વચમાં એવો ગાળો આવી ગયો જ્યારે રૂપરચનાનું ગૌરવ કરનારી વિવેચનાની ઉગ્ર પ્રતિક્રિયા થઈ. કૃતિને સ્વયંપર્યાપ્ત ગણીને એનાદ્વ ઘટકોના સમ્બન્ધોને અને માધ્યમના વિનિયોગને જ તપાસનારી વિવેચનપદ્ધતિ અત્યન્ત મર્યાદિત અને સંકીર્ણ સ્વરૂપની છે એમ એક બાજુથી કહેવાયું,તો ફરીથી આવેલા રોમેન્ટિક અભિનિવેશને કારણે રચનાસૌષ્ઠવના આગ્રહને ટીકાના ભોગ બનવું પડ્યું. જીવન વિરાટ છે, એની એક ક્ષણ પણ આપણી ચેતનાને પરિપ્લાવિત કરી મૂકે એવી હોય છે,અને રૂપની દૃઢ રેખાથી બાંધવાનો પ્રયત્ન કરનારા જીવનનો લય જ ખોઈ બેસે છે. ઉત્ક્રાન્તિના ઇતિહાસથી વિચ્છિન્ન થઈ જાય છે એમ કહેવાવા લાગ્યું. આ બધું કંઈક અંશે રૂપરચનાવાદના આગ્રહીઓના કેટલાક અતિરેકની પ્રતિક્રિયા રૂપે પણ હતું. એ ઉપરાંત કળાની સમાજાભિમુખતા અને સમાજોપકારકતાના મુદ્દા પર ભાર મૂકવામાં આવતો હતો. કોઈ ને કોઈ રૂપે, પ્લેટોના સમયથી જ કળા અને જીવન વચ્ચે ગજગ્રાહ ચાલ્યા કરતો હોય છે, આથી સ્વસ્થ, સ્વચ્છ દૃષ્ટિએ આખી સમસ્યાને ફરી જોઈ લેવાની આવશ્યકતા ઊભી થતી રહે છે. પશ્ચિમમાં હમણાં પાછી વિવેચનની બદલાતી હોવાના અણસાર મળે છે. ફરીથી રૂપરચનાનું મહત્ત્વ સ્થાપિત થતું હોય એવું લાગે છે. રને વેલેકે આવી ભૂમિકા સ્વીકારી છે, ગેરાલ્ડ ગ્રાફે અનુઅર્વાચીનતાનાં કેટલાંક ગૃહીતોને અને દાવાઓને પડકાર્યા છે. રૂપરચનાવાદની પુન:પ્રતિષ્ઠા કરવાનું વલણ ફરીથી દેખાવા લાગ્યું છે. આ તબક્કે આપણે એની પુન:વિચારણા કરીએ તે જરૂરી છે.
તટસ્થ રીતે વિચારીશું તો લાગશે કે રૂપરચનાવાદી અભિગમને કારણે છેલ્લા કેટલાક દાયકાઓ દરમ્યાન વિવેચનમાંથી કેટલીક અપ્રસ્તુત વિગતોને કાઢી નાખવાનું શક્ય બન્યું. સાથે સાથે એવું પણ બન્યું કે સાહિત્યિક રચનાને સમજાવવાના પ્રયત્નોમાં રહેલી કેટલીક સૈદ્ધાન્તિક ક્ષતિઓ પણ આપણી નજરે ચડી. એમાંથી એક પ્રશ્ન ઊભો થયો તે આ: કળાપદાર્થ કે સાહિત્યકૃતિને કેવળ વસ્તુલક્ષી દૃષ્ટિએ જોઈને એને આલોચનાનો વિષય બનાવી શકાય ખરો?જીવનસન્દર્ભને ધ્યાનમાં લેવાને નામે કૃતિના આસ્વાદ અને વિવેચનને અપ્રસ્તુત એવી ઘણી વિગતોને સ્થાન મળતું હતું એવું પણ નોંધવામાં આવ્યું. તો વિવેચન કૃતિને પૂરો ન્યાય કરવા ઇચ્છતું હોય તો એણે કયો અભિગમ સ્વીકારવાનો રહે?
કૃતિનું સર્જન સર્જક પોતાની ચેતનાના નેપથ્યમાં, સાંસ્કૃતિક સામાજિક પરિવેશથી અસ્પૃષ્ટ રહીને કરે છે એમ કહી શકાશે ખરું?વિવેચકોનો એક વર્ગ કૃતિને સાંસ્કૃતિક કારણોનાં પરિણામ રૂપ લેખે છે. અલબત્ત, એમાં સર્જક સાથે સમ્બન્ધ ધરાવતા સંજોગોનો સમાવેશ કરવાનો રહે જ છે. પણ આ દૃષ્ટિએ જોનારને માટે સાહિત્યિક કૃતિ માનવસંસ્કૃતિ પરના વાતિર્ક કે ભાષ્ય રૂપ હોય છે. આપણે ત્યાં મોટે ભાગે આ દૃષ્ટિબિન્દુ સ્વીકારાતું હોય એવું લાગે છે. માનવસંસ્કૃતિ માટેના એક સ્મારક તરીકે કૃતિને લેખીએ ત્યારે એના અસ્તિત્વને જુદી જ રીતે જોવું પડે, એની અખણ્ડતા વિશેનો ખ્યાલ પણ બદલાય. રૂપરચનાવાદી ઘટકના અખણ્ડ પુદ્ગલ સાથેના સમ્બન્ધની તપાસને વધુ મહત્ત્વ આપે છે. આને વર્ણવવાને વિવેચક જે વિધાનો કરે છે તે રૂપરચના વિશેનાં જ હોય છે. વિશિષ્ટ રૂપ કે આકાર હોવો એ દરેક પદાર્થને અસ્તિત્વમાં આવવા માટેની એક અનિવાર્ય શરત છે તેમ છતાં આ રૂપ કે આકાર પદાર્થમાં આપમેળે જ વરતાઈ આવતો નથી. આ સમસ્યાની સંકુલતાને સ્વીકારીને પણ એમ તો કહેવાનું રહેશે જ કે વિવેચનની પ્રવૃત્તિ માત્રમાં તાકિર્ક દૃષ્ટિએ જોતાં, વિવેચનની બીજી સમસ્યાઓનો વિચાર કરતાં પહેલાં રૂપનિમિર્તિની સમસ્યાને વિચારી લેવાની રહે છે; કારણ કે એ વિશેનાં ગૃહીતો આલોચનામાં થતાં વર્ણનોમાં સાહિત્યિક ગુણવત્તાને ફાળવી આપવામાં મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. સારી કૃતિનાં અર્થઘટનમાં અને મૂલ્યાંકનમાં એ અગત્યનો ભાગ ભજવે છે.
