જે કંઈ થોડુંઘણું બોલું એમાં ભૂલો થાય તો માફ કરશો. શું કરવા પણ?અમે તમને ન માફ કરીએ. તમારી પોતાની ભાષા છે, તમે એમ કરીને તમારી જાતને ઉચિત ઠેરવો છો કે હું તમારામાંનો નથી,ભાષાબાષામાં આપણું કામ નહીં. તો આ વસ્તુની સામે વિરોધ થવો જોઈએ. એટલે એને કારણે શું થયું છે કે We indulge in more and more abstraction. સાહિત્યનું કામ મૂર્ત કરવાનું છે, તેને બદલે આપણા જમાનામાં આપણે ધીમે ધીમે અમૂર્ત તરફ સરતા જઈએ છીએ. બધી વસ્તુઓને અમૂર્ત બનાવી દઈએ છીએ. જ્યોર્જ ઓરવેલે ‘1984’માં કહેલું એનું આજે સ્મરણ કરીએ કે આપણે આજે 1984માં છીએ. એણે એવી સ્થિતિની કલ્પના કરેલી કે The big brother is watching you. Big brother છે, એટલે તમારો તો શુભેચ્છક છે, શુભચિંતક છે, એટલે ડોકું કાપે છે તો તમારા હિતમાં જ કાપે છે.  બીજા કોઈ કારણે નહીં અને કેટલી બધી દયા?કેટલી બધી માનવતા! કે ત્યાં આગળ રશિયામાં એક નવો વર્ગ ઊભો થયો છે – એને કહે છે frontal lobotomy – એટલે સુખી ગાંડાઓ. એટલે આપણે એમ કહેવું પડશે આવા ગાંડા જ સુખી થઈ શકે એવા જમાનામાં આપણે જીવીએ છીએ. એટલે શું?કહે છે કે happy imbeciles કરીને લાગણીતંત્રની જે જગ્યા છે મગજમાં, તે કાઢી નાખે છે. પછી તમે એને ગમે તેટલું કામ સોંપી, ગમે તે કરાવો, એક અક્ષર બોલશે નહીં. He will wear the same idiotic smile on his face in any situation. ગીતાનો સ્થિતપ્રજ્ઞ લાગશે. તો હવે આ સ્થિતિમાં માણસ જીવે છે. તો ભાષા પરથી abstractionમાં ધીમે ધીમે ખસતા ગયા. ઓરવેલે કહ્યું કે તમે એકવીસ વર્ષના થયા. આપણે એવી કલ્પના કરવાની કે, એવું રાજ પણ આવે, કે એકવીસ વર્ષના થયા તો તમારી પ્રેમ કરવાની ઉંમર થઈ, તો દફતરમાં નામ નોંધાવી આવો: હવે હું પ્રેમ કરવા માટે એલીજીબલ છું. વારુ, પછી તમને પ્રેમ કરવાનો જે ગાળો આપ્યો હોય ને તમે પહેલો પ્રેમપત્ર લખવાના હો તો – તેને માટે સરકારી ફોર્મ લઈ આવો. એની પાસે તૈયાર શબ્દો છે એ વાપરો. તો પ્રેમ જેવી જે બિલકુલ sanctity, પવિત્રતાવાળી વસ્તુ છે, તેમાં પણ સરકારની દખલગીરી! સરકાર કહે એ રીતે પ્રેમ કરવો. Because there also the big brother is watching you. તો પછી એ બધાની, વસ્તુની પવિત્રતા ક્યાં રહી?માનવસમ્બન્ધો ક્યાં રહ્યા?તો સૌથી મોટો ભોગ – સૌથી મોટી વસ્તુ જો આપણે ખોઈ હોય તો તે માનવસમ્બન્ધો અને એ આપણે જાણતા નથી. એની આપણને ખબર નથી અને ઊલટા આપણે એમ માનીએ છીએ કે ભાઈ,અમે તો પડોશમાં શું થાય એ જાણીએ નહીં. કોઈ પડોશી અમસ્તો જ આવીને બેસે વાત કરવા, તો કહેશે: એને સમય બગાડવાની ટેવ છે. કોઈ ન આવે, કોઈને ન મળીએ તો આપણે મોટા! એટલે આ કારણે માનવ માનવથી દૂર થતો જાય છે. માનવ માનવને જોતો નથી. કદાચ એવો સમય આવશે કે પેલાં જાપાનીઝ કવિ કોનેકો કવિતાની શરૂઆત આ રીતે કરે છે: છેલ્લાં દસ-પંદર વર્ષથી સૂરજને મારું હસતું મોઢું બતાવ્યું નથી. અને કહે છે કે હું તો જન્મ્યો ત્યારે એકલતા મને ઓરની જેમ જ વીંટળાયેલી હતી. એ રીતે હું તો જન્મ્યો છું અને જાપાનીઝ તો કહે છે: તમે લોકો સૂર્યની ઊજળી બાજુ જુઓ છો, અમે કાળી બાજુ જોઈએ છીએ. એટલે જાપાનીઝ ભાષામાં શબ્દ છે, આમાસુરા. કદાચ એને અમાસ શબ્દ સાથે પણ સમ્બન્ધ હોય, અમારા ભોગીલાલ સાંડેસરા કરે એવો આ તર્ક છે. આમાસુરા એટલે કેthe black God. જો, સૂર્યને એમણે ઉજ્જ્વળ નથી કહ્યો: The black God! ત્યારે એ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. તમે જુઓ કે વસ્તુ-પદાર્થ સાથેનો સંબંધ છે આપણો એ unmediatedનથી. તમે કોઈ પણ Text વાંચો, મેં એક વાર રિલ્કેની કવિતા આપણા એક સારા કવિ આગળ વાંચી તો તેમણે કહ્યું કે આ તો ભગવદ્ગીતામાં કહ્યું જ છે. તરત જ રીડ્યુસ કરી નાખ્યું. એમની પાસે જે તૈયાર કોષ્ટક છે એમાં તરત મૂકી દીધું, ને બંધ કરી દીધું. પછી કહે વાંચવાની જરૂર નથી. પણ ભગવદ્ગીતામાં કહ્યું છે તો બીજે બધે લખાયું શા માટે?બીજું કંઈ કહેવાનું હશે ને?કહેવાની રીત જુદી હશે ને?તો એવું નહીં. ઘણા લોકો ઉત્સાહી છે, જેને કહેવાય રીવાઇવલીસ્ટ. એ એમ માને છે કે આ પ્રાચીન ભારતભૂમિમાં બધું જ હતું. હા, વાત સાચી છે. બધું જ હતું. મહાભારતમાં જેટલાં પાપ કર્યાં છે તેટલાંને હજુ આપણે પહોંચી શક્યા નથી – એટલા કરવા માટે! બધું જ હતું અહીંયાં. એટલે આ બધી વાતોને પણ નવી રીતે ઘટાવે. તો કેટલાક લોકો અર્થઘટન કરવાનો ધંધો લઈને બેઠા છે. તાજમહાલ શાહજહાંએ નહીં બાંધેલો,એ તો ત્યાં બીજું હતું. ત્યાં આપણી હિંદુની જ કળા હતી, એમ. અને એ વાત સાચી કે મુસલમાનોએ મસ્જિદો વગેરે ઊભી કરી છે કેટલીક જગ્યાએ, ખંભાતમાં બધે દેખાય છે ચિહ્નો.. પણ આથી આગળ જઈને કેટલાક લોકો અર્થઘટન એવાં કરે, દા.ત. કોમ્યુનિઝમ. એ તો આપણે ત્યાં જ પહેલાં જ હતું અને Who was the first communist leader? તો કે કૃષ્ણ ભગવાન પોતે. એ શું કરતો હતો?તો કહે: માખણ છે, એ આપણે જે કંઈ પામીએ છીએ તે વિશિષ્ટ વસ્તુ છે એનું મંથન કરીને કાઢેલું છે. અને એને કેપીટાલીસ્ટ ક્યાં મૂકતા હતા?શીંકે ચઢાવીને,માટલીમાં. તો પછી કૃષ્ણે શું કર્યું?તો ગોઠિયાઓને બોલાવ્યા, કોમરેડ્સ! એમને ઊભા કરીને ઉપર કૃષ્ણ ઊભા થયા ને માટલી તોડી: કોમ્યુનિસ્ટ રીવોલ્યુશન! અને પછી જે સંપત્તિ બહાર આવી તે તેણે વહેંચી આપી બધા ગોઠિયાઓને: ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. એટલે આપણે ત્યાં કોમ્યુનિઝમ હતું જ! અને તમારે એનાથી બીજો મોટો પુરાવો જોઈતો હોય તો રામાયણમાંથી પણ આપીએ! આ તો મહાભારતની વાત થઈ. આપણાં બધાં શાસ્ત્રોમાં છ! તો રામાયણમાં પણ શું?