14 સાહિત્યનો આસ્વાદ અને તેની આલોચના

સાહિત્યનો આસ્વાદ અને તેની આલોચના એ બે ભિન્ન પ્રવૃત્તિઓ છે?આસ્વાદની પ્રવૃત્તિ શાસ્ત્રશાસિત નહિ હોય, એમાં ભાવકની ભાવયિત્રી પ્રતિભા જ ક્રિયાશીલ બનતી હોય છે એમ કેટલાક કહે છે. શાસ્ત્રની અપેક્ષાઓ સંતોષાઈ છે કે નહિ, નિયમોનું પાલન થયું છે કે નહિ, એટલું જ જો આલોચનામાં કરવાનું રહેતું હોય તો શાસ્ત્રીયતાને નામે રસચર્વણાની જ ઉપેક્ષા કરવા જેવું થાય એમ પણ કેટલાકને લાગે છે. કૃતિની સંકુલ સમૃદ્ધિને નિયમોના કોઠામાં પૂરવાની સગવડ ખાતર સંકોચીને હ્રસ્વ કરનારું વિવેચન કૃતિને  કે સર્જકને ન્યાય નહિ કરી શકે એવો ભય સેવવામાં આવે છે. વિવેચનનો ચેતનાલક્ષી અભિગમ તો એમ જ કહે છે કે કૃતિ દ્વારા સર્જકની ચેતનાનું પોત જ આપણે અનુભવવાનું હોય છે. આથી વિવેચકની ચેતના અને સર્જકની ચેતનાનો વ્યવધાનરહિત સંયોગ એ જ કોઈ પણ આલોચનાની ફલશ્રુતિ હોવી જોઈએ. વિવેચકે તો કૃતિને આધારે આ સિદ્ધ કરવાનું છે. જે કાંઈ ચેતનાના એવા અપરોક્ષ સન્નિકર્ષની આડે અન્તરાય રૂપ બનીને આવતું હોય તેને વિવેચકે દૂર કરવાનું છે. આથી એણે અપારદર્શકતાને બને તેટલી પારદર્શક બનાવવાની છે. આપણે સર્જક કે વિવેચકની સાહિત્ય વિશેની કે જગત વિશેની વિભાવનાઓનો પરિચય પામવા માટે વિવેચના પાસે જતા નથી. સાહિત્ય એ જે અમૂર્ત છે તેને મૂર્ત કરવાની પ્રક્રિયા છે, પણ જો વિવેચન એ મૂર્તને વળી અમૂર્ત સ્વરૂપની વિભાવનાઓમાં ફેરવી નાખીને આપણી આગળ રજૂ કરે તો સાહિત્ય પાસેથી વિશિષ્ટ પ્રકારની અભિજ્ઞતા પાળવાના આપણા હેતુનું શું?પ્રખ્યાત અમેરિકી આલોચક પોલ દ મૅન કહે છે કે વિવેચનને ઇતિહાસલક્ષી, રૂપરચના પર ભાર મૂકનારું કે અસ્તિત્વવાદનો દૃષ્ટિકોણ ધરાવનારું કહીને ઓળખાવવાની કશી જરૂર નથી. એથી સાહિત્યનો ઇતિહાસ લખનારને કદાચ સુવિધા થતી હશે, પણ એથી ગેરસમજ ઊભી થવાનો પણ પૂરેપૂરો સમ્ભવ છે તે ભૂલવાનું નથી. સાહિત્ય વિશેની ઊંડી આલોચનાત્મક સૂઝ કેટલીક વાર અશાસ્ત્રીય લાગે એવી પરિભાષા દ્વારા પણ વ્યક્ત થતી હોય છે. એમાં વ્યવસ્થિત પદ્ધતિ જેવું કશું કદાચ નયે જોવા મળે, આપણે આ કે તે સમ્પ્રદાય કે આન્દોલનના પર ભાર મૂકતા રહીશું તો એ ક્ષેત્રમાંના ઉત્તમોત્તમ અર્પણની વિશિષ્ટતાને ભૂંસી નાખવા જેવું જ થશે.

