18 આપણી સાહિત્યિક પ્રવૃત્તિઓ

આપણી સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે હંમેશાં સાહિત્યેતર ઘણાં પ્રયોજનો સંકળાયેલાં રહ્યાં છે. કેટલાક સંસ્કૃતિરક્ષકોનો અંચળો ઓઢીને સાહિત્ય એમને અભિમત મૂલ્યોનું જ વાહક બને એવી પ્રવૃત્તિ કરતા હોય છે. આજના બદલાતા માનવસન્દર્ભથી વેગળે સરી જઈને, એમને અનુકૂળ સમયખણ્ડમાં અશ્માવશેષની જેમ પુરાઈ રહીને, એઓ એમની વર્તમાન માનવીય પરિસ્થિતિ માટે મોટે ભાગે અપ્રસ્તુત બની ગયેલી માન્યતાઓનું  dead weight સમકાલીન સાહિત્ય પર લાદતા રહે છે. આના જ એક પરિણામ રૂપે કેટલાક મધ્યકાલીન કવિઓની અતિ પ્રચલિત એવી, પાઠ્યક્ષમ કૃતિઓની, બાલાવબોધી ટીકા સહિતની, આવૃત્તિઓ પ્રસિદ્ધ થયા કરે છે. એમાં મધ્યકાળની સર્જકતાના ઉત્તમ અંશો સાથે અનુસન્ધાન સિદ્ધ કરવાનો કે એ પરમ્પરાની ઉત્તમ સાહિત્યિક સિદ્ધિઓને આત્મસાત્ કરવાનો કે એ કૃતિઓનાં રસકીય પુનર્મૂલ્યાંકનનો પ્રયત્ન દેખાતો નથી. મધ્યકાળની કૃતિઓની આ કારણે ભારે અવદશા થઈ છે. એનો વાંચનારો વર્ગ બે ભાગમાં વહેંચાયેલો છે: એક વર્ગ કથાશ્રવણ કરનારો શ્રદ્ધાળુ લોકોનો છે. એ ચૈત્રમાં ઓખાહરણ વાંચે છે. ચોમાસામાં વલ્લભ વ્યાસનું મહાભારત વાંચે છે. પ્રેમાનન્દનાદ્વ નરસિંહ મહેતાના જીવનવિષયક આખ્યાનો એ ભક્તનો મહિમા ગાવા વાંચે છે. એમને માટે ધર્માનુભવ કેન્દ્રસ્થાને છે, રસાનુભવ નહિ. બીજો વર્ગ સાહિત્યના અધ્યાપનને વ્યવસાય તરીકે સ્વીકારનારનો છે. એમાંના ઘણા પાઠ્યપુસ્તકો નક્કી કરનારી સમિતિમાંના પોતાના સ્થાનનો ગેરલાભ ઉઠાવનારા હોય છે. પાઠ્યપુસ્તક થાય એ હેતુથી મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના ‘અભ્યાસપૂર્ણ’ સમ્પાદનો એઓ કરતા રહે છે. એમાં આજની સાહિત્યિક સંવેદના એવી કૃતિઓ જોડે મુકાબલો કરે તો એને શો અનુભવ થાય તે વિચારવાની કે એ મધ્યકાલીન કૃતિઓનું પુનર્મૂલ્યાંકન કરવાની ઝાઝી દાનત નથી હોતી. અધ્યાપકવર્ગમાં આ લોકો બાંધે ભારે ઠાવકે મોઢે બોલતા હોય છે ને સાક્ષરોમાં ખપતા હોય છે. એમના ઘણા રમૂજી ગોટાળાઓ હવે નવા વિદ્વાનો બહાર લાવવા મથતા હોય છે. મધ્યકાલીન કૃતિઓની રસચર્વણા વિદ્યાપીઠોમાં મોટે ભાગે થતી નથી.

