1 ભાષા વિષયક બે વ્યાખ્યાનો

1

આપણી આ સદીમાં ભાષા અભ્યાસનું એક મહત્ત્વનું ક્ષેત્ર લેખાવા લાગી છે. ભાષાવિજ્ઞાનમાં થયેલા વિકાસને કારણે જ આમ કહેવાનું પ્રાપ્ત થાય છે એવું નથી. એ ક્ષેત્રનો વિકાસ પણ આમ તો માનવજીવન વિશેના વૈજ્ઞાનિક અભ્યાસની જ નીપજ છે. આ ઉપરાન્ત symbolic logicનો વિકાસ થયો છે. વિભિન્ન આશયોથી પ્રેરાઈને થયેલી ભાષાવિષયક વિચારણાનું મહત્ત્વ પણ વધ્યું છે. બર્ગસોં, હાઇડેગર અને ઓક્સફર્ડના તત્ત્વચિંતકોએ મહત્ત્વની દાર્શનિક વિચારણા રજૂ કરી છે.

એમ તો પ્લેટોથી જ ભાષાનો દાર્શનિક અભિગમ પ્રારમ્ભાઈ ચૂક્યો હતો. માનવી પોતાના તરફ દૃષ્ટિ વાળે છે કે તરત જ એ પોતાને બોલતો જુએ છે. એ બોલતું પ્રાણી છે માટે જ એ બુદ્ધિશીલ પ્રાણી છે. માનવી દ્વારા જ પ્રાણીઓના વ્યવહાર વિશેની સમજ કેળવાઈ છે. પ્રાણીપ્રાણી વચ્ચેનો વ્યવહાર કેવળ જૈવિક ભૂમિકા પર ચાલતો હોય છે, પણ તત્ત્વવેત્તા, પ્રમાણશાસ્ત્રી કે કવિની ભાષા તો ઘણી વિકસેલી હોય છે. ભાષાના ઉદ્ગમનું રહસ્ય પ્રાગૈતિહાસિક કાળના અન્ધકારમાં છુપાયેલું છે. આથી જ એને વિશેની દાર્શનિક વિચારણાને સારો એવો અવકાશ રહેલો છે.

આ અભ્યાસ જુદી જુદી બે દિશાઓમાં ફંટાઈ જતો દેખાય છે: એક દિશા તે ontology of languageની છે ને બીજી તે phenomenology of speechની છે. પહેલી વિભાવના ભાષાની શક્તિ પર ભાર મૂકે છે: ભાષા દ્વારા જ being પ્રકટ થાય છે, અર્થ ઉત્ક્રાન્ત થાય છે; પ્રકૃતિનું ચૈતન્યમાં થતું અવતરણ ભાષા દ્વારા સિદ્ધ થાય છે. વસ્તુમાત્રને નામાભિધાન આપનારો માનવી આ સિદ્ધ કરી આપે છે. ફ્રેન્ચ કવિ ક્લોદેલ માટે જ તો માનવીને ઈશ્વરનો સહયોગી કહે છે. સંસ્કૃતિના પ્રારમ્ભ કાળથી જ આ વાતનો અનુભવ થતો રહ્યો છે. એ વિશેની સુવ્યવસ્થિત તાકિર્ક માંડણી પછીથી થઈ. ભાષા મનુષ્યને જે શક્તિ આપે છે તેથી એ હંમેશાં ચકિત થતો રહ્યો છે.

શેલિંગે કહેલું કે જગતના અસ્તિત્વમાં આવવાની પ્રક્રિયા માનવીને જન્માવે છે, તો માનવી એ પ્રક્રિયાને આગળ ચલાવીને એની સફળતા તરફ આગળ વધારે છે. હાઇડેગર કહે છે કે ભાષા જ beingનું નિવાસસ્થાન છે. એમાં જ being પોતાને પ્રકટ કરે છે અને ઢાંકે પણ છે. ભાષા દ્વારા માનવી જે હેતુને સિદ્ધ કરે છે તે તો એને પોતાને પણ અતિક્રમી જતો હોય છે. આ જ કારણે કવિઓ અને પેગમ્બરો પોતાને પ્રેરણાવશ થઈને વર્તતા ગણે છે. હેરાક્લિટસે આથી જ તો પોતાના શિષ્યોને કહ્યું હતું: ‘It is not I whom you listen to, but the Logos.’

કવિઓ અને ફિલસૂફો બોલે તે જરૂરી છે. એથી જ માનવનિયતિ એની સફળતાની દિશામાં આગળ વધે છે. ભાષા વિશેની વિચારણાની બીજી દિશા, આથી જ તો,માનવીના એક બોલનાર પ્રાણી તરીકેના અભ્યાસની છે, એ phenomenology of human speech છે. ભાષાનો એક પ્રાકૃતિક કે કૃત્રિમ પદાર્થ તરીકે પણ અભ્યાસ કરી શકાય. ભાષાવિજ્ઞાન અને તર્કશાસ્ત્ર એનો એ પ્રકારનો જ અભ્યાસ કરે છે. પણ આ અભ્યાસ પણ આખરે તો આપણને ભાષા બોલનારા માનવ તરફ જ દોરી જાય છે. કાસીરેર આ જ અર્થમાં critique of languageની વાત કરે છે. Phenomenology of language તે નરી સાદી સરળ psychologyનથી, એ વાત પર હુસેર્લ ભાર મૂકે છે.

ભાષાનું સંરચનાગત પૃથક્કરણ કે ભાષાકીય વ્યવહારનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આપણે હાથ પર લઈ શકતા નથી તેનાં બે મુખ્ય કારણો છે: મનુષ્ય ભાષાનો વ્યવહાર કરે છે એનું કારણ એ છે કે એને કંઈક કહેવાનું છે, ‘તમે શું કહેવા માગો છો?’ એવા logical positivistના પ્રશ્નમાં પણ એક રીતે તો આ હકીકતનો સ્વીકાર થયેલો જ છે. કશુંક કહેવા ઇચ્છવું તે કશા ઉદ્દીપનનો માત્ર પ્રતિભાવ પાડવાથી કંઈક વિશેષ છે. આમ છતાં બોલનારો માણસ પોતાને બોલતાં પહેલાં જે કહેવાનું હતું તે પૂરેપૂરું કહી શકતો નથી. આપણે કહીએ છીએ કે image વગરનોthoughtહોઈ શકે નહિ, તેમાં હવે આ વાત ઉમેરવી જોઈએ: શબ્દ વિના વિચાર સમ્ભવી શકે નહિ. જે શબ્દોને હું આગળ ધરું છું તે મારું વિચારવાનં કાર્ય કરે છે. વાજિન્ત્ર વગાડનારનાં આંગળાં સંગીતની તરજને ગોઠવતાં જાય છે તેવું જ કંઈ આ છે. આમ તો વિચાર કરતો હોઉં છું ને છતાં જેવું હું બોલવાનું શરૂ કરું છું કે તરત જ જાણે ભાષા મારે બદલે વિચારવા માંડે છે. એનું કારણ એ છે કે વિચારનું ભાષા પર પૂરું પ્રભુત્વ હોતું નથી. વાસ્તવમાં મનુષ્યનો ભાષા પર એકહથ્થુ ઇજારો નથી. એ બોલે છે તો એનું ઘણું ખરું કારણ તો એ છે કે કશુંક બીજું એની જોડે બોલતું હોય છે. એ કોણ?એના સિવાયના બીજાઓ તો ખરા જ, પણ જગત સુધ્ધાં એની સાથે બોલતું હોય છે. બધું જ કાંઈ ભાષા બની શકે છે, કારણ કે ભાષાને બોલાતા શબ્દો પૂરતી જ મર્યાદિત રાખવાની નથી. શબ્દોની જેમ વસ્તુઓ પણ સંકેત બની શકે છે. કોઈ આપણી જોડે વાત કરતું હોય તેમ જગત પણ આ સંકેતો વડે આપણી સાથે વાત કરે છે. એમાં objective associations ભાગ ભજવતા હોય છે. દા.ત. ધુમાડો જોઈને આપણે એને અગ્નિનો સંકેત સમજીએ છીએ. આ કેવળ એક વ્યક્તિને માટે નહીં, બધાંને માટે જ શક્ય છે. કેટલીક વાર subjective associationsનો પણ એમાં ફાળો હોય છે: અમુક પ્રકારની સુગન્ધથી મને અમુક વિશિષ્ટ વ્યક્તિ કે પ્રસંગનું સ્મરણ થાય છે. આ ઉપરાન્ત અમુક વિશિષ્ટ પ્રકારની મુદ્રા કે અભિવ્યક્તિથી પણ આ સિદ્ધ થતું હોય છે: કોઈ મુખની રચનાથી આપણા પર ઉદાત્તતાની છાપ પડે છે, માતાના મુખ પરનું સ્મિત એક પ્રકારની મૃદુતાની લાગણી જગાડે છે. જે દૃષ્ટિગોચર થાય છે તેટલા માત્રથી પણ અર્થનું સંક્રમણ થતું હોય છે.

અહીં આપણે ભાષાને એના વ્યાપક અર્થમાં લઈએ છીએ તે સ્પષ્ટ છે. યેસ્પર્સની આ માટેની સંજ્ઞા ‘ciphers’છે. મનુષ્યો જે જુદી જુદી ભાષાઓ બોલે છે તે અમુક નિશ્ચિત અને ચોક્કસ વસ્તુને રજૂ કરે છે. એમાં રેખાયિત અન્વય હોય છે; એનાં ઘટકો શબ્દકોશમાંથી મળી રહે છે, આ પદ્ધતિને કારણે એથી પ્રકટ થતા અર્થમાં બુદ્ધિપુરસ્સરતાનું તત્ત્વ પ્રવેશે છે. મનુષ્ય જે બધી ભાષાઓ પરના પ્રભુત્વનો દાવો કરે છે તે ભાષાઓની માંડણી આખરે તો મનુષ્યે પોતે જેનો આરમ્ભ નથી કર્યો એવી natural language પર જ થયેલી હોય છે. આપણે બાળકોને જુદા જુદા તારાઓને એમનાં નામ કહીને ઓળખાવતા હોઈએ છીએ ત્યારે બાળક સહેજ મુંઝાઈ જઈને આપણને પૂછે છે?‘પણ એમનાં નામ આપણે શી રીતે જાણીએ?એ તારાઓ કદી આપણને એમનાં નામ કહે છે ખરા?’

બાળકનો આ પ્રશ્ન નર્યો બાઘાઈભર્યો છે એમ કહી દઈ શકાશે નહિ. ભાષાવિજ્ઞાન પણ ભાષાનાં યાદૃચ્છિક પાસાંઓ વિશે વિચારે છે. શબ્દોને ભાષાની સમસ્ત વ્યવસ્થા જોડે સમ્બન્ધ છે એટલું જ નહિ, પણ કદાચ જેમને એ ચીંધતા હોય છે તે પદાર્થો જોડે પણ સમ્બન્ધ હોય છે. કવિ અને શિશુ આપણને એવું માનવા પ્રેરે છે. ભાષાના ઉદ્ગમની જેમ એની પ્રકૃતિ પણ એકસરખી સન્દિગ્ધ છે. એ એકી સાથે માનવીહૃી તેમ જ જગતની નીપજ છે; બુદ્ધિ અને પ્રકૃતિની નીપજ છે. કાસીરેર કહે છે તેમ critique of reasonને સ્થાને critique of languageને મૂકવા ઇચ્છતા હોઈએ તો એ critique of impure reason જ બની રહે. પણ આ impurityજરૂરી છે. એ એમ સૂચવે છે કે માનવી કશાક સૂત્રે જગત સાથે બંધાયેલો છે. મનુષ્ય શુદ્ધમાં શુદ્ધ પ્રકારનું ચિન્તન કરતો હોય છે ત્યારે પણ સમ્બન્ધના આ સૂત્રને છેદી નાખી શકતો નથી.

આમphenomenology of speech આપણને અનિવાર્યતયા metaphysics of languageના ક્ષેત્રમાં લઈ જાય છે. જો ontology dogmatic thelogyમાંથી  પ્રેરણા મેળવવાનો દાવો જતો કરે તો phenomenologyજોડે એનો મેળ બેસાડવામાં વાંધો નહિ આવે. પ્રકૃતિને એની પોતાની આગળ પ્રત્યક્ષ કરવાની મનુષ્યની શક્તિ ontologyએ ઝૂંટવી લેવી જોઈએ નહિ. પોતાને કૃતાર્થ કરવાને ખાતર તથા પ્રકૃતિને પણ  કૃતાર્થ કરવા ખાતર મુક્ત થવા માટે મનુષ્ય જે પ્રવૃત્તિ કરે તેની ontologyએ અવજ્ઞા કરવી ન જોઈએ.

આપણે ભાષાના વિધેયાત્મક અભ્યાસમાં ફરીથી phenomenologyના દૃષ્ટિકોણનો સમાવેશ કરવા ઇચ્છીએ છીએ. એ પછી આપણને ontologyતરફ દોરી જશે. પહેલાં આપણે ભાષાવિજ્ઞાની પાસે સાહેદી પુરાવીશું. એ ભાષાને પ્રકૃતિનો પદાર્થ ગણીને ચાલે છે, પણ આ પ્રકૃતિ તે એવી objectified પ્રકૃતિ છે જેમાંથી માનવીને જ બાદ કરી નાખવામાં આવ્યો છે; એમાં પ્રકૃતિ પોતાને વ્યક્ત કરતી હૃથી. આપણે Syntacticsથી Semantics તરફ ફરીથી વળીશું તો જ સાચી માનવવાણીને પામીશું અને એને પ્રેરનાર તથા પ્રસ્તુત કરનાર જગતની ભાષાને પણ પામીશું.

પછી અર્થને લક્ષમાં લઈને તર્કશાસ્ત્રની સાહેદીને તપાસીશું. અહીં માનવી ભાષા પર પૂરું સ્વામીત્વ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. પણ પ્રકૃતિમાં પ્રસરેલા ભાષાનાદ્વ મૂળને પૂરેપૂરાદ્વ છેદી નાખી શકાય?ભાષા શી રીતે સમ્ભવિત બને છે એ પ્રશ્ન પણ પૂછવાનો રહેશે. આ કક્ષાએ ભાષા metaphysics of languageનો વિષય બની રહે છે. એને દોરનારું તત્ત્વ તે માનલ્વાણીની phenomenologyછે. આમ કરતાં આખરે વાણીને કવિતામાંથી પામીશું. આ વિશેનો છેલ્લો શબ્દ ઉચ્ચારવાનું કવિતાના પર જ છોડી દઈશું.

ભાષાવિજ્ઞાનની પદ્ધતિ અને એનાં પરિણામો વિશે વિગતે વાત કરવાનું અહીં પ્રસ્તુત નથી. ફિલસૂફીની દૃષ્ટિએ જે મુદ્દાઓ પર ભાર મૂકવા જેવું લાગે તેનો જ અહીં નિર્દેશ કરીશું. એનાથી ભાષાવિજ્ઞાનની સમસ્ત પ્રવૃત્તિની મર્યાદાઓ ચીંધી બતાવી શકાશે અને પૂરક નીવડે એવો નવો અભિગમ સૂચવી શકાશે. અહીં ભાષાવિજ્ઞાનની આલોચના કરવાનો આશય નથી. એ જે કરવાનું તાકે છે તે બહુ સારી રીતે કરી શકે છે. આમ છતાં ભાષાવિજ્ઞાનને કારણે આપણે phenomenology of languageને છોડી દઈ શકીએ એવું લાગતું નથી.

અત્યારનું ભાષાવિજ્ઞાન જૂનું વ્યાકરણ જે normative દૃષ્ટિબિન્દુ ધરાવતું હતું તેને સ્વીકારતું નથી. એ ભાષાનો અભ્યાસ કરવાનું માથે લે છે. એની સિદ્ધિઓ ગણનાપાત્ર છે. એણે જે વિભાવનાઓનાં ઓજાર નિપજાવી લીધાં છે તેનો માનવવ્યવહારને સમજાવવા મથતા સમાજવિજ્ઞાનીઓ પર ભારે પ્રભાવ પડ્યો છે. એ ઓજારોનો વિનિયોગ  જ્ઞાનની બીજી શાખાઓમાં પણ થઈ શકે અને એ રીતે માનવવિદ્યાઓ હંમેશાં આવાં સવઉંસામાન્ય સૂત્રની શોધમાં રહેતી હોય છે. તર્કશાસ્ત્રની દૃષ્ટિએ માનવવિદ્યાઓમાં દેખાતી વિભિન્નતા અને વિસંવાદિતા ટીકાપાત્ર બની રહી છે. આ સન્દર્ભમાં 1952માં બ્લૂમંગ્ટિન, ઇન્ડિયાનામાં નૃવંશવિદ્યા વિશે યોજાયેલા સંવિવાદમાં ફ્રેન્ચ સમાજવિજ્ઞાની ક્લોદ લેવી- સ્ટ્રોસે જે કહેલું તે યાદ કરવું ઘટે. ભાષાવિજ્ઞાન સમાજવિજ્ઞાનને માટે નમૂનારૂપ બની રહેશે એવું એમણે નિ:સંકોચ કહ્યું હતું. ભાષા અને સંસ્કૃતિ વચ્ચે એકબીજાને ઉપકારક એવો સમ્બન્ધ છે એ એમને મતે પૂરતું નથી. ભાષા સંસ્કૃતિની નીપજ છે અને સંસ્કૃતિના અસ્તિત્વ માટેની એક અનિવાર્યતા પણ છે. બે વચ્ચે સ્વાભાવિક સમ્બન્ધ છે, કારણ કે બન્ને વચ્ચે સ્વાભાવિક સમ્બન્ધસૂત્ર છે. કારણ કે બન્ને એક જ પદ્ધતિને વશ વર્તે છે. આ મુદ્દો પછીથી આપણે વીગતે તપાસીશું.

પ્રારમ્ભમાં અર્વાચીન ભાષાવિજ્ઞાનના વિકાસના મુખ્ય તબક્કાઓને સંક્ષેપમાં જોઈ લઈએ. આનું મંગળાચરણ કરવાને માટેનો મૂળભૂત નિર્ણય સોસ્યૂરે લીધો હતો. એણે languageઅને speech વચ્ચે વિવેક કર્યો અને speechને ભાષાની અનુગત લેખી. આને પરિણામે એમણે Synaticsને Semantics કરતાં મહત્ત્વનો દરજ્જો આપ્યો. આનું કારણ શું તે સમજી શકાય તેવું છે. Speech એક વિશિષ્ટ અને contingent (સમ્ભાવ્ય)ઘટના છે. એ વ્યક્તિની ચેતના સાથે સંકળાઈને રહે છે. જ્યારે ભાષા એક positiveપદાર્થ છે; એ પ્રમાણમાં સ્થિર અને અમુક વિશિષ્ટ સંજોગોથી સ્વતન્ત્ર છે. શબ્દકોશમાં અને વ્યાકરણોમાં મને એની ભાળ મળે છે. ભાષા હું જેનું નિરીક્ષણ કરી શકું એવો પદાર્થ છે. શબ્દોની સપાટી પર જ જાણે એને જોઈ શકાય છે, જ્યારે મને એના વક્તવ્ય કે અર્થ જોડે ઝાઝી નિસ્બત હોતી નથી. પણ એના material basis જોડે નિસ્બત હોય છે. એનાં ઉચ્ચારણોની વિલક્ષણતા કે પદવિન્યાસ પર ધ્યાન આપ્યા વિના આખા વક્તવ્યમાં જે સર્વસામાન્ય અને જરૂરી છે તેની નોંધ લેવાય છે.