સીતા કેવી રીતે જન્મી?કન્યા તો લક્ષ્મી છે. સીતા કઈ રીતે જન્મી?તો જનકરાજા હળ ખેડતા હતા એમાંથી મળી. એટલે શ્રમમાંથી મળી. શ્રમમાંથી મળેલી સંપત્તિ તે સીતા! એનું હરણ કોણ કરી ગયું?તો કહે રાવણ. રાવણ ક્યાં રહેતો હતો? તો કહે સોનાની લંકામાં, કેપીટાલીસ્ટ. તો હનુમાને શું કર્યું?તો કહે હનુમાન representative of proletariat! એણે શું કર્યું?તો, આગ લગાડી. અને પછી એ લક્ષ્મી લઈ આવ્યો. તો શ્રમિક સમાજ અને શોષિત સમાજ એ બે જ રહે છે. It is indigenous, it is very clever but hardly convincing. મારું એ કહેવાનું છે કે આપણી આ આખી પ્રવૃત્તિ છે તે ખોટી છે. તમે you try to avoid facing complexity of the situtation. કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે તો એની સંકુલતા સમજવાનો પ્રયત્ન કરીએ. એમ નહીં કે આ તો તમે બધું જાણીએ જ છીએ, તો અમારામાં હતું જ. આમાં તમારે કાંઈ નવું કહેવાનું નથી. અમારા ઘણા લેખકો એવા હતા,  આપણે કોઈ વાર્તા લખીને જઈએ અથવા કાંઈ કહીએ તો કહે, આ તો બધું હતું જ. આમાં કશું નવું નથી. એટલે એમને ડર છે નવાનો. એટલે નવાને જો જૂનું કહી દે તો બચે નહીં, તો એ બચી નહીં શકે એવા માણસો. એટલે આમ પછી જ્યારે નવાની ફૅશન થાય ત્યારે બિચારા બહુ કરુણ રીતે એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે. પણ એમાં પાછા નાસીપાસ થાય. ત્યારે જુઓ કે બૅકેટના નાટકમાં બે પાત્ર આવે છે. એમને આજીવન કેદની સજા થઈ છે, life imprisonment અને પછી એક કોટડીમાં જ બંનેને પૂર્યા છે. એટલું કર્યું છે કે એક કોટડીમાં બે જણાને રાખ્યા છે; મેં આ ફિલમ જોઈ, મારા આ શત્રુ, આ પરાક્રમ કર્યું – નક્કી કર્યું, આવી બધી વાત બોલી જઈએ. પછી જોક્સ કહેતા હતા તે પણ બધી કહેવાઈ ગઈ. પછી એનું પુનરાવર્તન જ કરવાનું રહ્યું. તો પછી આખી જોક્સ ફરી કહેવાનું કારણ શુ ?એટલે પછી એ લોકોએ નક્કી કર્યું: જોક નંબર 20, એટલે પેલો બીજો હસવા માંડે. જોક્સ આખી શું કરવા કહે?નંબર નક્કી કરી દીધા. તો સરકારે પણ આપણને પ્રેમના અભિનન્દન આપવા માટે તારના કોડ નંબર આપી દીધા છે. તમે નંબર જ આપી દો, ત્યાં લાગણી પહોંચી જશે. એટલે We are surrendering ourselves to abstraction. ધીમે ધીમે આપણે એ તરફ જઈ રહ્યા છીએ દા.ત. તમે એ જુઓ કે, આપણે માટે શબ્દો જે વિશિષ્ટ પદાર્થ છે એમાંથી વિશિષ્ટતા ગાળી નાખીને તેનો સામાન્ય ભાવ આપણે લઈ લઈએ છીએ. કારણ કે સાચવવો સહેલો પડે, એમ કહે છે કે this invention of a standard of measure has done a lot of good to humanity. નર્મદા નદીનો તમારે ખ્યાલ મેળવવો હોય તો એક ઈંચ બરાબર 200માઇલ એમ તમે નકશામાં આપી શકો. પણ મને નકશો મળે છે, મને ભૂમિ નથી મળતી. મને જળ નથી મળતું. પણ આપણું તો કામ ચાલવું જોઈએ. એટલે એનાથી આપણે જાણ્યું કે આકાશની ઉપર પેલા બે તારા છે, એ અયુત વર્ષે અમુક light years પ્રકાશવર્ષ જેટલા દૂર છે, એમ આપણે કહ્યું. પણ પછી જ્યારે હું જોઉં છું – મારે માટે એક એબ્સ્ટ્રેક્શન છે. એ વાત તો સાચી છે. પેલી સાચી હતી કે નહીં તે મને ખબર નથી. It comes within the range of my experience. પણWe have created unnecessary mystery by throwing out so many things out of range of our experience એટલે, મેં કહ્યું ને આપણું કામ તો બસો અઢીસો શબ્દોથી ચાલે છે. પણ જે આદિવાસી પ્રજા છે (તેની પાસે અનેક શબ્દો છે.)  આપણે ભૂરો રંગ કહેવો હોય તો, ભૂરો; ભુરાશ એ એક qualityઆપણે જુદી પાડી. એટલે આપણે શું કરીએ કે એક વિશિષ્ટ પદાર્થને એની વિશિષ્ટતાથી જુદો પાડીને એને કહીએ છીએ. પછી અંગ્રેજીમાં બ્લૂ, ભૂરો કેવો?મોરપીચ્છ જેવો, Indigo blue, navy blue, ocean blue – આ બધા આગળ આપણે બધા પદાર્થો જોડ્યા. છૂટા પાડ્યા તે જોડ્યા. એટલે કોંક્રિટનેસ આવી. જ્યારે લેવી સ્ટ્રોસ નામના એન્થ્રોપોલોજિસ્ટે લખ્યું છે કે, એક આદિવાસી પ્રજા છે જેની પાસે ભૂરા રંગ માટે અઢીસો શબ્દો છે. ત્યારે એ પ્રજા આપણાથી સમૃદ્ધ નહીં?એમણે સાચવ્યું ને આપણે તો ગુમાવ્યું. અને આની વિરુદ્ધ આરબ લોકો! બિચારા રણમાં રહે છે. ઊંટ છે એમની પાસે. આપણા જેટલાં પ્રાણીઓ પણ નથી એમની પાસે. તો કહે છે કે, ઊંટ માટે એમની પાસે પાંચસો શબ્દો છે! તો જુઓ કે, ઊંટ સાથેની કેટલી intimacy હશે, કેટલી ઘનિષ્ઠતા હશે?જેમ આપણાં ઘરમાં નાનું બાળક છે, intimacy ખૂબ છે, હજુ વ્યવહારમાં ગયું નથી. નિશાળમાં તો તમને રજિસ્ટરમાં નામ લખાવા જાઓ તો પૂછે કે, તમારા આ બાબાનું નામ શં છે?એટલે, આમ તો અમે એને બચુ કહીએ છીએ, ક્યારેક એને નાનુ કહીએ છીએ. તો એમ નહીં, તમે એક નામ બોલો. જે નામ રાખવું હોય તે નક્કી કરીને બોલો. એેટલે તમને કહી દીધું કે તમારું લાડ-વ્હાલ બધું ઘરે રાખો. અહીંયાં તો આ દફતર છે, એમાં એક નામ જોઈએ. એટલે આખી માનવજાત એ દફતરની નોંધણી કામદાર બની ગઈ છે. એક નામ રાખો. ટૂંકમાં મને કહી દો કે આનું શું છે તે?