આત્મવિલોપનનો ઉત્સવ

નીલમનગરના યુવરાજના લગ્નની જાન નેપાળ તરફ જતી હતી. ફેબ્રુઆરીના દિવસો હતા. વસંતઋતુની મધ્યની ચમકતી ઠંડી હતી. બાદશાહી અમારો ઠાઠ હતો. આખી આગગાડી અમારી આગવી હતી. સલૂનોમાં રાજામહારાજાઓ બિરાજ્યા હતા. પહેલા વર્ગના ડબ્બાઓમાં દીવાનો, પ્રધાનો, રહસ્યમંત્રીઓ અને રક્ષકો હતા. બીજા વર્ગમાં નાના અમલદારો અને કલાકારોની જગ્યા હતી. નોકરચાકરોની જમાવટ ત્રીજા વર્ગમાં હતી. અલ્હાબાદથી અમારી આ ગાડીનાં રુઆબ અને રોનક વધ્યાં. આખી આગગાડી આસોપાલવ અને વિવિધરંગી ફૂલોનાં તોરણોથી શણગારાઈ. દિલ્હી, લખનૌ, કાનપુર અને કલકત્તાથી ખાસ બોલાવેલા ગવૈયા, ગાનારીઓ, નર્તકો અને નર્તકીઓ, વિદૂષકો અને ફોટોગ્રાફરો અલ્હાબાદથી અમારી સાથે જોડાયાં. સાડાબારે ગાડી અલ્હાબાદથી ઊપડી. નમતા બપોરે અમે બનારસ પહોંચ્યાં. અહીં કેન્ટોન્મેન્ટ સ્ટેશને મોટી ગાડી (બ્રૉડગેજ) બદલીને નાની ગાડીમાં (મિટરગેજ) બેસવાનું હતું. વ્યવસ્થા બધી જ મોટી ગાડી જેવી જ હતી. બંને ગાડીઓ સ્ટેશનના મુખ્ય પ્લૅટફૉર્મ ઉપર સામસામી એવી રીતે ઊભી હતી કે આસાનીથી માણસો અને સરસામાનની ફેરબદલી કરી શકાય. જાનમાં રાજામહારાજાઓ તો માત્ર ચૌદ હતા પણ બાકીનો રસાલો બહુ મોટો હતો. બધા મળીને ત્રણસોએક માણસો હશે. પણ સરંજામ હજાર માણસોનો હોય તેના કરતાં વધારે હતો.

બનારસ સ્ટેશનનો દેખાવ જોવા જેવો થઈ રહ્યો. રંગબેરંગી સાફાના તોરા ફરફરી રહ્યા. અંગરખા અને સુરવાળની ઉપર જુદા જુદા રંગની ભેટ બાંધેલા, વિવિધ ઘાટની રંગીન પાઘડીઓ પહેરેલા ચોપદાર ચાંદીસોનાની છડી લઈને આમતેમ ઘૂમવા લાગ્યા. પોતાના રાજ્યના ખાસ રંગના લશ્કરી ગણવેશ પહેરેલા અંગરક્ષકો પહેરો ભરવા લાગ્યા. લાંબી શેરવાની, સુરવાળ અને સાફો, ટૂંકો જોધપુરી કોટ અને બ્રિજીસ, છેલ્લી ઢબનો અંગ્રેજી પોશાક, એમ વિવિધ આકર્ષક પહેરવેશવાળા આદમીઓથી બનારસનું સ્ટેશન એક નાનું રજવાડું બની ગયું.

