16 સાહિત્યિક વિવેચન

સાહિત્યિક વિવેચનને નામે થતી સર્વ પ્રવૃત્તિમાં થોડે ઘણે અંશે તારવણી અને પસંદગીની પ્રક્રિયા તો ચાલતી જ હોય છે. પછી એ પ્રવૃત્તિ અર્થઘટનની હોય કે મૂલ્યાંકનની હોય. આપણે એક કાવ્યનું વિવેચન કરતા હોઈએ છીએ ત્યારે કાવ્યમાંની અમુક વિગતોને આલોચના માટે જુદી તારવીએ છીએ અને એ સિવાયની બીજી વીગતો પર ઝાઝું ધ્યાન આપતા નથી. વળી વિવેચનની પ્રવૃત્તિમાં ભાષાન્તરનું તત્ત્વ પણ રહેવાનું જ. કવિના શબ્દોને વિવેચક પોતાના શબ્દોમાં મૂકીને વાત કરવાનો. આ વિધાનોને સ્વીકારીએ તો એની અનિવાર્ય ઉપપત્તિ શી હોઈ શકે?આ વિધાનો પરત્વે ઝાઝો મતભેદ ન હોય, પણ એનાં જે સ્વાભાવિક પરિણામો આવે તે એટલાં સહેલાઈથી, કશા મતભેદ વિના, સ્વીકાર્ય ન બને.

કાવ્ય એ અત્યન્ત સંકુલ એવી શાબ્દિક રચના છે એ સ્વીકારીએ તો એમાં રહેલાં ઘટકો, એમની વચ્ચેના સમ્ભવિત અનેકવિધ સમ્બન્ધો –  આ સ્વીકારવાનું રહે. કાવ્યમાં રહેલો વિચાર(felt thought), કલ્પનો, લય, શબ્દાલંકાર તથા અર્થાલંકાર, એમાં રહેલું કથનતત્ત્વ અને એમાંથી ઊપસી આવતી અનેક તાકિર્ક ભાત – આ બધું એકી સાથે લક્ષમાં લેવાનું અશક્ય થઈ પડે. આમ છતાં આપણે તો કહેતા હોઈએ છીએ કે કાવ્ય તો એક અખણ્ડ પુદ્ગલ છે, એનો અંશોમાં વિચાર ન થઈ શકે,પણ વાસ્તવમાં ખરેખર શું શક્ય હોય છે?આ બધાં ઘટકો વચ્ચેના સમ્બન્ધોની અનેકવિધ શક્યતાને આપણે પૂરેપૂરી આપણી આલોચનામાં આવરી લઈ શકીએ નહિ તે દેખીતું છે. એક નાના નિબન્ધમાં કોઈ આ બધાં ઘટકોનો સમગ્રતયા વિચાર કરીને એ વિશે આલોચનાત્મક દૃષ્ટિએ કશું કહી શકે એ સૈદ્ધાન્તિક રીતે સમ્ભવિત લાગતું નથી. એક પછી એક ઘટકોને ગણાવતા જઈએ એ દરમ્યાન જ ધીમે ધીમે આપણે કાવ્યના અખણ્ડ પુદ્ગલના ખ્યાલથી દૂર ને દૂર જતા જઈએ, વળી કાવ્ય પરત્વે આપણે એટલાં તો જુદાં જુદાં વલણો અને વિભિન્ન રસો દાખવતા હોઈએ છીએ કે ઘડીક સન્તોષકારક અને સુનિશ્ચિત લાગતું વિવેચન બીજા વાચને આપણને અધૂરું લાગવા માંડે, કશીક પણ સંકુલ સમૃદ્ધિવાળી કોઈ કૃતિને આપણે વાંચતા હોઈએ એવો આપણને અનુભવ થાય છે. કાવ્ય પરત્વે અત્યન્ત સંવેદનપટુ નહિ હોય એવા વાચકો પણ એટલું તો જાણતા હોય છે કે જુદો જુદો અભિગમ ધરાવનારી વિવેચનાઓ, એ પરત્વેનાં નવીનતમ વલણો, કૃતિ વિશેના આપણા ખ્યાલને બદલી નાખે છે. એ ઉપરાંત રાજકારણમાં થતાં પરિવર્તનો, સામાજિક મૂલ્યોમાં થતાં પરિવર્તનો અને ખીલતી આવતી મનોવૈજ્ઞાનિક સૂઝને કારણે પણ કૃતિ વિશેના ખ્યાલો બદલાતા રહે છે. વળી વિવેચનમાં અનિવાર્ય થઈ પડતા કવિના શબ્દોના ભાષાન્તરને ટાળવું હોય તો કૃતિમાંથી સીધાં અવતરણો જ ઉતારવાનાં રહે. એ પણ કાવ્યના સમગ્ર અર્થથી વિચ્છિન્ન હોવાને કારણે કૃતિની સમગ્રતાને એક અંશ દ્વારા જ રજૂ કરવાનો ઊણો પ્રયત્ન કરીને અટકી જાય એમ બને.

