બુદ્ધદેવ બસુએ હમણાં જ કહ્યું કે બંગાળી સાહિત્યમાં કવિતા અને નવલિકા – આ બે જ સાહિત્યસ્વરૂપો વિકસતાં હોય એમ લાગે છે. ગુજરાતી સાહિત્ય વિશે પણ આ વિધાન કરી શકાય. વીસમી સદીના બીજા દાયકાથી આપણે ત્યાં જેને સાચા અર્થમાં ‘નવલિકા’ કહી શકાય, તે લખાવી શરૂ થઈ. નવલિકાનો ઇતિહાસ આપતાં ચેખોવ અને મોપાસાંના નામોનો ઘણુંખરું ઉલ્લેખ કરવામાં આવે છે. શરૂઆતના નવલિકાલેખકો ચેખોવની કળાની સૂક્ષ્મતા ગ્રહી શક્યા હોય એવી પ્રતીતિ આજે આપણને થતી નથી. સામાજિક સમસ્યાઓનાં ચિત્ર કેટલાક લેખકો આપી છૂટ્યા છે તો કેટલાક લેખકોએ મનોરંજન કરવા તરફ જ ધ્યાન આપ્યું હોય એમ લાગે છે. હાસ્ય, કટાક્ષ અને વ્યંગ પણ ક્વચિત્ દેખા દે છે. પણ લેખક કેટલીક વાર પોતાના વક્તવ્ય પર વધારે ભાર મૂકતો લાગે છે; તો કેટલીક વાર વાર્તાને બહેલાવવા વર્ણનશક્તિ પર મદાર રાખતો દેખાય છે,સમાજના નીચલા થરનાં પાત્રો વિશે પણ વાર્તા લખાઈ છે, તો પુરાણા ઇતિહાસમાંથી કથાક્ષમ પ્રસંગો શોધી કાઢીને વાર્તા લખવાના પ્રયત્નો પણ થયા છે. વિષયવૈવિધ્ય, પાત્રવૈવિધ્ય, વાસ્તવિકતા, જીવનનું ચિત્ર – ત્યારે આવાં તત્ત્વો તરફ નવલિકાકારનું ધ્યાન વિશેષ હતું એમ લાગે છે.
પણ જે વાસ્તવિકતાની એ વાત કરવા માગતો હતો તેની સાથેનો એનો પરિચય, એક સર્જકને હોવો ઘટે એ સ્વરૂપનો નહોતો. રશિયાના સામ્યવાદની કે ગાંધીજીની દરિદ્રનારાયણને માટેની અનુકમ્પાની અસર નીચે આવીને એણે સામાજિક વિષમતાની અને દલિતપીડિતોના જીવનની વાતો લખી ખરી; પણ એમાં કેટલીક વાર કળામાં અપેક્ષિત તાટસ્થ્યનો અભાવ વરતાતો હતો;કેટલીક વાર નર્યા લાગણીવેડામાં આપણો લેખક સરી પડતો હતો. જીવન વિશેની ઊંડી વ્યાપક અને સૂક્ષ્મ સમજના સન્દર્ભમાં મૂકીને એ વાસ્તવિકતા અને સામાજિક વિષમતાના પ્રશ્નોને હંમેશાં જોઈ શક્યો હોય એવું લાગતું નથી. સુવાચ્યતાનો ગુણ એ તબક્કાના કેટલાક લેખકોએ સિદ્ધ કર્યો હતો ખરો.
પંડિતયુગની ભાવનાગ્રસ્તતા નવે રૂપે નવલિકામાં પણ ડોકિયાં કરતી દેખાતી હતી. ભાવના ઘણી વાર ઘેલછામાં પરિણમતી હતી. એવી ઘેલછાનાં વાહનરૂપ બનતાં પાત્રો ધૂની કે તરંગી બની જતાં હતાં. આથી એમને સ્પષ્ટરેખ અને સંગીન વ્યક્તિત્વ પ્રાપ્ત થતું નહોતું. આવી ભાવનાગ્રસ્ત મનોદશા કાવ્યાભાસી ગદ્ય ઉપજાવવા પણ મથતી હતી. કેટલીક વાર વાતાવરણમાં ઘટના ઢંકાઈ જતી હતી, તો કેટલીક વાર વિભાવ અને અનુભાવ વચ્ચેનું પ્રમાણ વ્યસ્ત સ્વરૂપનું દેખાતું હતું તેમ છતાં,આવી કૃતિઓની પાછળ રહેલો રોમેન્ટિક અભિનિવેશ કેટલીક વાર અમુક વર્ગના વાચકવિવેચકોને હૃદ્ય લાગ્યો છે ખરો.
