જીવન, વિષ, અમૃત

લાડલી એ નીલમનગર રાજ્યની પહેલી હરોળની જાગીર. એના વૃદ્ધ જાગીરદાર ઠાકુર દીવાન ગિરિરાજસિંહનું મૃત્યુ થયું ત્યારે લોકોને શોક થયો તેના કરતાં આનંદ વધારે થયો. આ જાગીરદાર આમ તો ગીતાભક્ત. પણ શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીએ એક મેળો ભરે. એમાં મોટું જુગારખાનું ચલાવે. એની મોટી આવકથી ખિસ્સું ભરે અને અનેક લોકોને આંસુ સારતા પાછા વાળે. એ જાગીરની પ્રજા કંગાલ અને દુ:ખી. પરંતુ જનતાનું મોટું આશ્વાસન લાડલીનો રાજકુમાર રઘુરાજસિંહ. પોતાના બાપની સાથે એનો બિલકુલ મેળ નહિ. જન્માષ્ટમીના મેળામાં રઘુરાજસિંહ નીલમનગર આવતા રહે. લાડલીના લોકોને મન આ રાજકુમાર સોનાનો માણસ.

બાપના અવસાન પછી રઘુરાજસિંહ ગાદીએ આવ્યો. રઘુરાજ મને બહુ વહાલા. એટલે એ ઉત્સવમાં મેં અંતર ભરીને ભાગ લીધો અને પછી તો અમારી મૈત્રી નિકટતાનું એક પછી એક પગથિયું ચઢતી ચાલી. સુંદર અને લાવણ્યવતી સ્ત્રીઓ જોઈ છે. ચારુ અને મનમોહક નારીઓના પરિચયમાં પણ આવ્યો છું. ચકોર અને દક્ષ સન્નારીઓનો સમાગમ થયો છે. આ સર્વ હોય ને શીલનું ઓજસ્ હોય એવી વિરલ મહિમાવંત માતાને પણ મળ્યો છું. પરંતુ રૂપવંતા તેજસ્વી પુરુષો ઓછા જોયા છે. જેમના વર્તનમાં પ્રસાદનો પરિમલ મહેકે છે. જેમના હૃદયકમળનું આકર્ષણ મનોહારી નીવડ્યું છે એવા જૂજ નરરત્નોનો પરિચય થયો છે. દાક્ષિણ્ય જેમનું અદ્ભુત છે અને મેધાના ગૌરવથી જેઓ શોભે છે. એવા સજ્જનોના સંપર્કમાં આવ્યો છું. પરંતુ આ સર્વનો સપ્રમાણ સુમેળ હોય ને શીલના સુવર્ણરંગે ઓપતા હોય એવા વિરલ સત્પુરુષોને મળવાનું સુભાગ્ય પણ મળ્યું છે, એમાં રઘુરાજસિંહનું નામ આવે. એટલે એમનું મારા અંતરને એવું તો આગવું આકર્ષણ કે એના સ્મરણ માત્રથી મને આનંદ થાય.

આ રઘુરાજસિંહ માટે લગ્નની અનેક માગણીઓ આવવા માંડી. રાજામહારાજાઓ અને રાજકુમારો જાગીરદારોના ચારિત્ર્ય વિષે કોઈ ભાગ્યે જ છાતી ઠોકીને ખાતરી આપી શકે પણ લાડલીના આ સપૂતનું ચારિત્ર્ય સો ટચનું સોનું મનાતું અને હતું. સવારે બે કલાક ધ્યાનપૂજામાં ગાળે. કંકુના તિલકથી દીપતું એમનું મુખ નિર્મળ પ્રભાની છટાથી ઝાંયઝાંય થયા કરે. બે નિષ્કલંક આંખોમાંથી નેહ નીતર્યા કરે. સુવર્ણરંગી ને સુરેખ કાયામાં બેઠેલો પરાક્રમશીલ પ્રાણ અને અભિજાત આત્મા આપણને વહાલ કરવાનું આમંત્રણ આપ્યા જ કરે. બાળક જેવું એમનું નમણું અને નિખાલસ વર્તન સ્વાભાવિકતાની એવી સુગંધ મહેકાવે કે આપણે દુષ્ટતાનો વિચાર કરતાંય સંકોચ થાય. આ બધું જોઈને મને એમ થતું કે રઘુરાજ ગયા જન્મનો કોઈ યોગી છે, જે આ જન્મે અધૂરો રહેલો યોગ પૂરો કરવા આવ્યો છે. ભગવાને ક્ષત્રિયનો અવતાર આપ્યો છે પણ દૃષ્ટિ અને હૃદય બ્રાહ્મણનાં આપ્યાં છે. પરાક્રમ અને પવિત્રતાના આવા સુમેળથી આ પુરુષ કેવો ગરવો અને ગરીબનવાજ લાગે છે! એટલે હું એના ઉપર મુગ્ધ. એની મિત્રતાનો મારે મન અનુપમ આનંદ અને એ લહાવો પણ વિરલ ગણું.

