પ્રામાણિકતાનો સ્વભાવ

અમેરિકન

અમે ન્યૂયૉર્કથી વૉશિંગ્ટન જતા હતા. આગગાડીમાં નહિ, ગ્રેહાઉન્ડ બસમાં, ગ્રેહાઉન્ડ બસની સંસ્થા અમેરિકામાં આગગાડી કરતાં વધારે વ્યાપક, ઝડપી અને સસ્તી છે. લોકપ્રિય પણ આ કારણે ઘણી છે. બેસવાની વ્યવસ્થા અને સ્વચ્છતા આગગાડી કરતાં જરાય ઊતરતી નહિ. ઉપરાંત આગગાડીની જેમ શહેરોને છેડેથી એ જાય નહિ પણ શહેરોમાં કે ગામડાંઓની મધ્યમાં થઈને જ પસાર થાય. એટલે અજાણ્યા મુસાફરોને પણ નવાં સ્થાનો જોઈ લેવાની દૃષ્ટિએ આ બસનું વાહન વધારે ફાવે. આગગાડીની જેમ એ બસ પણ ‘ઍરકન્ડિશન્ડ’, એનાં પણ આગગાડી જેવાં સ્ટેશનો, વિશ્રામસ્થાનો, કૉફી અને જમવાનાં ગૃહો, એ દસ માઈલનું છેટું પણ કાપે અને ન્યૂયૉર્કથી લૉસ એન્જલસની ત્રણ હજાર માઈલની મજલ પણ કરે. એના હાંકનારાઓ હોશિયાર અને ચલતા પૂર્જા. ‘ગ્રેહાઉન્ડ’ બસ કોઈ અમેરિકન ‘હાઈ-વે’ ઉપર આવતી હોય તો ગમે તેવી ઝડપથી જતી મોટર એને માર્ગ આપે.

અમે ફિલાડેલફિયાથી પંદરેક માઈલ આગળ ગયા ત્યાં એક માણસે એક ગામડા આગળ હાથની ઇશારત વડે આ બસને રોકી એણે હાંકનારને સમજણ પાડી કે એને જરૂરી કામ માટે વૉશિંગ્ટન જવું છે. ‘વૉશિંગ્ટનમાં ભાડું આપી દેજો.’ એમ કહીને એણે પેલા સદ્ગૃહસ્થને બેસાડી લીધા. રાતે આઠ વાગે અમે વૉશિંગ્ટન પહોંચ્યા. અમે ત્રણેય મિત્રો અમારી ભારે પેટીઓ ત્યાં જ સાચવનારને સોંપીને વાય. એમ. સી. એ. માં અમારી જગ્યાની તપાસ કરવા ગયા. જગ્યા મેળવીને અમે કલાક દોઢકલાક પછી પાછા આવ્યા ત્યારે પેલા અધવચ્ચેથી બસમાં ચઢેલા સજ્જન ભાડું ચૂકવવા માટે ચિંતાતુર બનીને ઊભેલા. અમે કારણ પૂછ્યું તો જવાબમાં એમણે કહ્યું કે ભાડું કોઈ લેતું નથી. બસમાં મેં મુસાફરી કરી છે એની એ માણસ ખાતરી માગે છે. અમે બે મિત્રોએ એની ખાતરી કરાવી આપી. એમણે ભાડું ચૂકવ્યું અને કૉફીનો એક કપ સાથે પીને અમે વિખૂટા પડ્યા.

કોલંબસથી નીકળીને અમે સંટલૂઈ જતા હતા. અમારી હોટેલમાંથી નીકળીને અમે સ્ટેશને આવ્યા. મારી સાથે એક અમેરિકન મિત્ર હતા. અમારી ઓળખાણ કોલંબસમાં જ થઈ હતી. ગાડી ઊપડવાને પંદરવીસ મિનિટની વાર હતી. ત્યાં અકસ્માત એમને યાદ આવ્યું કે હોટેલનું બિલ જ આપવાનું રહી ગયું છે. એમની મૂંઝવણ પરખાઈ જાય એટલી સ્પષ્ટ હતી. પળવારમાં જ એમણે નિશ્ચય કરી લીધો. એમણે મને કહ્યું: ‘જુઓ હું ટૅક્સી લઈને હોટેલમાં બિલ ચૂકવવા જાઉં છું. સમયસર પાછો આવવાની મહેનત તો કરીશ. પણ જો હું ગાડી ઊપડતાં પહેલાં ના આવું તો તમે મારો સામાન તમારી સાથે જ લઈ જજો. હું બીજી ગાડીમાં પહોંચી જઈશ. તમે…હોટેલમાં જ ઊતરશો ને?’ આટલું કહીને એમણે કોલંબસનું સ્ટેશન છોડ્યું.

