33 આપણું વિવેચન

વિવેચનના ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી અરાજકતા તરફ દુર્લક્ષ કરવું હવે પાલવે એમ નથી. એ અરાજકતા વિવેચનમાં અનિવાર્ય એવી વિવેકબુદ્ધિનો સમૂળગો ધ્વંસ કરી નાંખે તે પહેલાં ચેતી જવું જરૂરી છે. વિવેચન એક જવાબદારીભર્યું કર્તવ્ય છે, પણ આજકાલ કલમને અજમાવી જોવા ખાતર પણ ઘણું ‘વિવેચન’ લખાતું જોવામાં આવે છે. આ રીતે વિવેચનને નામે અંગત રાગદ્વેષોની ચાલી રહેલી લીલાના પર હવે પડદો પાડી દેવો જરૂરી છે.

સૌથી પ્રથમ તો આપણે વિવેચનની ચોક્કસ પરિભાષા જ નક્કી કરી શક્યા નથી. કાવ્યના વિવેચનમાં બુદ્ધિ,ઊર્મિ, કલ્પના વગેરે સંજ્ઞાઓ વાપરતા હોઈએ છીએ ત્યારે એ દરેકનો સંકેત સ્પષ્ટ હોય એ આવશ્યક છે. આ સંજ્ઞાઓના સંકેતનું સ્પષ્ટીકરણ તાત્ત્વિક ચર્ચા માગી લે છે. એવી ચર્ચાઓ આપણે ત્યાં થતી જોવામાં આવતી નથી. આથી બને છે એવું કે વિવેચકે વિવેચકે આ સંજ્ઞાઓનો સંકેત બદલાતો રહે છે. કવિતાને વિશે ઊભા થયેલા વાદો એ આ અનિષ્ટ પરિસ્થિતિનું જ પરિણામ છે. એ વાદોમાં સત્યની સ્વાભાવિક પ્રતીતિકરતા હોતી નથી, ને તેથી જ પોતાનો સ્વીકાર કરાવવાને માટે એ ભારે કોલાહલ કરી મૂકે છે.

એક બે અપવાદો યાદ આવે છે: ‘પ્રાચીના’નું શ્રી ડો.ર.માંકડે ‘ફાલ્ગુની’માં કરેલું વિવેચન; ‘દેવકથાઓ’નું વિવેચન ‘શિક્ષણ અને સાહિત્ય’માં થયું હતું.

આ પરિભાષાનો અભાવ બીજા અનેક દોષોનું કારણ બની રહે છે. પરિભાષાના અભાવને કારણે આપણું વિવેચન અસન્દિગ્ધ કે સ્પષ્ટભાષી બની શક્યું નથી. સંસ્કૃતના અભ્યાસીઓ સંસ્કૃત કાવ્યમીમાંસામાં પ્રયોજાતી કેટલીક સંજ્ઞાઓનો આધાર લે છે. પશ્ચિમ અને પૂર્વ બન્નેની રસમીમાંસાનું તલાવગાહી અને તુલનાત્મક અધ્યયન કરીને એ બેના સમન્વયથી એક ચોક્કસ પરિભાષા ઉપજાવવાનો પ્રયત્ન આપણા બહુશ્રુત અને પ્રથિતયશ વિવેચકોમાંના કોઈક હાથ ધરે એ અત્યન્ત જરૂરી છે. આવો અભ્યાસ શરૂ કરતાં પહેલાં આપણે અણજાણપણે પંપાળેલા કેટલાક અભિગ્રહો સાથે લડવું પડશે. સેઇન્ટ્સબરી કે કોલિંગવુડ કહે છે તે જ સાચું કે આનન્દવર્ધન ને અભિનવગુપ્ત કહે તે જ વેદવાક્ય – આ પ્રકારની મનોદશામાંથી આપણે મુક્ત થવું પડશે.