બીજી બાજુથી કેવળ સંસ્કારમૂલક કે આત્મલક્ષી નિવેદનના સ્વરૂપની આલોચના કેટલીક વાર કૃતિના હાર્દ સુધી પહોંચવાને બદલે કૃતિને, પોતાના યદૃચ્છાવિહાર માટે, કેવળ નિમિત્ત રૂપ જ લેખતી હોય એવું પણ જોવામાં આવે છે. આમાં ‘બે ચેતનાનો વ્યવધાનરહિત સંયોગ’ સિદ્ધ થયેલો શી રીતે કહી શકાશે?આથી તો આપણે ત્યાં એક વાર નારો ગાજ્યો હતો તેમ ‘કવિતાનું વિવેચન એટલે બીજું કાવ્ય’ એવું જ કહેવા જેવું થશે. કેવળ શૈલીસુખને ખાતર કૃતિને નિમિત્ત બનાવવામાં આવે એટલું જ નહિ, કૃતિમાં સ્વેચ્છાએ વિવેચક ગાંઠનું આરોપણ કરે, મનસ્વી રીતે એનું અર્થઘટન કરે એવો પણ ભય રહે. આથી કૃતિનિષ્ઠતાને અનિવાર્ય બનાવે એવા અંકુશો હોવા જોઈએ. કૃતિની સંરચના પોતે જ આવું નિયંત્રણ કરનારું તત્ત્વ બની રહે એવું બનવું જોઈએ.

વિવેચનમાં શાસ્ત્રીય ચોકસાઈ લાવવી ઇષ્ટ લાગે, પણ એ કૃતિને ભોગે નહિ, તો વિવેચનને શાસ્ત્રના સ્તર પર લઈ જવાનું શક્ય નથી?આ પ્રશ્ન કોઈ ને કોઈ રૂપે ચર્ચાયા કરતો હોય છે. હવે વિવેચનનાં ઓજાર અને એના વિનિયોગની પદ્ધતિની શ્રદ્ધેયતાના પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. જોહન એમ.એલિસે આ પ્રશ્નની ચર્ચા ‘(ધ જર્નલ ઓવ્ એસ્થેટિક્સ એન્ડ આર્ટ ક્રિટીસીઝમ’ 36, 3) એમના એક લેખમાં કરી છે. એઓ કહે છે કે વિવેચનની વિજ્ઞાન સાથે સરખામણી કરીને એવું પૂછવામાં આવે છે કે વિજ્ઞાનની અને વિવેચનની પદ્ધતિ એકસરખી હોઈ શકે ખરી?વિવેચનની પદ્ધતિ વિશે સર્વસામાન્ય સ્વરૂપે કશું કહી શકાય ખરું?નિયમોને વશ વર્તતો નહિ હોય એવો વિવેચકનો વ્યક્તિગત મૂલ્યનિર્ણય જ એમાં સ્વીકારવાનો રહે?આથી વસ્તુલક્ષી આલોચનાપદ્ધતિના વિનિયોગની શક્યતા જ નકારી કાઢવાની રહે?

આ પ્રશ્નો પૂછવા પાછળનું દૃષ્ટિબિન્દુ કંઈક આવું છે. વિવેચનની પ્રક્રિયાના ક્રમિક બે તબક્કાઓ છે: પ્રાથમિક તબક્કામાં વસ્તુલક્ષી વીગતોનું નિરીક્ષણ કરવામાં આવે.  પછી એને આધારે કૃતિ વિશેનું અર્થઘટન કરવાનો બીજો તબક્કો આવે. પહેલા તબક્કામાં ચોકસાઈભરી પદ્ધતિનું નિયન્ત્રણ હોય, બીજા તબક્કામાં થતું મૂલ્યાંકન કોઈ ત્રિકાલાબાધિત નિયમોને વશ વર્તીને થતું હોતું નથી. દીર્ઘ કાળ સાથે ઉત્તમ સાહિત્યનું પરિશીલન કરવાને પરિણામે જેનું હૃદય મુકુરીભૂત થયું છે. જેનામાં ઉચ્ચાવચતા વિશેની સૂઝ ઉત્તરોત્તર વિકસતી આવે છે તેવો સહૃદય અન્ત:કરણવૃત્તિના પ્રમાણથી જ એ મૂલ્યાંકન કરે.