‘ફોર્મ’ અને ‘કન્ટેન્ટ’ એ અંગ્રેજી સંજ્ઞાઓ આપણે ત્યાં હવે તો જાણીતી થયેલી જ છે; એ સંજ્ઞાઓનો અનુવાદ આપણા કેટલાક પૂર્વગ્રહોની ચાડી ખાય છે. ‘કન્ટેન્ટ’ને ‘અન્તસ્તત્ત્વ’ કહેવાથી એનું મહત્ત્વ સ્થાપી આપવા જેવું થાય છે. એને ‘સામગ્રી’ અથવા ‘કાચી ધાતુ’ કહીએ તો એમાં સંસ્કારીને આકાર આપવાની પ્રક્રિયાની બાદબાકી થઈ જતી નથી. આર્થર મૂરે આ વિષયની ચર્ચા કરતાં નોંધ્યું છે તેમ (જર્નલ ઓવ એસ્થેટિક્સ એન્ડ આર્ટ ક્રિટિસીઝમ, ફોલ, 1970) પશ્ચિમમાં પણ થોડાં વર્ષો પહેલાં કદાચ આ સંજ્ઞાઓને કેટલાક પૂર્વગ્રહથી જોતા હતા તે કારણે, ‘કન્ટેન્ટ’ને બદલે ‘સ્ટ્રક્ચર’ એ સંજ્ઞાઓનો ઉપયોગ કરવો એવું સૂચન કર્યું હતું. એ રીતે એ બન્ને વચ્ચેના ભેદની ઊભી થતી કેટલીક ગેરસમજને ટાળવાનો એમનો આશય હતો. હમણાં જ વેલેકે પછી એમ સૂચવ્યું છે કે ‘ફોર્મ’ અને ‘સ્ટ્રક્ચર’ બન્ને શબ્દોને પડતા મૂકવા, કારણ કે સમકાલીન વિદ્વાનો આ બે સંજ્ઞાઓની હવે જે વ્યાખ્યા આપે છે તે એમના મૂળ સંકેતોથી દૂર નીકળી ગઈ છે. એ ઉપયોગ જોતાં એ બન્ને સંજ્ઞાઓ એકબીજાની સાવ વિરુદ્ધની બની ગઈ છે. એને વિશે જે જુદા જુદા ખ્યાલો પ્રવર્તે છે તે પૈકીના થોડા જોઈએ: એલ.એલ.વ્હાઇટ સંપાદિત ‘આસ્પેક્ટ્સ ઓવ ફોર્મ: એ સિમ્પોઝિયમ ઓન ફોર્મ: ઇન નેચર એન્ડ આર્ટ’માં કહેવામાં આવ્યું છે કે ‘ફોર્મ’ શબ્દના ઘણા સંકેતો છે: એ અમુક સમ્બન્ધવ્યવસ્થાને સૂચવે છે,અમુક ઊપસી આવતી ભાતને માટે પણ એ વપરાય છે; સંઘટનના અર્થમાં પણ એ વપરાય છે, તો ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાનમાં જેને ‘કોન્ફિગરેશન’ કહે છે તે અર્થમાં પણ એ વપરાય છે. કેટલાક એને ‘સ્ટ્રક્ચર’નો પર્યાય ગણવાનું પણ ચાલુ રાખે છે. એમ.સી. બિયર્ડસ્લી એના પ્રખ્યાત પુસ્તક ‘એસ્થેટિકસ: પ્રોબ્લેમ્સ ઇન ધ ફિલોસોફી ઓવ ક્રિટિસીઝમ’માં કહે છે કે ‘રસકીય પદાર્થનું ફોર્મ એટલે એનાં ઘટકો વચ્ચેની આખી સમ્બન્ધશૃંખલા.’ પ્રેમિન્જરની ‘એન્સાઇક્લોપેડિયા ઓવ પોએટ્રી એન્ડ પોએટિક્સ’માં ‘ફોર્મ’ એટલે ધકવિતા જેને વિશે રચાઈ છે તે નહિ, પણ એ જે રીતે રચાઈ છે તે’ એવું કહેવામાં આવ્યું છે. પોલ ફુસેલ સમ્પાદિત ‘પોએટિક મિટર એન્ડ પોએટિક ફોર્મ’માં ‘એટલે વાચક વડે ઓળખાતી અને એના પર પ્રભાવ પાડતી કવિતામાંથી ઊપસી આવતી ભાત’ એવું કહેવામાં આવ્યું છે. આ ભાતનું વાચકને અસમ્પ્રજ્ઞાતપણે ભાન થતું હોય, બુદ્ધિપૂર્વક એ થતું હોય એમ ન પણ બને. એ પુનરાવર્તન પામતી અર્થપૂર્ણ એવી ‘ફ્રેઇમ’ છે. અમેરિકી વિવેચક કેનેથ બર્ક એમના પુસ્તક ‘કાઉન્ટરસ્ટેટમેન્ટ’માં કંઈક જુદા દૃષ્ટિકોણથી જોતાં કહે છે કે ‘ફોર્મ’ એટલે ભાવકના મનમાં થતું રસ માણવાની ઇચ્છાનું નિર્માણ અને એની પૂરતી માત્રામાં થતી તૃપ્તિ.
આમ આપણે જોઈએ છીએ કે આવી સંજ્ઞાની અસન્દિગ્ધ વ્યાખ્યા આપવાનું લગભગ અશક્ય છે. આમ છતાં આ વિભાવનાઓ અર્થપૂર્ણ અને ઉપયોગી છે એ વિશે વિવેચકોએ ઝાઝી શંકા સેવી હોય એવું માનવાને કારણ નથી. ક્રોચેએ તો કહી દીધું હતું, ‘રસકીય દૃષ્ટિએ મહત્ત્વની વસ્તુ તે ‘ફોર્મ’ છે, એ સિવાય બીજું કશું જ નહિ.’ એથી આગળ વધીને એણે કહ્યું છે, ‘માત્ર ફોર્મનું અસ્તિત્વ છે.’ વાલેરીએ પણ બહુ સૂચક રીતે નોંધ્યું છે, ‘જે બીજા કોઈને મન ‘ફોર્મ’ છે તે મારે મન ‘કન્ટેન્ટ’ છે. આથી એટલું તો પુરવાર થાય છે કે આ સંજ્ઞા આલોચનાપ્રવૃત્તિમાં મહત્ત્વનો ભાગ ભજવતી રહી છે. આથી જ તો આપણને આશ્ચર્ય થાય છે કે રૂપરચનાની વિભાવનાને ચોકસાઈપૂર્વક નક્કી કરવાના પ્રયત્નો થતા રહેતા હોય છે ત્યારે એમાં અન્તર્ગત રહેલી કેટલીક ગૂંચોનો વિચાર કેમ થતો નથી! એને કારણે આ આખી પ્રવૃત્તિ જ શંકા જન્માવે એવી નથી બની રહેતી?આર્થર મૂરે આ પ્રશ્ન ઉઠાવીને થોડીક મહત્ત્વની ચર્ચા કરી છે તેની અહીં નોંધ લેવી જોઈએ.
કોઈ પદાર્થના રૂપ વિશે વાત કરવી એટલે એના સારભૂત તત્ત્વને જાણવું એવો દાવો કરવો, એના અન્તર્ગત સિદ્ધાન્તને જાણવો અને એ જ કારણે એનું આલોચનાત્મક પરીક્ષણ કરવાની સ્થિતિમાં હોવું. જે સ્વયંસ્પષ્ટ નથી તેને જાણવાનો દાવો કરીએ ત્યારે આ બધું કરવાની આપણામાં ક્ષમતા છે એમ માની જ લેવાનું રહે છે. એ માટે અસાધારણ પ્રકારની સંવેદનપટુતા આન્તરસૂઝ અને ગ્રહિષ્ણુતા હોય એટલું જ બસ નથી. એની, દૃઢ સંગીન ભૂમિકા પણ સ્થાપી આપવી જોઈએ. પદાર્થના ‘ફોર્મ’નું જ્ઞાન આપણે ગમે તે રીતે પ્રાપ્ત કરીએ એ વસ્તુના પૂર્ણ જ્ઞાનનું સ્થાન તો ન જ લઈ શકે,એ રીતે જોતાં એ થોડું ઊણું ઊતરે એ તો સ્પષ્ટ જ છે. આવી મર્યાદાનું કારણ એ છે કે સૈદ્ધાન્તિક દૃષ્ટિએ આપણે રૂપને અદ્વિતીય ગણીએ તોય એને સમ્પૂર્ણતયા જાણી લઈ શકાય નહિ. એના આ કે તે પાસાને જાણી શકાય અને એમ કરવા જતાં એ ગોચર થતા પદાર્થના અમુક રૂપાન્તરની (ભલે વિકૃતીકરણની નહિ) જરૂર ઊભી થાય છે. આ જ કારણે,રૂપ વિશેના પૂર્ણ જ્ઞાનનો દાવો ટકી શકે નહિ. છતાં જો કરવામાં આવે તો એ અર્થહીન જ નીવડે છે.
