10 કૅથાસિર્સ (વિરેચન)

કૅથાસિર્સની વિભાવનાનો જન્મદાતા એરિસ્ટોટલ છે એમ માનવામાં આવે છે. પણ પ્લેટોએ એની પહેલાં, એના ‘Laws’માં ભયના ઉપચાર તરીકે સંગીત અને નૃત્યનો ઉલ્લેખ કરેલો છે: ‘Frights are due to a poor condition of soul. So whenever one applies an external shaking to affection of this kind,  the external motion thus applied overpowers the internal motion of fear and frenzy, and by thus overpowering it, it brings about a manifest calm in the soul.’(Laws, Book vii, 790-791). ઉત્કટ ધામિર્ક ભાવાવેશની સ્થિતિમાંથી ચિત્તને સાધારણ સ્થિતિમાં લાવવા માટે અમુક પ્રકારના સંગીતનો ઉપયોગ કરવામાં આવતો. એ જોઈને એરિસ્ટોટલને વિમોચનની વિભાવના સ્ફુરી. ‘Poetics’માં  ટ્રેજેડીની વ્યાખ્યા આપતાં એરિસ્ટોટલે કૅથાસિર્સનો ઉલ્લેખ કર્યો છે. એની વિસ્તૃત ચર્ચા ત્યાં મળતી નથી.

એરિસ્ટોટલ પ્લેટોની કળા વિશેની માન્યતાથી બહુ દૂર જઈ શકતો નથી. કળાનું અનન્યનિરપેક્ષત્વ અને સ્વત:પ્રામાણ્યત્વ એણે સ્વીકાર્યુ હોય એમ લાગતું નથી. કળાના અસ્તિત્વને વ્યાજબી ઠરાવવા ને એની ઉપયોગિતા પુરવાર કરવા જ એ કૅથાસિર્સની વિભાવના રજૂ કરતો લાગે છે, કળાને એનાં પરિણામોથી જ જીવવાની અધિકારી ગણવી એમ એ પણ માનતો. કળાનાં પરિણામોની આંકણી પરતત્વે પ્લેટોની ને એની સમજમાં મતભેદ હતો. ટ્રેજેડી પ્રેક્ષકોના ચિત્તમાં કરુણા અને ભયની હૃદયને દુર્બળ બનાવનારી લાગણીઓને જન્મ આપતી હોવાને કારણે પ્રેક્ષકોના વ્યવહારજીવનની દૃષ્ટિએ એ અપકારક છે એમ માનતો; જ્યારે  એરિસ્ટોટલ એમ માનતો કે ટ્રેજેડી જોવાથી ને એ દ્વારા વ્યાવહારિક પરિણામો તથા વૈયક્તિક ચિન્તાઓમાંથી મુક્ત રહીને કરુણા અને ભયની લાગણીને અનુભવવાથી પ્રેક્ષકો વ્યવહારમાં એવી લાગણીઓને નિષ્પન્ન કરતા પ્રસંગોનો સામનો કરવાને વધુ સમર્થ બને છે. સમાજજીવનને માટે શ્રેયસ્કર એવી લાગણીઓને નિષ્પન્ન કરતા પ્રસંગોનો સામનો કરવાને વધુ સમર્થ બને છે. સમાજજીવનને માટે શ્રેયસ્કર એવી લાગણીઓ જગાડવી ને ઉત્તેજવી જોઈએ એ પરત્વે પ્લેટો ને  એરિસ્ટોટલ એકમત હતા; પણ કળા ખરેખર શું સિદ્ધ કરે છે એ પરત્વે બંનેમાં મતભેદ હતો. પ્લેટો mimesisનો અર્થ માત્ર mimicry સ્થૂળ અનુકરણ કે નકલ એવો જ કરે છે ને આથી એ કળાને ઊંચું સ્થાન આપી શકતો નથી. આમ કરવામાં પ્લેટોએ બે વસ્તુ પ્રત્યે દુર્લક્ષ કર્યું: 1. આપણે કળાને કેવળ કુતૂહલનો વિષય કે ઘડીભર માણીને ભૂલી જવાની વસ્તુ ગણતા નથી; એથી વધારે ગમ્ભીરતાથી કળાને જોવામાં આવે છે; 2. જો માયમેસિસનો અર્થ સ્થૂળ અનુકરણ કરીએ તો સંગીતનું શું?એમાં શાનું અનુકરણ?આ વિશે પ્લેટો પાસેથી કશો સન્તોષકારક ખુલાસો મળી શકે એમ નથી. અહીંથી એરિસ્ટોટલ નવું પ્રસ્થાન આદરે છે. એ માયમેસિસ(અનુકરણ)નો સંકેત બદલે છે. એને મન એ મિમિક્રી નથી, એ જીવનનું અનુકરણ નથી તે જીવન વિશેની કવિની વિભાવનાનું અનુકરણ છે. ટ્રેજેડીની વ્યાખ્યા આપતાં એણે ‘imitation of man in action’ એવી સંજ્ઞા વાપરી છે. એ અનુકરણ તે લોકવૃત્તનું અનુકરણ છે. એ કળાને માત્ર અનુકરણ નથી ગણતો તે એણે કરેલાં નીચેનાં બે વિધાનોથી સ્પષ્ટ થશે: જે વસ્તુનું અનુકરણ કરવામાં આવે તે વસ્તુ પોતે દુ:ખકર હોઈ શકે ને છતાં એની અનુકૃતિ આનન્દકર ને સુન્દર હોઈ શકે. (We take pleasure in looking at the most carefully executed pictures of things which in themselves we dislike to look at, such as the forms of the most ignoble animals or of corpses). વળી એરિસ્ટોટલ કહે છે,   ‘the aritist may imitate things as they ought to be.’ ‘(Poetics’, xxv)

