5 ફિનોમિનોલોજી અને સાહિત્યશાસ્ત્ર

આપણો મુખ્ય આશય સાહિત્ય અને ફિલસૂફી વચ્ચેના સમ્બન્ધને તપાસવાનો છે. સાહિત્યકૃતિમાં જગતનું જે પ્રતિરૂપ મૂર્ત થતું હોય છે તે કોઠાસૂઝથી થતા અનુભવના transcendental structure પર આધાર રાખતું હોય છે અને એના વડે એ અનુભવ અજવાળાતો પણ હોય છે. ફિનોમિનોલોજીના દૃષ્ટિકોણથી આપણે રોજિંદા જીવનના પાયાને તપાસવા ઇચ્છીએ છીએ. એનું જે પરિણામ આવે તેને આધારે સાહિત્યના સિદ્ધાન્તની ભૂમિકા સ્થાપવાનો પ્રયત્ન કરીશું. મર્લો પોંતિ જેને originary experience કહે છે તે તો ફિલસૂફી અને સાહિત્ય માટે સમાન છે. પછી એ બન્ને એનું શું કરે છે તે આપણા રસનો વિષય છે. એક રીતે કહીએ તો સાહિત્ય અને ફિલસૂફી રોજના આપણા આ અસ્તિત્વની પુનર્રચના શી રીતે કરી લે છે તેની તપાસનો આ ઉપક્રમ છે.

આમ તો ફિલસૂફી અને સાહિત્ય વચ્ચેનો ગજગ્રાહ પ્લેટોના સમયથી ચાલતો આવ્યો છે. એ જ રીતે ફિલસૂફી અને સાહિત્યવિવેચન વચ્ચે પણ છમકલાં અડપલાં થતાં રહે છે. આ બધાં એકબીજાને માટે કેવી રીતે સમર્પક નીવડે છે તે વિશે પ્રવર્તતી ગૂંચનું આ પરિણામ છે. સાહિત્યની ફિલસૂફીના ક્ષેત્રની સીમા બરાબર અંકાયેલી નથી. સાહિત્યમાં રહેલી ફિલસૂફીનો અભ્યાસ પણ આજે પાંખો થતો રહ્યો છે. ‘ફિલસૂફીવાળા સાહિત્ય’નો અભ્યાસ જે વિદ્યાર્થીનો મુખ્ય અભ્યાસવિષય સાહિત્ય કે લલિતકળા છે તેને પારિભાષિક સંજ્ઞાઓની જટાજાળમાં પડ્યા વિના ફિલસૂફીના ક્ષેત્રમાં પ્રવેશ કરાવે છે, એવું માનવામાં આવતું લાગે છે. આથી એવો વિદ્યાર્થી formal logic, epistemology, ontology કે axiologyની પંચાતમાં પડ્યા વિના ફિલસૂફીના મહત્ત્વના પ્રશ્નોની જાણકારી મેળવી લે છે. ફિલસૂફ તો આવા જ્ઞાનને સાચા તત્ત્વજ્ઞાનની અવેજીમાં મૂકેલું પાણી રેડીને પાતળું કરેલું જ્ઞાન સમજે. આવા પ્રયત્નોને એ જરા મુરબ્બીવટથી જુએ એમ પણ બને. આમેય તે સાહિત્ય અને ફિલસૂફી વચ્ચેના સમ્બન્ધ વિશેના ખ્યાલો ધૂંધળા જ છે. આથી બન્ને ક્ષેત્રના માણસો એકબીજાને શંકાની નજરે જુએ છે. કેટલીકવાર એકબીજાના ક્ષેત્રમાં અનધિકાર પ્રવેશ કર્યા બદલ એ લોકો અણગમો પણ પ્રકટ કરતા હોય છે. આ પરિસ્થિતિની વાસ્તવિકતાને સ્વીકારીને આપણે આ અરાજકતામાંથી કશીક વ્યવસ્થા સ્થાપવાની છે. પ્રશ્ન આ છે ફિલસૂફીની સાહિત્ય પરત્વેની સમર્પકતા કેટલી?સાહિત્યથી ફિલસૂફીને કશુંક પ્રાપ્ત થયું ખરું?

પ્રારમ્ભમાં આપણે સાહિત્યની ફિલસૂફી અને સાહિત્યમાં ફિલસૂફી એ બે વચ્ચેનો વિવેક કરી લઈએ. સાહિત્યની ફિલસૂફી આપણને formal aestheticsની સમસ્યાઓ તરફ લઈ જાય તો સાહિત્યમાં ફિલસૂફી સાહિત્યના દાર્શનિક પાસાંને ચીંધી બતાવે. સાહિત્યની ફિલસૂફી literay categories તથા એમની વચ્ચેના સમ્બન્ધોના આ પ્રશ્નો તેમ જ કળાકૃતિની અસ્તિત્વમાં આવવાની પ્રક્રિયા વિશેના પ્રશ્નો વિચારે. સાહિત્યમાં ફિલસૂફીની વાત કરીએ ત્યારે સિદ્ધ થયેલી કૃતિના દાર્શનિક સૂચિતાર્થોનો વિચાર કરવાનો રહે. કેટલીક વાર આ બન્ને એક જ છે એમ માનીને આપણે ચાલતા હોઈએ છીએ પણ આપણે આ ભેદ સ્વીકારીને જ ચર્ચા કરીશું. બન્નેનાં હેતુ અને સ્તર જુદાં છે. આ ભેદ સ્વીકારવાનો એક લાભ એ છે કે એથી એ બન્નેના સમ્બન્ધનું મૂલ્યાંકન કરવાનું આપણે હાથ ધરીએ છીએ. ઘણી એવી નવલકથાઓ છે જેને દાર્શનિક સાહિત્ય લેખે સ્થાન મળે પણ એવી કૃતિઓ જેટલે અંશે વાસ્તવિકતા વિશેની પાયાની આલોચના કરતી હોય, જે કાંઈ છે તેને સમગ્રતયા જોવાનો પ્રયત્ન કરતી હોય તેટલે જ અંશે દાર્શનિક ગણાય. જ્યારે beingવિશેનો પ્રશ્ન સાહિત્યમાં ઊભો કરવામાં આવે છે ત્યારે એમાં ફિલસૂફીને અવકાશ મળે છે. આ જ વાતને બીજી રીતે કહેવી હોય તો એમ કહી શકાય કે સાહિત્યમાં ફિલસૂફીનું ontologyની દૃષ્ટિએ સ્થાન છે. એમાં લેખક વાસ્તવિકતાનાં પાસાંઓ વિશે નહિ પણ એની ભૂમિકા વિશે પ્રશ્ન ઊભો કરતો હોય છે. સાહિત્યમાંની ફિલસૂફીનો અભ્યાસ તે એમાં વેરવિખેર સૂચનો રૂપે જે રહ્યું છે તે તત્ત્વને સ્પષ્ટ કરી આપવાનો પ્રયાસ છે. સાહિત્યની ફિલસૂફીનો વાસ્તવિકતાની વિભાવના સાથેનો સમ્બન્ધ એનું નિરૂપણ સાહિત્યકૃતિમાં જે રીતે થતું હોય છે તે પરત્વેનો હોય છે પણ સાહિત્યમાં ફિલસૂફી તો કળામાં નિરૂપાયેલા અનુભવ તરફ જ વળે છે,એની ફરીથી માંડણી ફરી આપે છે.