વિવેચકને (વિવેચક તરીકે, ફિલસૂફ તરીકે નહિ) રૂપ વિશેની વિચારણા જુદી જુદી ત્રણ પરિસ્થિતિમાં કરવાની આવે છે: સર્જકે કૃતિનાં ઘટકોના સમ્બન્ધની જે વ્યવસ્થા કલ્પી હોય તે એણે ધ્યાનમાં રાખવાની રહે છે; એની પોતાની આન્તરસૂઝ જે રીતે કૃતિને પ્રત્યક્ષ કરે છે તેને એણે તપાસવાની રહે છે; એની આલોચનાત્મક વિચારણાને તર્કસંગત બનાવનાર ‘મોડેલ’ તરીકે પણ વિચાર કરવાનો રહે છે. આ ત્રણ પાસાં આમ આપણે આપણી વિચારણાની સગવડ માટે જુદાં પાડીએ છીએ, પણ સાહિત્યપદાર્થના પ્રત્યક્ષીકરણ વચ્ચે એનો આપણે એ રીતે જુદો જુદો વિચાર ન પણ કરતા હોઈએ; આમ છતાં તાકિર્ક સીમાથી એ જુદાં તો પડે જ છે. આ સ્પષ્ટ કરવાની જરૂર એટલા માટે છે કે વિવેચકો,એમને પણ ખબર ન હોય એ રીતે, આલોચનાને જુદે જુદે તબક્કે જુદાં જુદાં પાસાં પર મૂકતા હોય છે. સર્જકની દૃષ્ટિએ રૂપ એટલે કૃતિનાં ઘટકો વચ્ચેના સંભવિત સમ્બન્ધોની એણે યોજેલી વ્યવસ્થા એવું ગૃહીત આપણે પહેલેથી સ્વીકારી લઈએ, તેમ છતાં એનો અર્થપૂર્ણ વિનિયોગ આલોચનાની પ્રવૃત્તિમાં કરવો હોય તો કૃતિની રચનામાં જે પ્રવેશતું હોય તેની શોધ કરવી, એ બધું નોખું નોખું કરીને જોવું અને એ બધાંનું તારતમ્ય નક્કી કરવું. આ પ્રવૃત્તિને ટાળી શકાય નહિ. અહીં જેને ‘ઇન્ટેન્શનલ ફૅલસી’ કહેવામાં આવે છે તેનાથી બચીને ચાલવાની સાવધાની રાખવાની રહે છે. જો એવી સાવધાની ન રાખવામાં આવે તો મૂળ હેતુ જ માર્યો જાય. સાહિત્યિક કૃતિને અનુભવગોચર બનાવવાની પ્રક્રિયા દરમિયાન વિવેચક, એના અસ્તિત્વને માટે અનિવાર્ય એવા, રૂપ(બીજી અસન્દિગ્ધ સંજ્ઞાને અભાવે એ જ સંજ્ઞા વાપરીએ તો)ને સમ્મુખ કરે છે; પણ એની પાસે જે સાધનસામગ્રી છે તે આવા અનુભવમાં રહેલા સમયના તત્ત્વને આલોચનાની ક્રિયામાં પ્રકટ કરી આપવા માટે પૂરતી હોતી નથી. સાહિત્યિક કૃતિનો અનુભવ તે ક્ષણક્ષણનો હોય છે. એ આગલી ક્ષણમાંથી અમુક બાદ કરતો જાય છે કે ઉમેરતો જાય છે અને એને કારણે બર્ગસોં જેને વાસ્તવિકતાનું પ્રવહમાન સાતત્ય કહે છે તેની છાપ ઊભી કરે છે. એક ક્ષણ પછી ક્ષણ આવતાંની સાથે રૂપ પણ બદલાવું જ જોઈએ. પણ આપણી સ્મૃતિ પ્રવાહના આ નાના નાના અંશોને પૃથક્પણે સંઘરવા સામે બળવો કરે છે. સ્મૃતિની આ ચમત્કારી ઊણપને કારણે જ આપણે અસંક્ષુબ્ધ પ્રવાહનો અનુભવ કરીએ છીએ અને કૃતિને જાણે એકી સાથે ઉપલબ્ધ કરી શકીએ છીએ. આ રીતે રૂપાન્તરિત થયેલી સાહિત્યકૃતિને આપણે વસ્તુલક્ષી દૃષ્ટિએ વર્ણવી શકીએ છીએ; પણ સાથે સાથે એ પણ નોંધવું મહત્ત્વનું છે કે જેની દ્વારા વિવેચક કૃતિના વર્ણનને તર્કસંગત બનાવે છે તે રૂપ તે એની જેને આન્તરસૂઝથી ઉપલબ્ધિ થઈ હતી તે રૂપથી જુદું છે; અને એ સર્જકને અભિપ્રેત રૂપથી (એનો જેટલી માત્રામાં આપણે ખ્યાલ મેળવી શકીએ તેટલે અંશે) પણ જુદું હોય છે.
સાહિત્યની કશી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરવો તે જોખમભર્યું તો છે, છતાં એ વિશેની આપણી સમજને પ્રકટ કરવા આપણે જુદે જુદે પ્રસંગે,આપણા તત્કાલીન પ્રયોજન અનુસાર, કંઈક તો કહેતા જ હોઈએ છીએ. એ રીતે અહીં સાહિત્ય વિશે કહીએ તો એ શાબ્દિક સંકેતોની એક શૃંખલા છે જે ભૌતિક દૃષ્ટિએ કશાનું અનુકરણ કરતી નથી, પણ ભાષાની રૂઢિ અનુસાર અમુક માહિતીને (કથયિતવ્યને) ઉકેલી આપે છે એવું ઝાઝું જોખમ ખેડ્યા વિના કહી શકાય. મૂળ સાહિત્યકૃતિમાંના આવા શાબ્દિક સંકેતોની સમગ્રતા એક અદ્વિતીય એવી શબ્દવ્યવસ્થાને મૂર્ત કરે છે જે વાસ્તવિક કે બીજાને બદલે અનુભવેલી એવી સંવેદનાને પ્રમાણિત કરે છે અને એની સાથે કાર્યકારણનો સમ્બન્ધ ધરાવે છે. આ શાબ્દિક સંકેતોની વ્યવસ્થારૂપ સાહિત્ય તે અનુભવનું પરિણામ નથી, પણ એને માટેની ભૂમિકા છે, આલોચક એક વાચક તરીકે જે અનુભવે છે તે તો ભાષા છે, એની સહજ સૂઝથી એની વિચાર અને લાગણી પરત્વેની ગભિર્ત ક્ષમતાનું એ આકલન કરી લેતો હોય છે. આ સાહજિક સૂઝ કૃતિના પ્રવહમાન સાતત્યની એક પછી એક ક્ષણ અનુભવાતી જતી હોય છે તેને પરિણામે જે ગૃહીતો સંચિત થતાં આવે છે તેને આધારે ઘડાતી આવે છે. આ દરમિયાન, સાહિત્યકૃતિના અનુભવના પ્રારમ્ભથી જ, એક સુસંગત વ્યવસ્થા પણ સમજાતી આવે છે; જો એમ નહિ બને તો કૃતિનું આકલન શક્ય જ બને નહિ. જેમજેમ આગળ વાંચતા જઈએ તેમ તેમ અમુક ગૃહીતો બાદ થતાં આવે ને અમુક ઉમેરાતાં આવે; આ બધું નક્કી કરનારું તત્ત્વ તે કૃતિ પરત્વેની પ્રસ્તુતતા જ હોઈ શકે;અને એ રીતે જેને આપણે સાહજિક સૂઝ કહીએ છીએ તે પણ સંસ્કારાતી આવે છે. કૃતિના અનુશીલનની પ્રક્રિયા સાહજિક સૂઝને ક્રમશ: સમ્પૂર્ણ બનાવતી જાય; આ વિકસેલી સૂઝને કૃતિની અખશડતા સાથે સમ્બન્ધ હોય છે. આથી એવું બને કે એ સાતત્યમાંથી અમુક ક્ષણોને એ અમુક અંશે ખોટી પણ ઠેરવે. સહજ સૂઝની વિકસવાની પ્રક્રિયાને લક્ષમાં લેતાં આ સમજી શકાય તેમ છે. આ અખણ્ડ કૃતિને વિશેની સહજ સૂઝથી થતી ઉપલબ્ધિને બુદ્ધિથી તર્કસંગત રીતે રજૂ કરીએ પછી એ ‘મોડેલ’ બની રહે છે અને એ રીતે કૃતિના વર્ણનના અર્થઘટનનાં અને મૂલ્યાંકનનાં બધાં જ વિધાનો એના જ અનુલક્ષમાં થતાં હોય છે. કૃતિનાં જે પાસાં વિવેચનને માટે સુલભ છે તેને લક્ષમાં રાખીને કહીએ તો સાહિત્યકૃતિનું ‘ફોર્મ’ તે ચિત્તનાં રસકીય લક્ષણો ધરાવતી ભાષા સાથેના થતા રહેતા સન્નિકર્ષ દરમિયાન ઘડાતાં આવતાં ગૃહીતોનો સમવાય છે એમ કહી શકાય, આ ગૃહીતોની વ્યવસ્થાને કારણે કૃતિની અંદરનાં ઘટકોની સમ્બન્ધની વ્યવસ્થા રચાય છે જે કેટલીક વાર કૃતિની ‘કન્ટેન્ટ’ પૂરેપૂરી રીતે પ્રકટ કરતી દેખાય છે. બુદ્ધિગ્રાહ્ય ‘કન્ટેન્ટ’ને ‘ફોર્મ’ની પૂર્વાપેક્ષા હોય છે (એને જોનાર કોઈ હોય કે ન હોય તોય), તો તો ‘ફોર્મ’ની વિભાવના બુદ્ધિજન્ય હોય છે; એમાં પ્રચ્છન્નને પ્રકટ કરવું તથા શોધ કરવી – એ બન્ને પ્રક્રિયાઓ ચાલતી હોય છે.