આ પછી નવલિકાના સ્થાપત્ય તરફ ધ્યાન વધુ ને વધુ કેન્દ્રિત થવા લાગ્યું. ‘બનાવ અને લાગણીની કડી’ને ઉચિત રીતે જોડવાનો પ્રયત્ન થવા લાગ્યો. પ્રસંગ કે ઘટના નહીં, પણ એનું રહસ્ય નિષ્પન્ન કરવાનું વલણ દેખાવા લાગ્યું. આથી વ્યંજનાને અવકાશ મળ્યો. જાનપદી નવલિકાઓ કેટલાક સમર્થ લેખકોને હાથે લખાઈ. પણ એમાં પોતાના મનોભાવના નિરૂપણમાં જાનપદી તત્ત્વ કેટલે અંશે સચવાઈ રહ્યું તે પ્રશ્ન છે. નવલિકા જેવા લઘુસ્વરૂપમાં વાતાવરણ, પાત્ર અને ઘટનાના સમ્બન્ધની કડી જોડવામાં પડતી મુશ્કેલીનો ખ્યાલ આપણા લેખકોને આવતો ગયો. જે વાસ્તવિક છે તે યથાર્થ છે ખરું?– એવો પ્રશ્ન પણ લેખકો વિચારતા થયા. આને પરિણામે વાસ્તવિકતાનાં નવાં પરિમાણો પ્રકટ કરવાનું વલણ કેળવાયું. સાથે સાથે મનોવિશ્લેષણના કિસ્સા જેવી વાર્તાઓ પણ લખાઈ. માનવસ્વભાવની સંકુલતા મનોવિજ્ઞાનનાં સૂત્રોને બદલે જ્યાં બૌદ્ધિક ચતુરાઈથી કામ લેવામાં આવ્યું છે ત્યાં નિરૂપણ તકવાદી અને પોપટિયા બની ગયું છે; સંકુલ સમસ્યાને વધુ પડતી સાદી, લેખકની શક્તિની મર્યાદાના માપની વેતરીને રજૂ કરવા જેવું થયું છે.
વક્તવ્ય પરનો વધુ પડતો ઝોક ધીમે ધીમે ઓછો થતાં નવલિકાની એક સાહિત્યસ્વરૂપ લેખેની શક્યતાઓ પ્રકટ કરવાનું વલણ દેખાવા લાગ્યું છે. આપણી ભીરુ અને સંકોચશીલ વિવેચનાએ આવા પ્રગલ્ભ પ્રયોગો તરફ જરા કરડી નજર કરી છે. ઘટનાનું હવે ઝાઝું વજન નવલિકામાં વરતાતું નથી. સમયના પરિમાણ વિશેની અભિજ્ઞતાનો નવે નવે રૂપે સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન પણ થતો દેખાય છે. આ નવી અભિજ્ઞતાને અનુરૂપ ભાષાનું કાઠું બદલવાની પ્રગલ્ભતા પણ દેખાવા લાગી છે. પ્રચલિત સામાજિક મૂલ્યોના લઘુતમ દૃઢભાજક સાથે તાળો મેળવીને ચાલનારી ‘વાસ્તવિકતા’ અને ‘સમ્ભવિતતા’નો ખૂંટો છોડીને કપોલકલ્પિતતાના ક્ષેત્ર સુધી પહોંચી જવાનું સાહસ પણ હવે કેટલાક કરે છે. આથી નરી ‘સાચકલી’ વાર્તાને માટેનો દુરાગ્રહ કંઈક ઓછો આકરો બન્યો છે. ગદ્યની ગુંજાયશ પ્રકટ કરવાના પ્રયત્નો પણ દેખાય છે. રચનારીતિ એ કેવળ સાધન નથી, એ જ કવિકર્મ છે એ સત્ય સમજાવા લાગ્યું છે. વાલેરીએ કહ્યું છે: ‘I call a book great when it gives a nobler and more profound idea of language.’ જુદે જુદે સ્તરે ભાષાની શક્યતાને પ્રકટ કરવાની દૃષ્ટિએ પણ પ્રયોગો હવે થતા રહેશે એવી આશા બંધાય છે. વાસી હકીકત બનીને ફુગાઈ ગયેલા સત્યને એવી જ ઉબાઈ ઊઠેલી ભાષામાં વર્ણવીને સન્તોષ માનવાનું વલણ નવીનો છોડતા જાય તો સારું. વાસ્તવિકતા બહાર જે રીતે ગોઠવાયેલી દેખાય છે તેને એને એ જ રૂપે અકબંધ સર્જક પોતાની કૃતિમાં ગોઠવતો નથી. એના વાક્યના સંવિધાન સાથે એ વાસ્તવિકતાનું પુનવિર્ધાન થતું રહે છે. આ જ અર્થમાં સાર્ત્ર કહે છે: ‘It is the style that corrects reality.’