એમ કહીને આખા જગતને ખોઈ નાખ્યું. તો એ આરબને કેટલો સમ્બન્ધ હશે, ઘનિષ્ટ સમ્બન્ધ હશે કે જુદી જુદી રીતે ઊટ સાથે સમ્બન્ધ બાંધ્યો! સુખમાં, દુ:ખમાં ગમે તે રીતે. અને તેના માટે પાંચસો શબ્દ છે. ભગવાન બહુ વ્હાલો છે માટે આપણે વિષ્ણુસહસ્ર નામ બોલીએ છીએ, હજાર નામે. નામ ઘટતાં જાય તો જાણવું કે તમે પરમ કક્ષાએ પહોંચો છો કે તમે જડ થતા જાઓ છો. એમાંથી કોઈ ત્રીજી અવસ્થા નથી. એટલે રવીન્દ્રનાથે કહ્યું છે કે, ષોડષ સંસ્કાર છે આપણા જીવનમાં, છેલ્લો એક સંસ્કાર મારે ઉમેરવાનો છે, તે નામક્ષાલન સંસ્કાર! નામ તો આપ્યું તમને. વાપર્યું, ઘણું ગંદું કર્યું, તો જતાં પહેલાં ધોઈ નાખીને જાઉં તો એ કરવા આપણે રહેતા નથી. છેલ્લી ઘડીએ કીર્તિ માટે હવાતિયાં મારીએ છીએ કે હજુ જરા જોઈએ સન્માન સમારમ્ભ થતો હોય કે સાહિત્ય પરિષદનો પ્રમુખ થતો હોઉં, અથવા સમિતિમાં આવું કે આ કરું તો! એ બધું હું કરી લઉં. અથવા હવે તો કાંઈ સાહિત્ય અકાદમીના ઇનામની કિંમત કંઈ વધારી છે. બીજાં બે-ત્રણ ઇનામો ઊભાં થયાં છે. જ્ઞાનપીઠ સિવાયના કલકત્તાથી, તો બધા પાછળ દોટ મૂકે તો એને નામ ધોવાનો અવસર ક્યારે આવે?એ તો એમ ને એમ રહી જાય. એમને એમ સમય જતો રહે. એને તક ન મળે. એટલે આ વસ્તુ બહુ જ ગમ્ભીર છે. માણસ આવું જો કરશે તો સાહિત્ય પાસે જાય શા માટે?સાહિત્ય પાસે જવાનું કારણ એ છે કે સાહિત્ય જ તમને આવી વાત કહેશે. દા.ત. આપણે તો બેઠા છીએ. આમ તો મારી ત્વચા મને ઢાંકે છે. પણ ત્વચા નીચે જે અન્ધકાર છે એમાં કેટલા બધા જુગો કાટ ખાતા પડ્યા છે! એ મેં જોયા છે?એની સાથે મારું અનુસન્ધાન છે?તો સાહિત્ય અનુસંધાન સાંધી આપે છે. અત્યારે હું કેમ અહીં બેઠો બેઠો હૅમ્લેટની વાત કરું છુ ?સૅમ્યુઅલ બૅકેટની વાત કરું છું?ગુજરાતી સાહિત્યમાં ગાળ ખાઉં છું કે તમે તો ભઈ, અમારા લોકોની તો વાત કરતા નથી, પરદેશની જ કેમ વાત કરો છો?ત્યારે અહીંયાં જ મને અધિકાર છે કે ભૂગોળના સીમાડા હું ઓળંગી જાઉં. બીજી જગ્યાએ તો પાસપોર્ટ માંગે, વીઝા માંગે, ગુજરાતમાં એક દિવસ એવો આવશે કે કાફકાનું નામ લેવું પાપ ગણાશે,કાફકા વાંચ્યો તો શિક્ષા થશે. તમારી ચોપડી દસ વર્ષ પબ્લિશ નહીં થાય. પણ ભગવાન બચાવે એવા જમાનાથી; તો સ્ટીફન સ્પેન્ડરે કહ્યું કે ભઈ, અમે સ્પેનમાં જે આન્તરવિગ્રહ ચાલતો હતો ત્યાં લોકોને પક્ષે લડવા ગયેલા. અને હેમિંગ્વે હતા, આંદ્રે માલરો હતા, આ બધા લેખકો, બધા જુદા જુદા દેશના, જુદી જુદી પ્રજાના હતા. રેડિયો સાંભળતા હતા ત્યાં, બેટલફિલ્ડ પર અને ત્યારે મોસ્કો રેડિયો પરથી ભારતના કવિ રવીન્દ્રનાથનું નાટક ‘પોસ્ટ-ઓફિસ’ આવતું હતું. જુઓ, ક્યાં સ્પેનની ભૂમિ! ચાલે છે લડાઈ અને મોસ્કો રેડિયો પરથી ભારત દેશના કવિનું કાવ્ય આવે છે!  તો ચારે બાજુથી ગોળીઓ છૂટતી રહી તે વાત પણ ભૂલી ગયા! ક્યાં છે એ પણ ભૂલી ગયા! અને કહે અમે નાટક સાંભળ્યું. આવો ચમત્કાર કોણ કરી શકે?સાહિત્ય જ કરી શકે, બીજા કોઈનું તો ગજુ નહિ. પણ છતાં આપણે સ્વીકારતા નથી. એટલે રવીન્દ્રનાથે મશ્કરી ઉડાડતા એક જગ્યાએ કહ્યું છે એમ, એક ડોસો હતો, તે રોજ આકાશ સામે જુએ ને આટલા બધા તારા જોઈ દુ:ખી થાય! એને સુખ ન થાય! તો કોઈકે પૂછ્યું, તમે કેમ દુ:ખી છો?તો કહે, આટલા બધા તારા આકાશમાં વેડફી માર્યા! એના કરતાં શેરીમાં દીવા કર્યા હોત તો! ટેક્સ તો ઓછો ભરવો પડત! પછી બંગાળના બાઉલ કવિએ પણ કહ્યું છે કે ભઈ, આ લોકો કેવા મૂરખ છે કે, આ સૂરજમુખીનું ફૂલ છે એને પણ કસોટીના પથ્થર પર ઘસીને કેટલું સોનું છે તે જોવા જાય છે! તો આમાંથી અમને મળે શું?શંકરાચાર્ય કહે એમ તત: કિમ્?તેથી અમને મળ્યું શું?ત્યારે ઉપનિષદમાં આ વાત આવે છે: બૃહદારણ્યકમાં યાજ્ઞવલ્ક્ય કહે છે,હું સંસાર છોડીને જાઉં છું. તો મૈત્રેયી અને કાત્યાયની: એમની બે પત્ની. એમને કહ્યું: તમે ભાગ કરી લો. તો કાત્યાયની હતી તે બહુ સંસારી વૃત્તિની હતી, એટલે એણે બધો ભાગ કર્યો: મને આ સ્ટીલની બે થાળી ઓછી આવી, આ ચાંદીનો લોટો મારે જોઈતો હતો, એના જેવો ઝઘડો કરવા બેઠી. પછી મૈત્રેયીને પૂછ્યું તો એણે કહ્યું કે જેના વડે હું અમૃતત્વ પામી શકું, આ બધું તો નાશવંત છે, કેટલી પેઢી ચાલશે?જેના વડે મને અમરતા પ્રાપ્ત ન થાય તેને લઈને હું શું કરું?એણે ન લીધું. એટલે આ બે વૃત્તિ આપણામાં પણ છે. પણ હવે આપણા જમાનામાં આપણે કહીએ કે અમરતાનો પણ કશો અર્થ રહ્યો ખરો?અમરતા પણ એક શાપ નથી?આપણે ત્યાં કોણ અમર થયું ?અશ્વત્થામા. તો શું અમર છે એનું?તો એનો સદા દૂઝ્યા કરતો ઘા. વ્રણ ચિરંજીવ છે. બીજું કશું ચિરંજીવ નથી. તો ચિરંજીવિતા જે છે તે પણ વ્રણ છે. એક ક્ષણ છે તો બસ છે. એક ક્ષણમાં પણ રવીન્દ્રનાથે કહ્યું છે તેમI read the signs of elernity on many fleeting moments of my life. આ ક્ષણ પર તારી શાશ્વત એવી મુદ્રા અંકાયેલી છે, એ હું વાંચું છું. તો એ જીવવાનો તો ખરો. અમરતાનો પણ – માણસ જો લાલચુ હોય, ભીખમાંગુ હોય તો એ અમરતા – એને આવી વ્રણ જેવી, ઘા જેવી મળે. બીજું ન મળે. સીમેન-દ્-બુવારની એક સરસ વાર્તા છે: All men are mortal, એનું નામ જ એવું છે. જે Logicનું પહેલું વાક્ય છે કે All men are mortal. Socrates is a man, therefore Socrates is mortal, logicનું એણે પહેલું પદ લીધું છે. પછી એક એવો રાજા, આપણા કાઠિયાવાડના રાજા હતા એવો કોઈ રાજા હશે,  જામનગરનો, રાજકોટનો કોઈ; તો એ બહુ મહત્ત્વાકાંક્ષી. એને આ બધું મારું રાજ, હું જીતી લઉં, બહુ મોટું કરું, આખા દેશમાં મારું રાજ હોય, ચક્રવર્તી થાઉં, અશ્વમેધ કરું, બહુ મહત્ત્વાકાંક્ષા. પણ કહે છે કે હવે મારી જુવાની કેટલાં વર્ષ રહેવાની?સમય નથી મળતો, બાકી હું બધું કરું. ત્યારે પછી એના દરબારમાં કંઈક એવું અમૃત લઈને એક માણસ આવ્યો. આપણે ત્યાં ઘણા એવા આવે છે, નુસખાવાળા માણસો – તો એણે કહ્યું કે, તમે આ પીઓ તો અમર થઈ જશો. પછી તમારે જે કરવું હોય તે કરો. પણ પેલી રાણી સમજી ગઈ કે માણસને અમર થવું એ શાપ છે. આ માણસ સમજતો નથી. એટલે એને કહે છે કે, આ ના પીશ. નહીં લઈશ. તો કહે નહીં. પણ એની ખાતરી શું કે આનાથી અમર થવાય?