સાહિત્યના દરેક સ્વરૂપના વિકાસમાં રૂઢિ, અનુકરણ અને પ્રયોગ – આ ત્રણ અંગો જોવામાં આવે છે. આપણાં કાવ્યસાહિત્યના અભ્યાસમાં પણ આ ત્રણ અંગોનો અભ્યાસ કરવો જરૂરી થઈ પડે છે. એ ત્રણ અંગોથી અહીં શું અભિપ્રેત છે તે જરા જોઈ લઈએ. રૂઢિ એટલે સ્થગિત થઈ ગયેલી કશીક નિષ્પ્રાણ જડ વસ્તુ એવો અર્થ અહીં કરવાનો નથી. પ્રજામાનસનાં અમુક લક્ષણો સ્થાયી અને સનાતન હોય છે, એ સ્થાયી અને સનાતન અંશો પ્રજામાનસના સર્વ આવિષ્કારોમાં વિભિન્ન રૂપે પ્રકટ થતા હોય છે. એ સ્થાયી અંશોનું પોષણ પામીને જ કવિતા પણ ઉછરતી હોય છે. જે પ્રજા આ રૂઢિનાં સ્તન્યપાનને અવગણે છે, રૂઢિનો સર્વથા વિચ્છેદ સાધીને કેવળ અનુકરણ કે પ્રયોગખોરીમાં પડી જાય છે તે સ્વત્વને ખોઈને પોતાને હાથે જ પોતાનો વિનાશ નોતરી બેસે છે. આ રૂઢિને યથોચિત રીતે નવા યુગની પરિભાષાથી, નવી દૃષ્ટિથી સંમાજિર્ત અને પરિષ્કૃત કરવી જોઈએ. એ મેરુદણ્ડને જ ભાંગી નાખવાથી ટકી રહેવાનું બળ જ ખોઈ બેસીએ છીએ. રૂઢિના આ અર્થમાં આપણાં કાવ્યસાહિત્યમાં રૂઢિનું શું સ્વરૂપ છે તેની વિચારણા કરવી જરૂરી છે.
આવી જ રીતે આપણે અનુકરણનો પણ વિચાર કરીએ. આપણા જ દેશના અન્ય પ્રાન્તોની સાથે, આપણે જેમ જેમ સમ્પર્કમાં આવતા જઈએ તેમ તેમ એમની સંસ્કૃતિના અમુક અંશોના તરફ આપણે આકર્ષાઈએ એ સ્વાભાવિક છે. એ આકર્ષણની પાછળ અનેક પ્રકારની વૃત્તિઓ કામ કરતી હોય છે. કેટલીક વાર કેવળ નાવીન્યના મોહને ખાતર જ આપણે અમુક અંશોને અપનાવવા તૈયાર થઈ જઈએ છીએ, તો કેટલીક વાર આપણા સાચા વિકાસની દૃષ્ટિએ આવશ્યક એવા કેટલાક પૂરક અંશોને આપણે આપણામાં આત્મસાત્ કરવાને પ્રેરાઈએ છીએ. આ રીતે અનુકરણ ઉચિત અને અનુચિત – બે પ્રકારનું હોઈ શકે છે. પોતાનું જે આગવું વૈશિષ્ટ્ય છે, સ્વત્વ છે તેને જોખમાવ્યા વિના કેવળ ઉત્કર્ષ સાધવાની દૃષ્ટિએ કરેલું ઉપકારી અંશોનું અનુકરણ પુરસ્કારવા જેવું છે. પણ ક્ષણિક આવેશોને વશ થઈ,તરલ વૃત્તિના સળવળાટને કારણ નવીન અંશોથી આકર્ષાઈ જવું, વિકાસના સન્દર્ભમાં એ અંશોને મૂકીને જોવાની ધીરજ ખોઈ બેસવી ને મોતી ખોઈ કાચના ટુકડા પાછળ દોડવું એ સર્વથા અનુચિત છે. જે યુગમાં આવું અનુકરણ વધે તે યુગની પ્રજાનો શતધા વિનિપાત નિર્માયો છે એમ જ સમજવું.
સાચો પ્રયોગ હંમેશાં સત્યલક્ષી જ હોય છે. ખોટા પ્રયોગમાં કશુંક કરી નાખવાની એક પ્રકારની ચળ જ કામ કરતી હોય છે. સત્યના નવીનતર અંશની જ્યારે સ્ફુરણા થાય ત્યારે એને સિદ્ધ કરવા માટે આપણે પ્રવૃત્ત થઈએ. અદૃષ્ટ એવા બૃહત્ સત્યના એ અંશને આંબવાને માટેની ઉત્કટ ઝંખનાથી પ્રેરાઈને થતો પ્રયત્ન તે જ સાચો પ્રયોગ છે. એના પરિણામ વિશે આપણે કશું કહી શકતા નથી માટે જ એને આપણે પ્રયોગ કહીએ છીએ. પણ પ્રયોગની પાછળ સત્યનિષ્ઠાનું બળ કામ કરતું હોવું જોઈએ. દરેક સાહિત્યના વિકાસમાં પ્રયોગો તો અનિવાર્ય બની જ રહે છે. એ સત્યાનુસન્ધાની હોવા જોઈએ. આપણા સાહિત્યમાં, ખાસ કરીને કાવ્યસાહિત્યમાં જે પ્રયોગખોરી ચાલી રહી છે તેની આ દૃષ્ટિએ સમીક્ષા કરવી જરૂરી છે.
વાણી ચૈત્ર, 2004