વિજ્ઞાનમાં પણ પ્રમેયોની રચના કંઈક આ જ રીતે થતી હોય છે. પણ સાહિત્યિક રૂપની વિભાવનામાં સામાન્ય રીતે અદ્વિતીય અને લાક્ષણિક બન્નેની નોંધ લેવાની હોય છે, અને આને કારણે એના પ્રમાણ માટે સર્વસંમતિનો જ આશ્રય લેવાનો રહે છે. જેને નમૂનારૂપ પૃથક્કરણ લેખી શકાય એમાં રૂપગત ગૃહીતો પણ એવાં તો વિવાદાસ્પદ હોય છે કે વિવેચનને શાસ્ત્રીય પ્રવૃત્તિનું કે જ્ઞાનની એક શાખા લેખેનું સ્થાન આપતાં આપણે ખંચકાઈએ. સૈદ્ધાન્તિક દૃષ્ટિએ આવી પરિસ્થિતિને નિવારવાને શું કરી શકાય તે વિચારવું જોઈએ. સાહિત્યપ્રકાર(genre) વિશેની વિચારણામાં દરેક પ્રકારની સીમા નિશ્ચિત કરવાનો પ્રયત્ન થતો હોય છે. એ રીતે એમાં એના નિશ્ચિત અને પ્રમાણિત કરી શકાય એવા સ્વરૂપની વાત થતી હોય છે; આમ તો જે સામગ્રીનો અહેવાલ એને આપવાનો હોય છે તે પૂરતી તો એ બરાબર છે એમ કહી શકાય, પણ સાહિત્યના પ્રકાર પરત્વેની વિભાવનાઓ અદ્યતન સાહિત્યમાં સારું એવું પરિવર્તન પામતી જાય છે, આથી હવે એની મર્યાદાઓ સ્પષ્ટ થતી આવે છે. ઇબ્સન પછીથી લખાતી કરુણાન્તિકાઓને એરિસ્ટોટલે આપેલાં ધોરણો અનુસાર તપાસતાં નિરાશા જ થશે, જૂની સંજ્ઞાઓ ચાલુ રહી છે, પણ એના સંકેતો ક્રમશ: બદલાતા રહ્યા છે. એથી ચોકસાઈભરેલું નહિ પણ સામાન્ય સ્વરૂપનું એવું કૃતિઓનું વર્ગીકરણ માત્ર થઈ શકે છે. હવે એ લક્ષણોથી કૃતિના સ્વરૂપનો નિર્ણય હંમેશાં થઈ શકતો નથી. આપણે ‘લિરિક’નો જ દાખલો લઈએ. એમ.એ.ના અભ્યાસક્રમમાં કાવ્યસ્વરૂપ લેખે એનો અભ્યાસ કરાવવા જતાં એમાંથી શું બાદ કરવું, એટલે કે અમારે ‘લિરિક’ કોને ગણવું અને ન ગણવું એવો જટિલ પ્રશ્ન ઊભો થયો હતો. અદ્યતન કવિતામાં આ ‘લિરિક’નાં જ સૌથી વધુ સ્વરૂપો ખીલ્યાં છે. પ્રાચીન કાવ્યસિદ્ધાન્તમાં ‘લિરિક’ની વ્યાખ્યા માટેની કોઈ સૈદ્ધાન્તિક ભૂમિકા આપણને સાંપડતી નથી, ત્યારે કદાચ એને જુદા કાવ્યપ્રકારની માન્યતા મળી પણ નહિ હોય. ત્યાર પછી પણ એ સંજ્ઞાને અમુક ચોક્કસ લક્ષણો કે સંકેત પ્રાપ્ત થયાં નથી. સોનેટ, બેલાડ, ઓડ વગેરે કહેવાય છે પણ તે આંશિક વર્ણન જ કહેવાય. એથી આખો ‘લિરિક’નો પ્રકાર આવરી લઈ શકાતો નથી. સોનેટને એનાં લક્ષણોથી ઝટ દઈને ઓળખાવી શકાય એ ખરું, પણ એ તો એક વર્ગનો પરિચય થયો. પણ અમુક એક વિશિષ્ટ સોનેટના રૂપ વિશે શું કહી શકાશે?જે નિયત લક્ષણો છે અને એમાં પારસ્પરિક પ્રતિક્રિયાની માત્રા ઓછી હોય છે. ચૌદ પંક્તિઓ, અમુક પ્રકારની પ્રાસરચના, અમુક સ્થળે આવતો વળાંક – આવાં લક્ષણો છે. એથી અમુક વિશિષ્ટ સોનેટની કૃતિમાં રૂપ શી રીતે અને કેવું સિદ્ધ થાય છે તે વિશે ભાગ્યે જ કશું કહી શકાશે. વિવેચક નિયત લક્ષણોને આધારે અમુક કૃતિ સોનેટવર્ગની છે એમ તો ઝટ કહી શકે પણ એવી છન્દોરચના, અલંકારરચના વગેરે એકબીજાના પર કેટલી રીતે અસર કરે છે તેની ચર્ચા,એને આધારે, એ કહી નહિ શકે; એ ઘટકોનો એ કૃતિની અખણ્ડતા સાથે શો સમ્બન્ધ છે, એની સમર્પકતા કેટલી છે તે એ કે કાવ્યનો પ્રકાર નક્કી કરનાર ધોરણ એનું કાવ્યત્વ નક્કી કરવાના કામમાં આવતાં નથી.
