23 કવિ: શબ્દનો બંદો?

હમણાં ‘ધ સ્પેશિયાલાઇઝેશન ઓવ પોએટ્રી’ એ નામના લેખમાં અમેરિકી વિવેચક વેન્ડેલ બેરીએ એ પ્રત્યેના સમાજના વલણ વિશે ધ્યાન ખેંચે તેવો ઊહાપોહ કર્યો છે. આપણે ત્યાં હમણાં હમણાં કવિઓ અને સર્જકોના ‘ઇન્ટરવ્યૂ’ લેવાનું શરૂ થયું છે. ‘સંજ્ઞા’, ‘ગ્રંથ’ જેવાં સામયિકોમાં આવી મુલાકાત વખતે થયેલી પ્રશ્નોત્તરી પ્રકટ થતી રહી છે. અમેરિકામાં તો આવી પ્રશ્નોત્તરી ગ્રન્થ રૂપે પણ પ્રકટ થાય છે. આ નવી ઘટનાને ધ્યાનમાં લઈ વેન્ડેલ બેરી પ્રશ્ન પૂછે છે: ‘આપણે શું એમ માનવું કે  કવિની કામ કરવાની રીત, એના વ્યક્તિગત સંજોગો અને એણે આડેધડ પ્રકટ કરેલા જુદા જુદા વિષયો પરત્વેના અભિપ્રાયોને હવે કેટલાક વાંચકો, સામયિકોના તન્ત્રીઓ તથા કવિઓ પોતે મહત્ત્વનાં લેખી રહ્યા છે?’

કવિતા એ હવે જાણે એક નિરાળી જ પ્રવૃત્તિ લેખાતી હોય એવું લાગે છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓને એના આગવા તજ્જ્ઞ હોય છે તેમ કવિતા પણ અમુક નિષ્ણાતોની જ પ્રવૃત્તિ છે એવી છાપ ઊભી થતી જાય છે. ઘણાં વર્ષો પહેલાં એડવિન મ્યૂરે કાવ્યનો પ્રદેશ સંકુચિત થતો જાય છે એવી ફરિયાદ કરેલી. અમેરિકી વિવેચક રેન્સમે પણ કવિતામાં  શુદ્ધિકરણ અને ચોખલિયાવેડાના પ્રવેશ પરત્વે નિર્દેશ કરેલો. અનુભવનાં ઘટકોથી નિલિર્પ્ત થતા જવાની પ્રક્રિયાનો જ એ અંશ હતો.

એક ગાળો એવો પણ આવી ગયો જ્યારે કવિ વિદ્રોહની કવિતા લખતો થયો. રાજકારણના કે સામાજિક પ્રશ્નો પરત્વે કવિ પોતાની કવિતા દ્વારા સંડોવાતો દેખાયો. સરમુખત્યારશાહીમાં સર્જનાત્મક કળાઓ અને સર્જકો પ્રત્યે જે અત્યાચારી વલણ પ્રસંગે પ્રસંગે દાખવવામાં આવતું તેનો વિરોધ કરતા સર્જકો દેખાયા. આથી કેટલાકને આશા બંધાઈ કે કવિએ હવે અમુક જ વિષય પૂરતી કવિતાને મર્યાદિત રાખવાની છોછ છોડી દીધી છે. કવિતાએ ગુમાવી દીધેલો પ્રદેશ એને પાછો આવી મળશે એવી આશા પણ કેટલાક પ્રકટ કરવા લાગ્યા.

હવે પરિસ્થિતિ બદલાયેલી લાગે છે. રાજકારણના અને બીજા ક્ષેત્રના પ્રશ્નો પરત્વે હવે કવિ પાછો નિલિર્પ્ત થતો જતો લાગે છે. આમ કાવ્યના પ્રભાવક્ષેત્રને એણે ફરીથી મર્યાદિત કરી દીધું હોય એવું લાગે છે. વિદ્રોહ કરવાથી જ કાવ્યનું કાઠું બદલાઈ જશે એવી માન્યતા ભૂલભરેલી હતી તે હવે સમજાવા લાગ્યું છે. કવિતા એ નિરાળી જ પ્રવૃત્તિ છે. એનું ક્ષેત્ર અને એનો પ્રભાવ હવે એટલા તો મર્યાદિત થઈ ગયાં છે કે હવે કવિ પોતે જ એની કવિતાનો ભાવક બની રહ્યો છે. આમ તો કોઈ પ્રવૃત્તિનું ક્ષેત્ર અલાયદું રાખવાનો હેતુ વ્યાવહારિક હોય છે. પોતાના ક્ષેત્ર સિવાયનાં બીજાં બધાં જ ક્ષેત્રો પરત્વેની જવાબદારીમાંથી મુક્ત થઈને પોતાની નિરાળી પ્રવૃત્તિમાં કાર્યરત રહેવાનો એમાં આશય રહ્યો હોય છે.

