22 અભિજ્ઞતાનાં બદલાતાં પરિમાણો

આ છેલ્લી અર્ધી સદીમાં જે કાંઈ બન્યું તે કાંઈક એવી ત્વરિત ગતિએ બન્યું કે એનો ક્યાસ કાઢવામાં માનવી મુંઝાઈ ગયેલો લાગે છે. સર્જકોએ એમની સૂક્ષ્મ સંવેદનપટુતાથી આ બદલાયેલી પરિસ્થિતિ ગ્રહીને મૂર્ત કરવાનો પ્રયત્ન કર્યો. આ સાહિત્ય પરત્વેની જૂની પેઢીના ચિન્તકો અને આલોચકોની પ્રતિક્રિયા ઝાઝી સહાનુભૂતિભરી રહી નથી એ સુવિદિત છે. ઘણાંને આ છેલ્લી પચીસીનું સાહિત્ય જાણીકરીને આઘાત આપનાર, વધારે પડતું અટપટં અને ઊંડું લાગ્યું છે. તો બીજી બાજુ ઇહાબ હસન જેવા વિવેચકોએ તો નિ:શંકપણે કહ્યું છે કે આ પચ્ચીસીનું સાહિત્ય ખરેખર મહાન છે.

આ સાહિત્યમાં આજ સુધી અપરિચિત એવી નવી અભિજ્ઞતા મૂર્ત થઈ છે અને એમ થાય તે જ સ્વાભાવિક છે. એઝરા પાઉંડે કહેલું કે કળાકારો જ આ વાતાવરણમાંનાં સૂક્ષ્મ આન્દોલનોને પ્રથમ ગ્રહનારા એરિયલ જેવા છે. આ ગાળા દરમિયાન ત્વરિત પરિવર્તનો થયાં, સાચા અર્થમાં જેને ક્રાન્તિ કહી શકાય એવી ક્રાન્તિ થઈ. આ બધાંને પરિણામે શૈલીમાં પણ ક્રાન્તિકારી ફેરફાર થયો. આપણી સંવેદનાને નવો ઘાટ મળ્યો.

આ અપરિચિત નવી અભિજ્ઞતા એટલે શું? માનવીની પોતાને વિશેની જાણકારીમાં ભારે ફેરફાર થયો. સામાજિક અને પ્રાકૃતિક પરિવેશ વિશેની એની જાણકારીમાં પણ એવો જ ફેરફાર થયો. અર્વાચીન સાહિત્ય એ ફેરફારનો આપણને મૂર્ત રૂપ દ્વારા પરિચય કરાવે છે. આ ફેરફારને સમજવો એટલે આપણી સંજ્ઞાની જ ફરીથી ઓળખ કરવી.

પહેલી વાત તો એ કે જાણે હવે પહેલાંના આ જગતની નક્કરતા રહી નથી. બર્ગસોંના સમયની વિભાવના, ફ્રોઇડની અચેતનાની વિભાવના, આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ, અવકાશ અને ઊર્જા વિશેનો એનો સિદ્ધાન્ત – આ બધાંએ આપણી વાસ્તવિકતા વિશેની સમજમાં ધરમૂળનો ફેરફાર કરી નાખ્યો. વિજ્ઞાને પણ વિરોધાભાસને મોકળાશ કરી આપી. એ પણ વિકલ્પો રજૂ કરવા લાગ્યું. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત તે વિજ્ઞાનના ક્ષેત્રમાં જે સન્દિગ્ધતા વરતાવા લાગી છે તેનો દ્યોતક છે. ભૌતિક પદાર્થનો મર્મ જાણવા આપણે જેમ જેમ વધારે મથતા જઈએ છીએ તેમ તેમ આપણે અનિશ્ચિતતાને વધુ ને વધુ અવકાશ આપતા જઈએ છીએ.

પુનર્જાગૃતિના કાળમાં વિજ્ઞાને સ્થાપેલા વર્ચસને કારણે આપણે બુદ્ધિનિર્ભર બન્યા હતા. બુદ્ધિની એ શક્તિમાંની આપણી માન્યતા આજે ડગમગી ગઈ છે. બે વિશ્વયુદ્ધોએ અને હજી આજે પણ જે નિરર્થક હિંસકતા પ્રવર્તી રહી છે તેણે બતાવી આપ્યું છે કે માનવી અધમ પશુની જેમ વર્તી શકે છે. આપણે નાત્ઝીવાદના ઉદયને જોયો. રાજકર્તાઓ ટેકનોલોજી, પ્રચાર અને જુલમ આ બધાંનો ઉપયોગ કરીને કેવા ભયંકર આસુરી બની શકે છે તે પણ આપણે જોયું. માનવબન્ધુતા અને બુદ્ધિનિર્ભર શાણા સમાજની કે વસુધૈવ કુટુંબકમ્ની આપણી પુરાણી ભાવના જગતમાં ઠેરઠેર લોપ થતી જ દેખાય છે. સ્પેન્ગ્લર અને ટોયન્બી જેવા ઇતિહાસકારો તો માનવજાતિને આ વિશે ચેતવતા જ રહ્યા છે. હન્ના આરેન્ડ્ટના પુસ્તક ‘હ્યુમન કંડિશન’નો પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ.

