38 ટૂંકી વાર્તાનું વિવેચન

હમણાં હમણાં ઘણું ખરું એવી ફરિયાદ સાંભળવામાં આવે છે કે આપણું વિવેચન સર્જનાત્મક સાહિત્યની પ્રગતિ જોડે કદમ મિલાવીને ચાલી શકતું નથી. આ ફરિયાદમાં તથ્ય છે – ખાસ કરીને ટૂંકી વાર્તાના વિવેચન પરત્વે તો આ ફરિયાદ સાચી છે. છેલ્લા દોઢેક દાયકાથી ટૂંકી વાર્તાનો સારો એવો વિકાસ થયો છે એવું કહેવાતું સાંભળીએ છીએ, તો સૌથી વિશેષ કચરો પણ ટૂંકી વાર્તાને નામે જ ઠલવાતો જોવામાં આવે છે. દરેક નવો વાર્તાલેખક કશુંક અસાધારણ કર્યાની મુદ્રા સાથે સાહિત્યમાં પ્રવેશે છે, વાર્તા-માસિકો ઘણાં પ્રગટ થતાં જાય છે. એટલે વાર્તાની માગ પણ વધી છે. આથી આજે લખેલી વાર્તા બીજે દિવસે તો છપાઈને ‘પ્રસિદ્ધ’ થઈ જાય છે. ઘણાં સામયિકો તો સાથે લેખકનો ફોટો પણ છાપે છે.

એ એક સ્વીકારવી પડે  એવી હકીકત છે કે આપણા પ્રખ્યાત વિવેચકોના બહુ થોડાએ ટૂંકી વાર્તાની ચર્ચા કરી છે. કાવ્યની ચર્ચા, કાવ્યશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાન્તોની ચર્ચા, થતી રહે છે, પણ ટૂંકી વાર્તાની આવી ચર્ચા થતી દેખાતી નથી. ટૂંકી વાર્તા વિશેની વ્યાખ્યાઓ જ જુઓને?બધી ચર્ચા બહુ જ અપૂરતી લાગે છે. ચાર પાનાંની ટૂંકી વાર્તા કેટલીક વાર સાચા અર્થમાં ટૂંકી વાર્તા હોતી નથી પણ નવલકથાના ટૂંક સાર જેવી હોય છે. તો એંશી-નેવું પાનાંની લાંબી વાર્તા સાચા અર્થમાં ટૂંકી વાર્તા હોઈ શકે એવું બને. એક સ્વરૂપ તરીકેનું એનું વ્યાવર્તક તત્ત્વ શું?

ખરું જોતાં,નવલકથા અને નાટકને બાદ કરીએ તો, ગદ્યસાહિત્યનું વિવેચન કરવાનું આપણને બહુ ફાવ્યું નથી. નર્મદ-નંદશંકરના જમાનાથી વિકસતા આવેલા ગદ્યની સમૃદ્ધિ તપાસવાનું હજી સુધી હાથ ધરાયું નથી. ગદ્યપ્રકારોમાં એ દ્વારા નિરૂપાતાં વસ્તુ તરફ જ આપણું મોટા ભાગે ધ્યાન ગયું છે. સારું ગદ્ય પણ જેમાં કવિતા આવતી હોય તે, એવી માન્યતા પ્રવર્તે છે. કાવ્યમય ગદ્ય તે અલંકૃત ગદ્ય એવી પણ એક છાપ છે. આથી સન્દર્ભથી છૂટું પાડીને એવા ગદ્યનાં દૃષ્ટાન્તો વિવેચકો રજૂ કરે છે. ચેહોફે એક પ્રસંગે કહ્યું છે કે જો મારે રોમેન્ટિક ઉદ્રેકની મશ્કરી કરવી હોય તો પાનાંનાં પાનાં ભરી ચાંદની ને એના માદક વાતાવરણની વાત કરું, પણ એવું કશું પ્રયોજન નહિ હોય તો મને આકાશ તરફ જોવાની પણ ફુરસદ પણ નહિ હોય. ત્યારે તૂટેલી શીશીના કાચમાં દેખાતા ચન્દ્રના પ્રતિબિમ્બથી હું ચલાવી લઉં. સન્દર્ભનિરપેક્ષ કોઈ ગદ્યખણ્ડની ચર્ચા હોઈ ન શકે.

