અગિયારબાર વર્ષની ઉંમર હશે. સાંજે નિશાળેથી આવ્યો ત્યારે બાએ વાત કરી કે આજે નાટક જોવા જવાનું છે. આ ખુશખબર સાંભળીને નિશાળનો થાક ઊતરી ગયો. અંતર પુલકિત થઈ ગયું. અખાડામાંથી આઠ વાગે ઘેર આવી જવાની બાએ આજ્ઞા કરી. તે સાંજે અખાડાના કામમાં પણ અસાધારણ ઉત્સાહ રહ્યો. દંડબેઠકથી માંડીને કુસ્તી સુધીની બધી જ કસરત ઝડપથી અને સંભાળપૂર્વક પૂરી કરી. અખાડામાં કસરત ઉપર નજર રાખનાર નિરીક્ષક બંધુઓ પણ ખુશ થયા. રાત્રે જમીને અમે સૌ શ્રી વાંકાનેર નૃસંહિ નૌતમ નાટક સમાજનું નાટક ‘યોગકન્યા’ જોવા ગયા. તે વખતે માત્ર સુધારક સ્ત્રીપુરુષો જ સાથે બેસતાં હતાં. એટલે બા અને બીજો સ્ત્રીવર્ગ ખાસ સ્ત્રીઓની બેઠકમાં ઉપર હતાં અને અમે સૌ નીચે બેઠા હતા. હું મારા જીવનમાં પહેલી વાર નાટક જોતો હતો. વાસ્તવિક જીવન અને નાટક વચ્ચે ભેદ છે અને એ બે એક નથી એવું પણ એ વખતે જ્ઞાન નહોતું. એટલે પાછળથી જે યોગકન્યા બની તે રાજકુમારી કાન્તાને સૂતેલી જ ઉપાડી જનાર મલયકેતુ તરફ મેં ધિક્કારનો વરસાદ વરસાવ્યો હતો. પછી એ જ રાજકુમારીને છોડાવવા માટે એના પ્રિયતમ કિશોરસંહિ અને એને ઉપાડી લાવનાર દુષ્ટ મલયકેતુ વચ્ચે યુદ્ધ થયું ત્યારે મારું ગભરુ અંત:કરણ પળે પળે કિશોરસંહિનો વિજય વાંછતું હતું. અને જ્યારે છેવટે રાજકુમારી કાન્તા પોતે પણ એક સૈનિકની તલવાર ઝૂંટવીને મલયકેતુની સામે પોતાના પ્રિયતમ સાથે ઝૂઝી ત્યારે મારા માનસમાં આ રાજકુમારીની ગૌરવમૂર્તિ રોપાઈ ગઈ. મારા હૃદયે જેનો વિજય વાંછ્યો હતો તે રાજકુમાર કિશોરસંહિનો જ વિજય થયો અને મલતકેતુ મરણ પામ્યો.
પછી તો કિશોરસંહિ અને કાન્તા પરણ્યાં. રાજકુમારી કાન્તા પોતાના સૂવાના ઓરડામાં હીંચકે બેસીને પોતાના પતિની વાટ જુએ છે. એક સખી ધીરે ધીરે રાજકુમારીને હીંચકો નાંખે છે. હીંચકો નાંખતી નાંખતી એ એક મધુરું ગીત ગાય છે. પાછળથી રાજકુમાર પ્રવેશ કરે છે. સખી રાજકુમારને જોતાં જ હીંચકો છોડીને અદૃશ્ય થઈ જાય છે. પતિ ચૂપકીથી પોતાની પ્રિયતમાને ફૂલના હારથી બંદીવાન બનાવીને ચમકાવી દે છે. રાજકુમારી પહેલાં ભયભીત થાય છે અને પછી પ્રેમની જાગૃતિથી રોમાંચિત બને છે. શરીરે વંટિળાયેલો હાર રાજકુમાર કાન્તાને ગળે પહેરાવીને એની સાથે જ હીંચકે બેસે છે. થોડી પ્રેમવાર્તા થાય છે. પછી રાજકુમારી એક સ્નેહગીત ગાય છે.