એક કલાકમાં અમારે ગાડીની ફેરબદલી પૂરી કરવાની હતી, કારણ ગાડીઓ મેઈલ લાઈનના મુખ્ય પ્લૅટફૉર્મને રોકીને ઊભી હતી. ગુજરાતી, રાજસ્થાની, મારવાડી, હિંદી, બુંદેલી, બંગાલી અને બિહારી એમ જુદી જુદી વાણી દ્વારા પ્રગટ થતા અવાજો કોલાહલનું રૂપ ધરીને મનોરંજનનું કામ કરતા હતા. પણ પ્રીતમગઢના મહારાજાની આજ્ઞા વિશેષ રૂપે બહાર આવી. એમના સલૂન આગળ એમણે મુજરાની માગણી કરી. વરરાજાના બાપ યજમાન હતા. એમના મહેમાનની ઇચ્છાની અવગણના શી રીતે થાય? હુકમ છોડ્યો કે કાનપુરવાળી જિમિલાબાઈ મુજરો શરૂ કરે. બિછાયત થઈ ગઈ. સાજિન્દાઓ તૈયાર થઈ ગયા. બાઈએ ગળું ખંખાર્યું અને મુજરો શરૂ થયો. આખરે એક કલાકને બદલે અઢી કલાક મોડી પડેલી અમારી ગાડી ઊપડી. આજે યાદ નથી પણ પંદરસો કે બે હજાર રૂપિયા, અમારે વિલંબ કર્યાનો રેલવેને દંડ આપવો પડ્યો હતો.

બીજે દિવસે સવારે મોતીહારી થઈને અમે રકસૌલ પહોંચ્યા, હિંદી રેલવેને માટે આ અંતિમ સ્ટેશન હતું. અહીંથી નેપાલની હદ શરૂ થતી હતી. નેપાલ સરકારે અહીંથી બીરગંજ સુધી ખાસ ગાડીની વ્યવસ્થા કરી હતી. બીરગંજ પહોંચ્યા ત્યારે બપોર નમી ગયા હતા. આગગાડી અહીંથી આગળ જઈ શકે એમ નહોતું. જાનને માટે મોટર બસો અને લોરીઓ મળીને લગભગ બસો વાહનો હાજર હતાં. ચા-નાસ્તાની રાજાશાહી વ્યવસ્થા હતી. જાનૈયાઓ ભીમફેદી જવા ઊપડ્યા. રાત થતાં થતાં તો ભીમફેદી પહોંચી જવાયું. યંત્રનાં વાહનો માટેનું ભીમફેદી એ છેલ્લું મથક હતું. રાતે ઠંડીએ પોતાનો પરિચય આપવા માંડ્યો હતો. ખટમંડુ જતાં વચ્ચે તેર હજાર ફૂટ જેટલું ચઢાણ આવવાનું હતું. એટલે ત્યાં ટાઢનું જોર કેવું અને કેટલું હશે તેની આગાહીથી ઘણી ચિંતા થતી હતી. અહીં ગઢીના મેદાનમાં સેંકડો તંબુ અને રાવટીઓ તણાયાં હતાં. દેખાવ આખો લશ્કરી છાવણી જેવો થઈ ગયો હતો. અહીંથી ઘોડા અને ડંડી (પાલખી)માં મુસાફરી શરૂ થતી હતી. કાબેલ અસવારો પણ હિંમત હારી જાય એવી આકરી ચઢાઈ હતી. પરંતુ નેપાળના રાજકુટુંબે પહાડ ચઢવા માટે ખાસ કેળવાયેલા નાના ઘોડાઓની વ્યવસ્થા કરી હતી. પોણો ભાગ ડંડીમાં, કંઈક ભાગ ચાલતો અને થોડો ભાગ ઘોડાઓ ઉપર એમ સૌ બીજે દિવસે સવારે રવાના થઈ ગયા.

