સ્મિત અને આંસુ

1928ની સાલ હતી. કવિવર રવીન્દ્રનાથ ટાગોર હિબર્ટ-વ્યાખ્યાનો આપવા જતાં રસ્તામાં શ્રીઅરવંદિને મળવા ખાસ પોંડિચેરી રોકાયા હતા. મેં ત્યાં સુધી કવિનાં દર્શન કર્યાં નહોતાં. કવિ અને એમની કવિતા વિષે સાંભળ્યું હતું ઘણું, વાંચ્યું પણ હતું. કવિને જ્યારે પ્રથમ જોયા ત્યારે માનવતા કેટલી ચારુ હોઈ શકે તેનો ખ્યાલ આવ્યો.

કવિતાની કલ્પનામૂતિર્ઓ અને સ્વપ્નપ્રતિમાઓ નારી રૂપે જ મેં ત્યાં સુધી સાંભળી હતી. અનેક કવિઓ અને કલાકારો, પંડિતો અને વિવેચકોએ કવિતાનો સ્ત્રીદેહ જ ઘડ્યો છે એવી મારી શ્રદ્ધાભરી માન્યતા હતી. પણ કવિના દર્શનમાં મેં એક અદ્ભુત આશ્ચર્ય જોયું! સૌન્દર્યની સહજ સુકુમારતાએ પુરુષદેહે અવતરીને જાણે વધારે દેદીપ્યમાન ભાવના મૂર્ત કરી છે. કવિતાનાં માધુર્ય, લાવણ્ય અને ચારુતા જાણે આકૃતિ પામ્યાં છે. આર્ય સંસ્કૃતિ જાણે પુરુષદેહ ધરીને વિશ્વને મુગ્ધ કરવા આવી છે.

કવિવર શ્રીઅરવંદિને મળવા ઉપર ગયા ત્યારે એમની ધવલ સ્વચ્છ દાઢીમૂછની કેશાવલિમાં લપાયલા પ્રવાળ જેવો ઉજ્જ્વળ હોઠોમાં સ્મિત સંતાકૂકડી રમતું હતું. આંખોમાં બાલસહજ નિર્દોષતા સ્ફૂતિર્ સાથે ગેલ કરી રહી હતી.

અને એ મિલન પછી કવિવર જ્યારે પાછા નીચે આવ્યા ત્યારે નેત્રો સુધીર અને સ્થિર હતાં. કીકીની પાછળની શ્વેત સુંવાળી સેજમાં ગંભીર કરુણા સૂતી હતી. બન્ને હોઠ સ્મિતને ગળી જઈને અપરાધીની જેમ એકબીજાની સોડમાં લપાઈ ગયા હતા. આંખોમાં રડું રડું થતી કવિતા આખરે ડૂસકાં લેતી હતી. પોતાની મેળે જ કવિ બોલી ઊઠ્યા :

“મેં આજે સિદ્ધ માનવતા સાક્ષાત્ કરી. વર્ષો પહેલાં શ્રીઅરવંદિને કાવ્ય દ્વારા મેં પ્રણામ કર્યા હતા. આજે એ અંજલિએ વધારે વિનમ્ર બનીને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા.”

કવિએ આશ્રમની વિદાય લીધી.

*

1935ની સાલ હતી. શાન્તિનિકેતન છોડતાં પહેલાં હું ગુરુદેવને પ્રણામ કરીને એમની પાસે વિદાય માગવા ગયો હતો. પ્રફુલ્લ સવાર હતું. શ્યામલીના આંગણમાં પોતાની પ્રિય આરામ-ખુરશીએ કવિ બેસીને કંઈક સ્વાધ્યાય કરતા હતા. પૂર્વ ભણીથી આવતો કોમળ તડકો કવિની પીઠ પર પડીને આરામ કરતો હતો. મેં ચરણરજ લઈને સામે જ બેઠક લીધી. થોડી વાર પછી કવિએ પોતે જ કહ્યું કે : “જાઓ છો તો ખરા પણ શાન્તિનિકેતનને ભૂલશો નહીં.’

મેં મૌન જ પાળ્યું. કવિવરના ચહેરા ઉપર માનો ન માનો પણ કંઈક વિષાદની છાયા હતી. મને 1928નો પોંડિચેરીનો પ્રસંગ અને કવિવરની છબી યાદ આવ્યાં. મેં જરા સંકોચ પામીને પૂછ્યું :

“ગુરુદેવ! મારી એક સમસ્યા છે.”

“તો જતાં પહેલાં એનો ઉત્તર મેળવતા જાઓ.”

અને મેં કહ્યું : “1928માં આપ હિબર્ટ-વ્યાખ્યાનો આપવા જતાં પોંડિચેરી શ્રીઅરવંદિને મળવા ખાસ રોકાયા હતા.”

આ વાક્ય સાંભળીને ગુરુદેવ આરામખુરશીમાં જ જરા સ્વસ્થ થઈને ટટાર થઈ ગયા.

“આપ શ્રી અરવંદિને મળવા ગયા ત્યારે આપ તો પ્રફુલ્લ હતા, હસતા હતા, પણ મળીને પાછા ઊતર્યા ત્યારે આપની આંખો આંસુભીની હતી. આ રહસ્યભેદ મારા અંતરમાં સમસ્યા બની વર્ષોથી પડ્યો છે.”

આ સાંભળીને વિષાદની છાયા એકાએક ઓસરી ગઈ. સમસ્ત મુખમંડલ કોઈ અકળ આનંદથી પ્લાવિત થઈ ગયું. ઉત્સાહભરે સૂરે ગુરુદેવ બોલ્યા :

“એ મારા જીવનનો મહા ધન્ય પ્રસંગ હતો. તમે મારા અંત:કરણની બહુ જ મૂલ્યવાન પ્રતીતિને સ્પર્શ કર્યો છે. હું જ્યારે શ્રીઅરવંદિને મળવા ઉપર ગયો ત્યારે વર્ષોથી વિખૂટા પડેલા બંધુને મળવાના ઉત્સાહમાં મારું અંત:કરણ હસતું હતું. આનંદ સમાતો નહોતો. જઈને બાથ ભરીને ભેટવા હું કેટલો ઉત્સુક હતો તે હું જ જાણું છું. પણ ઉપર જઈને મેં જે જોયું તેનાથી મારો બધો જ ઉત્સાહ શમી ગયો. આનંદ મૂક થઈ ગયો. મારી સામે મારા જેવા મારા જ બંધુને બદલે એક ભવ્ય વિભૂતિ બેઠી હતી. બાથ ભરવા ઊઘડેલા મારા બન્ને હાથે પ્રણામ કર્યા. જે સ્વાભાવિક હતું તે જ થયું. અને એ જ કર્તવ્ય હતું. પાછો વળ્યો ત્યારે અહંકાર કકળી ઊઠ્યો, માનવી રડી પડ્યો પણ અંતરમાં બેઠેલો કવિ તો હસતો જ હતો.”

ગુરુદેવ પાછા ધીરગંભીર બની ગયા. શાંતિ અને મૌનને જરાય હલાવ્યા વિના એમની ચરણરજ લઈને મેં વિદાય લીધી.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.