27 લોકરુચિનું ઘડતર

સર્જાતું જતું સાહિત્ય જનતામાં કેટલું પ્રચાર પામે છે એ પ્રશ્ન પણ વિચારવા જેવો છે. અમુક પ્રકારના સાહિત્યનો પ્રયત્નપૂર્વક પ્રચાર થાય છે એ તો જાણીતું છે. એવા પ્રચારની પાછળ સાહિત્યના આસ્વાદથી ઉદ્ભવતા આનન્દ સિવાયનું એક બીજું પણ પ્રયોજન હોય છે. એ પ્રયોજન પ્રધાનસ્થાને હોય છે ને રસાસ્વાદજનિત આનન્દ ગૌણ સ્થાને, કેટલીક વાર આવો પ્રચાર જનતાની રુચિ પર અત્યાચાર ગુજારે છે, એને ખોટો વળાંક આપે છે. સંસ્કારિતાના વિકાસની દૃષ્ટિએ આ ઘણી ગમ્ભીર વસ્તુ છે. વિવેચકોનું એક કર્તવ્ય આવા, ઇતર રાજકીય, ધામિર્ક પ્રયોજનોને વશ થઈને ગુજારાતા, રુચિ પરના અત્યાચાર પ્રત્યે આંગળી ચીંધવાનું પણ છે. પણ મિષ્ટ હોય એવા જ સત્યનું ઉચ્ચારણ કરવું એવી નીતિ જ્યાં મોટા ભાગના વિવેચકો અપનાવતા હોય ત્યાં આ કટુ કર્તવ્ય બજાવવાનું ભાગ્યે જ બની શકે.

આપણા આદિ વિવેચક નવલરામ નિ:સત્ત્વ કૃતિને ‘ચીંથરું’ કહેવામાં જરાય શરમ રાખતા નહોતા. વિવેચનમાં પણ કેટલીક વાર પાણ્ડિત્યનો વાંધો પહેરાવીને સાવ સામાન્ય વસ્તુને અપૂર્વતાનો આભાસ આપીને, નવી ગૂંચવી નાખનારી પરિભાષાની ચળક આપીને ગૌરવદોષને પણ વહોરી લઈને ભારે આડમ્બરપૂર્વક રજૂ કરવામાં આવે છે. આની પાછળ મુમૂર્ષુ પ્રતિષ્ઠાને ટકાવી રાખવાનાં હવાતિયાં સિવાય બીજું કશું ભાગ્યે જ રહ્યું હોય છે. એમાં રહેલો સન્નિષ્ઠાનો, સત્યપરાયણતાનો અને પ્રામાણિકતાનો અભાવ સંસ્કારિતાનો દાવો કરનાર હરકોઈને થવો જોઈએ. આજના વિવેચનની આ દૃષ્ટિએ કસોટી કરીને એને વિશે કડવું સત્ય ઉચ્ચારવું જ પડે એમ હોય તો ઉચ્ચારીને, એની આ વિપથગા વૃત્તિને રોકવાની વેળા આવી લાગી છે.