હમણાં આ વલણનું વધુ સ્પષ્ટ ઉચ્ચારણ, ભાષાવિજ્ઞાનની પૃથક્કરણની પદ્ધતિના સાહિત્યવિવેચન પરત્વે શરૂ થયેલા વિનિયોગને પરિણામે થતું જોવામાં આવે છે. વિવેચનપ્રવૃત્તિના બે તબક્કા ભાષાવિજ્ઞાની અને આલોચક વચ્ચે વહેંચાઈ જાય છે. બંનેની પદ્ધતિ જુદી છે. ભાષાવિજ્ઞાની કૃતિનું ભાષાકીય પરીક્ષણ કરે છે,વૈજ્ઞાનિક પદ્ધતિએ નિયન્ત્રિત અને પ્રમાણિત થઈ શકે એવી હકીકતો એ બતાવે છે અને પછી વિવેચક એનું પોતાની આગવી રીતે સાહિત્યિક અર્થઘટન કરે છે. આમ જે કાંઈ ચોકસાઈભર્યું અને નિયન્ત્રિત હોય છે તે વિવેચનની પૂર્વભૂમિકા રૂપે આવે છે. પછીથી એને આધારે થતું અર્થઘટન વૈજ્ઞાનિક પદ્ધતિએ નહીં પણ વિવેચકે એક સહૃદય તરીકે,અનેક કૃતિઓના પરિશીલન દ્વારા વિકસાવેલી આન્તરિક સૂઝને આધારે થતું હોય છે. આ બે વચ્ચેનું અન્તર સહેલાઈથી પૂરી શકાય એવું નથી. ભાષાવિજ્ઞાની જે હકીકતો બહાર લાવે છે તે સાચી અને ચોકસાઈભરી હોય છે પણ તે અકિંચિત્કર લાગે એવી હોય છે; વિવેચકના મૂલ્યનિર્ણયો આમ વજનદાર છતાં અપ્રામાણ્ય અને અપ્રમાણિત હોય છે; વિવેચક કેવું માનસ ધરાવે છે તેને અનુસરીને આવી પ્રવૃત્તિનાં પરિણામ વિશે અભિપ્રાય બાંધવામાં આવે છે. ક્યાં તો એ એવા મહિમાવન્ત હોય છે કે એને વૈજ્ઞાનિક પદ્ધતિને અતિક્રમી જતાં ગણી લેવામાં આવે છે, અથવા તો એ કેવળ આત્મલક્ષી અભિપ્રાયરૂપ બની રહેતાં હોય છે, એમાં વિજ્ઞાનપ્રમાણિત શ્રદ્ધેયતા કે નિશ્ચિતતા હોતાં નથી.  આ બે તબક્કા વચ્ચે ન પૂરી શકાય એવું અન્તર જોવું તે, એલિસની દૃષ્ટિએ એક ભૂલ છે. ભાષાવિજ્ઞાનનું પૃથક્કરણ અને વિવેચનની પ્રવૃત્તિ વચ્ચે દેખાય છે એવું અન્તર નથી. આ ભૂલ વિવેચન વિશેની પરમ્પરાગત માન્યતામાં રહેલી ક્ષતિને છતી કરે છે અને એમાં રહેલી તાકિર્ક સમસ્યાઓ તરફ આંગળી ચીંધે છે. સાહિત્યિક વિવેચન અને પૃથક્કરણશીલ વૈજ્ઞાનિક પદ્ધતિને જોડાજોડ મૂકીને સરખાવવાવિરોધાવવામાં આવે છે ત્યારે વિજ્ઞાન વિશેના આપણા ખ્યાલની ફેરતપાસ પણ જરૂરી લાગે છે. સામાન્યત: એમ માનવામાં આવે છે કે વિજ્ઞાનનો વિકાસ સીધી રેખાએ આગળ વધે છે. આપણે નવું જાણતા જઈએ છીએ અને એને આ પહેલાં જે જાણી ચૂક્યા છીએ એમાં ઉમેરતા જઈએ છીએ. આ ફ્રેન્ચ ફિલસૂફ દેકાર્તના મતને અનુસરતું દૃષ્ટિબિન્દુ છે. વૈજ્ઞાનિક જ્ઞાનની માત્રા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આપણે જ્ઞાન તરફથી અજ્ઞાનની દિશામાં આગળ વધતા જઈએ છીએ. જ્ઞાનને જાણે ઈંટ ઉપર ઈંટની જેમ ગોઠવતા જઈએ છીએ. આ પદ્ધતિ મુખ્યત્વે deductive (અનુમાનાત્મક) છે,એમાંથી કલ્પનાથી કે અર્થઘટનથી જે ફાળ ભરવામાં આવે છે તેનો સમાવેશ થતો નથી, એટલું જ નહિ, એને અવૈજ્ઞાનિક ગણીને એનો પરિહાર ઇષ્ટ લેખવામાં આવે છે. ચોકસાઈભર્યા નિરીક્ષણથી વિવેચકને ઊભા રહેવા માટે થોડી ઘણી દૃઢભૂમિ પ્રાપ્ત થાય છે, પણ એ તો અર્થઘટનમાં પ્રવૃત્ત થતાંવેંત જાણે શૂન્યમાં અંગદ કૂદકો મારે છે. વિજ્ઞાનીને એવો કૂદકો મારવાનું ન પરવડે. પણ લોકપ્રચલિત વિજ્ઞાન વિશેનું આ દૃષ્ટિબિન્દુ સાહિત્યિક વિવેચન અને વૈજ્ઞાનિક પદ્ધતિ વચ્ચે બતાવવામાં આવતા ભેદને અંશત: દૂર કરવામાં સાહાય્યક નીવડશે.