ગાડી ઊપડવાને હવે બે જ મિનિટ હતી. ગાડીનો નિયામક અમારા ડબ્બા પાસેથી નીકળ્યો અને મેં પેલા અમેરિકન મિત્રની કથા કહી. એને પણ એ વાત એટલી બધી અસરકારક લાગી કે એણે પાંચ મિનિટ ગાડી જરૂર પડ્યે મોડી કરવાનું કહ્યું.

ઘડિયાળનો કાંટો હવે એક મિનિટ બાકી છે એવું બોલે તે પહેલાં તો પેલા અમેરિકન મિત્ર એકીશ્વાસે દોડતા દોડતા ડબ્બામાં આવી પહોંચ્યા. એમના ચહેરા ઉપર જે આનંદ હતો, જે સંતૃપ્તિ હતી તે જોઈને ગમે તેવા મૂંજી માણસને પણ પ્રસન્નતા થાય.

અમેરિકામાં ભૂગર્ભ રેલવેસ્ટેશનો ઉપર પણ ટિકિટ લેવાની નહીં અને ટિકિટ આપનાર કે જોનાર પણ કોઈ નહીં. તમારી મેળે દસ સેંટનો સિક્કો દરવાજા ઉપર નક્કી કરેલી પેટીમાં નાંખીને દરવાજો ઉઘાડીને ગાડીમાં બેસી જવાનું. પછી પહેલે સ્ટેશને ઊતરી પડો કે પચીસમેં ઊતરો. દરવાજો ઉઘાડીને ચાલ્યા જવાનું.

અમેરિકાનાં મોટાં શહેરોમાં જે બસ અને ટ્રામો ચાલે છે તેમાં પણ ટિકિટ આપવાનો રિવાજ નથી. ચઢતી વખતે કે ઊતરતી વખતે પાંચ સેંટ કે દસ સેંટ જે નિર્ણિત ભાડું હોય તે હાંકનારની પાસે ઊભી કરેલી લોખંડની પેટીમાં નાંખી દો એટલે બસ.

આખી અમેરિકન પ્રજા આ સામાન્ય પ્રામાણિકતાનું પાલન સહજ રીતે કરે છે. સંસ્કૃતિની દૃષ્ટિએ હજી તો ઊછરતી આવતી આ પ્રજાના ચારિત્ર્યની અખંડતા જીવનની કેવી ઝીણી ઝીણી વિગતો દ્વારા ઘડાય છે એનું રહસ્ય વૉશિંગ્ટનમાં બસનું ભાડું આપવા માટે દોઢ કલાક ખોટી થયેલા પેલા અમેરિકન પ્રજાજનના વર્તનમાં દેખાયું.

અંગ્રેજ

લંડનમાં ઓલવીચમાં આવેલા ઇન્ડિયા હાઉસમાં ઑક્ટોબરની એક સાંજે જવાહરલાલ નેહરુને મળવા માટે એક સમારંભ યોજાયો હતો. એ પ્રસંગે પંડિતજીએ પોતાનું અંતર ઉઘાડીને કેટલીક નિખાલસ વાતચીત કરી. હિંદીઓની મર્યાદા અને નિર્બળતા વિશે પણ પોતાનું સ્પષ્ટ મંતવ્ય જણાવ્યું. અંગ્રેજને પણ નહેરુની આ પ્રામાણિકતા બહુ ગમી. અમે બહુ જ ખુશી હતા અને વાતાવરણ પણ ખુશનુમા હતું.

ઇન્ડિયા હાઉસમાંથી સમારંભ પૂરો કરીને અમે બસના સ્ટેશને એની રાહ જોતા ઊભા રહ્યા. ખોટી થનારાઓની હાર ઘણી લાંબી હતી. જુદા જુદા નંબરોવાળી બસ પણ ઝડપથી આવીને હાર ટૂંકી કરતી જતી હતી. ખોટી થનારાઓમાં શિસ્ત આબાદ હતી. ક્યાંય નિરાશા નહિ, ખોટી ચર્ચા નહિ, બસ- કંપની ઉપર ટીકા નહિ. અમારી બસ આવી એટલે અમે પણ બેસી ગયા. ટિકિટ આપનારે અમને અમારું ઊતરવાનું સ્થળ પૂછીને એટલી કિંમતની ટિકિટ આપી દીધી. અમારી બાજુમાં એક અંગ્રેજ હતો. એણે પણ પોતાની ટિકિટ લીધી. આ ટિકિટ લેનારે રસેલ સ્ક્વૅર આગળ ઊતરી જવું જોઈએ. પણ પેલો ત્રણેક સ્ટેશન અમારી સાથે આવ્યો અને પછી ઊતર્યો. અપ્રામાણિકતાની આ આછી રેખા પેલા ટિકિટ આપનારની આંખમાંથી છટકી ના શકી. આંખોની અદા વડે જ એક અછડતું સ્મિત કરીને એણે કહ્યું કે આવી વર્તણૂક સારી નહીં.