સમકાલીન સાહિત્ય પરત્વે પણ આ વર્ગને કશું કહેવાનું આવે ત્યારે પરીક્ષક તરીકે ઓછાવત્તા ગુણ આપીને ચઢતીઊતરતી શ્રેણીમાં સર્જકોને વિભક્ત કરવાની એમની વૃત્તિ કામ કરતી દેખાય છે. વિવેચ્ય કૃતિ સાથેના અપરોક્ષ સમ્પર્કને એઓ બને ત્યાં સુધી ટાળે છે, એટલું જ નહિ કોઈ રસિક વિદ્યાર્થી મૂળ કૃતિ સુધી પહોંચે એને માટેની ઝાઝી શક્યતાઓ એઓ રહેવા દેતા નથી. સાંસ્કૃતિક અને સામાજિક પરિબળો વિશે એઓ એકની એક વાતનો શુકપાઠ કર્યા કરતા હોય છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘૂસી ગયેલી આ સાહિત્યવિરોધી ‘પાંચમી કતાર’નો આપણે સામનો કરવાનો રહેશે. આ વર્ગ એમની શ્રદ્ધા આ કે તે એક ‘વિદ્વાન’ વ્યક્તિમાં સ્થાપે છે. એને ‘મેથડોલોજી’ કે એવી તેવી આળપંપાળ સાથે કશો સમ્બન્ધ હોતો નથી. કૃતિઓના જડ ‘categorization’ને એઓ વળગી રહે છે. આ વર્ગની પ્રવૃત્તિ એટલી તો ઉઘાડી છે કે એના પર ઝાઝો પ્રકાશ નાખવાની જરૂર નથી. આને કારણે સાહિત્યની આબોહવામાં બંધિયારપણું આવી જાય છે. આપણને conservatizing inertiaનો ભાર વર્તાય છે. આથી જ સાહિત્યના વિષયમાં વિદ્યાર્થીઓની સંખ્યા ક્રમશ: ઘટતી જાય છે. જેઓ માનવવિદ્યાનાં બીજાં ક્ષેત્રોની સૂક્ષ્મ વિભાવનાઓની મીમાંસાને સમજવાનું ગજું ધરાવતા નથી તેઓ જ મોટે ભાગે સાહિત્યને અભ્યાસવિષય તરીકે પસંદ કરતા હોય છે. અનુસ્નાતક સંશોધન માટેના વિષયોની યાદી જોતાં પણ પ્રતીતિથશે કે જૂની ગુજરાતીની અપ્રસિદ્ધ કૃતિઓની ‘સમીક્ષિત વાચના’ કે આ કે તે ‘સાહિત્યસ્વામીનાં જીવન અને કવન’ વિશે કે સર્જક કે ચિન્તક તરીકે જેમનું ખાસ અર્પણ ન હોવાથી થોડા ગૌણ પ્રશ્નોની છીછરી ચર્ચા કરવાની જેઓ અનુકૂળતા કરી આપતા હોય છે. આવાં વલણોને હજી વિદ્યાસ્થાનોમાં ઉત્તેજન મળતું રહે છે. એને કારણે આપણી કહેવાતી ‘સાક્ષરતા’ અને ‘વ્યુત્પત્તિમત્તા’વધુ ને વધુ પોકળ બનતી જાય છે. આ ઉદ્યમને અન્તે અપાતાં પ્રમાણપત્રોનો વર્ગ બહાર કશો પ્રભાવ સ્વીકારાતો નથી. હમણાં હમણાં તો ‘શોધ નિબન્ધ’ને નામે અનુવાદપ્રવૃત્તિ અને ચૌર્યવૃત્તિને પણ નિર્લજ્જપણે અધિકૃતતા બક્ષવાનું પણ જોવામાં આવ્યું છે. હિન્દી વિશે કહેવાય છે કે દર દશમાંના નવ જણ પીએચ.ડી. હોવાના જ, તેવું હવે આપણે વિશે કહેવાશે.