રેન્સમે કહ્યું છે કે આમ દરેક નિરાળી પ્રવૃત્તિ પોતાને સમ્પૂર્ણ બનાવવા મથી રહી એમ કરવામાં સંક્રમણના આકર્ષણને વશ થવું એને પરવડે એમ નહોતું. આમ પ્રવૃત્તિનો પરિપોષ બીજાં બધાં ક્ષેત્રોમાં જરૂરી લાગ્યો નહીં, એટલે એ બધેથી હડસેલાઈને પોતાના નિરાળા ક્ષેત્રમાં સ્થિર થઈ. પોતાના ક્ષેત્રની સમ્પૂર્ણતા પરત્વેનો આટલો બધો આગ્રહ બીજા કોઈ સમયમાં રાખવામાં આવ્યો ન હતો. હવે પોતાના ક્ષેત્ર પર પ્રભુત્વ મેળવવું એ મુખ્ય પ્રવૃત્તિ બની છે. આને કારણે સંવાદિતા, સૌષ્ઠવ, સમતુલા, વ્યવસ્થા વગેરેના જૂના ખ્યાલોને જાણે તિલાંજલિ આપી દેવામાં આવી છે, જે આવું પ્રભુત્વ સ્થાપવામાં અન્તરાયરૂપ બને તેને પડતું મૂકીને અવગણીને કે તેનો નાશ કરીને પ્રભુત્વ સિદ્ધ કરવામાં આવે છે. આ મહત્ત્વાકાંક્ષા પ્રબળ બનવાને કારણે નૈતિક શિથિલતા, વિષાદ અને સામર્થ્યના દુરુપયોગને નોતરી લાવવા જેવું થયું. મોટા પાયા પર પ્રભુત્વ મેળવવું એ તો માનવીને માટે અશક્યવત્ છે. આપણે યન્ત્રવિદ્યા કે રાજકારણનું જે પ્રભુત્વ જોઈએ છીએ  તે તો મોટે ભાગે જેને આપણે સમતુલા કે વ્યવસ્થા કહીએ છીએ તેને સાવ સામે છેડે બેસી જતા હોય એમ લાગે છે. માનવીય વ્યવસ્થાની ચિન્તા કરનારે એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ કે આત્યન્તિક પ્રભુત્વ એ એક નરી અશક્યતા છે.

રોજબરોજના વ્યવહારના ક્ષેત્રમાંથી આપણે રસવૃત્તિને હડધૂત કરીને કાઢી મૂકી. આમ રસનિષ્પત્તિ કે રસવૃત્તિનો પરિપોષ એ કેવળ કળાકારોનું નિરાળું ક્ષેત્ર બની રહ્યું. આથી રેન્સમ કહે છે કે કળાકારો સૌન્દર્યના સત્ય અને શિવ સાથેના સમ્બન્ધને તોડી નાખીને પોતાના આગવા ક્ષેત્રને ખીલવે છે. બીજાં ક્ષેત્રોની નરી ઉપયોગિતાવાદી દૃષ્ટિ સામેની આ એક ઉગ્ર પ્રતિક્રિયા છે. આમ કવિ વેગળો પડી ગયો છે. મ્યૂરે પણ આથી જ કહ્યું છે કે પ્રજા કાવ્યનો વિષય છે ખરી, એ હવે કાવ્યની ભાવક રહી નથી.

કવિઓ સાથે જે પ્રશ્નોત્તરી થતી હોય છે તે જોઈશું તો એવી છાપ પડશે કે કવિ જાણે કોઈ વિલક્ષણ જીવ છે. એ જે લખે છે તેના કરતાં એ જે કહે છે તેમાં વધારે રસ પડે છે. અભિનેતાઓના જીવનમાં એમની અંગત વિગતોમાં રસ પડે છે તેવો રસ હવે કેટલાકને આ વિલક્ષણ જીવમાં પડતો હોય એવું લાગે છે. પંખીઓનું નિરીક્ષણ કરનારાની જેમ કવિઓનું નિરીક્ષણ કરનારો નવો વર્ગ સમાજમાં ઊભો થયો છે. એઓ માને છે કે કવિનું જીવન પૃથક્જનના જીવન જેવું રેઢિયાળ કે નીરસ હોતું નથી. કવિના જીવનમાં કશું જુદું અને ઉત્તેજનાપ્રેરક રહ્યું હોય છે.