કૅથાસિર્સની વિભાવનાને  એરિસ્ટોટલે કોઈ સ્થળે સ્પષ્ટ  કરીને સમજાવી નથી. આથી એનો અમુક ચોક્કસ સંકેત નક્કી કરવો એ અઘરું છે।એનો સંકેત નક્કી કરવાને અનેક પ્રયત્નો થયા છે. કૅથાસિર્સ એ સંજ્ઞા વૈદકીય પરિભાષામાંથી ઉછીની લીધેલી છે; સાહિત્યમીમાંસાના ક્ષેત્રમાં એનો ઉપયોગ ઔપચારિક (metaphorical)છે. બાર્નીઝ(Barneys) એને તંગ બનેલી લાગણીનું વિમોચન કે ઉપશમન એવા સાદા અર્થમાં પ્રયોજે છે. એ કેવળ શરીરની વિક્રિયા કે માનસિક વ્યાપારની દ્યોતક સંજ્ઞા ન રહેતાં કળાનો એક મહત્ત્વનો સિદ્ધાન્ત બની રહે છે. વાસ્તવજીવનમાં કરુણા અને ભય ચિત્તને સંક્ષુબ્ધ કરી મૂકે છે પણ જ્યારે ટ્રેજેડી દ્વારા એનું ઉદ્દીપન થાય છે ત્યારે એમાં રહેલું સંક્ષોભ ઉત્પન્ન કરનારું તત્ત્વ બાદ થઈ જાય છે ને જેમ જેમ ટ્રેજેડીનું વસ્તુ આગળ વધતું જાય છે ને એનાથી ઉદ્દીપ્ત થયેલી લાગણીઓ શમવા માંડે છે તેમ તેમ આપણા ચિત્તના એ સ્થાયી ભાવો વધારે પરિમાજિર્ત અને સંસ્કૃત બન્યા હોય એવો અનુભવ થાય છે. વાસ્તવિક જીવનમાં કરુણા કે ભયના અનુભવ સાથે જે દુ:ખની સંવેદના સંકળાયેલી હોય છે તેનું તિરોધાન થાય છે એટલું જ નહિ પણ કરુણા કે ભયની લાગણીઓ પણ સંશુદ્ધ બને છે. આમ ટ્રેજેડી લાગણીઓને ઉદ્દીપ્ત કરે પણ એ ત્યાં જ અટકતી નથી, એ એનું ઉપશમન પણ કરે (It excites emotions, only to allay them). પ્લેટોએ માત્ર ઉત્તેજનાના તત્ત્વને જ જોયું; એ પછીથી પ્રાપ્ત થતી ઉપશમની સ્થિતિને એણે ઉવેખી. આથી કળાને ચિત્તને અનુચિત રીતે લાગણીને બહેકાવી નાખનારી કહી ભાંડી પણ એ એની અધીરાઈ ને મર્યાદા. એરિસ્ટોટલ આ દોષમાંથી ઊગરી ગયો. નાટ્યકારો દ્વારા નિષ્પન્ન થતી કરુણા અને ભયની લાગણી આપણા ચિત્તમાં પ્રસુપ્તાવસ્થામાં રહેલી એવી જ લાગણીનું કે એમાં રહેલાં સંક્ષોભક તત્ત્વનું વિરેચન સાધી આપે છે. એની પછી ચિત્ત પ્રસાદપૂર્ણ ઉપશમની જિથતિમાં પર્યવસિત થાય છે. આમ  કૅથાસિર્સનું કાર્ય માત્ર ચિત્તની વૃત્તિઓને અભિવ્યક્ત કરવાનું સાધન પૂરું પાડવાનું નથી. એ રસાનુભૂતિ પણ કરાવે છે. આપણી અનુભૂતિઓને કળાના માધ્યમ દ્વારા વ્યક્ત કરીને એને વિશદ ને સંશુદ્ધ પણ બનાવે છે. આ શી રીતે સિદ્ધ થાય છે? આનો એરિસ્ટોટલ પાસેથી કશો સ્પષ્ટ ઉત્તર મળતો નથી.  કૅથાસિર્સથી આપણા અનુભવમાં રહેલા દુ:ખકર ને સંક્ષોભકર તત્ત્વનું વિરેચન ઉદ્દિષ્ટ છે. એરિસ્ટોટલને મતે કરુણા અને ભય એવા પ્રકારની લાગણીઓ છે. વિનાશકારી ને દુ:ખકર એવા અનિષ્ટના સૂચન રૂપ ભયની લાગણી સંક્ષોભકર ને પીડાદાયી છે ‘(Rhetoric’).આપણા પ્રિયજનને અણગટતી રીતે કશાક અનિષ્ટને કારણે દુ:ખ અનુભવતાં જોઈએ ને એવું જ દુ:ખ આપણને પણ કદાચ ભોગવવાનું આવે એવા ખ્યાલે  જે દુ:ખકર લાગણી આપણા ચિત્તમાં ઉદ્ભવે તે કરુણા. એ પણ દુ:ખકર ને સંક્ષોભકર છે. કરુણા અને ભય એકબીજા સાથે અવિચ્છિન્નપણે સંકળાયેલી લાગણીઓ છે. જ્યાં વ્યક્તિ આપણી એટલી તો નિકટની હોય કે એને થતું દુ:ખ આપણને આપણું જ લાગે ત્યાં એ દયાની લાગણી ભયમાં પરિણમે છે. જેની પ્રત્યે આપણને કરુણા ઊપજે છે તેના જેવી સ્થિતિમાં જો આપણે મુકાયાં હોઈએ તો આપણામાં ભય ઉદ્ભવે. જે કરુણા ન અનુભવી શકે તે ભય પણ ન અનુભવી શકે. આમ બંને સંશ્લિષ્ટ છે. આમાં ભય એ પ્રાથમિક લાગણી છે ને કરુણા એમાંથી સાધિત થતી લાગણી છે. કરુણા માત્રમાં ભય એક ઘટક અંશ રૂપે રહ્યો હોય છે એમ લેસિંગ માને છે. Menillessonhn કહે છે તેમ પ્રેમમાત્રને માટેનો પ્રેમ અને એને થતાં દુ:ખને કારણે થતો ક્લેશ – આ બેના સંમિશ્રણથી ઉદ્ભવતી સંકુલ સ્વરૂપની લાગણી તે કરુણા (Pity is a complex emotion composed of love for an object and displesure caused by its misery). નાટક જોતાં હોઈએ છીએ ત્યારે વાસ્તવિક જીવનના સંજોગો ને પરિવેષ્ટનમાંથી આપણે દૂર નીકળી ગયાં હોઈએ છીએ; એ બધાંનું આપણા પરનું દબાણ હળવું થતું હોય છે. આપણી બધી આળપંપાળ ને ચિન્તાઓ પણ ઘડીભર વિસારે પડી હોય છે. વ્યક્તિગત જીવનના સંકીર્ણ પરિઘમાંથી બહાર નીકળીને આપણી અનુભૂતિઓ વિશાળ ફલકને પામે છે, એનું સાધારણીકરણ થાય છે. આમ થવાથી વૈયક્તિક મર્યાદાઓમાંથી મુક્ત થઈને એ લાગણીઓ વ્યાપક ને વિશાળ બને છે. પ્રેક્ષક પોતાના અહમ્ની કોટડીમાંથી બહાર ઊંચકાઈ જાય છે. એ ટ્રેજેડીમાંના નાયકની સાથે ને એની દ્વારા સમસ્ત માનવજાતિ સાથે તાદાત્મ્ય અનુભવે છે. પ્લેટોએ આ અસરને વર્ણવતાં કહ્યું છે, ‘One effect of the drama is that through it a man becomes many, instead of one; it makes him lose his proper personality in a pantomimic instict, and so, prove false to himself.’ આના જવાબમાં  એરિસ્ટોટલ આમ કહી શકે: એ તો સાચું કે ભાવક પોતાની જાતમાંથી બહાર નીકળે છે. પણ એ કઈ શક્તિને કારણે?સમસંવેદનશીલતાને કારણે,સહાનુભૂતિને કારણે. એ પોતાના તુચ્છ સુખદુ:ખને ભૂલીજાય, વ્યક્તિતાના સંકીર્ણ પરિઘમાંથી બહાર આવે ને એ રીતે સમસ્ત માનવજાતિ સાથે પોતાને એકરૂપ અનુભવે. આ પરિણામ અનિષ્ટ છે એમ શી રીતે કહેવાશે?