કૃતિનિષ્ઠ વિવેચનમાં પણ હંમેશાં રસાનુભવને જ પ્રાધાન્ય મળે છે એવું નથી. કેટલીક વાર ગૌણ ઝીણી વીગતોનું કૈશિકી પૃથક્કરણ ભારે ખંતથી કરવામાં આવતું દેખાય છે, જ્યારે કૃતિ પ્રત્યે કશાં પહેલેથી સ્વીકારેલાં ગૃહીતોથી મનને નિયન્ત્રિત કરીને જતા નથી ત્યારે કૃતિ સાથેનો એ અવ્યવહિત મુક્ત સમ્પર્ક આપણને રસકીય તેમ જ બૌદ્ધિક દૃષ્ટિએ ઉત્તેજિત કરે છે એવો સુખદ અનુભવ થાય છે. આ અનુભવ જ ઘણાને સાહિત્ય તરફ અભિમુખ કરનારો નીવડે છે. જેમને ભાષા સાથે જીવન્ત સમ્પર્ક નથી, જેમને ભાષાની વ્યંજનાસમૃદ્ધિ રોમાંચક નથી લાગતી તેઓ જ મોટે ભાગે બીજી આનુષંગિક વીગતોનું કૂથણું કૂટતા હોય છે. કૃતિ અનુભવના નવા મર્મને પ્રકટ કરે છે. એ મર્મનું આકલન કરવામાં હૃદય તેમ જ બુદ્ધિની યુગપદ્ પ્રવૃત્તિ ચાલતી હોય છે. કૃતિને કેવળ વિવેચકને અભિમત એવા પૂર્વગ્રહોને મૂલ્ય રૂપે સ્વીકાર્યા નથી હોતા તો,એ કૃતિના આવા અભ્યાસ પ્રત્યે  આપણે ઉદાસીન રહીએ અને એને પરિણામે કૃતિથી જ પરાઙ્મુખ બની જઈએ એવું પણ બને. ઘણા સમાજવિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ અને સંસ્કૃતિનાં અર્થઘટન કરનારાઓ સાહિત્ય કેવળ લાગણીઓને પંપાળે છે, બુદ્ધિ પર શબ્દની માયાજાળ  રચીને ભૂરકી નાખે છે. સુખદ ભ્રાન્તિ રચીને એથી આપણને વિવશ કરી મૂકે છે એવું, બેજવાબદારપણે માનતા હોય છે. એ વિદ્વાનો ભૂલી જાય છે કે સાહિત્ય પણ cognitive mysteries અનેaffective intensitiesનો યુગપદ્ અનુભવ કરાવવાની શક્તિ ધરાવે છે. સાહિત્ય એ શોધ છે, એથી પણ ‘યુરેકા યુરેકા’નો ઉદ્ગાર ઉદ્ભવતો હોય છે. ખેદની વાત એ છે કે સાહિત્યના જડભરત અધ્યાપકો જ વિદ્યાર્થીને આ આનન્દભૂમિમાં પ્રવેશતાં અટકાવે છે,અસ્થિશુષ્ક ઊહાપોહમાં એને ગૂંચવી મારે છે.

મર્યાદિત ક્ષેત્રની અમુક ઝીણી વિગતો પરત્વે મેળવેલી દક્ષતાવાળો અધ્યાપકોનો વર્ગ પણ્ડિતયુગમાં આદરપાત્ર ગણાતો હતો. આજેય આપણી વચ્ચે એવા લોકો છે જેરમને તમે પણ્ડિતયુગની વાસી હવામાંથી બહાર કાઢો તો એમનો શ્વાસ રૂંધાવા લાગે છે. પણ્ડિતયુગની આત્મસાત્ કરવા જેવી સિદ્ધિઓને ફરીથી મૂલવીને આપણી સાહિત્યિક ચેતનાને સમૃદ્ધ બનાવવામાં કામે લગાડવી જોઈએ. પૂજનઅર્ચન માત્રથી એ કાર્ય સમ્પન્ન થઈ શકે નહિ. પણ્ડિતયુગની એ સિદ્ધિમર્યાદાનો સંશોધકબુદ્ધિથી તપાસનાર આજે તો hereticમાં ખપે છે!

આપણા પ્રાચીન આલંકારિકોની શાસ્ત્રીયતા આપણી પાસે નથી. મમ્મટની અલંકારચર્ચા over-categorizationની વૃત્તિનો ભોગ બની છે ખરી, છતાં એણે ઉપજાવેલી વ્યવસ્થા આદર ઉપજાવે એવી છે. આજે કૃતક શાસ્ત્રીયતાના આગ્રહીઓની જોહુકમી ચાલે છે, જોકે એવી positive scholarship આપણે ત્યાં ઓછી છે. અંગ્રેજ કવિ બાયરને કહેલું, ‘Every poet is his own Aristotle’ તે વધારે સાચું છે. શાસ્ત્ર નિયમો સ્થાપી આપે છે. સાહિત્યિક વિવેચનનાં ગૃહીતોને તો સમર્થ કૃતિઓ હંમેશાં પડકારતી રહી છે. નિયમજડતાને વળગી રહીને ઘણા અસહિષ્ણુ બની જાય છે. એઓ કહી દે છે, ‘આમાં વાર્તા જેવું શું છે?’ ‘આને નવલકથા કહેવાનું કંઈ કારણ?’ ખેદની વાત એ છે કે નવી પેઢીના પણ કેટલાક અધ્યાપકોએ આ વલણનો વારસો લીધો છે. આથી જ તો આજે ઘણી શિક્ષણસંસ્થાના સાહિત્યવિભાગો ધંધો ન ચાલવાને કારણે બંધ થઈ જતી દુકાનો જેવા છે.

