અનિવાર્ય અસબાબ

નરેન્દ્રમંડળના અધિવેશનમાં ભાગ લેવા અમે દિલ્હી જતા હતા. અમારું સ્ટેશન નાનું હતું એટલે દિલ્હીમેલ ત્યાં ઊભો રહેતો નહોતો. એટલે એક ગાડી વહેલા જઈને અમારે એ મેલગાડી ઝાંસીથી પકડવાની હતી. એ નાના સ્ટેશન ઉપર એ સવારે ત્રણચાર રાજાઓનો અસબાબ ભેગો થયો હતો. મહારાજાસાહેબો તો બધા મોટરોમાં જવાના હતા. માત્ર સામાન, સિપાઈઓ, અંગત સેવક અને કારકુનો અને વધારામાં એ સૌની સંભાળ માટેનો એકાદ અમલદાર એમ મેળો જામ્યો હતો. રાજામહારાજાઓના ગંજાવર અને નકામા સામાનના ઢગલાઓથી હું વાકેફ હતો એટલે સામાનના આ પર્વતો એ મારું આશ્ચર્ય નહોતું. પરંતુ એક મહારાજાના સામાનમાં પડેલા વીસપચીસ મણના લીસા પથ્થરે મારું ધ્યાન ખેંચ્યું. એક દાઢીવાળો દરવાન એ સામાનની રખેવાળી કરતો હતો. મેં એને પૂછ્યું: ‘ક્યોં ભાઈ, યહ પથ્થર કિસ કામ કે લિયે હૈ?’ દરવાને ઝૂકીને સલામ કરી અને બોલ્યો: ‘સરકાર હુઝુર કે સંગ ધોબી જાત હૈ દેહલી, વહાં ઉસે કપડે ધોને કે લાને પથ્થર મિલો ના મિલો તો ઘર સે લે જાત હૈ.’

આ અનિવાર્ય અસબાબને જોઈ મને થયું કે હિંદુસ્તાનના નકશામાં આ પીળા રંગની દુનિયાએ પણ ગજબ કર્યો છે.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.