આખરે તો સાહિત્યમાં ફિલસૂફી અને સાહિત્યની ફિલસૂફી વચ્ચેના ભેદો બન્ને જ્યાં એકબીજાને મળે છે ત્યાં રહેતા નથી. સાહિત્ય પરત્વેની રસકીય સમસ્યાઓ અને સાહિત્યમાં ફિલસૂફીનો અભ્યાસ કરતા ઊભી થતી સમસ્યાઓ આખરે સમાન ભૂમિકા પર આવે છે. છતાં આ ભેદ નજર સામે રાખીને આ પ્રશ્નો વિચારવાનું આપણને અનુકૂળ રહેશે. એવી કોઈ સાહિત્યકૃતિને આપણે શા માટે દાર્શનિક કહીએ છીએ એ સમજવામાં મદદ થશે. સાહિત્ય નૈતિક વિકલ્પોની ચર્ચા કરે છે. વિશ્વની નિયતિના પ્રશ્નોને છેડે અથવા સમય અને મરણને સમજાવવા મથે છે માટે દાર્શનિક નથી. પણ એ આપણા અસ્તિત્વની ઘટના તરફ આપણને ફરી લઈ જાય છે માટે દાર્શનિક છે. ભવ્ય વિષયો એ નિરૂપવા લે છે માટે એ દાર્શનિક નથી. પણ આપણા વાસ્તવિકતાના અનુભવમાં જે કાંઈ આપણને સાંપડે છે તેમાં રહેલી મૂળભૂત modalitesને એ તપાસે છે માટે એ દાર્શનિક છે. સાહિત્યની ફિલસૂફી આવા પ્રશ્નોને પશ્ચાદ્ભૂમિમાં ધકેલી દે એમ બને. પ્રારમ્ભમાં આપણને એનાથી દૂર લઈ જાય. અહીં મૂળ મુદ્દો ફિલસૂફી અને સાહિત્ય વચ્ચે ચાલ્યા આવતા જૂના વૈમનસ્યનો છે. જેમ કોઈ સર્જક નવલકથા કે કવિતાનો કશીક લાગણીને માટે ભોગ આપી દે તેમ સાહિત્ય વિશે સૈદ્ધાન્તિક અભિગમની ચર્ચા પણ કોઈ શુષ્ક ગણી કાઢે. આથી જ તો એલન ટેઇટે કહ્યું છે, ‘આવી ચર્ચાના નિષ્કર્ષો બહુ પ્રભાવક લાગે છે અને એને ઠીક ઠીક વિસ્તારપૂર્વક કહેવામાં આવે છે પણ એમાંના કોઈએે દાન્તેના ‘Paradiso’ના 28મા સર્ગની મારી સમજ વધારી હોય એવું મને લાગ્યું નથી.’ જો આ પ્રતિક્રિયાને આપણે વાજબી લેખીએ તોય એને સાહિત્યમાંની ફિલસૂફીના અભ્યાસ પરત્વે લાગુ પાડી શકાય એવું ફલિત થતું નથી. એલન ટેઇટમાં પણ સારી માત્રામાં વિદગ્ધતા છે અને એથી જ એમના અવિશ્વાસને આપણે અવિશ્વાસની નજરે જોવાનો રહે છે. પણ આ વિશે ઝાઝી જીભાજોડી કરવાનો કશો અર્થ નથી.

*

આપણે સામાન્ય રીતે એમ કહેતા હોઈએ છીએ કે નવલકથા જગતનું પ્રતિરૂપ રજૂ કરે છે પણ એનો અર્થ આપણા મનમાં સ્પષ્ટ હોતો નથી. કારણ કે જગતનું પ્રતિરૂપ એ સંજ્ઞાનો અર્થ સ્પષ્ટ હોતો નથી. નવલકથા એક નાનું જગત રજૂ કરે છે તે વાસ્તવિક જગતના વિશાળ જગતની અમુક ચર્ચાઓ પ્રતિકૃતિ હોય છે. ‘પ્રતિબિમ્બ’, ‘દર્પણ’, ‘રજૂઆત’ આ સંજ્ઞાઓ આ બે જગતને સમજવામાં મહત્ત્વની છે. આ પ્રતિરૂપનો જીવન સાથેનો સમ્બન્ધ કળાની વ્યાખ્યા બાંધવામાં કેટલીક વાર આવશ્યક મુદ્દો ગણાય છે. એરિક કાહલર કળાની વ્યાખ્યા આમ આપે છે: ‘કળા એક એવી માનવ પ્રવૃત્તિ છે જે અન્વેષણ કરે છે. અને એક નવી વાસ્તવિકતાને સર્જે છે અને એ પ્રતીકાત્મક રૂપ તરીકે રજૂ કરે છે, જે વિશાળ જગતનો સંકેત બની રહે છે.’ આમ પ્રતિરૂપ કે પ્રતિબિમ્બ એ સંજ્ઞા મહત્ત્વની હોય છે તે છતાં આપણે એના ક્ષેત્રની કાળજીથી તપાસ કરવી જોઈએ. સાહિત્ય આપણી આગળ એક જગતને રજૂ કરે છે તે કયા અર્થમાં?

જગતનાં ન્યૂનતમ ઘટકોની યાદી આપવા જઈએ તો એ આપણી ધીરજ અને શક્તિની કસોટી કરનારું નીવડે. આથી આપણે અહીં કોઈ પણ સમ્ભવિત કેન્દ્રભૂત લક્ષણની, એના horizonal characterની જ વાત કરીશું. વસ્તુઓ, ઘટનાઓ, પરિસ્થિતિઓ જગતમાં હોય છે એમ કહેવાય છે. લેખકના ટેબલ અને ખુરશી ઓરડીમાં હોય છે અને આપણે જાણીએ છીએ કે એની ઓરડી એના ઘરમાં છે, એ ઘર શહેરમાં છે, આમ આખરે એ બધું આપણને જગત તરફ દોરી જાય છે જેમાં આ બધું જ સમાયેલું છે. આમ ખુરશીથીયે બીજી બધી વસ્તુ તરફની ગતિ horizonal છે. જગતને આપણે બહારની સીમા તરીકે સ્વીકારીએ તો આપણે જે કાંઈ અનુભવી શકીએ તેને આ ક્ષિતિજ બાંધી દે છે. કશુંક જગતમાં હોય એનો અર્થ એ કે એ કશાકના અસ્તિત્વને આપણે એ ક્ષિતિજ દ્વારા ઓળખીએ. આ જગતમાં જે કાંઈ અનુભવાય છે તે આપણને ઘણુંખરું પરિચિત હોય છે અથવા તો આપણને અજાણ્યું હોય છે પણ આ પરિચિત અજાણ્યું તે આ જગતમાં નથી. એને બદલે આપણે એમ કહેવું જોઈએ કે પરિચિતતા અને અજાણ્યાપણું એ એના અસ્તિત્વની ક્ષિતિજ વડે જ ઓળખી શકાય. મારા જગતમાં આત્મીયતા, પરિચિતતા અને અજાણ્યાપણાનાં જુદાં જુદાં ક્ષેત્રો છે. હું જેને માતાપિતા કહું છું, પત્ની અને બાળકો કહું છું, મિત્રો અને પરિચિતો કહું છું એમના તરફથી જે લોકો, જેના વિશે જાણવામાં આવ્યું છે પણ જેમને ઓળખ્યા નથી તે લોકો તરફ જાઉં છું – વિભાવનાઓની મદદથી, જ્ઞાનની મદદથી. એવા કેટલાક પણ હશે જેને હું કદી ઓળખી શકીશ નહિ કે જેમને વિશે હું કશું જાણી શકીશ નહિ. આમ છતાં, જે જગતમાં એ બધાંનો સમાવેશ થયેલો છે એ જગતની વાસ્તવિકતા કે સમ્ભવિતતા તરીકે એ જગતના સન્દર્ભમાં જ એ બધું મને સમજાય છે. આ જગતને હું એક એવા ગર્ભસ્થાન તરીકે ઓળખું છું જેની ક્ષિતિજની અંદર વ્યક્તિઓ અને ઘટનાઓ દૃષ્ટિગોચર થાય છે. જગત પોતે જાતે પોતાને મને આપતું નથી, એ તો એની ક્ષિતિજ આપે છે.

