31 કાવ્યમાં આધુનિકતા

અર્વાચીન સમયમાં,અર્વાચીન ભાવકો માટે, લખાતી કવિતામાં અર્વાચીનતા ન હોય એવું તે બને?આશ્ચર્યની વાત એ છે કે અર્વાચીન સમયમાં લખાતી કવિતા પુરાણી હોવાનો આપણને અનુભવ થતો હોય છે જ; એ જ રીતે કોઈ પુરાણા કવિની કવિતા સાવ અર્વાચીન લક્ષણોને પ્રકટ કરતી હોય છે. અર્વાચીન સમયમાં પુરાણું માનસ લઈને જીવનારા ક્યાં નથી હોતા?તો કેટલાકને માટે પાછળથી એમ કહેવાય છે કે એઓ એમના જમાનાથી આગળ હતા, માટે એમના જમાનામાં એમની પૂરતી કદર થઈ શકી નહીં. મનુષ્ય કાળનું વાહન માત્ર નથી, કોઈક વાર એ કાળને પણ પાછળ પાડી દઈ શકે છે; તો કોઈક વાર એ કાળની પણ પાછળ ઢસડાતો જતો હોય છે.

આથી, સાહિત્યના ઇતિહાસમાં જે તબક્કાને ‘અર્વાચીન સમય’ કહીને ઓળખાવીએ છીએ તે ખરું  જોતાં તો એક સાથે ચાલી રહેલી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓને, એ જે સમયમાં ચાલી રહી હોય છે તે સમયને નામે ઓળખાવવાનો એક સગવડિયો પ્રયત્ન જ છે. એથી અર્વાચીનતાનાં વ્યાવર્તક લક્ષણોનો પરિચય પ્રાપ્ત થતો નથી.

સાહિત્યિક વિવેચનામાં ‘અર્વાચીનતા’ એ સંજ્ઞાના થોડા સંકેતોને તપાસી જોઈએ: સભાનપણે પુરાણી રૂઢિને તોડીને ચીલાચાલુ અભિવ્યક્તિની ઘરેડમાંથી  બહાર મીકળીને નવીન અભિવ્યક્તિની રીતિઓને ચકાસી જોવાનો પ્રયત્ન અર્વાચીનતાનું એક લક્ષણ છે. આ પ્રયત્ન રૂઢિએ આણેલી જડતાની પ્રતિક્રિયા રૂપે હોય છે, આથી પ્રતિક્રિયા માત્રમાં જે અતિરેકનો સંભવ હોય છે તે અહીં પણ હોય છે. આવા અતિરેકનાં પરિણામો રૂઢિ સાથેનો સમૂળો વિચ્છેદ, આઘાત આપીને અર્વાચીનતા સ્થાપવાનો પ્રયત્ન, પ્રયોગશીલતાને બદલે પ્રયોગખોરી, ક્રાન્તિનું ઝનૂન રૂપે દેખા દે છે. રૂઢિને કેવળ ઉચ્છેદવા યોગ્ય બન્ધન રૂપે ન ગણતાં, કાંઈ નહીં તો ખાતર રૂપે વાપરી શકાય. સભાનપણે અર્વાચીનતાને અવતારવાના પ્રયત્નો કૃત્રિમતામાં સરી પડે, આઘાત આપવાને માટેના પ્રયત્નો જ આખરે એમાં રહેલી અતિશયતાને કારણે સંવેદનાની ધારને બુઠ્ઠી કરી નાખે,પ્રયોગ દિશાશૂન્યતાને કારણે વંટોળની જેમ ચક્રાકારે ઘૂમ્યા કરે અને ક્રાન્તિ કોઈક વાર છદ્મવેશે આવેલી પુરાણી રૂઢિ રૂપે ઉઘાડી પડી જાય એવુંય બને.