નાવીન્યનો આગ્રહ કે ફેશનપરસ્તી કહીને આ પ્રયોગોને વખોડી નાખવાનું વલણ પણ કેટલાક વિવેચકોનું છે. સર્જક નવીન થવા મથતો નથી. અણીશુદ્ધ સર્જક થવા મથે છે. થોડાક ચોખલિયાઓને ચોંકાવે એવા વિષયોનું નિરૂપણ કરીને નાવીન્ય સાધવાના પ્રયત્નો થયા છે; શૈલીને નખરાંની જેમ વાપરવાનું વલણ પણ કેટલાક નવીનોએ બતાવ્યું છે. પણ આખરે તો સર્જકને પોતાને પોતાના વિવેચક થયા વિના ચાલવાનું નથી. મોડોવહેલો એ સાચો વિવેક કેળવીને યોગ્ય માર્ગે જશે, નહીં તો સર્જક મટી જશે. એ વિશે દુશ્ચિન્તા સેવવાનું કોઈ કારણ નથી.
નવલિકા કેટલીક વાર કવિતાની અડોઅડ બેસી જતી પણ દેખાય છે. પણ અહીં એક વિવેક કરવો જરૂરી છે. નવલિકામાં કવિતાઈ ન નભી શકે. નવલિકા કવિતા બને તે એક જ અર્થમાં – એમાં નવલિકાકારે કવિની દૃષ્ટિએ પોતાની સામગ્રીનું સંવિધાન કર્યું હોય ત્યારે. વર્ણનોમાં છટા કે અલંકારપ્રચુરતા લાવવાથી નવલિકા કવિતા નહીં બને.
પદ્યના કરતાં ગદ્ય વધુ હાથવગું છે ને ઘટનાઓ તો છાપું ખોલતાં જ મળી રહે છે. આથી જે ધારે તે વાર્તા પર હાથ અજમાવી શકે છે એવી પણ કંઈક સમજ પ્રવર્તતી લાગે છે. આથી થોકબંધ વાર્તાઓ લખાય છે, ને ભોળા વાચકોની જરૂરિયાતો સંતોષવાને બહાને કેવળ વાર્તાઓ જ પ્રકટ કરતાં સામયિકો પણ સારી સંખ્યામાં પ્રસિદ્ધ થાય છે. સરકારી ઇનામો પણ એમાં પોતાનો ભાગ ભજવે છે. આ પરિસ્થિતિમાં અને ખાસ કરી વિવેચન ભીરુ અને રૂઢિદાસ્યથી પીડાતું હોય ત્યારે સર્જનના ક્ષેત્રના જ કોઈ નવા આહ્વાનને ઝીલીને પોતાની શક્તિને ચકાસી જોવા મથનારને માટે વાતાવરણ બહુ અનુકૂળ નથી. પણ આ પ્રતિકૂળતા પોતે જ સાચા સર્જકને માટે ઉદ્દીપન વિભાવ નહીં બની રહે?
પરબ ડિસેમ્બર, 1991