આ રીતે speechથી ભાષાને જુદી પાડીને એક આપેલા પદાર્થ રૂપે એને જોવી અને એને તપાસવા માટે positivistic પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. પણ આ વિશે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જે અર્થમાં speech વાસ્તવિક છે તે અર્થમાં ભાષા જો વાસ્તવિક પદાર્થ ન હોય અને એને બદલે એ એક આદર્શ પદાર્થ બની રહેતી હોય તો જ આ શક્ય છે. હુસેર્લે આદર્શ પદાર્થની જે વ્યાખ્યા આપી છે તે અહીં સંભારીએ: જે ઉપલબ્ધ છે તેની સપાટી પરથી જ જે બોધ અથવા અર્થ વાંચી શકાય તે આદર્શ પદાર્થ. આ બોધ કે અર્થ તે જ એ પદાર્થનું સત્ય.

Speech ભાષાનો ઉપયોગ કરે છે એનો અર્થ જ એ કે એને ભાષાની પૂર્વાપેક્ષા રહે જ છે; ભાષામાં અમુક પ્રકારની સ્વયંનિર્ભરતા હોય છે જેથી ભાષા એને વાપરનારને માટે કેવળ સાધન રૂપ બની રહેતી નથી; એ એક નમૂનારૂપ modelબની રહે છે; કારણ કે જે બોલે છે તેને ભાષાને અધીન રહેવાની અને પોતે ભાષાથી બંધાયેલી છે એવી રીતે બોલવાની ફરજ નથી પડતી?માનવી બોલે છે કારણ કે એની પાસે ઉચ્ચારણ કરવા માટેનાં અંગો છે માટે એ બોલે છે એમ કહેવાને બદલે કેટલાક જીવવિજ્ઞાનીઓ એમ કહેવાનું પસંદ કરે છે કે માનવીને બોલવું જરૂરી છે માટે એની પાસે ઉચ્ચારણ માટેનાં અંગો છે. બર્ગસોંએ ઉત્ક્રાન્તિની પ્રક્રિયામાં લક્ષ્યનું આરોપણ કરતાં એમ કહેલું કે પ્રકૃતિએ માનવીને જોવાને માટે ઇન્દ્રિય આપી છે. કારણ કે એને માટે જોવું જરૂરી છે. આ વાત કંઈક એના જેવી જ થઈ. પણ અહીં એ ઉમેરવું જોઈએ કે માનવીને બોલવું જરૂરી છે કારણ કે ભાષા એની પોતાની સમ્પૂર્ણતા તરફ આગળ વધે છે. હું બોલું છું ત્યારે મારા શબ્દો મને ભાષાનો જ, ભલે અપૂર્ણ, સાક્ષાત્કાર કરાવે છે. એ એક આદર્શ પદાર્થનું મૂર્ત રૂપ છે જે મારે માટે એક સાથે આરમ્ભબિન્દુ તથા સિદ્ધ કરવાનું લક્ષ્ય પણ છે.

આમ અહીં હુસેર્લે આરમ્ભબિન્દુ અને લક્ષ્યના જે dialecticની વાત કરી છે તે જોવા મળે છે. જેમ વિચારના ક્રમમાં એનું સારભૂત તત્ત્વવિચારની પ્રક્રિયા પૂરી થયા પછી તથા એ પ્રક્રિયામાં અન્તનિર્હિત થઈને પણ રહ્યું હોય છે તેમ ભાષા તો હું મારા શબ્દોથી ઉપજાવતો હોઉં એવું માનવામાં આવે છે, પણ એ તો હું બોલવાનું શરૂ કરું તે પહેલાં પણ હતી જ. એ જ રીતે પાઠ ભજવનાર અભિનેતા કશું સર્જ્યા વિના સર્જક બને છે કારણ કે એ અમુક મોડેલને realizeકરે છે જેને એ અનુસરે છે.

પણ આદર્શ પદાર્થ જો અન્તમાં હોય તો પછી એ પ્રારમ્ભમાં શી રીતે હોઈ શકે?આ ભાષાનું મોડેલ ખરેખર ક્યાં હોય છે, અથવા મોડેલ તરીકેની ભાષા – જો એ માનવીની વાણી પહેલાં અસ્તિત્વમાં આવતી હોય તો – ક્યાં હોય છે?અભિનેતાને માટે તો નાટકનો પાઠ મોડેલને સ્થાને છે એમ કહી શકાય;પણ એ પાઠનું અર્થઘટન કરવાનું રહે છે; તો એ અર્થઘટનને માટેનું ધોરણ કયું?કડ્ઢાકૃતિનું સત્ય એના લક્ષ્ય તરીકે જ રહે છે. એ ધોરણ સમજવું અઘરું હોવા છતાં એ એનું અર્થઘટન કરનારને માટે તથા પ્રેક્ષકને માટે એ પ્રયોજન સિદ્ધ કરી આપનારું નીવડે છે. બોલનાર માણસ પણ આ જ સ્થિતિમાં હોય છે: એ અસ્તિત્વમાં આવ્યા પહેલાંના મોડેલને વ્યક્ત કરે છે. એવું જ ભાષાવિજ્ઞાનીનું છે, કારણ કે એ આ મોડેલની વ્યાખ્યા આપતો હોવા છતાં એને કૃત્રિમ પદાર્થની જેમ કે તર્કશાસ્ત્રી કરે છે તેમ સંકેતોની વ્યવસ્થાની જેમ ઉપજાવી કાઢતો નથી. વ્યાકરણ રચવું કે ધ્વનિવિજ્ઞાન(phonetics) પરનું પુસ્તક લખવું એટલે આ મોડેલનો આધાર લેવો. આથી એ પ્રશ્ન તો ઊભો જ રહે છે: એ મોડેલ ક્યાં છે?આપણે ભાષાની ontologyમાં સંડોવાવાનું મહામુશ્કેલીએ ટાળી શકીએ. સોસ્યૂરે ડર્કહાઇમ પાસે દીક્ષા લીધી હતી તેથી એને માટે આ પ્રશ્નનો ઉત્તર સહેલો છે: ભાષા એક આદર્શ પદાર્થ તરીકે collective consciousnessમાં રહી હોય છે. આ આદર્શ પદાર્થ એક સામાજિક તત્ત્વ છે. આ દૃષ્ટિબિન્દુમાં પ્લેટોની ફિલસૂફીનું તથા sociologismનું વિલક્ષણ મિશ્રણ થયેલું દેખાશે. પણ આપણે એને વિશે વિચારીશું તો એથી ઝાઝું અચરજ નહિ થાય. પ્લેટોની forms વિશેની વિચારણાનાં મૂળ સમાજવિદ્યામાં જ રહેલાં છે. એ જે હોય તે,આપણે માટે તો આ સમસ્યા રહે જ છે. આ collective consciousnessને એની વાસ્તવિકતા વ્યક્તિની ચેતનામાંથી જ પ્રાપ્ત થાય છે, જેમ સંસ્કૃતિને એની વાસ્તવિકતા એ સંસ્કૃતિમાં જીવનારી વ્યક્તિઓમાંથી પ્રાપ્ત થાય છે. એ વ્યક્તિઓ જ એનું સંક્રમણ અને રૂપાન્તર કરતી રહે છે. આથી આપણે ફરી બોલનારી વ્યક્તિ આગળ આવીને અટકીએ છીએ. આમ આપણે phenomenology of speech ટાળી શકતા નથી. ભાષાના આ positivisticઅભ્યાસના મુખ્ય મુદ્દાઓને આપણે પહેલાં તપાસીએ. ભાષાને એક પદાર્થ રૂપે લેખવી એટલે એ એક system છે તે સ્વીકારવું. એ એક અખંડ સ્વયંપર્યાપ્ત અને સુસમ્બદ્ધ એવી વાસ્તવિકતા છે જેનાં ઘટકો એવી સમગ્રતા રચે છે જે અમુક નિયમોને વશ વર્તે છે. દરેક ભાષાને એની આગવી physiognomy છે, એ પોતાનાં લાક્ષણિક ઘટકોને ગોઠવી લે છે – જેવા કે શબ્દો – અને પોતાના વિશિષ્ટ નિયમોને એ ઉપજાવી લે છે તે સહેલાઈથી સમજાય તેવું છે. પણ અહીં એક સન્દિગ્ધતા રહેલી છે;આ નિયમો અમુક રૂઢિ કે શાસને ઉપજાવ્યા હોય અથવા તો એના વડે ધ્વનિઘટકો(phonemes)વચ્ચેના પ્રભેદોને આત્મસાત્ કરવાનું નિયહિત્રત થતું હોય. આવી બાબતોમાં કશી systemનો ખ્યાલ જ સન્દિગ્ધ બની રહે છે; જો આવી system એ કશી સમગ્રતા(totality) હોય (અહીં વ્યાકરણને એના મર્યાદિત અર્થમાં જ લેવાનું છે) કે પછી શબ્દકોશમાં હોય છે તેમ એ elementsની સમગ્રતા હોય કે પછી એ ધ્વનિઘટકોની systemહોય. આ પૈકી એકમાં નિયમોનું સંકલન હોય છે ને બીજામાં elementsનું એટલો જ ફેર નથી કારણ કે દરેક systemમાં આ બેનો તો સમાવેશ થયેલો જ હોય છે. દરેક systemએ અમુક નિયમને વશ વર્તીને સિદ્ધ કરવામાં આવેલી elementsની સમગ્રતા જ હોય છે. આ બે પદ્ધતિઓને જે જુદી પાડે છે તે elementsના સ્તર વચ્ચેનો ભેદ છે. વ્યાકરણની વ્યવસ્થાને શબ્દ સાથે કામ પાડવાનું હોય છે અને લખાણમાંના એના વિન્યાસ વિશેના નિયમો જ એ નિર્ધારિત કરે છે. ધ્વનિવિષયક વ્યવસ્થાને શબ્દ સાથે કામ પાડવાનું હોય છે અને લખાણમાંના એના વિન્યાસ વિશેના નિયમો એ નિર્ધારિત કરે છે. ધ્વનિવિષયક વ્યવસ્થાને ધ્વનિઘટકો સાથે લેવાદેવા હોય છે અને વાણીના પ્રવાહમાં આ ધ્વનિઘટકો કેવી રીતે યોજાતાં હોય છે તેના નિયમોને એ છતા કરે છે. આથી એમ લાગવા સમ્ભવ છે કે પ્રથમ વ્યવસ્થા તે સાચી વ્યવસ્થા છે જ્યારે બીજી અમુક એક ક્ષેત્ર માત્ર છે. આમ છતાં વ્યાકરણથી જે વ્યવસ્થાનું ગઠન થાય છે તે એક નામને પાત્ર ઠરતી નથી. એના નિયમો નિયમો તરીકે જોઈએ તો યદૃચ્છાત્મક હોય છે એટલું જ નહિ પણ એમની સમગ્રતા પણ સુસંગત કે સમ્પૂર્ણ હોતી નથી. આની પડછે અમુક ભાષાનાં ઘટકોથી બનતું ક્ષેત્ર એ વાસ્તવમાં એક વ્યવસ્થા બની રહે છે; અલબત્ત, એમાં તમને એક લાક્ષણિક સંરચના(structure) વર્તાઈ આવવું જોઈએ.

આજનાStructural Linguisticsમાં આ structureશબ્દ એક પાયાની સંજ્ઞા બની રહે છે. આ સંજ્ઞા પણ gestaltસંજ્ઞાની જેમ સન્દિગ્ધ છે. એક બાજુથી એ જીવવિજ્ઞાનનો સંકેત સૂચવે છે. એ અમુક પુદ્ગલની એકતાને સૂચવે છે; એને એનું functional આગવાપણું હોય છે. એના વિકાસના તથા પરિવેશ પ્રત્યેની પ્રતિક્રિયાના ઉચિત નિયમો હોય છે. બીજી બાજુ આ સંજ્ઞા એક ગાણિતિક એકતા, જેમાં અમુક નિશ્ચિત મોડેલને આધારે અમુક ઘટકોનું સંયોજન થયું હોય એવી વ્યવસ્થાને સૂચવે છે. આમ આ સંજ્ઞા બે જુદાં જુદાં મોડેલ સૂચવે છે, જે isomorphic નથી. આ બે મોડેલ વચ્ચેનો સમ્બન્ધ તે એક ભારે રસપ્રદ દાર્શનિક સમસ્યા છે. જીવવિજ્ઞાનના મોડેલને હંમેશાં ગાણિતિક મોડેલ અપેક્ષિત હોય છે કે કેમ એ પ્રશ્ન પણ ચર્ચવા જેવો છે.

ભાષાવિજ્ઞાન આ સમસ્યાનું કદાચ નિરાકરણ કરી આપે છે. જો આ ભાષાને formalize કરતું હોય તો એ ભલે વિરોધાભાસભર્યું લાગે, એને એક natural object તરીકે લેખવું વધુ ઉચિત છે. આપણે ભાષાના જીવનકાળની વાત તો કરતા હોઈએ છીએ. આમ છતાં, ભાષાવિજ્ઞાન આ structureસંજ્ઞાના અર્થને વિશિષ્ટ મોભો આપે છે, જે ગાણિતિક ભલે નહિ હોય, પણ formal તો છે જ,એને એક closed system તરીકે જોવામાં આવે છે જેમાં એમાંના એક ઘટકમાં થતો કશો ફેરફાર બીજાં ઘટકોમાં ફેરફાર લાવે છે, અને જેમાં એ systemની ઉત્તરોત્તર સ્થિતિઓમાં થતો ફેરફાર એ વિશેની નિશ્ચિત સ્વરૂપની આગાહી કરી શકાય એ પ્રકારનો હોય છે.

પણ આવા syntactical structure (પદવિન્યાસની સંરચના)થી સંકેતિત થતાં ઘટકો કયાં હોય છે?પરમ્પરાગત વ્યાકરણ સૂચવે છે તેમ એ અમુક વિશિષ્ટ શબ્દો નથી હોતા. જો structure રૂપગત(formal)હોય તો એમાં સંકલિત થતાં ઘટકો abstractજ હોય; એમની વ્યાખ્યા એમના વિશિષ્ટ ગુણધર્મોને આધારે બંધાતી નથી, પણ એ વ્યવસ્થાની અંદરના એમના પારસ્પરિક સમ્બન્ધને આધારે બંધાતી હોય છે. આમ એમની વાસ્તવિકતા સાપેક્ષ અને negative સ્વરૂપની  હોય છે. સોસ્યૂર કહે છે કે ભાષામાં માત્ર ભેદો હોય છે; કોઈ positive term હોતી નથી. અણુ વિશે આધુનિક epistemology આવું જ કંઈક કહેશે. Classical physicsમાં વાસ્તવિકતાની વ્યાખ્યા આપવામાં આવી છે: એ વ્યક્તિમત્તાની વિભાવના જે બિલકુલ સ્વાયત્ત હોય છે અને systemજે બિલકુલ unified હોય છે તે વચ્ચેની એક અવાન્તર સ્થિતિ છે. આનો અર્થ એ નથી કેabstract concrete તરફથી પીઠ ફેરવી લે છે; એથી ઊલટું, એ તો જરા વાંકેચૂકે રસ્તે થઈને concrete તરફ જ જાય છે. આદર્શ પદાર્થ તે વાસ્તવિક પદાર્થનું સત્ય છે; જેમ સાપેક્ષતાવાદનો સિદ્ધાન્ત તે અણુબોમ્બનું સત્ય છે. આમ છતાં abstractજે concreteને જઈને ફરીથી મળે છે ને ફરીથી શોધે છે તે સાદાસીધા ઇન્દ્રિયપ્રત્યક્ષથી ઉપલબ્ધ થતું કે પ્રાથમિક સ્વરૂપની ટેકનિકથી પમાતું concrete નથી. અણુબોમ્બ તે કાંઈ દીવાળીમાં ફોડવાનું દારૂખાનું નથી. આમ ભાષાવિજ્ઞાન શબ્દોથી નિરપેક્ષ એવું ભાષાનું બીજું લક્ષણ શોધવા આગળ વધે છે; બોલાતી ભાષા અવાજોનો સમૂહ છે જ્યારે જેનું પૃથક્કરણ થાય છે તે ભાષા ધ્વનિઘટકોની વ્યવસ્થા છે.

વાસ્તવમાં સોસ્યૂરનું ભાષાવિજ્ઞાન phonology આગળ આવીને અટકે છે. એનું ઘટક phonemeછે, જેની વિભાવના ભાષાના phonemesની સમગ્ર વ્યવસ્થાના અનુલક્ષમાં કરવામાં આવી હોય છે. જો individualityનહિ હોય તો content તો હોવી જ જોઈએ, પણ Troubetskoi કહે છે તેમ આ content એની સમ્બદ્ધ એવી વિશિષ્ટતાઓનો સમૂહ હોય છે. એટલે કે એને બીજા phonemeથી જુદો પાડનાર બધાં લક્ષણો હોય છે. અલબત્ત, આ લક્ષણોને પણ બોલાતા શબ્દ – અવાજની સાથેના સમ્બન્ધમાં ઓળખાવવાં જોઈએ. એ બધાં ઉચ્ચારણનાં લક્ષણો હોય છે (દા.ત. ‘ર’ના જુદાં જુદાં ઉચ્ચારણો: vibrant, fricative, rolled)પણ ભાષાવિજ્ઞાનીઓ એ વાત પર ભાર મૂકે છે કે બોલતી વેળાએ શબ્દોની શૃંખલામાં જે અવાજ થાય છે તે point of reference તરીકે લેખવાનું છેતરામણું નીવડે તેમ છે;કારણ કે એ phonemeના appropriate rationalizationથી વિશેષ કશું હોતું નથી. આથી જ કેટલાક મનોવૈજ્ઞાનિકો (દા.ત.જ્યોર્જ એ.મિલર) phonemeની વ્યાખ્યા અવાજની frequencyના spectrographic measurementથી આપવાનું પસંદ કરે છે. એમાં actual acoustics dataને લક્ષમાં લેવામાં આવે છે.

બ્લૂમફિલ્ડે કહ્યું છે: ‘કોઈ phonemeનું મહત્ત્વ અવાજનાં મોજાંઓના actual configurationમાંથી ઊભું થતું નથી, પણ ભાષામાંના આ configuration અને બીજા configuration વચ્ચેના ભેદમાંથી ઊભું થાય છે. આમ એક phonemeને બીજા phoneme સાથે શો નિશ્ચિત સ્વરૂપનો સમ્બન્ધ છે તેને આધારે એનાં લક્ષણો બાંધવામાં આવે છે. એ સમ્બન્ધ વિરોધ અને સાદૃશ્યના હોઈ શકે, એ બધી જુદી જુદી માત્રાના સંમિશ્રણોના હોઈ શકે, substitution અને confusionના પણ હોઈ શકે. આને પરિણામે એ phonemeને phonemeના કોષ્ટકમાં અમુક ચોક્કસ સ્થાન આપવામાં આવે છે જેમાંની કેટલીક ખાલી જગ્યાઓ નવા તત્ત્વના સમ્ભવિત ઉદ્ભવનો નિર્દેશ કરતી હોય છે. આમ phonology એ ઘટકોના પારસ્પરિક સમ્બન્ધો પર આધાર રાખતી વ્યવસ્થા છે. Troubetskoiએને ‘a theory of oppositions’ કહીને ઓળખાવે છે.

