ચૌટે ને ચોતરે કોકને ઓટલે કે નદી કે તળાવની પાળે માણસો નાની નાની મંડળી જમાવીને બેસતા આવ્યા છે. કદીક ગપસપ ચાલે છે, તો કદીક કોઈ કથાકાર પૌરાણિક કથાઓની સૃષ્ટિમાં શ્રોતાઓને વિહાર કરાવે છે. આ આપણા સંસારના રોજિંદા જીવનની ઘટમાળમાંથી આપણે એકાએક ઊંચકાઈ જઈએ છીએ ને જેને કદી જોયાં-જાણ્યાં નથી એવાં પાત્રોનાં સુખદુ:ખમાં ભાગ લેતા થઈ જઈએ છીએ. એ સૃષ્ટિમાં વાદળ પ્રેમનો સંદેશ લઈ જાય છે. રાજકુંવરી મોતીનાં આંસુ સારે છે ને ક્યાંક દૂરથી તણાતા આવેલા એક સોનેરી વાળના પર અવલંબીને રહેલા રાજકુમારના ભાવિથી આપણે પણ ચિન્તાતુર થઈ જઈએ છીએ. આ સૃષ્ટિમાંથી જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે આપણી આ દુનિયા વધુ ચાહવા જેવી લાગે છે. તારાઓની દૃષ્ટિનો સંકેત આપણને વરતાય છે, દક્ષિણનો પવન કાનમાં જે છાની વાત કહી જાય છે તેનો મર્મ પરખાય છે ને સુદૂરની ક્ષિતિજરેખાને પણ ઉલ્લંઘીને આપણું મન કશાક અજ્ઞાતની શોધમાં ચાલી નીકળવા અધીરું બને છે.
* * *
રસાસ્વાદ એ એકાન્તમાં માણવાની વસ્તુ કદાચ નથી. આપણામાંના દરેકને એની આગવી રુચિ છે, એની જુદી અનુભૂતિ છે, એની અનોખી દૃષ્ટિ છે. ચન્દ્ર તો એકનો એક છે, પણ આપણે એને કેવી વિવિધ રીતે જોયો છે! કોઈ સદ્ભાગીને સુન્દર મુખનું દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો. એ મુખની સુન્દરતાને જ્યારે એ કૃતાર્થ થઈને વર્ણવવા ગયો ત્યારે સૃષ્ટિની બધી સુન્દર વસ્તુ પર એની નજર ફરી વળી. તે છેક આકાશ સુધી પહોંચી ગયો. ત્યાં ઊગેલા ચન્દ્રને જોઈને એણે બેધડક કહી દીધું ‘ આ મુખ ચન્દ્ર જેવું સુન્દર છે.’ ક્યાં મુખ ને ક્યાં ચન્દ્ર! પણ આપણા હૃદયને આ વાત ગમી ગઈ. ચન્દ્ર ને મુખ વચ્ચેનું આ સાહિત્ય આસ્વાદ્ય બની ગયું. ત્યારે આપણે કવિનો કાન પકડીને એમ ન કહ્યું કે અલ્યા, આ તો તું ગપ હાંકે છે!
કવિ રહસ્યલોકનો અગ્રદૂત છે. આપણી છાનીછપની લાગણીનું પગેરું એ કાઢી શકે છે. આપણે જે શબ્દો વ્યવહારમાં વાપરીએ છીએ તેમાંથી એ કાંઈ અવનવું જ ઉપજાવી આપે છે, ને આપણે વિસ્મયથી જોઈ રહીએ છીએ.
* * *
રવીન્દ્રનાથે એક સ્થળે કહ્યું છે કે આ પૃથ્વી પરના મોટા ભાગના લોકો જમીનદારના ઘરની વહુની જેમ બંધ પાલખીમાં બેસીને જ સંસારમાંથી ચાલ્યા જાય છે. એ લોકો ઋતુનાં પરિવર્તનોને કેલેન્ડરનાં પાનાં પરથી જ ઓળખે છે! પણ આપણી આ સૃષ્ટિ જેને વેદના દ્રષ્ટા ઋષિએ દેવનું અમર કાવ્ય કહીને ઓળખાવી છે, તે ખરેખર મીટ માંડીને જોયા જ કરીએ એવી અદ્ભુત છે…. હેમન્તમાં એ છીપમાંના મોતી જેવી લાગે છે તો શિશિરમાં ઘઉંની ઊંબીમાં એના કેશની સુન્દર ગૂંથણી જોઈને વારી જવાય છે.