ભીમફેદી પોતે પણ પ્રકૃતિનું સુરમ્ય બાળક છે. ત્યાંથી જ પહાડોની ચઢાઈ શરૂ થવાને કારણે જાણે હિમગિરિને ઉંબરે કોઈ નાનું બાળક બેઠું હોય એવી લાગણી થાય છે. સામે વિસ્તરતી પર્વતમાળા ચડીને ખટમંડુ પહોંચવાનું છે એ વિચારે નવો ઉત્સાહ જાગ્યો હતો. ચિસપાની ગઢી સુધીની ચઢાઈ બહુ આકરી નહોતી. નેપાળ સરકારનો, સંરક્ષણની દૃષ્ટિએ આ પહેલો ગઢ છે. અહીં લશ્કર અને બચાવનાં સાધનોની મોટી વ્યવસ્થા રખાઈ છે. પણ અહીંથી જ પહાડોએ પોતાનું વિશાળકાય ભયંકર સ્વરૂપ દેખાડવા માંડ્યું. કેટલેક ઠેકાણે રસ્તો માર્ગ મટીને પગદંડી જેટલો સાંકડો બની જતો. એક બાજુ નીચે હજારો ફૂટ ઊંડી ખીણ અને બીજી બાજુ માથું ફોડી નાંખે એવી પથ્થરી ઊંચી દીવાલ. પગ લપસવાની એકાદ ભૂલ જાન હરી લે એવાં આકરાં ચઢાણ જોઈને નબળી મનોદશાવાળાં સ્ત્રીપુરુષો હેબતાઈ ગયાં. ત્યાં તો એકાએક વાદળો ઘેરાઈ આવ્યાં અને થોડી વારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. મુશ્કેલ રસ્તો ભયંકર બની ગયો, પણ પ્રકૃતિનાં જાદુ અદ્ભુત હોય છે. એકાદ કલાકમાં તો વાદળાં વિખેરાઈ ગયાં. સૂર્યની ઉષ્માએ લોકોના હૃદયમાં આશાની હૂંફ આપી. બે કલાક પછી પ્રવાસ પાછો શરૂ થયો. દસેક હજાર ફૂટ ઊંચાઈએ પહોંચ્યાં ત્યાં તો કુદરતે એનું સમૃદ્ધ સ્વરૂપ જાણે છલકાવી દીધું. હિમગિરિને પેલે પારથી ખેંચાયેલું મેઘધનુષ્ય અમારી આગળની ખીણમાં ઊતરતું હતું. એના પડછાયા કે પ્રતિબિંબથી આકાશ રંગદર્શી બની રહ્યું. હમણાં જ વર્ષાનાં નીરથી સ્નાન કરીને શુદ્ધ થયેલી નિસર્ગશ્રી સંક્ષુબ્ધ લાગતી હતી. ભય હતો કે કદાચ મુશળધાર વરસાદની એંધાણી તો નહીં હોય! પણ રાત પડતાં પહેલાં અમે ખટમંડુ પહોંચી ગયા.

અમારા મહારાજાને એવી ફિકર હતી કે આટલા બધા રાજામહારાજાઓ અને એમના રસાલાની સુયોગ્ય વ્યવસ્થા કેવીક હશે! પરંતુ એક જ વિશાળ અને સુરમ્ય રાજમહેલમાં આખી જાન ક્યાં સમાઈ ગઈ તેની ખબર પણ ન પડી.

નોકરો માટે તંબુઓ અને રાવટીઓની હારમાળા હતી. ત્રણસો વિવિધ પ્રકારના મહત્ત્વ અને મહત્તાવાળા મહેમાનો માટે નેપાળના યજમાને હજારેક તો નોકરો તહેનાતમાં રાખ્યા હતા. સો ઉપરાંત મોટરો આજ્ઞા પાળવા હાજર હતી, અને સૌની વ્યવસ્થા કરનાર અને દેખરેખ રાખનાર સો ઉપરાંત અફસરો હતા. આખી મહેમાનગતિ રાજશાહી હતી. વ્યવસ્થાની ચોકસાઈ અને ઉદાર હાથે વેરાતી સમૃદ્ધિ જોઈને અમારા મહારાજાઓ પણ વિસ્મય પામી ગયા.