આપણા ધર્મ અને નીતિ વિશેના ખ્યાલોમાં પણ ભારે ફેરફાર થયો છે. કરુણા અને અનુકમ્પા જેવી ધર્મે પુરસ્કારેલી ભાવનાઓનું આજે માનવજીવનમાં કશું વર્ચસ રહ્યું નથી. … આત્યન્તિક પરમ તત્ત્વમાં માનનારી ફિલસૂફીને અસ્તિત્વવાદે પડકારી છે. આજની આપણી સંવિત્તિના પોતમાં અનિશ્ચિતતા વણાઈ ગઈ છે. ઓડેને તો આપણા યુગને ઉદ્વેગના યુગ તરીકે જ ઓળખાવ્યો છે. એની પહેલાં દોસ્તોએવ્સ્કીએ આપણા જમાનાને ‘નેગેટિવ સેન્ચ્યુરી’ કહીને ઓળખાવ્યો હતો. હવે તો બધાંને એક સૂત્રે બાંધી રાખનારું આ તત્ત્વ જ છેદાઈ ગયેલું લાગે છે. આ સાથે જ પુનનિર્ર્માણની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. આ બેનો મળીને જ એક લય સર્જાય છે.

માનવીની છબિને આજે આપણે કેવે રૂપે જોઈએ છીએ?પહેલાં માનવી કેન્દ્રમાં હતો, હવે તો કળામાં માનવઆકૃતિ જાણે દેખાતી જ નથી. એ માત્ર થોડાં ચોસલાંનો શંભુમેળો બની રહી છે. કળામાં ચાલી રહેલી આ નિર્માનવીકરણની પ્રક્રિયાને સ્પેનિશ ફિલસૂફ ઓર્તેગાએ બરાબર તપાસી છે.

માનવીની પોતાની સંજ્ઞા વિશેની અભિજ્ઞતા કંઈક વેરણછેરણ થઈ ગઈ છે. આપણાં મહાનગરોએ માનવી માનવી વચ્ચેના સમ્બન્ધના અંકોડા  તોડી નાખ્યા છે. પ્રાકૃતિક પરિવેશ વચ્ચેથી એ ઊંચકાઈ ગયો છે. બધાં જ ક્ષેત્રમાં થતો વિસ્તાર અને વિશિષ્ટતાના પર મુકાતા ભારને કારણે માનવી વેગળો પડી ગયો છે. રાક્ષસી ચક્રોની વચ્ચે ઠિંગુજી જેવા લાગતા માનવીને ચાર્લી ચેપ્લિને આપણને બતાવ્યો છે.

આથી વધારે ખતરનાક વિચ્છિન્નતા તે માનવીની પોતાની જાત સાથેની વિચ્છિન્નતા છે. મનોવિજ્ઞાને આપણને સમજાવ્યું કે માનવી બહારથી દેખાય છે એટલો જ નથી. હેમિંગ્વેએ કહ્યું હતું કે માનવી તો બરફના તરતા પહાડ જેવો છે. એનો એક ચતુર્થાંશ ભાગ જ બહાર છે, બાકીનો ત્રણચતુર્થાંશ ભાગ તો ડૂબેલો છે. માનવી વિશેની સમજનું પુન:સંસ્કરણ ફ્રોઇડના પુસ્તક ‘સિવિલાઇઝેશન એન્ડ ઇટ્સ ડિસકન્ટેન્ટ’માં અને યુંગના પુસ્તક ‘મોડર્ન મૅન ઇન સર્ચ ઓવ સોલ’માં થયેલું દેખાય છે.

સામાજિક તથા પ્રાકૃતિક પરિવેશથી વિચ્છિન્ન થયેલો માનવી પોતાને પણ અજાણ્યો લાગે છે. આ પરિસ્થિતિને આલ્બેર કૅમ્યૂએ ‘આઉટસાઇડર’માં આલેખી. રશિયન ક્વયિત્રી મરિના ત્શ્વેતાયેવાએ આપણને ‘સુપરફલુઅસ મૅન’નો પરિચય કરાવ્યો. માનવીને માટે આપણા જમાનામાં જાણે બે જ વિકલ્પો રહ્યા છે: ક્યાં તો એણે ક્રાંતિનો નારો ગજાવવો ક્યાં તો બલિ થઈ જવું.