 બે સમાન ભૂમિકા ધરાવનારા વચ્ચેનો સંવાદ કવિ સાથેની આ પ્રશ્નોત્તરીઓમાં દેખાતો નથી. આથી એમાં ઊહાપોહને ઝાઝો અવકાશ જ નથી. આવી પ્રશ્નોત્તરીનો મુખ્ય આશય તો કવિને સિફતથી વાતચીતમાં ખેંચીને સીધી જેટલી બને તેટલી અંગત વાતોને ખુલ્લી કરવાનો હોય છે. આથી એ વિલક્ષણ પ્રાણી વિશેની રસપ્રદ અને રમૂજી એવી વાર્તા બહાર લાવ્યાનો સન્તોષ મેળવવો એ જ મુખ્ય આશય બની રહેતો લાગે છે. ‘ઓહો, તો કવિઓ આવા હોય, એમ ને!’ છેલ્લે આવા ઉદ્ગાર સાથે સાર્થકતા અનુભવવામાં આવે.

કાવ્યરચનાની કેટલીક મૂળભૂત વિગતો તો આવી પ્રશ્નોત્તરીમાં આવી જ નહીં, કારણ કે પ્રશ્નકર્તાને એમાં રસ જ હોતો નથી. એને તો ઉત્તેજનાપ્રેરક સામગ્રી કઢાવવામાં જ રસ રહ્યો હોય છે. આમાં પ્રશ્નકર્તાને પક્ષે જ બેહૂદાપણું છે એમ નથી, કવિને પક્ષે પણ એટલું જ બેહૂદાપણું રહ્યું છે. કવિઓ પોતે પણ હવે એવું માનતા થઈ ગયા છે કે એઓ જાણે કોઈ વિશિષ્ટ પ્રકારના બીજાથી નોખા, માનવીઓ છે. આથી એમને વિશે થોડીક ખાસ પ્રકારની સ્પષ્ટતા કરવી જરૂરી થઈ પડે છે.

પોતાની કળા વિશે એક કવિને મન તો પોતાના આગવા ધામિર્ક સમ્પ્રદાય જેવું જ મહત્ત્વ ધરાવે છે. એ સમ્પ્રદાયને પૃથક્જન સાથે કશી સમાન ભૂમિકા નથી. એ પોતે જે કરે છે તે એને પૃથક્જનથી જુદો સ્થાપી આપે છે. કાવ્ય એ સ્પષ્ટતાની કે પોતાની અને જગત સાથેના સમ્બન્ધની કડી જોડી આપવાની પ્રવૃત્તિ નથી. એ પોતાને અને ભાવકને જોડવાની પણ પ્રવૃત્તિ નથી. વાસ્તવિકતાના ક્ષેત્રમાં થતું એ કોઈ સાહસ નથી. એ પ્રવૃત્તિમાં હવે સ્વયંપર્યાપ્તતા અતિ માત્રામાં દેખાય છે. કવિ પોતાને શબ્દોમાં શોધે છે. બીજાઓ જેમ જગતાભિમુખ કે ઈશ્વરાભિમુખ થાય છે તેમ કવિ શબ્દાભિમુખ થાય છે. એ રીતે એ પોતાની વાસ્તવિકતાને સિદ્ધ કરવા મથે છે. કવિ કંઈક આવું કહેતો હોય છે, ‘હું જે કહું છું તે મારે વિશે નથી કહેતો, હું તો કાવ્ય મને કેવી રીતે ઘડે છે તેની જ વાત કરું છું.’ ‘હું પોતે જ મારા જીવનનું પ્રતિરૂપ, રૂપક અને પ્રતીક છું.’ ‘કાવ્યે રચી આપેલું સ્વત્વ જ કેવળ હવે મારે માટે અવશિષ્ટ રહ્યું છે.’ આમ સ્વત્વમાં સાવ અભિન્ન કરી નાખેલું જગત જ કાવ્યની સામગ્રી રૂપે ખપમાં આવી શકે છે. કવિ જગતને જોતી વેળાએ પણ પોતાના અંશોને જ જોઈ રહ્યો હોય એવું અનુભવે છે.