પ્રારમ્ભમાં કોઈ પણ વસ્તુ કે ઘટના horizonal હોય છે. કશુંક હોય અથવા બને તે માટે એનામાં regionalકે zonal લક્ષણો હોવાં જોઈએ. હું મારા મિત્રને મળું છું તે ઘટનાને જે કાંઈ સ્થળકાળનાં લક્ષણો હોય તે સ્થળ અને કાળ જગતનાં છે માટે હોય છે. એની સાથેની વાતચીતથી મને વિષાદ થયો હોય કે આનન્દ,હું મારા મિત્રને જેમાં આનન્દ કે વિષાદ થાય એવા સન્દર્ભમાં જ મળતો હોઉં છું અને એ સન્દર્ભ એ horizonમાં હોય છે. એ horizon અમારી મૈત્રીની હોય છે. જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તેના અંશરૂપ હોય છે. મારા મિત્ર જે સમાચાર આપે છે તે, વિચાર પ્રકટ કરે છે તે જે યોજનાઓ રજૂ કરે છે તે – એના અસ્તિત્વનાં પાસાંઓ હોય છે. કારણ કે એ અસ્તિત્વ એ જે કાંઈ સાર્થકતા એના જીવનમાં મેળવવા ઇચ્છતો હોય છે તે તરફ ગતિશીલ હોય છે. આ સાર્થકતાનું પોત જ horizonalહોય છે. એનો અર્થ એ નથી કે આ જગતની ક્ષિતિજની મર્યાદામાં રહીને જે કાંઈ અનુભવીએ છીએ તેને માટે એક ક્ષિતિજ વિશેની સભાનતાપૂર્વકની અભિજ્ઞતા આવશ્યક છે. રોજિંદા જીવનમાં આપણે આ ક્ષિતિજને એક ગૃહીત તરીકે સ્વીકારેલી જ હોય છે. અને એ ગૃહીત આપણા જગતના અનુભવનું એક મહત્ત્વનું અંગ બની રહે છે. કોઈ સાહિત્યકૃતિમાં જે પ્રકારની સૃષ્ટિ આલેખાઈ હોય છે તેને સમજવામાં આ ક્ષિતિજ મહત્ત્વની ચાવી રૂપ બની રહે છે.

આપણે ટોમસ માન કે વિલિયમ ફોકનરની સૃષ્ટિની વાત કરતા હોઈએ છીએ પણ એને The Magic Mountain કે Light in Augustની સૃષ્ટિ એમ કહેવું વધારે ઉચિત છે. આ બે પ્રયોગો વચ્ચેનો ભેદ ઘણુંખરું સ્પષ્ટ હોતો નથી. સાહિત્યકાર તરીકેની ટોમસ માનની સૃષ્ટિને એની કૃતિઓ દ્વારા જ આપણે ઓળખી શકીએ. એનો અર્થ કે એ એની નવલકથાઓ અને વાર્તાઓને અમુક પ્રકારના દૃષ્ટિકોણની અપેક્ષા રહે છે. માન જ્યારે વિદ્યમાન હતા ત્યારે એમની પાસેથી આપણે અમુક વસ્તુઓની અપેક્ષા રાખતા હતા. એ જે આશાઓ જગાડે તેને પૂરી કરે અને એની બહુવિધ નિપુણતાને એ વિશિષ્ટ દૃષ્ટિબિન્દુ દ્વારા વિકસાવે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ. આ અર્થમાં ટોમસ માનના જગતને જાણવું એટલે અભિવ્યક્તિની સમસ્યાઓ વિશેની એમની ચિન્તા, એમનું મનન: એમને ઓળખવા. માનનો કોઈ પણ વિવેકી વાચક જાણે છે કે એમની કૃતિઓમાં કળાકારનાં ચેતના અને પ્રકૃતિ સાથેના સમ્બન્ધનું નિરૂપણ છે. એમાં સામયિકતા અને મરણ એ મહત્ત્વના વિષયો છે. એમની શૈલીની જુદી જુદી તરાહો અને એમની કૃતિમાં નિરૂપાયેલું મુખ્ય વસ્તુ એમાં પણ આપણને રસ પડે છે. અહીં માનની સૃષ્ટિ તે એના મન સાથે એકરૂપ બની જાય છે પણ The Magic Mountainનું જગત એમ કહીએ ત્યારે એ વાત જુદી બની જાય છે. અહીં આપણે સાહિત્યકૃતિમાં પ્રકટ થતા જગત અંગેનો સામનો કરવાનો આવે છે. The Magic Mountain જેવી કૃતિ કયા અર્થમાં આપણી સમક્ષ એક જગતને રજૂ કરે છે?

The Magic Mountainનું જગત અમુક વર્તમાન ઘટકોનું બનેલં છે, એમાંનાં પાત્રો અને કાર્યો તે સમયથી અને સ્થળથી બંધાયેલાં છે. એમાં પાત્રોનાં કાર્યોથી એક ઇતિહાસ રચાય છે જેને કથાનક આધાર આપે છે. પાત્રો મોટાં થાય છે અને અમુક સંજોગોમાં મરી પણ જાય છે. આપણે એમને જોતાં હોઈએ છીએ એ દરમ્યાન એ લોકો ઘણું વેઠતાં પણ હોય છે અને ઘણો આનન્દ પણ માણતાં હોય છે. એઓ વાસ્તવિકતાના બુદ્ધિગત અને ઊમિર્ગત મોટાં ક્ષેત્રોની શોધ કરતાં હોય છે અને છેલ્લે અસ્તિત્વનાં પ્રતીકાત્મક રૂપોની જાળગૂંથણીમાં એઓ ગૂંચવાયાં હોય છે. આ બધું તો આપણા જગતમાં પણ બનતું જ હોય છે. ઉપલક દૃષ્ટિએ જોતાં પણ એમાં રહેલું વ્યાવર્તક તત્ત્વ પારખવું અઘરું નથી, The Magic Mountainનું જગત એ fictional જગત છે, વાસ્તવિક જગત નથી. એમનાં જે ઘટકો તરફ આપણે આંગળી ચીંધી એ બધાંને ‘As-If’નું સ્ટેટસ છે. એમાં જે ઇતિહાસ કહેવાયો છે તે વાસ્તવિક રીતે બનેલી ઘટનાઓનો દસ્તાવેજી અહેવાલ નથી. આ કાલ્પનિક જગતમાં વસતાં પાત્રો જગતમાં ખરેખર જીવી ચૂક્યાં હોય એવાં નથી. આથી આ આખી વસ્તુ એક અદ્ભુત રીતે બનાવેલી વસ્તુ છે. પ્રયત્નપૂર્વક ઊભી કરેલી પ્રવંચના છે, ટૂંકમાં એ fiction છે. પણ આટલું કહેવાથી આપણા મૂળ પ્રશ્નનો ઉત્તર આપી દઈ શકાતો નથી.