વિજ્ઞાન વિશેના દાર્શનિક મુદ્દાઓની પર્યેષણા કરનારા ચિન્તકોએ દેકાર્તના વિજ્ઞાનના રેખાયિત વિકાસ વિશેના ખ્યાલની ટીકા કરી છે. હવે એ દૃષ્ટિબિન્દુને કેવળ વિજ્ઞાન વિશેના લોકોમાં પ્રવર્તતા પણ તર્કસંગત નહિ એવા ખ્યાલ રૂપે જ ઓળખવામાં આવે છે; જે સિદ્ધાન્તની ભૂમિકાની મર્યાદામાં રહીને હકીકતોને ઉપસાવવામાં આવે છે તેનાથી એ હકીકતો સાવ ભિન્ન છે એવું કહી શકાશે ખરું?ટી.એસ.કુહ્નના પુસ્તક ‘ધ સ્ટ્રક્ચર ઓવ્ સાયન્ટિફિક રિવોલ્યુશન’માં આ મુદ્દાની સારી ચર્ચા કરવામાં આવી છે. વિજ્ઞાન વિશેના આ દૃષ્ટિબિન્દુને કારણે સાહિત્યવિવેચન વિશે પણ ગેરસમજ ઊભી થવા પામી છે.

દેકાર્તના દૃષ્ટિબિન્દુમાં પાયાની એક ક્ષતિ રહેલી છે. આપણે જાણી ચૂક્યા છીએ એવી કેટલીક વીગતો છે અને એનો ખડકલો આપણે કર્યા કરીએ છીએ, એના ઉપર ઊભા રહીને આપણે અજ્ઞાત એવી વીગતોને પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આમાં એક સત્યની અવગણના કરવામાં આવી છે. આપણું નવું મેળવેલું જ્ઞાન એ પહેલાં જે આપણે જાણી ચૂક્યા છીએ તે તે જ્ઞાનનું પણ પુનવિર્ધાન કરતું જાય છે. એને કારણે જ્ઞાત વિગતો વિશેની પુનવિર્ચારણા અનિવાર્ય બની રહે છે. આપણે જેને જ્ઞાત ગણીએ છીએ તે વાસ્તવમાં તો અમુક સામાન્ય સ્વરૂપના સિદ્ધાન્તનો એક અંશ જ હોય છે. નવા અનુભવો એ સામાન્ય સ્વરૂપના સિદ્ધાન્તોને બદલી પણ નાખે. આપણે નિષ્ક્રિય ભાવે જગત પાસેથી સાચી વીગતનો સ્વીકાર કરતા નથી, આપણે એને આપણા સમગ્ર અનુભવમાંથી નિષ્પન્ન કરતા જઈએ છીએ. અમુક વીગતો વિશેનાં આપણાં વિધાનો આપણી તે તે સમયની જ્ઞાનની સ્થિતિના સન્દર્ભમાં જ થતાં હોય છે.