જે જગત પહેલાં કવિ દ્વારા પ્રતિબિમ્બિત થતું હતું તે હવે કવિનું દર્પણ બની રહ્યું છે. મોટા ભાગની અદ્યતન કવિતામાં વ્યક્તિગત રીતે અનુભવેલાં ભય અને યાતના પર ભાર મૂકવામાં આવે છે. જ્યારે ‘સ્વ’ જ કાવ્યનો એક માત્ર વિષય અને મર્યાદા સુધ્ધાં બની રહે ત્યારે શબ્દોનું જ જગત ઘડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આમ પોતાની યાતના અને મૃત્યુ પ્રણયનું રૂપ ધારણ કરે છે.

કાવ્યનો વિષય શબ્દો નથી, જગત છે. એ કવિનું એકલાનું નથી, અન્ય માનવોનું પણ છે. ભૌતિક સુખપરાયણ સમાજ બાહ્યાભિમુખ થઈ ગયો તેને કારણે અર્વાચીન કવિને અન્તમુર્ખ થવાની ફરજ પડી એવી દલીલ રજૂ કરવામાં આવે છે. પણ આમ કહેવાથી તો અત્યાર સુધીની હૃદય અને આત્માનાં મૂલ્યોની પળોજણ કરનાર આખી પરમ્પરાની જ અવગણના થાય છે.

ધર્મની જેમ કાવ્યનું પણ વિશિષ્ટ છતાં મર્યાદિત ક્ષેત્ર બની રહ્યું છે. ધર્મની પરલોકપરાયણતાની જેમ કવિએ કેવળ શબ્દ પર જ ભાર મૂક્યો છે. બંનેનાં પરિણામો સરખાં જ આવે છે. એ જગતની, ઇહલોકની અધોગતિ તરફ દોરી જાય છે, એને સંમતિ આપે છે અને એમ કરવામાં મદદ પણ કરે છે. આખરે એથી તો કળા અને ધર્મ પણ અધોગતિને જ પામે છે. કેવળ ભાષા પર મુકાતા ભારને કારણે સામાન્ય સાક્ષરતાની કક્ષા પણ નીચે ઊતરે છે.

સામાન્યત: એમ માનવામાં આવતું હતું કે સર્જક થવા માટે વ્યક્તિએ ઉત્તેજનાપૂર્ણ જીવન ગાળવું જોઈએ,અથવા તો એનામાં અસામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે એને અસાધારણ અનુભવો થયા હોવા જોઈએ. આવી માન્યતાને પરિણામે કેટલાક જુવાન સર્જકો ઇરાદાપૂર્વકની અસંગતિભરી જિંદગી ગાળવા પ્રેરાયા. એથી અનુભવ અને કળા વચ્ચે કશોક જવાબદારીભર્યો સમ્બન્ધ છે એવું પણ સૂચવાયું. આજે તો એવી માન્યતા મોટે ભાગે પ્રવર્તતી દેખાય છે કે લેખકને ઇતરજનથી જુદા પાડનારું વ્યાવર્તક તત્ત્વ તે લેખકનો ભાષા પ્રત્યેનો પ્રેમ છે. એનાં જ્ઞાન કે ચારિત્ર્યને કારણે કે એનાં દર્શન કે પ્રતિભાને કારણે એ વિશિષ્ટ લેખાતો નથી. એ એની વિશેષતાને કારણે ઓળખાય છે. આને પરિણામે જે અસંગતિ ઉદ્ભવે છે તે પહેલાંની અસંગતિ કરતાં વધુ ખતરનાક નીવડે એવી છે.

જો લેખક અને વાચક બંને એમ માનતા હોય કે લેખકની ઈશ્વરદત્ત પ્રતિભા એને સાવ જુદા જ પ્રકારનો માનવી બનાવે છે. તો એનો ફલિતાર્થ એ કે લેખક અને વાચકને એકબીજા પાસેથી કશું જ શીખવાનું નથી. લેખક અને એના વાચકવર્ગ વચ્ચે અર્થપૂર્ણ પ્રભાવની કોઈ ભૂમિકા રહેતી જ નથી. જો લેખકને ભાષાની ‘હથોટી’ બેસી જાય તો એ તો માનવીના દેહ પરના લાખા જેવું કહેવાય, તો તો પછી પુસ્તક વાંચવું અને ટેલિવિઝન જોવું એ બંનેનો હેતુ એક જ બની જાય. એનો હેતુ માનવીની ભાગેડુવૃત્તિને ઉત્તેજિત કરીને, એની ચિન્તાઓને તત્પૂરતી ભૂલાવવાનો જ હોઈ શકે. વિશિષ્ટ કોટિનો લેખક અલબત્ત, એની ભાષાને કારણે વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. પણ એની ભાષા આખરે તો એના સમાજની ભાષા જ છે. એમાંથી જ એ અસાધારણ છટા અને સામર્થ્ય ઉપજાવતો હોય છે. આ સર્વસામાન્યતા વિના આપણે એનું મૂલ્ય કે પછી વિશિષ્ટતા ઓળખી શકીએ નહીં.

