25 વાલ્મીકિ અને કાલિદાસ

‘પુરાણકવિક્ષુણ્ણે વર્ત્મનિ દુરાપમસ્પૃષ્ટં વસ્તુ, તદેવ પરિસંસ્કર્તુ પ્રયતેત’ ઇતિ આચાર્યા: ।

રાજશેખર: કાવ્યમીમાંસા(બારમો અધ્યાય)

પ્રાચીન કવિઓએ ખૂંદેલા માર્ગમાં અણબોટ્યું કથાનક જડવું મુશ્કેલ. (તેથી) (જે પ્રસિદ્ધ હોય) તેને જ પરિસંસ્કારવા પ્રયત્ન કરવો જોઈએ.

1

ભારતીય સાહિત્યના ઇતિહાસમાં કાલિદાસનું સ્થાન સર્વોચ્ચ છે એ તો નિવિર્વાદ છે. જેમણે સંસ્કૃત સાહિત્યનો થોડો પણ રસાસ્વાદ કર્યો છે તેઓ કાલિદાસના કાવ્યના ચિત્તોન્માદી માધુર્યને કદીય ભૂલી નહીં શકે. ભારતીય સાહિત્યના નન્દનવનમાં કાલિદાસ પારિજાતની જેમ શોભે છે. એમની સૂક્તિમંજરીની સૌરભ દૂર દૂર સુધી પ્રસરી રહી છે. કાશ્મીરના પ્રસિદ્ધ નૈયાયિક જયન્ત ભટ્ટ એમના ‘ન્યાયમંજરી’ નામના ગ્રન્થમાં એક સ્થળે કહે છે:

અમૃતેનેવ સંસિક્તાશ્ચન્દનેનેવ ચચિર્તા: ।
ચન્દ્રાંશુભિરિવોદ્ઘૃષ્ટા: કાલિદાસસ્ય સૂક્તય: ।।

(કાલિદાસની સૂક્તિઓ તો જાણે અમૃતથી સીંચાએલી, ચન્દનથી અર્ચાએલી, ચન્દ્રનાં કિરણોથી ઘૂંટેલી ન હોય!)

આપણા પ્રાચીન આલંકારિક આચાર્યોએ કાલિદાસને વ્યાસ અને વાલ્મીકિની સાથે બેસાડવામાં જરાય દ્વિધા અનુભવી નથી. મહાભારત કે રામાયણની વિશાળતા કાલિદાસના કાવ્યમાં જોવા ન મળે છતાં,શબ્દાર્થસમ્પત્તિ, કલ્પનાનો નિરંકુશ વિહાર, ભારતના અને ચિરન્તન આદર્શને માટેની અકુણ્ઠિત શ્રદ્ધાનો જે સમન્વય કાલિદાસના કાવ્યમાં થયો છે તે રામાયણ કે મહાભારતના  સ્રષ્ટાને માટે પણ અગૌરવનો વિષય નથી. તેથી જ સહૃદયશિરોમણિ આનન્દવર્ધને સ્પષ્ટ જ કહ્યું છે:

યેનાસ્મિન્નતિવિચિત્રકવિપરમ્પરાવાહિનિ સંસારે
કાલિદાસ-પ્રભૃતયો દ્વિત્રા: પંચષા વા મહાકવય ઇતિ ….. ।1

(જે પ્રતિભાવિશેષના સ્ફુરણને પરિણામે) અતિવિચિત્ર કવિપરમ્પરાપ્રવાહી આ સંસારમાં કાલિદાસાદિ બેત્રણ કે પાંચછ જણ મહાકવિ ગણાયા છે.)

પણ કાલિદાસની આ શબ્દાર્થની પસંદગીમાં જે પરિષ્કૃત શાલીનતા દેખાય છે તે ક્યાંથી આવી?ભારતીય સાહિત્યના ઇતિહાસમાં કાલિદાસ જેવા મહાકવિનો આવિર્ભાવ ખરેખર સામાન્ય પાઠકોને તો એક અત્યન્ત વિસ્મયકારી ઘટનાના જેવો જ લાગશે – એ જાણે પૂર્વાપરસંગતિશૂન્ય એક આકસ્મિક સંઘટના પહેલી નજરે સંસ્કૃત સાહિત્યના વિશાળ સુવિસ્તૃત પ્રાન્તરે કાલિદાસ કોઈ અભ્રંલિહ વૃક્ષના જેવા એકાકી ઊભા રહેલા દેખાશે. જે બે ઋષિકવિઓનો કાવ્યપ્રવાહ કેટલાય સમયથી ભારતના જનસાધારણની માનસભૂમિને પોતાની પીયૂષધારાથી પ્લાવિત કરીને સીંચતો આવ્યો છે તેમાંથી એક માત્ર કાલિદાસે જ જાણે જીવનરસનો સંગ્રહ કરીને પોતાની કાવ્યવનસ્પતિના પર સદા અભિષેક કર્યા કર્યો છે. કાલિદાસ કયા ઐતિહાસિક યુગના સન્ધિસમયે ભારતભૂમિમાં અવતર્યા તેની તો ખબર નથી. તે કયા વિક્રમાદિત્યના સભાકવિ હતા તે આજ સુધી તો ગવેષણાનો વિષય જ રહ્યો છે. છતાં, રામાયણમહાભારતનો રચનાકાલ અને કાલિદાસનો આવિર્ભાવકાલ – એ બેની વચ્ચેના સમય દરમિયાન પ્રાચીન ભારતમાં સાહિત્યનો વિકાસ કેવો અને કેટલો થયો કે જેને પરિણામે અભિજ્ઞાનશાકુન્તલ જેવું દૃશ્યકાવ્ય અને રઘુવંશ, કુમારસમ્ભવ ને મેઘદૂત જેવાં શ્રાવ્યકાવ્યનું સર્જન સમ્ભવી શક્યું?– આ પ્રશ્ન સંસ્કૃત સાહિત્યમાં ઇતિહાસાનુસન્ધિત્સુના ચિત્તમાં ઉદ્ભવે એ સ્વાભાવિક છે. રવીન્દ્રનાથે પોતાને વિશે એક સ્થળે કહ્યું છે, ‘પોતાના સર્જનક્ષેત્રમાં રવીન્દ્રનાથ એકાકી છે, કોઈ ઇતિહાસ એને સાધારણની સાથે બાંધતો નથી.’2  પણ આ સાચું છે?બંગાળી સાહિત્યની સંકીર્ણ શાદ્વલાચ્છન્ન સાહિત્યભૂમિમાં મધુસૂદન, બંકિમ ને રવીન્દ્રનાથના જેવી યુગપ્રવર્તક સાહિત્યિક પ્રતિભાનો આવિર્ભાવ પ્રથમ દૃષ્ટિએ આકાશકુસુમવત્ કાર્યકારણની શૃંખલા વિનાનો ભલે ને લાગે, સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં જેમ એ આકસ્મિકતામાં પણ નિગૂઢ રૂપે રહેલા કાર્યકારણસમ્બન્ધને આપણે શોધી શકીએ છીએ તેમ કાલિદાસની સાહિત્યિક પ્રતિભાનાં વિસ્મયકર નિ:સંગત્વ અને અલૌકિકતા દુર્ભેદ્ય કાર્યકારણશૃંખલાથી નિયત થયા હોય એ પણ સ્વાભાવિક છે. બૌદ્ધદર્શનનું ‘પ્રતીત્યસમુત્પાદતત્ત્વ’(Theory of dependent origination) જડ જગતના ક્ષેત્રમાં તેમ જ મનોજગતના ક્ષેત્રમાં તુલ્યભાવે પ્રયોજી શકાય એવું છે. એ નિયમનો વ્યતિક્રમ સમ્ભવી શકે નહીં. કાલિદાસની કવિપ્રતિભાના ઉપર એમના પૂર્વવર્તી કવિગણના અને એમના સમસામયિક સાહિત્યિક પરિવેશના પ્રભાવની કેટલી અસર પડી હશે તેનું નિરૂપણ આજે કરવું ઘણું મુશ્કેલ છે. તોય પુરોગામી કવિઓની કલ્પનાએ – ભલે બહુ થોડા પ્રમાણમાં – કાલિદાસની પ્રતિભાના ઉન્મેષ અને ઉત્તરોત્તર થતા વિકાસના પર અસર કરી હતી એ તો સ્વીકારવાનું જ રહેશે, નહીં તો સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તરોત્તર વિકાસનો જે સિદ્ધાન્ત છે તે જ તૂટી પડે. કાલિદાસની પ્રતિભાને હલકી પાડી બતાવવાનો હેતુ જો કોઈ આ સિદ્ધાન્તની સ્વીકૃતિની પાછળ જુએ તો તે ભ્રાન્તબુદ્ધિ છે એમ જ કહેવું ઘટે. આ પ્રકારની આંધળી ભક્તિથી મહાકવિની પ્રતિભાને માટે યથાર્થ સમાદર પ્રકટ થાય છે એમ મને તો લાગતું નથી. કાલિદાસનું મહાકવિત્વ કેટલે અંશે પુરોગામી કવિઓના કાવ્યભાણ્ડારમાંથી સમાહૃત અને સંસ્કૃત થયેલું છે તે જાણવાનો પ્રયત્ન આપણે જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી કાલિદાસની અલોકસામાન્ય સર્ગશક્તિનું સાચું મૂલ્ય આંકવાનું પણ બની નહીં શકે. પુરોગામી કવિઓનું કાલિદાસના પરનું આ ઋણ સ્વીકારવાથી, કાલિદાસ ઋણી છે એવો વિચાર માત્ર લાવવાથી ઘણા સંસ્કૃતસાહિત્યરસિક સહૃદયનાં ચિત્ત વિમુખ થશે, કુણ્ઠિત થશે, વ્યથિત થશે તે હું સમજી શકું છું. તોય આટલા ‘વિવેકજ્ઞાન’ પછી કાલિદાસના કવિત્વ વિશે જે આદરનો ભાવ આપણા ચિત્તમાં અવશિષ્ટ રહેશે તે જ એ મહાકવિની સર્જકપ્રતિભાને માટેના યથાર્થ સન્માનનું પ્રતીક બની રહેશે.

કાલિદાસે એમના ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકની પ્રસ્તાવનામાં એમના પુરોગામી પ્રથિતયશા: કવિત્રયના નામનો સાદર ઉલ્લેખ કર્યો છે. એમાંના એકના નામથી આજે પ્રત્યેક સંસ્કૃત સાહિત્યાનુરાગી સુપરિચિત છે. ભાસ કવિને આપણે ઘણા વખત સુધી જાણતા નહોતા. પણ ‘ભાસનાટકચક્ર’નો આકસ્મિક આવિષ્કાર થતાં સંસ્કૃત સાહિત્યગગનનો એક અસ્તોન્મુખ ઉજ્જ્વળ જ્યોતિષ્ઠ આપણી દૃષ્ટિ સમ્મુખ ફરીથી ઉદિત થયો. સૌમિલ્લ અને કવિપુત્ર નામના બીજા બે કવિની સાહિત્યિક પ્રતિભા વિશે આજે પણ આપણે બહુ થોડું જાણીએ છીએ. છતાં આટલું તો નિ:સંદિગ્ધ કે ઉદીયમાન ‘વર્તમાન કવિ’ કાલિદાસે જે કવિદ્વયનો શ્રદ્ધાપૂર્વક પોતાના ગ્રન્થમાં ઉલ્લેખ કર્યો છે તેઓ આજે ભુલાઈ ગયેલા હોવા છતાં પ્રતિભાશાળી કાવ્યસર્જકો હતા. આ ત્રણ સિવાય પણ કાલિદાસની પહેલાં ‘કવિગ્રામ’ બીજા ઘણાય કવિઓથી વસેલું હતું એવું અનુમાન કરીએ તો તેમાં કાઈ ખોટું નથી. ઘણાએ બૌદ્ધ કવિ અશ્વઘોષને કાલિદાસનો પુરોગામી ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે.  પણ કાલિદાસના આવિર્ભાવના સમય વિશેના કશા પણ નિ:સન્દિગ્ધ પ્રમાણને અભાવે એમની આ દલીલને બિલકુલ સાચી માની લેવાને મન તૈયાર નહીં થાય.