મિલ્ટને કૅથાસિર્સની પ્રક્રિયાને હોમિયોપથીની દવાથી થતી અસર સાથે સરખાવી હતી. કેટલાક inoculationની પ્રક્રિયા સાથે કૅથાસિર્સની પ્રક્રિયાને સરખાવે છે. પણ એ બંનેમાં ફેર છે. Inoculationમાં જે રોગથી માણસને બચાવવાનો હોય છે તે રોગ ઓછા પ્રમાણમાં એનામાં ઉપજાવવો પડે છે જ્યારે કૅથાસિર્સમાં એવું બનતું નથી. શ્રોતાઓ કે પ્રેક્ષકો પ્રેક્ષાગૃહમાં જાય, નાટ્યાભિનય જુએ,પછીથી કરુણા અને ભયની લાગણી ઉદ્દીપ્ત થાય છે; ને અભિનયને અન્તે માત્ર એ લાગણીઓ દૂર થાય એવું જ બનતું નથી, એથી અમુક વિશિષ્ટ પ્રકારનો ને પુન:ચર્વણાથી જીર્ણ ન થતો હોય એવો આનન્દ ભાવક માણે છે. અહીં inoculationની પ્રક્રિયા સાથેની સરખામણી તૂટી પડે છે. વળી નાટ્યાભિનયના દર્શનથી આપણી ભય અને કરુણાની લાગણીનો સમૂળગો મોક્ષ થઈ જાય છે એમ શી રીતે માની શકાય?આપણાં સંવેદનોને કવિતા વધુ સૂક્ષ્મ ને ઉત્કટ બનાવે છે, એને સંશુદ્ધ ને સંમાજિર્ત કરે છે એ તો દરેક સહૃદયી ભાવકનો અનુભવ છે.

