6 અદ્યતન એકાંકીની દાર્શનિક ભૂમિકા: ‘એબ્સર્ડ’

સામાન્ય રીતે ફિલસૂફીમાં વિરોધાભાસી વિધાનોને અતાકિર્ક લેખીને ટાળવામાં આવે છે, પણ અસ્તિત્વવાદી ફિલસૂફો વિરોધાભાસી વિધાનોમાં રાચતા હોય એવું લાગે છે. એમની વિચારણાની કેટલીક મહત્ત્વની સંજ્ઞાઓમાં આવો વિરોધાભાસ રહેલો દેખાય છે. હતાશા વિશે એઓ ભારે ઉત્સાહથી વાતો કરે છે. એથી કેટલીક વાર આપણને એમ લાગે છે કે આપણે માટે હવે એક જ આશા રહી છે અને તે આશાને ખોઈ બેસવાની! આવું જ  ‘અર્થહીનતા’ અને ‘શૂન્ય’ વિશે પણ કહી શકાય. જગતની અર્થહીનતા ઓળખી લીધા છતાં મર્લો પોંતિ કહે છે કે અર્થને શરણે ગયા વગર આપણો આરો નથી. જે શૂન્ય જ છે તેને વિશે શું કહી શકાય?પણ આ ફિલસૂફો શૂન્ય વિશે ભારે વાચાળ બનીને બોલતા હોય છે. આ કે તે ‘એબ્સર્ડ’ છે એમ કહી દઈને આપણે એ વિશે વિચારવાનું કશું રહેતું નથી એમ માનતા હોઈએ તો તે ભૂલ છે. એ તો આ દાર્શનિક વિચારણાનું પ્રારમ્ભબિન્દુ છે.

આમ ફિલસૂફીની સંજ્ઞાઓને અમુક એક જ નિશ્ચિત સંકેત હોવો જોઈએ એવું હવે અનિવાર્ય લેખાતું નથી. વિશદતાને નામે આવી અર્થ પરત્વેની એકવાક્યતા હોવી જરૂરી લેખાતી નથી. એરિસ્ટોટલે જ્યારે કહ્યું કે ‘Being has many senses’ ત્યારે એના મનમાં આવો જ કંઈક ખ્યાલ હશે. ‘એબ્સર્ડ’નો પ્રયોગ હવે વસ્તુઓ, વ્યક્તિઓ, કાર્યો, વિચારો, વિધાનો, પરિસ્થિતિઓ પરત્વે કરવામાં આવે છે. આ બધા પ્રયોગોમાં એ સંજ્ઞાનો અર્થ એકનો એક રહે છે ખરો?એવી સંજ્ઞાના રેઢિયાળ ઉપયોગથી આપણે જીવનની કેટલીક મૂળભૂત સમસ્યાઓ વિશે વિચારવાનું, ચતુરાઈપૂર્વક, ટાળતા હોઈએ એવું તો બનતું નથી ને?આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એનું કારણ એ છે કે કેટલાક આ સંજ્ઞાને આધુનિક માનવસન્દર્ભને સમજવા માટે ચાવી રૂપ ગણે છે, તો બીજી બાજુથી કેટલાક એને માત્ર ચસકેલ મગજે ઉપજાવી કાઢેલી વાત ગણે છે. ડેનિશ ફિલસૂફ ક્યિર્કેગાર્દે આ સંજ્ઞા સોએક વર્ષ પહેલાં વાપરેલી; પણ ત્યાર પછી એ સંજ્ઞાના સંકેતો બદલાતા રહ્યા છે. ક્યિર્કેગાર્દને માટે તો એ એક વ્યક્તિનો પ્રશ્ન હતો. વ્યક્તિને વિરોધાભાસ કે અસંગતિભરી પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો રહે અને એમ કરીને એ વાસ્તવિકતાનાં બૌદ્ધિક અને નૈતિક પાસાંને સ્વીકારવા તત્પર બને. આ જાતનું વ્યક્તિગત રૂપાન્તર એને ઉદ્દિષ્ટ હતું. આજે વીસમી સદીમાં વ્યક્તિના આવા રૂપાન્તરને સિદ્ધ કરવા માટેના ઉદ્દીપન કે ઉદ્બોધનરૂપે આ સંજ્ઞા ભાગ્યે જ વપરાય છે. આ પરિસ્થિતિ સમસ્ત માનવનિયતિ સાથે સંકળાયેલી છે અને તેથી બધાએ જ એ સમસ્યા સામે ઝૂઝીને એનો ઉકેલ શોધવાનો છે. ક્યિર્કેગાર્દને ‘એબ્સર્ડ’ની શોધમાં નીકળવું પડ્યું. આજના ફિલસૂફને તો ગમે કે ન ગમે તોય એનો સામનો કરવાનો જ રહે છે. આજે તો આપણે માનવસન્દર્ભમાં રહેલી અસંગતિ વિશેની વિશદ અભિજ્ઞતા કેળવીએ તો જ માનસિક સ્વાસ્થ્ય અને બૌદ્ધિક સમતુલા જાળવી શકીએ.