એક સારા અંગ્રેજી રેસ્ટોરાંમાં અમે જમવા ગયા. બહાર જાહેરખબર હતી કે જમનાર દીઠ ડબલ રોટીના ત્રણ કકડા મળશે. અત્યારે રેશનના યુગમાં ત્રણ કકડા લંડનમાં તો વધારેમાં વધારે ઉદારતા કહેવાય. અમને ત્રણ કકડા મળ્યા ખરા પણ એટલા બધા પાતળા કે એકમાંથી ત્રણ કર્યા છે એવું જ લાગે એટલે કાયદેસરની અપ્રામાણિકતા નહિ પણ નૈતિક દૃષ્ટિએ એ ચોખ્ખી અપ્રામાણિકતા હતી.

અંગ્રેજ પ્રજાની પ્રામાણિકતા બહુ પ્રખ્યાત છે. એના સામ્રાજ્ય ઉપર નમતો સૂર્ય કદી જ અસ્ત નહીં પામે એમ માનનાર એ પ્રજા મહાપ્રજાનો દાવો કરે છે. આજે એ સૂર્ય આથમ્યો છે. એને માથે મુસીબતોની અનેક તલવારો લટકે છે. આ પરાજયના મૂળમાં સ્વાર્થ અને અંતે સ્વાર્થમાંથી નીપજતી પામરતા હશે કે એ સ્વાર્થ અને હીનતા પરાજયનું પરિણામ હશે?

હિંદી

ન્યૂયૉર્કમાં એક પાઉન્ડની કિંમત ત્રણ ડૉલર આપવી પડે પણ લંડનમાં એક પાઉન્ડની કિંમત ચાર ડૉલર થાય. સરકારી નિયમ પ્રમાણે એક માણસ પાંચ પાઉન્ડથી વધારે રોકડા પાઉન્ડ લઈને ઇંગ્લેન્ડને કિનારે ઊતરી ના શકે અને કદાચ જો પાંચ પાઉન્ડથી વધારેની રકમ પકડાય તો એને સખત સજા થાય.

રાતે અમે સાઉધમ્પ્ટન પહોંચ્યા. અને બીજી સવારે લંડનની ગાડીમાં બેઠા. મારી સાથે એક હિંદી સજ્જન હતા. મારી પાસેના પાંચ પાઉન્ડ મેં સ્ટીમર ઉપર અને રહ્યાસહ્યા લંડનની ટિકિટ લેવામાં ખર્ચી નાખ્યા હતા. મેં પેલા સજ્જન પાસે એક પાઉન્ડ ઉછીનો માગ્યો ત્યારે એમને બહુ જ આશ્ચર્ય થયું. મેં માત્ર પાંચ પાઉન્ડ જ ન્યૂયૉર્કમાં ખરીદ્યા હતા તેનું એમને બહુ આશ્ચર્ય થયું. લંડનમાં હવે પાઉન્ડ દીઠ મારે એક ડૉલર વધારે આપવો પડશે એનો એમને ખેદ થયો અને મારી અણઆવડતની એમને દયા આવી અને મને પોતાની ચકોરતાથી આંજી નાખવા માટે કહ્યું કે એમણે પોતે તો લગભગ સો પાઉન્ડ ગુપ્ત રીતે ન્યૂયૉર્કમાં ખરીદી લીધા હતા અને પાટલૂનની અંદર ચડ્ડીમાં સંતાડીને સલામત રીતે ઇંગ્લૅન્ડમાં લઈ આવ્યા હતા. પોતાની આ સાહસિકતા અને કાબેલિયત માટે એમને ગર્વ હતો.

અમારી સ્ટીમરે લંડનથી ઊપડ્યા પછી પહેલું બંદર પોર્ટસૈયદ કર્યું. આઠ દિવસની સતત મુસાફરી પછી ધરતી જોવાનો અને એના ઉપર પગ મૂકવાનો ખૂબ આનંદ હતો. એક હિંદી મુસલમાન મોટરવાળા સાથે એક માઈલનો દોઢ રૂપિયો ઠરાવીને અમે બેઠા. દસેક માઈલ ફેરવીને જ્યારે અમને પાછો બંદર ઉપર લાવ્યો ત્યારે અમે પંદર રૂપિયા આપવા માંડ્યા. પેલો મુસલમાન મોટરવાળો ગરમ થઈ ગયો. એણે કહ્યું કે એક માણસ દીઠ માઈલનો દોઢ રૂપિયો એણે ઠરાવ્યો હતો. અમે ચાર જણ હતા. એટલે અમારે સાઠ રૂપિયા આપવા જોઈએ. જણ દીઠ દોઢ- દોઢ રૂપિયો એણે કહ્યો નહોતો. ‘દરેક જણ દીઠ’ એ વાત એણે અધ્યાહાર રાખેલી હતી. એને પ્રગટમાં લાવીને એણે ભયંકર ચાલબાજી આદરી. આખરે પોલીસને બોલાવીને પંદર રૂપિયામાં પતાવ્યું.

સ્ટીમર ઉપર પાછા આવ્યા પછી તે રાતે મોડે સુધી મને ઊંઘ આવી.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.