વિવેચનના સિદ્ધાન્તો પરત્વેની એકવાક્યતા પણ આપણે સાધી શક્યા નથી. આ પ્રકારનું સૈદ્ધાન્તિક વિવેચન આપણે ત્યાં બહુ ખેડાયું નથી. આને કારણે આજનું આપણું વિવેચન ઘણે ભાગે Autobiography of one’s own aesthetic experience જેવું બની ગયું છે. એમાં સર્વસ્વીકાર્યતાના અંશો બહુ જ ઓછા દેખાય છે. એક જ કૃતિ સમ્બન્ધે પરસ્પરથી અત્યન્ત વિરુદ્ધ પ્રકારનાં મંતવ્યો એક સરખાં જ હોવાં જોઈએ એમ કહેવાનો આશય નથી,પણ કૃતિનાં અમુક મૂળભૂત તત્ત્વો વિશેની સમજમાં આ જાતની વિભિન્નતા એ દૃષ્ટિની મૌલિકતા નહીં પણ વિવેચનના સિદ્ધાન્તોની અધૂરી સમજ સૂચવે છે. અંગત રાગદ્વેષોને વિવેચનમાં ઘૂસી જવાની તક પણ આથી જ સાંપડે છે. પણ વિવેચન એ આવા રાગદ્વેષોનો ઉદ્ગાર નથી, સત્યનિષ્ઠાથી થતું કૃતિના હાર્દનું પરીક્ષણ છે. આપણા વિવેચકો કેટલીક વાર લોકબોલીના યથાર્થ ઉપયોગને કારણે કે લેખકના આયોજનકૌશલને કારણે કૃતિઓને સફળ ગણી લે છે. પણ આ બધા તો એક પુદ્ગલના અવયવો છે. કૃતિના સર્વ ઘટક અંશો જ્યારે સંવાદી સંશ્લેષ પામ્યા હોય અને એ કારણે કૃતિ ઉત્કર્ષવતી હોય ત્યારે જ એને સફળ કળાકૃતિ તરીકે ઓળખાવી શકાય.

દરેક સાહિત્યસ્વરૂપની વિશિષ્ટતા અને સંઘટનાની વિચારણા વ્યવસ્થિત રૂપે આપણે ત્યાં હજુ સુધી થઈ નથી. આ કારણે કાવ્યવિવેચનમાં પણ ઘણી વાર મુશ્કેલી ઊભી થાય છે. જેને આપણે આજ સુધી ખણ્ડકાવ્ય તરીકે ઓળખાવતા આવ્યા છીએ તે ખણ્ડકાવ્ય છે કે પ્રસંગકાવ્ય?તો ખણ્ડકાવ્ય કોને કહેવું?કાવ્યપ્રકારો વિશેની સ્પષ્ટ સમજના અભાવને કારણે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. નવલકથા, નવલિકા, નિબન્ધ વગેરેનાં બંધારણ તથા વૈશિષ્ટ્યની સમર્થ મીમાંસા કરતા એક બે ગ્રન્થની સ્હેજે જ અપેક્ષા રહે છે. વિભિન્ન સ્વરૂપો વિશેના સાચા ખ્યાલો જ્યાં સુધી પ્રવર્તશે નહીં ત્યાં સુધી આપણું વિવેચન અંધારામાં જ અથડાયા કરશે.

આપણા કેટલાક સમર્થ સર્જકોની કૃતિઓનો સળંગ અભ્યાસ કરીને એમનું સાચું મૂલ્યાંકન કરી એમનાં સત્યને યથોચિત રીતે પુરસ્કારવાનો પ્રયત્ન હજુ આપણા વિવેચને કર્યો નથી. પ્રેમાનન્દ કે નરસિંહ, ગોવર્ધનરામ કે નાનાલાલ,બ.ક.ઠાકોર કે મુનશી – એમનાં સર્જનોનો આ રીતે અભ્યાસ થવો જરૂરી છે.