એક વખત રઘુરાજસિંહ મોટર લઈને નીલમનગર આવ્યા. નિરાંત અને એકાંત મેળવીને એમણે મારા હાથમાં એક પત્ર મૂક્યો. એમાંની વિગત વાંચીને મને પણ આશ્ચર્ય ઊપજ્યું. લાડલીથી સાઠ-સિત્તેર માઈલ આવેલી બીજી રાજપૂત જાગીર અસલનેરની રાજકુંવરીનો એ કાગળ હતો. એમનું નામ સુમનકુમારી. એ બાઈ સવારે પૂજામાં બેઠાં હતાં. ત્યાં ધ્યાનમાં એમની કુલદેવીએ આવીને દર્શન દીધાં અને આજ્ઞા કરી કે લાડલીના જાગીરદાસ સાથે લગ્નસંબંધથી જોડાઈ જા. મારા આશીર્વાદ છે. એટલે એમણે પોતે કાગળ લખ્યો હતો. રાજપૂતોમાં અને તેમાંય આવી ઠકરાતોમાં કન્યા પોતે આવો પત્ર ન લખે. એમાં લજ્જાનું શીલ તૂટે. છતાં પોતે આવી હિંમત કરી છે એટલે અમે માંગું મોકલીએ છીએ. તમે હા જ પાડજો. ના પાડશો તો હું શરીર પાડીશ.

રઘુરાજસિંહનું અંત:કરણ ઋજુ અને સ્નિગ્ધ હતું. એમણે મારી સલાહ માગ્યા પહેલાં પોતાનો નિર્ણય કહ્યો. એઓ માગું સ્વીકારશે. મારે વધુ કહેવાનું હતું જ નહીં. એમને તો માત્ર આ નિર્ણય પોતાના મિત્રને કહીને હૃદય હળવું કરવું હતું. બીજી વસંતઋતુમાં લગ્ન થઈ પણ ગયું. લાડલી અને અસલનેરનાં જૂનાં વેર. આ લગ્ન કોઈની કલ્પનામાંય નહીં. પણ કન્યાની હઠ અને રઘુરાજસિંહની સહજ સંમતિએ આ અસંભવિત લગ્ન કરાવ્યું હતું. અસલનેરનાં રાજકુમારીને લાડલીની હવેલીમાં જોયા પછી જે સુખ, જે આનંદ મારા અંત:કરણને થવાં જોઈએ તે થયાં નહીં. ઊલટું એમનું વ્યક્તિત્વ જોઈને થોડીક બીક લાગી. આમ તો એ નમણાં હતાં. સુકુમાર પણ લાગતાં. દેહ ઘાટીલો હતો. આંખોમાં ચમક હતી. પરંતુ કોણ જાણે કેમ એમને જોઈને, મળીને આનંદ નહોતો થતો. એ શાંત રહેતાં તે સહેવાતું પણ હસતાં ત્યારે તો ડરી જવાતું. સ્ત્રીમાં એવું એ કયું તત્ત્વ હતું જેણે આ રાજરાણીને બિહામણી બનાવી દીધી હતી! પરખાય નહિ પણ લાગે એવું કોઈ અસુરી સૂક્ષ્મ તત્ત્વ હશે! નહિ તો સમજણ ન પડે? પણ મારી આ લાગણી, મારું આ સંવેદન મેં મારી પાસે જ રાખ્યું.

