36 ટૂંકી વાર્તાની નવી ક્ષિતિજો?

કવિતા અને ટૂંકી વાર્તા આપણાં નવી શક્યતાઓ પ્રકટ કરતાં સાહિત્યસ્વરૂપો છે એમ થોડા વખત સુધી કહેવાતું રહ્યું. હવે એ વિશે કંઈક શંકા ઉદ્ભવી હોય એવું લાગે છે. ટૂંકી વાર્તા કવિતાની નજીક આવી રહી છે. એમાં સૂક્ષ્મતા આવી છે. એમાં નરી વાસ્તવિકતા જ નહીં,કપોલકલ્પિત તત્ત્વ પણ પ્રકટ થતું ચાવે છે, સાથે સાથે પુરાણકલ્પનોનો એ વિનિયોગ કરે છે – આ બધું ગણાવીને આપણે કંઈક ગર્વ અનુભવતા થયા હતા. આજે એ સ્થિતિ એટલી બધી ઉત્સાહપૂર્ણ લાગતી નથી. એનાં કારણો શું હોઈ શકે?

કેટલાક સન્નિષ્ઠ અને જાત સાથે પ્રામાણિક નવીનોને પણ આવી શંકા થવા માંડી છે. જે નવી શક્યતાઓની આપણને એંધાણી મળી તે શક્યતાઓની સિદ્ધિ માટેના પૂરા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક થયા નહીં. આનું સૌપ્રથમ કારણ તો સર્જન માટે અપેક્ષિત integrityનો અભાવ. નવીનતાનાં અમુક લક્ષણોનું તારણ કાઢી લેવામાં આવ્યું. એ લક્ષણોના ચોકઠામાં સર્જનને ગોઠવવાનો પ્રયત્ન થયો. આથી ખરું જોતાં ઝાઝી મૌલિકતાને અવકાશ રહ્યો નહીં. કોઈ સાહિત્યસ્વરૂપ વિકસતું જાય, એમાં સૂક્ષ્મતા આવતી જાય, ત્યારે એ સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી કશી પીછેહઠને અવકાશ રહેતો નથી. આથી દરેક સર્જકને આગળ નવું ડગલું ભરવાનું જ રહે છે. બધામાં એકસરખી આવી ક્ષમતા હોતી નથી. છતાં નવીનતાનાં સર્વસાધારણ લક્ષણો પોતાને હાથવગાં છે એમ માનનારો એક વર્ગ ઊભો થયો. જે કળા હતી તે તદબીર બની ગઈ, જે દક્ષતા હતી તે ચાલાકી બની ગઈ. કૃતક અને સાચું – એ વચ્ચેનો વિવેક કરી આપનારો વિવેચકોનો વર્ગ બહુ ક્રિયાશીલ રહ્યો નહીં. એને બદલે ભલામણપત્ર લખી આપનારો એક નવો વર્ગ ઊભો થયો. વાર્તાસંગ્રહમાં જ જુદી જુદી રુચિશક્તિ ધરાવનારી ત્રણચાર વ્યક્તિઓના ‘આસ્વાદ’ સ્થાન પામવા લાગ્યા. પોતાની કૃતિનું હિંસક વિવેચન કરે એવો જેને વિશે ભય લાગ્યો તેવાને પ્રથમથી જ આ રીતે અનુકૂળ બનાવી લેવાના પ્રયત્ન થયા. દિલચોરીથી અને કંઈક અંશે પ્રામાણિકતા છોડીને આવું લખી આપનારા પણ નીકળ્યા. સર્જક આવું કરવા લલચાય એ ખેદજનક છે. દુરારાધ્ય વિવેચકો હોય તે જ સર્જકનું તો સદ્ભાગ્ય.

રચનામાં અતિવાસ્તવવાદી કવિતામાં હોય છે તેવી અસમ્બદ્ધતા અને વિશૃંખલ કલ્પનોનું પ્રાચુર્ય વધ્યું. પણ મોટે ભાગે એને અનિવાર્ય ઠરાવનારું કશું આન્તરિક પ્રયોજન દેખાતું નથી. અનિવાર્ય નહીં હોય ત્યાં પણ, કેટલીક વાર વાર્તાને અપકારક નીવડે એવું હોય ત્યાં પણ, આભાસી કાવ્યનો આશ્રય લેવાનું વલણ દેખાય છે. આવી દશેક વાર્તાઓ લઈને તપાસીશું તો એમાં અમુક પ્રકારનાં સામાન્ય લક્ષણો વર્તાઈ આવશે. આ ગાળાની સર્જનાત્મક પ્રવૃત્તિથી રુચિભેદ અને સજ્જતાના અભાવને કારણે વેગળા રહી ગયેલા વિવેચકને ભડકાવીને દૂર રાખવા એમાં થોડીક આઘાત આવે એવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. વિન્યાસ એવો રચવામાં આવે છે કે જેથી જેઓ કથાનકનું મોંમાથું શોધવા નીકળે તેને કશું હાથમાં આવે નહીં. આ અસમ્બદ્ધતાને કારણે એક નવા પ્રકારની દુર્બોધતા પ્રવેશે છે. આ દુર્બોધતાથી હારીને વાર્તા જેવા સાહિત્યપ્રકારને સુખપાઠ્ય ગણનારો વર્ગ એનાથી દૂર જ રહે છે. પણ આ વાર્તાની ભાષા, એનાં કલ્પનો અને વિન્યાસભંગીનો ઝીણવટથી વીગતે અભ્યાસ કરવામાં આવે તો તેમાં એક પ્રકારની એકવિધતા દેખાઈ આવશે. કળાસંયમ પૂરતી માત્રામાં દેખાતો નથી. કૃતક કાવ્યના પ્રવેશને કારણે શબ્દાળુતા પ્રવેશેલી જોવામાં આવે છે. કલ્પનોમાં પણ રેઢિયાળપણું જોવામાં આવે છે.