છતાં વાસી આપણને કશું ખપતું નથી એય સાચું. તાઝગીને ન અળપાવા દેવી, પ્રાણની કાન્તિને કરમાવા ન દેવી એ દરેક સર્જકનો ધર્મ છે. આ ધર્મ પ્રત્યેક પળની સજાગતા માગી લે છે. ‘પોતાના જમાનાને ઓળખવો’ એવી સંજ્ઞા આપણે વાપરીએ છીએ, પણ આ ‘પોતાનો જમાનો’ એ શી ચીજ છે?એની છબિ તો ઘડાઈ ચૂકી નથી, એ પ્રત્યેક પળે ઘડાતી જાય છે, એ એક ચાલુ ક્રિયા છે. વળી આ ક્રિયા આંગળી મૂકીને ઝટ ઓળખાવી દેવાય એવી નથી. પરસ્પરવિરોધી કેટલાંય સંકુલ બળો એની પાછળ કામ કરી રહ્યાં હોય છે. એ જ જમાનામાં જીવનારો સમકાલીન એને શી રીતે ઓળખી શકે?એ તો પ્રવાહમાં પડેલો છે. જે પદાર્થને જોવા ઇચ્છીએ તેની ને આપણી વચ્ચે થોડું અન્તર હોવું  જોઈએ, નહીં તો છબિ અસ્પષ્ટ બની જાય. સર્જકે આ અન્તર ઉપજાવી લેવાનું રહે છે.

હમણાં હમણાં છેલ્લાં કેટલાંક વર્ષોથી, ખાસ કરીને ફ્રાન્સમાં, સંરચનાવાદના દૃષ્ટિકોણથી સાહિત્યને તપાસવાનું વલણ જોવામાં આવે છે. ‘સ્ટ્રક્ચરાલિસ્ટ પોએટિક્સ’માં ઙ્ઘ્યલ્ત્ન ઝન્નાહૃ કર્યો છે. આ પુસ્તક પશ્ચિમમાં ઠીક ઠીક ચર્ચાયું છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવી આલોચના જ્યોર્જ મેકડેફન અને પોલ બોવેની છે.

પોલ દ મેને 1967માં યુનિવસિર્ટી ઓવ ટેક્સાસમાં યોજાયેલા એક પરિસંવાદમાં ભાગ લેતાં કહેલું કે વિવેચનના ક્ષેત્રમાં હવે કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે. નવ્ય વિવેચનમાં જે આન્તરિક વિરોધો રહેલા છે તથા યુરોપમાં વિવેચનનાં જે નવા પ્રયોગો થઈ રહ્યા છે તેને ઉવેખવાનું આપણને પરવડે તેમ નથી. આ જે બન્યું તે શી રીતે બન્યું અને શા માટે બન્યું એવા પ્રશ્નો કેટલાક મુરબ્બીઓ તથા યુવાન પેઢીમાંના કેટલાક પૂછી રહ્યા છે. આ અભિનવ વિવેચનમાં ટકી રહે એવું કશું સત્ત્વ છે ખરું?કે પછી લેખક તરીકે અને સાહિત્યના અધ્યાપક તરીકે આપણને જે માર્ગ ચીંધવામાં આવ્યો છે તે માર્ગે જ આપણે ચાલ્યે રાખવાનું છે?

માલાર્મેએ આ પહેલાં કાવ્ય વિશે આલોચના કરતાં કહેલું, ‘વિવેચનનાં ક્ષેત્રમાં જે સુપ્રતિષ્ઠિત નિયમો અને રૂઢિઓને આપણી બૌદ્ધિક પ્રવૃત્તિઓની આધારશિલા રૂપ ગણવામાં આવતાં હતાં તેને એવી તો ઇજા પહોંચી છે કે હવે તો આખું બૌદ્ધિક પ્રતિષ્ઠાન જ તૂટી પડવાની અણી પર છે.’ પોલ દ મેન કહે છે તેમ આ ખરેખર એક કટોકટીની જ પરિસ્થિતિ છે એમ પુરવાર કરવું અઘરું છે. આમ છતાં વિવેચનના સિદ્ધાન્તોની ચર્ચા કરનાર વિદ્વાનો કંઈક સત્તાવાહી લાગે એવા સ્વરે આવું કહેતા હોય છે ખરા. આત્મશોધમાંથી નીપજતા એમના ‘વિરચના’ના પ્રયત્નો આ હકીકતની સાક્ષી પૂરતા લાગે છે.