આમ વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધિવાળી સંકુલ કાવ્યરચના જોડે વિવેચકને કામ પાડવાનું હોય છે: એમાંથી એ એકાદ ભાત સ્પષ્ટ ઊપસી આવતી જુએ તો તે જ કાવ્યનો સમગ્ર મર્મ છે એવું કહી દઈ શકાય નહિ. એટલા માત્રથી કાવ્ય વિશે એ જે નિર્ણય પર આવે તેને સમગ્ર કાવ્ય પરત્વેનો નિર્ણય ન કહી શકાય. આથી એ જે કહે તે તત્પૂરતું જ સાચું હોય છે, એ સર્વથા સ્વીકાર્ય જ બને એમ કહી શકાય નહિ. આટલું સ્વીકારીએ તો આપણે જુદી જુદી દિશામાં આગળ વધી શકીએ. ક્યાં તો આપણે ક્યારેય કાવ્ય વિશે કશું પૂરું સન્તોષકારક કહી શકીએ એ વિશે પૂરા સંશયવાદી બની જઈએ અથવા તો વિવેચનાત્મક અર્થઘટન સ્વભાવે કરીને જ અશ્રદ્ધેય હોય છે એવું સ્વીકારીને એને માત્ર વ્યક્તિગત રુચિના નિદર્શન રૂપ લેખીએ.  પણ આ અનેક કારણે સ્વીકાર્ય ન બની શકે. માનવમન શું કળામાં કે શું જીવનમાં વ્યવસ્થા સ્થાપવા ઇચ્છતું હોય છે; જીવનના અરાજકતાભર્યા સમૃદ્ધ અનુભવસંચયમાં વ્યવસ્થા ઉપજાવી આપે એવી કળાકાર પાસે એ અપેક્ષા રાખે છે. આથી આપણને મૂઝવી નાખનારી કળાકૃતિની વૈવિધ્યમય સમૃદ્ધિમાં પણ વ્યવસ્થા સ્થાપી આપવાનું એ વિવેચકને કહે તે સ્વાભાવિક છે. આ બધાં વચ્ચે સંગતિ સ્થાપી આપવાની કોઈ ભૂમિકા એની પાસે હોવી જોઈએ એવી અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ. કોઈ કૃતિની વિવેચના કશાક સંઘટનસૂત્રને આધારે ટકી રહે એવી બની છે કે કેમ તે આપણે જરૂર તપાસીએ. મૂળ કૃતિની સરખામણીમાં એ ચઢિયાતી છે કે ઊણી તે આપણી ચિન્તાનો વિષય નથી હોતો. બહુ તો આપણે કૃતિની આલોચનાને સાપેક્ષ દૃષ્ટિએ જોઈએ. એમાં મૂળ કૃતિ અને એના વિવેચનમાં અમુક પ્રકારનું સાદૃશ્ય અપેક્ષિત હોય છે. આ સમ્બન્ધમાં આપણી કવિતા વિશેની કોઠાસૂઝ શો ભાગ ભજવે છે તે પણ તપાસવું જોઈએ.