પોતાની પ્રજાની ભાષાને શુદ્ધ રાખવી એ કવિનું સૌથી પ્રથમ કર્તવ્ય છે, પણ તે કેવળ એના વડે કવિતા લખવા ખાતર નહીં. તો તો એ કારાગારરૂપ બની સ્વાર્થપરાયણતાને જ વર્ણવી શકે. આજે કાવ્યસર્જન અને કાવ્યવિવેચનના ક્ષેત્રમાં પ્રવર્તી રહેલા વાતાવરણમાં સમતુલાનો અભાવ દેખાય છે. પોતાનો વિષય અને વાચકો વચ્ચેનો સમ્બન્ધ આ સમતુલા વિના યોગ્ય પ્રકારનો સંભવી શકે નહીં. શબ્દો ઉચ્ચાલનરૂપ બની રહેવા જોઈએ. એ ઉચ્ચાલનની મદદથી જ વૈપુલ્ય અને સમતુલા સિદ્ધ કરી શકાય,

વાચક અને લેખક વચ્ચેની બીજી સમાન ભૂમિકા તે પરમ્પરાની છે, સાહિત્યના વારસાને પોતાની સાથે સહભાગી થઈને ભોગવતા લેખકો અને વાચકોમાં આ પરમ્પરાની અભિન્નતા હોય છે. એઓ આ પરમ્પરાનો વિનિયોગ પણ કરતા રહે છે. આ પરમ્પરા જ આપણામાં આપણને મળેલા વારસાની અભિન્નતા ઉત્પન્ન કરે છે. પણ આજની સાહિત્યચર્ચામાં પરમ્પરા પરત્વેના રસનો અભાવ દેખાઈ આવે છે. કવિઓ મુલાકાતોમાં પોતાના સર્જન પરત્વે અહેવાલ આપતા હોય છે ત્યારે એમને જાણે કેવળ નવીન સાથે, આધુનિક સાથે સમ્બન્ધ હોય એવી છાપ પાડે છે. ભૂતકાળમાં પોતાને કશો રસ નથી એટલું કહેવા પૂરતો જ એઓ ભૂતકાળનો નિર્દેશ કરતા લાગે છે. કેટલાક તો ભૂતકાળ પ્રત્યે વૈમનસ્ય ધરાવતા હોય છે. આ વૈમનસ્ય ટીકાભર્યાં અતિવ્યાપ્તિપૂર્ણ વિધાનોમાં પ્રકટ થતું હોય છે.

કોઈક કોઈક તો એમ માને છે કે આપણી ચેતનામાં નિશ્ચિતતાની કશી ભાત ઊપસવા ન દેવી એ જ કળાનું કર્તવ્ય છે. આપણી આ સદીમાં જીવન લગભગ યાન્ત્રિક હદે વ્યવસ્થિત થઈ ચૂક્યું છે. આજે તો આપણી આ વ્યવસ્થા અને નિશ્ચિતતાને હચમચાવી મૂકવાની જરૂર છે એમ તેઓ માને છે. એઓ વ્યવસ્થાને સ્થાને અરાજકતાને આવકારીને દુસ્સાહસ ખેડવાનું વધુ પસંદ કરે છે.

આમાં ત્રણ ભૂલભરેલાં ગૃહીતો ભાગ ભજવતાં લાગે છે. પરસપરાગત સ્વરૂપ સિવાય સાહિત્યમાં કોઈ સ્વરૂપ સંભવી ન શકે, રૂપરચના સિદ્ધ કરવાનો આગ્રહ આપણને કશા પૂર્વનિર્ણીત તત્ત્વ આગળ જ લઈ જાય. રૂપરચના એટલે જ યાન્ત્રિકતા. રૂપહીનતા સંસ્કૃતિનું કે પ્રકૃતિનું લક્ષણ નથી. એ તો માનવીનું જ એવું એક અનિષ્ટ છે. એનું કશું પ્રતિરૂપ પ્રકૃતિમાં મળતું નથી. એ સંસ્કૃતિમાં દેખાઈ આવતી કેટલીક નિષ્ફળતાઓ, દુર્લક્ષ, બેજવાબદારી, બેદરકારી, પરિણામોનું અજ્ઞાન આ બધાંમાંથી ઉદ્ભવે છે. પરિવર્તન અને સ્થિરતા વચ્ચે સમતુલા તોડી નાખવામાં આવી છે,આપણી નિશ્ચિતતાઓને હચમચાવી મૂકવાનો હેતુ વધુ સારી વ્યવસ્થા સિદ્ધ કરવાનો જ હોવો ઘટે.