તોstructuralismપણ એક પ્રકારનું functionalism છે એમ આપણે કહીશું?Structuralismના ઉદ્દામવાદી પુરસ્કર્તાઓfunctionalismને જરા શંકાની નજરે જુએ છે. એમને મન functionalismની વિભાવના જીવવિજ્ઞાનમાંની બંધારણ વિશેની વિભાવનામાંથી ઉછીની લીધેલી અને સન્દિગ્ધ સ્વરૂપની છે. આમ છતાં કોઈ પણ systemમાં પારસ્પરિક સમ્બન્ધો, કાર્યો તથા સહઅસ્તિત્વના ખ્યાલોને એકબીજાથી અળગા રાખવાનું મુશ્કેલ તો છે જ. હેરિસ આ functionના ખ્યાલને સાવ નકારી કાઢે છે, એ પ્રયોજન સિદ્ધ કરવાની વાતને જ સ્વીકારતા નથી. પણ જો એમ કરીએ તો ભાષા અમુક પ્રયોજનને સિદ્ધ કરે જ છે એ હકીકતનો સ્વીકાર નહિ કરવા જેવું થશે. આથી તો પછી semanticsને લક્ષમાં લેવાનું પણ કશું કારણ રહેશે નહિ. બહુ ઉદ્દામવાદી નહિ એવા સંરચનાવાદીઓ છેક આવું કરતા નથી. એમને મતે phoneme શબ્દો શબ્દો વચ્ચેનો ભેદ પ્રકટ કરી આપવાનું સાધન છે, આથી અર્થનું સંક્રમણ સિદ્ધ થાય છે.

કોઈ પણ સંરચનાની વ્યવસ્થામાં વિરોધનું મહત્ત્વ એની કાર્યસાધકતાને આધારે નક્કી થાય છે. (દા.ત. ગોળ અને ગોળ – આથી અર્થભેદ સિદ્ધ થાય છે). ભાષામાં જે કાંઈ વધારાનું છે તેનો લોપ થતો જાય છે અને જે અનિવાર્ય છે તેના પર જ ભાર મુકાતો જાય છે. છતાં આ તબક્કે હજી semanticsને એના સાચા અર્થમાં લક્ષમાં લેવામાં આવ્યું નથી તે નોંધવું જોઈએ. શબ્દ સમવાયમાં phonemeને એક વિશિષ્ટ ઘટક રૂપે ઓળખી કાઢવામાં આવે છે. એનું મહત્ત્વ એટલામાં જ સમાયેલું છે. Troubetskoi કહે છે: ‘Its meaning is its power to distinguish and differentiate itself.’

આ બધાંને પરિણામે ભાષાની information theoryને આધારે વિચાર કરવો શક્ય બની રહે એવું લાગે. આનું કારણ એ છે કે ભાષા પોતાના સિવાય બીજા કશાની માહિતી આપતી નથી, કારણ કે સંકેતોના સંક્રમણથી ભાષા દ્વારા કશા અર્થનું સંક્રમણ કર્યા વિના, વ્યવહાર ચલાવી શકે. બીજી રીતે કહીએ તો માનવવ્યવહાર ચલાવી શકે. બીજી રીતે કહીએ તો માનવવ્યવહાર અહીં quantitatively measured informationના mechanical communication પૂરતો સીમિત રહે છે. આ information theory વાસ્તવમાં તો engineering theory છે. સંદેશાનું વહન કેવી રીતે કરવું તે મુખ્ય પ્રશ્ન છે. આ સંદેશો અમુક સંકેતોનો બનેલો હોય છે જેને પારખી લેવાના હોય છે, પણ જેને સમજવાના હોતા નથી. તાર મોકલનારો જ્યારે સંદેશો મોકલે છે ત્યારે ‘father deceased’ કે ‘father released’ એને માટે તો સરખું જ હોય છે, પણ જેને આ સંદેશો મળે છે તેને માટે તો એથી ખાસ ફેર પડી જતો હોય છે. આ દૃષ્ટિએ જોતાં informing એટલે માત્ર appearance of a selected stimulus in an ensemble of distinguishable stimuli. આ રીતે જોઈએ તો ભાષાને statisticsની પદ્ધતિએ તપાસી શકાય. માત્ર phonemesપરત્વે જ નહિ પણ શબ્દો અને પદવિન્યાસ પરત્વે પણ frequency rate કાઢી શકાય. આથી lexicographyઅને વ્યાકરણનો પણ સાથે phonologyની પદ્ધતિથી અભ્યાસ થઈ શકે.

આવા અભ્યાસમાં Structuralism અને Cybernaticsસાથે મળીને કામ કરતાદ્વ હોય છે. આ positivisticજમાનાની માગને ભાષાવિજ્ઞાન વશ વર્તતું લાગે છે. આવી ભાષા એવો પદાર્થ બની રહે છે જેનું સૈદ્ધાન્તિક દૃષ્ટિએ પૃથક્કરણ થઈ શકે અને વ્યવહારમાં manipulationથઈ શકે. આથી જ તો translation machineની રચના શક્ય બની છે. હવે બે મુદ્દા વિચારવાના રહે છે: ભાષાના કેટલાંક પાસાં આવા અભિગમને અનુકૂળ નહિ પણ નીવડે અને આ પાસાંઓને તપાસવા માટે કેટલીક નવી જ વિભાવનાઓની કદાચ જરૂર પડે.

ભાષાનેspeechથી નિરપેક્ષ પદાર્થ તરીકે લઈએ તો પણ એમાં બહારથી અમુક પ્રકારના temporal perspectiveનો પ્રવેશ  કરાવવાનું જરૂરી થઈ પડે છે, કારણ કે structural linguistics ભાષાના સમયના પરિમાણને અવગણીને ચાલે છે. ભાષાના nontemporalપાસાં પછી એના temporal પાસાંનો અભ્યાસ આવવો જ જોઈએ. ભાષાને તમે એક systemગણો, એક આદર્શ પદાર્થ ગણો તો એ સમયબાહ્ય સમયનિરપેક્ષ બની રહે; એ પછી જીવનમાં થતાદ્વ પરિવર્તનોને અધીન થઈને રહે નહિ. શતરંજની રમતનો દાખલો લઈને આ સ્પષ્ટ કરીએ: એ રમત કેમ રમાય તે જાણવું હોય તો એના નિયમો શીખવા પડે, અને પદવિન્યાસના નિયમોની જેમ આ નિયમો પણ સમયનિરપેક્ષ, અથવા હુસેર્લની સંજ્ઞા વાપરીને કહીએ તો omnitemporalસર્વકાલીન હોય છે. એ બધાં સ્થળસમય માટે લાગુ પડતાં હોય છે. એથી ઊલટું, જ્યારે બે ખેલાડીઓ શતરંજ રમતા હોય છે ત્યારે એ ઇતિહાસના ક્રમમાં આવતી એક ઘટના બની રહે છે: એની દરેક ચાલ સમયના ચોક્કસ ગાળામાં, એની આગલી ચાલની પછી અને પછીની ચાલની પહેલાં, થતી હોય છે. આમ છતાં રમતની દરેક ક્ષણની momentary systemહોય છે.  આ સમજવાને રમતને એક અખણ્ડ પુદ્ગલ તરીકે જોવાની જરૂર છે જેનાં બધાં ઘટકો એકબીજા સાથે બરાબર ગોઠવાઈ જતા હોય અને એકના ખસવાની અસર બીજા બધાંના પર પડતી હોય, દરેક ચાલ ઇતિહાસનો, સમયના ગાળાનો એક ભાગ બની રહે છે. એની પછી જે આવવાનું છે તેના પર એ અસર પાડે છે. એમ કેટલીક શક્યતાઓ ખુલ્લી કરે છે તો કેટલીક શક્યતાઓ બંધ પણ થઈ જાય છે. પણ રમત જે સમયના ગાળામાં ચાલે છે તે momentary system નથી, એ cartesian time છે, એટલે કે એ discontinuous instantsનો ક્રમ હોય છે. જુદી જુદી ચાલને જોડનારી કડી logicalહોય છે, chronological નહિ. રમતને સમજાવતી વેળાએ એ રમત કેટલી લાંબી ચાલી તે કહીને કે એનો ઇતિહાસ આલેખીને કોઈ સમજાવતું નથી, એની દરેક ચાલનું તર્કબદ્ધ પૃથક્કરણ કરીને જ એને સમજાવી શકાય. ભાષાવિજ્ઞાને કંઈક આવું જ કરવાનું માથે લીધું હોય છે. દા.ત. કોઈ એક શબ્દને એના ઇતિહાસથી કે વ્યુત્પત્તિથી સમજાવાતો નથી, એ systemમાં એનું સ્થાન અને કાર્ય શું છે તે દ્વારા એને સમજાવવામાં આવે છે. એમ કહેવાય છે કે રસપ્રદ લાગતી વ્યુત્પત્તિ તે ખોટી વ્યુત્પત્તિ જ હોય છે. લોકોમાં આવી વ્યુત્પત્તિ એથી ઊભી થતી રમૂજને કારણે જાણીતી હોય છે. પ્લેટોએ પણ એના દાખલા Cratylusમાં આપ્યા છે. ભાષાની અમુક સ્થિતિ દ્વારા જે અધ્યાસો વિશેની અર્ધસસપ્રજ્ઞાત અભિજ્ઞતા હોય છે તેમાંથી આવી વ્યુત્પત્તિઓ રચાતી હોય છે. Thus linguistic abstracts from all becoming. સોસ્યૂર જેવાની દૃષ્ટિએ તો ભાષાવિજ્ઞાન Leibnizian બનતાં પહેલાં Cartesian જ હોય છે.

આમ છતાં ભાષાને એનો આગવો જીવનક્રમ હોય જ છે, અને આ જીવનક્રમ જ એના પર પ્રયોજનસિદ્ધિના – teleologyના ખ્યાલનું આરોપણ કરે છે. આ જ અર્થમાં Martinetભાષાના temporal perspective તરફ વળીને ભાષાની એક એવી ‘optimum state’ની કલ્પના કરે છે, જેમાં દરેક phoneme સ્પષ્ટ, ભિન્ન, અનિવાર્ય અને પર્યાપ્ત બની રહ્યો હશે. Troubetskoiપણ ભાષાના ‘સંવાદિતા તરફના વલણ’નો ઉલ્લેખ કરે છે. પણ ભાષાવિજ્ઞાનીનો આ સંવાદિતાનો ખ્યાલ કેવળ mechanical હોય એમ બનવાનો પૂરેપૂરો સમ્ભવ છે. એ અમુક વ્યવસ્થાની સમયને અમુક તબક્કે દેખાતી stabilityની અવસ્થા છે. જેમ system વધારે વિશદ અને canonical તેમ આ stabilityની માત્રા વધારે. આ stability બે  વિરોધી આવશ્યકતાઓનું પરિણામ છે: એક બાજુથી માહિતી આપવાની આવશ્યકતા જેમાં સંકેતો બને તેટલા ઓછા બિનજરૂરી હોય અને બીજી બાજુથી ભાષા બોલનારનો સ્વભાવગત પ્રમાદ જેને પરિણામે બહુ જ સામાન્ય સ્વરૂપની unitiesનો જ એ ઉપયોગ કરે. વળી ઉચ્ચારણનાં અંગોની asymmetryને કારણે કેટલાક તો બાદ જ થઈ જતા હોય છે. આથી Zipf કહે છે: ‘માનવીની સદ્વક્રમણ અને અભિવ્યક્તિની આવશ્યકતા અને ઓછામાં ઓછો માનસિક અને શારીરિક શ્રમ લેવાનું એનું વલણ – આ બે વચ્ચેના સદાના વિરોધથી સામાન્ય રીતે ભાષાની ઉત્ક્રાન્તિ નિયન્ત્રિત થતી રહી છે.’ આ બે વચ્ચેની સમતુલા કદી પૂરેપૂરી સ્થપાતી હોતી નથી. Instability બે પ્રકારની હોય છે: એક આન્તરિક, અને બીજી બાહ્ય. પણ ભાષાની ઉત્ક્રાન્તિ વિશેની આ સમજૂતી આમ તો structuralist દૃષ્ટિબિન્દુને અનુસરતી લાગે તેમ છતાં એમાં કશુંક આખરીપણું finality – છે. ભાષામાં અવિરત ચાલ્યા કરતી સંરચનાઓ જો સમ્પૂર્ણ ગણવામાં આવે એવું રૂપ ધારણ કરવા તરફ વળે અને છતાં એને વિશે પ્રશ્નો ઊભા કરવામાં આવતા હોય તો શું થાય?તો સમસ્યા આ છે: ભાષાનું લક્ષ્ય શેમાં રહ્યું છે?ભાષા શું સિદ્ધ કરે છે?Structural Linguisticsની દૃષ્ટિએ તો ભાષા એક સ્વયંપર્યાપ્ત પદાર્થ છે; એ પોતાના આગવા નિયમોને અનુસરે છે અને એને વાપરનારા માનવીઓથી નિરપેક્ષપણે એ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા તરફ ગતિ કરે છે. એક રીતે કહીએ તો માનવીઓ ભાષાના સાચા સાક્ષાત્કાર માટેનાં માત્ર સાધન કે ઓજાર બની રહે છે. એ આમ તો વિરોધાભાસ જેવું લાગશે પણ આમ કરવાથી ભાષાવિજ્ઞાનીઓ જે જીવવિજ્ઞાનની structureની વિભાવનાને પહેલાં ઉતારી પાડતા હતા (કારણ કે એવી વિભાવનામાં ભાષા જાણે ઉત્ક્રાન્તિ માટેની આન્તરિક શક્તિ ધરાવતી હોય એવું માનવામાં આવે છે) તેની જ ફરીથી પ્રતિષ્ઠા કરતા હોય એવું બને છે. આમ છતાં ભાષા બોલનારા માનવીઓને પણ ગણતરીમાં લેવાં જોઈએ, કારણ કે ભાષા વિશે એમનું જે વલણ હોય છે તેને જાગૃત કરવાનું  અને ભાષા એમની પાસેથી જે કાર્ય સાધવાની અપેક્ષા રાખે છે તેને અવગણવાનું ટાળી શકાતું નથી. ભાષાવિજ્ઞાનીઓએ એ સ્વીકારવું જ રહ્યું કે કોઈ પણ ભાષાનું લક્ષ્ય એની બહાર speechમાં રહ્યું હોય છે. પરિવર્તનનાદ્વ નિકટનાં કારણો એ વ્યવસ્થાની અન્તર્ગત રહેલાં હોય છે, પણ કશીક finalityનો સિદ્ધાન્ત એની બહાર રહ્યો હોય છે. આથી જ તો યાકોબ્સન કહે છે: ‘વાસ્તવમાં ભાષા એ જે વિભાવનાને અભિવ્યક્ત કરતી હોય છે એમ માનવામાં આવે છે તેને માટે ઉપજાવેલું અને તેને અધીન રહેલું સાધન છે.’ આથી સૈદ્ધાન્તિક દૃષ્ટિએ એ વિચારને અધીન રહીને વર્તે છે. આથી એનું મૂલ્ય એ વિચારને કેટલે અંશે ઉપકારક નીવડે છે તેને આધારે કાઢવામાં આવે છે, એનું મૂલ્ય કેવળ formal termsથી નક્કી કરી નહિ શકાય.

જો પરિસ્થિતિ આવી હોય તો ભાષાવિજ્ઞાનની સૌથી મહત્ત્વની શાખા semanticsબની રહે છે. પણ structural linguists મોટે ભાગે એની ઉપેક્ષા જ કરતા હોય છે. Trierજેવાએ structural semantics ઉપજાવવાનો જે પ્રયત્ન કર્યો છે તે શબ્દભંડોળના મર્યાદિત અંશ પૂરતો જ ખપનો છે અને તેથી નિર્ણયાત્મક સ્વરૂપનો બની રહ્યો નથી. આમ કેમ બને છે તે સમજી શકાય તેવું છે. Structuralist theory of Informationને માન્ય રાખીને વર્તે છે અને તેથી ભાષાને સંક્રમણનું સાધન માનવાને બદલે લક્ષ્ય માને છે. વળી એઓને સંકેતો સાથે નિસ્બત હોય છે, અર્થો સાથે નહિ. એમને મન અર્થ એટલે અવાજોનો સ્પષ્ટ બોધ, કેમ જાણે સંદેશો યોગ્ય રીતે મોકલવો એટલું જ મહત્ત્વનું હોય, એને ઉકેલવો કે એનો અર્થ કરવો એનું જાણે કશું મહત્ત્વ જ નહિ હોય.

આમ છતાં ચાઇનીઝ phonemeને ઓળખવા જેટલો ને ચાઇનીઝમાં અપાતા સંદેશને ગ્રહવા જેટલો કાન દક્ષ હોય તેથી ચાઇનીઝ ભાષા સમજાય છે એવું તો માનવાનું જ નથી. Levi-Strauss સૂચવે છે તેમ ભાષાવિજ્ઞાને થોડીક પળોજણને દૂર કરવી જ જોઈએ. કોઈ એવી આન્તરિક અનિવાર્યતા ધ્વનિ અને અર્થને જોડે છે એવો ખ્યાલ એણે હવે છોડી દેવો જોઈએ. ભાષાનું significatory function સીધું ધ્વનિ સાથે સંકળાયેલું નથી, પણ એ ધ્વનિઓ એકબીજા જોડે કેવી રીતે સમ્બન્ધમાં આવે છે તેની જોડે એને સમ્બન્ધ છે એટલું આપણે સ્વીકારી લઈએ તે પણ પૂરતું નથી, કારણ કે ધ્વનિઓના જોડાવાથી શબ્દો કે પદો બને છે જેની સાથે અર્થ સંકળાયેલો હોય છે અને એ અર્થ જાણવા માટે ભાષાનાં ઘટકો અને એની સમ્બન્ધમાં આવવાની વ્યવસ્થા સિવાય બીજું કશુંક વધુ જાણવાનું રહે છે. જે સંકેતિત થાય છે તે જે એને સંકેતિત કરે છે તેનાથી જુદા સ્તરનું હોય છે, એમાં અર્થ નિયત થાય છે અને એનું સંક્રમણ થાય છે. સ્પિનોઝાએ કહ્યું હતું કે વર્તુળનો વિચાર પોતે વર્તુળાકાર હોતો નથી; એ જ રીતે આપણે કહી શકીએ કે ‘વર્તુળ’ શબ્દ તે વર્તુળનો ખ્યાલ બની જતો નથી.

ભાષા અને વિચાર વિશેના સમ્બન્ધની મનોવૈજ્ઞાનિક સમસ્યાને પણ તપાસવાની રહે છે. હાલ પૂરતું તો આપણે એ નોંધી લઈએ કે આગળ જે કહ્યું તેમાંથી કોઈ પણ પ્રકારના behaviouristicઉકેલને બાદ રાખવાનો છે. એવો ઉકેલ શાબ્દિક સંકેતને arbitrary signal ગણે છે, જેનો અર્થ આપણામાં પ્રતિભાવ જગાડે છે, પણ સમજ જેવું કશું ઉપજાવતો નથી. Information theory અને Behaviouristic Psychology સાથે સાથે જ ચાલતાં હોય છે. વ્યવહારના અમુક ખણ્ડને જ આપણે તપાસતા હોઈએ ત્યારે એ બરાબર છે, દા.ત. કામદાર એનું કામ કરતો હોય છે ત્યારે – એ વર્તન એને જે કામ કરવાનું હોય તેને અંગેની કેટલીક સૂચનાઓથી નિયન્ત્રિત થતું હોય છે. એનો ઉપરી જો કાંઈ ટીકા  કે સૂચન કરે તો પોતાના કામ અંગેની સૂચનાઓને એ વશ વર્તે છે તેમ એ સૂચનો પરત્વે પણ વર્તશે; કારણ કે આ બાબતમાં એનો ઉપરી જે શબ્દો બોલે છે તેની સાથે સંકળાયેલા અર્થની સમજથી એ વર્તતો હોય છે.