ત્રીજે દિવસે સાંજે યુવરાજની લગ્નસવારી નીકળી. ખટમંડુના રાજમાર્ગ ઉપર હિંદુસ્તાનના રાજામહારાજાઓની શોભતી નેપાળના ઇતિહાસમાં કદાચિત્ આ પ્રથમ સવારી હતી. બનારસી ભરગચ્છી અને કિનખાબનાં ઝબકતાં અચકનસેરવાની, જરિયાની સાફા, હીરા, માણેક અને નીલમથી ઝળાંઝળાં થતાં તોરા અને કલગીમાં સજ્જ થયેલા રાજવીઓ રોનકથી નીકળ્યા હતા. રંગબેરંગી ચંદેરી અને સોનેરી પોશાકમાં શોભતા રુઆબી પ્રધાનો અને મંત્રીઓ અને જુદાં જુદાં રાજ્યના લશ્કરી ગણવેશમાં ઠાઠથી ચાલતા અંગરક્ષકો સવારીની શોભા વધારતા હતા. આતશબાજીનો પાર નહોતો. જાતજાતનાં વાજાંઓના સૂરથી આખું નગર જાણે ગાજી ઊઠ્યું હતું. સોનાની અંબાડીથી શોભતો યુવરાજનો હાથી મલપતો ચાલી રહ્યો હતો. એના બંને કાન ઉપર મોર ચીતર્યા હતા, અને મોરની આંખોની બરાબર હાથીની આંખો સાથે મેળવી દેવામાં આવી હતી. એટલે હાથી જ્યારે કાન હલાવતો અને આંખો બંધ-ઉઘાડ કરતો ત્યારે મોર જીવતા લાગતા હતા. આખું ખટમંડુ રાજમાર્ગમાં બંને બાજુએ એકઠું થયું હતું.

કન્યામંડપે જ્યારે સવારી પહોંચી ત્યારે નેપાળનું રાજકુટુંબ સ્વાગત માટે રાહ જોઈને ઊભું હતું. નેપાળી રાજરાણાઓ ઉચ્ચ લશ્કરી હોદ્દાના આગવા લશ્કરી પોશાકમાં સજ્જ હતા. માથે રાજહંસ જેવા શ્વેત ગુચ્છાઓથી શોભતાં મંડિલો અને શિરપેચ હતાં. એમાં હીરા, માણેક, નીલમ અને મોતીથી જડેલી કલગીઓ ચમકતી હતી. ગળામાં તેજસ્વી અને પાણીદાર મોતીની માળાઓ એમની સમૃદ્ધિની નેકી પોકારતી હતી. સ્વાગત થયું. ઓળખાણનો રાજવિધિ થયો. વરરાજાને હાથી ઉપરથી ઉતારીને અંદર માહ્યારામાં લઈ જવામાં આવ્યા. સવારી વીખરાઈ ગઈ. રાજામહારાજાઓ અને ખાસ નિમંત્રિત મહેમાનોને દરબાર હૉલની બાજુમાં વિશાળ સુંદર મંત્રણાગૃહમાં લઈ જવામાં આવ્યા. હિંદુસ્તાનમાં ઘણા રાજમહેલ જોયા છે. ઘણા રાજામહારાજાઓની સમૃદ્ધિ અને ઉદારતા પણ જોઈ છે પણ આ રાજામહારાજાઓના પણ મહારાજા લાગતા નેપાળી રાજરાણાઓનો વૈભવ જોઈ છક્ક થઈ જવાયું. આખી દુનિયામાંથી સર્વશ્રેષ્ઠ વસ્તુઓ વહી લાવીને અહીં એકઠી કરવામાં ન આવી હોય! ઐશ્વર્ય! કવિતામાં અને ઇતિહાસમાં વાંચેલો એ શબ્દ! અહીં જે જોયું તેનાથી એનો અર્થ સમજાયો. ભોજનમાં, રંગરાગમાં, કલાદર્શનમાં, આનંદના ઉત્સવમાં અને દિલાવરીમાં અહીં જે અનુભવ થયો એ સાચે જ વિરલ હતો. ભોજન પછી જુદા જુદા ખંડોમાં મહેમાનોના મનોરંજન માટેની વિવિધ વ્યવસ્થા હતી. કોઈ ખંડમાં શૈલકુમારી અને સિદ્ધેશ્વરીનું રાગસંગીત ચાલતું હતું. કોઈ ખંડમાં અખ્તરી ફૈજાબાદી અને જિમિલાબાઈની ગઝલકવાલી સંભળાતી હતી. એક ખંડમાં એક રૂપાળો કથક તાલ ઉપરનાં પોતાનાં પ્રભુત્વ અને છટા દેખાડતો હતો. બીજા ખંડમાં વળી એક કીમિયાગર જાદુના ખેલ કરતો હતો અને ત્રીજા ખંડમાં વિદૂષકો વારાફરતી હસાવીને મહેમાનોનું મનોરંજન કરતા હતા.