આપણા સાહિત્યમાં વાડાબંધીનું મોટું અનિષ્ટ પેસી ગયું છે. જાહેરમાં આ સમ્બન્ધમાં  કશું કહેવાતું નથી, પણ અંદરઅંદર આને કારણે ઘણો કચવાટ ચાલ્યા કરે છે. ધર્મના અનેક સમ્પ્રદાયો, જ્ઞાતિના અનેક ભેદપ્રભેદોની આપણે સખ્ત ટીકા કરીએ ને સાહિત્યક્ષેત્રમાં આવા વાડાઓ ઊભા કરીએ એ સર્વથા અનુચિત છે. આ વાડાબંધી વિવેચનમાં તો ખાસ કરીને મોટું અનિષ્ટ થઈ પડે છે. વિવેચક જે વાડાનો હોય તે વાડાના સર્જકોની કૃતિઓને એ નિષ્પક્ષપણે અવલોકી નહીં શકે, એથી ઊલટું, બીજા વાડાના સર્જકોની કૃતિઓને અવલોકવામાં એ કદાચ સર્જકને પોતાના પૂર્વગ્રહો, દ્વેષોને કારણે અન્યાય કરી બેસે એવું બનવાનો પણ સમ્ભવ રહે છે. આ વાડાબંધીને કારણે સત્ત્વશીલ કૃતિઓની આપણા વિવેચને કેવળ ઉપેક્ષા કરી છે, તો કેટલીક નિ:સત્ત્વ કૃતિઓને છાપરે પણ ચડાવી છે. આ વાડાબંધીને કારણે વિવેચકોમાં યુયુત્સુ વૃત્તિ કેળવાય છે, ટીકા નિર્દંશ નથી રહેતી ને ધીમે ધીમે વિવેકબુદ્ધિનો ધ્વંસ થતો જાય છે. આનાં ઉદાહરણો આપણા વિવેચનસાહિત્યમાંથી ઘણાં મળી રહેશે. સત્ત્વસંશુદ્ધિના પ્રધાન લક્ષ્યને દૃષ્ટિ સમક્ષ રાખી, રાગદ્વેષના અનુચિત ઉદ્રેકોથી મુક્ત બની આપણું વિવેચન પૂતસલિલા જાહ્નવીના જેવું બની રહે એ જ ઇષ્ટ છે.

અપ્રિય એવું સત્ય પણ ન કહેવું એવું આપણા વિવેચકોનો એક વર્ગ માનતો લાગે છે. પણ સત્યનો અમુક વ્યક્તિના આરાધનને ખાતર ભોગ આપવો એ ઇચ્છનીય તો નથી જ. એ વિવેચકને પોતાના કર્તવ્યથી ચ્યુત કરે છે. લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારની નબળી કૃતિનું વિવેચન કરવાનું આવે છે ત્યારે આપણાં વિવેચનની આ નિર્બળતા તરત જ દેખાઈ આવે છે. આપણા સાહિત્યકારોએ સાહિત્યનાં વિવિધ સ્વરૂપો સાથે ઘણી વાર અડપલાં કર્યાં છે. આવી અનુચિત ચેષ્ટાનું પરિણામ સારું ન આવે એ દેખીતું છે. મુનશી નવલિકા લખે, ઉમાશંકર કે નાનાલાલ નવલકથા લખે, બ.ક.ઠાકોર નાટક લખે ત્યારે વિવેચકે સત્યનિષ્ઠ પ્રગલ્ભતાથી એ કૃતિઓનું મૂલ્યાંકન કરવું જોઈએ. જે ઇષ્ટ છે તે મિષ્ટ ન પણ હોઈ શકે. વિવેચન એ કાંઈ સર્જકના અહમ્ને ધરાવાતું સ્તુતિનૈવેદ્ય નથી.

અહીં આજકાલ લખાતા ‘પ્રવેશકો’નો પણ નિર્દેશ કરી લેવો જરૂરી છે. પ્રવેશક લખાવનારની વૃત્તિ પણ તપાસવા જેવી છે. જેને પોતાની કૃતિના સત્ત્વ વિશે શંકા નથી તે પ્રવેશક મેળવવાની લપછપમાં પડતો નથી. જે પોતાની કૃતિના સત્ત્વ વિશે શંકાશીલ હોય છે તે આવી, લબ્ધપ્રતિષ્ઠ વિવેચક કે સાહિત્યકારની સહીવાળી, ભલામણચિઠ્ઠી મેળવવા ફાંફાં મારે છે. આવી ભલામણચિઠ્ઠી લખી આપનાર પણ એથી પોતાનું ગૌરવ સિદ્ધ થયું હોય એમ માનતો લાગે છે. ઇતર પ્રાન્તીય કે વિદેશી સાહિત્યકારની કૃતિ પ્રકટ થતી હોય ત્યારે વાચકવર્ગને એવો પરિચય કરાવવા માટે પ્રવેશક લખવાની જરૂર પડે, કૃતિમાં રહેલી વિશિષ્ટતાનું દર્શન કરાવવાને માટે કદિક પ્રવેશક લખવો પડે એ સમજી શકાય એવી વસ્તુ છે. પણ આવી પ્રવેશકને નામે ઓળખાતી ભલામણચિઠ્ઠીઓ લખાવી હવે બંધ થવી જોઈએ. એમાં પ્રશંસાનો અતિરેક થતો જોવામાં આવે છે, ચાતુરીથી સન્દિગ્ધ વિવેચ્ય કૃતિના ટીકાપાત્ર અંશો વિશે થોડુંક કહેવામાં આવે છે, કૃતિમાંથી લીધેલાં અવતરણોથી જ લેખનો મોટો ભાગ ભરી દેવામાં આવે છે. આપણા આદરનું ભાજન બની ચૂકેલા વિવેચકોએ આ અનિષ્ટને હવે વધારે પોષવું ન જોઈએ.