તો ઉંદરને લાવ્યા, ઉંદરને પિવરાવ્યું અને પછી એને કચડીને મારી નાખ્યો, થોડી વાર પછી ઉંદર પાછો સળવળ્યો. એના મૂછના વાળ હલ્યા, પૂંછડી હલી, ઊભો થયો અને દોડી ગયો. ખાતરી થઈ. ના અમરતા મળે છે. ત્યારે પેલા રાજાએ કહ્યું, ત્યારે હું પીઉં. તો રાણીએ બહુ ના પાડી કે તમે ખોટું કરો છો. આપણા માટે અમરતા નથી. છતાંય એ પી ગયો. પછી અમર થયો. થોડાં વર્ષ તો બધું સારું ચાલ્યું. રાજ બહુ મેળવ્યું. ઘણી સ્ત્રીઓ એના પ્રેમમાં પડી, ઘરડી થઈને મરી ગઈ. પાછી બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો ને જુવાની એણે સતત માણી. પછી લોકો સમજી ગયા: આ આપણામાંનો નથી. આનો પડછાયો ન લેવાય. એ જ્યાં ઊભો હોય ત્યાંથી બધા નાસી જાય. તો પછી, એ ને એનો ઉંદર બે જ રહ્યા. એ જ્યાં દેખાય ત્યાંથી બધા લોકો નાસે. પછી એણે સાંભળ્યું કે ચન્દ્રમાં માણસ ગયો છે. પૃથ્વી પર તો વ્યવસ્થા નથી મરવાની આપણા માટે. પણ ચન્દ્રમાં માણસ ગયો છે તો ત્યાં ચન્દ્રલોકમાં મરીએ. પૃથ્વીલોકની દવા ત્યાં કામ ન આવતી હોય! તો એ રાજા પણ રાહ જોતો હતો જવાની. હવે આ અમરતાનો શો અર્થ?જો એક માત્ર લાલસા રહેલી હોય તો? પણ એના કરતાં એ સાચું છે કે આપણે જે કંઈ એક ક્ષણમાં કરીએ છીએ એ ક્ષણની સાર્થકતા અને ચરિતાર્થતા અનુભવવી હોય તો પણ એનો આપણે હિસાબ ક્યાં માંડીને જોઈએ?ઓસ્કાર વાઇલ્ડની વાર્તા The Picture of Dorian Grayમાં છે તેમ કે એ માણસ પણ બહુ સોહામણો ને સુંદર હતો. પછી એનો ચિત્રકાર મિત્ર એના પર વારી ગયો કે તું તારી જુવાનીમાં એટલો સરસ લાગે છે કે તારું ચિત્ર હું દોરું. એને આપણે રાખીએ. પેલો ખુશ હતો. એને તો ગમે જ એવું પોતાનું portrait કરાવવાનું. પછી એમ કર્યું. પછી કંઈ ચમત્કાર થયો, પોતે એવો ને એવો રહ્યો અને જે કંઈ એના મનમાં વિકાર થાય, શરીરમાં વિકાર થાય એ બધું ચિત્રમાં Transferથઈ જાય! એ એવો ને એવો રહ્યો. પછી તો એનો ચહેરો બહુ કદરૂપો બની ગયો. પરુથી દૂઝતા બધા ઘા મોઢા પર હતા. Syphilis હશે, આ હશે, તે હશે; હું જ વરવો થઈ ગયો! એનાથી પોતાનાથી પણ ન જોવાય, કારણ કે સાચું સ્વરૂપ એનું એ જ હતું. એટલે એ પછી એને માળિયામાં જઈ મૂકી આવ્યો. પણ There was a confusion. શું?કે દરરોજ જઈને જોવું તો પડે જ કાતરિયામાં કે હવે શી સ્થિતિ છે?પછી એક વખત એવી સ્થિતિ આવી ગઈ કે એનાથી જોઈ ન શકાયું, એટલો ઉશ્કેરાઈ ગયો કે એણે છરી લઈને કેનવાસ ચીરી નાખ્યું. જેવું ચીરી નાખ્યું કે બધું એના શરીરમાં આવી ગયું. મિત્રથી એનો ચહેરો જોવાયો નહીં, એટલે મિત્રે એને મારી નાખ્યો. તો આપણે ક્યાં સુધી કાતરિયામાં આપણું રૂપ સંતાડ્યા કરીશું?સાચું રૂપ, દરેક માણસ પાસે આવું એક કાતરિયું હોય છે ત્યાં આવું બધું મૂકી દે છે ને નજર કરતો નથી. સૌથી મોટી વાત એ છે કે આપણે બનતા સુધી આપણે આપણી જાતને ન મળીએ, મળવાનું ટાળીએ છીએ અને એટલા માટે બધો જ ઉદ્યમ કરીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ. જો એકલા પડ્યા તો આપણે ત્રાસી જઈએ છીએ. એટલે હવે આ જમાનામાં શું આવતું જાય છે?કે એક જાતની passivity નિષ્ક્રિયતા. તમારે કશું કરવાનું જ નહીં. Even the infrastructure of your response is also shattered. તમે આ કોલગેટ ટૂથપેસ્ટ જ વાપરો. તમે આ જ કરો, આ જ સારું, એવી જે ભાષા રાજકારણવાળા, જાહેરાતવાળા, ધર્મવાળા: આ લોકોએ જે ભાષાને બગાડી છે. એને પાછી મર્મી બનાવવાનું કામ સર્જકોનું છે. પણ સર્જકો પણ પોતાની રીતે ભાષાને બગાડતા જાય, ભાષા પર જુલમ કરે તો સૌથી વધારે મોટો ગુનેગાર સર્જક છે. કેમ કે ભાષા,એક ચિંતકે કહ્યું છે તેમ, Language is also prisonhouse. તમે અમુક જ ભાષાના છો,  તમારા જમાનામાં અમુક જ ભાષાના અમુક જ સંકેતો છે, એમાં તમે પુરાઈ જાઓ તો તમે અમુક જ વિચારી શકો, અમુકની બહાર જઈ ન શકો. આવી તમારી મર્યાદા ઊભી થાય. એટલે સૌથી વધારે સાચો ચિન્તક, પ્રામાણિક ચિન્તક તરત જ થંભી જાય કે ભાષા એ કારાગાર પણ છે. એને તોડીને બહાર પણ નીકળવું જોઈએ અને એટલા માટે બધી જ ક્રાંતિ થઈ છે. સર્રિયાલીઝમ, દાદાઇઝમ: આ બધું એને માટે. પુરાઈ ગયા તો નીકળી જાઓ બહાર, નહીં તો મરી જઈશું. પછી કહેવાનું ન રહે, આ આને માટે થાય છે. અને મેં કહ્યું એમ, આવી વાત સર્જકો જે સાહિત્યથી કરે છે તે બીજા કોઈ ન કરી શકે. બાઇબલમાં એક કહ્યું કે Love thy neighbour તારા પાડોશીને ચાહજે. પણ એ તો એક શબ્દ છે. એ શબ્દનું શું કરવાનું?આપણે ગીતામાં તો કેટલા એવા શ્લોકો વાંચીએ છીએ! બધું વાંચીએ છીએ પણ પછી હિસાબ નથી ગણતા. કાફકાએ બહુ સરસ મશ્કરી કરી છે કે, પેલાં બે પ્રેમી ભેટે છે, ગાઢ આલિંગન કરે છે. ને પેલી જે પે્રમિકા છે એની પીઠ છે – તો પીઠની પાછળ એ ડાયરી કાઢીને તે દિવસનો પ્રેમ કર્યાનો જે ખર્ચો છે, તેનો હિસાબ લખતો હોય છે. એટલે આ પણ બતાવવું પડે છે?