ધર્મ જે સત્ય આપવાનો દાવો કરે છે તેને શ્રદ્ધાથી સ્વીકારવાનું રહે છે. એનાં જુદાં જુદાં અર્થઘટનો,એમાંથી ઉદ્ભવતા સમ્પ્રદાયો, એ બધાંનો પોતાના મતના સ્વીકારને માટેનો ઝનૂની હઠાગ્રહ – આ બધાંમાંથી પસાર થઈ ચૂક્યા પછીથી વિજ્ઞાનનું વર્ચસ વધતું અનુભવ્યું. વિજ્ઞાને એ સત્યને પ્રમાણભૂત રીતે સ્થાપી આપવાનો પડકાર ઝીલ્યો. પણ એની પદ્ધતિ પૃથક્કરણની હતી. એણે વિશ્વને ઓળખાવ્યું ખરું પણ તે ખણ્ડ ખણ્ડ રૂપે, એમાંથી સુગ્રથિત અખિલાઈનો અનુભવ કરાવવાનું એનાથી બની શક્યું નહીં. ફિલસૂફી જો વિજ્ઞાનના આ સત્યને સ્વીકારે તો સાથે તો આ ખણ્ડ ખણ્ડને એક સૂત્રે ગૂંથવા માટે આ બધાંથી પર, એને અતિક્રમીને રહેનારા  કશાક, તત્ત્વની કલ્પના કરી રહેવાની રહે. પણ એ તો એક આશ્વાસન માત્ર બની રહે.