પોલ દ મેન કહે છે કે આમ તો વિવેચન અને કટોકટી વચ્ચે ભેદ જ ક્યારે હતો જે?વિવેચન જ્યારે એના ઉદ્ભવ અને આશય પરત્વે પ્રશ્નો ઊભા કરે છે ત્યારે જ એનામાં પ્રમાણભૂતતા આવે છે; એની વહેવારુ આત્મતુષ્ટિના પડને તોડે છે ત્યારે જ એનું અસ્તિત્વ ફરી પ્રમાણિત થાય છે, જે આ કટોકટીની સ્થિતિને ઓળખવા માગતા જ નથી તેઓ એક પ્રકારની યોગનિદ્રામાં સરી પડે છે. એ સ્થિતિમાં વિવેકબુદ્ધિને જાગૃત રાખીને વિવેચન કરવું અશક્ય બની જાય છે. કેટલાક કૃતિના પાઠને અત્યન્ત સંવેદનશીલતાથી વાંચે છે તો કેટલાક નૃવંશવિદ્યાવિશારદ બની જાય છે,મનોવિજ્ઞાની કે ભાષાવિજ્ઞાની બની જાય છે. પણ ત્યાં સુધી એઓ વિવેચન કરે છે એમ કહી શકાય નહિ. એઓ કેવળ ટેવને વશ થઈને કશુંક કરતા રહે છે ખરા. વિવેચન પોતાની પ્રવૃત્તિનું પૃથક્કરણ કરે છે ખરું?પોતાના ઉદ્ગમસ્રોતને વિશે એ ચિન્તન કરે છે ખરું?વિવેચનની પ્રવૃત્તિ ચાલ્યા કરે તે જરૂરી છે કે કેમ એવો પ્રશ્ન એ ઉઠાવે છે ખરું?

આટલા લાંબા ગાળા સુધી વિવેચનમાં પ્રમાણભૂતતાને આપણે નૈતિક અર્થમાં ઘટાવવાની નથી. આજનો વિવેચક શું વાંચે છે અને ચર્ચે છે તેને ધ્યાન પર લઈશું તો એનો જવાબ જડશે. કોઈ વિવેચનસંગ્રહ કે વિવેચનનું સામયિક હાથમાં લો, એમાં કયા પ્રશ્નોની ચર્ચા થઈ છે તે જુઓ એટલે આ વિશે ખાતરી થઈ જશે. આજે સાહિત્યવાચન એટલે એક સાહિત્ય પદાર્થ – પછી એ રસકીય ઘટક હોય કે સાંસ્કૃતિક ઘટના હોય – અને અમુક સ્થળ અને સમયમાં રહેતી એક વ્યક્તિ વચ્ચેનો સન્નિકર્ષ હોય છે.

જગતની વાસ્તવિકતાથી હું અસંપૃક્ત નથી એનો પુરાવો હું મારી કૃતિમાંથી શી રીતે આપી શકું?જેને આપણે રોજ-બ-રોજના જીવનની વાસ્તવિકતા કહીએ છીએ તેની વીગતોની યાદી આપીને?મોટે ભાગે સમાજના પછાતવર્ગના જીવનનું આલેખન કરીને?વાસ્તવિકતા મારા અનુભવમાં રસાઈને જે રૂપ ધારણ કરે છે તેને આધારે જ મારી કૃતિને એનું ધારક બળ પ્રાપ્ત થાય છે. હમણાં હમણાં વાસ્તવિકતાની દસ્તાવેજી બાજુને ઝાઝું મહત્ત્વ અપાતું લાગે છે. એને માટે લેખકો સંશોધન કરીને વીગતો મેળવ્યાનો દાવો કરે છે અને એ દસ્તાવેજી વફાદારીનો અત્યાગ્રહ રાખવા જતાં કૃતિની રસકીય બાજુની ઉપેક્ષા થતી લાગે છે. એને અલંકરણ ગણીને કાઢી નાખવામાં આવે છે. રસનિષ્પત્તિની સર્જનપ્રક્રિયા જ વાચકને કૃતિથી અળગો કરી નાખે છે એવું પણ કહેવામાં આવે છે. આવા લોકો તાજમહાલ જોવા જાય છે ત્યારે તાજમહાલની સચ્ચાઈનો પુરાવો તાજમહાલ બાંધવાને માટેની પાલખ જોઈને પામે છે.