આ તમે ન બતાવો ને પેલી બધી રંગીન છબિ બતાવ્યા કરો તો કેમ ચાલે! જો કે આપણા લેખકોનું આ બધાંનું ગજું નથી. આપણે કેટલીક વાર ત્રાસીને કહીએ છીએ કે ભઈ, આવું બધું ના કહેશો, અમારું ગજું નહીં, અમને અમારી ભ્રમણામાં જીવવા દો એટલે બધાં ભ્રાન્તિની ચૂસણી ચૂસીને જીવનારાં બાળકો જેવી મોટા ભાગની પ્રજા છે. એ લોકો પાસેથી ભ્રમણા ઝૂંટવી ન લેવાય. એ બાબત બહુ કરુણતા કહેવાય. તો બાઇબલમાં કહ્યું કે Love thy neighbour તો એ વાક્ય સમજવું એ પણ બહુ જોખમભરેલું છે. એટલે કાફકાએ કહ્યું  કે અમારામાં સમજ આવી એનું પહેલું ચિહ્ન શું?The first sign of understanding is the wish to die; તો તમે સમજ્યા એવું લાગે. તો કહે છે, ખરેખર સમજ્યો છે એ તો આ બધાનો મર્મ જાણી ગયો. પછી એને બીજું કશું જોઈતું નથી. બસ આ બધામાંથી નીકળી ગયો. તો Love thy neighourનો અર્થ આપણે ગમે તે કરીએ, લિયોનિડ આન્દ્રેયેવ બહુ સમર્થ લેખક છે. આપણે ત્યાં ઓછો વંચાયો છે – પણ એણે જે વાર્તા લખી છે The seven that were hanged. બીજી પણ એની નાની સરખી વાર્તા અથવા તો એ નાનું એક નાટક છે. એમાં એક જગ્યાએ એક બહુ મોટો ખડક છે. એ ખડક પર માણસથી સહેલાઈથી ચઢી શકાય તેમ નથી. પણ એ ખડકની પાતળી ટોચ પર એક માણસ ઊભો છે, એણે કોઈ બીજાને કહ્યું. પછી એના પર કોઈક રસ્તે જનારની નજર પડી. એણે કોઈ બીજાને કહ્યું. પછી ઘણા લોકો કારણ કે આપણે ત્યાં ઘણા લોકો એ કહેતા હોય છે ને કે મારી જિંદગીમાં ઔર લ્હાવો મળ્યો. શું?તો કહે સાંતાક્રુઝ ઊતરતાં વિમાન – એ પેલું જાપાનીઝ વિમાન, એ ઘરને ઘસાઈને ગયું અને જે અકસ્માત થયો, આવુ જોવાનું ક્યાં મળે?એટલે પેલો ઉપર ચઢ્યો હતો તે હવે ગમે ત્યારે – ઝાઝં ટકવાનો નથી. કૂદકો મારશે. એટલે પેલી એક વાઇફ તો એના વરને તેડી લાવી, કે ચલોને, આવું જોવાનું ન મળે. પછી બધા વાતો કરવા લાગ્યા. પછી બધા પોતાના પ્રસંગો કહેવા માંડ્યા કે ભાઈ,આવું એક વાર જોયેલું. બધા એમાંથી પસાર થયા. બધા બેસી ગયા. ત્યાં રેસ્ટોરાં ખૂલી ગયું. કોલ્ડડ્રીંક્સ જોઈએ, ખાવાપીવાનું જોઈએ. પેલો હજુ પડ્યો નથી. તો ત્યાં સુધી…. પછી કૅમેરાવાળાએ કૅમેરો મૂક્યો. એક જાડી બાઈ હતી તે ઊભી ઊભી થાકી ગઈ ને એનો વર કોલ્ડડ્રીંક પીવા ગયો. એ થાકી ગઈ તે પેલા કૅમેરા પર બેસવા ગઈ. એટલે પેલાએ કહ્યુ. આ કૅમેરાથી ફોટો પાડીશ ત્યારે જ ખબર પડશે, જે લોકો અહીં નથી આવ્યાં તેને માટે આ વખતે ફોટો પાડવાનો છે. ગમે તે ભોગે. તૈયારી રાખવી જોઈએ માટે. પછી પેલા salvation armyવાળા આવ્યા કે ભઈ, એ તો તારે મરવાનું છે, એ નક્કી છે. તારે સ્વર્ગમાં જવું હોય તો તું છેલ્લે શરણાગતિ સ્વીકારી લે. સ્વામીનારાયણ સંપ્રદાયવાળા આવ્યા કે શરણાગતિ સ્વીકારી લે. પછી છાપાના ખબરપત્રી આવ્યા, એણે કહ્યુ: ભાઈ, તારો માનવજાતિ માટે છેલ્લો સંદેશો શું છે?આ બધું ચાલતુ હતું, ને ત્યાં પેલાં નિશાળનાં બાળકો આવ્યાં. બે-બેની લાઇનમાં. પછી પોલિસ આવી. પોલિસ તો અમુક વખત જાય પછી તો આવે જ ને! તરત ન આવે. તો કોર્ડન કરી પોલીસે. પોલીસ આવીને પહેલાં શું કરે?તો કે: કોર્ડન કરે. પછી છોકરાઓને બહાર ઊભા રાખ્યા. માસ્તર, પ્રાથમિક શાળાનો શિક્ષક હતો, એટલે તરત જ ત્યાં લેસન શરૂ કરી દીધું. demonstration:તમને આવું બધે જ જોવા ન મળે અમે તો તમને ત્યાં આગળ પેલાં હાડકાં,અસ્થિપિંજર બતાવ્યાં છે. પણ અહીં જીવતો માણસ હાડકાં થઈ જશે તે તમને જોવા મળશે. પછી બોલો ત્યારે, આ બાજુ પડે, આ એંગલથી પડશે તો એનાં કયાં હાડકાં પહેલાં ભાંગી જશે?ચાલો, કોણ સાચો જવાબ આપે છે?એમ પ્રશ્નો ચાલ્યા. હવે એ દરમિયાન એક નાનું બાળક જે કોર્ડનમાંથી અંદર ઘૂસી ગયું – નજર કોઈની રહી નહીં, એમાં એણે શું કર્યું કે બધા ખૂબ અણીવાળા જે કાંકરા હતા – તે બધા લઈને,એકઠા કરીને એણે બહાર ફેંકી દીધા. અલ્યા, કહે શું કર્યું?તો એ કહે, મને એમ થયું કે પેલો અહીં પડશે તો આ એને વાગશે, ઝીણા કાંકરા. તો આ એક જ માણસ છે – Love thy neighbourનો મર્મ જાણનારું, નિર્દોષ બાળક. બાકી આ બધા તો તમાશો જોવા આવેલા… પછી પેલાએ ઉપરથી બૂમ પાડીને કહ્યું: ખબરપત્રીને કહો કે પોતાને – રેસ્ટોરાંનો ધંધો ચાલે એટલા માટે ત્રણ દિવસનો વાયદો કરીને મને ઉપર ચઢાવેલો ને પાંચ દિવસ થઈ ગયા, હવે મને નીચે ઉતારે. મારો કોન્ટ્રાક્ટ તો ક્યારનો પૂરો થઈ ગયો છે. તો જો, માણસ માણસને આ રીતે વાપરતો હોય – એટલે જીવનાનંદ દાસ નામના કવિ કહે છે કે સૌથી અશ્લીલ શબ્દ ભાષામાં હોય તો તે વ્યવહૃત, ‘વાપરવું’ છે. માણસ માણસને વાપરે. એટલે રાજકારણમાં – આપણે કહીએ કે આ કોણ છે?તો પેલા મારા મિત્ર છે, એમ કહીએ પણ રાજકારણવાળા શું કહેશે?કે એ તો ઇન્દિરાનો માણસ છે. આપણે એમ કહેતા હતા કે, આ એનો કૂતરો છે. પણ આ કહે છે, ઇન્દિરાનો માણસ છે. તે પોતાનો માણસ નથી. પોતાનો કોઈ છે જ નહીં. કાં તો કોઈ ધર્મને વેચાઈ ગયો છે, કાં તો રાજકારણમાં વેચાઈ ગયો છે, ક્યાં તો બીજા ખુશામતખોરને વેચાઈ ગયો છે. પણ પોતાનો માણસ તો છે જ નહીં. ત્યારે એ કેવી જિંદગી?એટલે સાહિત્ય આવી વાત આટલી સામર્થ્યથી કહી શકે છે. આપણું જીવન;આપણે બધા કહીએ છીએ કે કેટલું રેઢિયાળ છે! એમાં કશું નવું નથી રહ્યું. જ્યોર્જીસ સિમેનોનની વાર્તાનો એક માણસ છે. આમ સુખી છે. એક સારી વેપારી પેઢી છે. વહાણ-સ્ટીમરો ચાલે છે. દરરોજ એને ગોદામે જવાનું ને બધો માલ ઊતર્યો એની નોંધ કરવાની. સુખી છે. એને દીકરી છે, દીકરો છે. દીકરાને હમણાં જ નવી સાઇકલ લઈ આપી છે. પત્નીને પણ બધું સુખ છે. સવારે અમુક વાગે ઊઠે છે બિલકુલ રેગ્યુલર. આવા માણસો, બહુ જ નિયમિત માણસો હોય, તેનાથી ચેતતા રહેવું, કારણ કે એ લોકોની રેગ્યુલારિટી જાય તો પડી જ જાય. એને આધારે જ જીવે છે એ લોકો. જો સાડા-સાત વાગે ઉઠાયું નહીં કે છાપું ન આવ્યું તો એનો આધાર જતો રહ્યો. એટલે એક દિવસ સવારે એને થાય છે કે મારે આજે ઊઠવું જ નથી. મારે ક્રમ તોડવો જ છે. મારે જવું જ નથી. એની પત્ની રાહ જુએ છે બૂમ પાડે છે, પણ એ જતો નથી અને પછી ગુપચુપ એ પેઢી પર જવાને બદલે જતો રહે છે પેરિસ. આમસ્ટરડેમથી પેરિસ જતો રહે છે. પછી તો – આખી બહુ સરસ મોટી વાર્તા – પણ એમાં એણે એ કહ્યું, Sometimes a man feels,  here is the moment when there should be a breakthrough,  જો નહીં તો પછી ફસાયા. એટલે મેં શરૂઆતમાં કહ્યું હતું ને કે આપણું મરણ પણ ક્યાં આપણું રહ્યું છે?