સાહિત્યપ્રકારના સિદ્ધાન્તનો આમ નિર્ણાયક તત્ત્વ લેખે ખપ કેટલો?‘ફોર્મ’ને પ્લેટો જેને કૃતિનું સારભૂત તત્ત્વ કહેતો હતો તે લેખીએ કે એરિસ્ટોટલની દૃષ્ટિએ સાહિત્યપ્રકારને નક્કી કરનારું તત્ત્વ ગણીએ એને નોખું પાડીને જોઈ શકીએ ખરા?મોટા ભાગના વિવેચનાત્મક લખાણમાં ‘ફોર્મ’ અને ‘કન્ટેન્ટ’ને જુદાં રાખીને જોવાનું સ્વીકારાયેલું લાગે છે, જો કે રસકીય દૃષ્ટિએ એનો સદા વિરોધ થતો રહ્યો છે. સાહિત્યપ્રકારનાં લક્ષણોથી વિશિષ્ટ કૃતિનો પરિચય ન મળતો હોય તો ‘ફોર્મ’ની વિભાવના એ પરત્વે ઉપયોગી નીવડે ખરી, એને કાંઈ નહીં તો કામચલાઉ ઉપપત્તિ લેખે લઈ શકાય. બીજી કૃતિ પરત્વે એનો જ આગ્રહ રાખવાનું વલણ રાખીએ નહિ તો ચાલે. આ રીતે જોતાં ‘ફોર્મ’ કૃતિનાં વર્ણન અને અર્થઘટનના પાયા લેખે પૂરી શ્રદ્ધેયતા કદાચ ધરાવતું નહિ હોય, તેમ છતાં એની ઉપયોગિતા સાવ નકારી કાઢી શકાશે નહિ. વિવેચકો એવી દલીલ પણ કરે કે શબ્દવ્યવસ્થાની બુદ્ધિગમ્યતા જ ‘ફોર્મ’ના અસ્તિત્વની નિ:શંકતા સ્થાપી આપે છે અને એથી એની તપાસ થઈ શકે. આમ છતાં ભાષા બુદ્ધિગમ્યતાને અને ‘ફોર્મ’ની સમ્ભવિતતાને જ પ્રકટ કરે છે. ‘ફોર્મ’ની સહજ સૂઝ સાહિત્યિક કૃતિના સાતત્યની પ્રવહમાનતાના અનુભવ પર આધાર રાખે છે, આથી એની વસ્તુલક્ષી પ્રામાણ્યતા સ્થાપી આપી શકાય નહિ; તો કોઠાસૂઝને આધારે પણ એને પ્રમાણિત કરી શકાય નહિ. જો ‘ફોર્મ’ સ્વયંસ્પષ્ટ જ હોય અને જે ગૃહીતોને આધારે એ રચાતું હોય છે ને વિવેચનાત્મક નિર્ણયોને નક્કી કરી શકે એમ હોય તો પછી એક કૃતિ વિશે સાવ જુદો પડતો અને છતાં વાજબી લાગે એવી છાપો વિશે શો ખુલાસો કરવો?વાસ્તવમાં ‘ફોર્મ’ સ્વયંસ્પષ્ટ હોતું નથી અને વિવેચકો સામાન્ય રીતે એમને જે ‘ફોર્મ’નું જ્ઞાન છે તેની વસ્તુલક્ષી પ્રામાણ્યતાનો દાવો કરતા નથી. વિવેચકોના મન્તવ્યમાં જે ભિન્નતા હોય છે તે એમણે સ્વીકારેલા જુદા જુદા ‘મોડેલ’ને કારણે હોય છે અને એનું મૂળ આત્મલક્ષી પ્રત્યક્ષોને આધારે લેવાતા નિર્ણયોમાં હોય છે.
એતદ્: ઓગસ્ટ, 1982
*
વિવેચકો રૂપરચના વિશે કહેતા હોય છે ત્યારે એમાં જે સન્દિગ્ધતા કે અસ્પષ્ટતા આવે છે તેને માટે ‘ફોર્મ’ની વસ્તુલક્ષી પ્રામાણ્યતાના સમ્ભવિત અભાવને જવાબદાર લેખીએ તે યોગ્ય નથી,કારણ કે ખાસ હેતુથી સ્વીકારવામાં આવેલા પૂર્વસિદ્ધાંત(hypothesis)ને, આપણે એ સાંભળતાંવેંત કેટલો સાચો લાગે છે, એ કેટલું એનામાં સમાવિષ્ટ કરી શકે છે, તેને આધારે મૂલવી લેતા હોઈએ છીએ. વાસ્તવમાં વસ્તુલક્ષી પ્રામાણ્યતા અહીં એટલી મહત્ત્વની નથી પણ કૃતિનાં ઘટકો વચ્ચેની સમ્બન્ધશૃંખલાને સ્પષ્ટ કરી આપતું પૃથક્કરણ મહત્ત્વનું છે. કન્ટઢ્ઢન્ટ પોતે કન્ટેન્ટ લેખે કશું મહત્ત્વ ધરાવી શકે નહિ, એને મહત્ત્વ પ્રાપ્ત થાય છે તે તો એમાં રહેલા કાર્યકારણના કે અન્ય પ્રકારના સમ્બન્ધો વિશે આપવામાં આવતા અભિપ્રાયને કારણે. એક કૃતિને વિશેના આ પરત્વેના અભિપ્રાયોને સામાન્ય સ્વરૂપનાં વિધાનો તરીકે રજૂ કરી શકાય અને એ રીતે એમાંથી રૂપરચના પરત્વેની દલીલોને જુદી તારવી લઈ શકાય. પણ કોઈ કૃતિનું ‘ફોર્મ’ તે આવાં સાહિત્યિક કાર્યકારણો વિશેનાં વિધાનોનો સરવાળો નથી, એ તો એક અત્યન્ત સંકુલ વસ્તુ છે. એમાં આવી દલીલો એકબીજા સાથેના સમ્બન્ધમાં આવીને એકબીજાને સંસ્કારતી હોય છે. ઇન્દ્રિયપ્રત્યક્ષનો જે વિષય હોય છે તે પણ એને સંસ્કારે છે. કૃતિમાંની શબ્દાર્થ પરત્વેની, વ્યાકરણગત, શ્રુતિગત કે અલંકારને અંગેની વીગતો વિશે છૂટક છૂટક રીતે કંઈક અંશે નિશ્ચિતપણે, કદાચ સામાન્ય સ્વરૂપનાં વિધાનો આપણે કરી શકીએ, પણ એ પૈકીના એક્કેય ઘટકનો પ્રભાવ બીજાં ઘટકો વિશે નિશ્ચિત બન્યા વિના વરતી શકાતો નથી. વાસ્તવમાં આવું ભાગ્યે જ બની શકતું હોય છે. જો બનતું હોત તો ભૂમિતિના પ્રમેયમાં અને કવિતામાં કશો ભેદ જ નહિ રહ્યો હોત. આમ કૃતિનો સમગ્રતયા પડતો પ્રભાવ અનેક અંગોના પારસ્પરિક સમ્બન્ધમાં આવવાની પ્રક્રિયા પર આધાર રાખતો હોય છે. ઓજસ ગુણવાળી ભાષા પ્રયોજી હોય પણ એને માટે છન્દ ગુરુલઘુના બીજનાં આવર્તનોવાળો પ્રયોજ્યો હોય તો કરુણનો એટલો પ્રભાવ નહિ પડે; છન્દોરચનામાં ભારે કૌશલ્ય દાખવ્યું હોય પણ તે કશી રેઢિયાળ વાત માટે તો એ વ્યર્થ જ જાય. ‘ફોર્મ’ની ચર્ચા કરતી વખતે વિવેચક આવી બધી વીગતોનો ઉલ્લેખ કરે, અને એ વીગતો વચ્ચેના સમ્ભવિત પારસ્પરિક સમ્બન્ધોને પારખી લીધાનો દાવો કરી શકે નહિ. તેમ છતાં એણે પોતે આ બધાંનું અખણ્ડ રૂપે આકલન કર્યું હોય એમ બને અને એને પરિણામે કૃતિના ‘ફોર્મ’નો એને સાક્ષાત્કાર થઈ શક્યો હોય એવું બને. આ અખણ્ડતા માટે જે ‘મોડેલ’ એના ધ્યાનમાં હોય છે તે આ પ્રકારની પર્યેષણાના પરિણામ રૂપે હોય છે; અને એ કારણે એની સમજૂતી આપી શકાવી જોઈએ. આમ છતાં, આલોચનાત્મક પૃથક્કરણોમાં કે સાદામાં સાદી સાહિત્યિક ઘટનામાં પણ જે ‘મોડેલ’ને ધ્યાનમાં રાખવામાં આવ્યાં હોય છે તે એવી તો, સૂક્ષ્મ સમ્બન્ધોની સંકુલતાવાળાં હોય છે કે એથી ઘણી જટિલ સમસ્યાઓ ઊભી થાય છે. આવા સંજોગોમાં વિવેચકો, જે સાહિત્યને ‘જાણવાને’ અનિવાર્ય ગણતા હોય તેને વિશે પણ, જો અનિશ્ચિતપણે બોલતા હોય તો નવાઈ પામવા જેવું નથી.