આમ જગતને સમજાવી દેવાનો પ્રયત્ન જ અધૂરો અને શંકાસ્પદ લાગવા માંડ્યો. જો બધાંને અતિક્રમીને રહેલા પરમ તત્ત્વને સારું માનો તો એના અસ્તિત્વને જ સત્યરૂપ ગણવાનું રહે. આથી સાચું અને પ્રાતિભાસિક એવા ભેદ ઊભા થયા. જડ જગત અને ચૈતન્યતત્ત્વ વચ્ચેની ભિન્નતા ઊપસી આવે. મન અથવા ચિત્ત જાણે શરીરમાં અમુક સ્થાને રહ્યું હોય અને જગત આપણી બહાર રહેલી ભિન્ન વસ્તુ હોય એમ માનીને એ બન્ને વચ્ચેના સમ્બન્ધની, જગતની વાસ્તવિકતા વિશેની, આભાસ અને સત્ય વિશેની ઘણી નિરર્થક વિતંડાઓ અત્યાર સુધી ચાલ્યા કરતી હતી. હવે જે દેખાય છે તે સત્ય છે કે આભાસ તે પ્રશ્ન અપ્રસ્તુત છે. હવે જેને આપણે ચેતના કે subjectivity કહીએ છીએ તે પદાર્થ પ્રત્યેની અભિમુખતા માત્ર છે અથવા mode of existence of an object છે. વળી આ પદાર્થ અજસ્ર અને અખૂટ છે, inexhaustible છે. આપણી બહારનું non-human existence અને આપણી ચેતના આમ mutually exclusive છે, છતાં અવિચ્છેદ્ય છે. આ આપણી સમસ્યા છે. આમાં ‘એબ્સર્ડ’નાં મૂળ રહેલાં છે. એ જેને ચીંધે છે તે પરિસ્થિતિ પ્રત્યે આપણે અભિમુખ થવાનું છે તો જ જે સમસ્યા ગૂંચવાઈ ગઈ છે તેને કંઈક અંશે સ્પષ્ટ કરવાનું શક્ય બનશે. આપણાથી સાવ નિલિર્પ્ત  અને ઉદાસીન એવા જગત વચ્ચેની આપણી ઉપસ્થિતિ વિશે આપણે કશા પૂર્વગ્રહ કે અનુચિત અભિનિવેશ વિના વિચારવાનું રહેશે. આથી એમ કહેવું અભિપ્રેત નથી કે આપણને આપણા પરિવેશ સાથેના આપણા વેગળાપણાનો, વિશ્લિષ્ટતાનો અનુભવ થાય છે. આમ કહેવું  તે ખોટું છે કારણ કે આપણામાંના કોઈ વાસ્તવિકતાથી છેદાઈ ગયા છીએ એવું નથી. આપણે આપણી વિચ્છિન્નતાની વાત કરતા નથી; અસ્તિત્વમૂલક એક પાયાની પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ. આપણને એવો અનુભવ થાય છે કે આપણા અનુભવનાં બંધારણ અને જરૂરિયાત તે આપણા વાસ્તવિક પરિવેશના બંધારણ સાથે બંધ બેસતા નથી, સમપ્રમાણ નથી. આમાં ‘એબ્સર્ડ’નાં મૂળ રહેલાં છે. કૅમ્યૂને આ સમસ્યાના નૈતિક પાસામાં રસ છે જ્યારે સાર્ત્ર અને હાઇડેગર એને અસ્તિત્વની ભૂમિકા પર રહીને જુએ છે. આમ સહુ ભિન્ન ભિન્ન સ્તર પરથી આ સમસ્યાને જુએ છે. જુદા જુદા ચિન્તકોમાં આમ સ્તરભેદ દેખાય છે; પણ મૂળભૂત પરિસ્થિતિ પરત્વે કશો ભેદ નથી, કારણ કે એ દરેકમાં પાયાની વાત તો એક જ છે: વ્યક્તિનો અસ્તિત્વના કેન્દ્રરૂપ બનવાનો અનુભવ અને એનું બંધારણ તે એના પરિવેશ રૂપે રહેલા જગતના બંધારણથી જુદાં છે. આ ભેદનો અનુભવ તે દાર્શનિક વિચારણાનું પ્રારમ્ભિક બિન્દુ છે. જે આ ભેદને સ્વીકારે છે તેની વચ્ચેનો દાર્શનિક વિનિમય પરિણામકારી નીવડે છે. પણ આ સિવાયના જેઓ અસ્તિત્વવાદી દર્શનની સંજ્ઞાઓથી આકર્ષાઈને એમાં ઊમિર્જન્ય ઉદ્રેકોનું આરોપણ કરે છે. તેઓ જ અસ્તિત્વવાદ વિશેની ગેરસમજ ઊભી કરીને એના ટીકાકારોને ઉશ્કેરવાનું કામ કરતા હોય છે. ‘એબ્સર્ડ’નો અનુભવ irreducibly irrational છે એમ માનવું તે પાયાની ભૂલ છે. એમાં અસ્તિત્વવાદી વિચારસરણીના મૂળભૂત ખ્યાલ વિશેની ગેરસમજ તો છે જ.

જગત અર્થહીન છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ irrational છે એવું સૂચવવામાં નથી આવતું, એથી ઊલટું આ વીસમી સદીના અન્તિમ ચરણમાં આપણે એ દર્શાવતા હોઈએ છીએ કે આપણી આજુબાજુના પરિવેશરૂપ જગતમાં આટલી rationalityનો ક્યારેય અનુભવ થયો નહોતો. આપણા વાસ્તવિક પરિવેશની rationalityપહેલી જ વાર, આપણી વૈજ્ઞાનિક અને ટેકનોલોજિકલ સંસ્કૃતિને સમજવા માટેની ભૂમિકા બની રહે છે. આપણે પહેલી જ વાર માનવજાતિના ઇતિહાસમાં, આજુબાજુના જગત સાથેના structural differenceને તીવ્રપણે અનુભવીએ છીએ.

