9 કેટલીક સંજ્ઞાઓ

આપણા વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ આવશ્યક છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનો શો સંકેત છે એનું અસન્દિગ્ધ સ્પષ્ટીકરણ વિવેચનક્ષેત્રમાં પ્રવર્તતી અરાજકતા ટાળવા જરૂરી છે. એ સંજ્ઞાઓના સંકેતોમાં સ્વાભાવિક વિશ્વાસ મૂકવા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાને એની તલાવગાહી ચર્ચાઓ ગૂજરાતનો પ્રથિતયશ વિવેચકવર્ગ કરે એ પર્વની પ્રતીક્ષા ક્યાં લગી કર્યા કરવાની?

ઊર્મિ:Emotionના પર્યાય લેખે જ આપણે સામાન્યત: ઊર્મિ શબ્દ યોજીએ છીએ. પરંતુ e-motionમાં જે motionનો ભાવ રહ્યો છે તેને આપણે ઉવેખતા નથી? emotion એટલે ઊર્મિ કહીને ચિત્તના અમુક પ્રકારના ઉદ્રેકને જ વર્ણવતા હોઈએ છીએ. ઊમિર્માં ઉત્તેજનાનો સંકેત તો હોય જ છે. એટલે જ આપણે જ્યારે કોઈને ઊમિર્લ કહીએ છીએ ત્યારે એના સ્વભાવનાં એ લક્ષણને આપણે પુરસ્કારતા નથી, નિન્દીએ છીએ. એટલે emotionમાંથી વ્યંજિત થતા સંકેત સાથે ઊમિર્ની આવી વ્યંજનાનો મેળ જામતો નથી. emotionનો પર્યાય, માટે જ,બદલવો જોઈએ. એ જ અર્થ બરાબર એવી રીતે વ્યક્ત કરે એવો એક શબ્દ છે: ‘આ-વેગ.’ પણ અરાજકતાની વેળામાં અનધિકારી અધિકારી બની બેસે છે ને અધિકારીને પદભ્રષ્ટ કરે છે. એવું જ કંઈક અહીં પણ બન્યું છે. આ-વેગ શબ્દ બીજા અર્થમાં રૂઢ થઈ ગયો. ભલે, પણ હવે રૂઢાર્થનાં બાઝેલાં જાળાંને ખંખેરી નાંખીને એને હવે એના સાચા અર્થમાં પ્રતિષ્ઠિત કરવો જોઈએ.

Emotionમાં ગતિનું સૂચન છે જ. આ-વેગમાં પણ ગતિનો નિર્દેશ તો છે જ. એ ગતિ કઈ?ઉત્તેજનાની, ચિત્તના અમુક વિષય સાથે સમ્પર્કમાં આવતાં દ્રવીભૂત થવાની ક્રિયાની?ના. આ બધાં આનુષંગિક પરિણામો હશે. મુખ્ય ગતિ તો જુદી જ છે. એ ગતિને સમજવાને માટે રસાનુભવની પ્રક્રિયાને જરા ઊંડે જઈને જોવી પડશે.

નિવર્તનાવસ્થામાં ચિત્તમાં રહેલા અનુભવોનું વિવર્તન અનિવાર્ય છે અને વિવર્તન એટલે જ બહાર આવવાની ગતિ – પૂર્ણ રૂપે વિકાસ પામવાની ગતિ. સ્થિતિ તો કેવળ પૂર્ણને જ પ્રાપ્ત છે. બાકીનું બધું ગતિશીલ છે. આપણને જ્યાં વસ્તુનો છેડો આવી ગયો લાગતો હોય ત્યાં તેની પૂર્ણતા આવી ગઈ એમ ન કહી શકાય. એ તો વિકાસની સૂઝનો અભાવ, વિકાસનાં સાધનોની મર્યાદા વગેરે કારણે નિરુદ્ધ થઈ ગયેલી ગતિ જ છે. આથી cessationના – વિરામ અને consummation – પૂર્ણતા એ બે શબ્દોનો ભેદ કળી શકાશે. હવે સ્પષ્ટ થાય છે કે ગતિની નિરુદ્ધિ એટલે પૂર્ણતા એ સમીકરણ ખોટું છે. વ્યવહારજગતમાં જ નહીં પણ સાધનાના ક્ષેત્રમાંય ઘણી વાર આ ગતિની નિરુદ્ધિ પૂર્ણતાને છદ્મવેશે આપણને નથી ઠગી જતી?