જગતની વિભાવનાના ગ્રાહ્ય બને એવા અહેવાલ આપનારે real અને imaginary વચ્ચેનો ભેદ કરી બતાવવાનો રહેશે. એ જ રીતે fictiveઅને actual વચ્ચેનો ભેદ પણ બતાવવાનો રહેશે. આપણે જો એમ કહીએ કે નવલકથાનું જગત synthetic છે અને રોજિંદા જીવનનું જગત તે historical છે તો તો મૂળ પ્રશ્નની નોંધ ન લેવા જેવું થયું. આવા હેવાલમાં ‘જગત’ને આપણે માની લેતા હોઈએ છીએ. આવાં આપણાં ગૃહીતોની ફેરતપાસ કરવાની રહેશે. સાહિત્યકૃતિમાં જે જગત રજૂ થાય છે તેનાં કેટલાંક અનિવાર્ય લક્ષણો આ પ્રમાણે ગણાવી શકાય: એમાં સ્થળ અને કાળનું અમુક પરિમાણ પાત્રો અને એનાં કાર્યો માટે જરૂરી બની રહે છે. એમાંના કાર્યને રજૂ કરતી વાર્તાને માટે જે પરિમાણ સ્વીકાર્યું હોય તેની functional limitનું હોય છે. જે વાર્તા કહેવાવી શરૂ થઈ તે પહેલાં અને વાર્તા કહેવાઈ ગઈ પછી જે બને તેને નોખાં પાડી આપતું હોય છે. એમાં જે કાર્ય છે તે કાર્ય પાત્રો પરત્વેનું હોય છે. એ કાર્યો દ્વારા એમનાં જગતનું અર્થઘટન થાય છે. એનો જે કાંઈ અર્થ છે તે મૂળ તો આ કાર્યો દ્વારા આવિષ્કૃત થતો હોય છે. આખા કથાનક દરમ્યાન સુસંગત રીતે રચાતી આવતી એક વાસ્તવિકતા પાત્રો માટે હોય છે. એ એના જીવનને આવરી લે છે. એમના જગતની સમ્ભવિતતા માટે એ જરૂરી છે. અને છેલ્લે સાહિત્યકૃતિમાં રહેલાં સર્વસમ્ભવિત ઘટકોની પડછે એક horizon હોય છે તે સર્જાયેલા વિશ્વની સીમાને સ્પષ્ટ કરી આપે છે.

સાહિત્યકૃતિમાં પ્રકટ થતા જગતનાં ગૃહીતો જગતની જે છબિ રજૂ કરે છે તેનું અર્થઘટન તો પહેલેથી જ એનાં પાત્રો દ્વારા થઈ ચૂક્યું હોય છે. આથી એમનાં કાર્યોનું આપણે કરેલું પૃથક્કરણ તે તો અનિવાર્યતયા એના અનુવાદ રૂપ જ હોય છે. આપણે એમનાં અર્થઘટનોનું અર્થઘટન કરતાં હોઈએ છીએ. એઓ જેનો મુકાબલો કરે છે તે મુકાબલાનો આપણે મુકાબલો કરીએ છીએ. આપણે એમની શ્રદ્ધામાં સૂર પુરાવીએ છીએ અથવા એ શ્રદ્ધાને નકારી કાઢીએ છીએ. સાહિત્યકૃતિમાંનું જગતનું પ્રતિરૂપ આમ આલ્ફ્રેડ શુત્સ કહે છે તેમ preinterpreted હોય છે. આવું શી રીતે બને છે તે જોવું હોય તો આપણે માનવવ્યવહારના બંધારણને તપાસવું પડે. દુર્ભાગ્યે આપણા જમાનાના કાર્યની છબિનું સ્વરૂપ બહિર્ગત કે ભૌતિક ગતિનું છે. કાર્યને આપણે એક ઘટના તરીકે લઈએ છીએ જે બાહ્ય જગત તરફ વળતી હોય છે. એ કશુંક  જોયેલું, અનુભવેલું કે સાંભળેલું હોય છે. એવું કશુંક જે બીજા કશાકને ગતિ આપે છે, એવું કશુંક જે બીજા કશાકમાં પરિવર્તન લાવે છે. આઘાત કરવો, દડો ફેંકવો, ઘાંટો પાડવો, આદેશ દેવો: આ બધાં સ્પષ્ટ રીતે કાર્યો છે અને એનો રણકો તરત પરખાય એવો છે. સૈનિક, અખાડાબાજ, મુત્સદ્દી, વેપારી, સાહસ કરનાર સાહસિક: આ બધા વિલક્ષણ રીતે ક્રિયાશીલ માનવીઓ છે. કવિ,ફિલસૂફ, કળાકાર, સ્વપ્નદ્રષ્ટા spectator તરીકે રહે છે. એ લોકોનો સ્વભાવ ચર્વણા કરવાનો છે. આ અર્થમાં કાર્ય સૌ પ્રથમ તો એવું કશુંક છે જેની અસર આપણી આજુબાજુના જગતમાં નોંધી શકાય છે, એ એક જાહેરમાં બનતી ઘટના છે. કવિઓ પણ ક્રિયાશીલ માનવીઓ છે એ કહેવાને બદલે ચતુરાઈ વાપરીને જીવનની સામાન્ય સમજ પ્રમાણે જેને કાર્યને કાર્ય લેખવા માટેનું જે ધોરણ છે તેના જ અર્થનો ફરીથી વિચાર કરવાનું કહેવામાં આવે છે. મેક્સ વેબર કહે છે, ‘કાર્યમાં બધા જ પ્રકારના માનવવ્યવહારનો સમાવેશ થાય છે. વ્યવહાર કરનાર માનવી એમાં અંગત અર્થનું આરોપણ કરતો હોય છે. આ અર્થમાં કાર્ય જાહેર કે કેવળ આંતરિક કે આત્મલક્ષી પણ હોઈ શકે. એેમાં સક્રિય બનીને હસ્તક્ષેપ કરવામાં આવે અથવા પરિસ્થિતિને passivelyસ્વીકારી લેવામાં આવે. કાર્યને આપણે સામાજિક કહીએ છીએ તે એ અર્થમાં કે એ કાર્યનો કર્તા એમાં જે અંગત અર્થનું આરોપણ કરે છે તેમાં બીજાના વ્યવહારની પણ નોંધ લેવામાં આવે છે અને એ પ્રમાણે એની દિશા નક્કી થાય છે. વેબરને મતે આત્મલક્ષી અર્થ એટલે કાર્ય કરનાર પોતાના કાર્ય વિશેની જે અર્થઘટનાત્મક સમજ ધરાવતો હોય છે તે. એને અંગત કે માનસિક વલણો સાથે કશી લેવાદેવા નથી. આ અર્થમાં જે કાર્ય સાહિત્યકૃતિની સૃષ્ટિના લક્ષણરૂપ બને છે તેનું સ્વરૂપ પાત્રો વ્યક્તિગત રીતે નક્કી કરતાં હોય છે. આપણે એની વાર્તાનું સૂત્ર પકડીએ કે તરત જ એ સૃષ્ટિના કાલ્પનિક નિવાસીઓએ જેનું અર્થઘટન કરી જ દીધું છે તેવા જગતમાં પ્રવેશીએ છીએ. જો કાર્ય આવા અર્થઘટન દ્વારા આવિષ્કૃત થતું હોય તો અર્થઘટન પાછું horizonal ground તરફ આંગળી ચીંધે છે. કાર્ય કરનાર પોતાના કાર્ય પર જે અર્થનું આરોપણ કરે છે તેનું સ્વરૂપ એના આશયથી બંધાતું હોય છે. અને એનો આશય મર્યાદિત બને છે કે દોરવાય છે તે એ જે હેતુ તરફ કે horizon of value તરફ ગતિ કરતો હોય છે તેના પરથી. પણ મૂલ્યોને આપણે જાગતિક મૂલ્યો કહીએ છીએ. એ આપણા જીવનના માળખાના એક અંશરૂપ હોય છે. એ મૂલ્યો અતિક્રમણશીલ અથવા અન્તર્વ્યાપ્ત છે કે કેમ તે વિચારવું અહીં અપ્રસ્તુત છે. આ મૂલ્યાંકન જગતની પહેલેથી સ્થાપિત ક્ષિતિજની મર્યાદામાં રહીને થતું હોય છે. આ અર્થમાં intent એટલે વાસ્તવના કોઈક પાસા તરફનો ઝોક અને આ આપણી અભિજ્ઞતાનાં બધાં પરિમાણોને એકસરખું લાગુ પડે છે. એટલે કે વિચારવું, યાદ કરવું,કલ્પના કરવી, સ્વપ્નો જોવાં કે લાગણી અનુભવવી: આ બધાંને આ એકસરખું લાગુ પડે છે. ફાધર ઝોશિમાની પવિત્રતા, ફિઓદોર કારામાઝોવના રંગલાવેડા અને હવસખોરી, એના પુત્રોની જુદી જુદી જીવનરીતિ: આ બધું એ લોકો જે જગતની ક્ષિતિજમાં કાર્ય કરીને પોતાને આવિષ્કૃત કરતા આવે છે તે રીતે જોતાં જ બોધગમ્ય બને છે,એ જગતને એનો આગવો ઇતિહાસ છે જે વિશે આપણે પ્રમાણમાં થોડું જાણીએ છીએ, એ જગતને એનું ભવિષ્ય છે જે આપણી આગળ એટલું જ અસ્પષ્ટ છે. પણ આ ભૂતકાળ અને ભવિષ્ય એ બન્નેને માટે સમાન એવી વાસ્તવિકતાથી જોડાયેલા છે. ઝોશિમાનો ભૂતકાળ અને આલ્યોશાનું ભવિષ્ય તે એ જગતની અન્તર્ગત રહેલી ક્ષિતિજનાં જ જુદા પરિપ્રેક્ષ્યો છે. વાચકો તરીકે આપણે એનાં સમયનાં પરિમાણોને સમજીએ તે જરૂરી છે છતાં એ એક અનુવર્તી હકીકત છે. કારણ કે આપણે પોતાની જ ઉત્પન્ન કરવાની શક્તિથી જન્મેલા અને એના જ માળખાને આધારે ટકી રહેલા જગતના સાક્ષી હોઈએ છીએ.