બોલાતા શબ્દોથી સ્વતન્ત્રપણે આપણે ભાષાનો વિચાર કરીએ. સંકેતો અર્થનું વહન શી રીતે કરી શકે છે?આ પ્રશ્નનો તો ભાષાવિજ્ઞાની જ જવાબ આપી શકે. જો કોઈ જવાબ શક્ય હોય તો તે Metaphysicsની મદદથી આપવો પડે. આમ છતાં, ભાષાવિજ્ઞાન આ પ્રશ્નની વિશદ રીતે માંડણી તો કરી જ શકે. સૌપ્રથમ Semanticsની દૃષ્ટિએ જોઈએ તો જે એકમો અર્થનું વહન કરે છે તે phonemeનથી હોતા, શબ્દો હોય છે. આપણે બોલીએ છીએ તે વાક્શૃંખલા એ બોલાતી કે નોંધાતી જાય છે ત્યારે શબ્દોને ચીવટથી ઓળખવાનો અવકાશ રાખતી નથી. ઉચ્ચારણમાંથી જ કેટલીક વાર એવી સન્દિગ્ધતાઓ ઊભી થાય છે જે અનુવાદનાં યહત્રો શોધનાર માટે ભારે વિઘ્ન ઊભું કરે છે. આવી સન્દિગ્ધતાઓથી આપણને વિનોદ થતો હોય તો તેનું કારણ આપણે શબ્દ પ્રત્યે ધ્યાન આપતા હોઈએ છીએ તે છે. ધારેલા અર્થવાળા શબ્દોને સ્થાને આપણે અણધાર્યા અર્થવાળા શબ્દોને જોતા હોઈએ છીએ. આમ Semanticsની દૃષ્ટિએ જોઈએ તો શબ્દ જ એનું એકમ છે. શબ્દને એનું આગવું વ્યક્તિત્વ હોય છે, એ જ અર્થનું આશ્રયસ્થાન હોય છે. શબ્દોના જોડાવાથી પદો બને છે  તેનો સમુચ્ચયને રૂપે જ આપણને બોધ હોય છે તે હકીકત કે શબ્દનો અર્થ સન્દર્ભથી નિશ્ચિત થાય છે અને સન્દર્ભ બદલાતા બદલાતો રહે છે એ હકીકતથી એમાં કશો ફેર પડતો નથી.

આમ છતાં શબ્દનું આ કાર્ય સમગ્રના એક ઘટક રૂપે જ હોય છે; અને આ સમગ્ર તે પદ કે વાક્ય નહિ પણ ભાષા સમસ્ત છે, ગ્રીક લોકોને આ પ્રશ્ન થયો હતો. જો શબ્દને અર્થ હોય છે તો એ અર્થ સ્વાભાવિક રીતે (by nature) હોય છે કે રૂઢિને કારણે? (physei or thesei?) Metaphysicsની પરિભાષામાં જવાબ ન આપી શકાતો હોય તો (કારણ કે એને અંગે તો આખી philosophy of natureની અપેક્ષા રહે) જે પહેલો જવાબ ભાષાવિજ્ઞાન આપવા લલચાશે તે કંઈક આવો હશે (સોસ્યૂરના સૂત્રને અનુસરીને): શાબ્દિક સંકેતો યદૃચ્છાત્મક હોય છે. નહિ તો જેને Confusion of Babel કહે છે તે સંભવ્યું જ શી રીતે હોત?અને ભાષામાં homonyms અને synonyms (પર્યાય)નું અસ્તિત્વ જ શી રીતે હોત?

આ વધારે સરળ લાગે એવા ખ્યાલમાં સુધારણા કરવાની જરૂર હતી, અને એ સુધારણા સોસ્યૂરે પોતે જ કરી. ભાષામાં રહેલી આ યદૃચ્છાત્મકતા કંઈક અંશે સોસ્યૂર જેને ‘motivation’ કહે છે તેનાથી neutralized થાય છે. આવું motivation કેવળ phonetic (ધ્વનિગત) પણ હોઈ શકે. (રવાનુકારી શબ્દોમાં), પણ આ motivation સુધ્ધાં યદૃચ્છાત્મક હોઈ શકે (ઘડિયાળનું ટીક ટીક, સેનાપતિની tactics). આ motivation રૂપગત તેમ જ ધ્વનિગત પણ હોઈ શકે.

આ સિવાયનું સામાન્ય પ્રકારનું motivation પણ હોય છે જેનાં લક્ષણો બાંધવાં અઘરાં છે કારણ કે એનો અનુભવ તે શબ્દને ભાષાની સમગ્ર શબ્દસમૃદ્ધિની વચ્ચે મૂકીને જોવાથી જ થતો હોય છે. જ્યારે આપણે પરદેશી ભાષા શીખતા હોઈએ છીએ ત્યારે એક એવો તબક્કો આવે છે જ્યારે શબ્દસમૃદ્ધિ અને વ્યાકરણનો પૃથક્કરણાત્મક અભ્યાસ કર્યા પછી ભાષાના લગભગ બધાં પાસાંઓથી પરિચિત થઈએ છીએ. ભાષાના semantic structureને ત્યારે આપણે feel કરવા માંડીએ છીએ. Phonetic structureની જેમ એને formalized કરી શકાતું નથી, આપણે માટે એ બોધગમ્ય નહિ, પણ સંવેદ્ય બની રહે છે. કોઈ જીવતાં પ્રાણીના શરીરબંધારણને જોવા જેવું છે (દા.ત. કોઈ સાપને જોતા હોઈએ ત્યારે). આને પરિણામે આપણે પરિચિત પરિવેશમાં ફરતા હોઈએ તેમ ભાષામાં વિહાર કરતા થઈ જઈએ છીએ. પછી ભાષાના પર્યાયોમાંથી ઉચિત શબ્દ પસંદ કરવા જેટલા ભાષાના nuancesને આપણે ઓળખી લઈએ છીએ. શબ્દનો અર્થ એ શબ્દમાં સ્વાભાવિક રીતે રહેલો લાગતો થઈ જાય છે. શબ્દનું અભિવ્યક્તિ અંગેનું એક પાસું હોય છે જે phonetic motivation પર આધાર રાખતું નથી, કારણ કે ભાષાની પશ્ચાદ્ભૂની પડછે એ એક આવશ્યક બળ રૂપે ઊપસી આવે છે. જો શબ્દને સ્વાભાવિક રીતે expressive લેખીએ તો વસ્તુમાત્રના સ્વભાવની નહીં પણ ભાષાની પ્રકૃતિ વિવક્ષિત હોય છે. વસ્તુના સ્વભાવની પણ આપણને તો ભાષાના માધ્યમ દ્વારા જ ખબર પડતી હોય છે ને! બીજી રીતે કહીએ તો ભાષા હોય છે તે સાચું, પણ એ એક પ્રકારના આન્તરિક logicનો વિનિયોગ કરતી હોવાથી self-motivated હોય છે.

પરિણામે જેમ શબ્દ મહત્ત્વનો હોય છે તેમ ભાષા સમગ્રની પશ્ચાદ્ભૂ પણ મહત્ત્વની હોય છે. કોઈ ભાષા પર પ્રભુત્વ મેળવવું એટલે અર્થના અમુક વિશ્વમાં વિહાર કરવો. અહીં Semanticsનો Cultural Anthropology જોડે યોગ થાય છે. એ શાસ્ત્રે તો ક્યારનુંય નોંધ્યું છે કે દરેક ભાષા આપણને જગતનું એક implicit vision આપે છે. જર્મન ફિલસૂફ કાસીરેરે આ મુદ્દાને બર્ગસોંની ફિલસૂફીની પશ્ચાદ્ભૂમાં વિકસાવ્યો છે; આપણને જે ઉપલબ્ધ છે તે તો વ્યામોહભર્યું અને અરાજકતાપૂર્ણ છે. એને શબ્દ અને પદવિન્યાસ સુવ્યવસ્થિત કરી આપે છે. આપણે જગતનું દૃશ્ય આંખોથી નહિ પણ ભાષાથી જોઈએ છીએ. આપણે જગતનો આપણા પદવિન્યાસ અને શબ્દ પરત્વેની ટેવોના functionરૂપે વિચાર કરીએ છીએ; એમાં તત્કાળ જે જોવા પામીએ તેના function  રૂપે નહિ. આ દૃષ્ટિએ જોતાં શુદ્ધ હકીકતના ખ્યાલને જતો કરવાનો રહે છે. કશુંક કેવળ ‘ચીંધી બતાવવાની’ પ્રવૃત્તિથી કોઈ સન્તોષાતું નથી. એને બદલે આપણે બોલીએ છીએ અને બોલતાંની સાથે જ ભાષામાં જ મૂર્ત રૂપે રહેલી વિચાર કરવાની આખી રીત વ્યક્તિગત વિચારની આગળ થઈને એને ઉલ્લંઘી જાય છે. આમાં જે કહેવાયું જ છે તે સાચું છે: ‘Our physics is oriented by our logic, and our logic by our grammar.’

ભાષાઓની બહુલતા પણ સમસ્યા ઊભી કરે છે. એક જ કુળની ભાષાઓમાં શબ્દભંડોળ કે વ્યાકરણ પરત્વે અમુક સમાનતા રહી હોય છે તેમ છતાં ભાષાનું વિશ્વ અનેક ખણ્ડોમાં વિભક્ત થયેલું છે એ હકીકતને તો સ્વીકારવાની રહે જ છે. પૂર્વની અને પશ્ચિમની ભાષાઓ વચ્ચે ઘણી ભિન્નતા છે તે તરફ સાપિર, વ્હોર્ફ જેવા ભાષાવિજ્ઞાનીઓએ ધ્યાન ખેંચ્યું જ છે. ભાષાનાં ઘટકોના સ્તર પર ભાષામાં રહેલા યદૃચ્છાના તત્ત્વને મહત્ત્વ ન આપે તોય ભાષા વિશે સમગ્રતાએ વિચાર કરીએ ત્યારે એ તત્ત્વ પાછું આગળ ઊપસી આવવાનું જ. આ વિભિન્નતાને કારણે આપણે સાપેક્ષતાવાદ તરફ દોરવાઈએ  છીએ. પિયર્સે  કહેલું કે જો એરિસ્ટોટલ મેક્સિકોમાં જન્મ્યો હોત તો એના તર્કશાસ્ત્રનું રૂપ કંઈક જુદું જ હોત. એ જ રીતે આગળ વિચારીએ તો આપણી ફિલસૂફી અને વિજ્ઞાનનું સ્વરૂપ પણ બદલાઈ જ ગયું હોત.

આ વિભિન્નતાની અસર ભાષા પર પડે છે એટલું જ નહિ આપણી સંસ્કૃતિ ઉપર પણ પડે છે; ભાષા સાથે સંકળાયેલી બધી જ સંસ્થાઓના પર પડે છે: ધર્મ, વિજ્ઞાન, યન્ત્રવિદ્યા, વિચારપદ્ધતિ તથા કુટુમ્બવ્યવસ્થા – આ બધું જ એનાથી પ્રભાવિત થતું હોય છે. આ બે વચ્ચેના સમ્બન્ધની સમસ્યા પણ વિચારવાની રહે છે. આ સમ્બન્ધ કાર્યકારણ વચ્ચેના સમ્બન્ધ જેવો છે એવું નહિ કહી શકાય. ભાષામાં આવા causal powerનું આરોપણ કરનારને એ જવાબ આપી શકાય કે ભાષા પોતે પણ સંસ્કૃતિમાં આવિષ્કૃત થતા જગત વિશેના દૃષ્ટિબિન્દુની નીપજ હોઈને એને કારણ નહિ પણ કાર્ય ગણી શકાય. બહુ બહુ તો અહીં reciprocal causality છે એવું કહી શકાય. આ સમ્બન્ધને પામવો કેવી રીતે અને એને વ્યવસ્થિત રીતે સમજાવવો કેવી રીતે?કદાચ આ મુદ્દાને પણ સંરચનાવાદીની દૃષ્ટિએ તપાસવો પડે.

અહીં લેવી-સ્ટ્રોસનો ઉલ્લેખ કરવો રહ્યો. એમણે વ્હોર્ફ જેવા ભાષાવિજ્ઞાનીની અણસરખી રીતે પૃથક્કરણ પામેલી બે સંજ્ઞાઓ વચ્ચેનો સમ્બન્ધ જોડવા બદલ ઝાટકણી કાઢી છે. ભાષાવિજ્ઞાની ભાષાનો તો ચોકસાઈપૂર્વક અભ્યાસ કરે, પણ સંસ્કૃતિનો એવી રીતે અભ્યાસ કરવા માટેનાં ઓજારો અને પદ્ધતિઓ તો એટલાં ચોકસાઈભર્યાં નથી, ખાસ કરીને એને એની સમગ્રતામાં તપાસવામાં આવે છે ત્યારે. સંરચનાવાદ આ બાબતમાં નિષ્ફળ જાય છે એનું કારણ એ છે કે સંસ્કૃતિની વ્યવસ્થામાં અન્તર્ગત રહેલાં structures ખરેખર જાણવામાં આવતાં નથી. આથી કંઈક વધુ નમ્રતાભર્યો ઉપક્રમ લેવી-સ્ટ્રોસ સૂચવે છે: અમુક સંસ્થાઓના structures જોડે ભાષાકીય structuresનો મુકાબલો કરી જોવાનું એટલે સૂચવે છે. એને સમગ્ર સંસ્કૃતિની આંશિક અભિવ્યક્તિ રૂપે જોઈ શકાય. એક જ લોહીના સમ્બન્ધો અંગેના નિયમોને આ સન્દર્ભમાં તપાસી શકાય. પણ આવાં structuresને partial model જ ગણવાના રહે. અમુક દૃઢબન્ધવાળી વ્યવસ્થાની અન્તર્ગત રહેલી સંજ્ઞાઓનો એકબીજા સાથે સમ્બન્ધ જોડીએ ત્યારે એ એક પ્રકારની સંરચના જ નથી બની રહેતી?મનુષ્યની મોટા ભાગની પ્રવૃત્તિ ત્રણ વિનિમયો – શબ્દ, નારી અને અસબાબ – ના પર આધાર નથી રાખતી?એમાં પ્રતીકોના અને વિભાવનાઓના વિનિમયને પણ ઉમેરી શકાય. પણ આ પ્રકારની મીમાંસા હજી પ્રારમ્ભિક અવસ્થામાં છે. એથી એ વિશે હતાશાપ્રેરક અભિપ્રાયો ઉચ્ચારીને એના વિકાસને કુણ્ઠિત કરવો ન ઘટે.

આમ છતાં આવા પ્રયત્નમાં આવતી મુશ્કેલીનો ઉલ્લેખ કરવો ઘટે. એકબીજાથી સાવ ભિન્ન એવા structuresને સાથે મૂકીને અભ્યાસ કરીએ તો extreme abstractions વહોરી લેવા જેવું થાય. આ structuresની concrete contentને જતી કરીને જ એને વ્યવસ્થિત રૂપ આપી શકાય. એથી તો આ structuresના અર્થનો મહદંશ લુપ્ત થઈ જાય. તો પછી એવા formalizationનો અર્થ શો?

અહીં જે દોષ છે તેને દાર્શનિક પરિભાષામાં ontologizing the purely formal એવું કહીને વર્ણવી શકાય. દરેક વિજ્ઞાન વિભાવનાઓનાં સાધન દ્વારા જ વાસ્તવને પામવા મથે છે તે સાચું. આવાં ઓજારોમાં structural analysis એ એક સમર્થ ઓજાર છે; પણ formal structureનો વાસ્તવિકતા પર પ્રક્ષેપ ન કરવો જોઈએ. જુદી જુદી સંસ્કૃતિમાંથી આવા સમાન રૂપને શોધી કાઢવાના ઉત્સાહમાં દરેક સંસ્કૃતિનું આગવાપણું ઉવેખાય છે. આમ છતાં સંસ્કૃતિનો વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ થાય તે મહત્ત્વનું તો છે જ. પણ આથી કેટલીક વાર અતિ ઉત્સાહમાં એક એવી વસ્તુ ઊભી કરી દેવામાં આવે છે જે નૃવંશવિદ્ logical operationsના પ્રક્ષેપ રૂપ જ હોય છે. જે પદાર્થને આપણે શોધવાનો દાવો કરીએ છીએ તે પદાર્થ તો આપણે પોતે જ બનાવી કાઢીને મૂકી દીધો હોય છે! જે વાસ્તવિક છે તેને કશીક સંરચનામાં ઢાળવા જઈએ ત્યારે એ પ્રતિકાર કરે જ છે. ભાષા પરત્વે વાત કરીએ તો phonological structureનું ક્ષેત્ર અને semantic structureનું ક્ષેત્ર – બન્ને એકબીજાથી ભિન્ન છે. પહેલાથી ઘટકોના સમ્બન્ધની સળંગસૂત્રતા સમજાય છે, બીજાથી આપણે જે કહેવાયું છે તેને સમજીએ છીએ. પહેલાથી અમુક signsને જોડવામાં આવે છે જેનામાં પોતાની intentionalityહોતી નથી, એનું સંયોજન માત્ર એક રમત જ હોય છે – આગળ કહ્યું તેમ શતરંજની રમત જેવું જ એ હોય છે.

પણsemantic structure જે સંકેતો mythમાંના શબ્દોની જેમ ક્યાં તો સન્દિગ્ધતાથી અથવા તો Physicsના conceptsની જેમ અસન્દિગ્ધપણે અર્થને પ્રકટ કરે છે. એ સંકેતોના સંયોજન દ્વારા વાસ્તવિકતાને વ્યક્ત કરવામાં આવે છે. તો પછી અર્થ પ્રકટ કરવો એટલે structureને પ્રકાશમાં લાવવું એટલું જ?  લેવી સ્ટ્રોસે mythનું પ્રશંસનીય પૃથક્કરણ કર્યું છે; એમાંનાં પ્રતીકોને સંયોજતી એક સંરચના જરૂર એમાં વરતાય છે. નાટકમાંનાં પાત્રોને વિરોધાવી જોવા જેવું એ અમુક અંશે છે. આમ છતાં એનો અર્થ તો પ્રતીકોના significanceમાંથી જ સિદ્ધ થાય છે ને એનું અર્થઘટન લેવી સ્ટ્રોસે મનોવિજ્ઞાન, સમાજવિદ્યા દ્વારા મળતી સજ્જતાથી અદ્ભુત રીતે કર્યું છે. આથી એમ કહી શકાય કે સંરચનાને કારણે પ્રતીક ક્રિયાશીલ બને છે, તેમ છતાં એટલા માત્રથી જ એમાં અર્થનું આરોપણ થઈ જતું નથી.