એક જાપાનીઝ વાર્તાકારની વાર્તા છે. તેણે કહ્યું કે ભઈ, બીજું તો કશું મારું રહેવાનું નથી. આ સંસારમાં છે જ નહીં એ હું જાણું છું, પણ મારું મરણ મારું રહે,એવી મારી છેલ્લી ઇચ્છા છે. એને કેમ આવું થયું?તો આપણા બધા મુંબઈમાં મકાનો છે, ફલેટ્સ છે તેવા apartmentમાં એ રહે. વીસ માળનું હોય, તો એ પછી સાંજે ઓફિસથી ઘરે આવે એ જ વખતે ઘણા બધા લોકો ઘરે આવતા હોય અને લિફટમાં બટન દબાવીને ચઢી જાય અને ટેવ પડી ગઈ હોય કે આ જ નંબર પર અંગૂઠો પડે. તો એ દિવસે કાંઈક ગોટાળો થઈ ગયો. એને ખબર ન પડી. પછી એ છઠ્ઠા માળને બદલે પાંચમા માળે ગયો. એનો જે ફલેટ હતો તે નંબરનો ત્યાં પણ ગયો. બારણું ખોલ્યું. અંદરથી સ્ત્રી આવી, પેલાએ કાંઈ જોયું નહીં. કારણ કે પત્નીને રોજ કંઈ જોવાનો પ્રસંગ, વર્ષો જતાં રહ્યાં હતાં, આવ્યો ન હતો. જોવાની જરૂર ન હતી. ઘરમાં એક સ્ત્રી છે. પછી બેસી ગયો ને એણે છાપું લીધું. છાપું વાંચ્યું, તો આમ જ માથું ઢંકાઈ જાય. ખાવાના વખતે ખાઈ લીધું. સંસાર ભોગવવાને વખતે સંસાર ભોગવ્યો. ઉપર પણ એ જ ચાલતું હતું. નીચે પણ એ જ ચાલતું હતું. એક જ જાતના અવાજો થતા હતા. હવે એમાં શું સંસારમાં બીજું?પણ પછી સવારના ઊઠ્યા પછી ખબર પડી કે આ બધું ખોટું છે! ત્યારે એને થયું કે આપણું કશું જ નથી. હું જે કંઈ કરું છું તે બધું બીજાના જેવું જ છે! મારું કહેવાય, પોતાનું કહેવાય એવું કશું છે જ નહીં! તો આ કઈ જાતની જિંદગી?તો મારં મરણ મારું પોતાનું હોવું જોઈએ. એટલે પછી એ દિવસે ડાયનેમાઇટની પેટી લઈ નીકળ્યો: આજે હું સમા જાઉં છું, શહેરમાં ફરું છું જો કોઈ પાસે આ નુસખો જડ્યો ન હોય એમ લાગે, તો સુખેથી હું ડાયનામાઇટથી મરી જઈશ, એમ કહીને ગયો. લગભગ સાંજ પડી ને ઘરે પાછા ફરવાની તૈયારીમાં; બસમાં બેઠેલો અને બીજો માણસ ચઢ્યો. એણે જોયું, એની પાસે પણ એવી પેટી હતી. એટલે એણે પૂછ્યું ભઈ, શું છે?તો કહે ડાયનામાઇટ. કેમ?તો કહે મારે મરવું છે. ખલાસ! આ યે જતું રહ્યું! ત્યારે આવા જગતમાં આપણે જીવીએ તો શું થાય?પણ એ એને કેટલાકે કહ્યું છે કે, We are living a sort of posthumous existence. આપણને બધાને જ એક રીતે ખબર નથી પડતી, એટલે પેલા કવિએ કહ્યું જ છે ને કે: અમે તો મરી ગયા ત્યારે જાણ્યું કે નિરાંત થઈ મરી જ ગયા છીએ અને અમે દટાઈ ગયા છીએ! પણ નહીં. આ લોકો નહીં માન્યા,એટલે અમને પાછા કાઢ્યા. અમને જીવતા દાટ્યા ત્યારે ચેન પડ્યું. તો આ અત્યારે બની રહ્યું છે. સૅમ્યુઅલ બૅકેટ felt it so deeply and intensely તો તમે એના નાટકનાં પાત્રો જોશો તો એ રેતીમાં દટાયેલા હોય છે, કાદવિયા જમીનમાં ચાલતાં હોય છે. They do not make any movements. તેનું કારણ શું?તો એણે કહ્યું છે કે એનો બળવો આ જ સામે છે કે absence of locomotion. કોઈ પણ જાતની ગતિ રાખી નથી. એનાં પાત્રો ગતિ જ નથી કરતાં. એક જ જગ્યાએ હોય છે. કારણ કે તમે ગર્ભમાંથી જન્મો છો એ એક ગતિ થઈ. પછી તમને ધક્કો વાગ્યા કરે છે ને પછી મરણના ગર્ભમાં જાઓ છો, આ બીજો એનો અંત. તો કહે, આ શા માટે કરવાનું?I refuse to do so. એટલે absence of locomotion. એના નાટકમાં તમે  જોશો કે એનાં પાત્રો બધાં કાં તો કોઠીમાં ઊછરેલાં હોય છે કાં તો રેતીમાં દટાયેલાં હોય છે! ત્યારે આ બધું સર્જકો કહે છે. અને સર્જકો જો ન કહે તો લોકો સુધી પહોંચે કેવી રીતે?એટલે હું તો હંમેશાં કહું છું, વિદ્વાનો આવે, સરસ્વતીચંદ્ર વિશે સેમિનાર યોજાય કે ઉમાશંકર જોશીની કવિતા વિશે કે રાજેન્દ્ર શાહની કવિતા વિશે યોજાય એનો કશો અર્થ નથી. એવા સાહિત્યના બહુ ગહન પ્રશ્નો તો દસપંદર માણસો બેસીને ચર્ચે. પણ આટલી બધી વસ્તુ છે, આટલું બધું જાણવા જેવું છે, તમે વાંચો તો તમારી આંખો ખૂલશે  એમ કહીને એની વાત કરનારા થોડા લોકો હોવા જોઈએ. આ મારું મિશન છે, આ લોકો સુધી જવું જોઈએ ને એનો આનન્દ  એમને પહોંચવો જોઈએ. એટલું કે આ સર્જક આપણને બતાવશે, આ આપણી છબિ આપણને બતાવશે. જો એ નહીં હોય તો પછી શું થાય?એટલે આપણા જમાનામાં મરણનો જે પ્રભાવ વધ્યો છે તો પછી શું થાય?એટલે આપણા જમાનામાં મરણનો જે પ્રભાવ વધ્યો છે તો આપણે રોજ કન્વીનીઅન્ટલી ભૂલી જઈએ છીએ, because we are cowards. We want to forget it. આ પણ ક્યારનું 1930ના જમાનાથી શરૂ થયું છે. ફર્સ્ટ વર્લ્ડ વોર પૂરી થઈ પછીથી શરૂ થયું છે. આપણે હિટલરને ભાંડતા, આ કેવો બિલકુલ નિષ્ઠુર માણસ! પણ ત્યાર પછી હિરોશીમા-નાગાસાકી પર બોંબ ફેંકીને – ધાતુ પણ વરાળ થઈ ઊડી જાય અને જમાનાના જમાના સુધી એની અસર રહે અને કેટલી પેઢીઓ નાબૂદ થઈ જાય! એ જે બોંબ ફેંકનારા! એની આગળ હિટલર તો બિચારો નિર્દોષ માણસ લાગે છે! ને હવે જે બની રહ્યું છે એ તો એનાથી વધારે ક્રૂર છે. એટલે પેલા એક લેખકે કહ્યું કે હવે ભવિષ્યમાં શું બનશે?હજુ લોકો ભવિષ્યની વાત  કરતા જ હોય છે. હજુ આશા છે કે ભવિષ્યમાં કાંઈ સારું થશે. એચ.જી.