લગ્નને છ-સાત માસ વીતી ગયા હશે ને રઘુરાજસિંહ નીલમનગર આવ્યા. પાંગરેલું પ્રફુલ્લ પૌરુષ જોવા ટેવાયેલી મારી આંખોએ કરમાતું અંત:કરણ જોઈને ઊંડી ગમગીની અનુભવી. એ રાત કદી નહિ ભુલાય. રાતે અમે અગાસીમાં બેઠા હતા. બે ઓશીકાને પોતાના ખોળામાં રાખી એના ઉપર હાથ રાખીને રઘુરાજસિંહ બેઠા હતા. એમને કંઈક કહેવું હતું ને એ કહેતા નહોતા. અંતરને ઊઘડવું હતું અને એ ઊઘડવા દેતા નહોતા. હું જરા પાસે ખસ્યો. મને એઓ બહુ જ ગમે. હું તો સ્નેહથી ગદ્ગદ થઈ ગયો. મેં એમની દાઢીએ એક આંગળીનો સ્પર્શ કરીને પૂછ્યું: ‘રઘુરાજ, દિલ ન ખોલે તેને આ રાતના સોગન.’ એમણે થોડી વાર મૌન રાખીને અતિશય ધીરેથી કહ્યું: ‘આ સુમનકુમારી આમ સારાં છે, સ્નેહાળ છે, હુશિયાર છે, પણ…’ કહીને એ અટકી ગયા. મેં વાત આગળ ચલાવતા કહ્યું: ‘પણ?’ અને એમણે કહ્યું: ‘પણ એઓ મારા પલંગમાં સૂએ છે ત્યારે જાણે મારી પાસે નાગણ સૂતી હોય એવો આભાસ મને થયા જ કરે છે. એટલે ઘણી જ વાર મને નિદ્રા જ નથી આવતી. ક્યારેક તો એમ લાગે એટલે બીજા પલંગમાં જઈને સૂઈ જાઉં છું, અને ઘણી વખત એ સૂતાં હોય છે ત્યારે મને વહાલાં લાગવાને બદલે બિહામણાં લાગે છે.’ આ વાતથી મને આશ્ચર્ય ન થયું, કારણ કે મારું સંવેદન પણ એવું જ હતું. મેં એમને મારી લાગણીની વાત કરી. એમને વિષે અમે બંને એકમત થયા પણ આનો ઉપાય શો? ખૂબ વિચાર કર્યો. મેં એમને થોડો વખત નીલમનગર રાખ્યા. થોડાક પ્રસન્ન થયા ત્યારે વિદાય લીધી. અમે એક નિર્ણય કર્યો કે સુમનકુમારીને થોડો સમય અસલનેર મોકલવાં.

બેએક મહિના વીત્યા હશે. આસો મહિનો હતો એમ યાદ છે. નવરાત્રિના દિવસો હતા. દશેરાનો એ આગલો દિવસ હતો. બપોરે ત્રણેક વાગે લાડલીની મોટર મહેલમાં આવી એણે ખબર આપી કે રઘુરાજસિંહ ઇસ્પિતાલમાં છે. અમે તો સૌ દોડ્યા ઇસ્પિતાલમાં. ડૉક્ટર ઊતરેલે ચહેરે ઊભા હતા. રઘુરાજસિંહની સુવર્ણરંગી કાયા જાણે છાયાથી ઢંકાઈ ગઈ હોય એમ નીલીછમ થઈ ગઈ હતી. આંખો મીંચાયેલી હતી. મેં એમના હાથને મારા હાથમાં લીધો. વહાલથી કપાળે હાથ ફેરવ્યો ને બોલાવ્યા: ‘રઘુરાજ! રઘુરાજ! રઘુરાજ!’ ત્રીજે અવાજે આંખો ખૂલી. મારા ભણી જોયું અને આંખો આપમેળે બિડાઈ ગઈ. ડૉક્ટરના ઇજેક્શનનું કશું ના ચાલ્યું. પળવારમાં જ એમની ગરદન એક બાજુ પડી ગઈ. ત્યાં ઊભેલા સૌ સ્તબ્ધ થઈ ગયા.

એ જ રાતે એમનું શબ લઈને અમે લાડલી આવ્યા. સવારે અગ્નિસંસ્કાર થયા. લાડલી ઉપરાંત દૂરદૂરનાં ગામોમાંથી લોકો ઊમટી આવ્યાં હતાં. રઘુરાજસિંહની સુગંધ દૂરસુદૂર વિસ્તરેલી હતી. એટલે માતમ ઊંડો હતો. વેદના બેકરાર કરનારી હતી. એ જ બેકરારી સાથે મેં હવેલીમાં જઈને સુમનકુમારીને આશ્વાસન આપ્યું. ખરી રીતે તો એ સાંત્વના હું મને જ આપતો હતો.

તે જ સાંજે લાડલીથી નીકળીને નવાગામ આવ્યો. અહીં નીલમનગરનો બંગલો હતો. રાત ત્યાં રહીને સવારે નીકળવાની ધારણા હતી. બંગલે પહોંચ્યો ત્યારે જ બેચાર માણસો મળવા ઊભા હતા. એમણે લોકવાયકા કહી કે લાડલી દરબારનું ઝેરથી મૃત્યુ થયું. લોકો વાત કરતાં ડરતા હતા. હું કપડાં બદલીને બહાર પલંગમાં આડો પડ્યો. ખાવાપીવાની સુધબુધ પણ નહોતી. દિલમાં, મનમાં, શરીરમાં – આખી હસ્તીમાં બસ વેદના ગાંડાની જેમ રઝળતી હતી. અંતરમાં યાદની ફરિયાદ આકરી બનતી જતી હતી. આમાં બિચારી નિદ્રા ક્યાં આવે! દૂરથી વાતચીત સંભળાઈ. અવાજ માળીનો હતો. જરા ધ્યાનથી જોયું તો માળી ને એની વહુ વાતો કરતાં હતાં: ‘રોજ રાતે શાનો દારૂ ઢીંચીને આવે છે? શરાબી?’ માળીની વહુ બોલી ત્યાં તો માળી ઊકળી ઊઠ્યો. બેચાર ગાળો સાથે એ બિચારી સ્ત્રી ઉપર તૂટી પડ્યો.