Semantic realityને મુકાબલે phonological reality સંરચના પારખવામાં વધુ અનુકૂળ નીવડે છે. Unconscious logosની કલ્પના કરતાં પહેલાં ભાષા બોલનાર માનવી જે અર્થને જીવન દ્વારા અનુભવે છે તેને વિશેની વિશદતા પ્રથમ પ્રાપ્ત કરી લેવી જોઈએ. આમ ભાષાના logic સાથે બોલાતા શબ્દોની phenomenologyનો યોગ થવો જોઈએ. એ જ ભાષામાં અન્તર્ગત રહેલા logosને શોધશે. પણ એની ન્યાય્યતાની ભૂમિકા વધારે સર્વસામાન્ય સ્વરૂપની એવી ફિલસૂફીમાં જ એ શોધશે. સંસ્કૃતિની વિભિન્નતા કે ભાષાઓની વિભિન્નતા આગળ હારી જવાનો પ્રશ્ન જ નથી. આજે તો cultural anthropologyમાં પણ માનવીય ભૂમિકાના પર ભાર મૂકવામાં આવે છે. બધી સંસ્કૃતિઓને માટે સમાન એવી પશ્ચાદ્ભૂ પર ભાર મૂકવામાં આવે છે. માનવી માનવીને ઓળખી લેતો હોય છે; હંમેશાં એ એને ભલે પાડોશી નહિ ગણે, પણ પોતાના જેવો તો ગણશે જ. આથી એક સંસ્કૃતિના બીજી સંસ્કૃતિ સાથેના વ્યવહારવિનિમયની શક્યતા હંમેશાં રહેલી જ છે. પાષાણયુગની સંસ્કૃતિથી આગળ નહિ વધેલી એવી પ્રજા પણ ઝડપથી આધુનિક ટેકનિક શીખી લે છે. ભાષાને લાગેવળગે છે ત્યાં સુધી શબ્દશ: નહિ તોય કામ આપે એવા અનુવાદો તો થઈ શકે છે. ભાષાઓ વચ્ચેની વિભિન્નતા આપણને નાઇલાજ કરી મૂકતી નથી. જે આપણને જોડતું હોય છે તે જ આપણને જુદાં પાડતું હોય છે. માનવી પૃથ્વીના જે ભાગ પર હશે ત્યાં એ બોલતો તો હશે જ, ભાષા વચ્ચે ગમે તેવી વિભિન્નતા છતાં એ બધી જ બોલાય છે એટલું તો સામ્ય એમાં રહ્યું જ છે. એનો અર્થ એ કે સર્વત્ર માનવીના જગત સાથે એક જ પ્રકારના પાયાના સમ્બન્ધો છે. એથી જ તો માનવતા જેવી વસ્તુ સમ્ભવિત બની છે. આથી ભાષાના ઇતિહાસ તરફથી આપણે speechના અભ્યાસ તરફ પાછા વળવું જોઈએ, કારણ કે ભાષા માનવી અને જગત વચ્ચે દરમ્યાનગીરી કરે છે. એનુંstructural analysis થઈ શકે એવો એ પદાર્થ છે તે સ્વીકારવું ઘટે. તેમ છતાં આ પદાર્થ એ સ્વયંપર્યાપ્ત નથી. Significanceની શક્તિ એને વ્યવસ્થિત કરનાર structureને કારણે મળી નથી. Significanceને કારણે  જગત અને માનવીના સમ્બન્ધો સ્ફુટ થતા આવે છે. આખરે તો આ સમ્બન્ધો વિશે વિચાર કરીને જ ફિલસૂફી ભાષાને ન્યાય કરી શકે.

 

2

Structural linguistics જે મહત્ત્વ Semanticsને આપવું જોઈએ તે આપતું નથી, માનવી કશુંક કહેવાને માટે બોલે છૈ અને આ હકીકત ધ્યાનમાં રાખીએ તો આપણે એમ કહી શકીએ કે એ સ્વાભાવિક રીતે જ ભાષાને વિચાર પ્રકટ કરવા માટેનાં સાધન તરીકે જુએ અને વિચારનું મૂલ્ય એ એમાં રહેલા સત્યથી આંકે. આનાથી વિરુદ્ધનો મત પણ હોઈ શકે. એ મુજબ માનવી બોલી શકે છે માટે જ કશું કહેતો હોય છે. એને પરિણામે વિચારનું મૂલ્ય ભાષાના સત્ય વડે આંકવામાં આવે. આની સાથે જો આપણે એમ પણ કહીએ કે ભાષાની સત્યનિષ્ઠા એના ઉપયોગ પર આધાર રાખે છે. એને પરિણામે ભાષામાં મૂર્ત થતો વિચાર વાસ્તવિકતા સાથે મેળ પાડવાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે તો આ વિધાન સ્વીકાર્ય ન બને. આવી જ કંઈક વિચારણા વિટગેન્સ્ટાઇનના નીચેના સૂત્રમાં વ્યક્ત થયેલી છે: ‘Don’t ask for the meanings, ask for the use.’ આનો અર્ન્સ્ટ ગેલ્નરે વિરોધ કરેલો તે સુવિદિત છે. ભાષાના વિચાર સાથેના સમ્બન્ધને એકપક્ષી ગણવાને બદલે જો એને પારસ્પરિક ગણીએ તો કદાચ આમ કહેવું વાજબી ઠરે. વળી ભાષાની સત્યનિષ્ઠા અને વિશ્વાસપાત્રતાને સ્પષ્ટ કરવા માટે એ ભાષાને માનવીના જગત સાથેના સમ્બન્ધના પર આધાર રાખતી ગણે છે. વિચારને ભાષાનું મૂલ્યાંકન કરનાર તરીકે તથા એ ભાષા ઉપર એ જે વર્ચસ્નો દાવો કરે છે તે દૃષ્ટિએ તપાસવાની જરૂર છે. વિચાર Logicઊભું કરવાનું માથે લે છે. આ Logic તે સામાન્ય ભાષામાં અન્તનિર્હિત થઈને રહેલું કે વ્યવહારનું (usage) Logic નથી એ તો એક નવી જ ભાષાનો વિસ્તાર છે ને એને નવા જ પ્રકારના વિનિયોગની અપેક્ષા રહે છે.

ફિલસૂફોને ભાષા પરત્વે વિશ્વાસ તથા સંદેહ કદાચ એકસરખી માત્રામાં હોય છે. ભાષાની બહુલતા અને વિભિન્નતા મૂઝવી નાખે એવી હોય છે એટલું જ નહિ, આપણી માતૃભાષા પણ આપણી સાથે છેતરપિંડી રમે છે એવો આરોપ મૂકવામાં આવે છે. દેકાર્તે એના Second Meditationમાં કહ્યું છે: ‘Words nevertheless impede me, and I am almost deceived by the terms of ordinary language. For we say that we see the same wax if one presents it to us, and not that we judge it to be the same on the ground that it has the same colour and the same shape.’ દેકાર્તના પર પણ transcendental egoને psychological સાથે ગૂંચવી મારવાનો આરોપ ક્યાં નથી મૂકવામાં આવ્યો?

Logical positivism ભાષા જે ભ્રાન્તિ ઊભી કરે છે અને શબ્દનાં લક્ષણોને પદાર્થનાં લક્ષણો ગણી લેવાનું સદા કાળનું જે પ્રલોભન રહ્યા કરે છે તેની ભર્ત્સના કરે છે. રસેલ એને fallacy of verbalism કહે છે. વિચાર ભાષાથી બંધાયેલો છે કે એ wholly necessiated by language છે એવું નથી. આમ છતાં એક હકીકત તો સ્વીકારવી જ રહી કે દરેક ભાષા જગત વિશેના અમુક દર્શનને તો implyકરે જ છે. જેનો દાર્શનિક ચિન્તનના પર પ્રભાવ હોય છે. ફિલસૂફીનો વિરોધ કરનારાઓ હેમ્લેટની જેમ કહી શકે, ‘Words, words…’

માનવી ભાષાની ઉપસ્થિતિમાં કેવો વિસ્મિત થઈને આભો બની જાય છે અને આદરની પ્રથમ ક્ષણ પછી એ વૈશ્વિક ભાષાને કેવો ઝંખતો થઈ જાય છે (જે એને ભાષાની બહુલતા અને વિભિન્નતાથી ઊભી થતી ગૂંચવણમાંથી તથા નર્યા શબ્દછળમાંથી બચાવી લે) તે સમજવું અઘરું નથી.

પુનરુત્થાનકાળ પછી વિજ્ઞાનના વિકાસે ખાસ કરીને ગણિતવિદ્યાના વિકાસે ભાષા ઉપરના બુદ્ધિના વર્ચસ્ને પ્રકટ કરી આપ્યું છે: નવા પદાર્થો માટે નવાં નામ શોધાયાં છે; નવા સમ્બન્ધો માટે નવા morpheme શોધાયાં છે. નવી બુદ્ધિસંગતતા માટે નવો પદવિન્યાસ શોધાયો છે. આ બધા સમય દરમિયાન વિજ્ઞાનને ઇન્દ્રિયપ્રત્યક્ષોથી જુદું પાડનારી ખાઈ વધારે પહોળી અને ઊંડી જ થતી રહી છે. કારણ કે વિજ્ઞાન સામાન્ય ભાષાથી કંઈક વિશેષ છે, અને વધારામાં એમાં જુદી જુદી પારિભાષિક સંજ્ઞાઓ હોય છે. આથી એ નવી જ ભાષાને ઉત્ક્રાન્ત કરે છે એથી એક ‘નવું logic પણ ઊભું થાય.’ આને કારણે લાઇબનિઝ જેવા ફિલસૂફને આખા rational calculusને એક ઓજાર તરીકે કામ આવે એવી ભાષા ઉપજાવવાની મહેચ્છા જાગી હતી; એ ભાષા સક્ષમ અને ક્ષતિ વિનાની હોય, એ આપણો વિચાર કરવાનો ભાર પોતાને માથે ઉપાડી લે. લાઇબનિઝે તો કહેલું પણ ખરું કે એક વાર આપણને આ નવી ભાષા પ્રાપ્ત થઈ જાય તો પછી આપણે સમસ્યાનો સામનો કરતા હોઈએ ત્યારે આટલા બધા વાદવિતણ્ડા કે દલીલો નેપથ્યમાં રહીને કરવાની જરૂર નહિ રહે. આપણે સ્વસ્થ ચિત્તે બેસીને માત્ર ગણતરી જ કરી લેવાની રહેશે. અર્વાચીન logiciansએ આ project ફરી હાથ ધર્યો છે. એ લોકો એક કૃત્રિમ ભાષા ઊભી કરીને ભાષા ઉપર પૂરી સત્તા ચલાવવા માગે છે, કાર્નાપે કહ્યું છે તેમ, ‘A logical system is not a theory, that is, a system of conditions bearing on determined objects; rather it is a language, that is, a system of signs with the rules for their use.’

અહીં આપણે લોજિકની પરમ્પરાગત વિભાવનાથી બહુ દૂર નીકળી ગયા હોઈએ એવું લાગે છે. એરિસ્ટોટલે એને demonstrandiકહેલું, inveniendi કહ્યું નહોતું. એ સમર્થન અને નિદર્શન કરે, નવું શોધે નહિ. સામાન્ય ભાષાને શુદ્ધ કરીને, એની સાધનસંપત્તિનો વધુ સારી રીતે વિનિયોગ કરીને લોજિક એનો વધુ ચોક્કસ અને ચુસ્ત રીતે ઉપયોગ કરે. પણ એ બીજી ને જુદી ભાષા ઉપજાવી કાઢે નહિ. વળી એરિસ્ટોટલના લોજિકમાં જે નિયમોની માંડણી થઈ છે તે યદૃચ્છાનું પરિણામ નથી, પણ એ nature of beingના દ્યોતક બની રહે છે. એવું એ કરી શકે છે એનું કારણ એ છે કે એવા લોજિકમાં ભાષા અને being વચ્ચેના ગભિર્ત મેળની પૂર્વ અપેક્ષા રહે છે. ભાષા સાચી છે, સત્યને માટેની એક શરત છે, એ beingની ભાષા છે;એનાં ધોરણો beingમાંથી આવે છે.

આથી ઊલટું,સમકાલીન લોજિકમાં ભાષાના નિયમો beingમાંથી નહિ પણ માણસમાંથી આવતા હોય એમ માનવામાં આવે છે. તો પછી એ ભાષા સાચી હોવા વિશેની ખાતરી શી?જો આપણે કાર્નાપની જેમ કહીએ કે ‘In logic there are no morals. Everyone is at liberty to build up his own logic, his own forms of language as he wishes, તો પછી એવી રીતે કલ્પવામાં આવેલા લોજિકની truthfulnessકેટલી?લોજિકના સત્ય સાથેના સમ્બન્ધની આશા છેક છોડી દેવા જેવી તો નથી જ. વિટગેન્સ્ટાઇને Tractalus(2.18)માં કહ્યું છે: ‘If a sentence is to assert a fact, that must be something in common between the structure of the sentence and the structure of the fact.’ આ વિધાન જોતાં વિટ્ગેન્સ્ટાઇન એરિસ્ટોટલથી બહુ દૂર જતા હોય એવું લાગતું નથી. આથી જ તો morphologyઅને syntaxના અભ્યાસથી આપણને જગતના બંધારણની પણ જાણ થાય છે. ઓક્સફર્ડના ફિલસૂફો આ મુદ્દો ચર્ચતા રહ્યા છે. એમની દૃષ્ટિએ ભાષાકીય ઉપયોગનો અભ્યાસ ભાષાના સત્ય વિશેના દાવાને સાવ જતો કરવાનું શક્ય બનાવશે.

આમ છતાં અત્યારે જે ભાષાઓ છે તે વિભિન્ન પ્રકારની છે અને રસેલ કહે છે તેમ એ બધી insufficiently logical છે. આપણે આગળ નોંધ્યું છે તેમ આ ભાષાઓ માનવીની વિચારણાને જગત વિશેના અમુક દર્શન તરફ વાળે છે. એમાં રહેલી સાપેક્ષતાને કારણે એની objectivity હંમેશાં ચર્ચાસ્પદ બની રહે છે. એથી એક આદર્શ ભાષા ઉપજાવવી જોઈએ – એટલે કે એવી ભાષા જે વાસ્તવિકતાના બંધારણને પ્રતિબિમ્બિત કરી શકે – એવું લાગે ખરું. એરિસ્ટોટલના સમયથી આપણે એવું ધારતા આવ્યા છીએ કે વાસ્તવિકતાનું બંધારણ તર્કસંગત છે. આમ છતાં સમસ્યા આ છે: આપણે જે ભાષા ઉપજાવીએ તે આ અર્થમાં સારી જ ભાષા હશે એની ખાતરી શી?Copiએ આ મુશ્કેલી અનુભવીને કહ્યું છે: ‘The project must have the following sequence: first, an ‘ideal’ language must be set up and then, through it, the metaphysical structure of the world is to be discovered… But this programme can not possibly be realized, because the only way to tell of a given language that it is ‘ideal’ is by comparing its structure with that of reality. For this comparison to be significant, we must have have prior and independent knowledge of the structure of reality… The proposed programme involves a vicious circle and must therefore be rejected.’

આવી મુશ્કેલી હોય ત્યારે માનવીની વિચારણા ક્યાં તો આગળ કહ્યું તેવા કાર્નાપના nominalismતરફ વળી જવા લલચાય છે, અથવા તો ઓક્સફર્ડના ફિલસૂફોના empiricismતરફ વળે છે. આવા વિષચક્ર સિવાય આપણો છૂટકો નથી એવું માનવાહૃજ્જ જરૂર છે ખરી?આનો એક ઉપાય માઇકેલ ડુફ્રેઇન સૂચવે છે કે આપણે કાન્ટની મદદથી એરિસ્ટોટલને સુધારી લેવો જોઈએ. વાસ્તવિકતા તે આપણે verbal formsથી જ પામતા હોઈએ છીએ. આથી ભાષાનો ઉત્કર્ષ અને જ્ઞાનનો ઉત્કર્ષ પરસ્પરાવલમ્બી છે. એ બે વચ્ચેની dialectical relationship સમ્ભવિત છે. જેટલે અંશે વાસ્તવિકતા ભાષાને confirm કરે છે તેટલે અંશે ભાષા વાસ્તવિકતાને છતી કરે છે. પણ અહીં પ્રાથમિક સ્વરૂપની કે natural languageને માની લેવાની રહે છે. આ ભાષા અને જગત વચ્ચેના મેળને પણ સ્વીકારવો રહે છે. એ માનવવાણીનું એક પરમ આશ્ચર્ય છે. આથી આગળ વધીને ડુફ્રેઇન કહે છે: ‘Even a logical language corresponds to reality, that is to say to the formal aspects of the real.’ આવી ભાષામાં સમ્પૂર્ણ રીતે abstraction સિદ્ધ થતું નથી હોતું, આથી એની માંડણી natural language પર જ થતી હોય છે. જ્યારે જ્યારે માનવી કૃત્રિમ logical language રમવા જાય છે ત્યારે એ પોતેnatural languageથી ઘડાતો હોય છે એ હકીકતનું એને અનિવાર્યતયા ભાન થતું હોય છે.

Logicને માત્ર formમાં જ રસ હોય છે. એરિસ્ટોટલને આ સૌપ્રથમ સમજાયું હતું. કોઈ દલીલની પ્રમાણભૂતતા તે એ formના પર આધાર રાખે છે. એને formulationથી જ પારખી લઈ શકાય છે. આ formulation કેટલાક નિયમોથી નિયન્ત્રિત થતું હોય છે જે તમારા નિષ્કર્ષને પ્રમાણભૂત ઠરાવે છે. આને પરિણામે લોજિક સૌ પ્રથમ તો એક પ્રકારનો પદવિન્યાસ છે; સંજ્ઞાઓના manipulations માટેની એક નિયમવ્યવસ્થા છે, formulation માટેની એક નિયમવ્યવસ્થા છે. આમ છતાં અર્વાચીન લોજિક એક ડગલું આગળ વધીને એમ કહે છે કે આ નિયમો arbitrary હોય છે. આ વિકાસ જોતાં એ સ્પષ્ટ થાય છે કે formalismની પ્રમાણભૂતતાને એના સત્યથી જુદી પાડીને જોવાની રહેશે. આપણી ભાષા correct તો બને, પણ ઠાલી થઈ જાય. સમગ્રતયા જોતાં લોજિક એક માત્ર રમત બની રહે – શતરંજની રમતના જેવું. આપણે નિયમોને વશ વર્તીએ, પણ એ નિયમો વાસ્તવિકતાને વશ વર્તે નહિ.

અર્વાચીન લોજિક Symbolic Logic છે. વળી ભાષાના ઘટકરૂપ ચિહ્નોનો એણે પ્રવેશ કરાવ્યો છે. જેમ ગણિતમાં અરેબિક notationનો પ્રવેશ થયો છે ને બીજગણિતમાં સંખ્યાને સ્થાને અક્ષરોને મૂકવામાં આવ્યા છે, પણ આ ચિહ્નો એ કંઈ લખાણની દક્ષતા કે કળા નથી; એમાં ચિહ્નો સાથે significance સંકળાયેલું છે. તો આ ચિહ્નોથી જે સંકેતિત થાય છે તે શું છે?Symbolic Logicમાં જે symbol છે તે સાહિત્યની ભાષામાં કે mythologyમાં હોય છે તેનાથી સાવ જુદાં જ હોય છે. દા.ત. જ્યારે આપણે ‘રાત્રિ’, ‘વૃક્ષ’, ‘આકાશ’ એ symbolછે એમ કહીએ છીએ ત્યારે એનો અર્થ એ કે એ શબ્દોનો અર્થ બમણો મૂર્ત સ્વરૂપનો છે. એક તો એઓ એ શબ્દની અભિધા સાથે સંકળાયેલા છે. એ એની primary content છે; અને પછી એના વડે, પારદર્શક રીતે લક્ષણા સાથે સંકળાયેલા છે. આ વાતને સ્પષ્ટ કરતાં Paul Ricour કહે છે: ‘One may be astonished that the symbol has two usages, the one of which would seem to be the strict reverse of the other. Perhaps one would lead to seek the reason for this in the structure of signification, which is at once a function of absence, and a function of presence. It is a function of absense since to signify is to signify vacuously or as a mere variable. But it is also a function of presence, since to signify is to signify ‘something’ and ultimately the world. Thus signification, in virtue of its very structure, makes possible, on the one hand, the complete dominaton and even creation of signs by the logician for example the reduction of size to a mere character and ultimately to an element in a calculus, and on the other hand, it makes possible the valuation of a full language, a language heavy with implied intenationalaties and analogous references to other things, all of which the language somehow gives it enigmas.’