આપણી આજુબાજુનું, નિરીક્ષણના વિષયરૂપ, જગત આપણે બુદ્ધિમત્તાની સીમામાં ખેંચી લાવવા મથ્યા છીએ. આ કોઈ આધ્યાત્મિક કે ધામિર્ક પુરુષાર્થ નથી પણ રોજ-બ-રોજની એક વ્યક્તિના અનુભવની ઘટના છે. અસ્તિત્વવાદ આપણા વાસ્તવિક પરિવેશના rational structureને સ્પષ્ટ રીતે બતાવે છે, પણ સાથે એ પણ દર્શાવે છે કે એ structureવ્યક્તિ પોતાના અસ્તિત્વમાં જે structureને અનુભવે છે તેનાથી સાવ જુદું છે. જો આ ભેદની મને પ્રતીતિ થતી હોય,જો બહારનું વિશ્વ આ રીતે સાવ વેગળું જ રહી જતું હોય, તો મને પ્રશ્ન થાય કે હું જે કાર્ય કર્યે જાઉં છું તે શા માટે કરું છું?જો એ અર્થહીન હોય તો હું એ શા માટે કર્યે જાઉં છું?પોતાના જીવનનું જે structure છે તેની સાથેના આ બાહ્ય પરિવેશના rational structureનો સમ્બન્ધ તે અસ્તિત્વવાદી વિચારણાનું કેન્દ્રબિન્દુ છે. અનુભવની વાસ્તવિકતા પાયાની વસ્તુ બની રહે છે. એને વિશે પ્રામાણિકપણે વિચારવું તે ચિન્તકની ફરજ બની રહે છે; પછી એને માટે બીજો કશો વિકલ્પ રહેતો નથી. જે આ ભૂમિકાને સ્વીકારતા નથી તેની સાથે મતભેદ તો રહેવાનો જ. અનુભવની આ પ્રાથમિક ભૂમિકા આપણા જમાનામાં તો વધુ ને વધુ સ્વીકારાતી આવે છે. જેમને આ જાતનો અનુભવ નથી થઈ શકતો તેઓ વિધિનિષેધોમાંથી મુક્તિ અપાવનારાં કેફી દ્રવ્યોનો આશ્રય લઈને પણ એ અનુભવ લેવા ઇચ્છે છે. આમ ‘એબ્સર્ડ’નો અનુભવ તે કશીક અસાધારણ કે સમાજના અમુક વિદગ્ધ સંભ્રાન્ત વર્ગનો જ ઇજારો હોય એવી વસ્તુ નથી. એ એક સર્વસાધારણ અને સ્વાભાવિક એવો આપણા જમાનાના technological organization પ્રત્યેનો પ્રતિભાવ છે.

માનવીની એક વ્યક્તિ તરીકેની આવશ્યકતા અને એના બંધારણ સાથે સુસંગત નહીં એવા એના વાસ્તવિક પરિવેશ વચ્ચે અનુભવાતી નિરાશાને વર્ણવતી સંજ્ઞાઓ કંઈક negativeસ્વરૂપની લાગવા સમ્ભવ છે. પણ ફિલસૂફીનું કામ પ્રારમ્ભના તબક્કાના આ negative experienceમાં જ સીમિત થઈને રહેવાનું નથી; એ દૃઢતાપૂર્વક એના positive સૂચિતાર્થોની શોધ ચલાવે છે. ‘એબ્સર્ડ’ના અનુભવનાં બે પાસાં છે: આપણે જે જગત વચ્ચે વસીએ છીએ તેને વિશેની નિરાશાના અનુભવ સાથે માનવઅસ્તિત્વના વિશિષ્ટ બંધારણ અને જરૂરિયાતો વિશેની સમજ પણ જરૂરી છે.

આમ છતાં ‘એબ્સર્ડ’ આ જમાનાની ફિલસૂફીની સૌથી વિવાદાસ્પદ સંજ્ઞા બની રહી છે. આથી ‘એબ્સર્ડ’ની વાત કોઈ પાગલની કલ્પનાનું પરિણામ છે એમ કહીને એને વખોડી કાઢવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરીએ તે જ ઉચિત છે. આપણે ત્યાં જ્યારે જ્યારે આ સંજ્ઞા વપરાય છે ત્યારે એનાથી શું ઉદ્દિષ્ટ છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી હોતી. આલોચનાત્મક લેખોમાં તાકિર્ક શિથિલતા જોવામાં આવે છે. સુચિન્તિત મતને બદલે clicheના ઉપયોગમાં રાચવાનું વલણ જોવામાં આવે છે.