છતાં નોંધપાત્ર વાત એ છે કે સાહિત્યકૃતિમાંના જગતને આપણે જગત તરીકે ગ્રહી શકીએ છીએ. એ જે વાત કહે છે એ જગત વિશેની છે એટલું તરત સમજી જઈએ છીએ. અને એ રીતે એનાં મૂલ્યોમાં આપણા intuitive extrapolationથી સહભાગી થઈએ છીએ. જ્યારે આપણે એમ કહીએ છીએ કે અમુક એક સાહિત્યકૃતિ આપણા જીવન પર અજવાળું પાથરે છે ત્યારે આપણે વિશ્વાસપૂર્વક એવું ધારી લઈએ છીએ કે આપણી જગત વિશેની જે intuitive sense છે તેનું એને સમર્થન છે. આપણા સાહિત્યકૃતિમાંના એ જગત વિશે પૂરેપૂરો ખ્યાલ ભલે ન આપી શકીએ એ છતાં આપણં પોતાનું જગત કહીએ છીએ ત્યારે એનો અર્થ શો થઈ શકે તે આપણે જાણતા હોઈએ છીએ. આ ગૃહીતને આપણે ગમ્ભીર રીતે પડકારવાનું છે. આપણે સાહિત્યમાં નિરૂપાતાં જગતનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો વિશે જે વર્ણન કર્યું તેની સાથે સાથે રોજિંદા જીવનના પાયાના બંધારણનું પણ પરીક્ષણ કરવું જોઈએ.  સાહિત્ય અને જગત વચ્ચેના આ પ્રકારના મુકાબલાને પરિણામે આપણે અમુક તારણ અને નિષ્કર્ષ પર આવીશું.

*

આપણા વ્યક્તિત્વનું એક પાસું તે રોજબરોજની જિંદગી જીવનારા common sense માણસનું હોય છે. ક્યિર્કેગાર્દે કહ્યું છે તેમ આપણામાંના દરેકને લોકો જેને વાસ્તવિકતા કહે છે તેના વેપલા સાથે સમ્બન્ધ હોય છે છતાં દુનિયા છે, દુનિયામાંનું રોજિંદું જીવન છે અને આપણે એ આખા માળખાના ભાગરૂપ છીએ એ જાણવા માટે કોઈ શીખવનારની જરૂર પડતી નથી. આપણને એનાં ઘટકો વિશે માહિતી મળે છે, એની અટપટી રચના વિશે આપણને જાણકારી આપવામાં આવે પણ વાસ્તવિકતા છે એવું આપણને કોઈ શીખવતું નથી. આપણા શિક્ષણની આ વિચિત્ર ક્ષતિ એ આપણે માટે ઉપકારક નીવડે છે. કારણ કે એ આપણા અસ્તિત્વની ક્ષિતિજ વિશે આપણને જાણ કરે છે. જગત વિશેના જે કાંઈ પ્રશ્ન ઊભા કરવામાં આવે છે તે જગતમાં રહીને ઊભા કરવામાં આવે છે. આપણા અનુભવના અમુક અંશ વિશે આપણે શંકા કરીએ અને એ શંકા ખોટી પણ હોય તેમ છતાં જે શંકા વગરનું માળખું છે અને જેના સન્દર્ભમાં આપણે એ શંકાનું નિરાકરણ સ્વીકારીએ છીએ તેની પડખે એ શંકા રહેતી નથી. પાછળ, ઉપર અને સામે જે શંકાની શક્યતા ધરાવે છે તેની નિ:શંક ભૂમિકા હોય છે જેના વિરોધમાં જે શંકાસ્પદ છે તેને વિશે જ આપણે શંકા કરીએ છીએ. આપણી જિંદગીની મુખ્ય ગતિ વાસ્તવિકતાને માનવા તરફની છે અને આપણી વાસ્તવિકતાની માન્યતા એ તપાસનો વિષય બનતી નથી. જે ક્ષિતિજ દ્વારા આપણને જગત આપવામાં આવ્યું છે તે આપણી સ્વાભાવિક, પોતાને વિશે સભાન નહિ એવી રોજિંદા જીવનની માન્યતા એટલે કશો પ્રશ્ન પૂછ્યા વિનાનો સ્વીકાર. કોઠાસૂઝવાળા રોજિંદા જીવનના માનવી તરીકે હું એ સ્વીકારી લઉં છું કે હું જે જગતનો અંશ છું તે જગત સાચું છે, તત્ત્વત: વિશ્વસનીય છે અને સામાન્ય રીતે આપણી ઇન્દ્રિયો દ્વારા એ આપણી આગળ રજૂ થતું હોય છે. એ સુસંગત લાગતું આવે છે. વળી હું એ પણ માની લઉં છું કે આ જગતને બીજાઓ પણ એ જ રીતે જુએ છે. હું એ પણ માનું છું કે આ જગતને ભૂતકાળ અને ભવિષ્યકાળ છે. મારા માનવબન્ધુઓ મારી જેમ જન્મ્યા છે અને મરવાના છે. મારી જેમ બીજાઓ આ પહેલાં જગતમાં હતા, ત્યારે બીજાઓ મારી સાથે આ જગતમાં સહભાગી છે અને એવી જ રીતે ભવિષ્યમાં પણ બીજાઓ મારી જેમ આવશે. આપણે આ બધું સ્વીકારી લઈએ છીએ તે સ્વીકૃતિને પણ કશા પ્રશ્ન વિના સ્વીકારી લઈએ છીએ.