સંક્ષેપમાં આપણા સાહિત્યને સમજવાને માટેની આ ભૂમિકા આપણે સમજી લેવી જોઈએ. કેટલાક એમ કહે છે કે આ તો બધું પશ્ચિમ માટે સાચું હશે, આપણે માટે નથી. આપણે ત્યાં તો સાંસ્કૃતિક મૂલ્યો હજી ધારક બળ રૂપે ક્રિયાશીલ છે. આ આપણી વાંછના હોઈ શકે, પણ વાંછના અને આજે પ્રવર્તતી વાસ્તવિકતા વચ્ચે ઘણું અન્તર છે. આજે આપણે ત્યાં પણ મહાનગરો ઊભાં થયાં છે. ટેકનોલોજીનો પ્રભાવ આપણે ત્યાં પણ વિસ્તરતો જાય છે. પ્રાકૃતિક પરિવેશો ધીરે ધીરે ધૂમ્રાચ્છાદિત થતા જાય છે, પ્રદૂષણ વિશે આપણે પણ ચિન્તા કરતા થયા છીએ. મોટા ભાગનાં માનવીઓ કેવળ સાધન તરીકે જ વપરાય છે. આપણી સંવેદના બુઠ્ઠી થતી જાય છે. સમાજ મૂલ્યનિર્ભર રહ્યો નથી. માનવી માનવી વચ્ચેનો સંબંધ શોષણનો જ રહ્યો છે.

આજે પ્રવર્તતા આ માનવીય સંદર્ભને આધુનિક સાહિધતાથી નિરૂપે છે. સાહિત્ય આ જીવનસન્દર્ભનું પ્રતિબિસબ પાડે છે એટલું જ નથી, એ એના નિરૂપણ દ્વારા એનો ઉદ્ધાર પણ કરે છે. અરાજકતાનાં રૂપ દ્વારા ઋતને સ્થાપે છે. આ દુષ્કર કાર્ય આધુનિક સાહિત્યે શી રીતે પાર પાડ્યું છે તે જોઈએ.

આધુનિક સાહિત્યે સમય અને સ્થળની, કલ્પના અને વાસ્તવિકતાની પ્રવહમાનતાને સ્વીકારી લીધી છે. પ્રૂસ્તની મહાનવલ ‘રિમેમ્બ્રન્સીસ ઓવ થીંગ્ઝ પાસ્ટ’ ઘડિયાળના યાન્ત્રક સમયનો નાશ કરે છે. કાફકાની સૃષ્ટિને કોઈ ભૂગોળનિદિર્ષ્ટ સ્થળ સાથે સસબન્ધ નથી. વર્જીનિયા વુલ્ફની નવલકથામાં માનવીની એષણાઓ અને સ્મૃતિઓ અભિન્ન બની ગયાં છે.

આધુનિક સાહિત્યે આપણી માનસિક ટેવો કે બુદ્ધિના સામાન્ય વ્યાપારને સ્થગિત કરી દીધો છે. કાફકાની નવલકથા ‘ધ ટ્રાયલ’માં કાર્ય અને કારણ વચ્ચે, અપરાધ અને શિક્ષા વચ્ચે, આલ્બેર કૅમ્યૂની નવલકથા ‘ધ આઉટસાઉડર’માં કેન્દ્રભૂત ઘટના સાવ તકલાદી લાગે છે. વ્યંગ અને અનાગતની આગાહી કરવાની અક્ષમતાને અસ્તિત્વના મૂળભૂત સિદ્ધાન્ત રૂપે સ્વીકારી લેવાયાં છે. દોસ્તોએવસ્કીની નવલકથા ‘ભોંયતળિયાનો આદમી’નો નાયક (!) કારણ વગરના દ્વેષનું નિદર્શન પૂરું પાડે છે. માનવીની અર્ધજાગૃત ચેતનાનું કે સ્વપ્નનું વિશ્વ તાગવાનું પણ આધુનિક સાહિત્યે માથે લીધું છે. કોનરાડની નવલકથા ‘હાર્ટ ઓવ્ ડાર્કનેસ’, લોરેન્સની ‘વિમેન ઇન લવ’ કે જોય્સની ‘યુલિસીસ’ જેવી કૃતિઓ માનવીની ચેતનાના પ્રવાહને વર્ણવવા માટે ભાષાની સર્વ સાધનસંપત્તિનો ઉપયોગ કરે છે. છૂપા, પૂરા આકાર નહીં પામેલા એવા એક અબુધના વિચારો ફોકનરની નવલકથા ‘ધ સાઉન્ડ એન્ડ ધ ફ્યુરી’માં કેન્દ્રબિન્દુ બની રહે છે. ઓ’નિલના નાટક ‘ધ આઇસમેન કમ્થ’નો નાયક વાસ્તવિકતા કરતાં ભ્રાન્તને વધુ મહત્ત્વ આપે છે.

