કેટલીક વાર કાવ્યકૃતિઓને એકબીજા સાથે સરખાવીને મૂલ્યાંકન કરવામાં આવે છે અને એની ચઢતીઊતરતી શ્રેણી પણ નક્કી કરવામાં આવે છે. એને આધારે કૃતિને પાઠ્યક્રમમાં લેવી કે નહિ તેના નિર્ણયો પણ થતા હોય છે. અહીં તો સમ ખાવા પૂરતીય આલોચનાત્મક પ્રવૃત્તિ છે; પણ ઘણી વાર તો લેખક પોતાના જૂથનો ‘મામકા:’ વર્ગનો છે એટલી હકીકત જ પાઠ્યપુસ્તકમાં એના સમાવેશ માટે સમ્પાદકની દૃષ્ટિએ જરૂરી હોય એવું, હમણાંના કેટલાંક પાઠ્યપુસ્તકો જોતાં, લાગે છે. આ પ્રકારની મૂલ્યાંકનની પ્રવૃત્તિને કશો સંગીન સૈદ્ધાન્તિક આકાર ન હોવાને કારણે એ એની સાહિત્યિક ગુણવત્તા પરત્વે કશું પ્રતીતિજનક સ્થાપિત કરી શકતી નથી. હજી ગુણવત્તાના ક્રમ આપવાની પંતુજીની પદ્ધતિ ઘણા વિવેચકો અપનાવતા દેખાય છે. કેટલીક વાર ભૂતકાળના અમુક એક કવિ વિશે એક આખી પેઢી સર્વસંમત એવો અભિપ્રાય ધરાવતી જોવામાં આવે છે. પણ આવા અભિપ્રાયોની પણ, આપણી ખીલતી આવતી સાહિત્યસૂઝના અનુલક્ષમાં, પુન:આલોચના થતી રહેવી જોઈએ. આ દૃષ્ટિએ આપણે પ્રેમાનન્દ, અખો, શામળ કે દયારામનાં; ગોવર્ધનરામ, મુનશી, કે રમણલાલ દેસાઈનાં પુનર્મૂલ્યાંકનો કર્યાં નથી. આ આપણી પ્રજાના શિક્ષિત વર્ગના બૌદ્ધિક પ્રમાદનું જ દ્યોતક બની રહે છે. અર્વાચીન,અદ્યતન અને સદ્યતન કવિતાનાં મૂલ્યાંકનો પ્રારમ્ભમાં તો આકરી પ્રતિક્રિયાના સ્વરૂપમાં હોય છે, પછી ક્યાંકથી એને સ્વીકૃતિ મળે છે. આ પછી ગતાનુગતિકતાનો ગાળો આવે છે. આજનો સુચિન્તિત મત ભવિષ્યની પેઢીને ગ્રાહ્ય બને એવું બનતું ઝાઝું જોવામાં આવતું નથી. પૂરી સજ્જતાથી અને પૂર્વગ્રહથી મુક્ત રહીને કરેલી સત્યનિષ્ઠ વિવેચનાનું જ આયુષ્ય લાંબું હોય છે. સાહિત્યસર્જનમાં તેમ જ વિવેચનમાં અમરતા આ ગુણો પર અવલંબે છે. અમુક વર્ગ કે જૂથ તરફથી એને ઉપલબ્ધ પ્રચારમાધ્યમો દ્વારા અમુક લેખકોને ઊંચે ચઢાવવામાં આવે છે એવું બને. પણ એ સ્થાને એઓ હંમેશાં સુપ્રતિષ્ઠિત જ રહેશે એવું કહી શકાય નહિ. આનાં સમર્થનો તો આપણી સ્મૃતિમાંથી જ ઘણાં જડી રહેશે.