વિવેચન ‘રંગદર્શી’ શૈલીનું બને કે સર્જકની કોટિનું બને એને માટેના સભાન પ્રયત્નો પણ છોડી દેવા જોઈએ. વિવેચન પોતાનું કર્તવ્ય બજાવતાં બજાવતાં આપોઆપ જે શૈલી ધારણ કરે, જે સ્વરૂપ ધારણ કરે તે જ એની શૈલી ને તે જ એનું સાચું સ્વરૂપ. અમુક પ્રકારની શૈલીના આગ્રહને ખાતર વિવેચન પોતાના કર્તવ્યમાંથી ચ્યુત થાય એ ઇષ્ટ નથી. આવા મોહમાંથી વિવેચકોએ મુક્ત થવું જોઈએ. જેને સત્યની ઝંખના છે તે મોહથી ચિત્તને ભ્રાન્ત થવા દેતો નથી.

આપણું વિવેચન આજકાલ ઘણી અગત્યની વસ્તુઓ પ્રત્યે એક પ્રકારનું ઔદાસીન્ય દાખવી રહ્યું છે. અશુચિ હોવાને કારણે સાહિત્યમાં અપાંક્તેય ગણાવી જોઈતી કેટલીય કૃતિઓ ઔદાસીન્યનો લાભ લઈને આપણા સાહિત્યમાં પ્રવેશી જાય છે. અહીં એકબે ઉદાહરણો જ આપીશું. આપણું અનુવાદસાહિત્ય જોઈશું તો એમાં ઘણી નિ:સત્ત્વ અને કેટલીક વાર તો અશિષ્ટ લેખાય એવી કૃતિઓ પણ નજરે ચઢશે. અનુવાદક કેવળ પૈસા કમાવાની દૃષ્ટિથી જ અનુવાદ કરતો હોય, એને વાચકવર્ગની રુચિ સંસ્કારવાના પરમ કર્તવ્યનું ભાન ન હોય તો એના કાન પકડીને એવું ભાન વિવેચકોએ કરાવવું જોઈએ. વળી આજકાલ નવી દૃષ્ટિ, નવાં મૂલ્યો આપવાને નામે પ્રજાની રગેરગમાં વ્યાપી ગયેલાં સાંસ્કૃતિક સત્યોનો વિપર્યાસ કરાતો જોવામાં આવે છે. આ વસ્તુની ગસભીરતા તરફ વિવેચકોનું લક્ષ દોરાવું હોય એમ લાગતું નથી.*

સર્જક અને વિવેચકની દૃષ્ટિ ભદ્રૈકાન્વેષી હોવી ઘટે. આપણા પ્રથમ પંક્તિના વિવેચકો આવી કૃતિઓનું નિષ્પક્ષ વિવેચન કરે એ અતિ આવશ્યક છે. પણ આપણા પ્રથમ પંક્તિના વિવેચકો એવી કૃતિઓ વિશે કેવળ ‘ખાનગી અભિપ્રાય’ આપીને જ સન્તોષ માને છે.

અંતે આપણે એટલું તો ઇચ્છીએ જ કે આપણું સાહિત્ય કીતિર્વંતા વિવેચકોના હાથે સંસ્કરણ પામે; વિવેચકો પોતાની આળસ ખંખેરી કાઢી સાચું ઝવેરાત આપણી સમક્ષ ધરે; અર્ધદગ્ધ ને અધૂરી કૃતિઓ તરફ આંગળી ચીંધી  લેખકો અને વાચકોને આવી અધૂરપોથી વાકેફ કરે. આપણા વિવેચનમાં સૂર્યનો તાપ ભલે હો, તે વિના કાંઈ સાહિત્યમાં પ્રાણ સંચરવાનો નથી.

વાણી: પ્રથમ પત્રિકા, વિ.સં. 2003(ઈ. સ. 1947)

License

Share This Book