આધુનિક સાહિત્યે માનવઅનુભવના સરળ પણ ચિરાયુ અંશોને ઝડપી લેવાનું સાહસ કર્યું છે. હેમિંગ્વેની કૃતિઓ ‘ધ સન ઓલ્સો રાઇઝીઝ’ કે ‘ધ ઓલ્ડ મૅન એન્ડ ધ સી’માં માનવવ્યવહારને શુદ્ધ કરવાનો, વ્યક્તિના સન્દર્ભમાં નૈતિક આચારસંહિતાને ફરીથી ઘડવાનો પ્રયત્ન છે. ઝિદે ‘ધ ઇમ્મોરાલિસ્ટ’માં પ્રાકૃત વ્યવહારને સંસ્કૃત વ્યવહાર સાથે સરખાવ્યો છે એ આશાએ કે એથી બંનેમાં રહેલું સત્ય સ્પષ્ટ થઈ આવે. આજનું નીતિશાસ્ત્ર માનવીની વૃત્તિજન્ય આવશ્યકતાઓ તરફ ફરી કદમ માંડી રહ્યું છે.

આધુનિક સાહિત્યે સરળ તેમ જ સંકુલ બંનેને અભિવ્યક્ત કરવાની પદ્ધતિઓ ઉપજાવી છે. એમાં નવીનતમ અને પ્રચલિત એવા બંને જીવનના અંશો પ્રકટ થાય છે. આ અભિવ્યક્તિની પદ્ધતિઓ ઘણુંખરું પુરાણકલ્પનો, પરાક્રમી નાયકોની શૌર્યકથાઓ કે મરણ અને પુનર્જન્મના પુરાણા વિધિઓમાંથી ઉપજાવી હોય છે. એલિયટનું કાવ્ય ‘ધ વેઇસ્ટ લેન્ડ’, ટોમસ માનની ‘જોસેફ કથાત્રયી’, જોય્સની ‘યુલિસીસ’ આપણને ફરી પુરાણકલ્પનોમાંથી મેળવેલી સામગ્રી વચ્ચે સ્થાપે છે. આધુનિક જગતમાં પ્રવર્તતી અરાજકતાને ઓળખવાનું મૂળભૂત માળખું આપણે પુરાણકલ્પનોમાંથી મેળવીએ છીએ.

આધુનિક સાહિત્યમાં પ્રતીતિકર છબિઓ આપણને પ્રાપ્ત થાય છે. આપણા સમયની માનવનિયતિને આ માનવીઓ મૂર્ત કરી આપે છે. આ માનવીઓ હિંસા, અત્યાચાર કે પરાજયના ઓછાયા નીચે જન્મ્યા હોવા છતાં માનવની પરિસ્થિતિમાં રહેલા સત્યને પ્રકટ કરે છે. એલિયટનો પ્રૂફોક, ફોકનરનો જો ક્રિસ્ટમસ, હેમિંગ્વેનો નિક આડમ્સ કે લેડી બ્રેટ, ફિટ્ઝરાલ્ડનો ગેટસ્બી, માનનો હાન્સકેસ્ટ્રોપ કે એશનબાખ, લોરેન્સનો બિકિર્ન, જોય્સનો લિયોપોલ્ડ કે મોલી બ્લૂમ, કાફકાનો કે. – આ બધાં આપણા હૃદયમાંથી ઊંડો પ્રતિભાવ જગાડે છે.