ત્યારે રસાનુભવમાં emotion દ્વારા જે ગતિનો નિર્દેશ થાય છે તે આ વિકાસાભિસારી ગતિનો જ. એ વિકાસાભિસારી ગતિનું સ્પન્દન જે રસાનુભવ ભાવકના ચિત્તમાં ન જગાડી શકે તે અનુભવ અવાસ્તવિક અને ખણ્ડિત. ગતિનું આ સ્પન્દન જ રસાનુભવને અખંડ બનાવે છે, એકતા અર્પે છે. કળામાં નિરૂપિત થતો કોઈ પણ અનુભવ એ આપણી વિકાસોન્મુખ ચેતનાનો અળગો પાડેલો એક વિશિષ્ટ ખંડ છે. એને આપણે જ્યારે અળગો પાડીએ ત્યારે વિકાસ તરફ વહેતા પ્રવાહની જે ગતિ છે તેના લયથી વંચિત્ કરીએ તો એ એનો બધો અર્થ જ ખોઈ બેસે છે. પ્રાણ વિનાના હાડપિંજર જેવો – fossilના જેવો જ થઈ રહે છે. ને એમાં આ-વેગ ન હોય તો સમસ્તનો એક છિન્ન ખણ્ડ બની રહેશે. આવેગને પામીને જ એ પૂર્ણતા સાથેનું પોતાનું અનુસન્ધાન ચાલુ રાખી શકે,ભાવકના ચિત્તમાં પણ એ અનુસન્ધાનને સ્થાપી આપી શકે. આ જ અર્થમાં કાવ્યમાં emotion આવશ્યક છે,કારણ કે એથી જ દરેક રસાનુભવ આત્યન્તિકી પૂર્ણતા ઇંગિતરૂપ બની રહે છે, એથી જ દરેક રસાનુભવ વિચ્છિન્ન ખણ્ડ જેવો ન લાગવાને બદલે અખણ્ડ અને એક લાગે છે.

આથી કાં તો ‘ઊર્મિ’ શબ્દમાં આપણે આ સાચા અર્થનું આરોપણ કરવું જોઈએ, અથવા emotionની પ્રતિકૃતિ જેવો ‘આ-વેગ’ શબ્દ આ અર્થમાં પ્રચલિત કરવો ઘટે. ‘આ-વેગ’ શબ્દને જ, ખરી રીતે તો,રૂઢાર્થનાં જાળાં ખંખેરી એના સાચા અર્થમાં પ્રતિષ્ઠિત કરવો જોઈએ.

કલ્પના: કલ્પના એ કોઈ પણ કળાકૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. કલ્પનારહિત કોઈ પણ કૃતિ મૂળ વિષયની કેવળ પ્રતિકૃતિ બની રહે, અને તો તો પછી પ્લેટોની નિન્દા સાચી ઠરે. ત્યારે કલ્પનાનું વ્યાવર્તક લક્ષણ શું?બાહ્ય જગત સાથે જ્યારે આપણી ચેતના સમ્પર્કમાં આવે છે ત્યારે થતાં સંવેદન(sensation)આપમેળે સમજાય એવાં નથી હોતાં. એને ભૂતકાળના સમસ્ત સંવેદનનિચયના સન્દર્ભમાં મૂકીને જોઈએ તો જ એનો અર્થ ગ્રહી શકીએ છીએ. ભૂતકાળનાં સંવેદનોનો નિચય તો ચિત્તમાં હોય જ છે. એ નિચય વડે જ વર્તમાનની પ્રક્રિયા આપણે સમજી શકીએ છીએ. આ ક્રિયા ચિત્તમાં સતત ચાલતી જ હોય છે. એમ ન થાય તો કોઈ પણ સંવેદનનું અનુભવમાં પરિણમન થઈ શકતું નથી. આમ વર્તમાન સંવેદન અને ભૂતકાળનાં સંવેદનોનો અનુભૂતિનિચય એ બે વચ્ચેની ખાડી ઓળંગવા, એ બેનું અનુસન્ધાન સાધવા જે સેતુ બાંધવામાં આવે તે કલ્પના.