આપણે ત્યાં જ આવી પરિસ્થિતિ છે એવું નથી, પશ્ચિમમાં પણ એવું જ છે. આથી જ તો જાણીતા નાટ્યવિવેચક અને અનુવાદક મર્ડેકાઈ ગોરેબિકે આવા ‘absurd absurdist’ની ઠેકડી ઉડાવી છે. ‘એબ્સર્ડ’ તરીકે ઓળખાવાતાં ઘણાં નાટકોમાં નાટ્યરૂપની શિસ્ત હોતી નથી; એમાં માનવીય અભિલાષાઓને નકારી કાઢવામાં આવી હોય છે. ઘણાં એમ માને છે કે બીજા વિશ્વયુદ્ધમાં સૌપ્રથમ હારીને હિટલરને શરણે જનાર ફ્રેન્ચ લોકોની જે મનોદશા હતી તેનું આજે આપણે અનુકરણ કરવાની શી જરૂર છે?જ્ઞાન સમ્ભવિત છે એ હકીકતને જ નકારી કાઢવી અને કોઈ પણ લક્ષ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ જ નકામો છે એ પ્રકારના nihilismના પ્રસારની જવાબદારીમાંથી ફિલસૂફો પણ છટકી જઈ શકે તેમ નથી.

આ સંજ્ઞાનું મહત્ત્વ સાહિત્યના ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત નથી. આજની યુવાન પેઢીમાં જે નિલિર્પ્તતા કે વેગળાપણું દેખાય છે તે સમજાવવા માટે સમાજના ચિન્તકો પણ આ વિભાવનાનો વિનિયોગ કરતા હોય છે. ધર્મના ક્ષેત્રમાં પણ ‘એબ્સર્ડ’નો વિલક્ષણ રીતે મહિમા સ્થપાયો છે. એમ કરવામાં ક્યિર્કેગાર્દ, યેસ્પર્સ, માર્સેલ જેવા અસ્તિત્વવાદી ચિન્તકોનો ફાળો ઘણો છે.

‘એબ્સર્ડ’ને માટે બૌદ્ધિક વાતાવરણમાં વિરોધ ઘણો હોય અને સહાનુભૂતિ ઓછી હોય તોય એને એક મહત્ત્વની વિભાવના લેખે સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. આ જગતમાં વસતા માનવી વિશેનું મોટું સત્ય ‘એબ્સર્ડ’ દ્વારા પ્રકટ થયું છે એટલું જ નહીં,એ માનવીને ઉદ્ધારક નીવડ્યું છે એમ કહીએ કે પછી એ અત્યન્ત હાનિકારક એવો વક્રદૃષ્ટિપૂર્ણ અભિગમ છે; માનવીના વાજબી આશયોનું મનોરુગ્ણ મનોદશામાં કરાયેલું વિકૃતીકરણ છે એમ કહીએ તોય એની તાકિર્ક ભૂમિકા તો રચી આપવાની જ રહેશે.

‘એબ્સર્ડ’ સંજ્ઞાનો લાક્ષણિક અર્થવિસ્તાર ઘણો થયો છે. આથી વિસ્તરેલી અર્થચ્છાયાઓમાંથી અમુકને રાખીને અમુકને સ્વીકારવાનું વલણ આપણું હોઈ શકે. ‘આ કે તે એબ્સર્ડ છે’ એમ કહેતા હોઈએ છીએ ત્યારે કેટલીક વાર સાવ ખોટી અને તુચ્છ વાત કહેતા હોઈએ એમ પણ બને. આ પરત્વે વિવેક કેળવવો જરૂરી બની રહે છે.

આ સંજ્ઞાનો થોડો પૂર્વઇતિહાસ જોઈએ: ચિચેરોએ ‘absurdidus’નો ઉપયોગ બસૂરા ધ્વનિઓ માટે કરેલો. એનાથી અણગમો ઉત્પન્ન થાય, એ ધ્વનિઓ કઠોર લાગે. એ શબ્દના પાછલા ભાગ ‘surdus’નો અર્થ ‘બહેરો’ એવો થાય છે. ‘ab’ તે ઉત્કટતાવાચક પૂર્વગ છે. ધીમે ધીમે સંગીતના ક્ષેત્રમાંથી Rhetoricsના ક્ષેત્રમાં અને એમાંથી તર્કશાસ્ત્રના ક્ષેત્રમાં એનો અર્થ વિસ્તર્યો. કોઠાસૂઝને કે ઠરેલ બુદ્ધિને જે ખૂંચે તે એવો ‘એબ્સર્ડ’નો સંકેત વિસ્તર્યો. આથી એબ્સર્ડ તે ધ્વનિ નથી, પણ બોલાતી વાત કે કરવામાં આવેલાં કાર્ય છે; એટલું જ નહીં પણ એવું બોલનારા અને કરનારાને પણ ‘એબ્સર્ડ’ કહેવામાં આવે છે. આવા સંકેતવિસ્તાર પછી એબ્સર્ડને નક્કી કરવાનું ધોરણ વધુ ને વધુ અસ્પષ્ટ બનતું ગયું. ગણિતમાં ‘absurd number’ આવે છે. આમ ‘આ એબ્સર્ડ છે’ એ વાક્યમાં ‘આ’ને સ્થાને આપણે ગમે તે મૂકી દઈ શકીએ – એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, કાર્ય હોય, વિચાર હોય,વિધાન હોય કે પરિસ્થિતિ હોય.