જેને આપણે signalકહીએ છીએ તે તો માત્ર સ્પષ્ટ એક જ વાત કહે છે: રાતો દીવો જોઈને હું સમજી જાઉં છું કે મારે થોભી જવાનું છે. પણ એ symbolનથી. એ મારા વર્તનને નક્કી કરનારું એક ચિહ્ન જ છે. શબ્દ એક વસ્તુને ચિહ્નિત કરે છે. એ મારા વિચારને રજૂ કરનારો સંકેત છે, પ્રતીક નથી. પણ logical symbol કશીક વિશિષ્ટ contentને સંકેતિત કરતો નથી. એ તો માત્ર અમુક structural schemeને, logical formને સૂચવે છે જે આપણી વિચારણાની પ્રક્રિયાનું નિયન્ત્રણ કરે છે.

આ વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે formalization અને generalization વચ્ચેનો ભેદ સમજી લેવો જોઈએ. પ્રથમ દૃષ્ટિએ કદાચ આપણે એ બે વચ્ચે સેળભેળ કરી નાખીએ અને એ સમ્ભવિત છે કારણ કે આજનું formalismવધારે વિશાળ એવી generalitiesને ઉપજાવે છે. આનો દાખલો આપતાં ડુફ્રેન કહે છે: ‘The universal quantifier gives to the universal proposition a wider and more general scope than did the ancient formalization. Likewise, the calculus of classes places the accent on extension rather than on comprehension. પણ હુસેર્લે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું છે કે formal and material વચ્ચેનો પ્રધાનગૌણનો સમ્બન્ધ તે સામાન્ય અને વિશેષ વચ્ચેના સમ્બન્ધના જેવો હોતો નથી. Formalતે Genus અનેmaterialતે એની species એવું નથી. વક્તવ્યના તર્કવિભાવના લઈએ. અહીં કાર્યકારણભાવનો કે સંજ્ઞાઓના સારભૂત તત્ત્વનો – નો નિર્દેશ હોતો નથી. અમુક તાકિર્ક પ્રક્રિયાથી આપણે વિધાનના સત્ય કે મિથ્યાપણાને એની contentથી નિરપેક્ષપણે નક્કી કરતા હોઈએ છીએ. એવું જ classની વિભાવના વિશે છે. ‘Socrates is a man’નો અર્થ એ કે સોક્રેટિસ મનુષ્યવર્ગની વિશિષ્ટ વ્યક્તિ છે એવું એરિસ્ટોટલના લોજિકમાં હતું; તેવી જ રીતે જો એમ કહીએ કે Socrates is human – સોક્રેટિસમાં માનવ્ય રહેલું છે એમ સમજીએ, પણ અર્વાચીન લોજિકમાં The class is constituted directly by the grouping of individual beings, without reference to any specific property. Of course the class is itself defined by means of the predicate.

But still, the predicate, in turn, is interpreted in extension, as being simply the totality of individuals that verify the function.

  • Implication અથવા Entailment: એક વાક્ય દ્વારા બીજું સૂચવાતું હોય જો એની શરતવાળું વાક્ય પહેલું અને પરિણામરૂપ બીજું સાચું હોય તો. It is cloudy implies it will rain provided that ‘If it is cloudy it will rain’ is true.

આનો અર્થ એ કે બે functionsની range  જો સરખી હોય તો બન્નેને સરખા ગણી શકાય; (ને જો એમની દરેક દલીલનું સત્ય તરીકેનું મૂલ્ય સરખું હોય તો) આ રીતે formalizationને contentથી જુદું પાડે છે અને formed propertyને એ જેની સાથે સંલગ્ન હોય છે તે તાકિર્ક પ્રક્રિયાની પરિભાષામાં વર્ણવે છે. આથી એવું લાગે છે કે આ નવી ભાષાના પર, એના lexicon અને syntax પર આપણે પૂરું પ્રભુત્વ પ્રાપ્ત કરી શકીશું.

આ દિશામાં બીજું પગલું logic જ્યારેaxiomatizationને વશ વર્તે છે ત્યારે ભરવામાં આવે છે. આ પ્રક્રિયા જરૂરી બને છે કારણ કે ordinary calculus of propositions જ્યાં સુધી truth functionsdની પદ્ધતિને વળગી રહે છે ત્યાં સુધી logic lawsનો ખાસ્સો જથ્થો ઊભો કરે છે; એમાં વ્યવસ્થા લાવવાની રહે છે. લોજિક પોતાને ગણિતના જેવી deductive system તરીકે રજૂ કરવા ઇચ્છે છે. એ પોતાની primary termsને એના symbolsદ્વારા રજૂ કરીને કહે છે અથવા primary propositionsને કે axiomsદ્વારા રજૂ કરે છે. પછી શુદ્ધ સૂત્રો ઘડી કાઢવા માટે formationઅને transformationના ચોકસાઈભર્યા નિયમો રચે છે. આટલે આવ્યા પછી, logician એમાંથી પ્રમેયો સિદ્ધ કરવાની દિશામાં આગળ વધી શકે જેનો વળી માટેના નવા નિયમો શોધવામાં ઉપયોગ થઈ શકે. આ રીતે આ આખી પ્રક્રિયા પારદર્શક અને વાજબી બની રહે. જાણે પદ્ધતિ પોતે જ વિચારી લે છે અને એક રીતે કહીએ તો એ પોતાને presuppose કરે છે. વળી આ રીતે આગળ વધવામાં logicianજે જહેમત ઉઠાવે છે (દા.ત. Principia Mathematicaમાં બહારથી સ્વપ્રમાણિત લાગતા principle of identityની વ્યાખ્યા બાંધવામાં જે જહેમત ઉઠાવવામાં આવી છે તે સાવ નકામી નથી. સામાન્ય ભાષાને છોડી દીધા પછી જ સ્પષ્ટતા અને પ્રતીતિકારકતા આવી છે) પરમ્પરાગત રીતે Principle of identityને A is Aને રૂપે ઓળખાવવામાં આવે છે. એને બદલે હવે એને double implicationથી ઓળખાવવામાં આવે છે. આનું કારણ એ છે કે ‘is’ એ ક્રિયાપદનું રૂપ ઘણું સન્દિગ્ધ છે. એ બે પદોને જોડનારનું કામ કરે છે, અસ્તિત્વને સૂચવે છે. પણ એને માત્ર બે પદોને જોડનાર તરીકે લઈએ તો બ્લાંશોએ ભાર મૂકીને દર્શાવ્યું છે તેમ, એના બીજા ઘણા જુદા ઉપયોગો નજરે ચઢે છે: કર્તામાંના કોઈ ગુણને પણ એ દર્શાવે (દા.ત. Socrates is human); વ્યક્તિને અમુક વર્ગમાં સમાવિષ્ટ થતી પણ બતાવે (Socrates is a man), એક લક્ષણથી બીજા લક્ષણને સૂચવવાનું પણ કામ કરે(scientists are learned); કેટલીક વાર equivalenceને હકીકત રૂપે રજૂ કરે (Paris is the capital of France) તો કેટલીક વાર એને વ્યાખ્યા રૂપે પણ રજૂ કરે (A circle is a locus of points equidistanced from a center).

Symbolic logicમાં આ બધા અર્થો અને ઉપયોગોને સ્પષ્ટ રીતે જુદા પાડી આપીને જુદા જુદા  પ્રતીકો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે અને એનો વ્યવહાર જુદા જુદા નિયમો પ્રમાણે થતો હોય છે. Men are mortal અને Men are numerous આ બે propostionને એકસરખા ન ગણી શકાય. એક વાર ‘is’ જોડનાર તરીકે અમુક વર્ગમાં સમાવેશ કરવાનું કામ કરે છે તો બીજી વાર એ class membershipનું ચિહ્ન બની રહે છે. આ બન્નેની final properties એકસરખી હોતી નથી. આ રીતે ને વફાદાર રહે છે. જો આપણે આપણા વિચારોની વિશદતા પરત્વે સચેત હોઈએ અને આપણા inferenceના વાજબીપણા વિશે આગ્રહી હોઈએ તો આપણા વિચારના ક્ષેત્રમાં આપણે નિશ્ચિતપણે અને ઝડપથી આગળ વધી શકીએ.

વ્હાઇટહેડે કહ્યું છે તેમ ‘Symbolismની મદદથી વિચારની પ્રક્રિયામાં સંક્રાન્તિ જાણે આપોઆપ સિદ્ધ કરી શકતા હોઈએ એવું લાગે. જો એની મદદ ન લઈએ તો આપણે મગજની ઊંચા પ્રકારની શક્તિને મદદે બોલાવવી પડે.’ આજે આપણે calculatorનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ વાત આપણને બરાબર સમજાઈ જાય છે, આ રીતે આપણે બબ્બે ક્ષતિ વિના વિચારી લેનારી ભાષાનું આપણું સ્વપ્ન આંશિક રીતે સિદ્ધ થયું લેખાય. યન્ત્રમાનવનું વર્તન અમુક logical necessityને પ્રકટ કરનારા યન્ત્રથી નિર્ધારિત થતું હોય છે. જ્યારે લાઇબનિઝ કહે છે: ‘Let us sit down and calculate’ ત્યારે એ આપણને લોજિકનાં આવા automatismનો આશ્રય લઈ લેવાને લલચાવતો હોય છે. આપણને આ automatismશોધનાર લાઇબનિઝની અને એને માટે programmingકરનાર ઇજનેરની જરૂર હોય છે. પણ એક વાર નિયમો ઘડી કાઢીએ અને program formulate કરી દઈએ  પછી એ બન્નેને આપણે રોબોટને સોંપી દઈ શકીએ. આપણને એમ કરવાની ગરજ તો ઘણી છે. આજે remote controlથી આપણે બોમ્બને નિદિર્ષ્ટ જગ્યાએ ફેંકવો હોય કે ઊડતા વિમાન પર અગ્નિવર્ષા કરવી હોય તો આ જરૂરી થઈ પડે. આમ તમે logical formalismનું વિસ્તરણ કરો તો એથી લાભ થતો લાગે, જેમ calculating machine બનાવવાથી લાભ થાય તેમ.

આમ છતાં આ પરિણામોના તારતમ્યને નક્કી કરનાર એવા વિચારી શકનાર માનવીની તો જરૂર રહેવાની જ. કોઈ calculating machine પોતે જે પરિણામો લાવે છે તેને જાણતું નથી કે તેને વિશે કશો નિર્ણય કરી શકતું નથી. એ માનવી જેમ એનાં પરિણામોને અનુભવ વડે જીવે છે તેવો અનુભવ કરી શકતું નથી. એ માત્ર ચાલી જાણે છે, એથી વિશેષ કશું નહિ. ઉપયોગી શું ને સાચું શું એનું એને કશું ભાન હોતું નથી. વિચારવું એટલે સારામાઠાનો વિવેક કરવો, સત્યઅસત્યને પારખવાં – આથી આપણે બદલે યન્ત્ર વિચારે છે એવું કહી શકાય નહિ. એ માત્ર આપણી સેવામાં કામ આપે છે એટલું જ. પણ આ બધાંનું લોજિક માટે મહત્ત્વ શું?Formalization આખરે તો mechanization તરફ લઈ જાય છે. તેથી લોજિકે calculating machineની જેમ કાર્ય કરવું જોઈએ અને સત્ય જેવી કશી વસ્તુ પરત્વે ઉદાસીન રહેવું જોઈએ નહીં એવું કહેવા આપણે લલચાઈ જઈએ. આમ લાંબું ચક્કર ફરીને આખરે આપણે nominalistની લોજિકની વિભાવના આગળ આવીને અટકીએ છીએ. એ વિભાવના સામાન્ય રીતે logical positivismમાં તો પ્રચલિત હતી જ.  Nominalism વાસ્તવમાં બે વિચારોને રજૂ કરે છે. સૌ પ્રથમ તો એ એક negativeવિચાર રજૂ કરે છે જેના પર nominalismની વિચારણાની પશ્ચાદ્ભૂ બની રહે છે. આ વિચાર તે આ છે: વિચારnominal essenceથી વિશેષ સિદ્ધ કરી શકશે નહિ. આ ઉપરાંત એ એક positive ખ્યાલ પણ રજૂ કરે છે; કોઈ પણ પ્રતીકનો અર્થ તે syntactical નિયમોના પર આધાર રાખે છે જેને અનુસરીને પ્રતીકનો વિનિયોગ કરવાનો રહે છે; આ નિયમો બાંધી આપવાના રહે છે,પણ એ સ્વેચ્છાએ કરેલી પસંદગીના પર જ આધાર રાખતા હોય છે.

આ બધાંનો આખરે તો એટલો જ અર્થ થાય કે લોજિક સવિશેષ કરીને એક કૃત્રિમ ભાષા છે; અને આનો અર્થ વળી એવો થાય કે લોજિકને કોઈ પણ discourseની પ્રમાણભૂતતા સાથે સમ્બન્ધ છે, સત્ય સાથે નહિ, કારણ કે સત્યને યદૃચ્છાત્મક કહી ન શકાય. એને મન સ્વેચ્છા મુજબ પસંદ કરતું નથી; એથી ઊલટું વાસ્તવિકતા દ્વારા એનું મન પર આરોપણ થાય છે. ‘દરેકને પોતાનું આગવું સત્ય હોય છે’ એ રૂઢિવાદનું સૂત્ર હોઈ શકે. બીજી રીતે આ વાત મૂકીએ તો એમ કહેવાનું  રહે કે જો લોજિક આવી ભાષા છે તો એને વિજ્ઞાન તરીકે ન ઓળખાવી શકાય. લોજિક ધોરણો સ્થાપી આપનારું વિજ્ઞાન છે એમ કહી શકાય. આવું તો લોકો ઘણા વખતથી કહેતા જ આવ્યા છે, છતાં આટલું જ એને વિજ્ઞાન તરીકે સ્થાપવાને માટે પૂરતું નથી. એના નિયમોને સાચા કે ખોટા કહી શકાતા નથી; એરિસ્ટોટલે કહ્યું હતું તેમ એના વડે કેટલાક ontological structures જ પ્રકટ થતા હોય છે. Nominalism તો આ કરવાનું માથે લેવાની જ ના પાડે છે. આથી એક વિરોધાભાસભર્યું વિધાન લોજિક વિશે કરવું પડે છે: જો લોજિકને નિયમો કે ધોરણો ઘડી આપનારું વિજ્ઞાન ગણીએ તો એ નીતિશાસ્ત્રને મળતું આવે છે; પણ એ તો એટલા જ માટે કે લોજિકમાં નીતિનિયમો જેવું કશું હોતું નથી.

આમ છતાં,લોજિક આ સ્વરૂપનું ઉદ્દામ nominalism સ્વીકારી શકે એમ નથી. Nominalism સંજ્ઞા અનેક જુદા જુદા અર્થમાં પ્રયોજવામાં આવે છે. પણ અહીં ફ્રેન્ચ તર્કશાસ્ત્રીઓ એ જે અર્થમાં વાપરે છે તે અર્થ જ સ્વીકારેલો છે. એ મત પ્રમાણે લોજિકની ભાષા તે કૃત્રિમ રીતે વિસ્તારેલી ભાષા છે. ભાષાનું આવું દૃષ્ટિબિન્દુ સ્વીકારીએ તો એવું માનવાનું રહે કે મન વિભાવનાઓ બાંધે છે, એને અનુભવમાં શોધતું નથી. એ જ રીતે મનને આવી વિભાવનાઓના syntactical roleમાં રસ છે, એના અર્થગત મૂલ્યમાં નહિ. આમ લોજિક સત્ય પરત્વે બિલકુલ ઉદાસીન હોય છે. પણ એના બદલે લોજિક, બીજાં વિજ્ઞાનોની જેમ, નિયમો સ્થાપી આપવાનો આડમ્બર રચે છે જેને માત્ર rulesકહેવાય તેનાથી એને એ જુદા પાડે છે; કારણ કે આવા rules તે laws સુધી પહોંચવાને માટેનાં સાધનો માત્ર હોય છે અને એમનો આધાર આ laws જ હોય છે. વળી આ laws સાચા હોવાનો દાવો કરવામાં આવે છે. શા માટે?આનું એક કારણ એ છે કે આ lawsને પ્રતીકોના અર્થ તથા મહત્ત્વ સાથે સમ્બન્ધ છે, કેવળ એના ઉપયોગ સાથે નહિ, rules કેવળ એના ઉપયોગ સાથે સમ્બન્ધ હોય છે. બીજી રીતે કહીએ  તો semanticsને કેવળ જઅહાચટ વશ વર્તતું કરી દઈ ન શકાય. બીજું, આ laws સાચા હોવાનો દાવો કરે છે કારણ કે એ નર્યા યદૃચ્છામૂલક હોતા નથી. આથી આ laws પરત્વે બે વસ્તુ તપાસવાની રહે છે: લોજિકના જ ક્ષેત્રમાં કયું તાકિર્ક સત્ય પ્રતીત થાય છે?લોજિકની બહાર ગણવામાં આવતા વિશ્વના અનુલક્ષમાં આ તાકિર્ક સત્ય શું પ્રગટ કરે છે?ભાષા થોડે કે ઘણે અંશે ચુસ્ત તો બની શકે, પણ એ કેવળ પોતા વડે સાચી બનતી નથી; જે સત્ય છે તેને કહેવાનું એ સાધન છે, એટલે કે જગત વિશે બોલવાનું એ સાધન છે.

પ્રમાણભૂતતા પોતે પણ વાસ્તવિકતાના સન્દર્ભોથી નિરપેક્ષ રહીને વર્તી ન શકે. ‘સાચું’ અને ‘ખોટું’ એ સંજ્ઞાઓ શું logical calculusમાં નથી વપરાતી?આમ છતાં, કેવળ આટલી હકીકતથી nominalismનો પ્રતિવાદ થતો નથી, કારણ કે propositional symbolsમાં આરોપિત truth values કેવળ formal qualifications હોય છે; એ formના નિર્ણાયક હોય છે, contentના નહિ. આવા પ્રસંગોમાં સત્ય તે વાસ્તવિકતા સાથેનો મેળ પાડવાનો પ્રયત્ન નથી; એ તો માત્ર તાકિર્ક વ્યવહારની પ્રમાણભૂતતા નક્કી કરવાના હેતુથી ઊભી કરવામાં આવેલી formal property જ છે; એનું વ્યસ્ત વિધાન સાચું નથી. નિશ્ચિતતાની માત્રા વિશે આમ તર્કશાસ્ત્રી મુક્તપણે નિર્ણય લઈ શકે છે.