વિદ્યાપીઠોમાં તો આજે પણ વિદ્યાર્થીને મન સાહિત્ય એટલે આ કવિતા, આ વાર્તા કે નાટક નથી, પણ એને નિમિત્તે ઊભી થયેલી અધ્યાપકીય વિવેચનાનાં પરિણામ રૂપ થોડાં થોથાં જ છે. માન્ય વ્યક્તિઓના અભિપ્રાયોને, પૂર્વગ્રહોને પવિત્ર માનીને એની બાજુ સાહિત્યિક સામ્પ્રદાયિકતા ઊભી કરવાના પ્રયત્નો થતા જ રહે છે. સાહિત્ય કરતાં સાહિત્યને નિમિત્ત બનાવીને ફાલતાં પ્રતિષ્ઠાનો અને સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

આ વલણનો વિરોધ થયો નથી એવું નથી, પણ એ વિરોધની પ્રવૃત્તિ પણ આ કે તે જૂથ દ્વારા અસાહિત્યિક આશયોથી, રોમેન્ટિક ઉદ્રેકથી કે રાજકારણી અભિનિવેશથી થયેલી જોવામાં આવે છે. સાહિત્યને નિમિત્તે અહીં પણ કેટલાક યૌવનસહજ ઉદ્રેકોને પ્રકટ કરવામાં આવ્યા હોય એવું લાગે છે. વચમાં વિદ્રોહના નાટકીય આવિષ્કારોનો, ફતવાઓનો, ખરીતાઓનો, સ્થાપિતના ઉન્મૂલનનો ગાળો આવી ગયો. એની પાછળ કશું, ગમ્ભીર પર્યેષણાના પરિણામ રૂપ, દાર્શનિક પીઠબળ હોત, સાહિત્ય માટેની સાચી નિષ્ઠા હોત તો આવાં આન્દોલનોમાંથી કશુંક સંગીન નીપજી આવ્યું હોત. આ ઉદ્રેકનાં થોડાંક ઇષ્ટ પરિણામો નથી આવ્યાં એમ નથી. પણ એ આકસ્મિક આવેલો ઊભરો હતો, એની સાથે થોડુંક મલિન પણ ઉપર તરી આવ્યું. એ આન્દોલન, એનાં સાહિત્યિક પરિણામો, એથી મૂલ્યબોધમાં આવેલું પરિવર્તન, એની ફલશ્રુતિ – આ વિશે તલાવગાહી અભ્યાસ થયો નથી. પંડિતયુગની અભ્યાસનિષ્ઠાની ઠેકડી ઉડાવવાનું સહેલું છે, પણ એને સ્થાને બીજું કશું સંગીન સ્થાપી નહિ શકાય તો એ છમકલું અલ્પજીવી જ નીવડે તે દેખીતું છે.