જરા વધારે સ્પષ્ટ થઈએ.

કેટલીક વાર આપણો પ્રતિભાવ(response) માત્ર યાન્ત્રિક હોય છે. ત્યારે ત્યાં કલ્પના વ્યાપારશીલ બની નથી હોતી. કલ્પના વ્યાપારશીલ બને એટલે પેલો સેતુ બંધાઈ જાય. યાન્ત્રિક પ્રતિભાવમાં ભૂતકાળના અનુભૂતિનિચય સાથે વર્તમાન સંવેદનનો તાળો બેસી જતો હોય છે, એટલે કે ભૂતકાળના કોઈક સંવેદનની પુનરાવૃત્તિ કે પ્રતિકૃતિ જેવું જ એ વર્તમાન સંવેદન હોય છે. માટે ત્યાં વિના સેતુબન્ધે પણ બધું બરાબર ગોઠવાઈ ગયું લાગે. પણ કેટલાંક સંવેદનો (કળાકૃતિના નિરૂપણમાં ઉપાદાન બનનારાં ) એવાં હોય છે કે જ્યાં આ જાતનો સમ્બન્ધ આવી રીતે જોડાઈ જતો નથી ત્યાં સમ્બન્ધ જોડવા માટેય ભૂતકાળનાં સંવેદનોનું રહસ્યપરીક્ષણ કરવું પડે છે. જ્યારે એ રહસ્ય વર્તમાન સંવેદનના રહસ્યને મળતું આવતું હોય ત્યારે જ એ બેને જોડી શકાય. એ વ્યાપાર જે કરે તે કલ્પના. કળાના અનુભવો આવા નીહારિકા કે વાયવી સમૂહ જેવા હોય છે. એનું પાછલાં સંવેદનો સાથે ઝટ સન્ધાન થઈ શકતું નથી. એને મૂર્ત કરવા માટે આથી કલ્પના દ્વારા આકારનું સર્જન કરવું પડે છે. એ આકારને પામીને જ એ સુદૃઢ બની શકે છે.

સુષમા: કેટલાક શબ્દો સાધુના લોટાની જેમ વપરાતા આવ્યા છે. આપણી ભાષામાં ‘સુન્દર’, ‘સરસ’ આ પ્રકારના શબ્દો છે. એક શબ્દની અર્થચ્છાયાઓ ઘણી હોઈ શકે. એ અર્થચ્છાયાઓનો વિભિન્ન સન્દર્ભોમાં સમુચિત વિનિયોગ કરવો એ શબ્દના યથાર્થ પરિચય વિના ન સમ્ભવી શકે. આ પ્રકારનો યથાર્થ પરિચય નથી હોતો ત્યાં ભાષામાં અર્થવ્યંજકતાનું સામર્થ્ય પૂરેપૂરું ખીલી ઊઠતું નથી. અહીં આપણે ‘સુન્દર’ના સંકેતને સમજીએ.

‘સુન્દર’ને સ્થાને ‘સુષમા’નો પ્રયોગ વધારે ઉચિત અને સાર્થ ગણાવો જોઈએ. સુન્દરને માણીએ છીએ ત્યારે ચિત્ત પ્રમાણસૌષ્ઠવ અને સંવાદિતાને અનુભવીને એક પ્રકારની કૃતાર્થતા અનુભવે છે. સૌન્દર્યને નામે ઓળખાવાતી વસ્તુ એ અમુક પદાર્થોનો જ વિશિષ્ટ ગુણધર્મ છે એવું માનવાનું નથી. જેને અનુભવીને ચિત્તના સર્વ પૃથક્ અંશોનું પાર્થક્ય લોપાઈ જાય, વિચ્છિન્ન ને ખણ્ડિત હોવાને કારણે અળગા પડી રહેલા અનુભવના અંશો પોતાની પૂર્ણતાને પામીને ચિત્તમાં સંવાદિતા રચી દે તેને આપણે સુન્દર કહીએ છીએ. આ રીતે સુન્દરમાં બધાં વિષમની વિષમતાનો લોપ થાય છે, બધું સુષમ બની રહે છે.