ચિચેરોએ ખ્રિસ્તી ધર્મમાં રહેલા ‘એબ્સર્ડ’ને ચીંધી બતાવ્યું છે: કુંવારી કન્યાને પુત્ર થાય, એ ઈશ્વરનો પુત્ર હોય એવું માનવામાં આવે, એ ચમત્કારો કરે, એને શૂળીએ ચડાવવામાં આવે અને એ ત્રીજે દિવસે વળી ઊભો થાય, નરકમાં ઊતરે, સ્વર્ગમાં આરોહણ કરે અને ઈશ્વરનો જમણો હાથ બનીને રાજ કરે – આ ‘એબ્સર્ડ’ની અવધિ નથી? આપણાં દેવદેવીઓ વિશેની પુરાણકથાઓમાંથી આવાં અસંખ્ય દૃષ્ટાન્તો મળી રહેશે. પણ આનો અર્થ એ કે જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં વિશ્વસનીયતાને માટેનાં આપણાં ધોરણો એકસરખાં હોતાં નથી. જે એક  ક્ષેત્રમાં સુબદ્ધ  અને વ્યવસ્થિત લાગે તે બીજામાં અતન્ત્ર અને અવ્યવસ્થિત પણ લાગે. પણ પાસ્કલ, ક્યિર્કેગાર્દ, કૅમ્યૂ અને સાર્ત્ર જેવા ચિન્તકોએ આ સંજ્ઞા બુદ્ધિવાદના અતિરેક સામેના વિદ્રોહ માટે પ્રયોજી છે.

તો પ્રશ્ન આ છે: વિચારવ્યવસ્થા એક જ હોવી ઘટે?બધું તાકિર્કતાથી તારવી આપવાનું રહે?દોસ્તોએવ્સ્કીએ આવી માન્યતાનો વિરોધ કર્યો હતો. ‘ભોંયતળિયેનો આદમી’માં એ ‘crystal palace’ની સમ્પૂર્ણ ગાણિતિક અને યાન્ત્રિક વ્યવસ્થા સામે વિદ્રોહ કરે છે. એ સાહજિકતા, વિકલ્પમાંથી પસંદગી કરવાની અબાધિત સ્વતન્ત્રતા, આકસ્મિકતા અને બુદ્ધિને ન ગાંઠતી હકીકતોને એકબીજાની પડછે મૂકીને બતાવે છે. પાસ્કલ પૂછે છે: ‘વાસ્તવમાં પ્રકૃતિમાં માનવીનું શું સ્થાન છે?અનન્તને મુકાબલે તો એ કશું જ નથી, એ nothingઅને everything વચ્ચેનો સાંધો માત્ર છે.’ પાસ્કલને મતે માનવજીવનમાં પાયાનો વિરોધાભાસ છે તે આ જ છે: એ nothing અને everything બનવા ઇચ્છે છે. આમ એબ્સર્ડ તે અમુક માન્યતાઓ, અમુક પરિસ્થિતિઓ પૂરતું જ મર્યાદિત નથી; એ પ્રકૃતિ સાથેના માનવીના સમ્બન્ધની પરિસ્થિતિને લાગુ પડે છે. વ્યવસ્થાઓની શૃંખલાઓ તૂટતી જાય છે અને તેમાંથી એબ્સર્ડ ફણગાઈ ઊઠે છે.

હૅગેલે એક જ વ્યવસ્થા નીચે બધું લાવી દેવાનો આગ્રહ રાખ્યો; એક માત્ર પદ્ધતિથી આ સિદ્ધ કરવાનું તાક્યું. ક્યિર્કેગાર્દે આનો વિરોધ કર્યો અને વ્યવસ્થાની તથા પદ્ધતિની અનેકવિધતાની વાત કરી. એ રીતે જોઈએ તો કેવળ બુદ્ધિ પર નિર્ભર રહ્યા વિના જેને સમજી શકાય તે ‘એબ્સર્ડ’. જે લોકો આ ‘એબ્સર્ડ’ને ઓછું એબ્સર્ડ બનાવવા મથે છે તેમની પ્રત્યે એને ઘૃણા છે. પણ એબ્સર્ડ તે અસમ્ભવ, આકસ્મિક કે અદૃષ્ટનો પર્યાય નથી.