એ જે હોય તે, કાલિદાસે આ બધા પુરોગામી કવિઓનાં કાવ્યો જરૂર વાંચ્યાં હશે,  આ હકીકતને ન સ્વીકારવાથી તો સત્યની અવમાનના કરવા જેવું થશે. રવીન્દ્રનાથ ભારતચન્દ્ર, મધુસૂદન, બંકિમચન્દ્ર, બિહારીલાલ વગેરે સાહિત્યસેવકોની રચનાથી બિલકુલ અપરિચિત હતા એમ આપણે કહી શકીશું ખરા?જોકે મહાકવિઓની સહજ પ્રતિભા જ સમસ્ત કાવ્યનિર્માણના મૂળમાં રહી હોય છે, છતાં એ પ્રતિભાનાં ઉદ્ભાસન,સંસ્કરણ અને ઉત્કર્ષને માટે પુરોગામી કવિઓએ રચેલાં કાવ્યોનાં અનુશીલનની અપેક્ષા રહે છે  એનો તો સૌ કોઈ સ્વીકાર કરશે.3  એથી કાંઈ કવિના ગૌરવને હાનિ થતી નથી. ‘સહજ’ પ્રતિભાની સાથે બુદ્ધિમત્તા, કાવ્યાનુશીલન અને બહુશ્રુતતા અથવા વ્યુત્પત્તિનો એકત્ર સમવાય થાય ત્યારે જ કવિકર્મ ચરમ ઉત્કર્ષને પામે એ તો નિવિર્વાદ.4તેથી જ ‘કાવ્યપ્રકાશ’કાર મમ્મટ ભટ્ટ કાવ્યહેતુનું નિરૂપણ કરતાં વ્યુત્પત્તિ અથવા નૈપુણ્ય અને કાવ્યજ્ઞશિક્ષાજનિત અભ્યાસ એ કારણદ્વયને શક્તિ અથવા નૈસગિર્ક પ્રતિભાની સાથે બેસાડે છે. એટલા જ માટે પ્રાચીન ભારતમાં કવિયશ:પ્રાર્થીઓના શિક્ષણાર્થે ‘કવિચર્યા’ નામનું એક પૃથક્ શાસ્ત્ર રચાયું હતું. આમ કાલિદાસે પણ પૂર્વકવિઓના નિબન્ધસમૂહનું અનુશીલન કરીને એમની નૈસગિર્ક પ્રતિભાનું સંસ્કરણ કર્યું હતું એ સ્વીકારવું જ પડશે. વિશેષત: રામાયણ અને મહાભારત – ભારતનાં ચિરન્તન આદર્શ અને સાધનાનાં વાડમય પ્રતીકરૂપ એ બે મહાકાવ્યો ભારતીય કવિસમ્પ્રદાયનાં કવિત્વ અને કલ્પનાને ચિરકાળથી ઉજ્જીવિત કરતાં આવ્યાં છે. એ બે મહાકાવ્યો જ  બધા કવિઓનાં ઉપજીવ્ય હતાં.4ભાસ, કાલિદાસ, ભવભૂતિ, મુરારિ, રાજશેખર, ભટ્ટનારાયણ વગેરે પ્રથિતયશા કવિઓએ આ બે મહાકાવ્યના અક્ષય ભણ્ડારમાંથી એમનાં કાવ્ય અને નાટ્યના ઉપાખ્યાનભાગનું સંકલન કર્યું હતું. પણ આ હકીકત એમના કવિત્વને માટે ગર્હાસૂચક નથી. બધા દેશોમાં આ જ પ્રથા ચાલી આવે છે. મહાકવિ શૅઇક્સપિયરના નાટ્યસમૂહનો આખ્યાનભાગ પણ ઘણે ભાગે પ્રાચીન પૌરાણિક કથા અને ઐતિહાસિક નિબન્ધમાંથી જ લેવાયેલો છે. અલંકારશાસ્ત્રમાં પણ આ પ્રથાને સ્વીકારી લેવામાં આવી છે, આલંકારિકોને મતે રામાયણ, મહાભારત, બૃહત્કથા વગેરે બધાં કાવ્ય અને નાટ્યનાં ‘કથાશ્રય’ છે. આથી કાલિદાસે પણ એમનું કથાવસ્તુ રામાયણ,મહાભારત અને પૌરાણિક આખ્યાનોમાંથી  લીધું છે. ‘રઘુવંશ’નું વિષયવસ્તુ તો ચોક્ખું રામાયણમાંથી જ આહૃત છે તે તો મહાકાવ્યના નામકરણથી જ સ્પષ્ટ જણાઈ આવે છે. પણ કાલિદાસના કવિત્વના સર્વશ્રેષ્ઠ દાન તરીકે જેને જગતના સહૃદયસમાજે સ્વીકારી લીધું છે તે ‘મેઘદૂત’ નામનું ખણ્ડકાવ્ય પણ રામાયણની કલ્પનાથી જ અનુપ્રાણિત થયું હતું એ હકીકત તો રામાયણનો જેઓએ સૂક્ષ્મ અભ્યાસ કર્યો છે તેમને તરત જ સમજાઈ જશે. વિષયવસ્તુની વાત જવા દઈએ તોય કાલિદાસ એમની શબ્દસંપત્તિ, ઉપમાસંભાર અને કલ્પનાભંગીને માટે મહાકવિ વાલ્મીકિના શ્લોકોચ્છ્વાસના કેટલે અંશે ઋણી હતા તેનો સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરીશું તો વિસ્મિત થઈ જવાશે. આજે આપણે શબ્દસૌષ્ઠવ, ઉપમાવિન્યાસની અલોકસામાન્ય મનોહારિતા અને કલ્પનાની અનેકવિધ લીલાને માટે કાલિદાસની સ્તુતિગીતિ મુક્ત કણ્ઠે ગાઈએ છીએ. એ સ્તુતિનો કેટલો અંશ રત્નાકર જેવા આદિકવિને ફાળે જાય છે ને કેટલો અંશ કાલિદાસને ફાળે જાય છે તેનો યથાયોગ્ય વિચાર આજ સુધી તો થયો હોય એમ લાગતું નથી. આપણે કાલિદાસને પામીને જાણે વાલ્મીકિને ભૂલી બેઠા છીએ, ફળનો આસ્વાદ લઈને બીજને ભૂલી ગયા છીએ, પ્રવાહની વિચિત્ર શોભાથી મુગ્ધ થઈને ગહનગિરિકન્દરવર્તી નદીના મૂળની શોધ છોડી દીધી છે. પણ કાલિદાસ એમના વિશ્વવરેણ્ય પૂર્વસૂરિઓનું પોતાના પરનું સાહિત્યિક ઋણ સ્વીકારી લેવામાં જરાય સંકોચ અનુભવતા નથી. ‘રઘુવંશ’ના પ્રારમ્ભમાં જ એમણે કહ્યું છે:

અથવા કૃતવાગ્દ્વારે વંશેઅસ્મિન્ પૂર્વસૂરિભિ: ।
મણૌ વજ્રસમુત્કીર્ણે સૂત્રસ્યેવાસ્તિ મે ગતિ: ।।6

અથવા પૂર્વસૂરિઓએ જેમાં વાણીનું દ્વાર રચી આપ્યું છે એવા આ વંશ(ના વિષય)માં વજ્ર(હીરા)થી કોરેલા મણિમાં જેમ સૂત્રની, તેમ મારી ગતિ (થઈ શકશે).

વળી, રઘુવંશના પંદરમા સર્ગમાં કુશલવે કરેલી રામાયણગાનની વર્ણનાના પ્રસંગે કવિ કહે છે:

વૃત્તં રામસ્ય વાલ્મીકે: કૃતિસ્તૌ કિન્નરસ્વનૌ ।
કિં તદ્ યેન મનો હર્તુમલં સ્યાતાં ન શૃણ્વતામ્ ।

કથા રામની,રચના વાલ્મીકિની અને તે બે (કથાગાયકો) કિન્નરકંઠા, સાંભળનારાનાં મનને ન હરી લે એવું કંઈ પણ ત્યાં હતું જ શું?

આમ કાલિદાસ એમનાં શબ્દસૌષ્ઠવ, ઉપમાનિર્વાચન અને કલ્પનાવિલાસ પરત્વે પ્રાચેતસ્ કવિના કેટલે અંશે ઋણી હતા તે સૂક્ષ્મ વિચારણાને યોગ્ય વિષય છે એ સમ્બન્ધમાં તો વૈમત્ય સમ્ભવી શકે નહીં.

2

આપણે પહેલાં કાલિદાસના ઉપમાસંભારની જ આલોચના કરીશું. ઉપમાની નવીનતા અને ચમત્કારિતાના પર જ કાલિદાસની કવિખ્યાતિ બહુલપરિમાણે પ્રતિષ્ઠિત થઈ છે. ‘ઉપમાકાલિદાસસ્ય’ એ તો એક પ્રવાદવાક્ય – કહેતી થઈ પડી છે. એમનાં કાવ્ય અથવા નાટ્યમાંથી ગમે તે શ્લોક ઉપાડીને આલોચના કરી જુઓ, એમાંની ઉપમાની અન્તર્ગૂઢ સુષમા આપણાં ચિત્તને જરૂર પ્રલોભિત કરશે. પણ એ બધી ઉપમાઓની પસંદગી માટે કવિને કશો પ્રયત્ન કરવો પડ્યો હશે ખરો?પ્રથમ દૃષ્ટિએ તો નહીં. કાલિદાસની ઉપમાઓ સાથે અનુગામી કોઈ પણ ખ્યાતનામ મહાકવિ – ભારવિ, માઘ, ભવભૂતિ વગેરેનાં કાવ્યમાંથી ઉપમા લઈને તુલના કરી જોતાં એ સહજ જ પુરવાર થઈ જશે. કાલિદાસનું ઉપમાનિર્વાચનનું ક્ષેત્ર કેટલું વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ છે! ભૂલોક, દ્યુલોક, અન્તરીક્ષલોક, માનવનો અન્તર્ગૂઢ વાસનાલોક આ દૃશ્યમાન વિપુલ વિશ્વનું વિચિત્ર સર્જનસમસ્ત મહાકવિના ‘નિષ્પ્રતિઘ’ પ્રાતિભ દર્શનની સમ્મુખ જાણે આવેગપૂર્વક આગ્રહાતિશપ્યવશત: પોતપોતાનું સૌન્દર્ય અને માધુર્ય ઉન્મુક્ત કરી દે છે, વિકીર્ણ કરી દે છે! સહૃદયચક્રવર્તી આનન્દવર્ધનાચાર્યના શબ્દોમાં આપણે કહી શકીએ: ‘અલંકારાન્તરાણિ તુ નિરૂપ્યમાણદુર્ઘટનાન્યપિ રસસમાહિતચેતસ: પ્રતિભાનવત: કવેરહંપૂવિર્કયા પરાપતન્તિ.’ અલંકારો જાણે કવિની આગળ ટોળે વળીને કહી રહ્યા છે, ‘મને પહેલાં પસંદ કરો, મને પહેલાં પસંદ કરો.’7  કવિ ગંગાયમુનાના સંગમનું વર્ણન કરે છે ત્યારે જાણે એમને કોઈ રીતેય તૃપ્તિ થતી નથી. નીલધવલ પ્રવાહદ્વયનો પવિત્ર સંગમ જોઈને ક્યારેક નીલકાદમ્બપંક્તિવિમિશ્રિત માનસોત્સુક શુભ્ર બલાકાનું દૃશ્ય એમને યાદ આવે છે,તો ક્યારેક વળી કામાગુરુબિન્દુલાંચ્છિત શુભ્રચન્દનદ્રવવિરચિત શંગારરચનાનું સૌન્દર્ય એમની માનસદૃષ્ટિ આગળ ઉદ્ભાસિત થઈ ઊઠે છે તો ક્યારેક નિશીથે નિબિડ જ્યોત્સ્નાના ચિત્તોન્માદી સૌન્દર્યનું એમને સ્મરણ થઈ આવે છે,ને વળી બીજી જ ક્ષણે મહાદેવની વિભૂતિભૂષિત ભુજગવલયમણ્ડિત દેહસુષમા એમના રસવિહ્વળ ચિત્તમાં એકાએક ઉદિત થઈને સમગ્ર વર્ણનમાં એક પ્રકારના અલૌકિક ભક્તિરસનો સંચાર કરે છે! ઉપમા પછી ઉપમા ચાલી આવે છે – સહજસુન્દર, અયત્નવિહિત, પ્રતિભાની નૈસગિર્ક શક્તિથી સમુલ્લસિત!8આ જ ‘સુકુમારમાર્ગ’ની કવિપ્રતિભા, જેનું સ્વરૂપ વર્ણવતાં કાશ્મીરના આલંકારિક કુન્તકાચાર્ય ‘વક્રોક્તિજીવિત’ નામના ગ્રન્થમાં કહે છે:

અમ્લાનપ્રતિભોદ્ભિન્નનવશબ્દાર્થસુન્દર: ।
અયત્નવિહિતસ્વલ્પમનોહારિવિભૂષણ: ।।

ભાવસ્વભાવપ્રાધાન્યન્યક્કૃતાહાર્યકૌશલ: ।
રસાદિપરમાર્થજ્ઞમન: સંવાદસુન્દર: ।।

અવિભાવિતસંસ્થાનરામણીયકરંજક: ।
વિધિવૈદગ્ધ્યનિષ્પન્નનિર્માણાતિશયોપમ: ।
યત્ કંચિનાપિ વૈચિત્ર્યં તત્સર્વં પ્રતિભોદ્ભવમ્ ।
સૌકુમાર્યપરિસ્પન્દસ્યન્દિ યત્ર વિરાજતે ।।

સુકુમારાભિધ: સોડયં યેન સત્કવયો ગતા: ।
માર્ગેણોત્ફુલ્લાકુસુમકાનનેનેવ ષટ્પદા: ।।9

(અમ્લાન એટલે કે દોષરહિત પ્રતિભામાંથી અંકુરની પેઠે સ્વયમેવ ફૂટી નીકળેલા, નવા શબ્દાર્થને લીધે સુન્દર,પ્રયત્ન વગર રચાયેલા સ્વલ્પ અને મનોહર અલંકારવાળો, જેમાં પદાર્થોનો સ્વભાવ જ એવો પ્રધાન હોય કે વ્યુત્પત્તિજન્ય આહાર્યકૌશલ તેની આગળ તિરસ્કારપાત્ર-ગૌણ લાગે એવો, રસાદિના રહસ્યને સમજનાર સહૃદયોના મન:સંવાદને લીધે સુંદર, વિચાર કે પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ જેમાં પદાદિની યોજના એવી થઈ હોય કે તેના સાન્દર્યથી રસિકોના મનનું રંજન થાય એવો, વિધાતાના કૌશલથી સધાતા નિર્માણના અતિશય એટલે કે સુન્દર યષ્ટિ જેવો, જેમાં જે કાંઈ વૈચિત્ર્ય હોય તે બધું પ્રતિભામાંથી પ્રગટેલું અને સૌકુમાર્ય-મંડિત હોય એવો, આ સુકુમાર માર્ગ  છે, જે માર્ગે થઈને ખીલેલાં કુસુમોના વનમાં થઈને જેમ ભ્રમરો જાય તેમ સત્કવિઓ ગયા છે. અનુવાદ: નગીનદાસ પારેખ)

પણ કાલિદાસની ઉપમાની આ અસીમતા અને ચિર નવીનતા છતાં ઘણે સ્થળે મહષિર્ વાલ્મીકિનો સારસ્વતનિ:ષ્યન્દ જ એના આકર રૂપે છે તેનો અસ્વીકાર કર્યે ચાલે એમ નથી. બન્નેની વચ્ચેના ઘનિષ્ઠ સાદૃશ્યને પ્રતિભાના સ્વાભાવિક સંવાદ (correspondence)મૂલક કહીને ઉડાવી દેવું દુષ્કર છે. મહામહોપાધ્યાય મલ્લિનાથસૂરિ કાલિદાસની ‘મૂચ્છિર્તા ભારતી’ને પોતાની ‘સંજીવની’ ધારાથી પુનરુજ્જીવિત કરવાને માટે બદ્ધપરિકર થયા હતા, છતાં એમણે આ વિષય તરફ નજર સરખી કરી નથી, એમ કરવાનો પ્રયત્ન પણ કર્યો નથી. પણ એમના પુરોગામી પ્રથિતયશા ટીકાકાર દક્ષિણાવર્તનાથે અને અનુગામી ટીકાકાર પૂર્ણસરસ્વતીએ એમની ‘મેઘસંદેશ’ની ટીકામાં કેટલેક સ્થળે કાલિદાસની ઉપમા સાથે શ્રીરામાયણનું કલ્પનાસાદૃશ્ય શ્લોકો ટાંકીને બતાવ્યું છે, અને રામાયણ જ કાલિદાસનું ઉપજીવ્ય છે તેનો સુસ્પષ્ટ રૂપે નિર્દેશ કર્યો છે. અહીં ઉપર કહેલા બે ટીકાકારની કેટલીક ઉક્તિ નીચે ટાંકીએ:

  1. ‘મેઘદૂત’ના ‘ઉત્તરમેઘ’ ખણ્ડમાં વિરહિણી પ્રિયતમાનું વર્ણન કરતાં નિર્વાસિત યક્ષ મેઘને સમ્બોધીને કહે છે:

તાં જાનીથા: પરિમિતકથાં જીવિતં મે દ્વિતીયં
દૂરીભૂતે મયિ સહચરે ચક્રવાકીમિવૈકામ્ ।

ગાઢોત્કણ્ઠાં ગુરુષુ દિવસેષ્વેષુ ગચ્છત્સુ બાલાં
જાતાં મન્યે શિશિરમથિતાં પદ્મિનીં વાન્યરૂપામ્ ।। ઉત્તરમેઘ, 20

(બીજું મમ જિવન તું જાણજે એહને-
જે મુખે ગણિગણી બોલ બોલે
હું થતાં દૂર સહચર અરે! એ થઇ-
એકલી વિરહિણી ચકવિ તોલે,
પ્રબલ વિરહવ્યથાથી દિનો દુ:ખના-
માનું બાળા રહી ગાળતી, ને-
કમલિની શિશિરથી જેમ ચિમળાય ત્યમ
એ હશે રૂપ બદલી ગઇ રે! )

અનુવાદ: ત્રિભુવન વ્યાસ

રામાયણમાં વિરહિણી સીતાદેવીનું વર્ણન કર્યું છે તે હવે જોઈએ:

હિમહતનલિનીવ નષ્ટશોભા વ્યસનપરમ્પરયા નિવીડ્યમાના ।
સહચરરહિતેવ ચક્રવાકી જનકસુતા કૃપણાં દશાં પ્રપન્નાં ।।

(હિમથી હણાયેલી કમળવેલની જેમ જેની શોભા નષ્ટ થઈ છે એવી, દુ:ખોની પરમ્પરાથી પીડા પામેલી, સહચર વિનાની ચક્રવાકી જેવી જનકપુત્રી દયનીય દશાને પામી. રામાયણની સંશોધિત આવૃત્તિમાં સુંદર કાંડ. 14.30)

દક્ષિણાવર્તનાથ એમની ટીકામાં રામાયણના આ શ્લોકનું છેલ્લું ચરણ ટાંકીને એ મેઘદૂતના શ્લોકનું ઉપજીવ્ય છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે.10અહીં એ ખાસ નોંધવા જેવું છે કે રામાયણના શ્લોકમાંની બન્ને ઉપમાઓનો કાલિદાસે એક શ્લોકમાં સમાવેશ કરી દીધો છે, માત્ર છન્દોવિન્યાસની સાહાય્યથી એમાં નવીનતાનો સંચાર કર્યો છે! રામાયણના શ્લોકનો ત્વરિત ગતિ પુષ્પિતાગ્રા છન્દ કાલિદાસને હાથે મન્થરગતિ મન્દાક્રાન્તામાં ફેરવાઈ ગયો છે. આનો જ યાયાવર કવિ રાજશેખરે એમની ‘કાવ્યમીમાંસા’માં શબ્દાથાર્થહરણના ‘છન્દોવિનિમય’ નામના પ્રભેદ રૂપે નિર્દેશ કર્યો છે.11

  1. યક્ષ મેઘના દર્શને ઉત્સુક બનેલી પ્રિયાની ઊર્ધ્વોત્ક્ષિપ્ત સ્પન્દમાન નેત્રતારકાને મીનપક્ષાહત વેપમાન કુવલયકુણ્ડલની સાથે સરખાવે છે:

રુદ્ધાપાંગપ્રસરમલકૈરંજનસ્નેહશૂન્યં
પ્રત્યાદેશાદપિ ચ મધુનો વિસ્મૃતભ્રૂવિલાસમ્ ।

ત્વય્યાસન્ને નયનમુપરિસ્પન્દિ શંકે મૃગાક્ષ્યા
મીનક્ષોભાચ્ચલકુવલયશ્રીતુલામેષ્યતીતિ ।। ઉત્તરમેઘ, 27

(તીરછી નજરથી પ્રસરતી જેહને –
આવરે ઉપર શિરકેશ ઝૂકી,
ભ્રૂવિલાસો ભુલી મદ્યરસ છોડતાં –
એવિ ને વગર આંજેલ લૂખી,
તું સમીપે જતાં ત્યાં મૃગાક્ષી તણી–
આંખ એ ફરકશે ઉપર અરધી;
ફરકતી માછલીથી હલ્યા કમલની –
શ્રી સમું રમ્ય સૌંદર્ય ધરતી.)

અનુવાદ: ત્રિભુવન વ્યાસ

ઉપમા રામાયણમાંથી લેવામાં આવી છે એ તો બન્ને ટીકાકારોએ આકરના નિર્દેશ સહિત બતાવી દીધું છે. દક્ષિણાવર્તનાથ કહે છે:

‘સ્ત્રીણાં વામાક્ષિસ્પન્દનં એતન્નિમિત્તમિતિ શ્રીરામાયણે દશિર્તમ્
તસ્યા: શુભં વામમરાલપક્ષ્મરાજીવૃત્તં … મીનાહતં પદ્મનિવાભિતામ્રમ્ ।।’ (સુન્દર, 29, 2)

આ જ નિમિત્તે સ્ત્રીઓનું વામ નેત્ર ફરકતું હોય છે એમ શ્રી રામાયણમાં દર્શાવ્યું છે.

તસ્યા: શુભં વામમરાલપક્ષ્મરાજીવૃત્તં કૃષ્ણવિશાલશુક્લમ્ ।
પ્રાસ્પન્દતૈકં નયનં સુકેશ્યા મીનાહતં પદ્મનિવાભિતામ્રમ્ ।।(સુંદર. 27.2.સંશોધિત આવૃત્તિ)

(તે સુકેશીનું બંકિમ પાંપણપંક્તિથી છવાયેલું, શ્યામ અને ધવલ વિશાળ શુભ (એવું) એક જ વામ નેત્ર, માછલી અથડાવાથી (હાલતાં) છેડે રાતા એવા કમળની જેમ ફરકવા લાગ્યું.)

  1. મેઘદૂતમાં યક્ષ કહે છે, ‘હે પ્રિયે! હિમગિરિના શિખર ઉપરની અલકાનગરીના દેવદારુના ક્ષીરની સૌરભવાળા શીતળ વાયુ કદાચ તારા અંગનો સ્પર્શ પામીને ધન્ય થયો હશે એમ માનીને હું એને ઔત્સુક્યે આલિંગું છું.

ભિત્ત્વા સદ્ય: કિસલયપુટાન્દેવદારુદ્રુમાણાં
યે તત્ક્ષીરસ્રુતિસુરભયો દક્ષિણેન પ્રવૃત્તા: ।
આલિંગ્યન્તે ગુણવતિ મયા તે તુષારાદ્રિવાતા:
પૂર્વસ્પૃષ્ટં યદિ કિલ ભવેદંગમેભિસ્તવેતિ ।। ઉત્તરમેઘ, 40

દેવદારૂ તણી ભેદિને કૂમળી –
કુંપળીઓનિ કળિયો ત્વરામાં,
એમના ટપકતા દૂધની સૌરભે –
મ્હેકતા વાય દક્ષિણ દિશામાં;
એહ ગુણવતિ! હિમાલય તણા વાયુને –
ભેટું છું હું દિલે ભાવ ભરિને,
એમ માની કદી તાથિ આવ્યા હશે –
પ્રથમ તુજ અંગને સ્પર્શ કરિને.

અનુવાદ: ત્રિભુવન વ્યાસ

અહીં રામાયણના વિરહખિન્ન રામચન્દ્રની ઉક્તિનો જ પ્રતિધ્વનિ સંભળાય છે એ વાત દક્ષિણાવર્તનાથ અને પૂર્ણ સરસ્વતી13  બન્નેએ નોંધી છે, રામાયણનો શ્લોક નીચે પ્રમાણે છે:

વાહિ વાત  યત: કાન્તા તાં સ્પૃષ્ટ્વા મામપિ સ્પૃશ ।
ત્વયિ મે ગાત્રસંસ્પર્શશ્ચન્દ્રે દૃષ્ટિસમાગમ: ।।

હે વાયુ,જ્યાં પ્રિયતમા છે ત્યાં વા, એને સ્પર્શીને મને પણ સ્પર્શ કર. તારામાં મારાં ગાત્રોનો (પ્રિયતમાનાં ગાત્રો સાથેનો) સંસ્પર્શ, જાણે ચન્દ્રમાં (અમારાં) નેત્રોના સમાગમ (જેવો હશે).