હું જઈને જોઉં છું તો બન્ને કુસ્તીમાં મસ્ત હતાં. બંનેને છોડાવ્યાં. માળી શરાબથી ગંધાતો હતો. એને ખેંચીને મેં વરંડામાં સુવાડ્યો. માલણને કહ્યું કે જઈને નિરાંતે સૂઈ જા. થોડી વારે મને ઊંઘતો ધારીને પેલી સ્ત્રી આવીને પોતાના પતિને પ્રેમથી સંભાળીને લઈ ગઈ. અમારા બંગલાના ચોકીદારે પાંચ ઘંટા વગાડ્યા ત્યારે મને ખબર પડી કે હવે સવાર પડ્યું. ભરભાંખળું થયું હતું. અંધારું ઓસરતું હતું. અજવાળું આવતું હતું. ઉષ:કાળ હતો. ફૂલોની સુગંધથી વાતાવરણ ભર્યું હતું. પ્રભાતના પવનની લહેરોએ મને જરા જંપ વાળી. આંખો મીંચીને હું અંતરની યાદ સાથે મસ્ત હતો. ત્યાં અચાનક બુમરાણથી ચોંકી ઊઠ્યો. માળીની વહુનો પોકાર હતો. જઈને જોઉં છું તો ઓરડીના ઓટલા ઉપર માળી પડ્યો છે. માલણ કકળી રહી છે. પૂછ્યું ત્યારે ખબર પડી કે માળીને સાપ ડસ્યો છે. મેં તો તરત જ મોટરના હાંકનારને ઉઠાડ્યો. મોકલ્યો મોટર લઈને ડૉક્ટરને બોલાવવા. ચોકીદાર આવી પહોંચ્યો. પણ માલણ ચૂપ રહે ત્યારે ને! એ તો વળી નીચી, માતાનું નામ દીધું અને માળીને પગે જ્યાં કાપ ડસ્યો હતો ત્યાં જોરથી બચકું ભરી આખો લોથડો ઉખાડી લીધો અને લોહી ચૂસવા મંડી. લોહી ચૂસતી જાય ને બહાર થૂંકતી જાય. આમ ચૂસતાં ચૂસતાં એની ગતિ ધીરી પડી અને થોડી વારમાં ચક્કર ખાઈને બાઈ ધરતી પર ઢળી પડી. મેં માન્યું કે બાઈએ ઝેર ચૂસ્યું તેની અસર થઈ. પણ જોઉ તો માળીની આંખો ઊઘડવા માંડી. પાસે માલણ પડેલી જોઈને મહામહેનતે એ બેઠો થયો. ઢસડાઈને પાસે જતો હતો તે મેં ઊંચકીને માલણ પાસે બેસાડ્યો. માળીની આંખો પૂરી ઊઘડી ત્યારે માલણની સંપૂર્ણ બિડાઈ ગઈ. માળીની ઘેનઘેરી આંખોમાંથી આંસુની ધારા ચાલી. પુરુષ જેવો પુરુષ રડી પડ્યો.

તડકો ચડ્યો ત્યારે ડૉક્ટર આવી પહોંચ્યા. મેં બધી વાત કરી માલણની નાડી જોઈને એમણે ઇંજેક્શન આપ્યું પણ મોતની પાસે માણસ શું કરે! થોડી જ વારમાં માલણના હૃદયના ધબકાર બંધ થઈ ગયા. એ છાતી પર માથું મૂકીને માળી તૂટી પડ્યો.

બપોરે માલણના શબના અગ્નિસંસ્કાર કરીને મોટરમાં હું નીલમનગર જતો હતો. રસ્તે કેન નદી આવી. આખું અસ્તિત્વ થાકી ગયું હતું. મોટર બાજુએ મુકાવીને હું ઊતર્યો. ઘાટ પર બેસીને પાણીમાં પગ બોળ્યા. આંખે થોડું પાણી છાંટ્યું. મને લગભગ ચક્કર આવતા હતા છતાં મારી આંખો વહેતા પાણીમાં શબ્દો વાંચતી હતી: જીવન, વિષ, અમૃત.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.