35 ટૂંકી વાર્તા વિશે

બાઇબલમાં કહ્યું છે, ‘મારા પિતાના આવાસમાં ઘણા ઓરડાઓ છે.’ આપણી ટૂંકી વાર્તાના સન્દર્ભમાં આ વાત સમજવા જેવી છે. સર્જકને માટે હથોટી બેસી જવી એ એક ખતરનાક વસ્તુ છે. અમુક એક શૈલી ફાવી ગઈ, એની થોડી પ્રશંસા થઈ એટલે લેખક પછીથી એ જ શૈલીને વળગી રહે છે અને બીજાઓ પણ એનું પુનરાવર્તન કર્યા કરે છે. ટૂંકી વાર્તામાં સીધી કથનરીતિથી માંડીને તે ‘પેરેબલ’, ‘ફેબલ’, ‘ફેન્ટસી’ વગેરેનો સમાવેશ થાય છે. આપણી પ્રાચીન સંસ્કૃત પરમ્પરામાં રીતિ અને શૈલીનું ગૌરવ કરવામાં આવ્યું છે. વળી પશ્ચિમની ટૂંકી વાર્તાને આધારે આપણે ત્યાં એનું સ્વરૂપ ઘડાયું છે. આમ છતાં ઘણાં શૈલી એટલે માત્ર વાતને શણગારીને મૂકવાની રીત એવું જ સમજતાં હોય છે. ઘણાં ઝટ દઈને ઓળખી લઈ શકાય એવી વ્યાવહારિક તથ્યનિષ્ઠ વાસ્તવિકતાથી ઝાઝા દૂર જવાનું સાહસ કરતાં નથી. કળાના સત્યનો આવિષ્કાર શૈલી વડે કરવાનો હોય છે એ વાત હજી આપણે ત્યાં સ્વીકારાઈ નથી. જે શૈલીને રચનાના ઋત સાથે સમ્બન્ધ નથી તે માત્ર દેખાડો બની રહે છે. રસનું ગૌરવ કરનારી આપણી પરમ્પરા છતાં આપણામાંના ઘણા રચનાના ‘એસ્થેટિક્સ’ પરત્વે સૂગ સેવે છે. આને પરિણામે આપણા ઘણા સારા સર્જકો પણ અમુક એક શૈલીમાં પુરાઈ ગયેલા દેખાય છે. લોકકથા, દન્તકથા, દૃષ્ટાન્તકથામાં જે કથનરીતિ છે તેનેય પ્રયોજી શકાય. સમયનાં જુદાં જુદાં પરિમાણોને ટૂંકી વાર્તાના લઘુ સ્વરૂપમાં સમાવી દેવાનું સાહસ પણ કરવું પડે. એને માટે વ્યાકરણના વાક્યવિન્યાસને ધરમૂળથી ફેરવવો પડે. સીધી કથનરીતિમાં પણ વિગતોની પસંદગી, એનો તિરસ્કારપુરસ્કાર, એની ક્રમયોજના – આ બધું રસકીય પ્રયોજનને ધ્યાનમાં રાખીને કરવાનું રહે.

આપણે ચેખોવ અને મોપાસાંની વાતો કરતા રહ્યા, પણ મોટો પ્રભાવ તો ઓ.હેન્રી જેવાનો રહ્યો. વાર્તાના અન્તમાં કશી સસ્તી તદબીર વાપરીને ઉપલક ચમત્કૃતિથી વાચકને આંજી દેવાની કે ચોંકાવી દેવાની રીત પણ ઘણાને વાર્તાના હાર્દ રૂપ લાગી. વાસ્તવિકતા અને કપોલકલ્પિત એ એક જ સત્યનાં બે પાસાં છે. એમાં વિરોધ નથી એ વાત હજી ઘણાંને સમજાઈ નથી. ફેન્ટસીમાં બધું અગડંબગડં  ચાલે, કથાવિન્યાસમાં વ્યત્યયો નભી જાય અને વળી એ નવું લાગે એવી સમજથી ફેન્ટસીને અજમાવી જોનારા એનું કળાદૃષ્ટિએ કશું પ્રયોજન સ્થાપી શક્યા નહીં. ચેખોવમાં જે કળાસંયમ હતો તે એનું નામ દઈને પોતાને પ્રમાણિત કરનારા વાર્તાકારોમાં દેખાયો નહિ. ઘણા ઘટના પર મદાર બાંધીને જ જીતી જવાનું સ્વીકારી બેઠા. આને પરિણામે ઘટનાપ્રધાનતા જાણે વાર્તા માટે અનિવાર્ય જ છે એવી પણ માન્યતા ઊભી થઈ. વાર્તાના વિષયવસ્તુના વૈવિધ્યને મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે તો બાઇબલનું એ વાક્ય ફરી યાદ કરીએ.

License

Share This Book