એક કાવ્ય જો આટલું સંકુલ હોય, એથી આટલા બધા પ્રશ્નો ઊભા થતા હોય, અને એ કારણે એનું નિશ્ચિત એવું એક અર્થઘટન કે મૂલ્યાંકન કરી શકાતું ન હોય તો આપણા હાથમાંથી સરી જતા એ છટકિયાળ તત્ત્વને નોખું પાડીને (જે તત્ત્વ બધાં જ કાવ્યોમાં  હોવાનું) એથી કે લાભ આપણને થતો હોય તે જતો ન કરવો પડે અને જે છટકિયાળ તત્ત્વને કારણે એ બીજાં કાવ્યોની અપેક્ષાએ વધુ કે ઓછું મૂલ્યવાન લાગે એવી પરિસ્થિતિ ઊભી કરવાનું ઝાઝું શક્ય બનતું નથી. એમ તો જીવન પણ કેટલી બધી અનિશ્ચિતતાઓથી ભરેલું છે! પીળો રંગ કોને કહેવાય તેની વૈજ્ઞાનિક પરિભાષામાં ઓળખ આપી શકાય, પણ ‘પીળો’ શબ્દ વાપરનાર બધાંના મનમાં એનો જે જુદો જુદો સંકેત શો હશે તેનો એ વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે નહિ. વિજ્ઞાન અમુક શબ્દને વાપરવાની રૂઢિનો નિર્ણય પણ કરી આપી શકે નહિ;એ પ્રકાશના અમુક કિરણને આ કે તે નામે ઓળખવું તે યોગ્ય છે કે કેમ તે વિશે એ કશું કહી નહિ શકે. આમ છતાં એક ભાષા બોલનારા ભાષકો આ બધું સમજી લેતા હોય છે; એમના ભાષાવ્યવહારમાં અર્થની ગૂંચ, સાધારણ રીતે, ઊભી થતી નથી. પીળો રંગ ક્યાં પૂરો થાય છે ને નારંગી રંગ ક્યાંથી  શરૂ થાય છે એ વિશે સન્દિગ્ધતા સંભવી શકે. આમ આવી સન્દિગ્ધતા ભાષાના બંધારણમાં જ રહી હોય, રંગની રચનામાં જ હોય તો વ્યવહારમાં એથી ચોકસાઈ પરત્વે ઝાઝી મુશ્કેલી ઊભી થતી નથી. સાહિત્યના અધ્યાપકો શબ્દોની અમુક પ્રકારની સંરચનાને કાવ્ય કહેવાને સંમત થતા હોય અને એવી સંરચનાનું અમુક મૂલ્ય કે અમુક અર્થ હોય એ પરત્વે એમની વચ્ચે સામાન્ય પ્રકારની સંમતિ હોય તો ભલે એની ચોક્કસ વ્યાખ્યા આપી નહિ શકાતી હોય,પણ એનો બોધ તો થતો જ હોય છે એમ માનવું રહ્યું. એના અનુવાદમાં પણ નિશ્ચિતતાનો દાવો ભલે નહિ કરી શકાય, તો પણ અમુક માત્રામાં એ મૂળના સત્યને આંબી શકે છે એવું કહી શકાય. વળી સાહિત્યના અધ્યાપકો અમુક કાવ્યોને લિરિક કહેવામાં અને અમુક કાવ્યોને કરુણાન્તિકા કહેવામાં સંમત થતા હોય તો એ પ્રકારના વર્ગીકરણથી અર્થ સરે છે એમ સ્વીકારવું રહ્યું.

આ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે સમજવાનો, સાદૃશ્યોની મદદથી, પ્રયત્ન કરીએ. સારું કહી શકાય એવા વિવેચનને આપણે નકશા જોડે સરખાવી શકીએ. એ મૂળ કાવ્યના મહત્ત્વનાં લક્ષણોને ચીંધી બતાવી શકે, ઓળખાવી શકે અને એ રીતે આપણે માટે માર્ગદર્શક બની શકે. નકશામાં જુદાં જુદાં સ્તર હોય છે, આ કે તે વસ્તુ ઉપર ઓછોવત્તો ભાર મૂકવામાં આવ્યો હોય છે. એ ભૂસ્તરની વિવિધતા બતાવે. રાજકીય દૃષ્ટિએ પડતા ભાગો બતાવે કે વસતિની ઘનતા બતાવે. પણ જો આ બધું એ એકી સાથે કરવા જાય,બહુ નાના કે બહુ મોટા વિસ્તારમાં કરવા જાય તો બધું કંઈક ગૂંચવાડાભર્યું બની જાય. વિવેચનનું પણ એવું જ છે. નકશામાં વળાંકને પણ સપાટ જ બતાવવામાં આવે છે.