આધુનિક સાહિત્યે માલાર્મેના શબ્દોમાં કહીએ તો, ‘માનવજાતિની ભાષાને શુદ્ધ કરી આપી છે.’ એણે ભાષાભંડોળને પુનર્જીવિત કર્યું છે અને આપણે જે વિલક્ષણ જગતમાં જીવીએ છીએ તેને આવરી લઈ શકે એવા અભિગમો અને રૂપકશ્રેણીઓ ઉપજાવી લીધાં છે. આ ભાષા રૂપ અને કુરૂપ, ઉદાત્ત અને હાસ્યાસ્પદ, કરુણ અને સુખાન્ત – આ બધાંનું નિરૂપણ કરવાની ક્ષમતા ધરાવે છે. એ એકી સાથે પ્રાકૃત અને વિદગ્ધ, બુદ્ધિનિર્ભર અને ઊમિર્મય, સીધી અને તિર્યક, ઇન્દ્રિયસભર અને આધ્યાત્મિં, ઓગણીસમી સદીના લાગણીવેડાભર્યા વાણીચાતુર્યમાંથી એને ઉગારી લેવાના પુરુષાર્થનું શ્રેય કવિઓને ઘટે છે. યેટ્સ, રિલ્કે, વાલેરી, પાઉન્ડ, એલિયટ, ફ્રોસ્ટ, વોલેસ સ્ટીવન્સ જેવા કવિઓએ આ સિદ્ધ કરી આપ્યું છે પણ કવિતાની આ નવી ભાષા તો નવલકથા અને નાટકનું પણ અંગ બની રહી છે.

આપણે જે જીવન જીવીએ છીએ એને આપણા સાહિત્યનાં સ્વરૂપો વચ્ચે મહત્ત્વનો સમ્બન્ધ રહ્યો છે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે કારણ કે દરેક ભાવક એ જે કંઈ વાંચે છે તે પોતાના જમાનાને પ્રસ્તુત છે કે નહીં તે જાણવા ઇચ્છતો હોય છે. પણ આટલું જ સાહિત્યમાં જોવું તે બસ નથી. પોતાની પ્રાથમિક પ્રતિબદ્ધતાની સ્થિતિથી આગળ પોતે શી રીતે વધી શકે તે પણ ભાવકે જોવું ઘટે. આ માટે ભાવકે થોડી સજ્જતા કેળવવી ઘટે. આપણે રૂઢિથી નિયન્ત્રિત થઈને જગતને જોવાને ટેવાયા છીએ પણ અર્વાચીન સાહિત્યમાં પરિપ્રેક્ષ્ય બદલાય છે. એ જગતનું પુનવિર્ધાન આપણને અપરિચિત એવી રીતે કરે છે. એમાં વિકલ્પોની સર્જનાત્મક પસંદગી અને હેતુપુરસ્સર આણેલી તિર્યક્તા હોય છે. એનો હેતુ નરી આંખે જે દેખાતું નથી તે બતાવવાનો છે. તમે છાપામાં કોઈ સ્થળે લાગેલી વાતનું વર્ણન વાંચો એ રીતે કાફકા કે ફોકનરની વાર્તા વાંચી શકો નહીં. એમાં નિરૂપાતી વાસ્તવિકતાનો ઘાટ જુદો છે. મૂળભૂત રીતે સાહિત્યમાત્ર પરાવાસ્તવિક જ હોય છે.

આધુનિક સાહિત્ય અને નૈતિક મૂલ્યાંકનો વચ્ચે ખાસ કશો વિરોધ નથી. એનો સાચો ઉદ્દેશ તો કળા દ્વારા વાસ્તવિકતાનો ઉદ્ધાર કરવાનો છે. પણ આનો એ પ્રચાર કરતું નથી. હિંસા, હતાશા અને અશ્લીલતા સુધ્ધાં એના અંશો બની રહે છે. એનો હેતુ આપણાથી અપ્રગટ કે દબાવી રાખેલાં સત્યોને ઓળખાવવાનો છે. જે અનિષ્ટો આપણને પજવે છે તેને ઓળખાવીને એમાંથી મુક્ત થવામાં આપણને એ મદદ કરે છે.

ભાષા પ્રત્યે ધ્યાન એકાગ્ર કરવું એ પણ સાહિત્યનું કામ છે. એથી શબ્દોના અપ્રકટ સંકેતો આવિષ્કૃત કરી શકાય છે. પ્રતીકો, કલ્પનો, બદલાતા કાકુઓ, સંરચનાની જુદી જુદી તરાહો આ પરત્વે ઘણાં મહત્ત્વનાં છે. આગલા સાહિત્યને મુકાબલે આધુનિક સાહિત્ય અભિધા કરતાં વ્યંજનાનો આશ્રય વિશેષ લે છે. આથી એને વિશે દુર્બોધતાની ફરિયાદ ઊઠે છે, પણ આપણે એ સાવધાનીભરી ધીરજથી વાંચવું જોઈએ અને આ નવી ભાષા શીખી લેવી જોઈએ.

લોકસત્તા: 31-10-1977,  7-11-1977

License

Share This Book