સાવયવ પ્રાણશીલ રૂપ અને યાન્ત્રિક રૂપ વચ્ચેનો ભેદ ઘણી વાર ભૂલી જવામાં આવે છે. આની સામેનો ઉગ્ર પ્રતિવાદ કરનારા ફેશનને વશ વર્તીને બોલતા લાગે છે. આજે મૌલિકતાનું તત્ત્વ કેવળ સમકાલીન કે અદ્યતન દેખાવામાં જ સમાયું હોય એવી ભ્રાન્તિ ઊભી કરવામાં આવી છે. જૂનાંને સ્થાને નવાંને સ્થાપવાની તત્પરતાને આધુનિક જગતના તકાદા અને તંગદિલીને નામે ન્યાય્ય ઠરાવવામાં આવે છે. આધુનિક જગત તો મોટે ભાગે વેપારવણજવાળાઓનું જગત છે.

સર્જકને પક્ષે દક્ષતાપૂર્વકની જાગૃતિ અપેક્ષિત છે. જેને આજની દુનિયા કહીને ઓળખવામાં આવે છે તે જ કાંઈ એક માત્ર દુનિયા નથી, એમાં અદ્યતન બનીને ટકી રહેવું તે જ માત્ર કેળવવા જેવો ગુણ નથી. આ દુનિયામાં લાખ્ખો લોકોએ શિસ્તનો, સંયમનો અને માનવજીવનના નિભાવ માટે જરૂરી પરિશ્રમનો વિચાર કરવાની શક્તિ ખોઈ નાખી છે. એઓ પોતાના તથા અન્ય માનવનાં જીવન માટે ખતરનાક બની રહ્યા છે. કોઈ નકામા કવિની કેવળ અદ્યતનતા રસ નિષ્પન્ન કરવાને બદલે વિષાદ પ્રેરે છે. આપણો ભૂતકાળ જ આપણી વ્યાખ્યા બાંધી આપે છે. એમાં કશુંક એથી વધુ ઉત્તમ ઉમેરીને જ આપણે એનાથી મુક્ત થઈ શકીએ.

રાજકારણ અને સર્જકો વચ્ચેના સમ્બન્ધની ચર્ચા આપણે ત્યાં ઝાઝી થતી નથી અને થાય છે ત્યારે ખૂબ ઉપરછલ્લી અને ગેરસમજ ઊભી કરનારી નીવડે છે. આનું કારણ એ છે કે આપણે ‘રાજકારણ’ એ સંજ્ઞાનો અત્યન્ત મર્યાદિત અર્થ કરતા હોઈએ છીએ. રાજકારણ એટલે આ કે તે રાજકીય પક્ષના સક્રિય સભ્ય થવું, સભાઓ સંબોધવી,સત્તા હાંસલ કરવી: આવી કંઈક આપણી સમજ હોય એવું લાગે છે. વળી રાજકારણમાં ઘણો કાદવ ઊછળે છે, ને સર્જક તો માનસરોવરનો હંસ છે. એ બેને સમ્બન્ધ સંભવે જ શી રીતે?

હમણાં અમેરિકી કવિ ફિલિપ લેવિને આ મુદ્દો ફરીથી, એક મુલાકાત દરમિયાન, ઉપસ્થિત કર્યો છે. કાવ્ય એ કવિની મહત્ત્વાકાંક્ષાની નીપજ છે. જે કાવ્યની પાછળ આવી કશી મહત્ત્વાકાંક્ષા નથી તે આપણને શી રીતે આકર્ષે?દેખીતી રીતે નમ્રતાભર્યું અને સરળ લાગતું કાવ્ય જે સરળતાને સિદ્ધ કરવા મથે છે તે પણ આપણા અનેક ગૂંચભર્યા સંકુલ જમાનામાં તો એક મહત્ત્વાકાંક્ષા ભર્યો પ્રયત્ન જ ઠરે!

પણ રાજકારણીઓની મહત્ત્વાકાંક્ષા અને કવિની મહત્ત્વાકાંક્ષા કાંઈ એક થોડી જ લેખાય?કવિની મહત્ત્વની લેખાતી કૃતિઓને રાજકારણ સાથે કશો સમ્બન્ધ હોતો જ નથી એવું ઘણુંખરું જોવામાં આવે છે. કાવ્યના એક વિષય લેખે રાજકારણ એવો વિષય છે તેમાં રૂપાન્તરની નિર્માણપ્રક્રિયામાં ઝાઝા અવરોધો ઊભા થાય!

