ઉપરછલ્લો કટાક્ષ,છીછરું હાસ્ય, લાગણીવિવશતા, ભાવનાઘેલછા અને આભાસી કરુણ, કદર્ય વાસ્તવિકતા, દલિતપીડિત માટેના ભાવોચ્છ્વાસ, પૂછડે આમળોની ચતુરાઈ, તળપદો મિજાજ. મનોવૈજ્ઞાનિક મુદ્રાને નામે ભદ્ર સમાજની અભદ્ર માંદલી વાતો, માંગલ્યનું રટણ, પ્રગલ્ભ અને ધૃષ્ટ અશ્લીલતા, અસ્તિત્વવાદ, ચૈતન્યપ્રવાહ, અતિવાસ્તવવાદની છાયાઓ, ઉટપુટાંગ છબરડા, કવિતાનો સોનેરીરૂપેરી વરખ, ચબરાકી, નિલિર્પ્તતા અને ઉદાસીનતાનાં મહોરાં નીચે રોમેન્ટિક ચહેરાઓ, વૈદગ્ધ્યનો આંજી નાંખે એવો ચળકાટ – આ બધાં સ્થિત્યન્તરોમાંથી રસ્તો કાઢતી ટૂંકી વાર્તા હજી જીવે છે ખરી?
…..
સાહિત્યની માનવલક્ષિતાની વાતો તો ઘણી ચાલે છે. પણ આપણી વાર્તામાં એ માનવ કેવે રૂપે દેખાય છે?કથાસાહિત્યનું મુખ્ય આકર્ષણ તે એમાં આલેખાતાં કલ્પનાજન્ય માનવો છે. એમનાં જીવનમાં અને વ્યક્તિત્વમાં આપણને રસ પડે છે. આનું એક પરિણામ એ આવ્યું કે આપણે ‘રસ્તે ચાલતાં મળી જાય’ એવાં કે ‘લોહીમાંસનાં બનેલાં પાત્રો’ની વાતો કરતા થયા. એવી વ્યક્તિઓ સામે મળે તોય આપણે એમને પારખી લઈએ છીએ ખરા?એની વ્યક્તિતાનું રહસ્ય આપણે પારખી લઈએ છીએ ખરા?હેમિંગ્વેએ કહ્યું હતું તેમ માનવીને આપણે મુખ્યત્વે જોતા હોઈએ છીએ સપાટી પરથી. માનવી આઇસબર્ગ જેવો છે. એનો એકનવમાંશ ભાગ જ ઉપર તરતો દેખાય છે, બાકીનો ભાગ તો સપાટીની નીચે હોય છે.
આથી જ તો માનવી હંમેશાં આપણને આકર્ષતો રહ્યો છે. એની અકળતા, રહસ્યમયતા આપણને પડકારતી રહી છે. વાર્તામાં પાત્રનું આલેખન થાય ત્યારે સાચો સર્જક એને વિશેનું બધું જ કહી દેવાનો બાલિશ દાવો કરતો નથી. એથી ઊલટું,એ તો એનામાં જે અપ્રગટ રહ્યું છે તેને સૂચવે છે, તેનાં ઇંગિતોને પ્રકટ કરે છે. માનવીની આગળ ઝટ દઈને પૂર્ણવિરામ મૂકી દેનારો લેખક એને ઓળખતો જ નથી એમ જ કહેવું પડે.
ટૂંકી વાર્તામાં પાત્રનું નિરૂપણ કરવા માટે ઝાઝો વિસ્તાર મળતો હોતો નથી. આથી પાત્રનું વિગતે વર્ણન એ કરી શકે નહીં. એના વ્યક્તિત્વનું દ્યોતક બની રહે એવું એનું ‘સિમ્બોલિક જેસ્ચર’ જ એણે બતાવવું પડે. આ બેચાર વાક્યોમાં જ એણે કરી લેવાનું રહે. આમાં પણ મુખ્ય બે પદ્ધતિ છે. કેટલાક લેખકો પાત્રો વિશે પોતે બધું આપણને કહે છે. પણ આ વિશે કહીકહીનેય કેટલું કહી શકાવાનું હતું?વળી લેખક આ રીતે વાર્તામાં હસ્તક્ષેપ કરે, પ્રાથમિક શાળાનો શિક્ષક જેમ બાળકોને બધું ચીંધી બતાવીને ઓળખાવે તે વાચકને ગમતું નથી. આથી બીજી પદ્ધતિ વધુ પસંદ કરવા જેવી છે. એમાં લેખક કશું કહેતો નથી, જે કંઈ બને છે તેના આપણને એ પ્રત્યક્ષ સાક્ષી બનાવે છે. આપણે આપણી સંવેદનપટુતા પ્રમાણે જે જોઈએ તેનો મર્મ સમજતા જઈએ છીએ. વસ્તુને ઓળખવાની, એના બનવાની પ્રક્રિયામાં સામેલ થવાની, તક એમાં મળે છે. એથી આપણને આનન્દ થાય છે.