આપણે ‘વીગતો’ વિશે જે વિધાનો કરીએ છીએ તેમાં એમના પર આપણે આરોપેલાં અર્થઘટનોનો પણ સમાવેશ થતો હોય છે. સામાન્યત: એવું આપણને નથી લાગતું એનું કારણ એ કે આપણે પ્રારમ્ભથી જ સર્વસામાન્ય સ્વરૂપના અર્થઘટનને ગૃહીત તરીકે સ્વીકારીને ચાલતા હોઈએ છીએ. આથી એને વિશે આપણે કશો પ્રશ્ન ઉઠાવતા નથી. આ પ્રાથમિક અર્થઘટન હકીકતોની માંડણી કરવાની ભૂમિકા બની રહે છે. જો આમ હોય તો જેનું અર્થઘટન નથી થતું એવી હકીકતોના સમવાયનું આપણે અર્થઘટન કરતા નથી, પણ એને બદલે ગૃહીત રૂપે સ્વીકારેલા પાયાના અર્થઘટનને વિસ્તારવા મથતા હોઈએ છીએ. એ દૃષ્ટિએ જ આપણે હકીકતોને ઉપલબ્ધ કરવાની ભૂમિકા રચતા હોઈએ છીએ. એ દૃષ્ટિએ જ આપણે હકીકતો પ્રત્યે તિરસ્કારપુરસ્કારનો વિવેક કેળવીએ છીએ. પણ આ પાયાના અર્થઘટનનું વિસ્તરણ નથી સિદ્ધ થઈ શકતું ત્યારે આપણને સમજાય છે કે એ પાયામાં કશીક ક્ષતિ રહી ગઈ છે, ત્યારે હકીકતોના તિરસ્કારપુરસ્કારની ભૂમિકા આપણને અપૂરતી લાગવા માંડે છે અને  એક નવા જ સિદ્ધાન્તને (જૂનાના નવસંસ્કરણ કે વિસ્તરણને નહિ)  ઉત્ક્રાન્ત કરવાની અનિવાર્યતા આપણને પ્રતીત થાય છે. જો એમ ન થાય તો વિકાસ સમ્ભવી શકે નહિ.

દેકાર્તના દૃષ્ટિબિન્દુને સ્થાને વૈજ્ઞાનિક પદ્ધતિના આ અભિગમને આપણે સ્થાપવો જોઈએ. આપણાં અનેકવિધ પૃથક્ પૃથક અનુભવોમાં વ્યવસ્થા સ્થાપીને એમાંથી અમુક ચોક્કસ ભાત ઉપસાવી આપે એવી કશીક સૈદ્ધાન્તિક ભૂમિકાની આપણને અપેક્ષા રહે છે. આપણે જેનું નિરીક્ષણ સદા કરતા રહીએ છીએ તે આ સામાન્ય સ્વરૂપના સિદ્ધાન્તના પર અસર પાડે છે, પણ બીજી બાજુથી આ સૈદ્ધાન્તિક ભૂમિકા આપણી હકીકતોના નિરીક્ષણોની પ્રવૃત્તિ પર પણ અસર પડે છે. અમુક સિદ્ધાન્તની પરિકલ્પનાના અનુલક્ષમાં જ આપણે હકીકતોનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ, પણ એ હકીકતોના નિરીક્ષણને પરિણામે જ એ પરિકલ્પના(hypothesis)જ આપણે બદલવાની રહે એવું પણ બને. આ બદલેલી પરિકલ્પના વળી હકીકતને નવી દૃષ્ટિથી જોવા પ્રેરે; એથી વળી થોડેક અંશે એ પરિકલ્પનામાં પણ પરિવર્તન કરવું પડે. આમ વિકાસ સીધી રેખાએ થાય છે એમ માનવાને બદલે એની આવી ચક્રગતિ છે એમ માનવું જ વધુ તર્કસંગત લાગશે. શાસ્ત્રીય પરિભાષામાં આ વાત જરા દુર્બોધ લાગશે. પણ વાસ્તવમાં તો આ આપણા રોજ-બ-રોજના વ્યવહારનો અનુભવ જ છે. દરેક નવી પરિસ્થિતિને આપણે સ્વીકારેલા અમુક અભિગમ પ્રમાણે જ જોતાં હોઈએ છીએ. આ અભિગમ પણ આપણને જે અનુભવો ભૂતકાળમાં થયા હતા તેમાંથી કાઢેલી તારવણી રૂપ જ હોય છે. એ અભિગમને અનુસરીને આપણે અનુભવોનું મહત્ત્વ નક્કી કરીએ છીએ; પણ આપણું નવી પરિસ્થિતિઓનું નિરીક્ષણ આ પૂર્વસ્વીકૃત અભિગમમાં પરિવર્તનને આવશ્યક બનાવે છે. આપણે કોઈ વ્યક્તિ વિશેના આપણા અનુભવનો આપણે કેવળ ખડકલો નથી કર્યે જતા, પણ એને વિશેનો સામાન્ય ખ્યાલ  અને નવા અનુભવો વચ્ચે તારતમ્ય સ્થાપવાની પ્રવૃત્તિ પણ ચાલ્યા કરતી હોય છે. આ જ રીતે કામચલાઉ સિદ્ધાન્ત અને નવા અનુભવોનું પરીક્ષણ આ બે વડે જ આપણાં જ્ઞાન, સમજ અને હકીકતોનાં અર્થઘટન વિકસતાં રહે છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સીધી રેખાએ સતત વિકસતા રહેતા જ્ઞાનની સમ્ભાવના કરી શકાતી નથી. હકીકતોને તટસ્થ દૃષ્ટિએ જોવાની કોઈ રીત નથી,આપણે ક્યાં જોવાનું છે અને જે જોઈએ છીએ તેમાંથી શી રીતે તારવણી કાઢવાની છે એનો તો ખ્યાલ રાખવાનો જ રહે છે. હકીકતોથી અર્થઘટન કરવાનું સૂઝે છે એમ કહીએ તો સાથે એમ પણ ઉમેરવું જોઈએ કે અર્થઘટનો હકીકતના તિરસ્કારપુરસ્કારનો વિવેક ઘડી આપે છે.