આપણે ત્યાં વચમાં formalismનો પ્રભાવ વિસ્તરશે એવો ભય દેખાતો હતો. એવું કશું વ્યવસ્થિત આક્રમણ આપણી સ્થિતસ્ય સમર્થનમ્ની નીતિ પર થયું નહોતું છતાં કેટલાક ડોન કિહોટે અને સાન્કો પાઝા એની સામે ઝૂઝવાના ‘સાત્ત્વિક ઉત્સાહ’થી મેદાને પડ્યા હતા. સંસ્કૃતની કાવ્યમીમાંસા તો વાસ્તવમાં કૃતિનિષ્ઠ અને રૂપવાદી જ છે. એનો વારસો મેળવનારા એનાથી કેમ આટલા ગભરાઈ ઊઠ્યા તે હજી સમજવું બાકી છે. જે લોકો રૂપરચનાવાદનો વિરોધ કરતા હતા તેમને મન જીવન કોઈ વિરાટ વસ્તુ હતી, સાહિત્ય તો એને વ્યાપી લઈ નહિ શકે, સાહિત્ય  તો એની આગળ વામણું જ લાગે. એઓ ભૂલી ગયા કે જીવનની આ વિરાટતાનો અનુભવ એને રૂપ આપનાર સમર્થ સર્જક જ કરાવી  શકે. આ લોકો વ્યંજનાની સન્દિગ્ધતાને અમુક પરિચિત રેઢિયાળ સૂત્રોમાં તારવી લેવાનું વલણ ધરાવતા હતા એવું લાગે છે. જીવનની વિરાટતાની વાત કરનારા આખરે તો જીવન વિશેની અમુક સંકુચિત પ્રકારની માન્યતાથી જ કામ ચલાવતા હતા. જીવનના શુભઅશુભ ભવ્યકરુણ અંશોને પોતાના વ્યાપમાં લેવાને એઓ ઉત્સુક નહોતા. જીવન વિશેની બીજી પ્રભાવક અને કેટલાંક પાયાનાં ગૃહીતોને પડકારતી વિચારણાથી એઓ બચીને ચાલવા માગતા હતા. આથી સંરક્ષણવૃત્તિ જ એમનામાં પ્રધાનપણે દેખાતી હતી.

રૂપરચનાનાં અમુક ગૃહીતો સ્વીકાર્ય છે, અમુક ચિન્ત્ય છે. હવે તો એ એક જીર્ણશીર્ણ થઈ ગયેલું આન્દોલન છે. એક વિવેચકે કહ્યું છે તેમ એ સિંહ છે, પણ દાંત વગરનો. એણેય જાણે આગલી પેઢી સાથે કેટલાંક સમાધાનો કરી લીધાં છે. એ પેઢીનાં કેટલાંક ગૃહીતો એને સ્વીકાર્ય તો લાગ્યાં જ હતાં. હજી આપણે ત્યાં તો રૂપરચનાવાદની વ્યવસ્થિત માંડણી થવી બાકી છે. રૂપરચનાવાદ વિશે એક વાત તો કહેવી જોઈએ કે એણે સાહિત્યને કેન્દ્રસ્થાને સ્થાપ્યું, પરિષ્કૃત રુચિવાળા સહૃદયોના એ કૃતિઓ પરત્વેના સાહિત્યિક સજ્જતાપૂર્વક પ્રગટ કરવામાં આવેલા પ્રતિભાવોને એણે મહત્ત્વના લેખ્યા. આમ છતાં એ સંસ્કારગ્રહણને ઝાઝું મહત્ત્વ આપનાર ‘ઇમ્પ્રેનિસ્ટ’ આન્દોલન નહોતું. કૃતિને એક અખંડ પુદ્ગલ તરીકે જોવી, કૃતિ વિશેના કર્તાના આશયોથી દોરવાઈ ન જવું, વિચારોના અન્વયને બદલે કૃતિમાં કલ્પનો, પ્રતીકોના અન્વયને મહત્ત્વ આપવું, પ્રતીકોનું વિભાવનામાં રૂપાન્તર કરીને કૃતિને સમજાવવાનો પ્રયત્ન ન કરવો – આવા કેટલાક તેના આગ્રહો હતા. એનો અતિરેક નવાં અનિષ્ટો ઊભાં કરે તે દેખીતું છે. આ આન્દોલનના પુરસ્કર્તાઓને સિદ્ધાન્તોની અમૂર્ત ચર્ચામાં ઝાઝો રસ નહોતો. ‘અન્ડરસ્ટેન્ડીંગ પોએટ્રી’ કે ‘અન્ડરસ્ટેન્ડીંગ ફિક્શન’ જેવા ગ્રન્થોમાં કૃતિઓને સામે રાખીને એના આસ્વાદની પ્રક્રિયામાંથી જ સિદ્ધાન્તોને પ્રતિફલિત થવા દીધા છે.

એતદ્ : સપ્ટેમ્બર, 1983

License

Share This Book