લોકોની રુચિનું ઘડતર એ ઉપેક્ષા કરવા જેવો વિષય નથી. આજે સર્જાતા સાહિત્ય અને એના વાચકવર્ગની વચ્ચે મધ્યસ્થનું કામ કરનાર પક્ષનો અભાવ દેખાય છે. જેમ એક બાજુથી આચારશુદ્ધિને માટેના પ્રયત્નો ચાલે છે તેમ એના પૂરક અંશ રૂપે રુચિશુદ્ધિને માટેના પ્રયત્નો પણ થવા જોઈએ. આજે સાહિત્ય જેટલું વંચાવું જોઈએ તે પ્રકારનું વંચાતું નથી. વળી એના રસાસ્વાદ કે પરિશીલનને માટેની સાચી દૃષ્ટિ પણ મોટા ભાગના વાચકોમાં હોતી નથી. આથી ઘણા મોટા ભાગનું સાહિત્ય એક અર્થમાં વિફળ નીવડે છે. આનાં પરિણામો આજે કદાચ બહુ સ્પષ્ટ નહીં દેખાતાં હોય એમ બને, પણ ધીમે ધીમે એ સ્પષ્ટ આકાર ધારણ કરતાં જશે. આજની પેઢીનો વિદ્યાર્થી પ્રાચીન સાહિત્યની પરમ્પરાથી તો વિચ્છિન્ન છે જ, પણ આપણી આગલી પેઢીના સાહિત્યથી પણ એ સાવ અજાણ છે. આજનું સાહિત્ય એ વાંચે છે, પણ તે અમુક પ્રકારનું જ. પ્રજાના સંસ્કારજીવન પર આની મોટી અસર થાય છે. જેમ સાહિત્યની માટી જીવન છે તેમ સાહિત્ય જીવનને પણ ઘડે છે. એ લોકમાં અસમ્પ્રજ્ઞાતપણે મૂલ્યબોધ પ્રગટાવે છે. પણ મોટા ભાગનું સાહિત્ય જો જનતા સુધી પહોંચતું ન હોય તો એ મૂલ્યબોધ શી રીતે પ્રકટાવી શકે?ગાંધીજીએ એમ કહેલું કે સાહિત્ય જનતા સુધી પહોંચતું નથી, એનું એક કારણ એ છે કે સાહિત્યની ભાષાને લોકોની રોજબરોજની ભાષા વચ્ચે ખાસ્સું અન્તર છે. કોશિયો પણ સમજે એવી ભાષામાં સાહિત્ય લખાવું જોઈએ. આ પૂર્ણ સત્ય નથી એ દેખીતું છે. સર્જકને આપણે કશી ફરજ પાડીએ એના કરતાં એ કૃતિના હાર્દને જનતા આગળ સુલભ કરી આપનાર એક સંસ્કારસેવી વર્ગની આપણે આશા કરીએ એ વધુ યોગ્ય કહેવાશે. આજે સેવાભાવી શિક્ષિતોમાંથી આવો એક વર્ગ ઊભો થાય તે ઇચ્છવા જેવું છે. આનન્દવર્ધનના ‘સહૃદય’ની જેમ એની રુચિ પણ પ્રશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યના પરિશીલનથી દર્પણના જેવી બની ગઈ હોવી જોઈએ. સાહિત્યને પારખવાની શક્તિ વિવેચનશાસ્ત્રના નિયમો કણ્ઠસ્થ કરવાથી આવતી નથી. એ શક્તિ શ્રેષ્ઠ સાહિત્યની ફરી ફરી થતી ચર્વણામાંથી જ જન્મે છે. આ ચર્વણાથી જેમની રુચિ વિકસી હોય તેવા સહૃદયો, કેવળ રસાસ્વાદના વિશુદ્ધ આનન્દને જ લક્ષમાં રાખીને જનતા આગળ પસંદ કરીને કૃતિઓ રજૂ કરે, એનો રસાસ્વાદ કરાવે તો એક મોટી સેવા કહેવાય. નાનાં નાનાં જૂથમાં આ કામ વ્યવસ્થિત રીતે થઈ શકે. શેરીઓમાં, પોળોમાં, ગામડાને ચોતરે શિક્ષણસંસ્થાઓમાં મેળાઓમાં આ તકે સાહિત્યવાચન અને એના રસાસ્વાદને માટેના કાર્યક્રમો યોજી શકાય. પુરાણીઓ અને માણભટ્ટોની સંસ્થા આજે લુપ્તપ્રાય થઈ ગઈ છે. એમનું કાર્ય નવી પેઢી ઉપાડી લે એ જરૂરી છે. આજે ધર્મનો  પુટ આપીને વસ્તુ રજૂ કરવી જરૂરી નથી. અપરોક્ષ રીતે એમાંથી ધર્મભાવના આકાર લે એ વધુ ઇષ્ટ છે. જનતાની રુચિનો લઘુતમ દૃઢભાજક કાઢવાનું કામ સહેલું નથી. એવું કર્યાનો સન્તોષ માનીને કેટલાંક સામયિકો બધાંને રુચે એ પ્રકારનું, ચવચવના મુરબ્બા જેવું, સાહિત્ય રજૂ કરે છે તેની પાછળ વેપારી દૃષ્ટિ સિવાય બીજી કોઈ સૂક્ષ્મ દૃષ્ટિ કામ કરતી નથી.

લોકમાન્ય ટિળકે મહારાષ્ટ્રમાં રાજકીય જાગૃતિ લાવવાને માટે ગણેશોત્સવ શરૂ કર્યો. આજે એ ઉત્સવ લોકજીવનમાં દૃઢ થઈ ગયો છે. એ ઉત્સવનો લાભ લઈને ઘણી વાર રાજકીય પ્રચાર, સામાજિક સુધારણાને અનુકૂળ આબોહવા પણ તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પણ ગાંધીજયન્તિ સપ્તાહ વગેરે ઊજવવામાં આવે છે. આગળના વખતમાં પણ ભાગવત સપ્તાહ બેસતી. હજુ આજેય એ પરમ્પરા સાવ તૂટી નથી ગઈ. આ પરમ્પરાપ્રાપ્ત સંસ્થાઓને સંસ્કારીને સજીવ કરીએ તો આપણા સંસ્કારજીવનમાં નવું જોમ આવે. આવા ઉત્સવો ઊજવાતા હોય ત્યારે સંગીતનૃત્યની સાથે સાથે સાહિત્યના રસાસ્વાદનો ઉપક્રમ પણ રાખવામાં આવે તો જનતા ધીમે ધીમે એમાં રસ લેતી થાય અને આખરે એ ઉત્સવનું એવું અનિવાર્ય અંગ પણ બની રહે.

આપણે બાળકોને પણ ભૂલવાના નથી. જો માતાપિતા સાહિત્યના રસાસ્વાદથી વંચિત્ રહી ગયાં હોય તો બાળકોની રુચિ પણ કુણ્ઠિત થઈ જાય એ દેખીતું છે. બધાં બાળકો બાળમંદિરમાં જઈ શકતાં નથી. ગ્રામોફોનની રેકર્ડ સાંભળવાથી વાર્તારસની ખરી મજા બાળકો માણી શકતાં નથી. આમ બાળપણથી જ જો આપણે સાહિત્યથી વેગળા રહી જઈએ તો આપણા માનસઘડતરમાં એક મોટી ઊણપ રહી જાય. સાહિત્યકારો અને સાહિત્યસેવીઓ આ ક્ષેત્રમાં કંઈક સંગીન કાર્ય કરે એવી આશા રાખીએ.

નવ-વિધાન:27-9-1953

License

Share This Book