આમ છતાં, propositionsના પર T. અને F.નાં મૂલ્યોનું આરોપણ થયેલું માનીને જ્યારે તર્કશાસ્ત્રી મૂલ્યાંકનની પ્રક્રિયામાં આગળ વધે છે ત્યારે બધા જ સંજોગોમાં સાચાં એવાં કેટલાંક સૂત્રો એ શોધી કાઢે છે અને તે એ સૂત્રમાં રહેલા propositionsના સાચા કે ખોટાપણાથી નિરપેક્ષ રીતે. આ tautologiesતે તર્કના laws છે. વળી calculusનો હેતુ આવા lawsને પારખી લેવાનો છે; અથવા formalismની ભાષામાં શુદ્ધ રીતે રચાયેલાં બધાં સૂત્રોમાંથી આવા laws સિદ્ધ કરવા તે deductionsનું લક્ષ્ય છે. આ lawsનો અર્થ શો છે?Propositional functionsને જે અર્થમાં સાચાં કહીએ છીએ તે અર્થમાં, કેવળ યદૃચ્છાથી કે formally એ સાચા હોય છે?આવા lawsના સાચાપણા વિશે બે પ્રશ્નો વિચારવાના રહે છે.

પહેલો પ્રશ્ન તે આ: આ laws યાદૃચ્છિક હોય છે?laws શોધી કાઢવાને માટે calculusની શરૂઆતમાં જે rule સ્થાપવામાં આવતો હતો તેને સૌપ્રથમ યાદૃચ્છિક ગણવામાં આવતો હતો. પણ હવે જાણે આ અવળુંસવળું થઈ ગયું હોય એવું લાગે છે. હવે theoretical affirmation લેખે laws જ rulesને પ્રમાણિત કરે છે; એ એનું વ્યાવહારિક પરિણામ બની રહે છે.

દા.ત.Law of excluded middle(Everything is either A or not A) નીચેના ruleને પ્રમાણભૂત ઠરાવે છે: ‘એક વિધાન અને એને નકારનારનું વિધાન કર્યું હોય અને એ બેમાંથી એક ખોટું હોય તો બીજાનું અનુમાન કરી લેવાનું રહે. પણ દુર્ભાગ્યે બધા જ rulesને વાજબી ઠરાવી શકાય તેમ નથી. એનું કારણ એ છે કે પૂર્વનિર્ણીત rulesને આધારે જ lawsનું deduction શક્ય બને છે. આમ છતાં, ઘણાખરા સંજોગોમાં rulesની અને lawsની પરસ્પરોપકારકતાને કારણે rulesની યદૃચ્છાની માત્રા ઘટતી હોય છે.

Lawsને પોતાને તો કોઈ રીતે યાદૃચ્છિક ગણી શકાય નહિ, કારણ કે એમને તો તાકિર્ક વ્યવહાર સાથે જ નહિ, પણ અર્થ સાથેય સમ્બન્ધ હોય છે. આ પરત્વે C.I.Lewisએ જે કહ્યું છે તે નોંધવા જેવું છે: ‘The use of linguistic symbols is indeed determined by convention and alterable at will. Also what clarifications are to be made, and by what criteria, and how these clarifications shall be represented, are matters of decision. Insistence on these facts is sound, nevertheless such conventionalism  would put the emphasis in the wrong place. Decisions as to what meanings shall be entertained, or how those attended to shall be represented, can in no wise affect the relations which these meanings themselves have or fail to have. Meanings are not equivalent because definitions are avoided, definitive statenments are to be accepted because, or if, they equate expressions whose equivalence of intentional meaning is a fact. And rules for the manipulations of linguistic symbols, and the transformation and derivation of expressions, can indeed be made at will. But the meanings which our symbols represent cannot be manipulated at all.’

આ મન્તવ્ય આપણી વિચારનાર પ્રાણી તરીકેની આપણી સ્થિતિનું આપણને ભાન કરાવે છે. આપણે વિચારતા હોઈએ છીએ ત્યારે આપણે મુક્ત હોઈએ છીએ, અને છતાં મુક્ત નથી પણ હોતાં. તર્કસંગત રહેવું કે ન રહેવું તેનો આધાર આપણા પર જ રહે છે. પણ એક વાર તર્કસંગત રહેવાનું આપણે સ્વીકારીએ પછી આપણી સ્વતન્ત્રતા રહેતી નથી. અથવા બીજી રીતે કહીએ તો આપણી સ્વતન્ત્રતા તરંગીપણું બની રહેતી નથી; એ સ્વતન્ત્રતા સત્યને વશ વર્તવામાં રહી હોય છે. પ્રમાણના બળે કરીને સત્ય આપણને એને અધીન રાખતું હોય છે.

પણ આ સત્ય તે કયું સત્ય?અનેક સત્યો પૈકીનું કયું સત્ય?હુસેર્લ કહે છે તેમ ‘Logic of Truth’માં આ સત્ય તે માત્ર એક valid consequenceનું પરિણામ માત્ર?તર્કના laws કેવી રીતે સાચા હોય છે?એ પૃથક્કરણાત્મક અને પૂર્વગૃહીત રૂપે સાચા હોય છે, સર્વસામાન્ય અને આવશ્યક એવાં આ સત્યો જે પ્રાથમિક વિધાનોને એઓ જોડતાં હોય છે તેના સત્ય પર નિર્ભર ન હોવાને કારણે કોઈ પણ સમ્ભવિત જગતને માટે પ્રમાણભૂત હોય છે – લાઇબનિઝની eternal varitiesની જેમ. આમ છતાં, ઇન્દ્રિયજન્ય અનુભવ વિનાના ગમે તેટલા ઠાલા એ હોય તોય એ નર્યા ઠાલા તો હોઈ જ ન શકે. કારણ કે જો એ પ્રમાણભૂત assertionબની રહે, કેવળ શાબ્દિક સંજ્ઞાઓ માત્ર ન રહે તો જ એ સત્યના ગૌરવનો દાવો કરી શકે.

પણ આ મુશ્કેલીથી nominalism પર અંકુશ મૂકી શકાતો નથી: nominalist તો એમ કહેશે કે આવાં સત્યો એવા એક પદાર્થનો નિર્દેશ કરે છે જે કેવળ syntacticalનિયમોની જ નીપજ છે. એનાથી કશી વાસ્તવિકતા ચિહ્નિત થતી નથી; એ કેવળ બૌદ્ધિક વ્યાપારને જ ચીંધે છે. આથી લોજિક એવા વિચારોની અભિવ્યક્તિ કરે છે જે એના નિર્ણયો અને પ્રક્રિયાઓથી સભાન હોય છે. એ જ્ઞાન હોય છે ખરું, પણ એ જ્ઞાન વિશેનું જ્ઞાન છે.

આમ છતાં nominalismલોજિકનું આવું અર્થઘટન કરતું હોય છે ત્યારે એવું એ ખાસ ગમ્ભીરતાપૂર્વક કરતું હોતું નથી, કારણ કે એવું અર્થઘટન એને અર્થ સિદ્ધ કરવા મથતી ચેતનાની પ્રવૃત્તિની તપાસ તરફ દોરી જશે; અને જેમાં અર્થ પ્રકટ થતો હોય છે તે પુરાવાની તપાસ પણ એને કરવાની રહે છે. જો એ એમ કરવા પ્રેરાય તો હુસેર્લની જેમ  એણે પણ formal logicથી transcendental logic તરફ ગતિ કરવાની રહે, significationની જુદી જુદી categoriesને – વિભાવનાઓ, વિધાનો, કર્તા ક્રિયાપદ આદિને જે જુદાં જુદાં ત્રણ સ્તર પર એ મળી આવતાં હોય છે તે પર સ્પષ્ટ કરી આપવાનાં રહે. આ ત્રણ સ્તર તે pure morphology of judgementનું જેમાં નિરર્થકતાને ટાળવામાં આવી હોય; બીજું તે logic of noncontradictionનું સ્તર જેમાં countersense કે contradictionને નિવારવામાં આવ્યાં હોય અને ત્રીજું સ્તર તે logic of truthનું જેમાં સમ્ભવિત સત્ય વિશેના formal laws ને નિયત કરવામાં આવ્યા હોય છે. પણ અહીં વિટગેન્સ્ટાઇને કહ્યું છે તે યાદ રાખવાનું છે: ‘We shall say that they are significations or modes of significations, not that they have a signification.’

પણobjectના બધા જ નિર્દેશોને ટાળવાનું શક્ય છે ખરું?જો apophantic analysis સમ્ભવિત સત્યની વિચારણા પૂરતું જ મર્યાદિત રહે તો એવા સત્યનો effective truth સિવાય બીજો કશો અર્થ રહે ખરો?Logical Semantics માત્ર formalન રહી શકે એવું અહીં કરેલું સૂચન તે syntaxપોતાને formalize કરવાનો જે પ્રયત્ન કરે છે તેના પરિણામ રૂપે આપણે પરાણે સ્વીકારવાનું જ રહેશે. આવા પ્રયત્નથી, સૌ કોઈને વિદિત જ છે તેમ, Logic અને Mathematics વચ્ચેનો સુમેળ સ્થપાયો છે. લોજિક એક પ્રકારનું Calculusબની ગયું છે. લાઇબનિઝે એવું જ કંઈક ઇચ્છ્યું હતું. Syllogismનો અભ્યાસ તે calculus of propositions અને calculus of predicatesમાંના વિવિધ laws વિશેની વિચારણામાં ફેરવાઈ ગયો છે. સિદ્ધાન્તોનો અભ્યાસ પણ formalismનાં ધોરણો વિશેના ગાણિતિક ચિન્તનમાં ફેરવાઈ ગયો છે.

આમ છતાં,ગણિત પોતાના formalismનો વિનિયોગ logicને કરવા દે છે તેનું મહત્ત્વ માત્ર logicalનથી, પણ ontologicalપણ છે. પ્રશિષ્ટ ગણિતવિદ્યાએ પોતાના ક્ષેત્ર પ્રમાણે પોતાનાં લક્ષણો બાંધ્યાં છે: સંખ્યા, અવકાશ, ગતિ – આ બધું ક્ષેત્ર છે. અર્વાચીન ગણિતવિદ્યામાં formalizationમાં આવતું abstraction ઘણું આગળ વધી ગયું છે, તોય એમાં સર્વસામાન્ય પદાર્થનો નિર્દેશ નકારાયો છે એવું નથી. આમ હુસેર્લે કહ્યું હતું તેમ એક formal ontology બની રહ્યું છે. આથી અર્થની categoriesને એના પ્રતિરૂપ(correlatives) લેખે પદાર્થની categories હોય છે. (દા.ત. object, entity, plurality, relation, identity, equality, whole, set વગેરે) એ જ રીતે વસ્તુ તે વિભાવનાનું correlate બને છે અને વસ્તુની અવસ્થા તે judgementનું correlate બને છે. આ રીતે લોજિકલ ભાષા એના નરી formalબની રહેવાના પ્રયત્ન છતાં પદાર્થને સાવ નકારી શકતી નથી. આમ છતાં આ પદાર્થ formal જ હોય છે; એ જગતની વાસ્તવિકતા નથી; એ સમ્ભવિત વિશ્વનું form હોય છે જેની વ્યાખ્યા એક અને અનેક, સમગ્રતા અને એકતાની સંજ્ઞાઓ દ્વારા આપવામાં આવે છે. વિચાર જાણે એ પદાર્થને શરણે જાય છે જેથી એ સત્યને પામી શકે; છતાં વિચારે આવો પદાર્થ ઉપજાવ્યો હોવાથી એના પર પૂરું પ્રભુત્વ હોય છે. આથી વિચારની પોતાની સાથેની સંવાદિતા તે સત્ય, વિચાર જ્યારે પોતા તરફ વળે ત્યારે સત્ય એવી વ્યાખ્યા આપી શકાય.

પણ આટલેથી જ અટકવાનું શક્ય નથી. લોજિકલ truthને ન્યાય કરવા માટે એની formal systemની અંદર રહીને વ્યાખ્યા આપીએ તે પૂરતું નથી. એને બાહ્ય વાસ્તવિકતાના સન્દર્ભમાં મૂકીને જોવું જોઈએ, જેથી અર્થપૂર્ણ અને અર્થહીન વચ્ચે બરાબર વિવેક કરી શકાય, જેથી વિચાર ને વાસ્તવિકતા વચ્ચેની પર્યાપ્તતા સિદ્ધ કરી શકાય. આથી જ તો હુસેર્લ એના લોજિકના પૂરક રૂપે transcendental logicને મૂકે છે. પણ આપણે જરા જુદે રસ્તે થઈને એ તરફ વળીશું.

લોજિકના સત્યને પ્રમાણભૂતતાનું લક્ષણ બક્ષવા માટે એના વિરોધાભાસથી પર એવા તત્ત્વને, formalizationની પ્રક્રિયાને જે મુશ્કેલીનો સામનો કરવો પડે તે સંભારીને પડકારવાનું રહેશે. અત્યાર સુધી વાસ્તવમાં આપણે એમ માનતા આવ્યા છીએ કે લોજિક પૂરેપૂરું સ્વયંપર્યાપ્ત છે અને તર્કશાસ્ત્રીઓ લોજિકના ક્ષેત્ર પર પૂરું પ્રભુત્વ ભોગવી શકે તેમ છે. પણ હવે લ્ય:જિકનો આખો ઉદ્યમ formalismની આન્તરિક મર્યાદાઓનો મુકાબલો શી રીતે કરે છે તે જોવાનો છે. આ બધી મર્યાદાઓ લોજિકની સીમાઓ જ એ સીમાની બહાર રહેલી આત્યન્તિક અને irreducibleની એવી વાસ્તવિકતાના સમ્પર્કમાંથી ઉદ્ભવતી હોય છે. આને પરિણામે abstractive formalizationની પ્રક્રિયા ચાલી રહી હોય છે ત્યારે લોજિકની intuitive content પૂરેપૂરી લુપ્ત થઈ જાય તે શક્ય નથી.

કોઈ પણ formal system પૂરી થઈ ચૂકેલી કે પોતાનામાં જ બંધ હોય એવી કલ્પના કરી શકાય નહિ. આવી પદ્ધતિ જે formalizedભાષા વાપરે છે તેને હંમેશાં metalanguageનો આધાર લેવો જ પડતો હોય છે. પોતાને વિશે પ્રશ્ન કે શંકા ઊભી કરીને જ એ પોતાને ન્યાય્ય ઠેરવી શકે.

મર્યાદામાં પુરાઈ રહેવાની આ અશક્તિ આવી વિચારપદ્ધતિઓમાં દેખાય છે એનું કારણ એ છે કે તર્કબદ્ધ વિચારને કશાક અસીમ જોડે મુકાબલો કરવાનો આવે છે જે માત્ર સમ્ભવિત નથી, પણ વાસ્તવિક હોય છે. એને એવી સીમાઓ પ્રાપ્ત નથી થતી જેમાં એ સ્વયંપર્યાપ્ત બનીને રહી શકે, પણ વિચાર જે virtual છે તેને લક્ષ્ય બનાવી શકે, પણ જે actualની અંદર રહેલા virtualને લક્ષ્ય બનાવી શકાય તો પણ virtualમાંના સમગ્રને actualના ક્ષેત્રમાં લઈ જવાનું શક્ય નથી.

Ladriere આ વાતને horizon of perception સાથે સરખાવીને સમજાવે છે. હુસેર્લે આ પ્રકારના horizonના ખ્યાલ વિશે આગ્રહ રાખ્યો હતો. એની સ્પષ્ટતા થતી રહે તો આપણે આદર્શવાદના પ્રલોભન તરફ ઘસડાઈ જતા બચી જઈ શકીએ. Perceptionએકી સાથે evident અને inadequate હોય છે, કારણ કે પ્રત્યક્ષીભૂત થતો પદાર્થ બે ક્ષિતિજો સાથે સમ્બન્ધ ધરાવતો હોય છે – આન્તરિક અને બાહ્ય. પદાર્થની ઓળખ એ એક સંકુલ પ્રક્રિયા છે. એનાં અનેક પાસાંઓ કે આભાસો એને એ પદાર્થ સાથે કદી સમ્પૂર્ણ અવિભિન્નભાવે ભળી જતાં દેખાડી શકતા નથી, માટે આન્તરિક ક્ષિતિજની આવશ્યકતા રહે છે; પદાર્થ દૃશ્ય જગતની પડછે પોતાના  આગવાપણાને ઉપસાવી આપે છે માટે બાહ્ય ક્ષિતિજની જરૂર રહે છે. પણ આપણે આ ક્ષિતિજો તરફ આગળ વધીએ તેમ તેમ આ ક્ષિતિજો દૂર સરતી જાય છે. આથી જ તો કદી સ્થળકાળની સમગ્રતાને assign કરી શકાતી નથી.

આવું જ logico-mathematicalવિચારને વિશે બનતું હોય છે. આથી હુસેર્લે નોંધ્યું જ છે તેમconstructive thoughtના વ્યવહારનો ઉદ્ભવ થાય છે. એને મન વિચાર તે એક infinite task છે, એનું લક્ષ્ય જેને આપણે ‘આદિ આદિ’ કહીએ છીએ તેની અનન્ત ક્ષિતિજનું theorizationકરી આપવાનું  છે. વિચાર જ્યાં આ ક્ષિતિજને નષ્ટ કરવાનો ડોળ કરે કે તરત જ એને theory of setsમાંના વિરોધાભાસોનો સામનો કરવાનો આવે. આવી પરિસ્થિતિમાં જ વિચારને formalizationનો આશ્રય લેવો પડે અને એ nonselfcontradictary formalism દ્વારા રજૂ થતા પદાર્થો સિવાય તે બીજાને ગાણિતિક અસ્તિત્વ આપવાનું નકારી કાઢે.

આ પરિસ્થિતિ ગાણિતિક વિભાવનાઓ પૂરતી જ સાચી છે એવું નથી; એ બધી જ વિચારણાઓ માટે એટલી જ સાચી છે. ચેતનામાં જ એને સમયગત કરવાની જે પ્રક્રિયા ચાલતી હોય છે તેમાં એનું મૂળ રહ્યું હોય છે. આપણે જેને living present કહીએ છીએ તે તો કેવળ સૂચ્યગ્ર ભૂમિ પર જ ટકી રહેલો છે. એક ચિન્તકે કહ્યું છે તેમ એ તો ખરતા તારાના જેવો છે;આપણે એને ચીંધી બતાવીએ ત્યાં તો એ અદૃશ્ય થઈ જતો હોય છે. આથી એ precariousહોય છે અને એને આપણા સમગ્ર અનુભવનાં પરિમાણોને આવરી લેવા  જેટલો વિસ્તારી શકાતો નથી. એવી કોઈ પદ્ધતિ વિકસાવવી જે પોતાના અર્થના પ્રાદુર્ભાવને પોતાનામાં ચીંધી બતાવી શકે તે અસમ્ભવ છે. વિચારને એના પદાર્થથી છૂટું પાડનારું જે અન્તર છે તેને પૂરેપૂરું દૂર કરી શકાતું નથી. આથી જ તો Dufrene કહે છે: ‘Indeed the spatial horizon is like a symbol for the temporal horizon, to which all consciousness is committed.’