આપણે એને ‘animal faith’ કહીએ કે કોઠાસૂઝ કહીએ પણ વાસ્તવિકતામાંની આ માન્યતા સાર્વત્રિક છે અને આપણા જીવનનો ન ભૂંસી શકાય એવો અંશ છે એ વિશે કશી શંકા નથી. ફિલસૂફીના પ્રારમ્ભિક અભ્યાસક્રમમાં વિદ્યાર્થી દેકાર્તની અસ્તિત્વ વિશેની શંકાને મૂર્ખામી ગણીને હસી કાઢતો હોય છે અને મનમાં ને મનમાં બર્કલીનો પણ છેદ ઉડાડી દેતો હોય છે. ઘણા ફિલસૂફો ગાંડા થઈને મરી ગયા એવું એ જાણે છે ત્યારે આની પરાકાષ્ઠા આવે છે. આ બધું છતાં વાસ્તવિકતા એનાં મૂળમાં સમસ્યારૂપ હોય એવી આપણને પજવનારી સમ્ભવિતતા આપણી કોઠાસૂઝ આગળ ટકી રહી શકતી નથી. આખરે ફિલસૂફ વાસ્તવિકતા વિશે સત્ય કહેતો હશે તે વાત ઉદયશંકર ડિસ્કો ડાન્સ કરતા હોય એના જેવી બેહૂદી લાગે છે. આમ છતાં એટલું નક્કી કે આ કોઠાસૂઝથી વર્તાતા જગતને એનાં નિશ્ચિત ઘટકો હોય છે અને એમાં એના પોતા વિશેના નર્યા વિશ્વાસનો સમાવેશ થાય છે. આલ્ફ્રેડ શુત્ઝ કહે છે તેમ રોજિંદા જીવનનાં આ સાર્વત્રિક લક્ષણોને આપણે માનવ અસ્તિત્વનાં ‘metaphysical constants’કહી શકીએ. આપણું આ જગતમાં જન્મવું, અમુક એક માતાને પેટે અવતાર લેવો, જે જગતમાં આપણી પહેલાં બીજાં રહેતાં હોય તેમાં જન્મવું, વળી બીજા જેનું અર્થઘટન કરી ચૂક્યા છે તે જગતમાં જીવવું, એમાં મોટા થવું અને આખરે મરવું – આ જેમાંથી ન છટકી શકાય એવી વાસ્તવિકતાઓ છે. આ metaphysical constant તરીકે એમને પ્રસૂતિ કરાવનારાઓ સાથે, વૃદ્ધો સાથે, વસતિગણતરી કરનારાઓ સાથે કે સ્મશાનમાં પહોંચાડનારાઓ સાથે કશો સમ્બન્ધ નથી. આ metaphysical constants આપણા આ જગતમાં હોવાની ક્ષિતિજને અજવાળે છે અને એના વડે અજવાળાય છે. રાજકારણના જાહેર મામલાને એ ચીંધતા નથી પણ આપણા અસ્તિત્વ સાથે એને સમ્બન્ધ છે. એ આપણા જગતની રચનાનું માળખું પૂરું પાડે છે.

આપણા રોજિંદા જીવનની એ લાક્ષણિકતા છે કે આપણે આ નિશ્ચિત ઘટકોને સ્વીકારીને ચાલીએ છીએ. એના દાર્શનિક સૂચિતાર્થો આપણા અનુભવમાં સંઘરાતા રહે છે. આ નિશ્ચિત ઘટકોનું અર્થઘટન કરતી વેળાએ માનવ અસ્તિત્વનાં બે પાસાંઓ વચ્ચે ભેદ કરવાનું જરૂરી બને છે. જે જગત આપણને સીધું પ્રત્યક્ષ થાય છે તે જે જગતને આપણે પ્રાકૃતિક વિજ્ઞાન, ઇતિહાસ અને સમાજવિદ્યા પાસેથી પામીએ છીએ તેનાથી મૂળભૂત રીતે જુદું હોય છે. Helmhultsનું પુસ્તક Physiological Optics મારા ચાક્ષુષ અનુભવ વિશે કે એની અપરોક્ષ તત્ક્ષણતા વિશે મને કશું કહી શકે નહિ. એ વિશે લખાયેલું પુસ્તક પણ આ વિશે આપણને કાંઈ કહી શકે નહિ. મારો એક રંગનો અનુભવ અને એ રંગનાં બંધારણનો વૈજ્ઞાનિક અહેવાલ – એ વચ્ચે કશો સમ્બન્ધ નથી. મારું રંગનું જગત સહુ પ્રથમ મારું છે, એને અંગેની નિષ્ણાતની માહિતીથી એ અવાન્તરિત થતું નથી. દૃષ્ટિ વિશેની સૈદ્ધાન્તિક ભૂમિકા આપણે જે જોઈએ છીએ તેની પ્રમાણભૂતતા માટે કોઈ આવશ્યક નથી. મારું રંગનું જગત એ અર્થમાં એક વિશિષ્ટ જગત છે. એનું ક્ષેત્ર અને એની સામગ્રીને જે અનુભવનું ઊંડાણ હોય છે કે એને વિશેના પછીથી આવતા સૈદ્ધાન્તિક ખુલાસાઓથી નિરપેક્ષ હોય છે. આપણે જે આંખે જોઈએ છીએ તેને વિશે જે કહું તે મારા આખા જગતને લાગુ પડે છે. મારા અસ્તિત્વના વિશિષ્ટ અંશો તે કશીક ઇતિહાસ, સમાજવિદ્યા કે મનોવિજ્ઞાનની વિભાવનાઓથી નક્કી થતા નથી. એ બધું આગવી રીતે અને ફરી બદલી ન શકાય એ રીતે મારું હોય છે. એ મારું છે એમ કહું છું ત્યારે સહુથી પ્રથમ તો એનો અર્થ એ કે એ મને અમુક vantage pointથી આપવામાં આવ્યું હોય છે. મારું શરીર એ વાસ્તવમાં આવું એક બિન્દુ છે જેના સમ્બન્ધમાં ચાક્ષુષ ઘટનાઓને એનું સ્થાન પ્રાપ્ત થાય છે. મારું શરીર એ મને તત્ક્ષણ સહજ રીતે અનુભવાતી વાસ્તવિકતા છે. એ શરીરરચનાશાસ્ત્ર કે એના વિદગ્ધતાભર્યા જ્ઞાનનું પરિણામ નથી. આ જે પહેલેથી આપવામાં આવ્યું છે તે જગતનું મહત્ત્વ વિજ્ઞાન જે જગત સંપડાવે છે અને જે આપણા વ્યવધાનરહિત અનુભવનો વિષય છે તેનાથી અગ્રતા ધરાવે છે. આ અગ્રતા તે શું તે આપણે સ્પષ્ટ કરવાનું રહેશે.