ટૂંકી વાર્તાની લઘુતાને આપણે શી રીતે સમજીશું?આપણી જિંદગીના એક દિવસમાં કાંઈ કેટલાય બનાવો બને છે. એમાંના બધા જ એકસરખા અર્થસૂચક નથી હોતા. એમાંનો એકાદ બનાવ એવો હોય છે જે આપણને એ આખા દિવસની ઘટનાઓના કેન્દ્રબિન્દુ જેવો લાગે છે. એ એક ધોરણરૂપ બની રહે છે. કયા બનાવ કેટલા મહત્ત્વના તે એને આધારે નક્કી થઈ જાય છે. એ અન્ય ઘટનાઓનો વ્યંજક બની રહે એટલી એમાં ક્ષમતા હોવી જોઈએ. ટૂંકી વાર્તાનો લેખક સ્વેચ્છાએ આ પડકાર ઝીલી લે છે: ખણ્ડ દ્વારા સમગ્રને વ્યંજિત કરવું. આથી એની સામગ્રીની પસંદગી, એ પરત્વેનો હાનોપાદાનનો વિવેક – એના પર ઘણો બધો આધાર રહે છે. વાર્તામાં સાવ અનિવાર્ય થઈ પડે એવી વિગતને જ એણે સ્થાન આપ્યું હોવું જોઈએ. આવી વિગતનું વાર્તામાં જે રીતે એ રાસાયણિક રૂપાન્તર કરી શકે તેના પર બધો આધાર રહે છે. કળા દૃષ્ટિએ ઉત્કૃષ્ટતા લાવવી હોય તો આ મુદ્દાની ઉપેક્ષા કરવી ન પાલવે. એક રીતે કહીએ તો ટૂંકી વાર્તાનું લેખન તે ડૂબતા વહાણમાં મુસાફરી કરવા બરાબર છે. કાંઠા સુધી સહીસલામત પહોંચવા માટે જેટલું ફેંકી દેવાથી ચાલતું હોય તેટલું ફેંકી દેવું જોઈએ, નહિ તો વધુ પડતા ભારથી વાર્તા તળિયે બેસી જાય. ફ્રેન્ચ શિલ્પી રોદાં કહેતો કે હું જ્યારે કોઈ શિલાખંડ જોઉં છું ત્યારે એની આજુબાજુનો વધારાનો ભાગ જે શિલ્પને ઢાંકી દે છે તે નજરે પડે છે. ને પછીથી છીણી લઈને એ વધારાના ભાગને દૂર કરું છું. ટૂંકી વાર્તાના શિલ્પવિધાનમાં પણ આ વધારાના બિનજરૂરી ભાગને દૂર કરવાની સૂઝ વાર્તાકારમાં હોવી જોઈએ.

આથી જ પાત્ર,વાતાવરણ કે ઘટનાનાં વર્ણન આપવામાં વાર્તાકાર લંબાણ કરી શકે નહિ. એક રેખામાત્રથી જ જો બધું ઉપસાવી આપી શકાતું હોય તો બીજી રેખા લેખકે ઉમેરવાની રહેતી નથી. પાત્ર વિશેની વિગતો પણ એનું જીવનચરિત્ર આલેખતા હોઈએ એવી રીતે નહિ, પણ એના જે લાક્ષણિક અંશને આધારે વાર્તા રચાવાની છે તેનું જ સૂચન કરીને લેખકે સન્તોષ માનવો જોઈએ. પાત્ર અને એની દ્વારા થતા કાર્યના સમ્બન્ધની કડી પણ એવી રીતે જોડવી જોઈએ જેથી એટલા ખંડ દ્વારા ઘણુંખરું વ્યંજિત થઈ શકે. સમયનો પણ મોટો ખંડ એમાં આવી શકે નહિ. વાર્તા જો સમયના લાંબા પટ પર પ્રસરેલી હોય તો એમાં વિક્ષિપ્તતા આવી જાય છે. ઘટનાને માટે અનિવાર્ય એટલો જ સમય એમાં હોય ને છતાં એ ક્ષણના ગર્ભમાં ઘણી સમ્ભવિતતાઓનું સૂચન થતું હોય.

આ દૃષ્ટિએ ઘટનાનું એક focal point લેખકે શોધી કાઢ્યું હોવું જોઈએ, જ્યાં ઊભા રહીને એ સમગ્રતાનું દર્શન કરાવી શકે. શાહજહાંને જે કિલ્લામાં કેદ પૂર્યો હતો એ કિલ્લાની દીવાલના કાણામાંથી એ આખો તાજમહાલ જોઈ શકતા હતો. વાર્તાકારને પોતે નિરૂપવા ધારે છે તે ઘટના પરત્વેનું આવું focal point લાધવું જોઈએ.