સૌષમિક મનોભાવને જરા વધારે ઊંડે ઊતરીને જોઈએ. આખું વિશ્વ એકમેવાદ્વિતીયમ્નો જ આવિષ્કાર છે. આપણે એકના અનેકત્વને સૃષ્ટિમાં જોઈએ છીએ પણ એ અનેકત્વ જો મૂળભૂત એકની જ આખરે અનુભૂતિ ન કરાવતું હોય, અનેકને અનુભવીને આપણે એકથી વિચ્છિન્ન થઈ જતા હોઈએ તો એથી આપણું ચિત્ત એ અનેકની    સાથેના સમ્બન્ધની જાળને અટપટી બનાવીને એમાં જ ગૂંચવાઈ જાય. વ્યવહારમાં આપણે આવી ગૂંચ અનુભવીએ છીએ. સ્વાર્થ ઘણા સંઘર્ષો ઊભા કરે છે. કળામાં આવી ગૂંચ જાણે ઊકલી જાય છે. કળાકાર જે દૃષ્ટિબિન્દુથી સમ્બન્ધને જુએ છે તે વિશિષ્ટ પ્રકારનું છે. એ દૃષ્ટિ એટલી તો વિશાળ છે કે એમાં બધી સીમાની દીવાલો તૂટી જાય છે. બાહ્ય દૃષ્ટિએ જે અપૂર્ણ અને વિચ્છિન્ન લાગે છે તેના હાર્દમાં પ્રવેશીને કલાકાર એના સમસ્ત સાથેના સમ્બન્ધતન્તુને શોધી કાઢે છે, અને એ રીતે જેને પહેલાં આપણે તુચ્છ, હીન ને અસુન્દર ગણતા હતા તેના સાચા સ્વત્વને પ્રકટ કરી મહિમાવન્ત બનાવી દે છે. આ દૃષ્ટિએ  જોઈએ તો વિશ્વમાં કશું અસુન્દર નથી. પૂર્ણ જ્યાં સુધી આપણી મર્યાદાઓની આડે ઢંકાએલું હોય છે ત્યાં સુધી અસુન્દર લાગે છે. એ મર્યાદાઓનું આવરણ દૃષ્ટિ આડેથી સરી પડે કે તરત જ સુન્દરનો આવિર્ભાવ થાય છે. અપૂર્ણમાં જે રિક્તતા રહેલી છે તેને આપણે ઘણી વાર આપણા રાગદ્વેષ મદમત્સરથી ભરી દઈને આપણી જાતને પૂર્ણનો આભાસ કરાવવા મથતા હોઈએ છીએ. આવો આત્મપ્રતારણાનો પ્રયત્ન જ અસુન્દરનું નિર્માણ કરે છે. નિર્બળતા, ક્ષુદ્રતા કે અલ્પસત્ત્વતાને કારણે કરેલો પૂર્ણતાનો નિષેધ જ સત્યને સ્થાને દમ્ભને સરજે છે, સુન્દરને સ્થાને અસુન્દરની પ્રતિષ્ઠા કરે છે. સત્ય અને સુન્દર એકબીજાના પર્યાય બની રહે છે તે પણ આ જ દૃષ્ટિએ. સત્યમાં બધા વિરોધો ને નિષેધો શમી જાય છે. આપણા વિરોધ અને નિષેધનું પ્રભવસ્થાન કોઈ ને કોઈ પ્રકારની અલ્પતા જ હોય છે. પણ સત્યમાં અલ્પતાને સ્થાન જ ક્યાં રહે?વિરોધે રચેલા વ્યવચ્છેદને પૂરી દેવા જેટલી સમૃદ્ધિ સત્યમાં હોય છે જ. નિષેધના સંકોચને વિસ્તારીને સ્વીકૃતિ સુધી વ્યાપ્ત કરી દેવાની શક્તિ પણ સત્યમાં  હોય છે જ. નિષેધના સંકોચને વિસ્તારીને સ્વીકૃતિ સુધી વ્યાપ્ત કરી દેવાની શક્તિ પણ સત્યમાં છે જ. એટલે કે કળામાં જેને સુન્દર કહીએ છીએ તે ને આ સત્ય – એ બેની વચ્ચે મૂળગત કશો ભેદ નથી. એ સત્યનો અનુભવ જ્યારે વ્યક્તિનાં વિશિષ્ટ લક્ષણોવાળા ચિત્તનો સંસ્પર્શ પામીને આકાર ધારણ કરે ત્યારે એનો ભોક્તા એને સુન્દર કહે. આ અર્થમાં સર્વ કળાકૃતિઓ મહાસુન્દરના ઇંગિત રૂપ જ છે. વ્યવહારમાં જેને કદરૂપું કહીને ઓળખાવવા ટેવાયા હોઈએ તેને કળાકાર જ્યારે સુન્દરના ઇંગિત રૂપે રજૂ કરે છે ત્યારે એ એનાં કુરૂપને ખોઈને આનન્દપ્રદ બની રહે છે.