રોસ (Ross)કૅથાસિર્સની વિમોચનની પ્રક્રિયાને therapy by Abreaction સાથે સરખાવે છે તે પણ યોગ્ય નથી. એમ કરવાથી એરિસ્ટોટલના વક્તવ્યમાં વધારે પડતો અર્થ વાંચવાનો દોષ વહોરી લેવા જેવું થાય. એમાં એ માનસિક ઉપચાર વિશેની યથાર્થ સમજનો અભાવ પણ કોઈને વરતાય. કવિતા કે કળામાં આપણા માનસિક વ્યાધિઓ કે ગ્રન્થિઓની જ અભિવ્યક્તિ નથી. એ ઉપચારમાં કળામાં જે બને છે તેનાથી ઊલટું જ કરવાનું હોય છે. મૂળ ગ્રન્થિ કે વ્યાધિને વીંટળાઈને રહેલી બધી આળપંપાળને ખંખેરી નાખીને એની ચિકિત્સા કરવાની હોય છે; જ્યારે કળામાં તો વિશિષ્ટ પ્રકારનાં અભિવ્યક્તિ, અલંકારાદિની અપેક્ષા રહે છે. ઘડીભર એમ માનીએ કે કવિ પોતાના માનસિક વ્યાધિ કે ગ્રન્થિને જ કવિતામાં વ્યક્ત કરે છે. જે કવિનો વ્યાધિ ને કવિની ગ્રન્થિ તે ભાવકનાંપણ હોય એમ શી રીતે માની લેવાય?ને તો પછી એનું communication(સંક્રમણ) શી રીતે સફળ બને.