આમformalismપોતે જ અમુક મર્યાદાઓને વરેલું હોય છે. સદા પાછળ ને પાછળ સર્યે જતી ક્ષિતિજ આપણને ચેતવી દેતી હોય છે કે જે formal  છે તે અન્તમાં intuitiveમાં પરિણમે છે. આ intuitive જ અનેકવિધ સમ્ભવિતતાનું સ્થાન છે; આ પ્રચુરતા કદી આપણો કેડો છોડતી નથી; એ આપણામાં constructive thoughtને ઉદ્દીપ્ત કરે છે. એ વિચારને સન્તોષે પણ છે અને નિરાશ પણ કરે છે. એને સન્તોષે છે કારણ કે intuitionમાંથી જ વિચારને કશુંક પ્રાપ્ત થતું હોય છે. એ નિરાશ કરે છે કારણ કે જે પ્રાપ્ત થાય છે તે પર વિચારનો કાબૂ હોતો નથી. Intuitionઅહીં વિચારને એવા કશાકના સમ્પર્કમાં મૂકે છે જે formalને ઉલ્લંઘીને રહ્યું હોય છે. પણ એને formalની આ બાજુની સીમામાં જોતા નથી એવુંય નથી; કારણ કે આ intuition મૂળભૂત નહિ પણ સાધિત પ્રકારનું હોય છે. કાન્ટે કહેલું તે આ sensible intuition છે, એનું form તે time છે. ટૂંકામાં કહીએ તો આ intuition formalizationના બન્ને અન્તિમે રહ્યું હોય છે. Formalismનો અન્ત intuitionમાં આવે છે. એનું કારણ એ છે કે એનાં મૂળ intuitionમાં જ રહ્યાં હોય છે.

Formalismનાં બે અન્તિમો જેટલે દૂર જઈને intuitionને શોધવાનું કદાચ જરૂરી નથી. લોજિકલ તન્ત્રના પ્રાથમિક વ્યાપારની સાથે જ આ intuition પણ સક્રિય બનતું કલ્પી શકાય, truth tablesની પદ્ધતિથી આને પ્રમાણિત કરી શકાય તેમ છે.

આવું પ્રમાણ લોજિકના તન્ત્રના મર્યાદિત ક્ષેત્રમાં જ સિદ્ધ કરી શકાય તેમ છે તે જાણીતું જ છે. એ માત્ર calculus of propositionsમાં જ સિદ્ધ થઈ શકે. Higher functional calculusમાં આ truth-table method કામમાં આવી શકે નહિ. તાકિર્ક વિચાર પોતાને પ્રાથમિક સ્વરૂપની constructions પૂરતો જ મર્યાદિત રાખી શકે નહિ. આને પરિણામે એ કેવળ intuitionએ પૂરા પાડેલા પ્રમાણ પર આધાર રાખી શકતો નથી.

બાશેલાર્ડે ઘણી વાર પ્રબળપણે દર્શાવ્યું છે કે વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રગતિ પ્રમાણોને પડકારવાથી અને જે સરળ છે તેને સંકુલ બનાવી દેવાને કારણે થતી રહી છે. આમ વિચાર વધુ ને વધુ માત્રામાં formalization તરફ ગતિ કરતો જાય તેમ તેમ એને elementary calculus જોડે જોડનાર સેતુને તોડી નાખીને જ આગળ વધી શકે. આમ શા માટે બનવું જોઈએ?કારણ કે જે પ્રમાણનો લાભ આવા calculusને મળતો હોય છે તે સન્દિગ્ધ સ્વરૂપનું હોય છે. જેનું intuitionથતું હોય છે તેને અંગેનું પ્રમાણ તે જેનો પ્રત્યક્ષ થતો હોય છે તેના પ્રમાણ સાથે સાદૃશ્ય ધરાવતું હોય છે.

આમ છતાં એ તો સાચું જ છે કે પોતાને આધાર આપવા માટે logical thoughtને intuition સાથેનો સમ્બન્ધ પુન:સ્થાપિત કરવાનો જ રહે છે. પણ અહીં intuitionશુદ્ધ logical હોતું નથી; એ એની પૂર્વાવસ્થાનું હોય છે એમ કહેવું જોઈએ. આપણે Logic શીખતા હોઈએ ત્યારે શરૂઆત કરીએ તે પહેલાં થોડા દાખલાઓની જરૂર નહિ પડે?Implicationને શુદ્ધ તાકિર્ક અનુમિતિ રૂપે (જે કાર્યકારણ સમ્બન્ધના નિર્દેશ માત્રને ટાળે છે) સમજતાં પહેલાં મારે એમ કહેવું જોઈએ કે બે વત્તા બે ચાર થાય એથી એવું imply થાય છે કે દિલ્હી ભારતની રાજધાની છે. વર્ગ અને predicate વચ્ચેનો ભેદ સમજવા માટે મારે ‘Men are mortal’ અને ‘Men are numerous’ જેવાં વાક્યોનો ઉપયોગ કરી બતાવવો પડે. આથી જ તો કહ્યું છે: ‘If the concrete is merely the abstract rendered familar by usage then usage requires that at the outset the abstract be clarified by the concrete.’

આમ આપણે material truthની ભૂમિકાએ થઈને જ formal truth તરફ ગતિ કરીએ છીએ. વિચારની પ્રક્રિયામાં દાખલાઓ અગત્યનો ભાગ ભજવે છે તે હુસેર્લે સ્વીકાર્યું હતું. Categorical intuition એક એવી પ્રક્રિયા છે જેને આધાર છે,પાયો છે અને એ આધાર અને પાયો તે sensible intuition છે. સાચો દાખલો ખરેખર કાર્યસાધક નીવડે છે; એ essenceને આગળ કરી શકે છે. એ દાખલો નમૂનારૂપ નીવડે છે તે એને idealizedકરનાર વ્યાપારને કારણે; જે હકીકતમાં રહેલા idealને છતું કરે છે. દાખલો પોતે એકલો તો પ્રારમ્ભમાં લગભગ હકીકત જેવો જ હોય છે. જ્યારે મૂળ ઉદ્ભવસ્થાન સુધી જવા માટે phenomenology ideaનો અંચળો ઉતારી નાખે છે (જેના સંચિત થતા કાંપને કારણે જગત ધીમે ધીમે ઢંકાતું જાય છે) ત્યારે એ આપણે જે જગતમાં હંમેશાં રહેતા આવ્યા છીએ તે જગતને શોધી કાઢે છે; એની જ ભૂમિ પર બધા વિચારની ઇમારતો ચણાતી હોય છે. જ્યારે વિચાર intuitionના પોતાના ઉદ્ગમને ભૂલી જાય છે ત્યારેય એને કલ્પનાનો આશ્રય લઈ facticityને પૂરેપૂરી દૂર કરી શકાય નહિ. જે વાસ્તવિકતા આપણને આપવામાં આવી છે તેનો કેવળ એને ખાતર જ વિચાર થાય નહિ. છતાં એક દૃષ્ટાન્ત રૂપે આપણે એને યાદ તો કરીએ જ છીએ. આવાં સાધનો વડે ideation pure inches સુધી પહોંચી શકે છે જે ગૃહીતોનાં સ્વરૂપનાં હોય છે. Formalismએની સ્વાયત્તતા પ્રાપ્ત કરી શકે એ સાચું, તેમ છતાં એના intuitionમાંના ઉદ્ભવને એ વિસારે પાડી શકે નહિ. આથી C.I.Lewisકહે છે: ‘I need only make an experiment in imagination to find out whether all men are rational animals.’ જે વિચાર સાચો બનવા ઇચ્છતો હોય તેને માટે આ સિવાય બીજો કોઈ રસ્તો છે ખરો?

આ બધું આપણી thinking consciousnessની સીમાને ચીંધી બતાવે છે. એ જે formal systems રચે છે તે બે inexhaustibleઉદ્ગમોમાં પુરાઈને રહે છે: prereflective અને postreflective; એક લોજિકની open horizon અને બીજી તે પ્રત્યક્ષીભૂતની open horizon. આ બન્ને એક નથી એવો પ્રશ્ન પૂછી શકાય; કારણ કે આ જગત જે સાચા અર્થમાં inexhaustible source છે તે કોઈક વાર formal ontologyનું તો કોઈ વાર lebensweet નથી?અને તે શું આ જ જગત નથી?Formal world તે પ્રાકૃતિક વિશ્વનું જ રૂપ હોય છે અને વિચાર એની primitive intuitionની પ્રવૃત્તિ દ્વારા એને પામે છે કારણ કે એ એના ઇચ્છાને પરિપૂર્ણ કરે છે, ભૌતિક વિશ્વ અને એ કાર્ય માટે આહ્વાન આપે છે અને એમાં મદદ પણ કરે છે. Intuitionઆ પ્રક્રિયાનો પ્રારમ્ભમાં sensible intuition રૂપે હોય છે, એ જે કારણે અન્તમાં એ logical intuition રૂપે દેખાય છે.

ભાષા વિશેની વિચારણા પરત્વે પણ આવું જ કહી શકાય છે. ભાષાવિજ્ઞાન Syntacticsઅને Semantics વચ્ચે વિવેક કરે છે. Syntacticsને ઓળખી શકાય એવા શબ્દનાં રૂપોની રચના સાથે સમ્બન્ધ છે, જેમ લોજિકમાં સાચી formula હોય છે. Semanticsને સાથે સમ્બન્ધ છે. રૂપ દ્વારા તે જે contentનિર્દેશાય છે તેની સાથે સમ્બન્ધ છે. Syntacticsઅને semantics એક જ સ્તર પર છે એવું કહી શકાય નહિ. Syntactics phonemesની વ્યવસ્થાને તપાસે છે, તે એ માટે ફરી Semantics તરફ વળે છે જે શબ્દોના અર્થને તપાસે છે, જેને રૂઢ અર્થમાં વ્યાકરણ કહીએ છીએ તે પણ Semanticsતરફ જ વળે છે જે વાક્યોના કે પ્રબન્ધના અર્થોને તપાસે છે. આ રીતે અર્થનો અભ્યાસ ભાષાના એવા તબક્કા તરફ વળે છે જે formationના અભ્યાસથી જુદા પ્રકારનો છે. આમ છતાં logical languageની મહત્ત્વાકાંક્ષા સ્વયંપર્યાપ્ત હોવા ઉપરાન્ત પોતાના Semanticsને Syntacticsના સ્તર પર પ્રાપ્ત કરી લેવાની છે. Formulaના significanceની ખાતરી આપતો પદાર્થ સંકેતોને નિયન્ત્રિત કરતા syntacticalનિયમોથી જ અભિવ્યક્ત થઈ શકતો હોય તો જ આ બની શકે. પણ આ મહત્ત્વાકાંક્ષા નિષ્ફળ જવા જ નિર્માયેલી છે. દરેક logical languageને એક meta-languageનો આશ્રય લેવો પડે છે અને એને વળી ક્રમે meta-meta-languageનો આશરો લેવો પડે છે. આમ ને આમ આગળ ચાલ્યા કરે છે. તો પછી પ્રમાણભૂત meta-language તે common language નથી?કારણ કે વાસ્તવમાં આ common languageમાં જ અર્થ સંકેતમાં અન્તનિર્હિત રૂપે રહેલો હોય છે; એમાં syntax (જ્યારે એ phonological systemના રૂપમાં નથી હોતો ત્યારે) પોતાને Semanticsના સ્તર પર સ્થાપી દઈ શકે છે.

આ જોડાણ તો જ વાજબી ઠરે જો આપણે બોલવાની ભાષા અને બોલાનારી ભાષા વચ્ચેનો ભેદ સ્વીકારીએ. આ ભેદ ભાષાવિજ્ઞાનમાંના language અને speech વચ્ચેના ભેદ જેવો છે. બોલાતી ભાષા પરત્વે જ syntaxઅને Semantics વચ્ચેનો સ્તરભેદ રહે છે. આ ભાષાને એનો અભ્યાસ કરનારની દૃષ્ટિએ જોવાની રહે છે. આ ભાષા એક પદાર્થ બની ચૂકી હોય છે. એને ધ્વનિવિજ્ઞાન, વ્યાકરણ, શબ્દકોશનો વિષય બનાવવામાં આવે છે. આથી એ ભાષા મારે માટે અજાણી બની રહે છે, હું એને સાહજિકતાથી બોલતો નથી, પણ એ દરેક પ્રસંગે એને વિશેના મારા વિચારની અપેક્ષા રાખે છે.

આના વિરોધમાં બોલાતી ભાષા તે ભાષાની જીવન્ત અને જીવિત વાસ્તવિકતા છે; એમાંથી બોલાતી ભાષા તારવી કાઢેલી હોય છે. એ ભાષા તો એની એ જ છે,પણ એનાં અંગો છૂટાં કરી નાખવામાં નથી આવ્યાં, એમાં હાડપાંસળાં જુદાં નથી કર્યા હતાં; એનાં બધાં જ અંગો સંક્રમણ માટે સંયોજિત હોય છે. હું કોઈકને કશુંક કહેવા માટે બોલું છું તેથી જે ભાષા બોલે છે તે મારી સાથે બોલે છે; એનો ગુણ એની truthfulnessમાં રહ્યો હોય છે; એનામાં મને અને મારી સાથે વાત કરનારને જગત સાથેના સમ્પર્કમાં મૂકવાની શક્તિ હોય છે. ભાષાના આ જીવનમાં સંકેત અને સંકેતિત વિભિન્ન હોતા નથી.

આcommon language આપણને ક્ષતિમાં દોરી લઈ જાય એવું જોખમ તો રહ્યું જ હોય છે; પણ એ આપણને સત્યમાં સ્થાપી આપે છે માટે જ છેતરાવાનો સમ્ભવ રહે છે. એ સત્ય બોલી શકે છે માટે જ જે ખોટું છે તે ઉચ્ચારી શકે છે. આવી ક્ષતિમાંથી આપણને ઉગારી લેવા માટે જ સૌ પ્રથમ લોજિકની રચના થાય છે. પણ લોજિક એ સાવચેતી માટેની વ્યવસ્થા માત્ર નથી, માત્ર સલામતી માટેની યોજના નથી. એ તો આખો એક નવી ભાષાનો પ્રપંચ જ છે. એ ભાષા વધારે સંશુદ્ધ અને ચુસ્ત હોય તો પણ એ કશુંક કહેવા માટેની ભાષા છે ને તે એણે સાચી રીતે કહેવાનું છે. એમાં કશી empirical content હોતી જ નથી એવું પણ નથી. હુસેર્લ કહે છે તેમ આખરે એ ideationની પ્રક્રિયાનું પરિણામ છે. આ ideationઅહીં formalizationનું રૂપ લે છે. એ એક form ઉપજાવે છે, ને આ formતે કશાકનું form છે. હવે વાસ્તવિકતા અથવા જગતને સમગ્ર વાસ્તવિકતા રૂપે લેખીએ તો તેને ભૌતિક પુદ્ગલ અને empirical properties અને formal properties પણ છે. લોજિક જે ખ્યાલો ઉપજાવે છે (predicate, class, relation) તે વાસ્તવિકતાનાં પાસાંઓને ઓળખાવે છે.  હુસેર્લના શબ્દોમાં કહીએ તો એ બધી categories of objects છે. Syntaxના નિયમો પણ કાંઈ યદૃચ્છાત્મક હોતા નથી. એ શેતરંજની રમતના વ્યાકરણ જેવા નથી હોતા; એમાં તો વાસ્તવિકતાનું પોત પરખાય છે. આમ formal laws objective laws છે, કેવળ મનનો અહૈતુક વ્યાપાર નથી.

જોવું એટલે જ રચવું. There is no object for thought that is not an object of thought. દરેક પદાર્થ તે intutionનો correlate હોય છે જેને બૌદ્ધિક પ્રવૃત્તિથી પામી શકાય છે. એ સિવાયનો બીજો કોઈ એવો પદાર્થ નથી જેને વિશે આપણે બોલી શકીએ અને જેને જાણી શકીએ. જે આપેલું છે તેને શોધી કાઢવું તે દરેક constructionનો હેતુ હોય છે. Logic વાસ્તવિકતા સાથેનો આ સમ્પર્ક જાળવી રાખે છે તેથી જ એને સતત પ્રગતિ કરવાનું અને નવું નવું સિદ્ધ કરી બતાવવાનું કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના formalismને માટે closureશક્ય નથી, કારણ કે વાસ્તવિકતા પોતે જ, એનાં formalપાસાંને લેખામાં લઈએ તો, આપણી મર્યાદિત ચેતના માટે અજસ્ર કહેવાય એવી છે. સત્ય તે આપણે માટે તો આંશિક અને કામચલાઉ હોવાની શરતે જ સત્ય છે. આમ છતાં જગતની આ અજસ્રતા વિશેની આપણી કંઈક અકળ એવી લાગણી બધી જ સર્જનાત્મક વિચારણાનું મૂળ છે; પણ એણે જગત સાથેનો સમ્પર્ક તોડવો જોઈએ નહિ, અને intuition તે કોઈ visionaryનું સ્વપ્ન માત્ર બની રહેવું જોઈએ નહિ.

ગણિતને આપણે સાચું લેખીએ છીએ કારણ કે એમાંથી Mathematical Physics ઉદ્ભવ્યું છે; તેવી જ રીતે Logic પણ સાચું છે કારણ કે એમાંથી ગણિત ઉદ્ભવ્યું છે જેની સાથે એ આખરે અભિન્ન બની જાય છે. આમ ગણિત સાથે અભિન્ન બની જવાથી એનો Physicsજોડે પણ સમ્બન્ધ સ્થપાય છે. આ કેવી રીતે શક્ય બને છે?આ શક્ય બને છે કારણ કે લોજિકે જગત સાથે એને જોડનારા સેતુનો કદી પૂરેપૂરો નાશ કરી નાખ્યો નથી, common language સાથેનો પણ એનો સમ્બન્ધ તૂટ્યો હોતો નથી. એ ભાષામાં જ આપણો જગતનો અનુભવ સૌ પ્રથમ પ્રકટ થતો હોય છે. આ કારણે લોજિક પોતે કદી જગત વિશે બોલવાનું છોડી દેતું નથી. ખરેખર લોજિક એક રીતે જોઈએ તો formal ontology છે.

  1. Veatch નામના આધુનિક તર્કશાસ્ત્રી કહે છે કે મેથેમેટિકલ લોજિક ખરેખર તો logical forms વિશેનું છે જ નહિ, એને તો સાચા forms અને સમ્બન્ધો સાથે જ લેવાદેવા છે. હુસેર્લ પણ કંઈક આવું જ માને છે. એને મતે formal logic, જેને આપણે logic of forms ગણતા હોઈએ છીએ તે સર્વસામાન્ય પદાર્થો વિશે ગૃહીત રૂપે સ્વીકારેલો સિદ્ધાન્ત માત્ર છે. Formalને હંમેશાં materialના વિરોધમાં જ મૂકવામાં આવે છે, અને તેથી જ હુસેર્લ એરિસ્ટોટલનો વાંક કાઢીને કહે છે કે એણે માત્ર general ontologyને જ સ્વીકારી અને એને જ ફિલસૂફી માની લીધી. Formal ontology જેવું કશું હોઈ શકે એવું એણે સ્વીકાર્યું જ નહિ. આથી હુસેર્લ કહે છે: ‘The subordination of the material to the formal ontology contains within itself at the same time the forms of all possible ontologies, with the result that it prescribes for such material ontologies a common, formal legislation.’ આમ આ formal ontology ખરેખર એક વિજ્ઞાન છે. આ વિજ્ઞાનમાં સામાન્ય પદાર્થ તે પદાર્થ હોય જ છે અને formality તે realityની એક categoryજ હોય છે.

License

Share This Book