* * *
પૃથ્વીની જેમ માણસ એક સાથે બે પ્રકારની ગતિ કરતો હોય છે: એક તો પોતાના વ્યક્તિત્વની ધરી પર અમુક ખૂણે એ પોતાનાં વ્યાવહારિક અને અંગત પ્રયોજનોની સાંકડી સૃષ્ટિમાં ફરતો હોય છે, ને વળી એ ગતિ કરતાં કરતાં જ, જેમ પૃથ્વી પોતાની ધરી પર ફરતાં ફરતાં સૂર્યની પ્રદક્ષિણા કરતી જાય છે, તેમ માણસ પણ પોતાનાથી બૃહદ્ એવા કશાકની પ્રદક્ષિણા કરતો હોય છે. આ બીજી પ્રદક્ષિણા ન કરીએ ત્યાં સુધી આપણને પ્રકાશ ન મળે; ને કવિ આપણને આ બીજી પ્રદક્ષિણાના આનન્દની એંધાણી આપે છે. આપણા રોજિંદા જીવનની સામાન્ય ઘટના પર એ આનન્દનો પુટ ચડે છે, ને જે ક્ષણિક હતું તે આપણા ભાવજગતની ચિર સમ્પદ બની રહે છે. આથી જીવનના જેટલા ભાગને કવિતાનો સ્પર્શ થાય છે તેટલો ભાગ કાળના ગ્રાસમાંથી ઊગરી જાય છે.
આથી કાવ્યાનન્દને ભાવવિલાસ ન ગણવો જોઈએ, તેમ જ ઉપયોગિતાના ત્રાજવામાં મૂકીને એનું તારતમ્ય ન નક્કી કરવું જોઈએ. આપણા યુગમાં સર્જન કરતાં વિનાશનું પલ્લું નીચું નમી ગયું છે. સમતુલા જાળવવાને માટે અહૈતુક નિર્માણની પ્રવૃત્તિને આપણે સંવર્ધવી જોઈએ. જે જગતમાં આપણે જીવીએ છીએ તે તો આપણને પ્રાપ્ત થઈ ચૂકેલું છે, પણ સાચી દૃષ્ટિએ જોઈએ તો એવું નથી. એના નિર્માણનો વિધિ પૂરો થઈ ગયેલો હોતો નથી. ફૂલની પાંદડીઓ ખૂલે છે, કોઈના આનન્દથી ખીલી ઊઠતા મુખના દર્શને; તારાઓ પૃથ્વી ભણી મીટ માંડીને જોઈ રહ્યા છે. કોઈ પ્રેમી યુગલ એકબીજામાં પરોવાયેલી દૃષ્ટિને જોઈને; જે કાંઈ અહીં છે તેને આપણે ફરીથી ઘડીએ નહીં ત્યાં સુધી એ આપણું ન બને. આપણી ને એની વચ્ચેનો અન્તરપટ ન ખસે. વહુ બહુ લાડકી હોય છે તો સાસરિયાંઓ એને સાવ પોતાની કરી લેવાને એનું પિયરનું નામ સુધ્ધાં બદલી નાખે છે, તેમ જો આ સૃષ્ટિ આપણને વહાલી લાગતી હોય તો તેને અણુએ અણુએ નવી બનાવીને જ આપણે જંપીએ. કવિને સૃષ્ટિની આવી માયા લાગી હોય છે. એ બધું જ ચાહે છે. એ કશાનો નિષેધ કરતો નથી. જીવનમાં તો બધું સ્વીકારવાનું આપણું ગજું નહિ. સહેજ સરખું દુ:ખ આવી પડે તો આપણે ભાંગી પડીએ પણ કાવ્યમાં કાન્તાવિરહી યક્ષની વેદના કે કામદહન પછીના રતિના વિલાપને આપણે માત્ર જિરવી શકીએ છીએ એટલું જ નહિ, માણી પણ શકીએ છીએ.
