મસ્ત શિલ્પી

શાંતિનિકેતનના કલાભવનના આંગણામાં શરદની ચાંદની વિસ્તરી હતી. યાદ નથી એ ચૌદશ હતી કે પૂર્ણિમા. દસેક વાગે વૈતાલિક ફરી ગયા હતા. સંગીતની છાયામાં આશ્રમ જંપી ગયો હતો. અમે બેત્રણ જણા કલાભવનમાંથી એક મિત્રને મળીને પાછા વિદ્યાભવન તરફ આવતા હતા. ત્યાં તો ત્રણચાર ફાનસ લઈને ઊભેલા કલાભવનના થોડાક વિદ્યાર્થીઓ જોયા. પાસે કાદવ જેવા ગારાનો એક મોટો ઢગલો જોયો. રામબાબુ બાંયો ચઢાવીને ઊભા હતા. પહેલાં તો સમજણ ન પડી, પણ સમજણ પડી ત્યારે ત્યાંથી હઠવાનું દિલ ન થયું. રામબાબુની સંમતિ લઈને અમે પણ અડ્ડો જમાવ્યો. રામબાબુએ અને એમના શિલ્પભવનના વિદ્યાર્થીઓએ મળીને પાટિયાનું એક ઊંચું આસન બનાવેલું. એની ઉપર પેલા ગારામાંથી રાતોરાત એમને એક મૂર્તિ બનાવવી હતી. હાથ વિના એમની પાસે બીજું હથિયાર નહોતું. ગારામાંથી એક મોટો લોચો લઈને એમણે એની ભીનાશ અને ચીકણાશ બન્ને પામી લીધાં. વાંસના-કામડીના થોડાક ટુકડા પાસે પડ્યા હતા. કામ શરૂ થયું. માટીના લોચા મૂકતા જાય અને રામબાબુ એને આકારમાં ઢાળતા જાય. પાણી એ એક જ રસાયન એમની પાસે હતું, જે માટીમાંથી મૂર્તિ સરજી રહ્યું હતું. પહેલાં તો જાણે માટીનો ઢગલો પડેલો દેખાયો. એમાંથી શિલ્પીના હાથે માનવદેહનાં જુદાં જુદાં અંગો સરજાવા માંડ્યાં. પલાંઠી વાળેલા પગ દેખાયા. પેટ અને છાતીનો ભાગ જુદો પડ્યો. બંને હાથના આકાર નીકળી આવ્યા. ઉપરના એક મોટા ઘડા જેવા ભાગમાથી માથાની રચના થઈ ગઈ. ઉષાએ ઊગીને જ્યારે ઉજાસ આપ્યો અને ચાંદની કલાન્ત થઈને અસ્ત થવા માંડી ત્યારે આછા અજવાળામાં એ પ્રયોગવીર શિલ્પીએ મૂર્તિનાં હોઠ, આંખ, નાક, કાન, બધું ઉઠાવી દીધું હતું. પ્રભાતના સૂર્યનાં કોમળ કિરણો જ્યારે પહેલી વાર મૂર્તિને અડક્યાં ત્યારે તો રૂપ અવતરી ચૂક્યું હતું. ભગવાન તથાગત બુદ્ધની પ્રતિમા પૂર્વાભિમુખ રહીને અનુકંપાભર્યો આશીર્વાદ વરસાવી રહી હતી. પાસે જ શિલ્પી રામબાબુ ઊભા હતા અને બાળક જેવા સરળ ભાવે પ્રતિમાને જોઈ રહ્યા હતા. જોઈ જ રહ્યા હતા.

મસ્ત રામબાબુ મૂર્તિવિધાનમાં અદ્ભુત હતા. એમની સર્જનશક્તિ અને કલાદૃષ્ટિ માટે બે મત નહોતા. પણ બુદ્ધના મૂર્તિવિધાન પછી રામબાબુની મસ્તીમાં વિષાદ ઉમેરાયેલો જોયો. ચારપાંચ દિવસ પછી અમે આશ્ચર્યમુગ્ધ બનીને એક સવારે જોયું તો કલાભવનના જે આંગણામાં બુદ્ધ બેઠા હતા, તેની સામે જ સુજાતાની પ્રતિભા ઊભી હતી. એમ લાગે કે જાણે હમણાં બુદ્ધમાં જઈને સમાઈ જશે એટલી અભીપ્સા અને આરતભરી. સમર્પણની જાણે થીજી ગયેલ સૂરાવલિ.

હવે શિલ્પીનું અંતર ઓળખાયું. એની સર્જકપ્રતિભાએ ધ્યાનસ્થ બુદ્ધ સર્જ્યા પણ એને જંપ ન વળ્યો. પોતાનું સમસ્ત અર્પણ કરતી સુજાતા સરજીને જ એણે શાંતિ મેળવી.

રામબાબુ હવે પાછા મસ્ત લાગતા હતા. એમની ચાલમાં એ જ બેપરવાઈ હતી, એમની આંખો એવી જ બેતમા હતી. એમનો અંતરાત્મા નિતાન્ત પ્રસન્ન હતો. સર્જક કેવો મોટો શહેનશાહ છે એ તો રામકિંકરબાબુને જોયા પછી જ સમજાયું.

License

અમાસના તારા Copyright © by કિશનસિંહ ચાવડા. All Rights Reserved.