વાચક રખેને દૂર સરી જાય એવો ભય સર્જકને આજે પીડી રહ્યો છે. સેમ્યુઅલ બૅકેટની પ્રથમ નવલકથા પ્રકટ થઈ ત્યારે એક વર્ષમાં કહે છે કે એની માત્ર પંદર જ નકલો ખપેલી. આજે પણ બૅકેટના વાચકો ઝાઝા નથી. આમ છતાં એમની ઉપેક્ષા થઈ નથી. એમને વિશ્વના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કારને પાત્ર લેખવામાં ઙ્ઘાવ્યા છે. સર્જક સર્જક તરીકેનો સ્વધર્મ ચૂકે તો એ આત્મદ્રોહ કરી રહ્યો છે એમ જ કહેવાનું રહે. વાચકને પકડી રાખવા માટે  ઙ્ઘા આત્મદ્રોહનું પાતક વહોરી લેવાનું અનિવાર્ય છે ખરું?

પ્રખ્યાત ચિત્રકાર પોલ ક્લીએ આ મુદ્દો ચર્ચતાં જે કહ્યું છે તે અહીં સંભારવું ઘટે. એ કહે છે કે કેટલાંષ્ લોકો મૂળ અને ફળ જુદાં ન હોવાં જોઈએ એવો આગ્રહ રાખે છે. મૂળથી તે ફળ સુધી ચાલતી રૂપાન્તરની પ્રક્રિયા જ ફળને રસસભર બનાવે છે. એ રૂપાન્તરની પ્રક્રિયાને જ બાદ કરીએ તો પછી કેવળ હકીકત સાથે તાળો મેળવીને ઙ્ખન્તોષ માણવાનો રહે છે, પછી રસાસ્વાદનો ઉલ્લેખ કરવાની કશી જરૂર રહેતી નથી.

આપણા સમયની એક વિલક્ષણતા એ છે કે સાહિત્યમાં સાહિત્યવિઘાતક બળો ક્રિયાશીલ બનતાં દેખાઈ રહ્યાં છે. વાચક દૂર થતો ગયો એનાં કારણો આજની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિમાં રહેલાં છે. જીવન માટેનો કપરો સંઘર્ષ, મૂળ વસ્તુને બદલે એની અવેજીમાં કશુંક મૂકી દઈને સંતોષ પામવાનું વલણ, રુચિના વિકાસની પ્રક્રિયાને જ નકારી કાઢીને વાચક જે સ્તર પર છે તે સ્તર સુધી નીચે ઊતરીને એને રીઝવવાનો પ્રયત્ન, ભણેલાઓમાં વધતું જતું અભણપણું, રેડિયો, ટી.વી. જેવાં સામૂહિક માધ્યમોએ આણેલી ભાવકની ભાવયિત્રી પ્રતિભાની કુણ્ઠિતતા – આ અને બીજાં અનેક કારણો ગણાવી શકાય. આજનું સાહિત્ય તો ઠીક, હવેની નવી પ્રજા આપણા ઉત્તમ સાહિત્યિક વારસાથી અને સર્જનની અભૂતપૂર્વ સિદ્ધિઓથી ધીમે ધીમે વિમુખ થતી જાય છે. આનો પ્રભાવ આપણા સંસ્કારજીવન પર પડ્યા વગર રહેતો નથી. હવે ‘પલ્પ રાઇટીંગ’ અને ‘સોફટ ફૂડ’નો જમાનો આવી ગયો લાગે છે.

ચાંદની

License

Share This Book