આ સુન્દરને આપણે પોતે સિદ્ધ કરવાનું હોય છે, એ ક્યાંય નિર્માઈ ચૂક્યું હોતું નથી. અત્યન્ત સુન્દર દૃશ્યને કે ભાવને અનુભવીને વિષાદ થાય છે. એવું શા માટે બનતું હશે?ત્યારે થયેલી સુન્દરની ઝાંખી આપણી આજુબાજુના સર્વ અસુન્દરનું ભાન કરાવી જાય છે. એ અસુન્દરની સુન્દરમાં પરિણમવાની ઝંખના આપણા ચિત્તને જાણે વિક્ષુબ્ધ કરી જાય છે. એ પળે આપણે આપણા સમસ્તમાંથી ઐશ્વર્ય પ્રકટાવીને એ અસુન્દરની હીનતાને ટાળવા મથીએ છીએ. આ રીતે પ્રત્યેક ક્ષણે અસુન્દર આપણે દ્વારે સુન્દરમાં પરિણમવાની પ્રતીક્ષા કરતું ઊભું હોય છે. ઘણી વાર એને આપણે પાછું ઠેલીએ છીએ. પણ એ રીતે અણજાણપણે આપણે આપણી પૂર્ણતાને પાછી ઠેલીને આપણા પૂર્ણ ‘હું’ના પર ઘા કરીને આપણે આપણાથી જ વિચ્છેદ કરાવતા હોઈએ છીએ. આ વિચ્છેદના દુ:ખનો સૂર ચિત્તના નેપથ્યમાં સદા બજ્યા કરતો હોય છે. જ્યારે કશુંક સુન્દર અનુભવીએ છીએ ત્યારે ઘડીભરને માટે આપણો આપણી સાથેનો વિચ્છેદ નષ્ટ થઈ જાય છે. પણ પછીની બીજી જ પળે આપણે આપણી ક્ષુદ્ર વ્યક્તિતાના કોશેટામાં ભરાઈને સંકુચિત સ્વાર્થોની તૃપ્તિનું રેશમ કાંતવા મંડી પડીએ છીએ. ત્યારે પેલો સૂર ફરી રણકી ઊઠે છે. એ સૂરની આંગળી ઝાલીને જ આપણી વ્યથિત થયેલી અપૂર્ણતા, આપણો ખણ્ડિત ‘હું’ પૂર્ણની પ્રાપ્તિ અર્થે નીકળી પડે છે. કળામાં પૂર્ણ પ્રત્યેની અપૂર્ણની આ યાત્રાને આપણે જોઈએ છીએ.

વાણી: કાતિર્ક-માર્ગશીર્ષ, સં. 2004

License

Share This Book