વેલ્સ જેવા વૈજ્ઞાનિકે Shape of things to come લખ્યું ને તેમાં લખ્યું કે ભઈ, વિજ્ઞાનીઓ સ્વર્ગ ઉતારશે. તમારે શ્રમ નહીં કરવો પડે. રોબોટ બધું કામ કરશે. પણ વિજ્ઞાને શું કર્યું તે આપણે જોઈ લીધું, એટલે આ લેખક કહે છે કે, હવે ભવિષ્યમાં આવશે તે શું હશે?આપણને લોકશાહી બહુ ગમે છે, કે Republic બહુ ગમે છે. તો રાખો શબ્દ તમે. પણ શાની જરૂરત પડશે?શાનું Republic?તો કહે કે, Republic of insects and grass. બસ ઘાસ અને જંતુ, એની લોકશાહી. જેમાં લોક નથી એવી. પણ લોકશાહી તો હતી જ ક્યાં આપણે ત્યાં કે કોઈ જગ્યાએ?વાત છે લોકશાહીની. સંસ્કૃતમાં લોક શબ્દ અને લોચન શબ્દ એક જ છે;જે દેખતાં હોય એનું રાજ – જે દેખતાં હોય એનું રાજ તે લોકશાહી. પણ જે દેશમાં ભણેલા આટલા બધા અભણ છે – કે એ કશું સમજી જ શકતા નથી, સંગીત માટે કાન બહેરા, ચિત્ર જોવા માટે આંખ નથી, કવિતા વાંચવા માટે હૃદય નહીં, વિજ્ઞાનમાં તો નિયમ છે કે જે ઇંદ્રિય તમે વાપરો નહીં તે કુંઠિત થઈ જાય, atrophy થાય, તો We are all suffering from spiritual atrophy. એવા જમાનામાં આપણે જીવીએ છીએ. બાકી સર્જકોએ તો ક્યારની ચેતવણી આપી છે, Robert Musil નામના જર્મન લેખકે બહુ મોટી નવલકથા લખી ત્રણ ભાગમાં. એનું નામ જ છે: A man without qualities. માણસ ખરો, પણ એમાં કોઈ માણસાઈનો ગુણ નહીં. માણસ કહેવાય એવું કશું નહીં. A man without qualities. Osamu Dazai જાપાનનો લેખક હતો,તેણે લખ્યું, No longer human. એણે આપણા બધા વતી કહ્યુ કે હવે ભઈ, અમે માણસ નથી રહ્યા. No longer human. પછી ટોમસ માને લખ્યું, ડેથ ઇન વેનિસ. એક લેખક કહે, મારું બધું થઈ ગયું. શું થઈ ગયું?તો કહે, મારી ચોપડી પાઠ્યપુસ્તક પણ થઈ ગઈ, હવે શું રહ્યું?એટલે લેખક મરી ગયો. પાઠ્યપુસ્તકમાં આવે, આપણે ત્યાં તો લેખક જીવતો થાય, ઓક્સિજન મળે, મારું તો પાઠ્યપુસ્તકમાં આવ્યું! એટલે તમે જોશો કે એ જમાનાની બધી કૃતિઓ છે તેમાં આવી વાતો બહુ જ તીવ્રપણે અનુભવાયેલી વાત આવે છે. પણ પુનર્જન્મમાં માનનારાં આપણે આવી બધી વાતો માનીએ, આ જન્મને જોયા વગર ને પુનર્જન્મની આશા રાખીએ, તો એ પણ મિથ્યા છે. એટલે એક જાતની પરોક્ષતા આપણા જીવનમાં પ્રવેશી ગઈ છે – કે આપણે આપણું જીવન જીવતા નથી, We live by proxy. તો એ આખી વાત કાઢી નાખવી જોઈએ. We must face and acept the life that we have to live boldly, જે આપણે કરવું જોઈએ. પણ ક્યારે?માણસ માણસને મળે: સૌથી મોટી ઘટના એ છે. આજે માણસ હાથ મેળવે છે. ઘણા હાથ મેળવનારા મેં જોયા છે કે આપણી આંગળી તૂટી જાય એટલો બધો પ્રેમ વરસાવી દે. આપણને લાગે કે આપણી આંગળીઓનું શું થશે?પણ હાથ પછી તરત છૂટો પડે છે. રિલ્કેએ કહેલું ને કે anticipate all farewells આજે હાથ મળ્યો છે એ છૂટો પડવાનો છે, પણ એ છૂટો પડે એ પહેલાં કોઈ કડી સંધાઈ હોય તો, સારું. પણ એવો કોને સમય છે?એટલે અહીંયાં – એક કવિએ કહ્યું કે અહીં તો સમય બગાડવાનો પણ સમય નથી તો ક્યાંથી સમય લાવીએ?રવીન્દ્રનાથે બે જાતનાં સ્વર્ગ પાડી રાખ્યાં છે – એક છે તો કામગરા લોકોનું સ્વર્ગ, બીજું એક છે તે એક લોફર, એટલે નફિકરા લોકોનું સ્વર્ગ. હવે એક માણસ બિચારો સ્વર્ગમાં તો ગયો, સારાં કામ કરેલાં, પણ એ કામગરા લોકોના સ્વર્ગમાં જઈ ચઢ્યો. બહુ જ કામગરા, એક પણ મિનિટ બગાડે નહીં. સવારે પછી પાણી ભરવા જવાનું, પછી આ કરવાનું, પછી તે કરવાનું. હવે આને તો કહે, અહીંયાં તો મારો પત્તો ન ખાય. શું કરું?નદીકાંઠે બેઠો. જ્યાં લોકો પાણી ભરે, એટલી વાત તો ઊભા રહેતા હશે ને?ત્યાં એક સ્ત્રી હતી, તેણે પાણી ભરીને ઘડો મૂક્યો અને મોઢું ધોવા બેઠી. એટલામાં આણે ઘડા પર છે તે એક સરસ ચિત્ર આંકી દીધું! પેલી સ્ત્રી તે દિવસે ઘરે ગઈ ને મૂક્યું માટલું. જોયું તો એની અડધી મિનિટ પહેલે દિવસે બગડી. જોવા રોકાઈ ને?પછી બીજે દિવસે સરસ ફૂલનો હાર કરીને મૂકી દીધો. હવે એ જોયું ને લીધા વગર રહેવાયું નહીં. ઘરે ગઈ ત્યારે એને ફૂલ ગૂંથવાનું મન થઈ ગયું. આનું જોઈને બીજી સ્ત્રીને સરસ લાગ્યું. પછી તો એમ કરતાં કરતાં ખળભળાટ મચી ગયો. કામગરા લોકો બધાં કામ ભૂલવા માંડ્યાં. સ્વર્ગમાં ડેપ્યુટેશન ગયું: હવે તમારા ખાતામાં બહુ મોટી ગરબડ થઈ છે ને અંધાધૂંધી થઈ છે. એટલે પછી પેલી સ્ત્રીને, જેણે ફૂલનો હાર ગૂંથી આપેલો, બેડા પર જે ચિત્ર કરી આપેલું એટલે પછી નેચરલી એના તરફ પ્રેમ થઈ ગયો. કામગરા લોકોમાં ન થાય, પણ આમાં થઈ ગયો. એટલે એ બંનેને બોલાવ્યા ને શિક્ષા કરી: જાઓ તમને પૃથ્વી પર મોકલવામાં આવે છે. તો કહે આના જેવું વરદાન કોઈ નહીં! તો એ પૃથ્વી પર આપણે છીએ જ્યાં સ્વર્ગમાં જઈને પાછો શાપ મેળવીને પાછું પૃથ્વી પર આવવાનું મન થાય એવી પૃથ્વી પર આપણે છીએ! પણ આપણી માનવતા આપણામાં રહેલો વિસ્તાર. એટલે રિલ્કેએ કહેલું કે સૌથી મોટી વાત તો એ છે કે Increase your heart space, તમારા હૃદયનો જે અવકાશ છે, તેને વધારો. એમાં કેટલા આવી શકે છે? I have my favourite prejudice and my prejudices are more than my truth. હું પૂર્વગ્રહોને સજાવીને સત્ય તરીકે વાપરું છું. ને બહુ ઝનૂનથી વાપરું છું. પણ આ જ સાચું?ક્યિર્કેગાર્દે કહેલું કે ટોળાંની જે આગલી પંક્તિમાં સત્ય તરીકે જાણીતું છે તે છેલ્લી પંક્તિ સુધી જતાં બદલાઈ જશે, એટલે એનો તમે બહુ આડમ્બર ન કરો કે સત્ય અમને લાધ્યું છે! સત્ય શું?શા માટે એનો એટલો બધો ગર્વ કરવો?કે એ માટે માણસને માણસથી છૂટા પડવું?