દુર્ભાગ્યે દક્ષિણાવર્તનાથ અને પૂર્ણસરસ્વતીની ‘મેઘદૂત’ સિવાયનાં બીજાં કાવ્ય ઉપર રચાયેલી કોઈ પણ ટીકા આજ સુધી જોવામાં આવી નથી, જોકે એ બન્નેએ કાલિદાસના કાવ્યત્રય ઉપર ટીકા રચી છે એવી લોકપ્રસિદ્ધિ છે. એ જો પ્રાપ્ય હોત તો બીજે અનેક સ્થળે આપણે કાલિદાસની કવિકલ્પનાના આકરનું સન્ધાન પામી શક્યા હોત. પણ પૂર્વોક્ત બન્ને ટીકાકારોએ બતાવેલી રીતને અનુસરીને જ્યારે કુતૂહલથી રામાયણનો સાદ્યન્ત પાઠ કરવો શરૂ કર્યો ત્યારે કાલિદાસની વર્ણનરીતિ અને રામાયણની વર્ણનરીતિમાં મને એટલું તો ઘનિષ્ટ સામ્ય દેખાવા લાગ્યું કે ખરેખર કાલિદાસના પરનું મહષિર્ વાલ્મીકિનું ઋણ કેટલું બધું છે તેના વિચારે હું વિસ્મયવિહ્વળ થઈ ગયો. સાધારણ વાચકવર્ગ જે બધી ઉપમાઓને આજ સુધી કાલિદાસની ગણીને વિમોહિત થઈ જાય છે તેમાંની ઘણી રામાયણના અખૂટ કાવ્યભંડારમાંથી સમાહૃત છે તે મને ખૂબ જ સ્પષ્ટ સમજાઈ ગયું. નીચે એ પ્રકારની કેટલીક ઉપમાઓને પાસે પાસે મૂકીને મારા વક્તવ્યને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ.

  1. તાડકાવધ પછી મહષિર્ વિશ્વામિત્રની પાછળ પાછળ રામ અને લક્ષ્મણ ચાલ્યા જાય છે, રાજષિર્ જનકની રાજધાની વિદેહનગરીના વાસીઓ એ બે ભાઈને વિસ્મિત લોચને જોઈ રહ્યા છે, એમને થાય છે કે જાણે પુનર્વસુ નક્ષત્રદ્વય જ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઊતરી આવ્યું!

તૌ વિદેહનગરીનિવાસિનાં ગાં ગતાવિવ દિવ: પુનર્વસૂ ।
મન્યતે સ્મ પિબતાં વિલોચનૈ: પક્ષ્મપાતમપિ વંચનાં મન: ।।રઘુવંશ 11, 36

ત્યાં વિદેહ નગરી નિવાસીઓ
ભૂમિ માંહિ ઉતર્યા પુનવર્સુ
શા ઉભે કુંવરને નિહાળતાં
નેત્રનું મટકું વિઘ્ન માનતા.

અનુવાદ: નાગરજી પંડ્યા

રામાયણમાં વિશ્વામિત્ર જ્યારે રામલક્ષ્મણની સાથે વામનાશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે મહષિર્ વાલ્મીકિ એમને પુનર્વસુનક્ષત્રદ્વયસમન્વિત પૂર્ણચન્દ્રની સાથે સરખાવે છે. એ શ્લોક નીચે પ્રમાણે છે:

પ્રવિશન્નાશ્રમપદં વ્યરોચત મહામુનિ: ।
શશીવ ગતનીહાર: પુનર્વસુસમન્વિત: ।।આદિકાણ્ડ, 29, 25-6

(આશ્રમસ્થાનમાં પ્રવેશતા મહામુનિ (કુશલવ સાથે) ધુમ્મસ દૂર થતાં પુનર્વસુ (નક્ષત્રના બે તારકો) સાથે શોભતા શશી જેવા પ્રકાશવા લાગ્યા.

કાલિદાસ આ ઉપમામાંથી વિશ્વામિત્રનો અંશ બાદ કરીને રામલક્ષ્મણની પુનર્વસુની સાથે સરખામણી કરે છે અને એ રીતે પ્રકરણનો વ્યત્યયમાત્ર કરે છે.14

  1. અયોધ્યાથી નિર્વાસિત થયેલા રામચન્દ્ર જ્યારે મહષિર્ જાબાલિના આશ્રમમાં આવે છે ત્યારે મહષિર્ એમને નિર્વાસનનાં દુ:ખનો ત્યાગ કરીને રાજધાનીમાં પાછા ફરવાનો ઉપદેશ આપે છે. મહષિર્ રામચન્દ્રને કહે છે:

સમૃદ્ધાયામયોધ્યામાત્માનમભિષેચય ।
એકવેણીધરા હિ ત્વા નગરી સમ્પ્રતીક્ષતે ।।અયોધ્યાકાણ્ડ, 108, 8

તું સમૃદ્ધિશાળી અયોધ્યાના રાજપદે તારો અભિષેક કર, વિરહિણીના જેવી એકવેણીધરા નગરી તારી જ પ્રતીક્ષા કરી રહી છે.

રઘુવંશમાં નિર્વાસન પછી રામચન્દ્ર અયોધ્યાનગરીમાં રામ પાછા આવ્યા છે, આજે અયોધ્યા ઉત્સવપૂર્ણ છે. ચારે બાજુ હર્મ્યશિખરેથી કાલાગુરુની ધૂમ્રલેખા આકાશમાં ઊંચે ચઢે છે. એમ લાગે છે કે જાણે આજે વિરહદુ:ખનો અન્ત આવતાં અનાથા અયોધ્યાનગરીએ રાઘવહસ્તમુક્ત પોતાની કૃષ્ણવેણીને ફરી એક વાર પ્રસાધનને માટે ફેલાવે છે.

પ્રાસાદકાલાગુરુધૂમરાજિસ્તસ્યા: પુરો વાયુવશેન ભિન્ના ।
વનાન્નિવૃત્તેન રઘૂત્તમેન મુક્તા સ્વયં વેણિરિવાબભાસે ।।રઘુવંશ, 14, 12

કાલાગુરૂ ધૂપ  શિખા મહેલે
વાએ પડે જે જુદી તે, પુરીની
વનેથી  આવી  રઘુવીર પોતે
છોડેલી વેણી સરખી જણાતી.

અનુવાદ: નાગરજી પંડ્યા

  1. રામાયણમાં હેમન્ત ઋતુનું વર્ણન કરતાં લક્ષ્મણ રામચન્દ્રને કહે છે:

સેવમાને દૃઢં સૂર્યે દિશમન્તકસેવિતામ્ ।
વિહીનતિલકેવ સ્ત્રી નોત્તરા દિક્ પ્રકાશતે ।।અરણ્યકાણ્ડ, 16, 8

સૂર્યે જ્યારે યમે સેવેલી (દક્ષિણ) દિશાને ગાઢપણે સેવવા માંડી  ત્યારે તિલક વિનાની સ્ત્રી જેવી ઉત્તરા દિશા શોભતી નહોતી.

કાલિદાસ ‘કુમારસમ્ભવ’ના ત્રીજા સર્ગમાં મહાદેવ તપ કરતા હતા ત્યારે જે અકાલ વસન્તનો આવિર્ભાવ થયો હતો તેનું વર્ણન કરતાં કહે છે:

કુબેરગુપ્તાં દિશમુષ્ણરશ્મૌ ગન્તું પ્રવૃત્તે સમયં વિલંઘ્ય ।
દિગ્દક્ષિણા ગન્ધવહં મુખેન વ્યલીકનિ:શ્વાસમિવોત્સસર્જ ।।કુમારસમ્ભવ 3, 25

કુબેરની રક્ષી દિશે રવિ જ્યાં
માંડે જવા કાલ નિજ ત્યજીને
તજે  દિશા દક્ષિણ ગંધવાહ
મુખેથી નિ:શ્વાસ શું દર્દવાળો!

અનુવાદ: નાગરજી પંડ્યા

આ પણ શું રામાયણની ઉપમાનું જ પ્રતિબિમ્બ નથી?

  1. રામચન્દ્ર સીતાની સાથે વિજન અરણ્યભૂમિમાં પર્ણશાળામાં બેઠા છે તે જાણે ચન્દ્રમા ચિત્રા નક્ષત્રની સાથે શોભતો હોય એના જેવું લાગે છે:

સ રામ: પર્ણશાલાયામાસીન: સહ સીતયા ।
વિરરાજ મહાબાહુશ્ચિત્રયા ચન્દ્રમા ઇવ ।।અરણ્યકાણ્ડ, 17, 3-4

કાલિદાસે રઘુવંશમાં રામાયણની આ જ ઉપમા લીધી છે. મહારાજ દિલીપ રાણી સુદક્ષિણાની સાથે ગુરુ વસિષ્ઠના આશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે કવિ કહે છે:

કાપ્યભિખ્યા તયોરાસીદ્ વ્રજતો શુદ્ધવેષયો: ।
હિમનિર્મુક્તયોર્યોગે ચિત્રા-ચન્દ્રમસોરિવ ।।રઘુવંશ, 1, 46
શુદ્ધ વસ્ત્ર સરી જાતાં તેઓની કાંતિ તો કશી!
હિમ  રહિત ચિત્રાને  ચન્દ્રની જેવી યોગમાં.

અનુવાદ: નાગરજી પંડ્યા

  1. રામાયણમાં લક્ષ્મણે ખડ્ગથી વિરૂપ કરેલી શૂર્પણખાને જોઈને ક્રુદ્ધ રાવણ કહે છે:

ક: કૃષ્ણસર્પમાસીનમાશીવિષમનાગસમ્ ।
તુદત્યભિસમાપન્નમંગુલ્યગ્રેણ લીલયા ।।અરણ્યકાણ્ડ, 29, 316

રઘુવંશના અગિયારમા સર્ગમાં રામચન્દ્રનું પરાક્રમ સાંભળીને લવલિતમન્યુ ભાર્ગવ જે બોલે છે તેમાં રામાયણના ઉપર ટાંકેલા શ્લોકનો જ પ્રતિધ્વનિ નથી સાંભળતા?

ક્ષત્રજાતમપકારવૈરિ મે તન્નિહત્ય બહુશ: શમં ગત: ।
સુપ્તસર્પ ઇવ દણ્ડઘટ્ટનાદ્ રોષિતોઅસ્મિ તવ વિક્રમશ્રવાત્ ।।રઘુવંશ 11, 71

રાજવંશ મુજ વૈરી દોષથી,
વાર વાર હણી શાન્ત હું થયો
તે ખિજ્યો છું સુણી તારૂં વિક્રમ
સુપ્ત સર્પ જ્યમ લાકડી અડ્યે.

અનુવાદ: નાગરજી પંડ્યા

  1. રામચન્દ્રે હણેલા રાક્ષસોના શરીરસમૂહથી પરિકીર્ણા પૃથ્વી જાણે કુશાસ્તીર્ણ યજ્ઞભૂમિ જેવી લાગે છે. રામાયણમાં:

તૈર્મુક્તકેશૈ: સમરે પતિતૈ: શોણિતોક્ષિતૈ: ।
વિસ્તીર્ણા વસુધા કૃત્સ્ના મહાવેદિ: કુશૈરિવ ।।અરણ્યકાણ્ડ, 26, 33

કાલિદાસ રઘુના દિગ્વિજયનું વર્ણન કરતાં આ જ પ્રકારની ઉપમાનો આશ્રય લે છે.

ભલ્લાપવજિર્તૈસ્તેષાં શિરોભિ: શ્મશ્રુલૈર્મહીમ્ ।
તસ્તાર સરઘાવ્યાપ્તૈ: સ ક્ષૌદ્રપટલૈરિવ ।।4, 63

ભલ્લા છેદેલ તેઓના દાઢીવાળા શિરોથી તે
છાઈ  દે ભૂમિ  શું મધમાખે ભર્યા મધુપુટે.

અનુવાદ: નાગરજી પંડ્યા

આ બે ઉપમાઓ અભિન્ન ન હોવા છતાં બન્ને વચ્ચે બિમ્બપ્રતિબિમ્બભાવ છે એ તો સ્વીકાર્યે જ છૂટકો છે.

  1. અશોકવનમાં રાક્ષસીઓથી વીંટળાએલી સીતાદેવીને કાલિદાસ વિષવલ્લીપરિવૃતા મહૌષધિની સાથે સરખાવે છે.

દૃષ્ટા વિચિન્વતા તેન લંકાયાં રાક્ષસીવૃતા ।
જાનકી વિષવલ્લીભિ: પરીતેવ મહૌષધિ: ।।(રઘુવંશ 12.61)

ખોળતાં જોઇ લંકામાં વીંટેલી રાક્ષસી થકી
જાનકી, વિષવેલીથી વીંટી શું વડીઔષધિ.