વધારે ગૂંચ ઊભી કર્યા વિના કહીએ તો ટૂંકી વાર્તા આપણા ધ્યાનના એક એકમમાં આપણા પર એક સળંગસૂત્ર છાપ મૂકી જાય એવી હોવી જોઈએ. આ છાપ સળંગસૂત્ર હોવી જોઈએ એના પર ભાર મૂકવાનો છે. અલ્પ સામગ્રીમાંથી ઘણુંબધું નિપજાવી આપવા માટે સર્જકે શું કરવું જોઈએ?વિવેચક કોઈ વાર્તાની સિદ્ધિમર્યાદા તપાસે તો શેને આધારે?અહીં ટેકનિકનો મુદ્દો ઊભો થાય છે. સર્જક જે શોધે છે તે વાર્તા લખવી શરૂ થઈ તે પહેલાં શોધાઈ ચૂક્યું હોય તો વાર્તા લખવાની જરૂર નથી. એની શોધ રચના દ્વારા થાય છે. આથી દરેક વાર્તામાં જો શોધ નવી હોય તો એને માટેની ટેકનિક પણ નવી હોવી ઘટે. આ દૃષ્ટિએ જોઈએ તો આપણા વિવેચનમાં ટેકનિકનું મહત્ત્વ બહુ ઓછું અંકાયું છે. વાર્તાકારની રચનાપદ્ધતિ વાર્તામાં કારગત નીવડી કે નહિ તે તપાસવાને બદલે મોટે ભાગે વાર્તાના કથયિતવ્ય વિશે જ ઝાઝું કહેવામાં આવતું હોય છે. આને કારણે વાસ્તવિકતા, પ્રતીતિકરતા, ‘સાચકલી’ વાર્તા વગેરે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવે છે. વાર્તામાં વાર્તાકાર જે આલેખે છે તે એણે રચેલી સૃષ્ટિમાં અવશ્યંભાવી લાગે એ રીતે નિરૂપ્યું હોવું જોઈએ. આથી બીજા પ્રકારની પ્રતીતિકરતા વાર્તાકારે ઉપજાવવાની રહેતી નથી. કપોલકલ્પિત પણ આપણા આસ્વાદની સામગ્રી છે. આવી કશી પ્રતીતિકરતાને નામે એનો કાંકરો કાઢી શકાય નહિ. રચનાનાં ઘટકોના સમ્બન્ધ પરત્વે સ્થાપી શકાયેલી અનિવાર્યતા એ જ વાર્તાનું સત્ય છે. એને આ સિવાયના બીજા સત્ય જોડે નિસ્બત નથી.

ઘટનાના નિરૂપણ વિશે હમણાં હમણાં કેટલીક ચર્ચાઓ ચાલે છે. ઘટના જીવનમાં ખરેખર બની હોય તેને આધારે વાર્તા લખાય કે લેખક ઘટના કલ્પી લે એ મહત્ત્વની વસ્તુ નથી. ઘટનાને આ રીતે સ્વીકાર્યા પછી વાર્તામાં એનું શું થાય છે તે જોવું મહત્ત્વનું છે. કેટલાકે વાતને વધુ હાસ્યાસ્પદ બનાવવા માટે અન્તિમે જઈને કહ્યું કે વાર્તાતત્ત્વનો લોપ સમ્ભવે ખરો?વાર્તા વાર્તા રહે એટલા પૂરતું જરૂરી વાર્તાતત્ત્વ તો રહ્યું જ હોવું જોઈએ. ઘટના જ મુખ્ય આધાર છે એમ માનીને ઘટનાના રોમાંચકપણા પર કે એવા કશા તત્ત્વ પર જો વધારે પડતો આધાર રાખવામાં આવે તો જોઈએ તે કરતાં વધારે વજનની સ્થૂળ સ્વરૂપની ઘટનાઓ વાર્તામાં સ્વીકારાય, તેટલે અંશે નિરૂપણમાં ઘટના પર જ મદાર બાંધવામાં આવે, સૂક્ષ્મતા કે કળાને ઓછો અવકાશ રહે. આથી ઘટનાને નિમિત્ત જ લેખવાની છે. એનો અર્થ એ નહિ કે પાત્રોની આન્તરચેતનાના પ્રવાહનું તન્તોતન્ત વર્ણન આવશ્યક બની રહે છે, કે એ થતું હોય તો જ વાર્તા ઊંચી કોટિની બને. જે વ્યંજકતા વાર્તાએ સિદ્ધ કરવાની છે તે વાર્તાકારનું લક્ષ્ય છે. આ લક્ષ્ય વધુ સફળતાપૂર્વક જેથી સિદ્ધ થઈ શકે તે સાચી ટેકનિક. ઘટનાની સ્થૂળતા વ્યંજકતાની મર્યાદા બની રહે એવું ન બનવું જોઈએ. આથી ઘટનાનો બને તેટલો હ્રાસ થવો જોઈએ. ઘટના કાચી સામગ્રી છે. એના પર સંસ્કાર થાય પછી જ એ કળાને માટે ઉપાદેય બને છે. ઘટનાના હ્રાસ દ્વારા જે રહેવાનું છે તે આ જ.