એ પણ જરૂરી નથી. એટલે આખરે એવી સ્થિતિ આવે છે કે, માણસને માટે માણસ થવું એ જ બહુ મુશ્કેલી ભરેલું બની જાય છે. છેલ્લે આ બધી વાત મેં કરી એમાં એક મારે જે મુખ્ય વાત કરવાની હતી તે આ હતી કે માણસ માણસને મળે. માણસ માણસની છબિ જુએ, ને એ રીતે પોતાને ઓળખે. ઈશ્વરનો વારો તો પછી આવે છે, જો હશે તો માણસને ઉલ્લંઘીને તમે ઈશ્વર પાસે જઈ ન શકો. છતાં આપણે ઈશ્વરની વાતો કરતાં થાકતા નથી અને ઈશ્વર પણ કેવો?જેણે આપણને આપકર્મી રહેવા દીધા નથી! બાપકર્મી બનાવી દીધા છે! અને એ ઈશ્વરની ખાંધ પર ચઢીને આપણે બેઠા છીએ. તું જ મારી નૌકા ભવસાગરમાં પાર કર! ભગવાનને કામ સોંપ્યાં છે એ બધામાં આપણી દાનત વર્તાઈ આવે છે કે, આપણે કશું કરવું નથી. દલપતરામે પ્રાર્થના કરેલી. અમદાવાદી પ્રાર્થના બરાબર: કે ‘હેત લાવી હસાવ તું.’ અમને હસાવ્યા કર. કેમ કે હસવું અમને ગમે. પછી અમે તો હૃદય ગંદં કરવાના, મન ગંદું કરવાના, પણ: સદા રાખ દિલ સાફ! સાફસૂફીનું કામ તારું અને તેમ છતાંય એવું છે કે, અમે ભૂલ તો કરવાના જ, કારણ કે અમે કાંઈ ઈશ્વર નથી એટલે: ભૂલ કદી કરીએ અમે, ભગવાનને પણ ભોળો માન્યો, કદી કરીએ અમે, હંમેશાં ભૂલ નહીં કરીએ, ભૂલ કદી કરીએ અમે: તો પ્રભુ, તું કરજે માફ! તો તારું કામ માફ કરવાનું છે. માફ કરવું ને સાફ કરવું, એ ઈશ્વરનો ધંધો. હવે એ ઈશ્વર આપણે માનીએ તો એનો અર્થ જ શું રહ્યો?એટલે મારું કહેવું છે કે માણસ માણસ સુધી પહોંચે, એટલે પરોક્ષતા સમ્બન્ધમાંથી નીકળી જાય, એ બીજી વાત. ત્રીજી વાત મારે જે કહેવાની હતી એ કે સત્યને બિલકુલ નિર્ભીક બનીને  જાણી લેવાનું આપણું કામ છે,અને ચોથી વાત એ કે, આપણે જે જાણ્યું એ બોલવાનું કામ આપણું છે. જે રશિયાના concentrationકૅમ્પમાં Osip Mandelshtam નામનો કવિ હતો,  પછી એને તો ક્યાંક મારી નાખ્યો, એણે કહેલું કે તમે આ બધું જે જીવો છો એ વિશે બોલજો અને જો એવી સ્થિતિ આવે કે બોલવાનું શક્ય ન હોય તો You shriek. It is your duty to shriek. તમારે ચીસ પાડવાની. તમારી એ ફરજ છે એટલે એ પણ તમે કરજો. આપણે જો મૂંગા રહીએ છીએ તો, બધાં જે આપણી વચ્ચે સહન કરીને ગયા અનેક રીતે કેટલાંય ગરીબો, કેટલાંય મરતા હશે! રાજકારણ તો હત્યારાઓનું જ આખું પટાંગણ છે, તો એમાં કેટલા મરતા હશે?તો બધા વતી આપણે બોલવાનું છે. જો ન બોલીએ તો આપણે ચૂક્યા કહેવાઈએ,એટલે એ વાત વધારે મોટી છે. એટલે ઘણી વાર હું પ્રસંગ કહેતો હોઉં છું જેણે સાંભળ્યો હોય એ મને માફ કરી દે બીજી વાર કહું છું એટલા માટે. એક Politicsના પ્રોફેસર હતા. દિવસે સરહદો તો બધી બદલાયા જ કરે છે. ઇરાક અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલે. લેબેનોન, બેરૂતમાં યુદ્ધ ચાલે. તો સરહદો તો બદલાયા જ કરે. આજે આ લશ્કર અહીંયાં આવ્યું ને આનો કબજો લઈ લીધો. આપણા દેશમાં પણ ક્યાં સરહદ બદલાતી નહોતી?સાદત હુસેન મન્ટોએ સરસ એ સમયની, હિંદુસ્તાનના ભાગલા સમયની વાર્તાઓ લખેલી છે, તે ખરેખર ખૂબ સુંદર છે. ગુજરાતીમાં હજુ પૂરી આવી નથી, પણ એમાં એક વાર્તામાં એણે કહ્યું કે: એક ગામ છે, તે આજે હિંદુઓના કબજામાં હતું. રાતે પાકિસ્તાનીઓ આવ્યા ને તેનો કબ્જો લઈ લીધો. ત્યારે એ રીતે ગામ રાતે પાકિસ્તાનના કબજામાં આવ્યું ત્યારે હિંદુઓની જે દુકાન હતી તેમાં જે ખાંડની ગુણી હતી તે મુસલમાન પોતે લઈ આવ્યો ને પોતાના ઘરમાં મૂકી દીધી. પછી વહેલી સવારે હુમલો થયો. ગામ પાછું હિંદુઓનું થઈ ગયું. એટલે પેલો બિચારો ગભરાયો કે હું પકડાઈ જઈશ, ખાંડની ગુણી સાથે, તો મને મારી નાખશે. એટલે એ ખાંડની ગુણ લઈ લઈને પાછળના કૂવામાં નાખવા ગયો. નાખી. પણ છેલ્લી ગુણ નાખતાં જ પોતે ગુણ સાથે પડી ગયો ને દબાઈ મરી ગયો. પછી બીજા દિવસે લોકો પાણી કાઢવા ગયા. તો પાણી બિલકુલ મીઠું, ગળ્યું ગળ્યું પાણી! પછી આનું શબ નીકળ્યું! તો કહે આ ખરેખર કેવો સિદ્ધ પુરુષ! મહાન પુરુષ હશે કે જ્યાં મરી ગયો ત્યાં એનું પાણી પણ મીઠું થઈ ગયું! પછી એ પૂજાવા લાગ્યો, એ તો પીર થઈ ગયો! મન્ટોએ આ કટાક્ષમાં કહેલું, તો સરહદના ભાગલા પડે છે. નવી નવી રેખાઓ દોરાય છે. પેલાએ (પ્રોફેસરે) શિખવાડવા માટે છાપામાં આવેલો તે નકશો – તે નકશો બરાબર રાખેલો, કાપીને: આજે કલાસમાં જઈને શીખવશું. એટલામાં એનો ચાર-પાંચ વર્ષનો છોકરો આવ્યો. બાપે નકશો કાતરવા માટે કાતર મૂકેલી – એ પાસે જ પડેલી! બાળક જો કાતર જુએ તો શું કરે?એટલે એણે લઈને પોતે છાપું કાપી નાખ્યું. એટલે પેલાનો તો નકશો ગયો. નકશો આધાર હતો. એટલે શીખવે શું?જાતે નકશો દોરવાની કાંઈ આવડત નહીં એટલે એણે એકદમ બાળકને ધમકાવી નાખ્યો અને તમાચો મારી દીધો: તેં શું કર્યું એ તને કંઈ ખબર છે કે?એટલે બાળક કહે કે કેમ?તો કહે, મારો આ નકશો બધો કાપી નાખ્યો?એટલે બિચારું બાળક ગભરાઈ ગયું, કે હવે શું કરવું?એને કંઈ સૂઝે નહીં પછી એણે બધા ટુકડા લીધા અને કંઈ દસપંદર મિનિટ થઈ ને એણે બધું જ સરખું કરીને આપી દીધું: લો પપ્પા, તમારો નકશો. બરાબર થઈ ગયો. તો કહે ભઈ, શી રીતે થયો?કે પપ્પા, બહુ સહેલી વાત હતી. પાછળ માણસની છબિ હતી – તો માણસના આંખ-નાક-કાન બરાબર ગોઠવ્યાં – એટલે તમારો નકશો ગોઠવાઈ ગયો! એટલે માણસને જો આપણે ગોઠવીશું તો જગત ગોઠવાશે. જગત ગોઠવાશે,તો ઈશ્વર હશે તો પ્રગટ થશે અને નહીં તો માનવજાતિ માટે કંઈક પેલાએ જેમ કહ્યું એમ, Republic of insects and grass એ આપણું ભવિષ્ય છે.

સત્યાવીસ મે, 1984, ઘાટકોપર, વસંત ચૂડગર સ્મૃતિ વ્યાખ્યાન નિમિત્તે આપેલા પ્રવચનના ધ્વનિમુદ્રિત પાઠનું લેખિત સ્વરૂપ: વીરચંદ ધરમશી, મૂકેશ દવે.

License

Share This Book