અનુવાદ: નાગરજી પંડ્યા

રામાયણમાં સીતાને શોધવાને તત્પર બે ભાઈઓને સમ્બોધીને કણ્ઠગતપ્રાણ મુમૂર્ષુ જટાયુ કહે છે:

યામૌષધીમિવાયુષ્મન્ અન્વેષસિ મહાવને ।
સા દેવી મમ ચ પ્રાણા રાવણેનોભયં હૃતમ્ ।।અરણ્યકાણ્ડ, 67, 15

હે આયુષ્મન્! જેને (તું તારા દુ:ખની) ઔષધિ જેવી આ મહારણ્યમાં શોધી રહ્યો છે તે દેવી અને મારા પ્રાણ – બંને રાવણ હરી ગયો છે.

રઘુવંશની ઉપમા રામાયણના આ શ્લોકનું જ ઇષત્ પરિવધિર્ત સંસ્કરણ છે એમાં કશો સંદેહ નથી.

  1. વસન્ત આવતાં રામચન્દ્ર સીતાવિરહથી નિરતિશય પીડા પામે છે. ચારે બાજુની પ્રાકૃતિક દૃશ્યરાજિ એમના વિરહદુ:ખને સો ગણું સન્ધુક્ષિત કરી મૂકે છે. વિભિન્નકોશ પદ્મકોરકને જોઈને એમના ચિત્તમાં સીતાના આરક્તિમ નયનદ્વયની સ્મૃતિ તાજી થઈ.

પદ્મકોશપલાશાનિ દ્રષ્ટું દૃષ્ટિહિર્ મન્યતે ।
સીતાયા નેત્રકોશાભ્યાં સદૃશાનીતિ લક્ષ્મણ ।।કિષ્કિન્ધા 1, 71

રઘુવંશમાં પણ પુષ્પકરથમાં બેસીને રામચન્દ્ર સીતાદેવીને આકાશમાર્ગે થઈને નીચેનાં અનેક જનપદોનો પરિચય આપે છે, અનેક પૂર્વાનુભૂતિની વાત સીતાને યાદ કરાવે છે. એક શ્લોકમાં તેઓ સીતાદેવીને સમ્બોધીને કહે છે:

આસારસિક્તક્ષિતિબાષ્પયોગાદ્
મામક્ષણોદ્ યત્ર વિભિન્નકોશૈ: ।

વિડમ્બ્યમાના નવકન્દલૈસ્તે
વિવાહધૂમારુણલોચનશ્રી: ।।રઘુવંશ, 13, 29

ધારા સિંચેલી ભૂમિની વરાળો-
ને યોગ કોશો ખીલી કુન્દલો જ્યાં
વિવાહના ધૂમથી રક્ત તારાં
નેત્રોની લીલાથી મને દુભંતા.

અનુવાદ: નાગરજી પંડ્યા

આમાંય રામાયણનો પ્રતિધ્વનિ નથી?

  1. કિષ્કિન્ધાકાણ્ડમાં રામચન્દ્ર વસન્તની પ્રકૃતિનું વર્ણન કરે છે,પર્વત ઉપર લોધ્રવૃક્ષો પુષ્પિત થઈ ઊઠ્યાં છે:

લોધ્રાશ્ચ ગિરિપૃષ્ઠેષુ સિંહકેશરપિંજરા: ।કિષ્કિન્ધા કાણ્ડ, 1,75

પર્વતોના ઢોળાવો પર લોધ્રવૃક્ષો સિંહની કેશવાળી જેવા પિંગળા થઈ ઊઠ્યા છે.

કાલિદાસની સુનિપુણ કવિદૃષ્ટિ રામાયણના આ શ્લોકાર્ધ માત્રમાં જે ચમત્કારિતા રહેલી છે તેને તરત જ પારખી લે છે. તેથી જ માયાથી સર્જાએલો સિંહ જ્યારે પુત્રકામ મહારાજ દિલીપની વસિષ્ઠની હોમધેનુ નન્દિની પ્રત્યેની ભક્તિની પરીક્ષા કરવા માટે એના આકમ્પિત પૃષ્ઠદેશે એકાએક પોતાનો પિંજરકેશરભાર ફેલાવીને બેસી ગયો ત્યારે વિસ્મય પામેલા મહારાજ દિલીપે જોયું કે જાણે કોઈ પર્વતની ધાતુમયી અધિત્યકાભૂમિ પર એક પ્રફુલ્લિત લોધ્રવૃક્ષ ઊભું છે!

સ પાટલાયાં ગવિ તસ્થિવાંસં ધનુર્દ્ધર: કેશરિણં દદર્શ ।
અધિત્યકાયામિવ ધાતુમય્યાં લોધ્રદ્રુમં સાનુમત: પ્રફુલ્લમ્ ।।  રઘુવંશ, 2.29

ધનુષ્યધારી નૃપ લાલવર્ણી
ધેનુ પરે સિંહ ઉભેલ જોતો,
ગિરિતણી ગેરુથી લાલ ટૂંકે
ખીલ્યું ન શું લોદર કેરૂં વૃક્ષ

અનુવાદ: નાગરજી પંડ્યા

રામાયણની ઉપમામાં જે અનુક્ત હતું તે પૂરું કરીને કાલિદાસે ઉપમાને હેતુયુક્ત કરી તેને પૂર્ણાંગતા આપી છે.

  1. વાનરરાજ વાલી જ્યારે સુગ્રીવ સાથેના કપટયુદ્ધમાં પૂર્વે આપેલા વચન અનુસાર રામચંદ્ર દ્વારા તીણા શરથી વીંધાઈને મુમૂર્ષુ અવસ્થામાં ભૂમિ પર ઢળી પડ્યો, એ વખતે મુનિવેશધારી રામચંદ્રને ઉદ્દેશીને (વાલી) કહે છે:

સ ત્વાં વિનિહતાત્માનં ધર્મધ્વજમધામિર્કમ્ ।
જાને પાપસમાચારં તૃણૈ: કૂપમિવાવૃતમ્ ।।17કિષ્કિંધા, 17.22

‘તમે ધર્મધ્વજ, અધામિર્ક, પાપાચારી; ઘાસથી ઢંકાયેલા કૂવા જેવા અવિશ્વસનીય છો.’

મહાકવિ કાલિદાસે ‘અભિજ્ઞાન શાકુન્તલ’ નાટકના પાંચમા અંકમાં રાજસભામાં રાજા દુષ્યન્ત પ્રત્યે પ્રત્યાખ્યાનકુપિતા શકુન્તલાની ઉક્તિમાં રામાયણની આ ઉપમાનો ઉપયોગ કર્યો છે:

‘અણજ્જ, અત્તણો હિઅઆનુમાણેણ પેક્ખસિ ।કો દાણિં અણ્ણો ધમ્મકંચુકપ્પવેસિણો તિણચ્છણ્ણકૂવોવમસ્સ તવ અણ્વકિંદ પડિવજ્જિસ્સદિ ।’

(અનાર્ય, પોતાના હૃદય ઉપરથી બીજાનો તોલ કરે છે. ધર્મનો અંચળો પહેરી લેનાર, તૃણથી ઢંકાયેલા કૂવાના જેવા, તારું અનુકરણ અત્યારે બીજું કોણ કરવા બેસે?)

અનુવાદ: ઉમાશંકર જોશી

મહાકવિ કાલિદાસે માત્ર રામાયણની ઉપમાની ભાષા બદલીને તેમાં કેવી એક અપૂર્વ રમણીયતાનો ઉમેરો કર્યો છે! 18

  1. વાલીના પ્રાણત્યાગથી શોકાર્ત મહિષી તારા –

જગામ ભૂમિં પરિરભ્ય વાલિનં
મહાદ્રુમં છિન્નમિવાશ્રિતા લતા ।। કિષ્કિન્ધા   22.32

કપાયેલા મહાવૃક્ષના આશરે જેમ વેલી તેમ વાલીને આલિંગન આપીને (તારા) ભોંયે પટકાઈ.

‘કુમારસંભવ’ના રતિવિલાપમાં પણ આપણને એ જ છાયા જોવા મળે છે.

‘વિધિના કૃતમર્ધવૈશસં નનુ માં કામવધે વિમુંચતા ।
અનપાયિનિ સંશ્રયદ્રુમે ગજભગ્ને પતનાય વલ્લરી ।।કુમાર. 4.31

વિધિએ વધ અર્ધ છે કીધો
હણતાં કામ મને પડી મુકી;
ઊભું આશ્રય રૂપ રૂખડું
ગજ ભાંગ્યે, પડવાનું વેલને.

અનુવાદ: નાગરજી પંડ્યા

  1. વર્ષાકાલ આવતાં, ઘનકૃષ્ણમેઘરાજિએ આકાશને ઢાંકી રાખ્યું છે. દળનાં દળ વાદળ ઝળુંબી રહ્યાં છે. રામચંદ્ર આ દૃશ્ય લક્ષ્મણને બતાવે છે:

શક્યમમ્બરમારુહ્ય મેઘસોપાનપંક્તિભિ: ।
કુટજાર્જુનમાલાભિરલંકર્તું દિવાકરં ।।કિષ્કિન્ધા  28.8

મેઘોનાં સોપાનોની પંક્તિઓ થકી આકાશમાં ચડીને કુટજ અને અર્જુન પુષ્પોની માલાઓ વડે સૂર્યને શણગારવો પણ શક્ય છે.

‘મેઘદૂત’ના યક્ષસંદેશમાં પણ જોઈએ છીએ કે યક્ષ મેઘને કહે છે:

હિત્વા તસ્મિન્ ભુજગવલયં શમ્ભુના દત્તહસ્તા
ક્રીડાશૈલે યદિ ચ વિહરેત પાદચારેણ ગૌરી ।

ભંગીભક્ત્યા વિરચિતવપુ: સ્તમ્ભિતાન્તર્જલૌધ:
સોપાનત્વં કુરુ મણિતટારોહણાયાયાગ્રયાયી ।।પૂર્વમેઘ  60

   કાઢ્યામકેડે ભુજગવલયો, શંભુનો હાથ ઝાલી,
ક્રીડાશૈલે, યદિ વિચરતાં હોય ત્યાં ગૌરી ચાલી;
તો અભરોને જળ નવગળે તેમ તું ગોઠવીને,
થાજે અગ્રે મણિતટ જવા સારું, સોપાન રુપે.

    અનુવાદ: કિલાચંદ ઘનશ્યામ

  1. સીતાની શોધ કરતાં કરતાં રામચંદ્ર ઋષ્યમૂક પર્વત પાસે આવે છે. વાનરપતિ સુગ્રીવે રાવણ દ્વારા હરણ કરીને લઈ જવાતી સીતા દ્વારા ફેંકેલાં ઉત્તરીય અને આભૂષણો જ્યારે રામચંદ્રને બતાવ્યાં ત્યારે રામચંદ્ર

તતો ગૃહીત્વા વાસસ્તુ શુભ્યાન્યાભરણાનિ ચ ।
અભવદ્ બાષ્પસંરુદ્ધો નીહારેણેવ ચન્દ્રમા: ।।કિષ્કિન્ધા  6.13

ત્યારે એ વસ્ત્ર અને સુંદર આભરણો (હાથમાં) લેતાં (રામ) ધુમ્મસથી ચંદ્રમા (ઝંખાય) તેમ આંસુથી રુંધાયેલા (નેત્રોવાળા) બન્યા.

‘રઘુવંશ’માં જોઈએ છીએ, લક્ષ્મણ જ્યારે સીતાને વનમાં મૂકી આવ્યા પછી રામચંદ્ર પાસે સીતાદેવીને સંદેશ કહે છે, ત્યારે તે કરુણ વર્ણન સાંભળીને:

બભૂવ રામ: સહસા સબાષ્પસ્તુષારવર્ષીવ સહસ્યચન્દ્ર:।
કૌલીનભીતેન ગૃહાન્નિરસ્તા ન તેન વૈદેહસુતા મનસ્ત: ।।રઘુવંશ  14.84

તુરંત થાતા રઘુવીર સાશ્રુ,
વર્ષે છ જાણે હિમ પોષચંદ્ર;
નિન્દાથી બ્હીને ઘરથી સતીને
એણે કરી દૂર ન દીલમાંથી.

અનુવાદ: નાગરજી પંડ્યા

કાલિદાસે રામાયણની ઉપમા પૂરેપૂરી લીધી છે, માત્ર એક વિશેષણ ઉમેર્યું છે: ‘સહસ્યચન્દ્ર:’, માત્ર ‘ચન્દ્રમા’ નહિ.