આ દૃશ્ય જોતાં જોતાં મારું સમગ્ર અસ્તિત્વ હીંચકાના આ કાવ્યસ્વપ્નથી ભરાઈ ગયું. ત્યારબાદ આખું ‘યોગકન્યા’નું નાટક જોયું, પણ મારા મનની આંખો આગળથી પેલો હીંચકો અને એ પ્રેમીયુગલ દૂર થયાં જ નહીં.
પછી તો જીવન વહેતું ગયું, સમજણ વિકાસ પામતી ગઈ. દૃષ્ટિ વિશદ થતી ગઈ અને સપનાં આવતાં ગયાં. પરંતુ એ સૌમાંથી હીંચકાનું કાવ્યસ્વપ્ન સર્વોપરી બની જીવનમાં ચક્રવર્તી રાજ કરી રહ્યું. સુગંધિત અને વીરશ્રીથી શોભતું યૌવન પાંગરવું જોઈએ એવી આકાંક્ષા જન્મી. ગમે તેવો ભયાનક જીવનસંગ્રામ ખેલીને પણ મનમાનતી પ્રિયતમા તો મેળવવી જ એવી મહત્ત્વાકાંક્ષા જાગી. અને એ લાવણ્યમયી ચારુશીલા પ્રિયતમા સાથે કોઈ છટકેલી ચાંદની રાતે હીંચકે બેસીને એને પ્રીતિબાથથી બંદીવાન કરીને પ્રેમઐક્યનો સાક્ષાત્કાર કરવો એવી અભીપ્સા જન્મ્યા વિના ના રહી.
માનવીનાં બધાં જ સપનાં કંઈ ઓછાં પૂર્ણ થાય છે! પરંતુ આ સપનું સર્વદા જીવનની સાથે રહ્યું, સરી ના પડ્યું. યૌવન આવ્યું, પાંગર્યું, નવપલ્લવિત થયું. જીવનસંગ્રામ ખેલાયો. સંઘર્ષનો સામનો થયો. પરંતુ હીંચકાનું કાવ્યસ્વપ્ન સપનું જ રહ્યું. યૌવન અને કલ્પના બે ગાઢ મિત્રો છે. કોઈ કાવ્ય વાંચતાં એમાં હીંચકાની વાત આવે કે મારું સપનું સળવળે. કોઈ સંગીતની મહેફિલ વખતે હીંચકાનું ગીત ઊછળે ને મારું સપનું બેઠું થાય. અધરાતે મધરાતે કાને કોઈ હીંચકાનો કચૂડકચૂડ અવાજ સંભળાય ને મારા સપનાનાં નયન ઊઘડે. આખરે હીંચકો અસ્તિત્વમાં કેન્દ્ર બનીને જીવનની પ્રેરણા અને પરાક્રમનો સાક્ષી બની રહ્યો. જિંદગીનો ઘણો ભાગ પછી હીંચકા ઉપર જ વીત્યો પણ એ હકીકત રૂપે. એકલા જ. સ્વપ્નની પૂર્ણતા રૂપે–પ્રિયતમાની સાથે નહીં. ધીરે ધીરે હીંચકો મિત્ર બની ગયો. ભીની સવારે, ગમગીન સમીસાંજે કે સમસમતી સૂની રાતે મારા અંતરે એની સાથે ગુફતેગો કરવા માંડી.