આમ આપણે સામાન્યથી વિશેષ તરફ અને વિશેષથી સામાન્ય તરફ ગતિ કરતા રહીએ છીએ. આ દરેક પ્રત્યાગમન અર્થઘટનની સૈદ્ધાન્તિક ભૂમિકાને વધુ સંકુલ વ્યાપક અને સમૃદ્ધ બનાવ્યે જાય છે. આ પ્રક્રિયા યદૃચ્છાવિહારી કે અનિયન્ત્રિત તો હોઈ જ નહિ શકે. સૌથી વધુ ‘પદાર્થનિષ્ઠ’ ગણાતાં વિજ્ઞાનોની પણ જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા આ જ સ્વરૂપની છે. પણ એથી નરી નિશ્ચિતતા નથી ઉદ્ભવતી, કલ્પના અને અનુમાન કરાવવાની આવશ્યકતાનો અન્ત આવતો નથી. બધાનો આધાર આપણું પરીક્ષણ કયા તબક્કા પર ચાલી રહ્યું છે તેના પર રહ્યો હોય છે. નિરીક્ષણ તથા પ્રયોગને ખૂબ નિયન્ત્રણની અપેક્ષા રહે છે. એમાં ચોકસાઈ અને વસ્તુલક્ષિતાનું મહત્ત્વ ઘણું છે. જો આપણું ગૃહીત સાચું હોય તો અમુક નિરીક્ષણોમાંથી અમુક વિશેષ હકીકત બહાર આવશે એવું કહી શકવાની  સ્થિતિમાં આપણે હોઈએ છીએ. પણ આ ચક્રગતિમાંની બીજી સ્થિતિમાં જુદી માનસિક પ્રક્રિયા ચાલી રહી હોય છે. જ્યારે બધી પૂર્વજ્ઞાત હકીકતોનું કલ્પનાને આધારે પુનવિર્ધાન કરવાનું રહે છે અને એમાંથી એક નવી પરિકલ્પના આકાર લે છે. આને માટે કોઈ નિયમો નથી. આન્તરિક સૂઝનો અહીં આધાર લેવાનો રહે છે.

વિજ્ઞાન અને સાહિત્યિક વિવેચન વચ્ચેના ભેદને આત્યન્તિક સ્વરૂપનો બતાવનારું વલણ આ બે પૈકીની એક જ સ્થિતિ પર ભાર મૂકે છે. વિજ્ઞાનનાં નિરીક્ષણ અને પ્રયોગને એ ઉપસાવી આપે છે અને સાહિત્યિક વિવેચનમાં જાણે કેવળ અર્થઘટનો જ હોય એવી છાપ ઊભી કરે છે. આથી વિજ્ઞાનમાંની નિશ્ચિતતા અને સાહિત્યિક વિવેચનનાં મૂલ્યાંકનોમાંના ઐક્યનો અભાવ અને સન્દિગ્ધતા તરફ આંગળી ચીંધવામાં આવે છે. આ વિરોધ ખણ્ડદર્શનમાંથી ઉદ્ભવતો હોઈ ભ્રામક છે. વાસ્તવમાં તો એ બન્ને એકબીજાને પૂરક એવી પ્રક્રિયાઓ છે. લિયો સ્પિત્ઝરે વિવેચનની પ્રક્રિયાને ચક્રાકાર ગતિએ ચાલતી વર્ણવી છે તે સૂચક છે. પણ એ એમણે દેકાર્તની વૈજ્ઞાનિક પદ્ધતિથી એને નોખી પાડવા કહ્યું છે.

એતદ્: ઓક્ટોબર, 1978

License

Share This Book