કૅમ્યૂને મતે એબ્સર્ડનો ઉદ્ભવ પ્રશ્ન પૂછનાર માનવી અને નિરુત્તર રહેનાર પ્રકૃતિ વચ્ચેના વિરોધમાંથી થાય છે. આમ બન્ને વચ્ચે એક રિક્ત અવકાશ છે; અપેક્ષિત સમ્બન્ધનો અભાવ છે. અનેકવિધ સમ્બન્ધોની શક્યતાઓ કેવી રીતે બુદ્ધિગમ્ય બને છે અને એ સમ્બન્ધો પૈકીના કયા આપણે ઇચ્છીએ છીએ અને આપણે માટે જરૂરી છે તેનો નિર્ણય આપણે શાને આધારે કરીશું?  આમ સમ્બન્ધોનો જ છેદ ઉડાવવાની વાત એમાં નથી, પણ આપણે જે વ્યવસ્થા જાણીએ છીએ તે મર્યાદિત છે અને તે એકબીજાનો છેદ ઉડાડતી હોય છે. માનવજાતિને કેટલાક પ્રશ્નોના જવાબ મળ્યા છે, પણ કેટલાકના મળ્યા નથી. એનું શું કારણ?ગેલેલિયો, પાસ્કલ, ન્યૂટન કે કેપ્લરના પ્રશ્નોના જવાબ મળ્યા છે, જગતમાં અનિષ્ટ શા માટે છે, સદાચારી એનો ભોગ કેમ બને છે જેવા પ્રશ્નોના હજી જવાબ ક્યાં મળ્યા છે?

આથી જ તો આપણે જો એમ કહીએ કે જગતમાં અસંગતિ છે તો તે વાજબી છે.

આમ આપણે જો તારણ કાઢીએ તો ‘એબ્સર્ડ’ની મુખ્ય મુખ્ય અર્થચ્છાયાઓ આટલી છે: અનુભવના એવા અંશો જે મનુષ્યના વ્યક્તિગત કે સામાજિક જીવનની અપેક્ષાઓ સાથે બંધબેસતા નહીં થતા હોય;વિરોધાભાસના માધ્યમથી અર્થપૂર્ણ રીતે વિચારવિનિમય કરવો; તર્ક કેવળ અમૂર્ત જોડે જ વ્યવહાર ચલાવી જાણે છે; એ કદી મૂર્તને પૂરેપૂરું તાગી શકે નહીં; પ્રકૃતિ આપણે માટે વસ્તુલક્ષી દૃષ્ટિએ  મૂલ્યો સ્થાપી આપતી નથી, માટે આપણે જ મૂલ્યોની પસંદગી કરવાની રહે તે પરિસ્થિતિ; આકસ્મિકતાના તત્ત્વનો આપણા જ્ઞાનની  પ્રક્રિયામાં અને તત્ત્વવિદ્યામાં સ્વીકાર.

જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે કૅમ્યૂ કહે છે કે લોકો કહે છે કે આ યુદ્ધ કાંઈ ઝાઝું નહીં ચાલે;કારણ કે નિ:શંકપણે યુદ્ધ એક બેહૂદી ઘટના છે. પણ તેથી કંઈ યુદ્ધ અટકી જતું નથી. બુદ્ધિ ઘટનાઓને પૂરી સમજાવી શકતી નથી કે એને બનતાં અટકાવી શકતી નથી. મરણને આપણે ‘એબ્સર્ડ’ કહીએ છીએ કારણ કે માનવી એવી રીતે જીવે છે કે કેમ જાણે એ સદાકાળ જીવ્યે જવાનો જ નહીં હોય! માનવીઓ એવા તો અનિવાર્યતયા પાગલ હોય છે કે પાગલ ન હોવું તે વળી પાગલપણાનો જ બીજો પ્રકાર બની રહે! માનવીની મહત્તા એવી તો સુવિદિત છે કે એનું અભાગિયા હોવું તે પણ એનો પુરાવો બની રહે છે!