કાવ્ય કે સાહિત્યકૃતિ મનોરંજક હોય તેથી અમુક વર્ગમાં એને ઝાઝી સ્વીકૃતિ મળે એવું બનતું દેખાય છે. ઘણી વાર આવી કૃતિઓ ગણતરીપૂર્વક વાચકોના અભિગ્રહપૂર્વગ્રહોને પંપાળે છે, એની રુચિને વશ વર્તે છે, એને આઘાત આપે એવું કશું કરવાનું જોખમ ખેડતી હોતી નથી. પરમ્પરાગત મૂલ્યબોધનું એ સમર્થન કરે છે. જ્યાં સાહિત્યતત્ત્વની સૂઝ વિકસી નથી હોતી ત્યાં આવી કૃતિને બિરદાવવામાં આવે છે. સૂક્ષ્મતા, વ્યંજકતા કે સાચી રસવૃત્તિનું ત્યાં ઝાઝું ગૌરવ થવાની શક્યતા રહેતી નથી. એ બધાંને નરી અલંકૃતતામાં ખપાવીને ભાંડવાનું વલણ ઘણા સ્વીકારતા દેખાય છે. પ્રજાના મોટા ભાગના શિક્ષિત વર્ગે અને સાહિત્યનું અધ્યાપન કરનારા અધ્યાપકોએ જો વિવેક અને ઊંડી સૂઝ કેળવ્યાં નથી હોતાં તો આવા અભિપ્રાયો જ મૂલ્યો બનીને ઠસી પડે છે. પ્રજાની રસવૃત્તિને કેળવીને વિકસાવવાનું કામ સાહિત્યનું છે અને એમાં જ અધ્યાપકોએ પ્રવૃત્ત થવાનું છે. એને બદલે સાહિત્યમાં પ્રવર્તતાં રાજકારણને વશ થઈને કે સમકાલીન મૂલ્યબોધને જ નિર્ણાયક તત્ત્વ ગણી લઈને જો કોઈ આલોચનાત્મક પ્રવૃત્તિ આદરે તો એ સાહિત્યના વિકાસને માટે ઉપકારક નહિ નીવડે એવો ભય રહે છે. સાહિત્યકૃતિથી મૂલ્યબોધની ભૂમિકા રચાય છે ખરી, પણ તે સમાજે સ્વીકૃતિ આપેલાં મૂલ્યોનું જ હંમેશાં સમર્થન કરે એવું ન પણ બને. આ કામ સાહિત્ય તાકિર્કતાથી કરતું નથી, એની વૈજ્ઞાનિક ચકાસણી શક્ય નથી, આ કામ સર્જકે વિકસાવેલી સૂઝથી થતું હોય છે. સાહિત્યનું શિક્ષણ વિજ્ઞાન, વાણિજ્ય અને બીજી કેટલીક જ્ઞાનની શાખાઓમાંથી બાકાત રાખવામાં આવ્યું છે એની પાછળ આવા જ કેટલાક, સાહિત્ય વિશેના,પૂર્વગ્રહો કામ કરતા લાગે છે.
દરેક કાવ્યમાં જે અર્થ રહ્યો હોય છે તેને અંશત: જ, બીજી સંજ્ઞાઓ દ્વારા અનૂદિત કરી શકાય છે. સ્પષ્ટીકરણના સ્વરૂપનું ગદ્યમાં કરવામાં આવતું ટિપ્પણ કે બિનસાહિત્યિક એવું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આથી ઝાઝું કરી શકે નહિ. પશ્ચિમમાં ‘heresy of paraphrase’ વિશે ઘણું કહેવાતું રહ્યું છે. ઘણા માને છે કે કવિતાને શબ્દાંતરે કહી શકાય જ નહીં; છતાં કવિતાના એક ભાષામાંથી બીજી ભાષામાં, અનુવાદો તો થતા જ રહે છે. અનુવાદમાં આખું કાવ્ય ઊતરતું નથી; એની મૂળ ભાષાનો લય, એની લઢણો, એના કાકુઓ,એનો સાંસ્કૃતિક પરિવેશ – આ બધું એમાં ઝાઝું આવી શકતું નથી. છતાં આપણે વિશ્વની ઘણી, પ્રથમ કક્ષાની સમૃદ્ધ, કવિતાને કેવળ ભાષાંતરથી જ પામીએ છીએ; એથી આપણી સર્જકતાને અને કાવ્યસૂઝને પણ સમૃદ્ધ કરતા રહીએ છીએ. સાહિત્યના અધ્યાપનમાં તો કાવ્ય વિશેનાં ટિપ્પણો, ભાષ્યો અને અર્થઘટનોનો ગંજાવર ખડકલો થતો દેખાય છે. કહેવાતાં વિવેચનનાં સામયિકો આવી પ્રવૃત્તિથી ભરેલાં દેખાય છે.