ફિલિપ લેવિનનું કહેવું એ છે કે આપણે ‘રાજકારણ’ એ સંજ્ઞાનો અત્યંત સંકુચિત અર્થ કરીએ છીએ, એને રાજકીય પક્ષો સાથે સમ્બન્ધ નથી. જ્યોર્જ ઓર્વેલે ‘1984’કે ‘પશુઓનો વાડો’માં જે દુનિયાની આગાહી કરેલી તે દુનિયામાં હવે આપણે જીવવા લાગ્યા છીએ. ઓર્વેલની એ વિભીષિકાની કલ્પનામાં શાસકો સૌપ્રથમ પ્રજાની ભાષા પર કબજો મેળવી લેવાનું જરૂરી ગણે છે એ વાત મહત્ત્વની બની રહે છે. આથી જ તો ભાષાની યથાર્થતા જાળવી રાખવી એ સર્જકોનું કર્તવ્ય બની રહે છે. ભાષાની યથાર્થતા જાળવવાની પ્રવૃત્તિ આજના માનવીય સન્દર્ભમાં એક રાજકીય કૃત્ય જ લેખાય.

લોકો આજે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છે તેનું વર્ણન કરવામાં, લોકોનાં સુખદુ:ખનો ખ્યાલ આપવામાં સરમુખત્યારશાહી દેશોમાં ભાષાનો જાણી કરીને જે દુરુપયોગ થાય છે, ભાષા દ્વારા જાણી કરીને અસત્ય કે ભ્રાન્તિ ઊભી કરવામાં આવે છે તેનો પ્રતિકાર, જેને ભાષા સાથે અપરોક્ષ સમ્બન્ધ છે એવો, સર્જક જ કરે ને?

ભાષાની સત્યવિમુખતા સંવેદનશીલ કવિ તરત અનુભવે. ભાષા ઉપરાંત સિનેમા, દૃશ્યકળા વગેરે માધ્યમોને પણ શાસકપક્ષની સેવામાં કામે લગાડવામાં આવતાં હોય છે. પરિસ્થિતિનું અર્થઘટન તો કરવું જ પડતું હોય છે. આ અર્થઘટન પોતે અનુભવેલા સત્યને વફાદાર રહીને કરવાની પ્રગલ્ભતાની સમાજ સર્જક પાસે અપેક્ષા રાખે છે. સત્યજિત રાયની ફિલ્મ ‘અસાની સંકેત’ આ અર્થમાં એક રાજકીય પ્રયત્ન છે. એમાં વાત તો થઈ છે 1942ના માનવસજિર્ત દુભિર્ક્ષની, પણ ત્યાર પછી એ પરિસ્થિતિ તો ચાલુ જ રહી. આની વિરુદ્ધમાં દાણચોરોની લીલા બતાવનારી ફિલ્મો એ વિષયનો ઉપયોગ હિંસા, હવસખોરી વગેરેને મનોરંજન માટે વાપરવા પૂરતી જ કરતી હોય છે.

સત્ય પ્રચારની રાખ નીચે ઢંકાઈ ગયું હોય ત્યારે આપણે જોયું છે કે રશિયામાં, હંગેરીમાં, ઝેકોસ્લાવિયામાં, પૂર્વ જર્મનીમાં સર્જકોએ પોતાની કૃતિમાં પુણ્યપ્રકોપના અગ્નિને ઉદ્દીપ્ત કર્યો જ છે. આમ છતાં એ કૃતિ કેવળ તત્કાલીન રાજકીય સન્દર્ભની સીમામાં મર્યાદિત થઈને રહેતી નથી. એમાં કશું જ ચિરકાલીન સદા આસ્વાદ્ય તત્ત્વ પ્રવેશે છે. પ્રજાજીવનમાં હતાશા વ્યાપતી જાય છે, એમની પ્રત્યે પ્રવંચનાભર્યું આચરણ શાસકો આચરે છે, વિશ્વની સમૃદ્ધિનું ન્યાયપૂર્ણ અને માનવતાભર્યું વિતરણ થતું નથી: આ બધી પરિસ્થિતિને પક્ષીય રાજકારણથી પર થઈને કવિ જુએ છે. એનું લક્ષ્ય માનવ છે આ કે તે રાજકીય પક્ષ નથી. કવિ રાજાના દરબારનો કે પ્રજાના દરબારનો ભાટચારણ નથી. પોતાની અપરોક્ષાનુભૂતિ દ્વારા જે સત્યનો એને સાક્ષાત્કાર થાય છે તેને મૂર્ત કરવું તે કવિનો ધર્મ છે. એ રાજકારણમાં સંડોવાતો નથી, પણ રાજકારણ માનવજીવનનો એક અંશ છે, આજે તો એ બધે માનવસમાજને ભરડો લઈ રહ્યું છે. એની કવિ શી રીતે બાદબાકી કરી શકે?