જેમ આપણા સમયમાં કાર્યને બાહ્ય ભૌતિક અસરકારકતાને રૂપે લેખવામાં આવ્યું છે તેમ તત્ક્ષણ થતા અનુભવની ગુણવત્તાનો પ્રાકૃતિક વિજ્ઞાનની કાર્યકારણની કોટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમુક પરિસ્થિતિ વિશેની સાચી સમજૂતી એટલે એની પુરોગામી પરિસ્થિતિ અને એના સમ્બન્ધમાં આવેલી બીજી વસ્તુઓનો હેવાલ. મારો વિષાદ એ શાને કારણે ઉદ્ભવ્યો તે વિશે હું કહું તો સમજાવ્યો કહેવાય. તે જ રીતે તીવ્ર વેદનાને પણ મારા જીવનના આગલા પ્રસંગો સાથે સાંકળીને સમજાવું તો સમજાવી કહેવાય. મારી લાગણીની વાસ્તવિકતા પણ ઉદ્દીપન અને પ્રતિભાવની શૃંખલા જોડી આપીને સમજાવાય. આ જાતની સમજૂતીઓ અને અહેવાલો ગમે તેટલાં સૂક્ષ્મ હોય તેમ છતાં એમાં ઘટના જે રીતે બની, આપણી ચેતના સમક્ષ અવિકલરૂપે જે રીતે પ્રકટ થઈ તે રીતે જોવાનો ઇન્કાર હોય છે. પૃથક્કરણની આ સમગ્ર પદ્ધતિ સામેની પ્રતિક્રિયારૂપે આપણે અવ્યવહિત અનુભવની પ્રાથમિકતાની વાત કરીએ છીએ. જે કાંઈ બન્યું હોય તેનાં ઉદ્ભવસ્થાનો, તે બનવાની શરતો એનાં કાર્યકારણની ભૂમિકા, એની પુરોગામી ઘટનાઓ: આ બધાંની વાતો થાય છે પણ એમાં એને વિશેની મૂર્ત અભિજ્ઞતામાં રહેલી સંકુલ સમૃદ્ધિની ઉપેક્ષા કરવામાં આવે છે. આ અભિજ્ઞતા અર્થના બંધારણનો એક મહત્ત્વનો પાયો છે. મારા જગતની આ ક્ષિતિજની અંદર બધા વૈજ્ઞાનિક અને ઐતિહાસિક નિર્ણયોને આપણે સમજીએ છીએ, એનો અનુવાદ કરીએ છીએ અને એ વિશે પ્રવૃત્ત થઈએ છીએ. કાર્યકારણ કે ઉદ્ભવસ્થાનો વિશેનું પૃથક્કરણ પણ મને મારા આ જગતની મર્યાદામાં સમજાય છે. ભલે આ સમજ અત્યન્ત મર્યાદિત હોય પણ એની આ મર્યાદા જ જગતમાં થતાં મારાં બધાં projectionના પર અસર પાડે છે. આપણી બધી જ જ્ઞાનની શાખાઓને ફરીથી પાછી અસ્તિત્વની તત્ક્ષણતાના ક્ષેત્રમાં લાવવાની રહેશે.  આ અર્થમાં બીજા બધાં કરતાં રોજિંદા જીવનનું મહત્ત્વ વધારે રહે છે. એની સીમામાં રહીને જ આપણા જીવનની પ્રમાણભૂતતા સિદ્ધ કરવાની રહે છે.

આમmetaphysical constants રોજિંદા જીવનની તત્ક્ષણ વાસ્તવિકતાને લાગુ પડે છે. પ્રાકૃતિક વિજ્ઞાનના સાધિત જીવનને એ constantsનો વિનિયોગ પ્રબળ ‘સઘન’ અનુભવ પરત્વેનો થતો હોય છે. આપણી ક્ષતિઓ તથા આપણી ગૂંચો તેમ જ આપણા વિજયો અને સૂઝના જગત પરત્વે એનો વિનિયોગ થતો હોય છે. જો વિજ્ઞાન આપણને ‘ચોખ્ખી’ વાસ્તવિકતા આપતું હોય તો જે જગતથી આપણે આરમ્ભ કરીએ છીએ તે જગત યાતનાથી ઘેરાયેલું બની જાય છે. આપણા રોજિંદા જીવનની સંકુલતાનો એક ભાગ તે જન્મ,મરણ અને જેને કશો પ્રશ્ન વિના સ્વીકારી લઈએ છીએ તે અસ્તિત્વનો બનેલો હોય છે. આ constantsની ક્ષિતિજનાં લક્ષણો આપણા અવ્યવહિત અનુભવમાં ઠરતાં આવે છે. જન્મ અને મૃત્યુનો અર્થ શો તે આપણને શીખવી નહીં શકાય. કારણ કે જેને શીખવવાનું હોય તે આપણે પહેલેથી જાણતા હોવા જોઈએ. આપણા અનુભવોને કારણે આ શીખવાની પ્રક્રિયા બહુ બહુ તો ઉદ્ભવતી હોય છે. આપણે જે જાણીએ છીએ પણ જેને ઉચ્ચારી શકતા નથી તે કહી શકીએ તે માટે શીખવું જરૂરી બની રહે છે.

રોજબરોજનું જીવન અને સાહિત્યમાં મૂર્ત થતું જગત આ બેનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો આપણે વર્ણવવાનો પ્રયત્ન કર્યો. એ બન્ને સાથે મળીને આપણા તત્ક્ષણ અનુભવના જગતને રજૂ કરે છે. એ બન્ને નોખા રહીને સામાન્ય સમજના જગતને જે શક્ય બનાવે છે તેની પૂર્વસમજોને રજૂ કરે છે. આ બન્ને જગતો horizonal છે. બન્નેનાં કેટલાંક લક્ષણો પહેલેથી સ્વીકારી લેવામાં આવ્યાં છે. મૂલ્યબોધની દૃષ્ટિએ metaphysical constant એને સમજાવે છે. તો, આ કલ્પનોત્થ જગતને વાસ્તવિક જગતથી કોણ જુદું પાડી આપે છે?નવલકથાના વાચક અને એ વાચક પોતાના નવલકથાના વાચન દરમ્યાન જે જગતના સમ્પર્કમાં આવે છે તે: આ બેના સમ્બન્ધનો વિચાર કરીને આ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. The Brothers Karamazovની સૃષ્ટિમાં પ્રવેશવું હોય તો આપણે આપણા જગત વિશે સામાન્ય રીતે જે માનતા હોઈએ છીએ તેને તત્પૂરતું બાજુએ રાખવાનો નિર્ણય કરવો પડે. ‘બાજુએ રાખવું’ એ સંજ્ઞા બહુ સારી નથી પણ એમ કરવામાં શું બનતું હોય છે તેનો હેવાલ આપવાથી એ સંજ્ઞા બરાબર સમજાઈ જશે. હું દોસ્તોએવ્સ્કીના જગતમાં પ્રવેશવાનો નિર્ણય કરું છું તે વાસ્તવમાં તો રોજિંદા જીવનના સામાન્ય પ્રવાહથી તત્પૂરતા અળગા રહેવાનો નિર્ણય પણ બની રહે છે. કારણ કે ત્યારે હું એ સાહિત્યકૃતિની ક્ષિતિજમાં રહીને જ અનુભવ લેતો હોઉં છું. એ દરમ્યાન વાસ્તવિક જગતનું અસ્તિત્વ તો ચાલુ રહે જ છે. હું તત્પૂરતું એને અળગું રાખું છું એનો અર્થ એને નકારું છું એવો નથી. બીજા જગત તરફ ધ્યાન કેન્દ્રિત કરવા જતાં હું મારા વિચાર, મારી અપેક્ષાઓ, મારી સ્મૃતિ, મારો વિસ્મય – એની અભિજ્ઞતાને પણ focusમાં લાવું છું. ચેતનાની આ પ્રવૃત્તિઓનું બંધારણ જ હવે મારા ધ્યાનનો વિષય બને છે. આપણે એમ કહેવા નથી માગતા કે નવલકથા વાંચીએ છીએ ત્યારે એ વાચન પરત્વે આપણે introspective બનતા હોઈએ છીએ. વાસ્તવમાં એથી સાવ ઊલટું જ બનતું હોય છે. આપણે ‘The Brother…’માં ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ છીએ ત્યારે એમાં કશું extrospective રહ્યું હોય છે. જેને આપણે વાંચવાની ક્રિયા કહીએ છીએ તેને વિશેની સંકુલ અભિજ્ઞતામાં આપણે જે જગતને પ્રત્યક્ષ કરતા હોઈએ છીએ તેને વિશેની સાતત્યપૂર્ણ ચેતના અપરોક્ષરૂપે અનુભવાતી હોય છે. આપણા પોતાના જગતને આપણે નકારતા કે રદ કરતા નથી. એ તો ચાલુ જ રહે છે. પણ આપણે સાહિત્યિક કૃતિમાંના વિશ્વને અનુભવવાનું શક્ય બનાવીએ એટલા પૂરતું જ એ અળગું રહે છે.