આ માટે લેખક ભાષાનો ઉપયોગ કરે છે. વાસ્તવિક જીવનમાં તેમ જ વાર્તાના કાલ્પનિક જગતમાં માનવીઓ એમની આશાઆકાંક્ષા, માન્યતા, ભય અને બીજી બધી લાગણીઓને વાર્તાલાપ દ્વારા વર્ણવતા હોય છે, આપણે એમને બોલતા સાંભળીએ તેટલું જ પૂરતું નથી; સાહિત્યમાં ભાષા એમાં રહેલી સન્દિગ્ધતાનો વ્યંજનાર્થે, પૂરો ઉપયોગ કરે છે. પાત્ર જે બોલે તેમાંનું કેટલું સત્ય તરીકે સ્વીકારવું, કેટલું ન સ્વીકારવું તે લેખકે યોજેલા સન્દર્ભ પ્રમાણે આપણે નક્કી કરવાનું રહે છે. લોકો કેટલીક વાર ઘણું ઓછું બોલતા હોય છે. કેટલીક વાર માનવીઓ ભાષાનો ઉપયોગ પોતાને પ્રકટ કરવા માટે કરે છે તો કેટલીક વાર પોતાને ઢાંકવા માટે. કેટલાક માણસો ભાષાનો ઉપયોગ કરીને પોતાને પ્રકટ કરી શકતા નથી અને બાકીના અર્થનું અનુમાન કરવાનું આપણા પર છોડી દે છે. આ બધા જુદા જુદા સ્તરની ભાષાનો વિનિયોગ કરવાનું સર્જકને આવડવું જોઈએ. પુષ્પિતા અલંકૃત વાણીથી માંડીને તે ભાંગીતૂટી બોલી સુધીની બધી જ ભાષાનો વિનિયોગ એને કરતાં આવડવો જોઈએ.
પાત્રને એના કાર્યથી અથવા એ જે નથી કરી શકતો અને છતાં કરવા મથે છે તેનાથી આપણે ઓળખીએ છીએ. ટૂંકી વાર્તામાં પાત્રના આવિષ્કાર માટે ઝાઝી કાર્યપરમ્પરા યોજવાનો અવકાશ રહેતો નથી. કેટલીક વાર પાત્ર દ્વારા કાર્યસમાપ્તિ થાય છે તો કેટલીક વાર પાત્ર બીજાનાં કાર્યને વશ વર્તતો હોય છે. ટૂંકી વાર્તામાં વિવિધ પ્રકારની કાર્યાવસ્થાઓને યોજવાનો અવકાશ હોતો નથી. આથી અત્યન્ત સૂચક પ્રકારનું કાર્ય જ એમાં યોજવાનું રહે છે. પાત્ર બોલે કાંઈ અને કરે કાંઈ એવું પણ બને. એવી પરિસ્થિતિમાં પાત્રની ભાષા જુદા જ પ્રકારની હોય છે. આત્મસંજ્ઞા લુપ્ત થઈ ગઈ હોય એવો માનવી કેવી રીતે વર્તે તે લેખકે જાણવું જોઈએ. ટૂંકી વાર્તાનો લેખક ઘટનાના જોરે જીતતો નથી. આથી કાર્ય દ્વારા કાર્યનો છેદ ઉડાડવાનું પણ એને આવડવું જોઈએ.
ચાંદની જાન્યુઆરી, 1986