વસિષ્ઠ-અરુન્ધતી પણ કોઈ પીપળાની ડાળે હીંચકો બાંધીને ઝૂલ્યાં હશે. હીંચકા પર ઉછેરાયલા એ પ્રેમઐક્યને કારણે જ તો આજે નવપરિણીત યુગલો પોતાના નવજીવનના પ્રારંભે આકાશમાં એમનાં દર્શન કરીને આશીર્વાદ માગે છે ને! રામચંદ્રજી સીતાજીની સાથે પંચવટીમાં જ્યારે ચૌદ વરસનો વનવાસ ભોગવતા હતા ત્યારે પંચવટીના આંગણામાં કોઈ શિરીષના વૃક્ષની ડાળીએ બાંધેલા હીંચકા ઉપર જ એમણે જાનકી સાથે દાંપત્યનું સુભગ સખ્ય માણ્યું હશે. લક્ષ્મણે પણ રામચંદ્ર સાથે વનમાં જતાં પહેલાં ઊમિર્લાને અંતિમ સ્નેહથી હીંચકા ઉપર જ નવાજી હશે. લક્ષ્ણની સાથે યુદ્ધમાં જતી વખતે ઇન્દ્રજિતને વિદાય આપતાં પહેલાં સુલોચનાએ હીંચકા ઉપર બેસીને જ પોતાના હૃદય ઉપર મેઘનાદનું માથું મૂકીને પ્રેમ કર્યો હશે. ઉષાને અનિરુદ્ધ લેવા આવ્યો ત્યારે એ હીંચકા પર બેસીને જ એની વાટ નીરખતી હશે. રાધાકૃષ્ણે વૃંદાવનની કુસુમકુંજોમાં હીંચકે ઝૂલીને કેવી અપૂર્વ રસકેલિ કરી હશે! દુષ્યન્ત કણ્વનો આશ્રમ છોડીને નીકળ્યો ત્યારે શકુન્તલાની સાથે એનું છેલ્લું મિલન કોઈ બકુલ વૃક્ષની ડાળીએ બાંધેલા હીંચકા ઉપર જ થયું હોવું જોઈએ!
આમ હીંચકે બેસીને, હીંચકાનું કાવ્યસ્વપ્ન સંભારી સંભારીને એકલતાને આરે અંતરે ચાલવા માંડ્યું.
વસંત ઋતુની બહાર હતી. પાનખરમાં ખરી પડેલું પ્રકૃતિનું જીવન પલ્લવિત થતું હતું. વૃક્ષો અને વેલીઓ નવા જીવનની લહેરથી ઝૂલતાં હતાં. દક્ષિણમાંથી આહ્લાદક પવન તાઝગી અને સ્ફૂતિર્ લુંટાવતો વિસ્તરી રહ્યો હતો. માઘનો એ શુક્લપક્ષ હતો. આઠમનોમનો ચંદ્ર પૂણિર્માની પૂર્ણતા ભણી પ્રવાસ કરી રહ્યો હતો. રાતનો પ્રથમ પ્રહર પૂરો થવા આવ્યો હતો. કોકિલા બોલતી સંભળાતી હતી. હું હીંચકા પર સૂતો સૂતો સામે ગુલમહોરના વૃક્ષ પર પથરાયેલી ચાંદનીને જોતો હતો. પોતાની સાથે જ વાતો કરવાની ટેવ પડી હતી, એ ગુફતેગો ચાલતી હતી ત્યાં મારી સામે વર્ષો પહેલાં જોયેલું હીંચકાનું દૃશ્ય ઊપસી આવ્યું. પણ હીંચકા ઉપર રાજકુમાર અને રાજકુમારીને બદલે હું એકલો જ બેઠો હતો. સામેથી કોઈ સુંદરી આવી રહી હતી. મારી સામે આવીને ઊભી રહી. એનું આખું સ્વરૂપ સ્પષ્ટ હતું. મને ઓળખાણ પડી. એણે મારી પાસે બેસીને કહ્યું : હું જ તમારી જનમજનમની સખી. ધીરે રહીને એનો અવાજ ઓળખાયો. પછી તો આંખોમાં એ ઓળખાણ ઊંડી ઊતરી. અને હું એને સ્નેહનો સ્પર્શ કરવા જાઉં ત્યાં જ એ તો ઊઠીને અળગી થઈ. જતાં જતાં બોલી : હમણાં જાઉં છું. જાગૃતિમાં મળીશ.
…એ સ્વપ્ન હતું?