રૂપના વિભાવનમાં સૂક્ષ્મતા રહી છે અને એ વિભાવન કૃતિએ કૃતિએ વિશિષ્ટ જ હોવાનું. એને બદલે બીજાની શોધેલી શૈલીને, પ્રયોજન ન હોય ત્યાં પણ, અપનાવી લેવાનો પ્રયત્ન દેખાય છે. આમ શૈલી આહાર્ય અને આગન્તુક તત્ત્વ બની રહે છે.

આપણો વાર્તાકાર હજી પ્રમાણમાં અભણ રહી ગયો છે. એ જાણે હજી ગોખેલું જ બોલે છે. પોતાની ભાષા બોલી શકતો નથી. પશ્ચિમનું અનુકરણ કરીને એ લખે છે એમ કહીને એનું મિથ્યા ગૌરવ કરવા જેવું નથી. ખરું જોતાં પશ્ચિમની સમસામયિક પ્રભાવક કૃતિઓનો પ્રત્યક્ષ પરિચય બહુ ઓછા વાર્તાકારોને છે. એનાં અનુશીલનો થતાં દેખાતાં નથી. છતાં આપણામાંના કોઈક સહેલાઈથી એમ કહી દે છે ખરા કે કૅમ્યૂ, સાર્ત્ર, કાફકા તો જૂના થયા છતાં આપણે ત્યાં હજી એની જ વાતો ચાલ્યા કરે છે. વાર્તાકાર તરીકે કૅમ્યૂનો પ્રભાવ ઝાઝો હતો જ નહીં, સાર્ત્રનાં નાટકોનો કાંઈક પ્રભાવ છે, કથાલેખક તરીકે એની સફળતા ઝાઝી અંકાતી નથી. આ બેને મુકાબલે કાફકા ‘જૂનો’ ગણાય, છતાં કાફકાનો પ્રભાવ દરેક પેઢીને વર્તાતો રહે છે. અમુક અપવાદ સિવાય એની કૃતિના અનુવાદ કે એને વિશેની ચર્ચા આપણે ત્યાં થઈ નથી, તો પછી એને વાસી ગણીને કાઢી નાખવાનો પ્રશ્ન જ ક્યાંથી ઊભો થયો?છતાં, દન્તકથા દ્વારા કે કર્ણોપકર્ણ કાફકાની વાર્તા વિશે સાંભળીને એ પ્રકારનું કશુંક અગડંબગડં ઉપજાવી કાઢનારા પણ આપણે ત્યાં નથી એમ નહીં. એને માટે કાફકાને જવાબદાર ગણી શકાય નહીં. કાફકાની શૈલી સ્વીકારીને કોઈ કશું ભાગ્યે જ નિપજાવી શકે. એનો પ્રભાવ વધુ સૂક્ષ્મ સ્વરૂપનો હોય છે. બાહ્ય જગત સાથેના આપણા સમ્બન્ધ પરત્વે આપણે કેળવાયેલાં આત્મતુષ્ટિ અને નિશ્ચિન્તતાને એણે હચમચાવી નાખ્યાં. આથી અત્યાર સુધી આપણે જગત અને આપણી વચ્ચે જે કેટલાંક આત્યન્તિક ગૃહીતોની રક્ષણાર્થે દીવાલ ઊભી કરીને જીવતા હતા તે દીવાલ તૂટી પડી. આ અનુભૂતિ સુધી કાફકા આપણને લઈ જાય છે તે એણે સ્વીકારેલી કોઈ દાર્શનિક ભૂમિકાની મદદથી નહીં પણ એની કળાની જ શક્તિથી. આપણને પણ રસ છે તે આ કળાની શક્તિમાં. એનાં પરિણામો એને એ સ્વરૂપે સ્વીકારવાની કોઈ અનિવાર્યતા સર્જક માટે હોતી નથી.પણ સમર્થ સર્જકોના પ્રત્યક્ષ પરિચયમાં આવ્યા વિના એમનું vulgarization કરવાનું શરૂ થઈ ગયું. શુદ્ધ સર્જન અને આવું હીનીકરણ – એ બે વચ્ચે આપણે વિવેક કરી લેવો જોઈએ. બીજી શંકા જાય છે આપણી aesthetic sensibilityના વિકાસ પરત્વે. જો એનો ખરેખર વિકાસ થયો હોય તો આવી અનુકરણની અને હીનીકરણની પ્રવૃત્તિઓ સંભવે જ નહીં. તો આટલી સહેલાઈથી શૈલીના તૈયાર ઢાંચાઓ કોઈ સ્વીકારી લે નહીં. જેમને પ્રયોગશીલમાં ખપવું હતું, પ્રસિદ્ધિ જોઈતી હતી તેમને એ અબુધ વિવેચકોના પ્રતાપે હાંસલ થઈ ગયું. શિક્ષિત અને સંસ્કૃત સમાજની જ આ ખેદજનક ઘટના છે. વિવેચકો માત્ર વડીલો અને મુરબ્બીઓ બની રહ્યા. સાહિત્યકળાના સદોદ્યત જાગૃત અભ્યાસી સહૃદયો ના રહ્યા. નવી પેઢીનો સર્જક પણ આ વર્ગની માન્યતા માટે પડાપડી કરી રહ્યો. આ અલ્પસત્ત્વતાનું જ દ્યોતક લક્ષણ છે. આપણી રસસંવેદના વિકસતી રહે એ ખૂબ જરૂરી છે. એને માટે શ્રેષ્ઠ રચનાઓ(પછી તે જગતની કોઈ પણ ભાષાની હોય) વિશે ઊહાપોહ થતો રહેવો જોઈએ. એમ તો સંવિવાદો ચાલતા જ રહે છે. પણ એમાં સામાન્ય સ્વરૂપની,છીછરી ચર્ચા થાય છે. વાદપ્રતિવાદ થતા નથી. કૃતિનિષ્ઠ વક્તવ્યો રજૂ થાય તે જરૂરી છે. કથાસાહિત્યને આવા વિવેચનનો ઝાઝો લાભ મળ્યો નથી.