ખોટાં સાદૃશ્યોના પાયા પર કરેલી દલીલો અને દેખીતી રીતે જેનો ચર્ચામાં સમાવેશ થવો ઘટે તેને બાદ રાખવું – આ કારણે ‘ફોર્મ’ વિશેની ચર્ચામાં ત્રુટિ પ્રવેશે છે. એથી કેટલીક વાર આપણને એવું આશ્ચર્ય પણ થાય કે વિવેચકો આ આલોચનાની પ્રવૃત્તિ આ પછીની વિવેચનપ્રવૃત્તિમાં જે સૂચિતાર્થોને પ્રકટ કરશે તેના ખ્યાલ સાથે કરતા હશે ખરા?ઘણા વિવેચકો પોતાનાં ગૃહીતોની સમ્ભવિત ઉપપત્તિઓ વિચારવા રહેતા નથી, આથી પછીથી ઘણી વાર પોતાનાં જ વિધાનો સાથે વિરોધાભાસ ઊભો કરી બેસે છે. વિવેચનની પ્રવૃત્તિ નરી આકસ્મિક ઘટના બનતી રહે છે, એમાં ક્રમિકતા કે સળંગસૂત્રતા દેખાતી નથી. ઘણી વાર સાદૃશ્યો કે રૂપકોની બીજાં ક્ષેત્રમાંથી લઈને વાત કરવામાં આવે છે ત્યારે આવી મુશ્કેલી ઊભી થાય છે. એમણે સ્વીકારેલા ‘મોડેલ’ની પાછળ રહેલી ભૂમિકા તથા દલીલોને એઓ પૂરેપૂરી સ્પષ્ટ કરતા નથી. કૃતિની રચનાનાં અમુક ઘટકોનો નિર્દેશ કરી દીધાથી ‘ફોર્મ’ વિશેની વાત થઈ ગઈ એવું કેટલાક માનતા હોય છે. કોઈ કૃતિમાં વ્યંગના કાકુ છે એમ કહીએ, એની બાનીમાં વાગાડમ્બર છે એમ કહીએ, એમાં આવતાં કલ્પનો મોટે ભાગે ચાક્ષુષ કે શ્રુતિગોચર છે એમ કહીએ,પણ એ બધાં કેવા પ્રકારની સમ્બન્ધશૃંખલાથી સંકળાય છે અને એથી કૃતિની સમગ્રતામાં શું નિષ્પન્ન કરી આપે છે એ જો ચર્ચ્યું નહિ હોય તો આપણે ‘ફોર્મ’ વિશે ઝાઝું કશું કહ્યું નથી એમ જ કહેવું પડે. વિવેચન પરત્વેની સૈદ્ધાન્તિક જવાબદારી ગમે તે હોય, ‘ફોર્મ’ વિશે પૂરેપૂરી ચર્ચા કરવાનું એને માટે શક્ય નથી; તેવી જ રીતે સહજસ્ફુરણાથી અનેક પ્રકારની સામગ્રીનું સંયોજન કરીને જે ‘ફોર્મ’ પ્રત્યક્ષ કરવામાં ઙ્ઘાવે છે એનો તર્કશ્રદ્ધેય અહેવાલ આપવાનું પણ પૂરેપૂરું શક્ય નથી. ઘણી વાર આ બધી વિગતોના સવિસ્તર અહેવાલની એવી જરૂર પણ હોતી નથી, કારણ કે અનેક સાહિત્યકૃતિઓના પરિશીલનને પરિણામે એની ઉપસ્થિતિ વિશે સહૃદય અજ્ઞાત હોતો નથી. કળાકૃતિ છે માટે એમાં અમુક તો અનિવાર્યતયા હોવું જ જોઈએ એવી એની સમજ ખીલી ચૂકી હોય છે. પણ કૃતિના વિવેચનમાં જેનું મહત્ત્વ છે એવી વીગતોની ચર્ચા થવી ઘટે. કારણ કે એ વિશે સામાન્ય રીતે મતૈક્ય પ્રવર્તતું નથી. એને વિશે વાત કરવાથી જ ઊહાપોહ વહોરી લેવાનો રહે છે. પણ એને ટાળવું તે પણ ખોટું છે. કેટલીક વાર ચર્ચાસ્પદ વિધાનો કરવામાં આવતાં હોય છે: ‘આ જેવા પ્રલમ્બ શ્રુતિવાળા સ્વરની પુનરાવૃત્તિથી કવિ અવકાશના વિસ્તારને સૂચવે છે. … છન્દોરચનામાં અનિયમિતતા જાણી કરીને લાવવાથી વાતચીતનો આભાસ ઊભો કરી શકાય છે… કે સમુદ્રના કલ્પનથી મરણ અને પુનર્જન્મ સૂચવાય છે જેવાં વિધાનો ચર્ચાસ્પદ બની રહે તે દેખીતું છે. આવાં વિધાનો લય વિશે વાત કરતાં વધારે પ્રમાણમાં થતાં જોવામાં આવે છે. એનું કારણ એ છે કે લયનાં સ્વરૂપ અને કાર્ય વિશે હજી પૂરી સ્પષ્ટતા દેખાતી નથી. કેટલીક વાર આવાં વિધાનો પાછળ વિવેચકની સૂઝ કામ કરતી દેખાય છે તે ખરું,પણ એ સૂઝની સીમાને ઉલ્લંઘી જવા જેવું પણ ઘણી વાર થતું હોય છે અને એથી ઊભી થતી આવી બધી પરિસ્થિતિઓમાં વિવેચક પોતાનો તાકિર્ક બચાવ કરી શકવાની સ્થિતિમાં હોતો નથી, પણ આ વિશે પૂરી જાગરુકતા કેળવવાની જરૂર છે.
કેટલીક વાર વિવેચકે સ્વીકારેલા અમુક સાહિત્યિક ‘મોડેલ’ને કારણે સમ્ભવિત અનુભવના મહત્ત્વના વિસ્તારને બાદ રાખવા જેવું પણ થાય છે. આ મર્યાદા કોઈ ઘટનાના શક્ય તેટલા બધા અંશોને શોધીને એનું તારતમ્ય નક્કી કરવાની માનવીય અશક્તિને કારણે જ હોય છે એવું નથી પણ તમે એકી સાથે બધા સમ્ભવિત દૃષ્ટિકોણોથી કોઈ ઘટનાને જોઈ શકતા નથી. એથી એમાંથી થોડું ઘણું તો બાકાત રહેવાનું જ. એક વસ્તુને એક રીતે જોઈએ અને બીજી રીતે જોતાં જે દેખાય તેને જતું કરીએ. કૃતિનાં સાદાં વર્ણનોથી જે કહેવાતું હોય છે તે ઘટકોને ગણાવવા જેવું કે યદૃચ્છયા ઓળખાવવા જેવું બની રહે. એ સારું છે કે કૃતિનું કોઈ પણ વર્ણન કેવળ યદૃચ્છાથી થતું નથી. એની પાછળ અમુક દૃષ્ટિકોણ તો રહ્યો જ હોય છે. કૃતિનું સુસંગત અને સુગ્રથિત વર્ણન એના ‘ફોર્મ’ને ઉપસાવી આપ્યાની છાપ પાડે છે. પણ એનો અર્થ એ નથી કે ‘ફોર્મ’ ‘કન્ટેન્ટ’ની પહેલાં કે ‘કન્ટેન્ટ’થી જુદું હોય. કૃતિને પ્રત્યક્ષ કર્યા વિના એનું વર્ણન થઈ શકે નહિ. ‘ફોર્મ’ જો કોઈ નિરપેક્ષપણે જોવામાં આવતા પદાર્થની અનિવાર્ય શરત હોય તો વિશિષ્ટ રૂપ વિના કોઈ પણ પદાર્થનાં લક્ષણો બાંધી શકાય નહિ. એ રૂપ સામગ્રીના મિશ્રણમાંથી અમુક બિનજરૂરી વીગતોને ચાળી નાખે છે અને જે બાદ કરી નાખવા જેવી લાગે તેને બાદ કરી નાખે છે. શાબ્દિક વ્યવસ્થામાં રહેલી બધી જ શક્યતાઓને તાગવાનો પ્રયત્ન કોઈ વિવેચક કરતો નથી, પણ એ પરોક્ષ રીતે એવો દાવો જરૂર કરે છે કે એણે સ્વીકારેલા ‘મોડેલ’માં બધા જ મહત્ત્વના સમ્બન્ધોનો સમાવેશ થતો હોય છે. એટલે કે, જે કંઈ નોંધી શકાય એવી અસર પાડે છે તેને લક્ષમાં લેવામાં આવે છે. વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવામાં આવતા ‘મોડેલ’માં પણ વીગતોની પસંદગી તો કરવામાં આવતી જ હોય છે અને એમાંથીય અમુક તો બાદ રહી જતું જ હોય છે, બે વચ્ચે ફેર એટલો જ છે કે વિજ્ઞાનમાં જે અસરો છે તે માપી શકાતી હોય છે અને તેથી ‘મોડેલ’ની કાર્યક્ષમતાને ચકાસી શકાતી હોય છે. જ્યારે સાહિત્યની બાબતમાં આ ‘મોડેલ’ અનેક રીતે વિવાદાસ્પદ બની રહેતા હોય છે. ચાળી નાખવામાં આવેલાં લક્ષણોનો પ્રશ્ન સીધી રીતે સાહિત્યિક વિવેચનમાં ઉઠાવવામાં નથી આવતો,તે છતાં સ્વીકારેલા ‘મોડેલ’ની કાર્યક્ષમતા પરત્વે એને લક્ષમાં તો લેવામાં આવે જ છે. જ્યારે કોઈ ‘મોડેલ’ પરત્વે આવો દાવો કરવામાં આવે છે ત્યારે ઘણુંખરું એકતા કે સુગ્રથિતતાના ગુણનો પુરાવો રજૂ કરવામાં આવે છે; કેટલાક સ્વયંસ્પષ્ટ સિદ્ધાન્તોને આધારે સમગ્ર પુદ્ગલના અંશોને એ સુયોજિત કરે છે એવું માનવામાં આવે છે. પણ આવી એકતા કે સુગ્રથિતતા તો કોઈ પણ ઇન્દ્રિયપ્રત્યક્ષમાં હોવાની જ: એટલે આવી પરિસ્થિતિમાં વિવેચકે પોતે સ્વીકારેલા ‘મોડેલ’ને બીજા વિકલ્પ કરતાં વધુ સારા ગણાવવાને આ રીતે વર્તતા હોય છે. શાબ્દિક સંકેતોની શ્રેણીને સુગ્રથિત કરવાની શક્તિ જે ‘મોડેલ’માં હોય તે ઇચ્છનીય એ સાચું, પણ એથી એની વિશિષ્ટ પ્રમાણભૂતતા સ્થાપિત થતી નથી.