  1. કિષ્કિન્ધાકાંડમાં રામચંદ્ર લક્ષ્મણને કહે છે:

નીલમેઘાશ્રિતા વિદ્યુત્ સ્ફુરન્તી પ્રતિભાતિ મે ।19
સ્ફુરન્તી રાવણસ્યાંકે વૈદેહીવ તપસ્વિની ।।કિષ્કિન્ધા  28.12

‘આ નીલ મેઘોથી વીંટળાયેલી વિદ્યુત્લતાને જોઈ મને રાવણના ખોળામાં રહેલી બિચારી સીતા યાદ આવે છે.’

‘વિક્રમોર્વશી’ નાટકના ચોથા અંકમાં ઉર્વશીના વિરહમાં પુરૂરવા ઉન્મત્તની જેમ ચારે તરફ ભટકતો ફરે છે, વિદ્યુત્પ્રભાને જોઈને તેને ઉર્વશી કહી તે તરફ દોડે છે, પણ બીજી જ ક્ષણે તેની ભ્રાન્તિ દૂર થાય છે:

નવજલધર: સન્નદ્ધોઅયં ન દૃપ્તનિશાચર:
સુરધનુરિદં દૂરાકૃષ્ટં ન નામ શરાસનમ્ ।

અયમપિ પટુર્ધારાસારો ન બાણપરમ્પરા
કનકનિકષસ્નિગ્ધા વિદ્યુત્ પ્રિયા ન મમોર્વશી ।।

આ તો ગાઢ નવું વાદળ છે, નહીં કે ગવિર્ષ્ઠ નિશાચર; અને આ ખરે જ દૂર સુધી તાણેલું મેઘધનુષ છે, ધનુષ્ય નથી; વળી આ તીક્ષ્ણ વર્ષાની ઝડી છે, બાણોની પરમ્પરા ન હોય, અને નિકષ પર ચમકતી સ્વર્ણરેખા શી આ વીજળી છે, મારી પ્રિયા ઉર્વશી નથી.

કાલિદાસે રામાયણની ઉપમા લઈને ‘નિશ્ચય’ અલંકારના આકારમાં ફેરવી નાખી છે એટલું જ.

  1. વર્ષાનું આગમન થતાં વનભૂમિ લીલા રંગના તાજા ઘાસથી ઢંકાઈ ગઈ છે,ક્યાંક ક્યાંક લાલ ઇન્દ્રગોપ ક્રીડા કરે છે. રામચંદ્ર તે દૃશ્ય જોઈને લક્ષ્મણને કહે છે:

વાલેન્દ્રગોપાન્તરચિત્રિતેન
વિભાતિ ભૂમિર્નવશાદ્વલેન ।

ગાત્રાનુવૃક્તેન શુકપ્રભેણ
નારીવ લાક્ષોક્ષિતકમ્બલેન ।।કિષ્કિન્ધા 28.24 21

(આ શ્લોક વડોદરાની સંશોધિત આવૃત્તિમાં નથી.)

‘જાણે કોઈ રમણીનું અળતાના લાલ ટપકાવાળું પોપટ જેવા લીલા રંગનું વસ્ત્ર શોભી રહ્યું છે.

કાલિદાસે ‘વિક્રમોર્વશી’ના ચોથા અંકમાં રામાયણના આ વર્ણનને હૂબહૂ લઈ લીધું છે. ત્યાં જોઈએ છીએ કે વિરહોન્મત્ત પુરૂરવા બોલે છે:

‘પરિક્રમ્ય અવલોક્ય ચ સહર્ષમ્ ઉપલબ્ધમુપલક્ષણં યેન
તસ્યા: કોપનાયા માર્ગાઅનુમીયતે ।
‘હૃતોષ્ઠરાગૈર્નયનોદબિન્દુભિ –
નિર્મગ્નનાભેનિર્પતદ્ભિરંકિતમ્ ।
ચ્યુતં રુષા ભિન્નગતેરસંશયં
શુકોદરશ્યામમિદં સ્તનાંશુકમ્ ।।

‘(વિભાવ્ય) કથં, સેન્દ્રગોપં નવશાદ્વલમિદમ્ ।4.7

ખરે જ પોપટના પેટ જેવું શ્યામ આ ઊંડી નાભિવાળી(સુન્દરી)નું સ્તનવસ્ત્ર છે, રોષમાં એની ચાલ ઠોકરાઈ ત્યારે સરી પડ્યું હશે, ઓષ્ઠ પરના રંગને હરી લઈ પડતાં અશ્રુબિન્દુઓથી ખરડાયેલું છે.

  1. સુગ્રીવે જ્યારે વિશાલ વાનરસેનાને સીતાની શોધમાં ચારે દિશામાં પાઠવી ત્યારે તેઓએ સમગ્ર ધરતીને તીડોના દળની જેમ છાઈ દીધી:

તદુગ્રશાસનં ભર્તુવિર્જ્ઞાય હરિપુંગવા: ।
શલભા ઇવ સંછાદ્ય મેદિનીં સમ્પ્રતસ્થિરે ।।22  કિષ્કિન્ધા45.2

સ્વામીની તે ઉગ્ર આજ્ઞા જાણીને વાનરશ્રેષ્ઠોએ પૃથ્વીને તીડોની જેમ છાઈ દઈને પ્રસ્થાન કર્યું.

‘અભિજ્ઞાન શાકુન્તલ’માં પણ એ ઉપમા જોવા મળે છે.

‘તુરગખુરહતસ્તથા હિ રેણુવિર્ટપવિષક્તજલાર્દ્રવલ્કલેષુ ।
પતતિ પરિણતારુણપ્રકાશ: શલભસમૂહ ઇવાશ્રમદ્રુમેષુ ।।1.27

(તુરગખરીથી ઊડતી જ રેણુ
તરુવળગેલ જલાર્દ્ર વલ્કલો પે
પડતી, દિનકરાસ્તવર્ણ, જાણે
તરુ પર આશ્રમમાંહીં તીડટોળાં.)

અનુવાદ: ઉમાશંકર જોશી

  1. હનુમાને લંકામાં જઈને અશોકવનમાં રાક્ષસીઓથી ઘેરાયેલી સીતાને જોઈ,જાણે

‘દદર્શ શુક્લપક્ષાદૌ ચન્દ્રરેખામિવામલામ્  સુન્દર.15-19
શુક્લ પક્ષના આરંભે જાણે નિર્મળ ચંદ્રરેખા જેવી (તેને) જોઈ.
‘મેઘદૂત’ની વિરહિણી યક્ષપત્ની પણ:
પ્રાચીમૂલે તનુમિવ કલામાત્રશેષાં હિમાંશો: ।
(શેષ ધરતી કલા ચંદ્રલેખા સમી-
પામિ પૂર્વક્ષિતિજે ઉદયને;)

અનુવાદ: ત્રિભુવન વ્યાસ

  1. હનુમાન સીતાદેવીને અશોકવનમાં સાંત્વના આપે છે:

પૃષ્ઠમારોહ મે દેવિ મા વિકાંક્ષસ્વ શોભને ।
યોગમન્વિચ્છરામેણ શશાંકેનેવ રોહિણી ।।
કથયન્તીવ શશિના સંગમિષ્યસિ રોહિણી ।
મત્પૃષ્ઠમધિરોહ ત્વં તદાકાશં મહાર્ણવમ્ ।।23  સુન્દર. 37. 26-27

(સંશોધિત આવૃત્તિમાં બીજા શ્લોકનો પાઠ આ પ્રમાણે છે

કથયન્તીવ ચન્દ્રેણ સૂર્યેણેવ સુવર્ચલા ।
મત્પૃષ્ઠમધિરુહ્ય ત્વં તરાકાશમહાર્ણવમ્ ।।

બોલતાં બોલતાંમાં જ જાણે ચન્દ્ર જેવી – સૂર્ય જેવી અત્યન્ત તેજસ્વી એવી તું મારી પીઠ પર ચડીને આકાશરૂપી મહાસાગરને તરી જા.)

‘અભિજ્ઞાન શાકુન્તલ’માં પણ મારીચઆશ્રમમાં રાજા દુષ્યન્ત પણ ‘નિયમક્ષામમુખી’ શકુન્તલાને કહે છે:

‘સ્મૃતિભિન્નમોહતમસો દિષ્ટ્યા પ્રમુખે સ્થિતાસિ મે સુમુખિ ।
ઉપરાગાન્તે શશિન: સમુપગતા રોહિણી યોગમ્ ।।’  7.22

સ્મૃતિથી મોહ-તમ ટળતાં, સદ્ભાગ્યે ઊભી સંમુખે સુમુખી!
ગ્રહણ છૂટતાં પામી શશાંકનો રોહિણી યોગ.

અનુવાદ: ઉમાશંકર જોશી

  1. લંકાથી પાછા આવેલા હનુમાન રામચંદ્રને સીતાદેવીની વિરહક્ષામ અવસ્થાનું વર્ણન કરે છે:

‘રાક્ષસીભિ: પરિવૃતા શોકસન્તાપકશિર્તા ।
મેઘરેખાપરિવૃતા ચન્દ્રરેખેવ નિષ્પ્રભા ।।24  સુન્દર. 59.23

મેઘદૂતમાં યક્ષપત્નીના વર્ણનમાં એનો જ પ્રતિધ્વનિ સાંભળીએ છીએ.

‘નૂનં તસ્યા: પ્રબલરુદિતોચ્છૂનનેત્રં પ્રિયાયા
નિ:શ્વાસાનામશિશિરતયા ભિન્નવર્ણાધરોષ્ઠમ્ ।

હસ્તન્યસ્તં મુખમસકલવ્યક્તિ લમ્બાલકત્વા-
દિન્દોર્દૈન્યં ત્વદનુસરણક્લિષ્ટકાન્તેબિર્ભતિર્ ।।’  ઉત્તરમેઘ 27

(રુદન બહુ કરિ આંખ સૂજી ગઇ-
નકિ હશે મારિ એ પ્રિયતમાની,
હોઠ પ્રજ્વાળતા ઉષ્ણ નિશ્વાસથી –
લલિત લાલી હશે પલટિ ત્યાંની,
હાથ પર ટેકવ્યું અલક વિખર્યા થકી-
દૃષ્ટિએ જે ન સંપૂર્ણ પડતું,
અભ્રમાં ઉતરતા કાંતિહિણ ચંદ્રની –
દીનતા એ હશે વદન ધરતું.)

અનુવાદ: ત્રિભુવન વ્યાસ

  1. લંકાકાંડમાં રામચન્દ્ર લક્ષ્મણને કહે છે:

‘કદા સુચારુદન્તોષ્ઠં તસ્યા: પદ્મમિવાનનમ્ ।
ઈષદુન્નમ્ય પાસ્યામિ રસાયણમિવાતુર: ।।  લંકા. 5.13

(અત્યંત સુન્દર દન્તપંક્તિ અને ઓષ્ઠવાળું તેનું કમળ જેવું મુખ સહેજ ઊંચું કરીને, રોગી જેમ રસાયણને પીએ તેમ, હું ક્યારે પીશ?)

શાકુન્તલના ત્રીજા અંકમાં મદનાતુર દુષ્યન્ત મનોમન વિચારે છે:

‘મુહુરંગુલિસંવૃતાધરોષ્ઠં પ્રતિષેધાક્ષરવિક્લવાભિરામમ્।
મુખમંસવિવતિર્ પક્ષ્મલાક્ષ્યા: કથમપ્યુન્નમિતં ન ચુંબિતં તુ ।।’ 3.22

(અધરોષ્ઠ છુપાવી આંગળી ર્હે,
પ્રતિષેધોક્તિ ચારુ વ્યાકળુ જે,
મુખ સ્કંધવળેલું પક્ષ્મસ્હોતું
કર્યું કેમે કરી ઊંચું, ચૂમ્યું ના તે.)

અનુવાદ: ઉમાશંકર જોશી

કાલિદાસે અહીં રામાયણની ઉપમા બાદ રાખીને તેનો ભાવ ગ્રહણ કર્યો છે. 25

  1. સુગ્રીવના આદેશથી નલે જ્યારે વિશાળ સેતુનું નિર્માણ કર્યું ત્યારે તે સેતુને જોઈને એવું લાગ્યું કે જાણે અસીમ આકાશમાં સ્વાતિપથ(છાયાપથ) શોભી રહ્યો છે.

‘નલેનકૃત: સેતુ: સાગરેમકરાલયે।
શુશુભેસુભગ: શ્રીમાન્ સ્વાતિપથઇવામ્બરે।।26  લંકા. 22.70

(મત્સ્યોના નિવાસ એવા સાગર ઉપર નલે રચેલો તે સેતુ આકાશમાં જણાતા સુંદર પ્રકાશમાન સ્વાતિપથ જેવો શોભવા લાગ્યો.)