વિવેચનમાં પણ આવાં કેટલાંક ગૃહીતો છે. પણ આથી ‘વિવેચનમાં તો આ બધું ચલાવી લેવાનું હોય.’ એવી સ્વીકૃતિથી આવતા ખોટા આશાવાદને ઝાઝો પોષવા જેવો નથી. વિવેચનમાં માત્ર કથાવસ્તુનો સાર જ નહિ આપવામાં આવ્યો હોય કે વિચારોનો સંક્ષેપ જ માત્ર આપવામાં આવ્યો નહિ હોય અને બીજું ઘણુંબધું તાક્યું હોય તો એ પ્રમાણ જાળવી શકે નહિ કે એને ગાણિતિક ચોકસાઈની કસોટી પર ચઢાવી શકાય નહિ. નકશામાં શું રજૂ કરવું તે વિશે ઝાઝી ચર્ચા કરવી એ વિશે એવી સંમતિ દેખાશે નહિ. બીજી સરખામણી આપણે તારાઓમાં જે આકાર કલ્પીએ છીએ એની સાથે કરી શકાય. આપણે મઘાનું દાતરડું, હરણ, વ્યાધ વગેરે આકારોથી તારાઓના અમુક જૂથને ઓળખાવતા હોઈએ છીએ. અહીં પણ આપણે અમુક તારાને અમુક બીજા તારા સાથે સાંકળવાની જે પસંદગી કરીએ છીએ તે પણ યદૃચ્છામૂલક જ હોય છે; એના પર જે પરિચિત આકારનું આરોપણ કરીએ છીએ તેને વિશે પણ એવું જ કહેવાનું રહે. આ ગ્રહનક્ષત્રો આકાશમાં જે રીતે ખરેખર સમ્બન્ધમાં છે તે સાથે એને કશી લેવાદેવા નથી. અમુક દૃષ્ટિકોણથી જોતાં જે આકાર ઉપસાવી આપતો સમ્બન્ધ દેખાય છે તેની જ આપણે વાત કરતા હોઈએ છીએ. આથી ‘આને મઘાનું દાતરડું જ શા માટે કહેવાય?’ કે ‘આને વ્યાધ કેમ કહેવો?’ એવી ચર્ચાનો ઝાઝો અર્થ રહેતો નથી. મોટા ભાગનું વિવેચન આ તારાના આકાર જોવાના પ્રકારનું હોય છે. પણ વિવેચકને આપણે, સહજસ્ફુરણાથી, જે સામગ્રી આમ તો અસમ્બદ્ધ નથી તેમાં સમ્બન્ધ સ્થપાતો જોઈ શકીએ છીએ. આ સમ્બન્ધ સ્થાપવા પાછળનો સિદ્ધાન્ત ચોક્કસ પરિભાષામાં કદાચ વર્ણવી નહિ શકાય. જો કોઈ વિવેચકને નર્યો ખોટો પુરવાર કરી શકાતો હોય તે વિવેચક તરીકે નહિ, પણ અભ્યાસી તરીકે. એણે કવિની ‘ભાષા’ના અમુક પાસાને સમજવામાં એ નિષ્ફળ ગયો હોય એમ બને. એ અર્થઘટનના અને મૂલ્યાંકનના ક્ષેત્રમાં પ્રવેશે પછી આવાં હકીકત પર આધાર રાખતાં ધોરણો ભાગ્યે જ લાગુ પાડી શકાય.

એતદ્  જુલાઇ, 1982

License

Share This Book