કવિની પાસે આપણે આવી અપેક્ષાઓને આજની કવિતા સન્તોષતી નથી; એ હંમેશાં સન્તોષે જ એવું નયે બને. રાધાકૃષ્ણના એનાં એ જૂનાં ઘસાઈ ગયેલાં પ્રતીકો એમાં આપણો આગવો ભાવોચ્છ્વાસ પૂર્યા વિના કવિ રજૂ કરે તો આપણું હૃદય ડોલી ઊઠે નહીં. લાગણીનાં આછાંપાતળાં નીરમાં સહેજ માત્ર છબછબિયાં કરાવીને ગીત થંભી જાય, અમુક ઉક્તિઓની પુનરાવૃત્તિઓનો આશ્રય લઈને સાંકડા કુંડાળામાં ફર્યા કરે તો આપણું ચિત્ત અકળાઈ ઊઠે; એકાદ બે તરંગ કે આછાપાતળા વિચારની મૂડી પર આડમ્બર કરીને સાત માળની ઇમારત ઊભી કરવા જાય તો આપણને હસવું જ આવે, આપણે દિલ દઈને સાંભળવા બેઠા હોઈએ ત્યારે જો એ ગવાયેલું જ ગાણું ગાય, જૂની વસ્તુના પડઘા જ પાડે તો આપણને દગો દીધા જેવું જ લાગે.
સૃષ્ટિ સામે નજર કરો, કેવો અજસ્ર વૈભવ છે! દરેક તૃણાંકુર આનન્દનો આગવો સંકેત હરિયાળીની લિપિમાં લખી દે છે. આપણી ભાવના પર એવો સંસ્કાર થયો છે ખરો?શરદના ધાન્યક્ષેત્રમાં પ્રાણની જે કાન્તિ જોઈએ છીએ તેવી કાન્તિ કવિએ પ્રયોજેલા શબ્દોમાંથી નીતરી રહેવી જોઈએ. દૈનંદિનીય વ્યવહારની રજમાં રજોટાયેલી ભાષા સદ્યજાત શિશુની પ્રફુલ્લતા પામીને કાવ્યમાં પ્રગટ થવી જોઈએ. એમાં આપણાં સુખદુ:ખની અસંખ્ય લાગણીઓના લય ઝીલાવા જોઈએ.
આથી આપણો કવિ સંસ્કારી ગણાતા અમુક વર્ગની રુચિનો લઘુતમ દૃઢભાજક સ્વીકારીને તેની ઉપર અલંકારનું નકશીકામ કરીને પોતાના કર્તવ્યની ઇતિશ્રી માની લઈ શકે નહિ. નાનાં નાનાં દુ:ખોથી અકળાઈને આક્રોશપૂર્વક ઉદ્ગાર કાઢે, એ દુ:ખને વાગોળવામાં જ મજા માણે તો એની કવિતા આપણને હંમેશાં આકર્ષી શકે નહિ. દુ:ખનેય કાવ્યમાં સ્થાન છે, પણ એમાં ગૌરવ હોવું જોઈએ, કાકલૂદી નહિ.
પણ આપણે કવિઓનો દોષ નહીં કાઢીએ. સહૃદયોની રુચિ વધુ પરિષ્કૃત અને સમૃદ્ધ હશે તો કવિઓનો ઉત્સાહ વધશે, તો એ લોકો પણ આત્મતુષ્ટિનું આચમન કરતાં અટકશે, નવા સાહસને માટે અધીર થઈ ઊઠશે, આપણી ભાષાની નવી શક્યતા પ્રગટ કરશે. આવી પરિસ્થિતિ ઉદ્ભવે તે પહેલાં કવિતા હૃદય હૃદય વચ્ચે વિહરતી થઈ જવી જોઈએ. વિજ્ઞાનની શોધોએ જે વિસ્તારને સંકોચ્યો છે તેમાંથી જો આપણે હૃદયવિસ્તાર સાધીશું તો જ ઊગરી જઈ શકીશું.
ગુજરાતમિત્ર 4-3-1957