મધરાતે કન્યાના મંડપે લગ્નનો અડધો વિધિ થયો. બાકીનો સપ્તપદી અને છેડા ગાંઠવાનો અડધો વિધિ વરમંડપે પૂરો થવાનો હતો. વરરાજા વહુરાણીને લઈને પોતાને ઉતારે જવા નીકળ્યા. સાંજ કરતાં સવારી અડધી હતી. કન્યાના મહેલને દરવાજે વરરાજાનો હાથી ઊભો હતો. સવારી થંભી ગઈ હતી. આતશબાજી ગગને ચઢી હતી. વાજાંઓ વાગતાં હતાં. પરંતુ હજી કન્યાની રત્નજડિત સોનેરી પાલખી આવી નહોતી. મહારાજાએ મને તપાસ કરવા મહેલમાં મોકલ્યો. ત્યાં જઈને જોયું તો આંખો ચમકી ગઈ. કારણ સાંભળ્યું ત્યારે હૃદય પ્રસન્નતાથી પાંગરી ઊઠ્યું. નેપાળના રાજકુલનો રિવાજ હતો કે સપ્તપદી પહેલાં રાજકન્યાએ પોતાની અંગત વસ્તુઓ બધી લૂંટાવી દેવી જોઈએ અને માત્ર વરમંડપેથી આવેલાં કપડાં પહેરીને જ એણે પિયરઘરથી નીકળવું જોઈએ. પિયર એ એને માટે ગઈકાલની વસ્તુ છે. આવતીકાલની વસ્તુ એનું સાસરું છે. માબાપ કરતાં મોટી સગાઈ એના સ્વામીની છે. ત્યાં તો દરબાર હૉલની પેલી પારથી રાજકન્યા આ બાજુ આવતી હતી. રસ્તે બંને બાજુએ કુટુમ્બીઓ, સ્વજનો, સખીઓ અને સેવક-સેવિકાઓની કતાર મંડાઈ હતી. રાજકુમારી પોતે રૂપરૂપનો અંબાર હતી. યૌવનથી પાંગરેલી નમણી નવવલ્લરી હતી. પરંતુ એની આંખોમાં ન્યોછાવરની જે નમ્રતા હતી તેણે એ સૌંદર્યને અદ્ભુતતા અર્પી. આગળપાછળ થાળ લઈને દાસીઓ ચાલતી હતી. થાળોમાં રાજકુમારીની અંગત, પોતાની વસ્તુઓ ભરી હતી. પાલખી સુધી પહોંચતાં તો એણે બધા થાળ ખાલી કરી નાખ્યા. ભેટ આપવામાં એણે આઘુંપાછું ન જોયું. હવે એની પોતાની પાસે પોતાનું કહેવાય એવું કશું જ નહોતું. સર્વાંગે એ સ્વામીની થવા જતી હતી. પોતાની ગઈકાલ લૂંટાવીને હવે એ આવતીકાલને બાથ ભરવા પગલાં ભરતી હતી. પાલખીમાં બેસતાં બેસતાં એણે માતાની સોડમાં ભરાઈને અંતર ખાલી કરી દીધું. પિતાની ચરણરજ લઈને એણે પાછું હૃદય ભરી લીધું. બહેનોને ભેટીને એણે સખીઓની વિદાય લીધી. સૌની સામે છેલ્લી દૃષ્ટિ કરી ત્યારે આંખોમાંથી પડું પડું થતાં આંસુ પણ અટકી પડ્યાં. રત્નોથી શોભતી સુવર્ણમંડિત પાલખીએ રાજકુમારીને ઉપાડી લીધી.

પોતે પોતાની મટીને હવે પારકાને પોતાનો કરવા જતી હતી. પોતાની જાતની એણે ‘અન્ય’માં શોધ આરંભી હતી. એમાં આનંદ જ આદિ કારણ હતું અને એ જ અંતિમ પરિણામની અભીપ્સા હતી. સ્વામીમાં સમાઈ જવા એ પોતાની વ્યક્તિનું વિસર્જન કરતી હતી. અહંનો ઉત્સર્ગ કરીને નેપાળની કુળલક્ષ્મી આત્મવિલોપનનો અભિનવ ઉત્સવ કરીને નીકળી.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.