નાતાલની શુભેચ્છા

કાઉફમેન એ પીટ્સબર્ગની મોટામાં મોટી દુકાન. મુંબઈના વ્હાઇટવે લેડલોથી પચીસ ગણી મોટી. એમાં હું એક ઓવરકોટ ખરીદવા ગયો હતો. અમેરિકામાં ગેબર્ડીનના ઓવરકોટ પહેરવા એ ફૅશન મનાય છે. હિંદથી અમેરિકા આવતાં ટ્રાન્સ વર્લ્ડ એરલાઇનના એરોપ્લેનમાં મારો એક અંગ્રેજી ઓવરકોટ એરોપ્લેનની હોસ્ટેસની ભૂલથી એક ગ્રીક બિરાદર એથેન્સમાં લઈને ઊતરી પડ્યો હતો. એટલે કંપનીએ એ કોટની કિંમત પંચોતેર ડોલર મને માગ્યા વિના મોકલી આપી હતી. આ પંચોતેર ડોલરનું કાસળ કાઢવા હું કાઉફમેન સ્ટોરમાં આવ્યો હતો.

પાંસઠ ડોલરનો એક સુંદર ઓવરકોટ–ઠંડી અને વરસાદ બન્નેમાં કામ આવી શકે એવો–ખરીદ્યો. હું ખરીદતો હતો ત્યાં એક બીજો અમેરિકન જુવાન પણ એક સારો ગરમ કોટ જોતો હતો. એ કોટની કિંમત વીસ ડોલર હતી. એને એ એટલો બધો ગમી ગયો કે એ કોટને જુએ અને પાછો નીચે મૂકી દે. એના ચહેરા ઉપર ખુશી આવે ને અસ્ત થઈ જાય. વળી થોડી ગમગીની પણ ઊઠી આવે. જુવાન હતો રૂપાળો અને તેજસ્વી. એણે જરા અંતરમાં ગડમથલ કરીને મને પૂછ્યું : “તમે મને પાંચ ડોલર ઉછીના આપશો? હું કાલે સવારે તમારે ઘેર પહોંચતા કરીશ.” મેં એનું નામઠામ પૂછ્યા વિના પાંચ ડોલરની નોટ આપી. એની પાસે પંદર ડોલર હતા. પેલો કોટ એણે વીસ ડોલરમાં ખરીદ્યો. એના ચહેરા પર આનંદ વિસ્તરી રહ્યો. અમે એ જ સ્ટોરના રેસ્ટોરાંમાં સાથે કોફી પીધી. એણે એનું વિઝિટંગિ કાર્ડ આપ્યું. રીતભાત પ્રમાણે મેં મારું કાર્ડ આપ્યું. અમે છૂટા પડ્યા.

બીજે દિવસે વહેલી સવારે મારા ઓરડાને બારણે ટકોરા પડ્યા. જોઉં છું તો પેલો જુવાન. હસીને એ અંદર આવ્યો ને સ્મિતમાં લપેટીને એણે પાંચ ડોલરની નોટ મને આપી અને આભાર માન્યો. હું કામ પર જવાની તૈયારી કરતો હતો. મેં એને સાથે લીધો અને રસ્તામાં યુનિવસિર્ટીના કાફેટેરિયામાં અમે સાથે નાસ્તો કર્યો. અમારે છૂટા પડવાના રસ્તા આગળ મેં એને પૂછ્યું : “અમેરિકામાં બધા જ માણસો તમારા જેવા સજ્જન અને પ્રામાણિક હશે?” એની આંખો ચમકી ઊઠી. બોલ્યો : “આ દેશમાં મારા કરતાં ઘણા વધારે સજ્જન અને પ્રામાણિક માણસો વસે છે. જીવનની આ સહૃદયતા જ અમેરિકન પ્રજાને ઊંચે ચઢાવશે.” અને અમે બન્ને હાથ મેળવીને છૂટા પડ્યા.

ત્રણ વરસ પછી આ વર્ષે નાતાલની શુભેચ્છાનો એનો પત્ર આવ્યો. ગ્રિફિથની નીચે મેરીને પણ સહી હતી. આ બનાવથી એણે પોતાના લગ્નની પણ બાતમી આપીને નીચે લખ્યું છે : “પેલા તમારા પાંચ ડોલરે પ્રામાણિકતા બતાવવાની જીવનમાં પહેલી તક આપી હતી. એના આનંદમાં હું વધારે પ્રામાણિક થતો જાઉં છું અને મારો આનંદ પણ વધતો જાય છે.”

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.