‘રઘુવંશ’ની એક પ્રસિદ્ધ ઉપમા રામાયણના આ ઉદ્ધૃત શ્લોકના આધારે જ રચાઈ છે, તે બાબતમાં સંશયનો લેશ પણ નથી. રામચંદ્ર જ્યારે સીતાને લઈને પુષ્પક વિમાનમાં આકાશમાર્ગે અયોધ્યા પાછા ફરતા હતા ત્યારે વાનરસેનાએ બનાવેલા સેતુને બતાવતાં કહે છે:

વૈદેહિ, પશ્યામલયાદ્ વિભક્તં
મત્સેતુના ફેનિલમમ્બુરાશિમ્ ।
છાયાપથેનેવ શરત્પ્રસન્ન-
માકાશમાવિષ્કૃતચારુતારમ્ ।।27રઘુવંશ. 13.2

સેતુથી મારા મલયાદ્રિ સુધી
જો આ ફણાળો નિધિ છે વિભક્ત,
આકાશ ગંગા થકી જેમ, શર્દે
તારા રૂડા દાખતું સ્વચ્છ આભ.

અનુવાદ: નાગરજી પંડ્યા

  1. રામચંદ્ર સુબલ ગિરિશૃંગ પર આરોહણ કરે છે તે વખતે ગોપુરશૃંગ પર ઊભેલા ગાઢા લાલ વસ્ત્રથી ઢંકાયેલા ગાઢ કાળા રંગના રાક્ષસરાજ રાવણને જુએ છે:

‘શશલોહિતરાગેણ સંવીતં રક્તવાસસા ।
સન્ધ્યાતપેન સંચ્છન્નં મેઘરાશિમિવામ્બરે ।।લંકા. 40.6

(સસલાના લોહીના રંગ જેવા રક્ત વસ્ત્રથી ઢંકાયેલા, આકાશમાં સાંજના તડકે છવાયેલા મેઘસમૂહ જેવા (રાવણને જોયો.) )

‘મેઘદૂત’માં યક્ષ મેઘને કહે છે:

પશ્ચાદુચ્ચૈર્ભુજતરુવનં મણ્ડલેનાભિલીન:
સાન્ધ્યં તેજ: પ્રતિનવજપાપુષ્પરક્તં દધાન: ।

નૃત્તારમ્ભે હર પશુપતેરાર્દ્રનાગાજિનેચ્છાં
શાન્તોદ્વેગસ્તિમિતનયનમ્ દૃષ્ટભક્તિર્ભવાન્યા: ।।પૂર્વમેઘ 38

(પછિ ઉંચા શંભુના-તરુતણાવનસમા-
ભુજજુથે મંડલાકાર ઝૂકી,
નવખિલ્યા પુષ્પ જાસુદ સમા ખીલતા –
રક્ત સંધ્યાપ્રકાશે ભભૂકી;

પૂર રુચિ હરતણી શરુ થતા તાંડવે –
રક્તરંગી ગજાજિન ધર્યાની;
અજિનભય તજિ તને સ્વસ્થ દૃગ નિરખતાં –
રિઝવ ભક્તિ વડે તૂં ભવાની.)

અનુવાદ: ત્રિભુવન વ્યાસ

હજુ કેટલું બતાવું?આપણે કાલિદાસની ઉપમાની અજસ્રતા જોઈને આશ્ચર્ય પામીએ છીએ, પણ પ્રાચેતસકવિની ‘રામાયણી કથા’ ઉપમાનો રત્નાકરવિશેષ છે. ઋષિકવિએ જે કંઈ કહ્યું છે તેની જ અંદર ઉપમાનું ચારુત્વ રહેલું છે. એક પ્રસિદ્ધ અંગ્રેજ વિવેચકે હોમરના કાવ્ય વિશે જે કહ્યું છે, એ જ મહષિર્ વાલ્મીકિ વિશે પણ આપણે  કહી શકીએ:

‘It seems as if he had but to open his mouth and speak, to create divine poetry, and it does not lessen our sense of his good fortune when, on looking a little closer, we see that this is really the result of an unerring and unfailing art, an extraordinary skillful technique… It seems the art of one who walked through the world of things endowed with the senses of a god, and able, with that perfection of effort that looks as if it were effortless, to fashion his experience into incorruptible song; whether it be the dance of flies round a byer at milking time, or a forest-fire on the mountains at night.’ 28

માત્ર ઉપમા જ નહિ, કાવ્યવસ્તુની પરિકલ્પનાઓ, ભાવ અને વર્ણન માટે પણ કાલિદાસ તેમના પુરોગામી ઋષિકવિના કેટલા ઋણી છે તેની વિવેચના કરવાનો પ્રયત્ન હવે પછી હું કરીશ.

પાદટીપ

  1. ધ્વન્યાલોક, વૃત્તિ પૃ. 93 કાશી સંસ્કરણ
  2. સાહિત્યેર સ્વરૂપ, ‘સાહિત્યે ઐતિહાસિકતા’, 30
  3. રાજશેખર પ્રતિભાના બે મુખ્ય પ્રકાર (કારયિત્રી અને ભાવયિત્રી) ગણાવીને કારયિત્રી પ્રતિભાના વળી ત્રણ અવાન્તર ભેદ બતાવે છે – સહજા, આહાર્યા અને ઔપદેશિકી. એ પૈકીની સહજા              પ્રતિભાનું નિરૂપણ કરતાં એ કહે છે,

         ‘ઐહિકેન કિયતાપિ સંસ્કારેણ પ્રથમા તાં સહજેતિ વ્યપદિશન્તિ ।’

         ઇહલોકના કંઈક(= અલ્પ) પણ સંસ્કારથી (ઉત્પન્ન થાય તે) પ્રથમ પ્રકારની. તેને સહજા           કહે છે.

         તેથી ‘સહજપ્રતિભા’ સંપન્ન કવિને પણ કાવ્યાનુશીલનજનિત સંસ્કારની અપેક્ષા રહે છે એ તેમણે સ્વીકાર્યું છે.  કાવ્યમીમાંસા, 12

  1. ‘ઉત્કર્ષ: શ્રેયાન્’ ઇતિ યાયાવરીય: ।સ ચાનેકગુણસન્નિપાતે ભવતિ ।

         કિંચ –

         ‘બુદ્ધિમત્ત્વં ચ કાવ્યાંગવિદ્યાસ્વભ્યાસકર્મ ચ ।

         કવેશ્ચોપનિષચ્છક્તિસ્ત્રયમેકત્ર દુર્લભમ્ ।।

         કાવ્યકાવ્યાંગવિદ્યાસુ કૃતાભ્યાસસ્ય ધીમત: ।

         મન્ત્રાનુષ્ઠાનનિષ્ઠસ્ય નેદિષ્ઠા કવિરાજતા ।।’ કાવ્યમીમાંસા 4

         ‘ઉત્કર્ષ વધુ સારો’ એવો યાયાવરીયનો મત છે. તે અનેક ગુણોના સમુદાયથી થાય છે. કેમ કે કવિમાં બુદ્ધિમત્તા, કાવ્યાનુષંગી વિદ્યાઓનો અભ્યાસ અને દૈવી પ્રતિભા: ત્રણે એક સ્થાને              મળવા દુર્લભ. જે બુદ્ધિમન્તે કાવ્ય અને કાવ્યાનુષંગી વિદ્યાઓનો અભ્યાસ કર્યો હોય અને જે મન્ત્રોનું અનુષ્ઠાન નિષ્ઠાપૂર્વક કરે તેને કવિશ્રેષ્ઠતા તો હાથવગી છે.

         વળી, ‘પ્રતિભાવ્યુત્પત્તી મિથ: સમવેતે શ્રેયસ્યૌ’ ઇતિ યાયાવરીય: ।ન ખલુ લાવણ્યલાભાદૃતે રૂપસમ્પત્ ઋતે રૂપસમ્પદા વા લાવણ્યલબ્ધિર્મહતે સૌન્દર્યાય ।16

         પ્રતિભા અને વ્યુત્પત્તિ બંને ભેગાં હોય તે શ્રેયસ્કર.’ એવો યાયાવરીયનો મત છે. લાવણ્યની પ્રાપ્તિ વિના રૂપસંપત્તિહોય નહીં કે રૂપસંપત્તિ વિના લાવણ્યની ઉપલબ્ધિ ઉત્તમ સૌન્દર્ય બક્ષી શકે નહીં.

  1. કવિ ગોવર્ધને એના ‘આર્યાસપ્તશતી’ નામના કોશકાવ્યમાં રામાયણ, મહાભારત અને હવે લુપ્ત ગણાતાં ‘બૃહત્કથા’ નામના કથાકાવ્ય વિશે સાચું જ કહ્યું છે:

         ‘શ્રીરામાયણ-ભારત-બૃહત્કથાનાં કવીન્ નમસ્કુર્મ: ।

         ત્રિસ્રોતા ઇવ સરસા સરસ્વતી સ્ફુરતિ યૈભિર્ન્ના ।।

         પૂર્વના સૂરિઓ અર્થાત્ વાલ્મીકિ આદિ કવિઓઓએ જેમાં વાગ્દ્વાર કરી રાખ્યું છે તેવા. રામાયણાદિ પ્રબન્ધો રૂપી જે વાણી તે જ જેનું પ્રવેશદ્વાર છે તેમાં.

  1. રઘુવંશ, પ્રથમ સર્ગ, ચોથો શ્લોક, મલ્લિનાથ: ‘પૂર્વૈ: સૂરિભિ: કવિભિર્વાલ્મીક્યાદિભિ: કૃતવાગ્દ્વારે કૃતં રામાયણાદિપ્રબન્ધરૂપા યા વાક્ સૈવ દ્વારં પ્રવેશો યસ્ય તસ્મિન્’
  2. સરખાવો: મતિદર્પણે કવીનાં વિશ્વં પ્રતિફલતિ ।કથં નુ વયં દૃશ્યામહે – ઇતિ મહાત્મનામહંપૂવિર્કયૈવ શબ્દાર્થા: પુરો ધાવન્તિ ।

         ચિત્ત રૂપી દર્પણમાં કવિઓનું વિશ્વ પ્રતિફલિત થાય છે. આપણે તેને શી રીતે દેખાઈએ એમ               મહાત્મા(કવિઓ) સમક્ષ ‘હું પહેલો, હું પહેલો’ એ રીતે શબ્દો-અર્થો આગળ-આગળ  દોડતા                 આવે છે.

         કાવ્યમીમાંસા 12મો અધ્યાય

  1. સરખાવો: ક્વચિન્નીલોત્પલૈશ્છન્ના ભાતિ રક્તોત્પલૈ: ક્વચિત્ ।

         ક્વચિદાભાતિ શુક્લૈશ્ચ દિવ્યૈ: કુમુદકુડ્મલૈ: ।।કિષ્કિન્ધા. 27,22

         ક્યાંક શ્યામ કમળોથી છવાયેલી દીસે છે, ક્યાંક રાતાં કમળોથી, અને ક્યાં શુક્લ એવી દિવ્ય રાત્રિકમળની કળીઓથી છવાયેલ પ્રકાશે છે.

  1. પ્રથમ ઉન્મેષ, શ્લોક 25-29. જુઓ: એવં સહજસૌકુમાર્યસુભગાનિ કાલિદાસસર્વસેનાદીનાં કાવ્યાનિ દૃશ્યન્તે ।તત્ર સુકુમારમાર્ગસ્વરૂપમ્ ચર્ચનીયમ્ ।વૃત્તિ, પૃ.71

         આમ કાલિદાસ-સર્વસેન આદિનાં કાવ્યો સહજ સૌકુમાર્યથી સુભગ બનેલાં જણાય છે. ત્યાં સુકુમાર માર્ગના સ્વરૂપની ચર્ચા હવે કરવાની છે.

  1. સુન્દરકાણ્ડ, 16, 30. અસ્યાર્થસ્ય મૂલમ્: ‘સહચરરહિતેવ ચક્રવાકી’ ઇતિ શ્રીરામાયણવચનમ્। અનેન શ્રીરામાયણવચનાર્થાનુસારેણ કવે: પૂર્વોક્તો રામકથાભિલાષ: સ્પષ્ટ: ।।

         આ અર્થના મૂળમાં ‘જાણે સહચર વિનાની ચક્રવાકી.’ એ રામાયણની ઉક્તિ છે. આથી કવિનો શ્રીરામાયણના વચનાર્થ અનુસાર જ રામકથા કહેવાનો અભિલાષ એમ સ્પષ્ટ થાય છે.