 પાબ્લો નેરૂદા જેવા કવિએ સ્તાલિનની ભાટાઈ કરી છે ત્યાં એનું ગૌરવ ઘટી જાય છે પણ ચેઝારે વાયેહો જેવા કવિની કવિતામાં જે રોષનો અગ્નિ ભભૂકે છે તેનું લક્ષ્ય આ કે તે સરમુખત્યાર નથી. એ માનવમાં રહેલા અનિષ્ટને તાકે છે. તમે આને કે તેને મત આપો એવી ભીખ એની કવિતા માગતી નથી. એને તો માનવી તરીકે જીવવું એ જ કેવી યાતના બની રહ્યું છે એ એની કવિતામાં બતાવવું છે. અનિષ્ટનાં પ્યાદાં જેવાં માંધાતાઓ તો સાવ દયાપાત્ર લાગે છે. એની સામે ભાષાનો વૃથા વ્યય કરવાનું કવિને ન પરવડે!

કવિ આજે તો માનવતાના સુકાઈ જવા આવેલા પ્રવાહને કાંઠે ઊભો છે. જે રસસભર ફળદ્રુપ પ્રદેશ હતો તે હવે રેતાળ રણમાં ફેરવાતો જાય છે. સત્તા ચલાવીને માનવીઓને ઘેટાંની જેમ હાંકનારા શાસકોમાં દયા કે અનુકમ્પા રહ્યાં નથી તે એનામાં ક્રોધને પ્રેરે છે.

આજે તો બંદૂકમાંથી સૂસવાટા સાથે છૂટતી ગોળીઓ વચ્ચે ગીત ગાનાર બુલબુલ ફસાઈ ગયું છે. આ દારૂગોળાની જ વાત નથી. દારૂગોળાથી વધારે ખતરનાક શસ્ત્ર આજના શાસકો પાસે છે. એ શસ્ત્ર છે પ્રચારનું. આ પ્રચારની આબોહવામાં જ આપણે શ્વાસ લઈએ છીએ. આપણને એનું ભાન સર્જક સિવાય કોણ કરાવે?અંગત ભૂમિકા પર સૂક્ષ્મ ભાવોને મૂર્ત કરનારા કવિઓએ સામાજિક સન્દર્ભ પરત્વે ઉદાસીનતા કેળવી હોય એવું ઉપલક દૃષ્ટિએ જોતાં લાગે. એમની કવિતામાં પણ જીવનરીતિમાં જે સ્થૂળતા જડતા પ્રવેશી ગયાં છે તેની સામેનો વિદ્રોહ જ પ્રકટ થતો હોય છે.

પ્રજાને કવિતાથી,કળાથી સાહિત્યથી દૂર રાખવી એવો સભાન પ્રયત્ન પણ રાજકર્તાઓ કરતા દેખાય છે. એ લોકો જ કવિઓને પુરસ્કારીને દરબારના ભાટચારણ બનાવી દે છે. કવિઓ વાણીવિલાસી છે, પ્રજાનાં સુખદુ:ખથી નિલિર્પ્ત છે. દેશનું ગૌરવ કરતા નથી એવી ગાળો પણ રાજકર્તાઓ જ દેતા હોય છે. પ્રજાજીવનમાં સર્જકોના મહત્ત્વને ઘટાડવાની વ્યવસ્થિત પ્રવૃત્તિ કરવાનું રાજકર્તાઓ માટે કેમ જરૂરી થઈ પડે છે?સંવેદનશીલતા બુઠ્ઠી થતી જાય, સહીસલામતી જ એક માત્ર ઇષ્ટ વસ્તુ બની રહે, સ્થૂળતા અને એકવિધતા જીવનને જડ બનાવી દે તે રાજકર્તાઓના હિતમાં છે એવા તબક્કે કવિ મૂગો થઈ ન જવો જોઈએ તે સમાજે પણ જોવું જોઈએ.

21-12-1976, 4-1-1977

License

Share This Book