આથી જ ઘટનાના પ્રતીકાત્મક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો. એનો અર્થ એવો પણ નથી કે દરેક વાર્તા પ્રતીકાત્મક હોવી જોઈએ. ઘટના પોતે focal point બનીને સમ્ભવિતતાની ત્રિજ્યાઓ વિસ્તારી શકતી હોવી જોઈએ એટલું જ કહેવાનો આશય છે. જો પ્રતીકરચના દ્વારા એ સિદ્ધ થતું હોય તો પ્રતીકનો ઉપયોગ અનિવાર્ય લેખાય. ઘટના તો છાપામાં પણ આવે છે, પણ આપણા પર એવી કશી સળંગસૂત્ર છાપ મૂકી જતી નથી. પ્રતીકરચનાની પીઠિકા વાર્તામાં સ્થાપી શકાઈ હોવી જોઈએ. વળી પ્રતીકને પરાણે અર્થઘટન કરીને બેસાડવું પડે એવું પણ ન બનવું જોઈએ. ઘણી વાર પ્રતીક યાન્ત્રિક સમીકરણના સ્વરૂપનું બની રહે છે કે પછી રૂપકગ્રન્થિ ગોઠવી હોય એવું લાગે છે. એવી પ્રતીકયોજનામાં નૈપુણ્ય કે ચાતુરી દેખાય, પણ વાર્તામાં કલાતત્ત્વ સાથે એ સમરસ બની શકે નહિ.

વાર્તા ગદ્યમાં લખાય છે. ગદ્ય માત્ર વાહન નથી, એ માધ્યમ છે, ને એની માધ્યમ લેખેની શક્યતા વાતાકારે સિદ્ધ કરી છે કે નહિ એ પણ તપાસવાનું રહે છે. વાર્તામાં – એક જ વાર્તામાં ગદ્યનાં ઘણાં પોત પ્રકટ કરવાની અનિવાર્યતા ઊભી થઈ હોય તો વાર્તાકાર એક જ પ્રકારની શૈલીથી વાર્તા રચે તે ઉપકારક નીવડે નહિ. ટૂંકી વાર્તામાં સૌથી ઉપેક્ષિત તત્ત્વ હોય તો તે ગદ્ય. એની શક્યતાઓ હજી પ્રકટ થતી આવતી નથી. લોકબોલીનો ઉપયોગ, કવિતાભાસી ગદ્ય – આટલા પર જ આપણી નજર ગઈ છે. પણ કથાસન્દર્ભ તથા વાતાવરણને જે textureની અપેક્ષા રહે તે પ્રમાણે ગદ્યમાં લવચીકપણું લાવવાની ક્ષમતા હજી ઝાઝી પ્રકટ થતી નથી. ઘણુંખરું વાર્તાકારનો પોતાનો અવાજ જ એમાં સંભળાયા કરતો હોય છે.

સ્થળ-સમયનો સન્નિવેશ અને વાતાવરણ – આ પણ નવલકથાની રીતે ટૂંકી વાર્તામાં નિરૂપી શકાય નહિ. એનું સૂચન હોય ને છતાં આ સન્નિવેશ કે આ વાતાવરણમાં જ અમુક સંભવી શકે એવી અનિવાર્યતા તો વાર્તાકારે પણ ઉપજાવવાની રહે જ છે. આ બધાંનો રચનાકૌશલમાં સમાવેશ થાય. હજી આ દિશામાં ટૂંકી વાર્તાનું વિવેચન થયું નથી. આથી જ આ અરાજકતાના ગાળામાં ટૂંકી વાર્તાને નામે જે અનેક પ્રકારની રચનાઓ થઈ રહી છે તેનો વિવેક કરી આપવાનું હજી સુધી બની શક્યું નથી.

સાહિત્યવિષયક વ્યાખ્યાનો(ગુ.યુ.પ્રકાશન, 1973)

License

Share This Book