પાસ્કલે પ્રશ્ન પૂછ્યો હતો: ફિલસૂફો એકબીજાનો વિરોધ કેમ કરતા હોય છે?એનું કારણ એ છે કે મનુષ્યના સ્વભાવને બે રીતે જોઈ શકાય છે: એક તો એ જે લક્ષ્યને દૃષ્ટિ સમક્ષ રાખે છે તે પ્રમાણે – એ રીતે જોતાં એ મહાન અને અતુલનીય લાગે છે. બીજું એને મોટા સમૂહમાં જોઈએ તો – આપણે જે રીતે ઘોડાનો કે કૂતરાનો સ્વભાવ નક્કી કરતા હોઈએ તે રીતે – માનવી અધમ અને દુષ્ટ લાગશે. આ બે પદ્ધતિઓ માનવીને વિશે આપણને જુદાં જુદાં મૂલ્યાંકનો ઉચ્ચારવા પ્રેરે છે!

આમ  ‘એબ્સર્ડ’માં તર્કની મર્યાદાનો સ્વીકાર રહેલો છે. અસ્તિત્વમાં હોવું એનો અર્થ જો વ્યક્તિ બનીને, મૂર્ત બનીને  જીવવું એવો હોય અને જો તર્કશાસ્ત્ર માત્ર વર્ગ જોડે કે અમૂર્ત જોડે જ કામ પાડવા ટેવાયેલું હોય તો તર્કશાસ્ત્રનાં ગૃહીતોને આધારે આપણે કથાના અસ્તિત્વને પ્રમાણિત કરી શકીએ નહીં. આમ અસ્તિત્વને સ્વીકારવું એટલે જે nonlogical અને nondemonstrated છે તેનો મુકાબલો કરવા બરાબર છે. આ પરિસ્થિતિને ‘એબ્સર્ડ’ કહી શકાય.

રૂઢ, પરમ્પરાગત ફિલસૂફીમાં મૂલ્યોની ચઢતીઊતરતી શ્રેણીની ગોઠવણી જોવામાં આવે છે. હવે એ વાત આખી ખોટી છે એમ કહેવામાં આવે છે. મૂલ્યનો આધાર આપણી પસંદગી પર રહેલો છે; એ કશું પૂર્વનિર્ણીત નથી. જો એમ હોય તો મૂલ્યોને આપણે કશી વસ્તુલક્ષી ભૂમિકા પ્રસ્તુત નહીં કરી શકીએ. જો આ ન સ્વીકારીએ  તો આપણે માનવીય સ્વતન્ત્રતાને જ નકારી કાઢવાની રહે. ફિલસૂફીની બધી અમૂર્ત સ્વરૂપની વ્યાખ્યાઓનું કેન્દ્ર અસ્તિત્વ હોય છે તે સાચું, પણ આવાં સર્વસામાન્ય સ્વરૂપનાં universalવિધાનોથી અસ્તિત્વને પૂરેપૂરું સમજાવી દઈ શકાતું નથી અને તેટલે અંશે પૃથક્કરણની પદ્ધતિની સીમાની બહાર એ રહી જાય છે એમ જ કહેવું રહ્યું. આથી આવી વ્યાખ્યાઓને અતિક્રમી જતું કશુંક નહીં સમજાવી શકાયેલું એવું, contingent રહ્યું જ હોય છે. આમ બુદ્ધિનિયોજિત વ્યવસ્થાથી પર એવું કશુંક રહેવાનું જ અને એને જો ‘irrational’ કહીએ તો ખોટું નથી. અસ્તિત્વ તે બુદ્ધિ જે કડીઓ જોડી આપી શકે છે તેટલા પૂરતું જ મર્યાદિત નથી; માત્ર બુદ્ધિથી એનો પૂરેપૂરો તાગ કાઢી નહિ શકાય.

આ બધું કહ્યા છતાં એક વસ્તુનો સન્તોષ પ્રકટ કરવાનો રહે છે: ‘એબ્સર્ડ’ના અનુભવને વર્ણવતા અહેવાલો ‘nonabsurd’નો અનુભવ શું છે તેનો સમાવેશ કરવામાં નિષ્ફળ જાય છે. અમૂર્ત રીતે પણ આ ‘nonabsurd’ શું છે તેની વાત કરવામાં આવતી નથી. જ્યારે ‘absurd’ અને ‘nonabsurd’ને સમાવિષ્ટ કરી લઈ શકે એવો સમ્પૂર્ણ અહેવાલ આપી શકાશે ત્યારે એમ કહી શકાશે. ને જે ઉપલક નજરે જોતાં positive લાગે છે તે negative છે, ને જે ઉપલક નજરે જોતાં negative લાગે છે તે positive છે.

પરબ  ડિસેમ્બર, 1979

License

Share This Book