તો ટૂંકી વાર્તાની નવી ક્ષિતિજો ઊઘડશે ખરી?એ વિશે નિરાશ થવાની જરૂર નથી. એક નવી પેઢી હવે આગળ આવવામાં છે. વચલા ગાળાના ટૂંકભંડોળિયા, પ્રસિદ્ધિલાલચુ ને અલ્પસત્ત્વ નિરક્ષરો ઝાઝા ટકશે નહીં. આ સાહિત્યપ્રકારનું વધુ ગમ્ભીરપણે અનુશીલન કરનારો એક વર્ગ છે. એ આ કે તે વિવેચકને સન્તુષ્ટ કરવાને કે નવી ફેશનને અનુકૂળ થઈને લખશે નહીં. પ્રતીક કે કલ્પનોનાં અડાબીડ અરણ્યોમાંથી એ પોતાની આગવી કેડી પાડીને ચાલશે. અનેક હાથે લુછાઈને મસોતા જેવી થઈ ગયેલી ભાષામાંથી એ નવું પોત પ્રકટાવશે. એ ઝાઝું નહીં લખે, નિયમિત રીતે પણ નહીં લખે છતાં એની કૃતિને દૃઢ આધાર હશે. આપણા જમાનાની વિક્ષોભકર સંકુલતા, એનાં ઘર્ષણો અને મનોમંથનો – આ બધાંને આવરી લે એવી mythની શોધ કરવાનો એ પુરુષાર્થ કરશે. ટૂંકી વાર્તાને કાવ્યના વરખમાં લપેટવાનું પ્રલોભન એને નહીં હોય. એ કવિતા અને ટૂંકી વાર્તા – બંનેનું ગૌરવ જાળવશે. કહેવાતા જિંદગીના પક્ષકારોના સૂત્રોચ્ચારોથી એ દબાઈ નહીં જાય. વાસ્તવિકતાને કલ્પનાના સત્યથી એ વેગળી નહીં રાખે. ટૂંકી વાર્તાનો વ્યાપ જે રેઢિયાળ અનુકરણોને કારણે સીમિત થઈ ગયો હતો તેને એ વિસ્તારશે. વધુ સાચી રીતે એ પશ્ચિમની કૃતિઓનું અનુશીલન કરશે, પણ તેથી પોતાના સર્જક તરીકેના વ્યક્તિત્વને એ કુણ્ઠિત નહીં થવા દે. આપણે એ સર્જકની પ્રતીક્ષા કરીએ.

(આરામ દીપોત્સવી અંક, 1972)

License

Share This Book