ગદ્યટિપ્પણોથી કાવ્યના અર્થ પરત્વેના સત્યને કંઈક આંબવા જેવું થાય છે. આવાં ટિપ્પણો કેટલીક વાર ખોટી જ દિશામાં જતાં દેખાય છે, એ સાચાં નથી તે પુરવાર કરી શકાય એવું હોય છે. કેટલાક અન્તિમે જઈને એવું વિધાન કરતા હોય છે કે કાવ્યને કોઈ નિશ્ચિત અર્થ હોતો નથી. ભાવક દ્વારા થતા એના દરેક અનુભવથી એનો અર્થ બદલાતો રહે છે. જો ખરેખર આવી પરિસ્થિતિ હોય તો કાવ્યની ખોટી સૈદ્ધાન્તિક સમજ કે અર્થભેદ પરત્વેની કશી ચર્ચાનો પછી તો કોઈ પાયો જ રહેતો નથી. પણ આપણે જાણીએ છીએ કે આવી પ્રવૃત્તિ તો હંમેશાં ચાલ્યા જ કરતી હોય છે. કાવ્યનો એવો કશોક મર્મ છે, એનું એવું કશુંક સત્ય છે જેને કેળવાયેલી રસવૃત્તિ અને વિવેકશક્તિવાળો ભાવક પામી શકે છે એવું ગૃહીત તો આપણે સ્વીકારીને જ ચાલતા હોઈએ છીએ. એથી જ તો આ બાબતમાં સજ્જતા પામવાનું, રસવૃત્તિ કેળવવાનું, સૂઝ વિકસાવવાનું આપણે સ્વીકાર્યું છે. આમ છતાં એ પણ સાચું કે કોઈ માતબર સાહિત્યકૃતિ વિશે વિવેચકોમાં પૂરેપૂરી એકવાક્યતા પ્રવર્તે કે એનું સત્ય,એનું હાર્દ પૂરેપૂરું હાથ લાગી જાય અને પછી એને વિશેની કશી આલોચનાત્મક પ્રવૃત્તિનો અવકાશ રહે જ નહિ એવું કદી બનતું નથી. આમ છતાં ગોવર્ધનરામ વિશે કે નાનાલાલ વિશે એકવાક્યતા પ્રવર્તતી હોવી જોઈએ એવો આગ્રહ ઘણી વાર કેટલાક રાખતા જોવામાં આવે છે. જો તમે સ્વીકૃત મતથી જુદા પડતા હો તમે ઉછાંછળા છો, અવિવેકી છો એટલું જ નહિ તમારી સાહિત્યિક સૂઝ કાચી છે એવું સાંભળવાનો વારો આવે છે. કવિતા વિશેની આનુષંગિક વિગતોની જાણકારી એને સમજવામાં ઉપયોગી થઈ પડે. પણ ઘણા આ વિગતો એકઠી કરવાની પ્રવૃત્તિ ગૌણ છે, કાવ્યના હાર્દ સુધી પહોંચવામાં ઉપયોગી થાય એવું સાધન માત્ર છે તે ભૂલી જાય છે અને આ માહિતી એકઠી કરવામાં મચ્યા રહેવું એ જ જાણે વિવેચનની પ્રવૃત્તિ છે એવું માનીને ચાલતા દેખાય છે. ઘણા કવિ કે કવિતાની વાત કરતાં કરતાં એના અંગત જીવનની ઘટનાઓને ખૂબ બહેલાવી બહેલાવીને કહેતા હોય છે, કવિની સમકાલીન પરિસ્થિતિનું આલેખન વીગતે કરે છે. આ બધું કાવ્ય વિશેની મૂળભૂત ચર્ચાની અવેજીમાં ચાલી શકે નહિ. કાવ્યબોધમાં ઉપકારક તેટલું જ સ્વીકાર્ય, બાકીનું બધું પરિહાર્ય એવો વિવેક કેળવવો ખૂબ જ જરૂરી છે. સમકાલીન સામાજિક સન્દર્ભ, કવિની જીવનવિચારણા, કવિનું કાવ્યવિષયક દૃષ્ટિબિન્દુ – આ બધું મહત્ત્વનું છે પણ તે ગૌણ ભાવે, કહેવાતા વિદ્વાનોઆ ગૌણ વીગતો પરત્વે ઘણું પાણ્ડિત્ય ડહોળતા દેખાયા છે, આપણા કાવ્યવિવેચનમાંથી આ બિનજરૂરી વીગતોનું ભારણ દૂર થવું જોઈએ.
એતદ્: જૂન, 1982