સામાન્ય અનુભવની વાસ્તવિકતા વિશેની મારી માન્યતાને તત્પૂરતી મોકૂફ રાખવાનો મારો નિર્ણય એ કલ્પનોત્થ જગતના સર્જનની ચાવી રૂપ છે. નવલકથાની સૃષ્ટિ નરી imaginaryનથી, પણ એની પોતાની રીતે સાચી છે અને એની આ સચ્ચાઈ તે fictive consciousnessની ક્રિયાશીલતાને કારણે સમ્ભવિત બને છે. મારી ચેતના ‘The Brother…’માં કોઈ fictive beingને શોધી કાઢતી નથી. એને વિશે fictivelyવિચારે છે એટલું જ. આ અર્થમાં દોસ્તોએવ્સ્કીએ સર્જેલા વિશ્વમાં પ્રવેશવું એટલે અમુક વલણને મોકુફ રાખીને એક બીજા વલણને focusમાં લાવવું. Fiction અને lifeમાં જે ભેદ છે તે આટલો જ છે. સાહિત્યકૃતિમાંના જગતને માનવસમાજના જગતથી જુદું પાડનારાં બીજાં કશાં ધેરણો નથી. જે કાંઈ છે તેને જોવાના જુદા પ્રકારનો અનુભવ આ વલણના ફેરમાં આપણને થાય છે. આપણી અભિજ્ઞતામાં થતા આ પાયાના પરિવર્તનથી આપણી સામાન્ય સમજનું અસ્તિત્વ મૂળભૂત રીતે અજવાળાતું હોય છે. આ fictive consciousness સિદ્ધ કરવી એ હકીકત જ રોજિંદા જીવનને ઉલ્લંઘીને રહેલા એના બંધારણને પ્રકટ કરી આપે છે. આ transcendental structure તે રોજિંદા જીવનની ક્ષિતિજ અને એની સાથે સ્વીકારેલાં ગૃહીતોનું બનેલું હોય છે અને આ ગૃહીતો એટલે આપણા અસ્તિત્વના metaphysical constants. જેને આપણે રોજિંદા જીવનમાં કશો પ્રશ્ન પૂછ્યા વિના સ્વીકારી લઈએ છીએ તેને આ fictive consciousnessની રચનાત્મક પ્રવૃત્તિ આપણી આગળ સ્પષ્ટ કરી આપે છે. સાહિત્યિક કૃતિમાંની સૃષ્ટિ આ જગતને પ્રતિબિમ્બિત કરે છે એવું નહિ એથી ઊલટું એ આપણા જગતના અનુભૂતિગત પાસાને પ્રકટ કરી આપે છે.

તો ફિનોમિનોલોજી અને સાહિત્યિક સિદ્ધાન્ત એમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે આપણે શેની વાત કરતા હોઈએ છીએ?ઘણાંને એવું કુતૂહલ થશે કે આમાં હુસેર્લની વાત ક્યારે આવશે?જેમને ફિનોમિનોલોજી શું છે એની ખબર નથી એમને એમ થશે કે એ વિશેની વાત તો થઈ જ નહિ. પણ મારો હેતુ ફિનોમિનોલોજીની jargon વાપર્યા વગર એની વાત કરવાનો હતો. હું અહીં પહેલી વાર intentionalityનો ઉલ્લેખ કરું છું. એની સાથે સાથે reduction, epoche, noesis, noema અને બીજી બધી વપરાતી સંજ્ઞાઓનો ઉલ્લેખ કર્યો નથી. ફિનોમિનોલોજીની સીધી વાત કર્યા વિના મેં મારી મર્યાદામાં રહીને એની શૈલી અને એની દિશાની વાત કરી છે.

પ્રખ્યાત ફિલસૂફ વ્હાઇટહેડ Mathematical Logic શીખવતા હતા એ વિશેની ટેકનિકલ ચર્ચાઓ આખા સત્ર દરમ્યાન ચાલતી રહી પછી એક વિદ્યાર્થીએ એકાએક પૂછ્યું, ‘સાહેબ, આ બધંને મરણ સાથે શો સમ્બન્ધ છે?’ જ્યારે ફિલસૂફ કોઈ પ્રશ્નનો જવાબ આપી શકતો નથી ત્યારે એ બે વસ્તુ વચ્ચેની ભેદરેખા દોરી બતાવે છે. અહીં આપણે philosophy in literature અને philosophy of literature વચ્ચે ભેદ કરી બતાવ્યો. આપણે રોજિંદા જીવનનું જગત અને સાહિત્યકૃતિમાંનું જગત એ વિશેની જે ચર્ચા કરી એમાં આપોઆપ સાહિત્ય અને ફિલસૂફી વચ્ચેના સમ્બન્ધની વાત પણ આવી ગઈ. સાહિત્ય કૃતિમાંના જગતનું ontological status શું, સાહિત્ય કયા અર્થમાં જ્ઞાન આપે છે એમ કહેવાય, કળાનું સત્ય શું – સાહિત્યની ફિલસૂફીના આ લાક્ષણિક પ્રશ્નો છે. ફિનોમિનોલોજી આવી કેટલીક મહત્ત્વની સંજ્ઞાઓ, વિભાવનાઓ અને અર્થો જે રસાનુભવ સાથે સંકળાયેલા છે તેને એનાં મૂળમાં જઈને ચેતનાની એક પ્રવૃત્તિ લેખે તપાસે છે. એનો મુખ્ય ઝોક તે રસકીય પદાર્થ શી રીતે રચાય છે તેનું વર્ણન અને તેની સમજ આપવાનો છે.

એતદ્: જુલાઈ-સપ્ટેમ્બર, 1989

License

Share This Book