શાબ્દિક સંકેતોની ક્રમબદ્ધ શ્રેણી ‘જોઈ શકાય એવી’ હોય છે, અને તેથી ‘ફોર્મ’ લેખે એનું વર્ણન થઈ શકે છે પણ ભાષાની અનિશ્ચિતતાને ઉલ્લંઘી જવામાં આ ‘જોવા’ પર એવી મર્યાદાઓ મૂકી દેવાય છે કે એ વર્ણન અનિવાર્યતયા આંશિક અને પૂર્વગ્રહયુક્ત બની જાય છે. સુસંગત લેખી શકાય એવું વર્ણન પણ જો આ રીતે દૂષિત બનતું હોય તો એનો અર્થ એ થયો કે વિવેચન સમર્થન પ્રાપ્ત કરે એવો આરમ્ભ કરવામાં સફળ નીવડ્યું નથી. વિવેચનને આંશિક રીતે જ ‘ફોર્મ’ ઉપલબ્ધ થતું હોય છે એવું વિધાન, આમ છતાં, પડકારવા જેવું તો છે જ, કારણ કે એમ કહેતા હોઈએ છીએ ત્યારે આપણે સર્જકની, સુસંગતિ સિદ્ધ કરીને ઓળખી શકાય એવું રૂપ રચી આપવાની શક્તિને લેખામાં લેતા નથી. સર્જકની આવી સિદ્ધિ સ્વયંસ્પષ્ટ હોતી નથી તે સાચું એથી જ તો કૃતિ પરત્વે વિભિન્ન મતો વિવેચનમાં પ્રવર્તતા દેખાય છે. ‘ફોર્મ’નાં જે પાસાંને આધારે કૃતિ સિદ્ધ થયેલી લાગે છે તે પણ જો તાકિર્ક અનુમાનથી પામી લઈ શકાતું હોય તોય એથી વિવેચકને કાર્યકર નીવડે એવા ‘મોડેલ’ની પ્રાપ્તિ શક્ય બનતી નથી, જે એના કૃતિના અનુભવ સાથે સુસંગત હોય. શાબ્દિક સંકેતોને બુદ્ધિગમ્ય એવા કેન્દ્રમાં તપાસ માટે સ્થાપી આપી શકે એવા ‘ફોર્મ’ની અપેક્ષા વિવેચકને હોય છે. એ ‘ફોર્મ’ અને સર્જકનું ‘ફોર્મ’ એક અને અભિન્ન હોય એમ કહેવું બેહૂદું છે. એ તો સર્જક અને વિવેચક એક જ હોય તો બને! અહીં એમ કહેવાનો આશય નથી કે વિવેચકો,એમની કેટલીક સ્વભાવગત વિલક્ષણતાઓને કારણે અને જ્ઞાનના ભિન્ન ઉદ્ગમસ્થાનને કારણે, લેખકે જે સિદ્ધ કર્યું હોય છે તેની પુનર્રચના કરતા હોય છે. જોકે એવું કોઈ વાર બનતું હોય છે પણ ખરું. આનો અર્થ એટલો જ કે વિવેચકો આલોચનાત્મક પૃથક્કરણ માટે જે ‘ફોર્મ’ની કલ્પના કરે છે તે ‘ફોર્મ’ને સર્જકની સર્જનપ્રક્રિયામાંથી હંમેશાં સમર્થન મળી જ રહેવું જોઈએ એવું વિવેચકોએ માનવું નહિ જોઈએ. સર્જકની રૂપરચનાનાં પ્રમાણ એની કૃતિમાં હોય છે જ પણ એ પૂરતાં થઈ પડતાં નથી. એટલાં પ્રમાણ વિના કૃતિની બોધગમ્યતા અને પ્રત્યાયનક્ષમતા સંભવે જ નહિ. વિવેચનની પ્રવૃત્તિમાં જે વર્ણનો આવે છે તેમાં જે સ્વયંસ્પષ્ટ જ છે તેના પર ઝાઝો ભાર મૂકવામાં આવતો નથી, એનો માત્ર નિર્દેશ કરવામાં આવે છે; કૃતિ પરત્વે નિર્ણાયક લેખી શકાય એવા અંશોને જ એ સવિશેષ લેખામાં લે છે. આ તબક્કે સર્જકને અભિપ્રેત રૂપ એટલું સ્પષ્ટ હોતું નથી; વિવેચકનું વર્ણન જો સુસંગત હોય તો એણે સ્વીકારેલા ‘મોડેલ’નું સમર્થન કરે છે અને એક રીતે એની વિવેચનપ્રવૃત્તિમાં એનો બચાવ પણ કરવામાં આવતો દેખાય છે. જો સાહિત્યકૃતિ માત્ર અમુક અમુક વિધાનાત્મક વાક્યોની બની હોય, જે ભાષાની શબ્દાર્થ પરત્વેની રૂઢિ અને વ્યાકરણ વ્યવસ્થાને વશ વર્તીને કરવામાં આવ્યાં હોય અને જે ઘટનાત્મક જગતની અમુક ઘટનાઓનો ફરી ફરી નિર્દેશ કરતાં હોય તો વિવેચક પોતાની વર્ણનપ્રવૃત્તિનું વધુ આગ્રહપૂર્વક સમર્થન કરી શકે. વૈજ્ઞાનિક અહેવાલમાં આવતાં વિધાનો આ પ્રકારનાં હોય છે. એમાં વસ્તુલક્ષી પ્રામાણ્ય સમ્ભવિત હોય છે. એ જ તો આવાં વિધાનોનું વ્યાવર્તક લક્ષણ હોય છે. સાહિત્યકૃતિને વિશે આવું કહી શકાશે નહિ; એ આત્મનિર્ભર હોય છે(રૂપરચનાવાદીનું આ તો એક મુખ્ય ગૃહીત છે);એનાં લક્ષ્યો સ્પષ્ટ અને રૂઢ હોતાં નથી. કેટલીક ઉપદેશાત્મક કૃતિઓને બાદ કરીએ તો સાહિત્યકૃતિઓ અમુક પૂર્વનિર્ણીત લક્ષ્યને સિદ્ધ કરવા રચાતી નથી;એ કૃતિઓ કશુંક નિશ્ચિત પરિણામ લાવવાને માટે સાધનરૂપ બની રહેતી નથી. સાહિત્યકૃતિ અનુભૂતિને નિર્દેશે છે; એની ભાષા અને એમાં રહેલી પદોની, કલ્પો કે પ્રતીકોની સમ્બન્ધવ્યવસ્થાની ભણીતિભંગીમાં વક્રતા હોય છે. એમાંના સન્દર્ભનો કે એમાંની સામગ્રીની રસકીય ક્રિયાશીલતાનો અસન્દિગ્ધ રીતે અહેવાલ આપી શકાય નહિ. વિવેચનમાં થતું વર્ણન ભાષાપરક હોય છે અને જો ભાષાના વ્યવહારની રૂઢિને આંતરીને ચાલવા જાય તો પોતાની પ્રવૃત્તિને જ ખોટી પાડવા જેવું કરે. વળી વર્ણન તો જે નિર્ણીત છે તેનું હોઈ શકે,પણ સાહિત્ય પહેલેથી અસ્તિત્વમાં હોય એવી કશી સમ્બન્ધવ્યવસ્થાથી નિર્ણીત થતું નથી; એ તો કૃતિનાં ઘટકો વચ્ચેના સ્થપાતા અન્વયથી, સર્જકે યોજેલી રૂપરચનાથી સિદ્ધ થાય છે. એનો આધાર સર્જકના અવ્યવહિત ઇન્દ્રિયપ્રત્યક્ષો હોય છે. આપણી કોઠાસૂઝ કૃતિના એક વર્ણનને બદલે બીજા વર્ણનને પસંદ કરે એમ પણ બને; પણ ‘ફોર્મ’નું પૂરું આકલન થવું શક્ય ન હોવાને કારણે દરેક વર્ણન અધૂરું તો લાગે જ.