માનસશાસ્ત્રનીsublimation(ઉન્નયન) અથવા એમાં રહેલા નૈતિક ગ્રહ(ethical bias)ને કાઢીને કહીએ તો ગીકનીર્બૌહની પ્રક્રિયા સાથે પણ વિમોચનની પ્રક્રિયાને સરખાવવામાં આવે છે. ઉન્નયનની પ્રક્રિયામાં સમ્પ્રજ્ઞાતપણે ગ્રન્થિનો ઉકેલ સાધવાનો હોય છે. જ્યારે કળાનો આસ્વાદ લેતી વખતે ભાવક પોતાની કોઈ ગ્રન્થિ કે ચિત્તવૃત્તિના ઊર્ધ્વીકરણના સમ્પ્રજ્ઞાત હેતુને વશ વર્તતો નથી. ઉન્નયનમાં થોડે ઘણે અંશે  એ અનિષ્ટ વૃત્તિ કે લાગણીથી નાસી છૂટવાનું તત્ત્વ રહેલું છે, એમાં હેતુપૂર્વક એવી વૃત્તિને જુદા સ્વાંગમાં રજૂ કરવાની હોય છે ને એ રીતે પરિવેષ્ટનની સાથે એ વૃત્તિનો મેળ ખવડાવીને વિસંવાદને દૂર કરવાનો હોય છે. કળાને આવું કોઈ પ્રયોજન સમ્પ્રજ્ઞાતપણે સિદ્ધ કરવાનું હોતું નથી. એમાં આવો વિસંવાદ વૃત્તિને જુદી દિશામાં વાળી દેવાથી દૂર કરાતો નથી. એમાં વૃત્તિનું સાધારણીભવન થતાં રસાનુભૂતિ થાય છે. આ રીતે કળા કોઈ ગૌણ પ્રયોજનનું દાસીત્વ સ્વીકારતી નથી, એ નૈર્વ્યક્તિક ને અનન્યનિરપેક્ષ છે. આમ કૅથાસિર્સની પ્રક્રિયાથી આપણે અનુભવને આપણી વ્યવહારજીવનની કે વ્યક્તિજીવનની મર્યાદાથી મુક્ત રહીને નિરપેક્ષપણે પૂરી ઉત્કટતાથી માણી શકીએ છીએ. આ સિદ્ધાન્તને એરિસ્ટોટલનું એક મહત્ત્વનું અર્પણ ગણી શકાય.

મનીષા12, 1956

License

Share This Book