         મેઘદૂતના સહૃદય ટીકાકાર પૂર્ણસરસ્વતીએ પણ અહીં નોંધ્યું છે: ‘રામાયણરસાયનપરાયણેન ચ કવીન્દ્રેણ તદર્થચમત્કારપરતયા તદર્થચ્છાયાયોનિરર્થોડસ્મિન્ પદ્યે નિવેશિત: ।સ યથા હિમહતનલિર્નીવ’ ઇતિ ।(પૃ.126, શ્રીવાણીવિલાસપ્રેસ) પુનશ્ચ: અધ:શય્યા વિવર્ણાંગી પસ્નીિવ હિમાલયે  સુન્દર કાંડ 59.15(ચોખમ્બા)

         રામાયણના રસાયણમાં તન્મય બનેલા કવિરાજે એ અર્થ ચમત્કારજનક હોવાને કારણે તે અર્થની છાયાના મૂળવાળો અર્થ આ પદ્યમાં મૂક્યો છે તે આ રીતે: ‘જાણે હિમથી હણાયેલી કમળવેલ.’

  1. ‘છન્દસા પરિવૃત્તિશ્છન્દોવિનિમય: ।એ જ પૃ. 67

         છન્દોની અદલાબદલી તે છન્દોવિનિમય.

  1. ટીકાકાર પૂર્ણસરસ્વતી પણ આમ જ કહે છે. યથા:અન્યચ્છાયાયોનિશ્ચાયમર્થ:।‘પ્રાસ્પન્દતૈકં              નયનમ્’ ઇતિ શ્રી રામાયણોક્ત:  પૃ. 141 (શ્રીવાણીવિલાસપ્રેસ)

         આ અર્થ અન્યચ્છાયાયોનિ છે, ‘સ્પન્દી રહ્યું એક જ નેત્ર…’ એમ શ્રીરામાયણમાં પણ કહ્યું                  છે.

  1. અયં ચ શ્રીરામાયણશ્લોકચ્છાયાયોનિ: શ્લોક: ।એ જ પૃ. 160

         અને આ શ્લોકની મૂળ છાયા શ્રીરામાયણના શ્લોકમાં છે.

  1. એ પણ ખાસ નોંધવા જેવું છે કે કાલિદાસ એમના કાવ્ય કે નાટકમાં બીજે કોઈ સ્થળે બીજી વાર આ ઉપમાનો પ્રયોગ કરતા નથી. કાલિદાસની ઉપમાસૂચિ માટે જુઓ વિશ્વભારતીએ                પ્રકટ કરેલું K. Chelleppan Pillai સંકલિત ‘Similies of Kalidasa’ નામનું પુસ્તક.
  2. માત્ર એક જ વાર. જુઓ: ‘Similies of Kalidasa.’
  3. પુનશ્ચ ‘ઉદતિષ્ઠત દીપ્તાક્ષો દણ્ડાહત ઇવોરગ:’ લંકા. 54.33

         સર્પં સુપ્તમહો બુદ્ધા પ્રબોધયિતુમિચ્છસિ ।લંકા. 64.14

         લાકડીએ માર્યા સાપ જેવો તે સળગતી આંખે ઊભો થયો.

  1. રામાયણમાં બીજી એક જગાએ આ ઉપમા પ્રયોજાઈ છે:

         સમાસસાદાપ્રતિમં રણે કપિં ગજો મહાકૂપમિવાવૃતં તૃણૈ: ।સુંદર 47.20

         તે હાથી તણખલાંથી ઢંકાયેલા મોટા કૂવા જેવા તે અપ્રતિમ કપિરાજ પાસે આવી આવી પહોંચ્યો.

  1. મહાકવિ રાજશેખરને મતે આ શબ્દાહરણનો ‘નટનેપથ્ય’ નામનો પ્રકારભેદ છે. સરખાવો:

         ‘અન્યતમભાષાનિબદ્ધં ભાષાન્તરેણ પરિવર્ત્યતે ઇતિ નટનેપથ્યમ્ ।’

         બીજી કોઈ ભાષામાં રચાયેલું હોય તેને બીજી ભાષામાં બદલવું તે નટનેપથ્ય.

  1. સૂર્યપ્રભેવ શૈલાગ્રે તસ્યા: કૌશેયમુત્તમમ્ ।

         અસિતે રાક્ષસે ભાતિ યથા વિદ્યુદિવામ્બરે ।।  કિષ્કિન્ધા   58.17

         પર્વતના ઢોળાવ પર જેમ સૂર્યનું તેજ તેમ શ્યામ રાક્ષસ પર તેનું ઉત્તમ રેશમી વસ્ત્ર મેઘમાં વીજળી જેવું ચમકે છે.

  1. અન્યન્નિષિધ્ય પ્રકૃતસ્થાપનં નિશ્ચય: પુન: ।સાહિત્યદર્પણ 10.39

         અન્ય(ઉપમાન)નો નિષેધ કરીને મૂળ(ઉપમેય)ની સ્થાપના કરવી તે વળી નિશ્ચય (નામનો અલંકાર થશે).

  1. પુનશ્ચ સશક્રગોપાકુલશઅદ્વલઅનિ… વનાન્તરાણિ કિષ્કિન્ધા. 28.41

         અને વળી ઇન્દ્રગોપથી છવાયેલા ઘાસવાળાં… વિવિધ વનો…

  1. અદ્ભુતશ્ચ વિચિત્રશ્ચ તેષામાસીત્ સમાગમ:।

         તત્ર વાનરસૈન્યાનાં શલભાનામિવોદ્ગમ: ।।  લંકા 41.49

         ત્યાં તે વાનરસૈન્યોનો સમાગમ તીડોના ઊભરાઈ આવવા જેવો અદ્ભુત અને ચિત્રવિચિત્ર                 હતો.

  1. અપિ ચ ‘ત્વં સમેષ્યસિ રામેણ શશાંકેનેવ રોહિણી, સુંદર  40.45; 56.20

         જેમ ચન્દ્ર સાથે રોહિણી તેમ તું રામ સાથે સંયોગ પામશે.

  1. પુનશ્ચ શારદસ્તિમિરોન્મુક્તો નૂનં ચંદ્ર ઇવામ્બુદૈ: ।

         આવૃતો વદનં તસ્યા ન વિરાજતિ સામ્પ્રતમ્ ।।સુંદર  66.13

         ચંદ્રરેખાં પયોદાન્તે શારદાભ્રૈરિવાવૃતામ્ ।સુંદર 17.22

         અને વળી શરદ ઋતુના અન્ધકારથી મુક્ત પણ વાદળોથી ઢંકાયેલા ચન્દ્ર જેવું તેનું વદન અત્યારે પ્રકાશતું નથી.

         વર્ષાઋતુને અન્તે શરદનાં વાદળોથી છવાયેલી ચન્દ્રલેખા જેવી.

  1. રાજશેખરના મતે આ પદ્ધતિને ‘વિભૂષણમોષ’ કહી શકાય.

         જુઓ: અલંકૃતમનલંકૃત્યાભિધીયતે ઇતિ વિભૂષણમોષ: કાવ્યમીમાંસા જે અલંકૃત હોય તેને અલંકાર દૂર કરીને કહેવાય તે વિભૂષણમોષ.

  1. પુનશ્ચ અશોભત મહાન્ સેતુ: સીમન્ત ઇવ સાગરે ।લંકા. 22.76

         એ મહાન સેતુ સાગરમાં સેંથા જેવો શોભતો હતો.

         રામાયણમાં બીજે એક સ્થળે ‘સ્વાતિપથ’ની એ ઉપમા મળે છે.

         હનુમાન કહે છે:

         લતાનાં વિવિધં પુષ્પં પાદપાનાંચ સર્વશ: ।

         અનુયાસ્યતિ મામદ્ય પ્લવમાનં વિહાયસા ।

         ભવિષ્યતિ હિ મે પંથા: સ્વાતે: પંથા ઇવામ્બરે ।કિષ્કિન્ધા  67. 19-20

         વેલીઓ અને વૃક્ષોનાં વિવિધ પુષ્પો હવે આકાશમાં કૂદકો મારતા એવા મારી પાછળ બધેથી ખેંચાઈ આવશે. મારો માર્ગ આકાશમાં સ્વાતિમાર્ગના જેવો જ મારો માર્ગ બની જશે.

  1. રામાયણમાં એક સ્થળે મહષિર્ વાલ્મીકિએ એક વિરાટ રૂપકની મદદથી આકાશ અને સાગરની વચ્ચેના સાદૃશ્યને સુંદર રીતે પ્રગટ કર્યું છે. અહીં એ વર્ણન નીચે આપું છું:

         આપ્લુત્ય ચ મહાવેગ: પક્ષવાનિવ પર્વત: ।

         ભુજંગયક્ષગન્ધર્વપ્રબુદ્ધકમલોત્પલમ્।।

         સ ચન્દ્રકુમુદં રમ્યં સાર્કકારણ્ડવંશુભમ્ ।

         તિષ્યશ્રવણકાદમ્બમભ્રશૈવલશાદ્વલમ્।।

         પુનર્વસુમહામીનં લોહિતાંગમહાગ્રહમ્ ।

         ઐરાવતમહાદ્વીપમ્ સ્વાતિહંસવિલાસિતમ્।।

         વાતસંઘાતજાલોમિર્ચન્દ્રાંશુશિશિરામ્બુમત્।

         હનૂમાનપરિશ્રાન્ત: પુપ્લુવે ગગર્નાંણવમ્ ।।સુંદર   57.1-4

         અને પાંખોવાળા પર્વતની જેમ કૂદકો મારીને હનુમાને થાક્યા વિના આકાશ રૂપી સમુદ્રમાં તરવા માંડ્યું. એ આકાશમાં ભુજંગો-યક્ષો-ગન્ધર્વો રૂપી કમળો-ઉત્પલો ખીલેલાં હતાં, તેમાં           ચન્દ્ર રૂપી રમ્ય રાત્રિકમળ અને સૂર્ય રૂપી શુભ કારણ્ડવ પક્ષી હતાં. તિષ્ય અને શ્રવણ રૂપી કદમ્બ વૃક્ષો હતાં, વાદળોનું લીલ રૂપી ઘાસ છવાયેલું હતું, પુનર્વસુ નક્ષત્ર રૂપી મહામત્સ્ય                   અને મંગળ રૂપી મોટો મગર હતો, ઐરાવતરૂપી મહાદ્વીપ હતો જેના પર સ્વાતિ (નક્ષત્ર) રૂપી હંસ શોભતો હતો, જેમાં પવનોના સમૂહ રૂપી મોજાં અને ચન્દ્રનાં કિરણો રૂપી શીતળ                જળ હતું.

  1. The Epic: Lascelles Abercrombie પૃ. 74-5

(સુરેશ જોષીએ વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્યના આ લેખના કરેલા અનુવાદની અધૂરી  હસ્તપ્રત અત્યન્ત જર્જરિત અવસ્થામાં મળી આવી. આ અનુવાદ પ્રગટ થયો હોય તો મને જાણ ન હતી. પણ એ અધૂરી હસ્તપ્રત પૂરી કરવી કેવી રીતે?અને શ્રી ભટ્ટાચાર્યનો આ સુંદર અભ્યાસલેખ ગુજરાતી વાચકો આગળ મૂકવાની ઇચ્છા થઈ. એટલે ભોળાભાઈ પટેલનો સમ્પર્ક સાધ્યો. આ લેખ મૂળ બંગાળીમાં પણ અગ્રન્થસ્થ હતો, છએક મહિનાની લખાપટ્ટી પછી ભોળાભાઈ પટેલ વિશ્વભારતી પત્રિકામાંથી આ લેખ મેળવી શક્યા અને તેમણે અધૂરો અનુવાદ પૂરો કરી આપ્યો. અહીં મારા જેવા અનેક વાચકોના લાભાર્થે સંસ્કૃત કંડિકાઓના અનુવાદ પણ આપ્યા છે. મૂળ બંગાળી પ્રત સાથે મેં અને રાજેન્દ્ર નાણાવટીએ જ્યાં મુશ્કેલી પડી ત્યાં મૂળ લેખ સરખાવી જોયો છે. નિર્દેશ નથી ત્યાં એ અનુવાદ રાજેન્દ્ર નાણાવટીના છે એમ માનવું. આ માટે અમે ભોળાભાઈ પટેલનો, વિશ્વભારતીનો, રાજેન્દ્ર નાણાવટીનો ખૂબ ખૂબ આભાર       માનું છું. પાછળથી જાણવા મળ્યું કે 1954માં એ નિબન્ધ ફાર્બસસભાત્રૈમાસિકના એક અંકમાં પ્રગટ થયો હતો. અહીં અપવાદ કરીને આ લેખને સુરેશ જોષીના વિવેચનગ્રન્થમાં સમાવ્યો છે, જેથી અભ્યાસીઓનું ધ્યાન આ મહત્ત્વપૂર્ણ લેખ પર જાય)

License

Share This Book