સાહિત્યકૃતિનું આલોચનાત્મક વર્ણન એક અર્થમાં કૃતિને સમજાવીને વિશદ કરનારું હોય છે, તો સાથે સાથે એ પ્રક્રિયા દરમ્યાન જ કૃતિનું અર્થઘટન પણ થતું આવે છે. આમ આ વર્ણન કૃતિની સમજૂતી તથા એના અર્થઘટનની ભૂમિકા બની રહે છે. આમ છતાં કૃતિનું પૃથક્કરણ કરનારા (જેઓ કૃતિનું વર્ણન તો કરતા જ હોય છે)કૃતિને સમજાવવાનું માથે લેતા નથી એવું કહેતા રહે છે; તો કૃતિનું અર્થઘટન કરનારા એમ કહે છે કે તેઓ કૃતિનું પૃથક્કરણ કરતા હોતા નથી. વિવેચનમાં આ બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય છે (એટલું જ નહિ,એવી અપેક્ષા પણ રહે છે), પણ ‘ફોર્મ’ જે મૂંઝવણો ઊભી કરે છે તે આ બધી પ્રવૃત્તિઓને અલગ પાડી દે છે. પૃથક્કરણ કરનાર ભાષાનાં ઘટકોને જુદાં પાડે છે, એમની નિયન્ત્રિત કરનારી શક્તિ વિશે અનુમાન કરે છે અને એ ઘટકો વચ્ચે ફરીથી સમ્બન્ધ સ્થાપી આપે છે એની રૂપરચનાના પ્રશ્નને આધારે. આ ક્રિયાનેexplicationકહીને ઓળખાવાય છે, એને explanation કહેતા નથી. રૂપગત પૃથક્કરણ માટે explicationરૂઢ સંજ્ઞા વૈજ્ઞાનિક પદ્ધતિએ થતી રજૂઆત અને એને માટેનાં નિશ્ચિત ધોરણો પરત્વે વપરાય છે. હેમ્પેલ અને ઓપનહાઇગરે એ પરત્વેની અપેક્ષા આ પ્રમાણે રજૂ કરી છે, ‘દરેક કૃતિની સંગીન ટીકા માટે એ જરૂરી છે કે એ વિશેનાં વર્ણનાત્મક વિધાનો સર્વસામાન્ય નિયમોને વશ વર્તતાં હોય.’ પારિભાષિક સંજ્ઞાઓ વાપરીને કહીએ તો explanandumહંમેશાં explanansને વશ વર્તીને જ થાય. આ પરત્વે આ બન્ને ચિન્તકો કશા અપવાદને સ્વીકારતા નથી, પણ જ્ઞાનની કે માનવવિદ્યાની એવી શાખાઓ હોય જેમાં આવા સર્વસામાન્ય નિયમો નયે હોય, અનુમાનના પાયા તરીકે સ્વીકારેલી પ્રાથમિક સામગ્રી પરત્વે એકમત થવાનું સમ્ભવિત ન પણ હોય. વિવેચનમાં થતાં વર્ણનાત્મક વિધાનો રૂપરચનાનાં ગૃહીતોને અધીન રહીને કરવામાં આવતાં હોય છે. આ ગૃહીતોનું પ્રામાણ્ય નિયમોના પ્રામાણ્ય જેવું હોતું નથી. આ ઉપરાંત સાહિત્યિક ભાષામાં રહેલી સન્દિગ્ધતાનેય લેખામાં લઈએ તો પદ્ધતિ પરત્વેની આ સમસ્યાનું પૂરેપૂરું સન્તોષકારક નિરાકરણ થાય જ એવી અપેક્ષા રાખી શકાય નહિ. આની અપેક્ષાએ અર્થઘટન પરત્વે આવી મુશ્કેલીનો સામનો ઓછો કરવાનો આવે છે. એમાં કાર્યકારણની શૃંખલા ચુસ્ત રીતે ગોઠવી આપવાની રહેતી નથી. આનો અર્થ એવો નથી કે એમાં મુશ્કેલી છે જ નહિ. અર્થઘટનને વર્ણન કે સમજૂતીથી સાવ સહેલાઈથી છૂટું પાડી શકાય એમ નથી. અર્થઘટનનો હેતુ અર્થ જ તારવી આપવાનો હોય તો એને રૂપરચનાના પ્રશ્ન જોડે ઝાઝી નિસબત રહેતી નથી. અને આથી જ ભાષાવ્યવસ્થા જોડે પણ એને ઝાઝો સમ્બન્ધ હોતો નથી. વાસ્તવમાં અર્થઘટનાત્મક લખાણોનું ‘ફોર્મ’ એક અનિવાર્ય ગૃહીત બની રહે છે, પણ ‘ફોર્મ’ની વિભાવના જ એક ન ઉકેલાયેલી ગૂંચ છે, જેથી એક સ્વયંનિર્ભર આલોચનાત્મક પ્રવૃત્તિ લેખે અર્થઘટનને ઘણી મૂંઝવણ વેઠવાની રહે છે.
રસકીય પદાર્થની વિભાવના સાહિત્યિક અર્થઘટનને મહત્ત્વની રીતે ‘ફોર્મ’ સાથે સાંકળી દે છે, અને સાથે સાથે એની ભૂમિકા તથા એના લક્ષ્ય પરત્વે સંશય ઊભા કરે છે. અર્થઘટન બીજું ગમે તે હોય, એ કોઈ કૃતિના અનિવાર્ય લક્ષણને વિકૃત કરવાની પદ્ધતિ તો નથી જ. એ નક્કી થઈ ચૂક્યા પછી જ એની પ્રવૃત્તિ આરંભાય છે. આ એના સમ્ભવિત હેતુ અને એના વિશિષ્ટ પ્રકારના પરિણામને ધ્યાનમાં લઈને નક્કી થાય છે. અર્થઘટન માટે શાબ્દિક સંકેતોની યોજનાના સ્વરૂપને નક્કી કરવા માટે જરૂરી ગૃહીતો સ્વીકારવાનું બહુ જોખમી બની રહેતું નથી. કોઈ કૃતિનાં, એનું વિશિષ્ટ સ્વરૂપ બાંધી આપનારાં, લક્ષણો આમ તો આપમેળે જોઈ શકાય એવાં જ હોય છે. એ પરત્વેનો મતભેદ તો મોટે ભાગે એક પ્રકારનું શબ્દછલ જ હોય છે.
એતદ્: ડિસેમ્બર, 1982 જૂન, 1983